પરચા ૧૨૫

અનાદિ મુક્તરાજ ગોબરભગત શામજીભગત કાછડિયા

મોટી કુંકાવાવ

ગોબરભગત મોટી કુંકાવાવ તીર્થધામના પ્રગટ ભગવાનના લાડીલા પરમભક્ત છે. તેઓને નાનપણથી જ ગાયોની સેવા કરવી ખૂબ જ ગમતી તેથી ગાયોની સેવા સાથે સવારે ધૂન ભજન, પ્રભાતી ફેરી કરતા. કુંકાવાવ પાદરના સ્મૃતિ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠાએ શ્રીહરિ શરણાગતિ મંડળના તમામ ભક્તોએ ઉત્સવ ઉજવ્યો ત્યારે ગોબરભગત પણ ભેગા હતા. તેમને થયું કે અમારા ગામના આ મોટા સાધુ પણ આજે ભગવાન છે. જગવિખ્યાત થઈ ગયા. અમને પ્રગટ ભગવાન મળ્યા છે. અમારા ભગવાન અને અમારા ગામમાં જન્મ તેથી કુંકાવાવ મોટું તીર્થ થયું છે. તેમાં અમો રહ્યા તેથી અમારા ધન્ય ભાગ્ય છે.

એકવાર ગોબરભગત જૂનાગઢ ગામના ઘણાં હરિભક્તો સાથે મહારાજના દર્શને ગયા છે. સર્વે અવતારોનું ભજન કરનારા ભક્તો અવતારી એવા પરનારાયણના દર્શન કરે છે. ત્યારે મહારાજે સર્વેભક્તોને કહ્યું કે, સારું થયું તમે દર્શને આવ્યા. તમારે સૌએ કામકાજે જતા પહેલાં પાદર મંદિરે અમારા દર્શન કરીને કામકાજ કરવું. આમ કહી મહારાજે રાજી થઇ ગોબરભગતને એક માખણીયા લાલજી મહારાજનું સ્વરૂપ આપીને કહ્યું, આ મુર્તિ તમારા ધાર્યા સંકલ્પ પુરા કરશે અને તમારી રક્ષા કરશે.

ગોબરભગત બગક મેનેજર હતા. પણ સાદગીભર્યું જીવન સંતસમાન શોભાયમાન છે. સેવા, પ્રામાણિકતા અને સત્યતા તેમનો જીવનમંત્ર છે.મહારાજે તેઓને મંત્ર-દિક્ષા શરણાગતિ આપીને કહ્યું કે, તમારે ગાયોની જ સેવા કરો છો, મુંગા પશુઓની સેવા કરો છો, ભૂખ્યાને જમાડો છો. તે સેવા જ કર્યા કરજો અને પ્રભાતફેરી, ધૂન, ભજન, કરતા રહેજો. આમ મહારાજના રાજીપાના આશીર્વાદો મેળવી ગોબરભગતે અસંખ્ય ભક્તોને ભગવાનની ઓળખાણ આપી ભજન કરાવ્યું છે અને કલ્યાણ કર્યું છે. આવા ભગવાનને વહાલા ભગતે કુંકાવાવ, જૂનાગઢ, ફુલવાડી મંદિરે દર્શન-સેવા કરીને પ્રગટ મહારાજની સેવા-ભક્તિ કરી છે અને કરાવી છે.

અનાદિ મુક્તરાજ પૂજ્ય ગોબરભગતની આજ્ઞાથી કુંકાવાવ તેમજ આજુબાજુના અનેક ગામડાંઓ અને શહેરોના ઘણાં લોકો ભગવાન ભજતા થયા છે, નિર્વ્યસની થયા છે, સદ્ગુણી થયા છે, સત્સંગી થયા છે, મોક્ષમાર્ગે વળ્યા છે તેમજ જીવનમાં સારા સત્કર્મો પણ

કરતાં થયા છે. તેમના અનેક શિષ્યોમાંનો એક શિષ્ય પરિવાર એટલે ઇશ્વરીયા ગામનો ગાગડલિયા પરિવાર. જેમાં રાજુભગત, ઘનશ્યામભગત તેમજ મનોજભગત (કાકા પીવીસી ગ્રૂપ) તેઓએ ગોબરભગતની આજ્ઞાથી કુંકાવાવ મહારાજના બ્રહ્મપેલેસ મંદિરના કાર્યમાં ખૂબ જ સેવા આપી છે અને મોટા મહોત્સવો દ્વારા ભક્તોને પણ ખૂબ રાજી કર્યાં છે. આ પરિવાર દ્વારા ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રો પણ અનેક કાર્યો થઈ રહ્યા છે. નિરાધાર અબુધ એવા ઘણાં લોકોને એક સંસ્થામાં સારી રીતે સાચવી અને તેમને નવું જીવન પણ આપ્યું છે. આમ અનેક લોકોને પ્રેરણાદાયી શુભકાર્ય આ પરિવાર દ્વારા થઈ રહ્યું છે. જેથી તેમના ગુરૂસ્થાને રહ્યા એવા ગોબરભગત ખૂબ જ રાજી છે.

બસ આ જ રીતે સૌ ભક્તો સાથે મળી સંપ અને સમજણથી પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના સંકલ્પના કાર્યો કરીએ તેમજ જ્યાં જેવી જરૂર હોય તેવા ધર્મકાર્યોમાં પણ યથાશક્તિ સહયોગી થઈએ એ જ આપણાં જીવનનું લક્ષ્ય હોવું જોઇએ જેથી મહારાજ આપણાં સૌ પર કૃપા દૃષ્ટિ વરસાવતા રહે.