અનાદિ મુક્તરાજ મૂળજીભગત વેલજીભગત ખોલિયા
જામવંથલી, હાલ- રાજકોટ
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી જામવંથલીમાં મારો જન્મ થયો અને નાનપણથી જ મહારાજની પરિપૂર્ણ ઓળખ થઈ હતી. જેથી મને ત્યારે જ મહારાજે દિક્ષામંત્ર આપી કંઠી બાંધી હતી. પછી તો અનેકવાર જામનગર, જામવંથલી, જૂનાગઢ તેમજ રાજકોટ જ્યાં જ્યાં મહારાજ વિચરતા, સત્સંગના કાર્યો કરતાં ત્યાં ત્યાં મહારાજના દર્શનસેવાનો લાભ મળતો.
મહારાજના આશિર્વાદથી હું દુબઈ કામ માટે ગયો હતો ત્યારે એકવાર કંપનીની સાઈટ પર પાંચમા માળેથી નીચે પડ્યો ત્યારે મહારાજે આવી મને હાથમાં ઝીલીને નીચે આરામથી મૂકી દીધો. નીચે કાચ અને સળિયા હતા. તેમાં મને પ્રગટ ભગવાને બચાવ્યો. ત્યારે ટપુ ભગતના ભાઈ દેવજી ભગત કહે, મહારાજે તમારી રક્ષા કરીને સૂળીનું દુઃખ કાંટે ટાળ્યું છે. એટલે મને થયું કે, હા મહારાજે રક્ષા કરી નવું જીવન જ આપ્યું છે. મને ત્યારે થોડું પગમાં લાગ્યું હતું તો પણ તેના બદલામાં કંપનીએ મને રજા આપી. ચાર મહિનાનો બેઠો પગાર મને આપ્યો હતો. ત્યારે મેં વિચાર્યું મહારાજે રક્ષા કરી એટલે મેં દેવજી ભગતને રૂ.પ૦૦ આપી કહ્યું, મહારાજને આ સેવાના મોકલી આપજો. તેથી દેવજીભગતે કાગળ લખ્યો પછી મહારાજનો પત્ર આવ્યો એમાં લખ્યુ હતું કે, અમે તમારું સૂળીનું દુઃખ કાંટે ટાળ્યું છે. માટે ભક્તિ કરજો, ગુલાબની પાંખડી પ્રસાદી ખાજો.
હું મહારાજના દર્શન કરવા જૂનાગઢ જાઉં ત્યારે મારા ભેગા વશરામભાઈ હોય. અમે બંને જૂનાગઢ ગયેલા ત્યારે મહારાજની ચરણસેવા કરતા હતા. ત્યારે મેં મહારાજને કહ્યું, મને લક્ષ્મીનારાયણ સંહિતા આપો. મહારાજ કહે, તમે અભણ છો તો એનું શું કરશો ? મેં કહ્યું, મારા ધર્મપત્ની ભાનુબેન એ શાસ્ત્રનાં દર્શન - પુજા કરશે. પછી મહારાજ બોલ્યા, હજી કાંઈ ભૂલાતું નથી ને ?
મારા ઘરવાળા મને કાયમ કહેતા કે, મહારાજ પાસે પ્રસાદિની વસ્તુઓ માંગજો પણ હું માંગતો નહીં. જેથી મહારાજ યાદ કરાવતા કે કાંઈ ભૂલાતું નથી ને ? તો હું ના પાડતો પણ મહારાજ અંતર્યામી છે, એ જાણે છે એ રાજી થઈને આપે એ જ આપણે સુખદાયી. પછી મહારાજે રાજી થઇ કંઠી આપી, ગંજીયા આપ્યા તથા જનોઈ પણ આપી છે.
મારી બે દીકરીઓ હતી એટલે મારા ઘરનાએ મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ કૃપા કરો તો અમારા ખોળે એક દિકરાનો પણ જન્મ થાય. પછી મહારાજના આશીર્વાદથી રાજુનો જન્મ થયો, અમે રાજુને મહારાજને પગે લગાડવા, દર્શન કરવા જૂનાગઢ લઈ ગયા ને મહારાજની બાજુમાં બેસાડ્યો ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યા કે, જાઓ તમે ખુબ સુખીયા થાશો. પછી રાજુને મહારાજે કંઠી બાંધી આપી. ત્યારે મેં મહારાજને પ્રાર્થના કરી કે, ઘરના નીચે ઊભા છે, દર્શન આપોને. એટલે મહારાજે રવેશમાં આવી દર્શન આપ્યા ને આશીર્વાદ આપ્યા જાઓ સુખી થાઓ. આમ મહારાજના આશીર્વાદથી અમે સુખી છીએ.
મહારાજે મને રાજકોટમાં હસનવાડીમાં મકાન વેચવાનું કહ્યું હતું અમે એ મકાન વેચી બીજે રહેવા આવતા રહ્યા તેથી અમે ઘણાં સુખી થયા છીએ.
એકવાર રાજુના મમ્મીને મોઢું આવી ગયું, કાંઈ ખવાય નહીં એટલે બહેરીનથી છગનભાઈ આવેલા. તે મહારાજના દર્શન કરવા જતા હતા એટલે ઘરનાએ છગનભાઈને કહ્યું, મહારાજને કહેજો મને મોઢું આવી ગયું છે. એમ છગનભાઈએ મહારાજને વાત કરી. ત્યારે મહારાજ કહે, તમારા બેને પીરને, માતાજીને, રામને, ઘનશ્યામ મહારાજને કેટલીય માનતા કરી તોય સારું ન થયું પછી મને યાદ કર્યો. પણ જો મારી એકની માનતા કરે તો એમા બધાયની માનતા આવી જાય અને બધું સારું થઈ જાય. આમ મહારાજે કહ્યું. પછી રાજુના મમ્મીએ મહારાજને થાળ જમાડવાની માનતા કરીતો તરત જ તેને મોઢું મટી ગયું.
મારી જેમ મારા ઘરના ભાનુબેનને મહારાજનું ખુબ બળ હતું તેમણે મહારાજની હયાતીમાં ફુલવાડીમાં પ્રસાદિ ભવનમાં પણ સેવા કરીને પ્રગટ ભગવાનના આશીર્વાદ લીધા છે. જેના ફળ સ્વરૂપે અંતકાળે મહારાજ તેને દર્શન દઇ પોતાના દિવ્ય પરમધામમાં તેડી ગયા છે.
આમ ભગવાને અમારી ઘણી રક્ષા કરી છે. અમે તો કાંઈ જાણતા ન હતા. ભગવાનને કેમ રાજી કરવા, તે કાંઈ વિધિ આવડતી ન હતી. પણ અંતર્યામી ભગવાને અમારી રક્ષા કરી છે. અમને રાજી થઈને પ્રસાદી આપી છે તથા અમારી નજર રાખી છે, સુખી કર્યા છે. તેમજ મહારાજના કાર્યોમાં મંદિર તેમજ ઉત્સવોમાં પણ હું તેમજ મારો દીકરો રાજુ યથાશક્તિ સેવાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરીએ છીએ અને વિશેષ ભજન કરીએ છીએ.