અનાદિ મુક્તરાજ દયાળજીભગત નથુભગત ટાંક
જામવંથલી, હાલ પૂના
મારી દયાળજીની ઉંમર છ વર્ષની હશે ને મારા ભાઈ ધર્મલાલની ઉંમર સવા-દોઢ વર્ષની હશે અને ત્યારે હજી મારા નાના ભાઈ નવિનનો જન્મ નહોતો થયો. અમારી ઉંમર દોઢ વર્ષની થાય એટલે અમારા બાપા મહારાજ પાસે કંઠી બંધાવી દેતા. અમારો વંશ પરંપરાગત સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ ખરો એટલે જામનગર સ્વામિનારાયણ મંદિરમાં આવવા જવાનું રહે ત્યારે જામનગરમાં મહારાજ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી બિરાજતા હતા એટલે અમારા દાદા પરિવારથી સત્સંગ હતો.
એકવાર અમારા દાદા વાત કરતા કે, દાદાને મારા ફુવા દર વર્ષે કડબનું ગાડું ભરીને જામનગર મંદિરે આપવા જતા ત્યારે જામનગર મંદિરમાં હરિમંદિર હતું તેને પાડી નાખી શિખરબંધ મંદિર કરવા મહારાજનો સંકલ્પ હશે એટલે મેપાદાદા અને રણછોડ ફુવા કડબનું ગાડું ભરી પહાગચ્યા. ત્યારે મહારાજે કહ્યું, તમે એક દિવસ રોકાઈને આ કાટમાળ ઉપાડવો છે તો આ કાટમાળ ઉપાડવાનું કામ કરી સાંજે મહારાજના ચરણ દાબતા હતા ત્યારે મહારાજ રાજી થઈ બોલ્યા કે, મેપાભાઈ તમને અંતઘડીએ હું મારા ધામમાં લેવા આવીશ. એટલે દાદાએ તો ગામમાં બધાને વાત કરી દીધી.
એકવાર મારા બાપુજી નથુભાઈ મહારાજની ચરણસેવા કરતા હતા ત્યારે મારા બાપુજી વારંવાર પોતાના વાંસામાં હાથ ફેરવે ને વળી ચરણ દાબે ત્યારે મહારાજ બોલ્યા કે, શું નથુભાઈ વારંવાર હાથ વાંહે ફેરવો છો શું થયું છે ? ત્યારે બાપા કહે, મહારાજ વાંસામાં હાડકી છે એટલે મહારાજ કહે, તું વાસો ફરી જા. એમ કહીને બાપા વાસો ફર્યા ને મહારાજે જ્યાં દુઃખતું હતું ત્યાં પગનો અંગુઠો અડાડ્યો. ત્યાર પછી કોઈ દિવસ હાડકી દુઃખી નથી.
અમારા મકાનને આજુબાજુ ૭-૮ પ્લોટમાં એક સાપ ફરતો ત્યારે મહારાજ જામવંથલીમાં હતા ને ઘરે ઘરે પધરામણીઓ થતી ત્યારે અમારે ઘરે આવ્યા એટલે મારા બા એ મહારાજને કહેવડાવ્યું કે ઘરમાં સાપ ફરે છે તેથી છોકરાવ બીએ છે. એટલે મહારાજે પાણીનો લોટો મંગાવ્યો ને ઘરમાં અને આખા પ્લોટમાં પાણી છાંટ્યું તે દિવસ પછી ક્યારેય સાપ દેખાયો નથી. આમ અમારી સૌની ખૂબ રક્ષા કરી છે.
એક વખત અમારા બાપા મહારાજની ચરણસેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા,
નથુભાઈ તમે અમદાવાદથી ઓલી બાજુ કામ કરવા જાઓ એટલે મારા બાપુએ પહેલાં મુંબઈમાં બે ત્રણ વર્ષ કામ કર્યું પછી પૂના આવતા રહ્યા ને અહીં જ રહ્યા. હું દુબઈ ગયો ત્યારે ત્યાંથી મહારાજને કાગળ લખતો ને મહારાજ મને કાગળનો જવાબ પણ આપતા અને કાગળમાં ગુલાબ પાંખડી મૂકતા એટલે વિદેશમાં રક્ષા થતી. મહારાજની દયાથી કોઈ દિવસ કોઈ તકલીફ પડી નથી. આમ મહારાજ બહું ધ્યાન રાખતા.
એકવાર ગામમાં પંચાયતે પ્લોટ વેચવા કાઢ્યા તેની કિંમત બસો રૂપિયા રાખી અને પ્લોટની બોલી બોલીને ઉપર વધારે બોલીને લઈ શકાય એટલે નથુબાપા ગયા જામનગર મહારાજ પાસે દંડવત્ કરી બેઠા અને વાત કરી. મહારાજ પંચાયતે પ્લોટ વેચવા કાઢ્યા છે ને કિંમત બસો રૂપિયા રાખી છે પણ કોઈ બોલી બોલીને ઉપર વધારે બોલે તો મારી પાસે બસો જ રૂપિયા છે ને એ પ્લોટ મારે લેવો છે ત્યારે મહારાજ બોલ્યા નથુભાઈ એ પ્લોટમાં બોલી બોલવા કોઈ નહીં આવે બસ. એ પ્લોટ તેમને જ મળશે આમ મહારાજે કૃપા કરી.
એકવાર અમારા ઘરમાં પધરામણી કરી. ત્યારે અમારી બા એ પૂછાવ્યું મહારાજ અમારા ઘરમાં સરગવાનું ઝાડ છે એટલે અમારી પરિસ્થિતિ નબળી છે એટલે મહારાજ કહે, સરગવાના ઝાડથી શું થાય ? મહારાજ કહે, અમારા મંદિરમાંય સરગવાનું ઝાડ છે. માટે કંઈ ચિંતા ના કરો. આમ મહારાજ ભક્તોને આશ્વાસન આપતા.
એકવાર અમારી ગાયનું દૂધ દરરોજ સવારે મંદિરે એક લોટી દૂધ દેવા જતા એટલે મહારાજ લોટીમાં પ્રસાદી આપતા. એકવાર ગાયને એક આંચળમાં દૂધ સાથે લોહી પડતું એટલે એ આંચળનું દૂધ ફગકી દેતા. ત્યારે આ વાત મહારાજને કરી તો મહારાજે એક શ્રીજીરક્ષા બનાવી આપી કહ્યું આને કપડામાં બાંધી ગાયના ખીલે બાંધી રાખજો. એ શ્રીજીરક્ષા ગાયના ખીલે બાંધ્યા પછી ગાયને આંચળમાં દૂધ સાથે લોહી આવતું બંધ થયું.
અમે જામનગર જતા ત્યારે જામનગરમાં મંદિરની બહાર એક પાણીનો નળ હતો ત્યાં મહારાજ આવીને નળ ચાલુ કરી નીચે પગનો અંગુઠો રાખે ત્યારે અમારા બા કહે જાઓ મહારાજ ઊભા છે ને એ અંગૂઠો અડીને પાણી આવે એ આ બાટલીમાં ભરી લેજો ત્યારે અમે બાટલી ભરી લેતા ને ઘરે લાવતા. એટલે અંતર્યામી ભગવાન ભક્તોના સંકલ્પ જાણીને આમ પ્રસાદી આપતા.
અમારા પરિવાર સાથે મહારાજનાં મંડળ સાથે ફોટા પડાવ્યા છે. પ્રેમજીભાઈ ખોલિયા
જે ફુલવાડી દાનમાં આપી એ પ્રેમજીભાઈ મારા નાનાજી થાય અને રણછોડભાઈ મનાણી એ મારા ફુવા થાય. મારા બાપુજીના મામા વસ્તાભાઈ ગુજરી ગયા હતા એ મામાને મારા બાપુજીમાં હેત બહુ એટલે મારા બાપુજી કહે, મામા તમારા માટે મારે કંઇક કરવું છે એટલે પિતૃ મામા કહે, ભાણેજનું કાંઈ ન લેવાય. મારા બાપુજી કહે, હું મંદિરમાં એક પાણીનું બેડું દઇશ. ત્યારે મામાએ કહ્યું- હું માંગતો નથી, દેવું ન દેવું તારી મરજી એમ કહીને મામા બોલ્યા મહારાજ તારે ઘેર આવશે ને ત્યારે હું ખોળિયામાં આવીશ ને એકવાર મહારાજ આવ્યા ને મહારાજ શેરીમાં આવ્યા ને પિતૃ વસ્તામામા બાપુજીના ખોળિયામાં આવી ગયા એટલે મહારાજ તો બધું જાણી જાય એટલે મહારાજ કહે બોલ શું જોઇએ છે તારે ? પિતૃ કહે, મને મોક્ષ જોઇએ છે એટલે મહારાજે પોતાના ગળામાં પહેરેલ હાર બાપુજીના ગળામાં નાખ્યો. હા જાઓ તમારો મોક્ષ. આમ મહારાજ રક્ષાઓ કરતા. મહારાજ અમારા પરિવારને પોતાનો માની ને બધાં સંકલ્પ પૂર્યા છે. અલૌકિક સુખ આપ્યાં છે, ખૂબ દયા કરી છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ખૂબ કૃપા કરી છે.