અનાદિ મુક્તરાજ દિલુભગત પોપટભગત દેવાણી
મોટી કુંકાવાવ
હું સૌ પ્રથમ ઇ.સ.૧૯૭૧માં મારા બાપુજી પોપટબાપા સાથે જૂનાગઢ મહારાજના દર્શને ગયો હતો. મારા બાપુજીને મંદિર શોધવામાં મુશ્કેલી પડે એટલે મને સાથે લઈ જતા. કુંકાવાવમાં ખેતી કામમાં કોસ હાંકતા હાંકતા જ્યારે નવરાશ મળતી ત્યારે બાપુજી જૂનાગઢ જતા. આમ ઘણી વખત મારે જૂનાગઢ જવાનું થતું. જૂનાગઢમાં નવા સભામંડપમાં મહારાજ કથા વાંચતા. ત્યારે પોપટબાપા મહારાજને દંડવત્ કરતા ત્યારે મહારાજ એક દંડવતમાં કહેતા હવે રાખો, એમ કહી પોતે પહેરેલો હાર મારા બાપુજીના ગળામાં પહેરાવતા.
એકવાર કુંકાવાવમાં જ્યારે કંભરા માતાને મહારાજના દર્શન કરવાની ઈચ્છા હતી ત્યારે મારા બાપુજી એક વખત વાડીએ ગયા ત્યાં બાજરો વાવ્યો હતો એ બાજરામાંથી મહારાજે દર્શન દીધા હતા. મહારાજ કહે, હું બાને દર્શન દેવા આવ્યો છું અને તમે બાને આ ગાડામાં લઈ આવો. એટલે મારા આતા કંભરામાને ગાડામાં લઈ આવ્યા. કંભરામા અને મહારાજ મળ્યા. માને સંતોષ થયો. ‘કંભરામાને ઘરે મૂકી આવું' એમ કહી બાપુજી મા ને મૂકવા ગયા અને મહારાજને કહ્યું, ‘તમે અહીં રહેજો હું હમણાં જ આવું છું.' મારા બાપુજીએ આવીને જોયું તો કોઈ ન મળે. આમ મહારાજ કંભરા માતાને દર્શન દેવા માટે જ આવ્યા હતા.
એક વખત હું અને મારા બાપુજી જૂનાગઢ દર્શન કરવા ગયા. અમે મહારાજ પાસે બેઠાં હતાં. ત્યારે મહારાજ કહે, મને આ પોપટભાઈએ નાનપણમાં ટાપલીયે પણ મારી નથી, માટે તમારે પણ છોકરાઓને મારવું નહીં.
હું મહારાજ પાસે બેઠો હતો ત્યારે મહારાજ બોલ્યા કે, ગામના માણસો એમ વાતો કરતા કે ગોપાળબાપાનો દિકરો બાવા સાધુ સાથે રખડે છે પણ હું તો કાશીમાં ભણતો હતો અને સાથે ઠેક ઠેકાણે કથા વાંચવા જતો. હું પોપટભાઈને ટપાલ લખતો કે, હું અહીં કાશીનગરીમાં છું અને આપ સૌના આશીર્વાદથી ભણવામાં હાગશિયાર છું. ગામને આ વાતની થોડી ખબર હોય.
એક વખત મહારાજે કહ્યું, હું નાનો હતો અને મારા બાપુજી ગોપાલબાપા મને લેવા જેતપુર આવ્યા ત્યારે હું જેતપુરથી જૂનાગઢ આવ્યો હતો એટલે સંતો ગોપાલબાપાને
કહે, કુંવરજી તો જૂનાગઢ ગયા છે. પછી ગોપાલબાપા જૂનાગઢ આવ્યા. જૂનાગઢના સંતો કહે, કુંવરજી તો જેતપુર ગયા છે. ત્યારે ગોપાલબાપા જૂનાગઢથી જેતપુર ચાલીને આવ્યા અને જેતપુરથી કુંવરજીને ખભે બેસાડી કુંકાવાવ ચાલતા આવ્યા હતા. બીજી વખત બાલમુકુંદ સ્વામી કુંકાવાવ આવ્યા ત્યારે કંભરાલક્ષ્મી અને ગોપાલદેવે રાજી થઈને મહારાજને (કુંવરજીને) બાલમુકુંદ સ્વામીને શિષ્ય તરીકે અર્પણ કર્યા અને સાધુ થવાની રજા આપી હતી.
બાલમુકુંદ સ્વામી અવારનવાર કુંકાવાવ મંદિરે આવતા. આપણાં મકાનના નવેળામાં કુઈ હતી તે કુઈનું પાણી જે કોઈ પીતા તેને વાળાનો રોગ થતો. ત્યારે બાલમુકુંદ સ્વામીની ઘરે પધરામણી કરાવી અને આ વાત કરી. ત્યારે સ્વામીએ પ્રસાદીના ફુલ એ કૂઈમાં નાખ્યા એટલે પાણી સારું થઈ ગયું. પછી તો આ કુઈનું પાણી ગામના સૌ ભરી જતા. એ જ વખતે બાલમુકુંદ સ્વામી સાથે મહારાજ (કુંવરજી)ને જૂનાગઢ સાધુ થવા મોકલ્યા હતા.
એક વખત હું, મારા ધર્મપત્ની તથા મારા બેન જૂનાગઢ દર્શને ગયા અને મેં મહારાજને વાત કરી કે, મહારાજ ઘરના સભ્યોને પણ તમારા દર્શન કરવા છે. ત્યારે મહારાજ જૂના ભવનની સીડીએ પીઠ બતાવીને ઊભા રહ્યા. હું મહારાજની પાસે ઊભો હતો પછી હું નીચે ઉતરી આવ્યો. ત્યારે મારા દીકરા ચેતનના મમ્મી કહે, મહારાજનું મુખારવિંદ તો પોપટબાપા જેવું જ છે.
એક વખત અમે જૂનાગઢ હતા અને મંદિરમાં આરતીનો સમય થયો તો ઘરના સભ્યોએ પૂછ્યું કે, અમારે મહારાજ ને કેમ ઓળખવા ? ત્યારે મેં કહ્યું કે, બધા સાધુ ઊભા હોય તેમાં મહારાજ એક ફૂટ ઊંચા દેખાશે. આમ ઘરના સભ્યોએ મહારાજને ઓળખી દર્શન કર્યાં હતાં.
એક વખત હું મહારાજ પાસે ગયો ત્યારે મેં મહારાજને કહ્યું, મને એક પુસ્તક આપોને. ત્યારે મહારાજ કહે, માળિયામાં છે. હું માળિયામાં લેવા ગયો પણ પહાગચી શક્યો નહીં. મેં કહ્યું, હું પહાગચી શકતો નથી. ત્યારે મહારાજે પોતાના હાથના આંકડા ભીડી મને ઉપર ચડવા કહ્યું, હું ઉપર ચડ્યો તેમ છતાં પહાગચી શક્યો નહીં. પછી ફરી વખત મહારાજ કહે, હવે ઉપર ચઢ અને હું પગ દઈ ચઢ્યો તો પુસ્તક સુધી પહાગચી ગયો. આમ ભગવાને લીલા કરીને પોતાની હાઈટ વધારી હતી.
એક વખત મારા ભત્રીજા અશ્વિન અરજણ દેવાણી (કે.પી. સ્વામીના પિતાશ્રી)
સાથે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા હતા. ઇ.સ.૧૯૭પમાં મૂર્તિ પ્રતિષ્ઠામાં હું અશ્વિનને કુંકાવાવ સાથે લઈ ગયો હતો અમે અમદાવાદથી કુંકાવાવ આવ્યા હતા. ત્યારે હું જબલપુર હતો. પછી અમે જૂનાગઢ ગયા હતા. ત્યાં મહારાજ પાસે સ્ટિલના ત્રણ ડબ્બાઓ હતા. એકમાં પગડા, એકમાં સાકર અને એક ડબ્બો ખાલી હતો. ત્યારે મહારાજે ત્રણ કાગળ રાખીને પહેલા ડબ્બામાંથી બે પગડા એક કાગળમાં રાખ્યા, બીજા ડબ્બામાંથી સાકર ત્રણે કાગળમાં રાખી, ત્રીજો ડબ્બો ઉઘાડ્યો કાંઈ ન હતું ત્યારે ડબ્બાને ઢાંકણું દઈ ડબ્બાને ફેરવ્યો ને એ ડબ્બામાંથી પગડા કાઢ્યા અને ત્રણે કાગળમાં રાખી અમને પ્રસાદીના પડીકા આપ્યા. આમ મહારાજે ઘણી વખત અલૌકિક ઐશ્વર્ય-ચમત્કાર બતાવ્યા હતા.
હું, અશ્વિન દેવાણી અને ધીરૂભાઈ વસાણી કુંકાવાવમાં મૂર્તિ પ્રતિષ્ઠા બાદ જૂનાગઢ દર્શન કરવા ગયા. મોડું થઈ ગયું હતું એટલે કાળવાચોકમાં અમે નાસ્તો કરવા ગયા. ત્યાં મેં નાસ્તો ન કર્યો પછી અમે મહારાજ પાસે મંદિરે ગયા. ત્યાં મહારાજ કહે, જમ્યા. એટલે અશ્વિનભગત કહે, હા જમ્યા. ત્યાં મહારાજ કહે, બે જણાં જમ્યા પણ એક જણ ભૂખ્યો છે. પછી અમને કહ્યું કે, હેમંતભગત પાસે જાઓ અને ત્રણે જણાં જે હોય તે પ્રસાદ લઈ લ્યો અને મહારાજે રાજી થઈ આશિર્વાદ આપ્યા કે, તમે ત્રણેય સુખી થશો તેમજ તમારા દીકરાઓ પણ અમારી સેવા-ભક્તિ-કાર્યો કરનારા થશે.
એક વખત સવારે વહેલા ઊઠીને હંું જન્મ સ્થળે દર્શન કરવા ગયો. હું જન્મસ્થળના ડેલાનું તાળું ઉઘાડી અંદર ગયો ત્યારે એક નાનો છોકરો સાત આઠ વર્ષનો, બાજુની રૂમમાંથી નીકળીને પાછલી શેરીમાં દોડી ગયો. જોયું તો ક્યાંયથી અવાય એવું હતું જ નહીં. મને થયું કે, આ છોકરો ક્યાંથી આવ્યો હશે ? પછી મેં વિચાર્યું કે, આ તો મહારાજને અતિ વ્હાલું પ્રસાદિનું જન્મસ્થાન છે, મહારાજ તો કાયમ અહિં બાલકૃષ્ણ રૂપે આવતા જ હોય. આ તો મારા અહો ભાગ્ય કે, મહારાજે આજે પોતાનાં દિવ્ય સ્વરૂપ બાલકૃષ્ણ રૂપે આવી મને દર્શન આપ્યા.
મહારાજના જન્મસ્થળમાં મારા બા દરરોજ સાફ સફાઈ કરીને પાણીયારે પાણી ભરતા અને ગાયના એક ટબુડી દૂધમાં તુલસીનું પાન નાખી વસ્ત્ર ઢાંકીને મહારાજને ધરતા. એક દિવસ જન્મસ્થળે દર્શન કરવા ગયો. ત્યાં મારી બા કહે, મહારાજને આ દૂધ ધરાવ્યું છે પ્રસાદીનું છે એ તું લઈ લે. ત્યારે મેં એ ટબુડી લીધી વસ્ત્ર ઉતાર્યું જોયું તો માત્ર તુલસીનું પાન જ હતું. મેં મારા બાને કહ્યું કે, ટબુડી તો ખાલી છે માત્ર તુલસીનું પાન જ છે. મારા બા ને
આશ્ચર્ય થયું પછી થયું ભગવાન રાજી થયા છે ને મારું ધરાવેલ દૂધ જમ્યા છે. તેથી મારા બા ધોળીબા ખૂબ રાજી થયા. આમ મહારાજ તેમના જન્મસ્થાનમાં હાજરાહજૂર વર્તે છે.
હું દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ફર્યો. કયારેક પ્રસંગોપાત કુંકાવાવ આવવાનું થતું ત્યારે હું મહારાજના દર્શને જૂનાગઢ અચૂક જતો. મહારાજને રૂ.પ૦૦ ભેટ ધરતો ત્યારે મહારાજ કહેતા કે, અમને તો બે જોડી ધોતિયાં મળી જાય એટલે અમારે કોઈ પાસે માગવું ન પડે. માટે તારે મને વરસે બે જોડી ધોતિયાંની સેવા આપી દેવી. આવી રીતે મહારાજ મારી સેવા સ્વીકાર કરતા.
એક વખત મારે મહારાજના કરચરણના ચિન્હોના દર્શન કરવાની ઈચ્છા હતી. હું અને શામજીભાઈનો વિનુ બંને જૂનાગઢ દર્શન કરવા ગયા ત્યારે મને કહ્યું, અહીં આવો બંને જણા શંકા હોય ને તો કાઢી નાખો. એમ કહી વિનુ તરફ હાથ લાંબો કરી કહે આ લ્યો કરી લ્યો દર્શન ત્યારે તે વિનુને દર્શન થયા મને બાજુમાં બોલાવ્યો અને મને કહે, કાંઈ દેખાય છે. ત્યારે વિનુને ચિન્હોના દર્શન થાય પણ મને દર્શન થતા ન હતા. મહારાજ કહે, તને નથી દેખાતું. મેં કહ્યું, મને નથી દેખાતું. તેથી મહારાજ હાથ ટાઈટ કરી પોતે ટટ્ટાર થઈને બેઠા ને કહે, જો હવે દેખાય છે. પછી મને ચિન્હો દેખાયા. ત્યારે વિનુ કહે, કાકા હવે મને કાંઈ નથી દેખાતું. મહારાજ કહે, ઘડીક આને દેખાય ને ઘડીક આને દેખાય એવું વળી શું છે ? પછી મહારાજે મંદ મંદ હસતા હસતા કહ્યું, દિલુ આને ભગવાન કહેવાય.
આમ અમે ચિન્હોનાં દર્શન કર્યાં પછી મહારાજથી થોડા હટીને દૂર બેઠાં ત્યાં મહારાજ બોલ્યા, તમે એમ ન સમજતા કે આ મામુલી બાવો છે. એમ કહી અમને બાજુમાં બોલાવ્યા ને ડાબા પગનું ધોતિયું થોડું ઊંચુ કરી સાથળમાં લાલઘુમ ઉપસેલા લક્ષ્મીજી પગની આંટી મારીને બેઠાં છે એ દર્શન કરાવી મહારાજ કહે, લક્ષ્મીજી પણ અમને વરેલા છે માટે સમયજતાં કુંકાવાવમાં એટલો રૂપિયો આવશે કે કુંકાવાવવાળાને બેઠાં બેઠાં બહારગામથી મારા દર્શને આવનાર ભક્તોની સેવા જ કરવાની છે. રૂપિયા બધાં બહારથી આવશે અને કુંકાવાવમાં મારી જન્મજયંતી એવી ઉજવાશે બ્રહ્માંડના સર્વે ઈશ્વરો દેવો સૌ આવશે અને આ મહાતીર્થ તરીકે પૂજાશે અને એ સહુ દેવો-ઈશ્વરો-અવતારોનાં બધાં ચિન્હો હું ધરાવું છું માટે કુંકાવાવમાં ખૂબ સમૃદ્ધિ આવશે. તથા મહારાજે એમ પણ કહ્યું હતું કે, કુંકાવાવમાં મને પાદરે બેસાડ્યો છે. તો હવે માનતા પુરી કરવા અહીંયા ન આવવું ત્યાં પાદરે જ માનતા માની લેવી પુરી કરવી. કુંકાવાવમાં હું ર૪ કલાક હાજર જ વર્તું છું તમારું ધાર્યું કામ પૂરું થશે. કુંકાવાવ
મોટું યાત્રાનું ધામ થશે. જ્યારે દેશ-વિદેશમાં મારા શાસ્ત્રોની કથા વંચાશે ત્યારે મને અને કુંકાવાવ-જૂનાગઢ અને જામવંથલી ધામને ગોતતા ગોતતા સૌ આવશે. કુંકાવાવવાળાને તો ક્યાંય યાત્રા કરવા જવાની જરૂર નથી. કુંકાવાવમાં જ સર્વે તિર્થો મારી સેવા-ભક્તિ કરવા વસ્યા છે.
આમ પ્રગટ ભગવાન પોતાનું ભગવાનપણું દેખાડતાં જાય, રમુજ કરતા જાય, જ્ઞાન દેતા જાય પણ એમ જ કહે કે, હું ભગવાન છું. એટલે આમ એ ભગવાનના શબ્દો અને એ મળ્યાનો યોગ, દર્શનનો સમય અને ભગવાનનું અંતર્યામીપણું એ એવું અલૌકિક છે કે ભગવાનની રીત કળાતી નથી. પણ આજે એ દિવસોને યાદ કરીએ છીએ ત્યારે કલાકો સુધી જાણે સમાધીમાં બેઠા હોઈએ એવો અનુભવ, આનંદ, આશ્ચર્ય, અલૌકિકતાથી અંતર આત્મા પ્રફુલ્લિત થઈ જાય છે.
ભગવાન પોતાના ભક્તોને કોઇપણ પ્રકારે પોતાની મૂર્તિમાં ખગચી જાય છે અને એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ ભાસતું નથી, ગમતું નથી અને જ્યારે જ્યારે આ પ્રગટ ભગવાનનાં ભક્તમંડળના ભક્તો મળે છે ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે.