અનાદિ મુક્તરાજ પરષોત્તમભગત ડાહ્યાભગત મકવાણા
જામવંથલી, હાલ- નાસિક
મારી ઉંમર નાની હતી ત્યારે હું મારા માતુશ્રી સાથે જામનગર બજારે ઘરવપરાશનો જરૂરી સામાન લેવા જતા ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં રોકાતા હતા. ત્યારે મહારાજ ઉપરના માળે રૂમમાં રહેતા અને ભક્તો આવે ત્યારે દર્શન આપવા લોબીમાં ઊભા રહી માળા ફેરવતાં એટલે બધા ભાઈ-બેનો દર્શન કરી લેતા અને મારા બા મને પ્રસાદીનું પાણી લેવાનું કહેતા એટલે હું મહારાજ પાસે જતો. મહારાજ અંગૂઠો બોળીને પાણી આપતા એ હું લાવતો.
એકવાર હું, મારા ઘરના અને મારા સાઢુભાઈની છોકરી સાથે અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે અમને ઉપરકોટ ફરવા જવાનું કહ્યું. ત્યારે પાછળથી મહારાજ તેમજ હેમંતભગત પણ ત્યાં આવ્યા ત્યારે ઉપરકોટમાં અમે જતા હતા ત્યારે મહારાજ એક જગ્યાએ ઊભા રહી ગયા ત્યારે સામેથી એક સંઘ આવતો હતો એ સંઘ નજીક આવ્યો એટલે દરેક નાના-મોટા, બાળ-બચ્ચા, ભાઈઓ-બેનો બધાએ મહારાજના ચરણસ્પર્શ કર્યા અને અમે ઉપર ગયા ત્યારે મહારાજે પોતાના દિવ્ય તેજોમય સ્વરૂપના દર્શન કરાવ્યા. એ દર્શન કરી અમે ધન્યતા અનુભવી. આવા દર્શન બહુ મોટા ભાગ્યશાળીને થાય. એકવાર અમારા માતુશ્રીની તબિયત બગડતી જાય એટલે અમે વિચાર્યું કે મહારાજને કહીએ કે, હવે અમારા બા ને ધામમાં લઈ જાવ. એવું નક્કી કર્યું અને બાને દ્રાક્ષ જમાડી તો બાને ત્યાં મહારાજ ધામમાં તેડી ગયા.
એકવાર હું જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મહારાજના ચરણ દાબતો હતો અને મહારાજ સત્સંગ કરતા હતા ત્યારે સવારે ચાર વાગી ગયા અને મહારાજે દિવ્ય દર્શન આપ્યાં. તેજોમય સ્વરૂપ, અનંતકોટી બ્રહ્માંડોના ધણી આજ મને પોતાનો રાજીપો વરસાવી દર્શન આપ્યાં. હું તો ધન્ય ધન્ય થઈ ગયો.
આમ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મને અનેકવાર મહારાજના દર્શન તેમજ સેવાનો લાભ મળ્યો છે અને મહારાજની કૃપાથી અમે ખૂબ સુખી છીએ અને સેવા-ભક્તિ કરી ધર્મમય જીવન પસાર કરીએ છીએ. તેમજ યથાશક્તિ મહારાજના કાર્યોમાં સેવાનો લાભ લઈ અમારા જીવનને વિશેષ ધન્યભાગી બનાવીએ છીએ.