પરચા ૨૬

અનાદિ મુક્તરાજ રામજીભગત જેઠાભગત મકવાણા

જામવંથલી, હાલ- રાજકોટ

હું જામનગર સ્વામિનારાયણ મંદિરમાં મહારાજના દર્શન કરવા મારા પિતાશ્રી જેઠાબાપા ભેગો ગયો ને મહારાજના દર્શન કર્યા ને મહારાજ એટલા રૂપાળા ને ભગવાનમાં એવું આકર્ષણ કે ત્યાંથી અલગ થવું ના ગમે. તે મહારાજ સાંજે કથા વાંચીને નીચે આવ્યા અને ઓફિસની બાજુમાં આરામખુરશીમાં બિરાજમાન થયા ને બધા ભક્તો સેવા કરવા લાગ્યા પણ ભક્તો જાજા એટલે બધાને લાભ આપવા માટે મહારાજે પોતાનું શરીર વધાર્યું ને બોલ્યા, લો આ શરીરને લાંબુ કર્યું પણ ભગવાન ભેગી ખુરશી પણ લાંબી થઈને બધા ભક્તોને ભગવાનની સેવાનો લાભ મળ્યો. (તે પ્રસાદીની ખુરશી પરમધામ ફુલવાડી મંદિરના પ્રસાદીભવનમાં દર્શન માટે પધરાવેલ છે.)

જામનગરમાં મને રામજીને મહારાજે વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. એકવાર હું બીમાર પડી ગયો ને પેટમાં આંતરડા ખરાબ થઈ ગયા ને ડૉક્ટરને દેખાડ્યું તો કહે, ઓપરેશન કરાવવું પડશે અને નવું આંતરડું નાંખવું પડશે. હું મહારાજ પાસે ગયો દર્શન કર્યાને મહારાજને કહ્યું,મહારાજ પેટમાં દુઃખાવો બહું થાય છે. તો મહારાજ કહે, ઓપરેશન ના કરાવાય. મહારાજ કહે, સૂઈ જા. ત્યારે મહારાજે ચિન્હવાળો હાથ પેટ પર ફેરવ્યો ને ચિન્હવાળા ચરણ પેટ પર મૂક્યા તો આંતરડા નવા થઈ ગયા અને આજની તારીખ સુધીમાં કોઈ દિવસ પેટનો દુઃખાવો થયો નથી. આ ભગવાને મોટો પરચો આપ્યો. તે 'દિથી અમારા આખા ઘરને ભગવાનનો નિશ્ચય થયો તે પ્રગટ ભગવાનની કૃપાથી આજ સુધી નિશ્ચયમાં ક્યારેય ફેરફાર થયો નથી. એવા પ્રગટ ભગવાનના આશીર્વાદ અને કૃપા છે.

મહારાજે જામનગર તથા વંથલી મંદિર માટે સોના-ચાંદીના ગંગા-જમના બે હીંડોળા કારીગર પાસે કરાવ્યા અને જામવંથલી મહારાજ હીંડોળાની આરતી ઉતારવા માટે પધાર્યા હતા. શ્રાવણ મહિનામાં સાંજે આરતી ઉતારી પછી મહારાજ કહે, જંગલ જાવું છે. ત્યારે અમો પાંચ-છ ભક્તો ભેગા હતા છગનલાલભગત, રામજીભગત બધા ભક્તો હતા અને મહારાજે નદીમાં ધુબકીયો કહેવાય છે. ત્યાં હાથ ધોયાને બંને ચરણો ધોયા. પછી બધા ભક્તોને પ્રસાદીના જળથી ખોબા ભરીને પ્રસાદીનું જળ છાંટ્યું અને નવડાવ્યા. તે વખતે તે નદીમાં પાણી વેતીયાણ ન રહેતું તેથી ત્યારે મહારાજે નદીને કહ્યું, હવે વહેતા રહેજો. પછી

તો આખું વરસ નદીનું જળ વહેતું રહ્યું. મહારાજ બે દિવસ સુધી આખા ગામમાં પધરામણીએ ગયા. ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ હતો. મહારાજ ભક્તોને ઘેર પધરામણીએ જાતાને ઘરમાં લાકડાના પટારા પર હાથ ફેરવતાને બોલતા અખૂટ રહો, અખૂટ રહો. ત્યારથી ભક્તોના પટારા અન્ન, ધન, વસ્ત્રથી ભરપૂર અખૂટ થઈ ગયા. આવી મોટી અપાર કૃપા પ્રગટ ભગવાને કરી છે.

જામવંથલીથી મહારાજ ચાવડાના ભક્તોના આગ્રહથી ચાવડા પધાર્યા. તે વખતે જેઠાબાપાએ નવું સીસમના લાકડાનું ગાડું કરાવ્યું હતું અને બળદની જોડ પણ બહુ મોટીને રૂપાળી હતી. તેથી ભગવાનને ચાવડા પધાવવા માટે જેઠાબાપાએ ગાડું શણગાર્યું અને બળદને શણગાર્યા. પ્રગટ ભગવાન તે રથમાં બિરાજીને ચાવડા પધાર્યા ને ચાવડાના આખા ગામના ભક્તો વાજતે-ગાજતે મોટું સામૈયું લઈને ગામની ભાગોળે આવ્યા અને મોટી સામૈયા યાત્રા સાથે ભગવાનને મંદિરમાં પધરાવ્યા. મંદિરમાં મહારાજે આખા ગામના ભક્તોને કથા-વાર્તાનો બહુ મોટો લાભ આપ્યો અને ભગવાને પોતામાં પ્રતાપ જણાવ્યો કે આખા ગામના ભક્તોએ મહારાજની શરણાગતિ સ્વીકારીને ભજન કરતા થઈ ગયા અને ભગવાને કેટલાંય દુખીયા ભક્તોને સુખીયા કર્યા.

એક દરબારના દિકરાને મોઢામાં જડબુ ખસી જતું તો ખૂબ જ દવા કરાવી પણ સારું ન થયું. તેને મહારાજ પાસે લાવ્યા. તેને મોઢે બોકારું બાંધી રાખ્યું હતું ત્યારે મહારાજે કહ્યું, આને છોડી નાખો તો તેમના સંબંધીઓ કહે મહારાજ છોડશું તો તુરત ખડી જાસે ત્યારે મહારાજ કહે અમે કહીએ છીએ છોડી નાખો ત્યારે બોકારું છોડી નાંખ્યું ને મહારાજે ચિન્હવાળો હાથ તેમના ગાલ પર ફેરવી દીધો તો તુરત જડબું ચડી ગયું ને કોઈ દિવસ જડબું ખસ્યું નહીં. તો આવા પરચાથી બધા ભક્તો રાજી થયા ને ભગવાનના કાયમ ગુણ ગાય છે ને ચાવડા ગામમાં મહારાજે ઘરે ઘરે પધરામણી કરી છે. બધાય ભક્તોને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે.

ત્યારબાદ સવારમાં રતિલાલભગત હંસરાજભગત, હંસરાજ કાનજીભગત, ટપુલાલ કાનજીભગત, દેવજી કાનજીભગત, બધા ઘરમંડળ મળીને સવારમાં ભગસો, ગાયો દુઝતી હતી તો તે દૂધમાંથી મહારાજને અભિષેક કરાવી તે દૂધનો દૂધપાક બનાવીને બધા ઘરમંડળ પ્રસાદ જમ્યા. તેવો મોટો લાભ પ્રગટ મહારાજને પોતાના વહાલા ભક્તોને આપ્યો. મહારાજ જામનગર મંદિરમાં રહેતા ત્યારે ભક્તો આખો દિવસ દર્શન કરવા આવતા ત્યારે

ભગવાન બધા ભક્તોને જમાડતાં. દુઃખી હોય તેને સુખીયા કરતા. મારા લગ્ન થયા ત્યારે હું મહારાજના દર્શન કરવા જામનગર મંદિરમાં ગયો. મહારાજ બીજે માળે રહેતા અને શાસ્ત્રો લખતા. મહારાજના દર્શન કરવા બીજે માળે ગયો. મહારાજને દંડવત કર્યાને મહારાજ રાજી થઈને બંને હાથ માથા ઉપર મૂકી બોલ્યા ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન, કિર્તીવાન થાઓ. આવા આશીર્વાદ આપીને પોતાના ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો હતો તેમાંથી મહારાજે મને પ્રસાદીનો ચાંદલો કરી આપ્યોને ખૂબ જ આશીર્વાદ આપ્યા.

મહારાજે જામનગર મંદિર માટે બધી સગવડો, આજીવીકા કરી આપી અને બધા કામોથી નિવૃત્ત થઈ જામનગરથી છૂટા થવા રાજીનામું આપ્યું ને મહારાજ જામનગરથી જૂનાગઢ પધારવાના હતા પણ જામવંથલીના ભક્તોને મહારાજનો બહુ મહિમા હતો તો સત્સંગ સમાજે સમજીને નક્કી કર્યું કે મહારાજને આપણે જામવંથલી લઈ આવીને મહારાજનો લાભ લઈએ. ત્યારે આગેવાનો, ભક્તો જામનગર મહારાજને આમંત્રણ આપવા ગયા અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમો જામવંથલી પધારો ને ત્યાં જ રહો અને મંદિર સંભાળો. ત્યારે મહારાજે રાજી થઈને લેખિત કરી આપ્યું કે તમારી પ્રાર્થનાથી અમો જામવંથલી પધારીશું. તેથી મહારાજ સંવત ર૦૧૯માં અષાઢ વદ-૪ના રોજ જામવંથલી પધાર્યા.

મહારાજ પ્રથમવાર જામવંથલી પધાર્યા ત્યારે ગામના સીમાડા સુધી વાજતે-ગાજતે મોટું સામૈયું લઈને આખા ગામના ભક્તો સામા ગયાને મહારાજ માટે પ૧ બળદનો મોટો રથ શણગારાયો હતો. તેમાં ભગવાન બિરાજમાન થયા અને ધૂનમંડળી, રાસમંડળી ધામધૂમથી ભગવાનને વંથલી મંદિરમાં પધરાવ્યા. આખા મંદિરનો વ્યવહાર, પ્રમુખપણું ભગવાનને આપ્યું. મહારાજની આખો શ્રાવણ મહિનો સવાર-સાંજ હરિવાક્ય સુધાસિંધુની કથા સાંભળવાને આખા ગામના ભક્તો કથાનો લાભ લેવા આવતા. ભક્તો કથા સાંભળીને ખૂબ જ સુખીયા થયા હતા તે વખતે મને રામજીને મંદિરના કાર્ય કરવા લાઉડસ્પીકરની સેવા આપી હતી. એટલે હું બેય ટાઈમ લાઉડસ્પીકર ચાલું બંધ કરતો અને કથા સાંભળતો ને ભગવાનની સેવા આખા શરીરને દાબવાની કરતો. આવો લાભ ભગવાન રાજી થઈને આપતા. અને ભગવાન રાસમંડળ પર પણ રાજી થતા ને ચાવડાથી પણ રાસમંડળી ઢાલ-તલવાર લઈને રાસમંડળી કરી તો મહારાજે આશીર્વાદ આપ્યા કે દિલ્લી જાઓ તોય તમારો વિજય થશે. તો ચાવડાની રાસમંડળી દિલ્હીથી પણ મેડલ મેળવી આવી. મહારાજે આખો શ્રાવણ માસ બેય ટાઈમ કથાનો લાભ આપ્યો ને ભગવાનની મધુર વાણીથી ભક્તો બહુ રાજી રાજી થયા.

શ્રાવણ વદ અમાસને દિવસે પ્રેમજી લાધા ખોલિયાને પણ ભગવાનની વાણીમાં એવું તો આકર્ષણ તે પ્રગટ ભગવાનને પોતાની વાડી ફુલવાડી દાનમાં આપી દીધી ને ભગવાનને ફુલવાડીનો લેખ કરી આપ્યો ને કથા નિમિત્તે અમાસના દિવસે ડાહ્યાભાઈ રવજીભાઈ મકવાણા અને નારણભાઈ ભીમાભાઈ રાઠોડે આખું ગામ જમાડ્યું હતું. ફુલવાડીમાં પ્રસાદી ભૂવન બાંધવા માટે આખા સત્સંગ સમાજ ચાવડા બંને લાખાણીના ભક્તોએ સેવા કરેલી છે. તેઓ ધારે કાળા પથ્થર કાઢવા જતા. તે ભક્તોને મહારાજ કાયમને માટે મિષ્ટાનો જમાડતા.

સંવત ર૦ર૦માં મહારાજે આખા શ્રાવણ માસમાં બંને સમય સવાર સાંજ શ્રીમદ્ ભાગવતની કથા ભક્તોને સંભળાવીને સંવત ર૦ર૦ વૈશાખ સુદ-૬ને રાત્રો પ્રસાદી ભુવન બનાવવા માટે પાયા છાપવા રાત્રો નવ વાગ્યે મોટા બે વાંસડા અને ભક્તો સાથે ત્યારે ઈલેક્ટ્રિક લાઈટ ન હોવાથી પેટ્રોમેક્તસ બત્તી પેટાવીને લાવ્યા હતા. ભગવાન નવ વાગ્યે ફુલવાડીમાં પધાર્યા. હું રામજી તથા છગનલાલભગત તથા રતિલાલભગત ત્રણેયે મોટા વાંસડા ઊભા રાખ્યા હતા ને મહારાજે ધ્રુવતારાના નિશાન લઈને એક લાઈનમાં કરાવ્યા. પાયા માટે ચૂનાની લાઈન કરાવી. વૈશાખ સુદ-૭ના સવારે ભગવાને સ્વહસ્તે ભૂમિપૂજન, ખાત મુહૂર્ત કર્યું. બધા ભક્તો ભેગા હતા અને ફૂલવાડીના લેખનું પાવરનામું મહારાજના વિશ્વાસપાત્ર છગનલાલ પ્રેમજીને લખી આપ્યું. તે ભગવાનના વિશ્વાસપાત્ર હતા તો કુમકુમવાપી જન્મ સ્થાન પણ મહારાજે છગનલાલભગતના નામે દસ્તાવેજ કરાવ્યો.

મહારાજ જામવંથલી શિયાળામાં પધાર્યા ત્યારે હું રાત્રો કાયમ માટે બાર વાગ્યા સુધી મહારાજની સેવા કરતો. એક વખત મહારાજ સાડા દશ વાગ્યા ત્યારે કહ્યું, રામજી ઘરે જા ત્યારે હું તુરત ઘરે ગયો અને બધા ગોદડાં ઓઢીને સૂઈ ગયા હતા. તે વખતે અમો ત્રણેય ભાઈના આખા મોટાં આઠ મકાન લાઈનવાળાં હતા અને એક જ ફળીયું હતું. તો તેમાં બધાં ભરના પુળા રાખ્યા હતા. તે સાંજે કચરામાં રામજીભગતે ગરમ રાખ નાખી હતો, તેમાં દેતવા પણ ભેગા આવી ગયા ને કચરો સળગ્યોને બાજુમાં દશ ભરની કડબની કાલર હતી તેમાં આગ લાગવાની તૈયારી હતી. ત્યારે ભગવાનની આજ્ઞાથી હું પહાગચી ગયો ને બધાને જગાડ્યા ને આગ પાણીથી ઓલવી નાખી ત્યારે બધાને થયું કે ભગવાને આપણી રક્ષા કરી નહીંતર બધું સળગી જાત અને ભગવાનનો ગુણ બધાને આવ્યો અને મારે ત્યાં બાબાનો જન્મ થયો. તેને ભગવાનનાં દર્શન કરાવવા મંદિરે હું અને મારા પિતાશ્રી જેઠાબાપા લઈ ગયા તો મહારાજે નામ જોઈને હરિલાલ નામ આપ્યું ને બોલ્યા આ તો ધામમાં મોટી આયુષવાળો છે.

ત્યાર પછી દોઢ વર્ષે બીજા દિકરાનો જન્મ થયો ત્યારે પણ ભગવાન વંથલી મંદિરમાં જ હતા બંને બાબાને દર્શન કરવા લઈ ગયા અને મહારાજે રમેશ નામ આપ્યું ને બંનેને શરણાગતિ મંત્ર આપી કંઠી પહેરાવી.

મહારાજ જ્યારે વંથલી પધારતા ત્યારે ભગવાનને ઘરે રસોઈ આપવાને કોઠારી સ્વામી અને આત્મપ્રકાશ સ્વામી રસોઈમાં મોતિયા લાડવા બનાવીને ભગવાનને જમાડતા. તો ઘણીવખત ભગવાન ઘરે જમવા પધારતાને રાજી થઈને ખૂબ જ આશીર્વાદ આપતા. ભગવાનની પ૯મી જન્મ જયંતી ફૂલવાડીમાં બે આંબલી બાજુબાજુમાં હતી તે આંબલીયે હીંડોળો બાંધીને શણગારાયોને ભગવાન તેમાં બિરાજમાન થયાને આખા ગામના ભક્તો, દેવો, ઈશ્વરો બધાએ મળીને ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો. તે દિવસે અમારી ઘરે ભગવાન તથા ભક્તોને મોટી રસોઈ મિષ્ટાનો જમાડીને ભગવાનની સેવાનો લાભ લીધો હતો.

ફુલવાડી મંદિર બાંધકામ માટે ચુનાની ભઠ્ઠી બનાવી હતી. તે ચુનો પીસવા માટે ચક્કી બનાવીને બળદને જોડીને ચુનો પીષાતો હતો. ચુનો પીસવા માટે હું બળદને ફુલવાડીમાં લઈ આવીને બધોય ચુનો પીસતો હતો. કારણ કે હું ત્યારે સ્વતંત્ર હતો. અમો બધાય ભાઈઓ પાસે રહેતા હતા. જ્યારે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે મહારાજ આખો દિવસ ફુલવાડીએ રહેતા. ફુલવાડીમાં હાલ ચરણાર્વિદની છત્રી છે ત્યાં ગુંદાનું ઝાડ હતું તેના છાયે મહારાજ બિરાજતા અને બધાય ભક્તોને દર્શનનો લાભ આપતા.

સ્વામિનારાયણ ભગવાન વંથલી પધાર્યા હતા ત્યારે કંકાવટી નદીમાં મોટા ત્રણ પથ્થર હતા. તેની ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હતા તે કોઈને ખબર ન હતી. ભગવાન જાણતા હોય તેથી એક પથ્થર આ ચરણકમળની છત્રી નીચે ફુલવાડીમાં મહારાજે સ્વહસ્તે પધરાવ્યો છે ને બીજો પથ્થર ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં પધારાવ્યો છે અને ત્રીજો પથ્થર નદીમાં રહેવા દીધો તેનો ઉપયોગ ગ્રામ પંચાયતે કર્યો. મહારાજે મારબલના ચરણકમળ કારીગર પાસે કરાવીને ફુલવાડીમાં પ્રસાદી ભુવનમાં ઓટો કરીને પધરાવવા છગનલાલભગતને આપ્યા હતા તે પ્રસાદી ભુવનમાં પધરાવ્યા અને બીજી જોડી ચરણકમળની કુમકુમવાપીમાં જન્મ સ્થાનમાં ઊંચો ઓટો બનાવીને ઈ.સ. ૧૯૭૬માં જૂનાગઢ રાધા-રમણદેવના ૧પ૦ વર્ષના પાટોત્સવમાં ને નવા સભા મંડપના વાસ્તામાં મહારાજે સપ્તાહ વાંચી હતી ત્યારે લાખો ભક્તો કથાનો લાભ લેવા પધાર્યા હતા. ત્યારે

મહારાજના ચરણાર્વિદ જન્મસ્થાનમાં પધરાવવા માટે ભક્તો સામૈયામાં આવ્યા હતા. છગનલાલભગત, હંસરાજભગત, કાનજીભગત, કેશવજીભગત, રામજીભગત, મોહનલાલભગત, વેલજીભગત આદિ ભક્તોને મહારાજ કહે, ચરણકમળ તૈયાર છે જાવ પધરાવવા. બધા ૬૦-૬પ ભક્તો, કુટુંબ સહિત આવ્યા હતા ને મહારાજે આજ્ઞા કરી હતી કે જન્મસ્થાનમાં ગાંઠનું ખર્ચ ભોગવજો. તો ત્યાં બેનો ભક્તોએ રસોઈ બનાવીને બપોર થયું ત્યાં ઓટો બનાવીને ચરણકમળ પધરાવી દીધા. જેથી મહારાજ ખૂબ જ રાજી થયા.

ચોમાસામાં વાવણીમાં છગનલાલભગતના ખેતરમાં મગફળી વાવતા હતા ને છગનલાલ ભગત ભેગા ભેગા ચાલ્યા આવે એટલામાં ઉગમણી બાજુ મારું રામજીનું ખેતર છે. અમારું અને છગનભગતનો એક જ શેઢો છે. તો દક્ષિણ બાજુથી ધનુષ્ય બાણ નીચે ઉતર્યું ને જમીન ઉપર ચાલ્યું આવે અમો વાત કરતા કે આ ચાલ્યું આવે ત્યાં તો અમારી પાસે આવ્યું અને બંનેને પગે લાગીને ઉત્તર દિશામાં ચાલ્યું ગયું. આ તો ભગવાનના મળેલાનો કેટલો મહિમા છે તે પ્રગટ ભગવાન આપણને જાણપણું આપે છે. પ્રગટ ભગવાન ફુલવાડીમાં પધરાતા અને ભક્તો સેવા કરતા. મહારાજે બધા ભક્તોને પોતાના કર-ચરણના ચિન્હો તેમજ જમણા સાથળમાં ખાંપાના અને લક્ષ્મીજીના ચિન્હનાં દર્શન કરાવ્યા છે.

પ્રગટ ભગવાન જૂનાગઢથી જામવંથલી પધારતા ત્યારે હું રથ શણગારી ગાદલા-તકિયા બીછાવી બળદને ગળે ઘુઘરમાળ પહેરાવી, ઝુલુ ઓઢાડી શિંગડામાં મોળિયા પહેરાવી રેલવે સ્ટેશને વાજતે-ગાજતે બધા ભક્તો જતા. ભગવાન ધારે ઘણી વખત પધાર્યા છે. એક વખત તો સાત આઠ ગાડાં પથ્થર ભરવા જાવાની તૈયારી કરીને ખાણમાં ઊંડા પથ્થર હતા તો કોઈ ગાડું અંદર લઈ જવાની હિંમત ન કરતા હતા પણ મહારાજ મને કહે, ગાડું જોડાવ ત્યારે હું ગાડામાં ગાદલું ઓછાડ, તકિયા બીછાવીને ગાડું જોડી આવ્યો ને બધા ભક્તો ગાડા જોડીને પથ્થર ભરવા આવ્યા હતા. ધારે પહાગચ્યા ને બધાય ભક્તો એ ઊંડા ખાડામાં ગાડા જવા દીધા ભગવાન ભેળા હતા એટલે કોઈને ઊંડો ખાડો ન લાગ્યોને સરળ રીતે બધા ભક્તોએ પથ્થરના ગાડા ભરી લીધા ને ભગવાને ધારે બધા ભક્તોને મગજની પ્રસાદી જમાડી બધા ભક્તો રાજી થયાને ભગવાન રાજી થઈને બધાને આશીર્વાદ આપ્યા.

બધા ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે, મહારાજ મોલ બહું સારા છે પણ પાણીની જરૂર છે જે એક વરસાદ થાય તો સારું ત્યારે મહારાજ બોલ્યા, રામજી રથ જોડી આવ ધારે વરસાદ લેવા જાવું છે. ત્યારે હું રથમાં ગાદલું બીછાવીને, ઓશિકા રાખી રથ જોડીને આવ્યો.

મહારાજ રથમાં બિરાજમાન થયા ને સાથે પાંચ સાત ભક્તો હતા ને છગનલાલભગત પણ સાથે હતા. ભગવાન ધારે પહાગચ્યા ને પથ્થર કાઢતા ભક્તોને દર્શન દીધા ને મહારાજે એક માળા ફેરવી. ત્યાં ઈન્દ્ર આવ્યા ભગવાનના પગમાં પડીને આજ્ઞા સ્વીકારી ત્યાં તો આકાશમાં એક વાદળી દેખાઈ ને મોટી થવા માંડીને થોડીવારમાં તો વરસવા માંડી. પાણીના ખેતરો ભરી દીધા. ભગવાન ધારેથી ચાલુ વરસાદમાં ભીંજાતા ભીંજાતા મંદિરે પધાર્યા તે વખતે વરસ બહુ જ સારું થયું ને મગફળી ખૂબ જ થઈ.

ફુલવાડી પ્રસાદી ભુવનમાં પથ્થરનું બાંધકામ તૈયાર થયું ત્યાર પછી છત ઢાંકવા માટે લાકડાના પિઢીયાને પોરબંદરની સફેદ પાપડી ઢાંકીને તેમની ઉપર ચુનો સફેદ કાંકરીનો ધાબો નાખવો હતો ત્યારે ચાવડાના ખારામાં સફેદ કાંકરી વાળવા બાઈઓ, ભાઈઓ બધા ગયા હતા ને ભગવાન પણ પધાર્યા હતા ને કાંકરી વાળવામાં બપોર થયું. ત્યારે મહારાજ કહે, બધા ભક્તો પ્રસાદ જમી લ્યો. ત્યારે છગનલાલભગતને મહારાજ કહે, આ ડબરામાંથી બધાયને પ્રસાદ જમાડી દો. બધા ભક્તો પેટ ભરીને પ્રસાદ જમ્યા પણ પ્રસાદ ખૂટ્યો નહીં.

આવા આવા પરચા તો ભગવાને અનેકવાર ભક્તોને આપ્યા છે. ત્યાર પછી મહારાજે કહ્યું કે, હવે અમારે જૂનાગઢ જાવું છે. મને કહે, રથ જોડી આવ ત્યારે હું રથ શણગારીને બળદને શણગારીને રથ જોડી આવ્યો ત્યારે ભગવાનને બાઈઓ, બાઈઓ, ભક્તો પ્રાર્થના કરવા માંડ્યા હે મહારાજ તમે અહીં રોકાઈ જાવ. પણ પ્રગટ ભગવાન કહે, અમારે જૂનાગઢ જવું છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનના વખતમાં શ્રીકૃષ્ણ ભગવાન ગોકુલથી મથુરા જવા તૈયાર થયા ત્યાં અક્રુરજી રથ લઈને ભગવાનને તેડવા આવ્યા હતા ત્યારે ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમો રોકાઈ જાવ. પણ ભગવાનના નેત્રો સામું જોયું તો ગોપીઓ સમજી ગઈ કે, હવે પ્રભુ નહીં રોકાય અને સ્વામિનારાયણ ભગવાનના વખતમાં રામનવમીનો સમૈયો કરવા ગઢપુર થી વડતાલ જવા તૈયાર થયા ભગવાન કહે, અમારે એકલા જાવું છે. મોટે કોઈએ ભેગા નહીં આવવું. ત્યારે બધાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ને માણકી ઘોડી ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા. પણ માણકી ઘોડી આગળ ચાલે નહીં ત્યારે સ્વામિનારાયણ ભગવાન બાઈઓ, ભક્તો આગળ આવ્યા ને વડતાલ જવા માટે આજ્ઞા માગી. પછી જવા દીધા. તો આવી ભક્તોની ભક્તિને વશ થઈ ભગવાનને પણ આજ્ઞા લેવી પડી. તો પ્રગટ ભગવાન જામવંથલીથી જૂનાગઢ પધારવા તૈયાર થયા ત્યારે બધા ભક્તો રેલવે સ્ટેશને ભગવાનને વળાવવા આવ્યા ત્યારે ચાલતો સૌરાષ્ટ્ર મેલ પણ ત્રણ કલાક લેટ થયો. તો

આ પ્રગટ ભગવાન જામવંથલીને મળેલા ભક્તોની ભક્તિનો પ્રતાપ છે.

પ્રગટ ભગવાન જામવંથલી રોકાયા હતા ત્યારે બધી સીમમાં ભગવાન વિચરણ કરતા ત્યારે અમો ભક્તો મહારાજ ભેગા જ હતા. મહારાજ રત્નાગર વાડીએ પધારતા. અમોએ અમારી વાડીમાં કૂવો ગાળ્યો હતો ને બે કોસ ચલાવતા હતા ને મહારાજ ઘણીવાર ત્યાં ન્હાવા પધારતા કારણ કે ન્હાવા માટે મોટી કુંડી અને મોટો પડથાર હતો. મહારાજને અમો નવરાવતા ને બાજરાનો પાગક શેકીને ભગવાનને જમાડતા સાથે ભક્તો પણ લાભ લેતા.

વંથલીમાં એક રત્નાગરવાડીમાં કૂવામાં કેટલીય ચૂડેલો રહેતી ને બધાને ડરાવતી. મહારાજ તે વાડીએ પધાર્યા અને બધી ચુડેલોને બોલાવીને બધાનો મોક્ષ કર્યો તેમાં એક ક્યાંક ફરવા ગઈતી તે રહી ગઈ ને અમારી વાડીએ કાંતિલાલ નાનજી, રમેશ રામજી અને મામા-ભાણેજ વાડીએ ગયા હતા તે ચુડેલ કાંતિલાલના ખોળિયામાં આવી ગઈ. તેથી ઘરે આવીને મંડ્યા ધૂણવા. તેમના બાએ હનુમાનજીના ભુવાને બોલાવ્યા. તે ભૂવા શ્લોકો બોલે પણ તેને કાંઈ અસર થાય નહીં. તે ચુડેલ બોલી કાંતિલાલને મારો દિકરો કરવો છે પણ મને જૂનાગઢ મહારાજ પાસે લઈ જાવ તો નીકળી જઈશ. ત્યારે કાંતિલાલને જૂનાગઢ મહારાજના રૂમમાં લાવ્યા ત્યારે મહારાજે માથે હાથ મૂક્યો ત્યાં કહે, મને મોક્ષ આપો. ત્યારે પ્રગટ ભગવાને તેમને પ્રસાદીનું જળ પાયું અને મોક્ષમાં મોકલી દીધી. આ રીતે ભગવાને બધાયના મોક્ષ જ કર્યા છે.

મહારાજ કેશવજીભગતની બગીચાવાડીમાં ન્હાવા પધારતા ત્યારે ભક્તો દર્શન કરવા આવતાને મહારાજ માટે તાજા ફ્રુટ વૃક્ષમાંથી ઉતારીને સુધારતા ને અમરતમા ભગવાન માટે કઢીયેલું દૂધ બનાવતા તે ભગવાન ફ્રુટ તથા દૂધ પીતાં ત્યારે દેવરાજ ભગત પણ ત્યાં વાડીએ રહેતાને ખેતી કરતા.

એક વખત પાનીબેન રામજીભગત બીમાર પડી ગયાને છાતીમાં દુખવા માંડ્યું ને બેશુદ્ધ થઈ ગયા ત્યારે રાતે દોઢ વાગ્યા હતા. ભગવાન જામવંથલી સ્વામિનારાયણ મંદિરમાં હતા. ભગવાનનું નિવાસસ્થાન બીજા માળે હતું. હું રાતના દોઢ વાગ્યે મહારાજ પાસે આવ્યો. બારણું ઠાલું દીધેલું હતું તે ખોલીને મહારાજ પાસે ગયો. મહારાજ કહે, કોણ ? મેં કહ્યું, હું રામજી. ત્યારે મહારાજ કહે, અત્યારે રાતે ? ત્યારે મેં કહ્યું, મહારાજ પાનીબેનને ઠીક નથી તે બેશુદ્ધ થઈ ગયા છે. ત્યારે મહારાજે પ્રસાદીનું જળ આપ્યુંને આશીર્વાદ આપ્યા. તે જળ પાયું કે તુરત જ પાનીબેનને સાવ સારું થઈ ગયું.

હું વંથલી ખેતીકામ કરતો તેથી એકવાર મહારાજને પૂછ્યું કે, મહારાજ ખેતીકામ કરું કે કડિયાકામ કરું ? ત્યારે મહારાજ કહે, ખેતીકામ તો દેખરેખ પૂરતું કરવું પણ કડિયાકામ વધારે કરવું. ત્યાર પછી હું કડિયાકામ કરવા માંડ્યો. મહારાજનાં આશીર્વાદથી કડિયાકામ તુરત જ આવડી ગયું અને ઈ.સ. ૧૯૬૯માં પ્રભાનો જન્મ થયોને મહારાજે કંઠી પહેરાવી નામકરણ કરી આપ્યું. ઈ.સ.૧૯૭૦માં હરસુખનો જન્મ થયો તેમનું નામ મહારાજે આપ્યું ને વર્તમાન ધરાવીને કંઠી ભગવાને સ્વહસ્તે પહેરાવી આશીર્વાદ આપ્યા.

ઈ.સ.૧૯૭૦માં જામવંથલીમાં ભગવાન સ્વામિનારાયણના ભવ્ય મંદિરમાં નવું સિંહાસન તથા નવી મૂર્તિ કરાવી. તે બંને મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિરના આગેવાન ભક્તોએ મહારાજને આમંત્રણ આપ્યું. સાત દિવસની સપ્તાહ-કથા વાંચવા નક્કી કર્યું. સમૈયા માટે રાશનની તૈયારી કરવા લાગ્યા બધા ભક્તોએ ફાળો લખાવ્યો અને સમૈયાની તૈયારી કરીને શ્રાવણ સુદમાં કથાનું આયોજન નક્કી કર્યું. ભગવાન વંથલી પધાર્યા ત્યારે અનેક ભક્તો ગામમાં રેલવે સ્ટેશન સુધી મોટી શોભાયાત્રા સાથે સામા ગયા હતા. રામજીભગતે મહારાજને બિરાજવા માટે રથ શણગાર્યો હતો ને બીજો રથ ગામના નાકે શણગારીને રાખ્યો હતો. તે રથ ખીમજીભાઈ વશરામભાઈ લંડનવાળા તરફથી હતો. તો મહારાજ બંને રથમાં રાજી થઈને બિરાજ્યા. મોટા સામૈયા સાથે વાજતે-ગાજતે મંદિરે પધાર્યા. કેશવજી લક્ષ્મણભાઈ ચૌહાણના બંગલામાં ભગવાનને પધરાવ્યા હતા તે વખતે કેશવજીભાઈ એક દિવસ લંડનથી મોડાં આવ્યા તો મહારાજ માટે ગાદલા, ગોદડાં નવા કરીને લાવ્યા તે મહારાજે અંગીકાર કર્યા. છગનભગત તથા રામજીભગત તેમના ઘરેથી ગાદલા, ગોદડાં નવાં લાવ્યાને બીજે દિવસે કેશવજીભાઈ જામનગરથી મહારાજ માટે નવા સ્પ્રીંગવાળા પલંગ, નવા ડનલોપનાં ગાદલા, ખુરશી વગેરે ટેમ્પો ભરીને લાવ્યા. પહેલા દિવસે જે નવા ગોદડાંને ગાદલા ભક્તોને ઘરેથી લાવ્યા હતા તે તેમને પાછા આપી દીધા. હું રામજી મહારાજ માટે નવા ચાર ગોદડાં લઈ ગયો હતો તે પ્રસાદીના ગોદડાં સાચવીને રાખ્યા છે.

પ્રગટ ભગવાન જામવંથલી પધાર્યા ત્યારે ભક્તો બધા ખૂબ જ રાજી થયા. કથા સ્થાન માટે મોટો મંડપ શણગાર્યો હતો. ત્યારે મહારાજને ભક્તોએ પ્રાર્થના કરી કે, મહારાજ એક બાપા છેલ્લી અવસ્થામાં છે. તે કથા દરમિયાન ધામમાં જાય તો ઠીક નહીં. ત્યારે મહારાજ બાપાને ઘરે પધાર્યા. તેમનું નામ ડાહ્યાભાઈ રત્નાભાઈ રાઠોડ હતું. તેમને મહારાજ પોતાનો ચિન્હવાળો હાથ શરીર પર ફેરવી બોલ્યા, ડાહ્યાભાઈ કથાની પુર્ણાહૂતિ પછી બીજે દિવસે

ધામમાં જશે અને ભગવાને કથાનો પ્રારંભ કર્યો ને થોડો સમય થયો ત્યાં ઈન્દ્ર રાજા પધાર્યાને ભગવાનનાં દર્શન કર્યા રાજી થઈને વરસવા લાગ્યા ત્યારે સભા મંડપ પલળવા લાગ્યો ત્યારે પ્રગટ ભગવાન ચાલુ કથામાં બોલ્યા, 'કોઈ સભામાંથી ઉઠશો નહીં. વરસાદ બંધ થઈ જશે તુરત જ વરસાદ બંધ થઈ ગયો ને સીમાડાની બહાર કાયમ વરસાદ વરસવો ચાલુ જ હતો પણ ગામમાં ન હતો. આવો પરચો મહારાજે વંથલી કથામાં આપ્યો.

કથામાં ત્રણ દિવસ થયા ત્યાં તો રાશન પૂરું થવા માંડ્યું. ત્યારે બધા મૂંઝાયા. કેમ કરવું ? ત્યારે મહારાજ પાસે આવ્યા. મહારાજ રાશન પૂરું થવા આવ્યું છે તો કેમ કરવું ? ત્યારે ભગવાન બોલ્યા કોઈ મુંઝાશો નહીં. હવે પછી બધી રસોઈયું અમારા તરફથી. ત્યારે બધાય રાજી થયાને મહારાજે તુરત યજમાન નકકી કરી દીધા ને ધામધૂમથી સમૈયો થયો અને મહારાજે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરી તે વખતે જાડો બેલ્જિયમનો અરીસાનો કાચ સામો રાખ્યો હતો તેના તુરત જ ચાર ટૂકડા થઈ ગયા ને જયજયકાર થયો. સાત દિવસ સુધી કથા સાંભળવા આવતા ભક્તો અને લાખાણી ચાવડા જામવંથલી આજુબાજુના ગામડાંના ભક્તોને પ્રસાદ લેવા માટે છુટ જ રાખી હતી. છેલ્લે દિવસે ધૂમાડાબંધ ગામને નોતરા આપ્યા હતા ને રસોઈ મિષ્ટાન એટલું બધું વધ્યું કે ઘરે ઘરે બધાને વેચ્યું તોય ખૂટે નહીં. આવા પરચા મહારાજે વંથલીમાં આપ્યા છે. ત્યાર પછી વંથલીથી ચાવડા મૂર્તિ પધરાવવા બીજે દિવસે અમો ત્રણેય ભાઈઓ મળીને મહારાજને ઘેર રસોઈ જમવાનું આમંત્રણ આપ્યું અને મિષ્ટાન, દૂધપાક, પૂરી, ભજીયા, દાળ-ભાત, પાપડ મહારાજને જમાડ્યાને ભક્તોને જમાડ્યા ને ત્યાંથી ડાયાભાઈ રવજીભાઈ મકવાણા પોતાની મોટર પૂનાથી લાવ્યા હતા ને અમારા ફળિયામાં જ રહેતી હતી તો ભગવાન જમીને મોટરમાં બેસીને ચાવડા પધાર્યા.

વંથલી સમૈયામાં મહારાજે એવો પ્રતાપ વાપર્યો કે, સમૈયાનું બધો ખર્ચ કરતા રૂ.પ૦ હજાર વધ્યા હતા તો તે રૂપિયા મંદિરની આજીવિકા માટે રાખ્યા ને મંદિરમાં પંખા, બીજી બધી વ્યવસ્થા કરી ત્યારે પ્રગટ ભગવાનનો સમાજને એટલો બધો ગુણ આવ્યો કે મહારાજમાં ચમત્કાર તો છે. ઈ.સ. ૧૯૭૧માં પુષ્પાનો જન્મ થયો તે તેમનું નામ મહારાજે આપ્યું. ત્યાર પછી ઈ.સ. ૧૯૭૩ મહારાજની આજ્ઞાથી હું પૂના કામ કરવા ગયો ને પૂના ફુગાવાડીમાં રૂમ ભાડે રાખીને કુટુંબને પૂના તેડાવ્યું. કામધંધા ભગવાનની કૃપાથી ચાલ્યા કરતા એટલે મહારાજની સેવા પણ થતી.

પ્રગટ મહારાજનો પ્રસાદીપત્ર પૂના ફુગાવાડી મંડળ પર આવ્યો કે કુંકાવાવમાં સરપંચ

લક્ષ્મણભાઈએ ગામનાં પાદરમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું સ્ટેચ્યુ પધરાવવાનંું નક્કી કર્યું છે તો તેમનો ખર્ચ રૂ. ૬ હજારનો છે. તો તુરત જ ભક્તોએ ભેગા મળી રૂ.૬ હજારનું મનીઓર્ડર પોસ્ટથી મહારાજને મોકલી આપ્યું. મહારાજ રાજી થયા. તેમાં છગનલાલભગતે તે કામની જવાબદારી લીધી હતી. જ્યારે મંડળે મંદિર માટે રૂપિયાની જવાબદારી લીધી. મહારાજ કહે, તરગારા જે વેશ ભજવીને સાચા જેવું દેખાડી દે છે તો તમે કાંઈક કરોને ત્યારે રતિલાલ ભગત રાઠોડ, છગનલાલ ભગત, રામજી ભગત, ટપુલાલ ભગત, નાના રતિલાલભગત, કેશવજી હરિ, બધા નવા નવા કપડાં પહેરીને હાથમાં સૂટકેસ લઈને ગયા. મહારાજ કહે, તમોને સરપંચ પૂછશે ત્યારે તમારે કહેવાનું અમો પૂનાથી આવીએ છીએ. અમે સાંભળ્યું છે કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું મંદિર થાય છે તો દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે સરપંચ કહે, હમણાં રૂપિયા સિટી બોર્ડના કામમાં રોકાઈ ગયા છે ત્યારે ટપુલાલભગત રતિલાલભગત બોલ્યા રૂપિયાની ફિકર નહીં કરો તમે કામ ચાલુ કરાવો એટલે રૂપિયા લઈને પહાગચી જઈશું. ત્યારે સરપંચે કામ ચાલુ કરાવ્યું.

ભગવાનજી ભગતને તે કામ કરવા મહારાજે મોકલ્યા. મંદિરનંુ કામ ચાલુ હતું ને અમો જામવંથલી છગનલાલ ભગતની ઘરે રતિલાલ ભગત રાઠોડ તથા રામજીભગત તથા છગનલાલ ભગત ત્રણેય બેઠા હતા અને મહારાજ સ્ટેચ્યુની વાત કરતા ત્યાં ભગવાને ત્રણેયની બુદ્ધિમાં પ્રેરણા કરી કે આપણે મંદિર કરશું તો તેમાં આખી મૂર્તિ જો હોય તો સેવા-પૂજા, આરતી થાય. તો તે વાત મહારાજને કરી તો ભગવાન તો એટલા રાજી થયા કે બહું સારું વિચાર્યું છે. માટે તે આખી મૂર્તિ કરાવો તો રતિલાલભગત તથા છગનલાલભગત બંનેએ કારીગર પાસે ગયા તો મૂર્તિનો ઓર્ડર આપ્યો. તેમની પાસે ઈટાલિયન મારબલનો પથ્થર હતો તે મહારાજ પાસે પાસ કરાવ્યોને મહારાજે પાસ કરી આપ્યો. તો આ મૂર્તિ કરાવવા રાજકોટ ઓર્ડર આપ્યો તે મહારાજને અને અમો ત્રણેય ભક્તોને ખબર હતી. બીજા કોઈને તે વાતની ખબર નહોતી તો તે મૂર્તિનું કામ ગુપ્ત રીતે થઈ ગયું. ફુલવાડી માટે મહારાજની મૂર્તિ નાગપુર કરાવવા ઓર્ડર આપ્યો પણ કોઈને જાણ નહોતી કરી ત્યારે તે કામ થયા છે. કારણ કે વિધ્ન કરવાવાળા જાજા નીકળે, કામો થવા ન દે. મહારાજે પોતાના ચરણકમળ રમણિકલાલ કરશન જાવિયા પાસે દોરાવ્યાને ચિન્હો પણ તેમની પાસે જ દોરાવ્યા તે લાભ તેમને મળ્યો.

હું રામજી પૂનાથી જૂનાગઢ મહારાજના દર્શન કરવા આવ્યો ને ભગવાનના દર્શન

કર્યા ત્યારે મહારાજ કહે, આ ચરણકમળ તૈયાર થઈ ગયા છે પણ તેમાં એક તુલસી માંજર દોરવાનું રહી ગયું છે. ત્યારે છગનલાલભગત મહારાજ પાસે જ હતા ત્યારે મહારાજ કહે, તમો બંને જામવંથલી જાવને રમણિકલાલ પાસે તુલસી માંજર દોરાયાવો. ત્યારે અમે બંને વંથલી આવ્યાને રમણિકલાલ જાવિયાને મળ્યા ને તુલસી માંજર દોરાવ્યા ને તેની ત્રણ કોપી મહારાજે કરાવી હતી.પછી સવારની ટ્રેનમાં રાજકોટ આવ્યાને રાજકોટ-જૂનાગઢ નોનસ્ટોપ બસ ઉપડે છે તેમાં બેઠાને સૂટકેસમાં ચરણકમળ રાખ્યા હતા તે સૂટકેસ ઉપર રાખી દીધી પણ એક સીટ પાછળ રાખી. બીજે જગ્યા ન હોવાથી મને એમ હતું કે બસ ક્યાંય ઊભી રહેવાની નથી તો અમો તો સૂટકેસ રાખીને શીટમાં બેસી ગયા જ્યાં જૂનાગઢ આવ્યુંને સક્તકરબાગ આવ્યું ત્યાં એક કુટુંબે બસ ઊભી રખાવીને ત્યાં બધાં ઉતર્યા. તેમની પાસે સામાન જાજો હતો તેથી અમારી સૂટકેસ ભેગી ઉતારી લીધી. બસ ચાલુ થઈને બસ સ્ટેશન આવ્યું ને અમો ઊભા થઈને સૂટકેસ લેવા ગયા પણ સૂટકેસ ન મળે. બસ ઊભી રાખી હતી ત્યાં એક કુટુંબ ઉતર્યું અમો તો તેમને ઓળખતા ન હતા ને ઠેકાણાનીય ખબર નહોતી. વિચાર કરવામાં હવે શું થાય ત્યાં તો ભગવાન માણસના રૂપમાં આવીને બોલ્યા, શું વિચાર કરો છો ? શું ગયું ? ત્યારે અમોએ કહ્યું, અમારી શૂટકેસ ગઈ ત્યાં તે બોલ્યા હું તેમને ઓળખું છું ને તેનું ઘર પણ જોયું છે. ત્યારે અમોએ રિટર્ન રિક્ષા બાંધીને ત્રણે જણા ત્યાં ગયાને કહ્યું, અમારી સૂટકેસ તમારા સામાન ભેગી આવી ગઈ છે. ત્યારે તે કહે, આ સામાન રહ્યો. તમે તમારી સૂટકેસ ઓળખીને લઈ જાવ. ત્યારે અમોએ કહ્યું, આ ડબલ હેન્ડલવાળી સૂટકેસ અમારી છે. તો કહે લઈ જાવ. અમો સૂટકેસ લઈને રિક્ષામાં બસ સ્ટેન્ડે આવ્યાને રિક્ષામાંથી ઉતરી થોડા ચાલ્યા ત્યાં તો તે ભાઇ અદૃશ્ય થઈ ગયા. અમો રિક્ષા બાંધીને મંદિરે ગયા ને મહારાજને દંડવત્ કર્યાને ચરણકમળની વાત કરી. સૂટકેસની વાત મહારાજને કરી ત્યારે મહારાજ કહે, તમોને કોઈ તો લઈ ગયું. સામાન તો આપણી નજર સામે જ રખાય. તો આ કામ ભગવાને આવીને કર્યું. પછી ત્રણેય ચરણાર્વિદ મને મહારાજે સાત કલરનો બ્લોક બનાવવા આપ્યા ને એક મને પ્રસાદીના ચરણકમળ આપ્યા. એક છગનલાલભગતને પ્રસાદીના આપ્યા.

કુંકાવાવ મહારાજની મૂર્તિ તૈયાર થઈ ગઈ ને મંદિર પણ તૈયાર થઈ ગયું. ઈ.સ. ૧૯૭પને આસો વદ-૮ના કુમકુમવાપીમાં મોટી શોભાયાત્રા સાથે આખા શહેરમાં કુમકુમવાપી નગરીમાં મોટા ધામધૂમ, રંગ ગુલાલની છોળો ઉડે ને ભક્તો પોતાના શરીરનું ભાન ભૂલીને નાચવા લાગ્યા ને ભગવાન રાજીખુશી થયા. ત્યારે દ્વારકાનાં શંકરાચાર્યજી

મહારાજ પધાર્યા હતા ને તેમને ભગવાનના ખૂબ જ વખાણ કર્યાને મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ કર્યો હતો. તેમના યજમાન નાની કુંકાવાવના હરિભાઈ સોરઠિયાએ ખૂબ જ દ્રવ્ય ખર્ચીને યજ્ઞ કરાવ્યો. આખા ગામને જમાડ્યા હતા. ત્યાંથી જૂનાગઢ ભગવાનના દર્શન કરવા ભક્તો ગયા તો ભગવાન તો એટલા બધા રાજી થયા કે બધા ભક્તોને બાથમાં ભીડીને મળ્યા ને બોલ્યા તમોએ જે મને હયાતીમાં કુમકુમવાપી નગરીમાં પધરાવ્યો તે કામ બહુ જ કઠીન હતું. લોકલાજને ન ગણીને તમોએ મને પધરાવ્યો ત્યારે ભગવાને રાજી થઈને સ્વહસ્તે ભક્તોને સંત દિક્ષા આપી ને ભાઈ-બેનો માટે શરણાગતિ મંત્ર લખી આપ્યોને આજ્ઞા કરી કે કાયમને માટે ઉપર ભગવો બુસકોટ ને બાયોએ પણ એક વસ્ત્ર ભગવું પહેરવું ત્યારે મહારાજે રાજી થઈને મંડળને ખૂબ જ આશીર્વાદ આપ્યા જાઓ તમારા માટે ચારે દિશાના દરવાજા ખુલ્લા છે. કમાવો, સેવા કરોને સુખી થાઓ.

ત્યાર પછી મહારાજે લાલજી મહારાજની મૂર્તિ પંચધાતુની બનાવવા માટે આજ્ઞા કરી તો ભક્તોએ લાલજી મહારાજની મૂર્તિ મુંબઈ-પૂનામાં બનાવવા ઓર્ડર આપ્યો. મૂર્તિ તૈયાર થઈ તો પ્રગટ ભગવાને મોટા ભક્તોને એક એક મૂર્તિ પ્રસાદીની પૂજવા માટે આપી અને મહારાજ કહે, તમો મારા આત્મનિવેદી સંત છો માટે તમો લાલજી મહારાજની પૂજા કરવાલાયક છો.

પ્રગટ ભગવાને રાજી થઈને પ્રસાદીની વસ્તુ નખ, દાંત, કેશ, ગંજીયા, ચાખડીઓ, ધોતિયા, રજાયો, પ્રસાદીની જનોઈ પૂજવા માટે આપી અને રામજીભગતને તો મહારાજે તા.પ-૩-૮૩ના પ્રસાદીપત્રમાં બે જનોઈ મોકલાવી હતી. તા.રપ-૩-૮૩, ફાગણ સુદ-એકાદશીને દિવસે પહેરવાની આજ્ઞા કરી હતી. તે ભગવાનની આજ્ઞાથી પહેરી છે.

અબુધાબીથી ઈન્ડિયા છૂટી આવ્યા ત્યારે કુંકાવાવ મહારાજની મૂર્તિ તૈયાર થઈ ગઈ ને મંદિર પણ તૈયાર થઈ ગયું. પછી મહારાજના દર્શન કરવા ગયો ત્યારે પ્રગટ ભગવાને પોતાના કંઠમાંથી જનોઈ ઉતારીને મને સ્વહસ્તે જનોઈ પહેરાવીને બોલ્યા કે હવે બજારેથી ત્રણ બંડલ જનોઈ લઈ આવ. ત્યારે હું ત્રણ બંડલ જનોઈ લઈ આવ્યો તો બે બંડલ જનોઈના પ્રસાદીના મને આપ્યા ને કાયમ પહેરવાની પ્રગટ ભગવાને મને આજ્ઞા આપી. મહારાજની આજ્ઞાથી બધા ભક્તો વિદેશ સાઉદી અરેબિયા, અબુધાબી, દુબઈ, મસ્કત ગયા. મહારાજ બધાને કુંજ પક્ષીની જેમ રાખે છે ને તો કોઈને કોઈ દુઃખ આવવા દેતા નથી.

મહારાજે ફુલવાડીને ફરતો ગઢ કરવા પાયા ખોદાવ્યા. ત્યારે મહારાજ કહે, મોટો

દરવાજો મેલજો. બસો ને બસો ભરાઈને યાત્રા કરવા આવશે. ત્યાં તો બીજે દિવસે બે બસો યાત્રા કરવા આવીને ભક્તોએ તેમનું સન્માન કર્યું. બધાને જમાડ્યા. પ્રગટ ભગવાને ફુલવાડી પરમધામમાં પોતાનો મહેલ શિખરબંધ મંદિર બાંધવાની આજ્ઞા કરી. ઈ.સ. ૧૯૮ર, ફાગણ સુદ- બીજે રતિલાલભગતના દીકરા નવિનના હાથે ખાતમુહૂર્ત, ભૂમિપૂજન કરાવજો. તે પ્રમાણે ભક્તોએ શિખરબંધ મંદિરનું મુહૂર્ત કર્યું ને મંદિર માટે પાંચ શિખરનો મોટો નકશો કરાવ્યો અને મહારાજને આપ્યો. મહારાજ બહું રાજી થયા, બહું સારું કરો છો. ટૂંકું ટૂંકું નથી કરતા મોટું મોટું કરો છો.

પ્રગટ ભગવાનના મંદિરમાં જે ભક્તોએ સેવા કરી તેથી મહારાજે રાજી થઈને આશીર્વાદ આપ્યા કે રખડુંમાંથી રાજ ભોગવે તે કૃપાનું ફળ છે તો ભક્તો બધા સેવા કરવાવાળા રાજખેડું થઈ ગયાને ભગવાનની સેવા કરે છે અને પરમધામ ફુલવાડી મંદિર બનાવવા માટે હિરજી પેથાભગત, કરશનબાપા લુહાર, છગનલાલભગત, દામજીભગત અને કેશવજીભગતને કામ સાગપ્યું ને બોલ્યા હિંમતવાળા છે કારણ કે તે સમય એવો હતો. કોઈને કોઈ પ્રશ્નો લઈને આવે તો તેનો જવાબ દેવો પડે.

હું અબુધાબીથી ઈન્ડિયા આવ્યો ત્યારે પ્રગટ મહારાજના ફોટા પાડવા માટે મોટો એશિકા કેમેરા લાવ્યો હતો. મહારાજના દર્શન કરવા ગયોને કેમેરા સાથે લઈ ગયો ત્યારે મેં મહારાજને કહ્યું, કેમેરા તમારી માટે લાવ્યો છું એવી વાત નો'તી કરી તો ભગવાન અંતર્યામી છે તુરત બોલ્યા અહીં માટે લાવ્યો છો ને. મેં કહ્યું, હા. મહારાજ રાજી થયાને બોલ્યા તારે જેવા ફોટા પાડવા હોય તેવા ફોટા પાડી લે. ત્યારે મેં મહારાજના જુદા જુદા સ્વરૂપના ફોટા પાડ્યા, દિવ્ય ફોટા પણ પાડ્યા.

વાઘા પહેરાવીને ઘુંટણ સુધી પહાગચે તેવા મોટા હાર લઈ આવીને ભગવાનને પહેરાવીને ફોટા પાડ્યા. મહારાજનાં રાજીપાથી ફોટા સારા આવ્યા ને તે કેમેરો ભગવાન પાસે રાખ્યો તો હેમંતભગતે સમય સમયના ફોટા પાડ્યા તો હાલમાં બધા ભક્તોને દર્શનનો લાભ મળે છે.

હું અબુધાબીથી દુબઈ ભક્તોને મળવા ગયો હતો ત્યારે રામજી તુલસી ટાંક દુબઈથી ઈન્ડિયા તેમની કંપનીમાંથી આવતા હતા. તેઓ મુંબઈ રહેતા દુબઈ ભક્તોને મેં કહ્યું, મહારાજ માટે સારામાં સારું ડનલોપનું ગાદલું મોકલાવવું છે. ત્યારે રામજી તુલસી ટાંક કહે,

મારે ઈન્ડિયા જવું છે તો મુંબઈ સુધી લઈ જાવ. ત્યાંથી આપણાં ભક્તો જુનાગઢ જતા હશે તેમની સાથે મોકલાવી દઈશ.

દુબઈમાં વાલજી કેશવજીભગત હતા તે કહે, અમો એ ગાદલા બનાવવાની ફેક્ટરી જોઈ છે ત્યાં સારામાં સારા ગાદલા મળે છે તો અમો ત્યાંથી લઈ આવીને રામજી તુલસી ભગતને આપી દેશું. તેથી ગાદલાના રૂપિયા તથા મુંબઈ જકાતના રૂપિયા આપ્યાને ગાદલું મુંબઈથી કેશવજી હરિભાઈ તથા ભગવાનજી રાજાભગત બંનેએ ગાદલું મહારાજને પહાગચાડ્યું. મહારાજે ખૂબ જ રાજી થઈ આશીર્વાદ આપ્યાને તે ગાદલું આવ્યા પછી પ્રગટ ભગવાને પોતે કાયમ માટે શિયાળામાં રજાઈ ઓઢતા તે ખૂબ જ પ્રસાદીની રજાઈ, પ્રસાદીના ધોતિયા પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને હેમંતભગતને જામવંથલી રજાઈ લઈને મોકલ્યાને બોલ્યા આ રજાઈ રસ્તામાં ક્યાંય ખોલશો નહીં. રામજી જેઠાના ઘરે રજાઈ પહાગચાડજો.

પ્રગટ ભગવાને ખૂબ રાજી થઈને પ્રસાદીની રજાઈ અમૂલ્ય તે મોકલાવી છે. પ્રગટ ભગવાને સ્વહસ્તે પોતાનું ગંજીયુ પહેરેલું પ્રસાદીનું રામજીભગતને આપ્યું, સોપારી આપી, નખ આપ્યા, વાળ આપ્યા. આવી અમૂલ્ય પ્રસાદી ભગવાને રાજી થઈને આપી છે.

પ્રગટ ભગવાને તો એટલી બધી ભક્તો પર કૃપા વરસાવી છે કે કોઈ ભક્તોને દુઃખ ન હોવું જોઈએ. મારા પિતાશ્રી જેઠાબાપાને પેટમાં મોટી ગાંઠ થઈ હતી. બહુ જ દુખ્યા કરતી તે વખતે મહારાજ જામવંથલી પધાર્યા હતા. જેઠાબાપા મહારાજના દર્શન કરવા ગયા ત્યારે બાપા કહે, મહારાજ મને પેટમાં ગાંઠ થઈ છે ને બહું જ દુઃખાવો થાય છે. ત્યારે મહારાજ કહે, સૂઈ જાવ ત્યારે જેઠાબાપા સૂઈ ગયાને મહારાજે ચિન્હવાળો હાથ પેટ પર ફેરવી દીધો તો ગાંઠ સાવ ગાયબ થઈ ગઈને દુઃખાવો મટી ગયો.

મહારાજ જૂનાગઢ બિરાજતા હતા ત્યારે હું દર્શન કરવા ગયો ને સાથે રમેશભગત નાનો હતો. તેમને પણ સાથે મહારાજના દર્શન કરવા તેડી ગયો. મહારાજના બંનેએ દર્શન કર્યાને રમેશ ત્યારે નાનો બે વર્ષનો હતો. મહારાજે તેમને પોતાના રૂમમાં જે ગોળ ફરે તેવી ખુરશીમાં બેસાડ્યો ને ગોળ ચક્કર ફેરવ્યો અને પ્રસાદીનું દૂધ મહારાજે પોતાના હાથથી પાયું. તે એને કાયમ માટે યાદ રહી ગયું ને કાયમ દિવસમાં યાદ કર્યા કરે. રમેશભગતના મહારાજ સાથે ફોટા પણ પાડ્યા છે ને હરસુખને પણ નાનપણમાં જ્યારે દર્શન કરવાની ઈચ્છા થતી તો ત્યારે તરત જ જૂનાગઢ મહારાજનાં દર્શન કરવા તેડી જતો.

અમારા બાપુજી બીમાર પડી ગયા તો મહારાજ કહે, તમારા બાપુજીને ભગવાનના ભજન-કિર્તન સંભળાવજો ને બાપાને કહેજો અમોને યાદ કર્યા કરે. અમારે જ્યારે તેડી જવા હશે ત્યારે ધામમાં તેડી જઈશું. તો અમો કાયમ ભજન-કિર્તન કરી બાપાને સંભળાવતા. ઇ.સ. ૧૯૭૮ના જેઠ સુદ-૭ના મહારાજ તેમને પોતાના પરમધામમાં તેડી ગયા. પ્રગટ ભગવાનનો આશીર્વાદપત્ર આવ્યો. બાપા ધામમાં ગયા છોકરાવને ખોટ ગણાય પણ પરમધામમાં ગયા તે સારું ગણાય.

અમો અમારા માતુશ્રી અને ભાઈઓ મહારાજને જૂનાગઢ તેરમાની રસોઈ જમાડવા ગયા ત્યારે અમારા માતુશ્રીને કહેરાવ્યું બાપા પાછળ શોક કરવો મૂકી દો. તેને તો અમારા પરમધામમાં રાખ્યા છે. તમો અમારું ભજન કરજો. તમોને પણ ટાઈમ આવ્યે પરમધામમાં તેડી જાશું.

હું પૂના ફુગાવાડીમાં રહેતો. વિદેશ જવા માટે કોશિશ કરતો. હું અને વેલજીભગત બંને ફુગાવાડી હતા. ત્યાં મહારાજે હિન્દી પુસ્તક છપાવવા માટે લખાણ મોકલાવ્યું તો તે લખાણ લઈને અમો પ્રેસમાં ગયાને છપાવાનું નક્કી કર્યું, છાપવાનું કામ ચાલુ કર્યું. પ્રૂફ અમોને આપતા તો હું અને વેલજીભગત બંને પ્રૂફ વાંચીને ભુલ હોય તે સુધારીને આપતા. અમો તેમને પૂછતા બધી ભુલો સુધરી ગઈ છે ત્યારે તેમને હા પાડી અને એક હજાર પુસ્તક છાપીને બાઈન્ડિંગ કરીને અમોને કહ્યું, તમારા પુસ્તક તૈયાર થઈ ગયા છે ત્યારે અમોએ એક પુસ્તક ઘેર લાવ્યાને વાંચ્યું તો તેમણે એકેય ભૂલો સુધારી ન હતી એમને એમ છાપી નાખ્યા. અમો પ્રેસમાં ગયા ને વાત કરી આમાં ભૂલો સુધારી નથી તો તે કહે ભુલોનું શુદ્ધિકરણ પાછળ લખી નાખશું. અમોએ કહ્યું ધર્મના પુસ્તકમાં આવી મોટી ભૂલો ન ચાલે. અમો બંને ઓફિસમાં મેનેજર પાસે ગયાને વાત કરી. ત્યારે મેનેજર કહે, તમારી સાચી વાત છે. ધર્મના પુસ્તકમાં ભૂલો ન ચાલે માટે આ ભૂલો વધારે છે. ત્યારે તુરત જ પ્રગટ મહારાજે મેનેજરમાં પ્રેરણા કરી ને તે મેનેજર બોલ્યો કે હવે હું તમોને બીજા પુસ્તક છપાવી દઉ છું. તમો કાયમ પ્રૂફ જોવા આવજો. ત્યારે અમો બંને રોજ પ્રૂફ જોવા જતા અને પ્રેસમાં ચેક કરતાંને ભુલો સુધારીને બીજું પ્રૂફ કાઢીને અમોને આપતા. જુઓ આમાં બધી ભૂલો સુધરી ગઈ છે. અમારી પાસે સાઈન કરાવતા. આ રીતે પ્રગટ મહારાજની કૃપાથી ‘પ્રભુઓ કા વૃત્તાંત' શાસ્ત્ર તૈયાર થયું ને મહારાજ બંને ઉપર રાજી થયાને બેયને સુખડની પ્રસાદીની માળા આપી. અમારે બંનેને વિદેશ ભેગું જવાનો વિચાર હતો. પણ અમો મહારાજના દર્શન

કરવા પૂનાથી જૂનાગઢ ગયા ત્યારે મહારાજ મને કહે, તમો બેય હા પાડો તો જવાનું થાય.

સાઉદી અરેબિયાનું ઇન્ટરવ્યુ આવ્યું તો વેલજીભગત ગયાને પાસ થયાને ત્યાં ગયાં. ત્યાર પછી હું રહ્યો ત્યારે દેવરાજ ડાયા બગીચા મુંબઈ કાંદિવલી રહેતા તે મને કહે, તમો કાંદિવલી અમારે ઘેર રોકાવ તો હું કાંદિવલી દેવરાજભગતના ઘેર રોકાયો ને ત્યાં મહારાજનો પ્રસાદીપત્ર આવ્યો કે લાલજી મહારાજની મૂર્તિ નવી બનાવવા માટે તમો ત્યાં ઓર્ડર આપજો ને રપ મૂર્તિ બનાવડાવજો. તો અમો બંને મુંબઈમાં માધવબાગમાં કારખાને ઓર્ડર આપ્યો. બે મહિનામાં લાલજી મહારાજની મૂર્તિ તૈયાર થઈ ગઈ અને સાગની લાકડાની પેટી પણ સાથે કરાવી.

અંબાલાલભગત ટાંક હું અને બીજા ભક્તો ઈન્ટરવ્યુ આપવા ગયા તો અંબાલાલ ભગતને બીજા સાથે હતા તે પાસ થયાને જવાનું નક્કી થયું. ત્યારે અંબાલાલ ભગત મહારાજના દર્શન કરવા જૂનાગઢ આવ્યા ને મહારાજના દર્શન કરી પાછા વળ્યા ત્યારે મહારાજ અંબાલાલ ભગતને કહે, રામજીને કહેજો પાસપોર્ટ જ્યાં હતો ત્યાં જ રાખે કાયમ ફેરવે નહીં. એટલે મેં પાસપોર્ટ તો એજન્ટ પાસે જ રાખ્યો. લાલજી મહારાજની મૂર્તિ તૈયાર થઈ. મેં દેવરાજભગતને કહ્યું, હું લાલજી મહારાજની મૂર્તિ મહારાજને આપી આવું અને મહારાજના દર્શન કરી આવું. આમ નક્કી કરતા હતા ત્યાં તો બીજે દિવસે દેવરાજભગતને એજન્ટ મળ્યો અને કહે તમારા ભેગા રામજીભગત છે તેને જલ્દી મોકલો અને રૂપિયા ભરી જાય. તેમને અબુધાબીમાં સન્લી કંપનીમાં જવાનું છે. ત્યારે હું પૂનાથી દયાલજીભગત પાસેથી રૂપિયા લઈ આવ્યોને એજન્ટને ભરી દીધા ને બે દિવસમાં અબુધાબી પહાગચી ગયો. આવી મોટી કૃપા પ્રગટ ભગવાને મારી પર કરી છે.

પ્રગટ ભગવાને તા.૯-૩-૭૯ના પહેલા પત્રમાં આશીર્વાદ આપ્યા છે તે આજ સુધી નાણાંને નવા રાખ્યા છે. મહારાજ કહે, રામજીભાઈ સારંુ થયું, પરદેશ ગયા, ઘણું તપ કર્યું, મુંઝાવું નહીં. દેશકાળ પ્રમાણે વર્તવું, વિરોધી લોકો સારું દેખી ન ખમી શકે, પણ તમારું દિલ સાફ છે જેથી લાભ ઘણો મળશે. મોહન કરસનને આશીર્વાદ છે કે, કમાઓ વાપરો. કુટુંબને સુખી રાખો, દયાલજીભગત પૂના છે. તેને બધાને કાગળથી આશીર્વાદ આપ્યા છે. દેશકાળ પ્રમાણે વરતવું. પરદેશમાં મુંઝાઈ રહેવું નહીં, પળાય એટલું પાળવું ભક્તોએ ભજન કરવા દેશમાં આવો ત્યારે ભગવાનના ચરણ જળ પીને શુદ્ધિ કરી લેવી, હવે તો લાખો હરિભક્તો પરદેશીઓ સાથે હળીમળીને રહે છે, પોતે અનુસંધાન ભૂલવું નહીં, ભજન કરવું, સંભારવા

ભગવાન રક્ષા કરશે. ગાફેલ ન થઈ જવું. છેવટમાં તમો હતા તે સારે ઠેકાણે પહાગચી ગયા, હવે વધારે આનંદ થાય છે. શ્રીહરિ શરણાગતિ મંડળ બધા કમાતા થઈ ગયા, અમારે રપ૦ સેવકો કમાય છે ખોટ નથી, આનંદ છે. બધાં કામ પૂરા થયાં છે. માળા ફેરવીએ છીએ. તમારા જેવી સેવા જણાવતા રહેશું હશે તો લખશું. સાત હજાર દયાળજીને ભરપાઈ થઈ જાય પછી બીજા વિચાર કરવા. તમને ધન્ય છે. સાચા સગાં છે મદદ કરી, કમાઓ, વાપરો અને આપો, સુખી રહો, બે દિવસોમાં પૂના કાગળ લખવા છે. રામજીભાઈ વિગેરેને આશીર્વાદ જય સ્વામિનારાયણ ગુલાબ પાંખડી પ્રસાદી ખાજો. એ જ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજીના જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ-સૌરાષ્ટ્ર.

પ્રગટ ભગવાનની કૃપાથી ઓછી મહેનતે વધારે રૂપિયા મળ્યા. વિદેશમાં મહારાજે મને બધાઓની પાછળ મોકલ્યો પણ એક વર્ષમાં જ કમાણીમાં બધાય ભક્તોની હારે કરી દીધો. દેશમાં પુસ્તક છાપવામાં સેવા મળી ને લાલજી મહારાજની મૂર્તિ બનાવવાની સેવા મળી તે પ્રગટ ભગવાનની મોટી કૃપા છે. દેશમાં આવ્યો ત્યારે મહારાજના દર્શન કરવા ગયો. ત્યારે ભગવાને ખૂબ જ આશીર્વાદ આપ્યા. મેં કહ્યું, મહારાજ વિદેશમાં તો બેઠા બેઠા રૂપિયા મળે છે. ત્યારે ભગવાન કહે, એ જ ભગવાનની કૃપા છે ને ત્યાર પછી મહારાજે બીજી કંપનીમાં મોકલ્યો તે કંપની સાધારણ હતી ત્યારે આઠ-નવ મહિના થયા હતા ને મેં મહારાજને કાગળ લખ્યો કે, મહારાજ કંપનીમાંના એક જ છું તો રક્ષા કરજો. ત્યારે છગનલાલભગત જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા હતા ત્યારે મહારાજ કહે, રામજીનો કાગળ અબુધાબીથી આવ્યો છે ને લખે છે હું એકલો છું ત્યારે મહારાજે છગનલાલ ભગતને કાગળ વંચાવ્યો અને બોલ્યા રામજી ક્યાં એકલો છે, હું ભેગો જ છું. તે વાત છગનભગતે મને કરી ત્યારે મેં મારા મનમાં નક્કી કર્યું કે હું કોઈ દિવસ એકલો નથી, મહારાજ ભેગા જ છે ને કાયમ ભેગા જ છે. ધાર્યા સંકલ્પો પૂરા કરે છે.

મહારાજને મેં આબુધાબીથી કાગળ લખ્યો કે, મહારાજ મારી સાઈડ પર ઓવરટાઈમ ચાલે છે. પણ બીજી સાઈડ પર ઓવરટાઈમ વધારે ચાલે છે. ત્યારે મહારાજનો પ્રસાદીપત્ર આશીર્વાદ આવ્યા કે સાઈડ બદલી થશે ને લાખો રૂપિયા કમાશો, હું રાજી થયો. જ્યારે વીસેક દિવસ થયા ત્યાં તો બધા કારીગરોએ હડતાલ કરીને કામે ન ગયા. મેનેજરે ઓફિસે બોલાવ્યા ત્યાં પણ માલિકે કહ્યું, ત્યારે માલિકે બધાને ફિનીશ કરી દીધા ને એક વર્ષનો નો-એન્ટ્રીનો સિક્કો પાસપોર્ટમાં મારી દીધો ને ઈન્ડિયા મોકલી દીધા. ત્યારે હું તો બહું અફસોસ

કરતો હતો કે મહારાજ વઢશે કારણ કે ભગવાન લખતા કે નાના થઈને કામ કરજો. હું ઘેર જઈને તુરત જ મહારાજના દર્શન કરવા ગયો ને મનમાં તો બીક હતી જ કે મહારાજ વઢશે. મહારાજ ખુરશી ઉપર બિરાજમાન હતા ને હું ગયો અને ઉંધુ ઘાલીને દંડવત્ કરવા લાગ્યો ત્યારે મહારાજે રાજી થઈને બોલ્યા ભલે આવ્યો. એવા માણસો ભેગા હોય ત્યારે આવવું પડે. ત્યારે મને નિરાંત થઈ.

મહારાજે વાસામાં હાથ ફેરવ્યો ત્યારે મેં મહારાજને વાત કરી કે, મહારાજ અબુધાબીમાં આમ બન્યું. ત્યારે મહારાજને પાસપોર્ટ દેખાડ્યા ત્યારે મહારાજ કાચ લઈને પાસપોર્ટ જોવા લાગ્યાને બોલ્યા આમાં તો એક વર્ષનો 'નો એન્ટ્રી'નો સિક્કો મારેલ છે માટે એક વર્ષ પછી અબુધાબી જવાનો મોકો મળે. ત્યારે મેં કહ્યું, મહારાજ બીજો પાસપોર્ટ કરાવેલો છે ને પૂના વેલજીભગતને ઘરે છે ત્યારે મહારાજ રાજી થઈ બોલ્યા. શાબાશ તું પણ પૂનાથી પાસપોર્ટ લઈને મુંબઈ દામજીભાઈને આપી આવ. ત્યારે હું પૂનાથી પાસપોર્ટ લઈ મુંબઈ દામજીભગતને આપી આવ્યો અને બે મહિનામાં અબુધાબી પીજેટ કંપનીમાં જવાનું થઈ ગયું.

અબુધાબીમાં સારામાં સારી પીજેટ કંપનીમાં પ્રગટ ભગવાને મને મોકલી દીધો. ભગવાનના આશીર્વાદથી રૂપિયા પણ ખૂબ કમાયો, ભગવાનની સેવા પણ ખૂબ જ થઈ. આ પ્રતાપ ભગવાને વાપર્યો. રમેશભગત જૂનાગઢ મહારાજના દર્શન કરવા જતા હતા ત્યારે છગનલાલ ભગતે હિરજીબાપાએ, કરશનબાપાએ ને દામજી માસ્તરે કહ્યું, તમો ફુલવાડીમાં જે મંદિર માટે કૂવા ગાળ્યા છે તે જોતા જાવ. મહારાજ તમને પૂછે છે તો શું જવાબ આપશો. તો ભગવાન આગળ ગયા ને દંડવત્ત કરી બેઠા ત્યારે મહારાજે પૂછ્યું, ફુલવાડીમાં મંદિરના પાયા કેટલા ખોદયા છે. ત્યારે ભક્તોએ કહ્યું કે, મહારાજ પાણી આવ્યું ત્યાં સુધી ખોદયા છે. રમેશભગતને વિદેશમાં આવવા માટે પ્રગટ ભગવાનના આશીર્વાદ લેવા જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. તો પહેલાં ભગવાને રમેશભગતને કહ્યું, તમો મને કાયમ દૂધ જમાડો છો ને હું કાયમ થોડું થોડું દૂધ પી જાવ છું પણ તમોને ખબર ન પડે. તેમ ઘણી વખત ભગવાન લાલજી મહારાજને થાળ જમાડતા તેમાંથી મહારાજ થોડું થોડું જમી જતા. આવી કૃપા પ્રગટ ભગવાને પોતાના ભક્તો ઉપર વરસાવી છે.

રમેશભગત જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. મહારાજને કહે, અમને વિદેશ જવા માટે આશીર્વાદ આપો અને નિયમ આપો ત્યારે મહારાજે વિદેશ જવાના આશીર્વાદ આપી બોલ્યા, ખૂબ જ કમાશો ને ભજન-ભક્તિ થાય તેટલા કર્યા કરજો. આમ રમેશભગત

તથા મનસુખભગત રાઠોડને મહારાજે આશીર્વાદ આપ્યા છે. પછી પ્રગટ ભગવાનના આશીર્વાદથી વિદેશમાં અબુધાબી પહાગચી ગયા અને આરબોની મસ્જિદમાં અમે કામ કરતા.

એક વખત બંને જણા સવારમાં મહારાજની પૂજા કરતા હતા ત્યાં આરબ આવ્યો તો આરબને જોઈ ભક્તો ધ્રુજી ગયા કે પૂજા ફગાવી દેશે પણ મહારાજે એવો ચમત્કાર દેખાડ્યો કે આરબ રાજી થયો ને બોલ્યો, જો તમે અલ્લાહને રાખશો તો તમોને કાયમને માટે કામ મળ્યા કરશે. હું તથા શાંતિલાલભગત બગીચા તથા ગોવિંદજી મહારાજ ત્રણેયે શુક્રવારે બજારમાં નાનો ગાર્ડન હતો તેમાં બેઠા હતાને મહારાજના આશીર્વાદપત્ર વાંચતા હતા ને તેમાં વિચાર આવ્યો કે, આપણે ગાર્ડનમાં ટાઈમ પાસ કરીએ તો કલાક સુધી ભજન, કથા-વાર્તા કરીએ તો સારું. ત્યારે શાંતિલાલભગત કહે, રામજીભગત અમારા કેમ્પમાં અમારે રૂમ મોટો છે ને કોઈ તકલીફ નથી. તો ત્યાં સભાનું નક્કી કર્યું. દર શુક્રવારે સમૂહ ભોજન અને સભા, કથા-વાર્તા કરવી. દર શુક્રવારે એક એક જણ તરફથી સમૂહભોજન રાખવામાં આવ્યું અને શાંતિલાલભગતની કંપનીનો કેમ્પ સિટીમાં જ હતો એટલે બધા ભક્તો આવી શકતા. ત્યારપછી જેને રાશન ભરવાનું હોય તે લઈ શકતા.

ત્યાં બધા ભક્તોને આનંદ આવવા માંડ્યો. દર શુક્રવારે મહારાજના આશીર્વાદપત્રો સાંભળવા મળે ને કથાવાર્તામાં મહારાજના પરચા સાંભળવા મળે. એમ કરતા બે-ત્રણ દિવસની છૂટી આવીને ત્રણ દિવસ સુધી કથાવાર્તા કરવાનું નક્કી કર્યું ને દુબઈથી પણ અબુધાબી ભક્તો આવ્યા હતા. સવારથી કથા ચાલુ કરતા તેમાં રામજીભગત તથા શાંતિલાલ ભગત કથાવાર્તા કરતા ને મહારાજનો મહિમા સમજાવતા. તો ભક્તો મહારાજની સેવા કરતા અને ફુલવાડી મંદિરમાં પણ સેવા કરતા. કથાવાર્તા કર્યા પછી બપોરે ભગવાનને થાળ બનાવીને ભગવાનને જમાડીને ભક્તો પ્રસાદ જમ્યા. ત્યાર પછી બધા ભક્તો આરામ કરતા હતા ત્યાં પ્રગટ ભગવાન રાજી થઈને દર્શન દેવા પધાર્યા, જેટલા ભક્તો જાગતા હતા તેમણે મહારાજને દંડવત્ત કર્યા. મેં અને રામજીભગત, શાંતિલાલભગત તથા ગોવિંદજી મહારાજ બધાએ મહારાજને દંડવત્ત કર્યાને જે ભક્તોને નિંદ્રા આવી ગઈ હતી તે ભક્તોને ભગવાને છાતીમાં ચરણકમળ આપ્યાને દંડવત્ત કરતા ભક્તોને ભગવાન ભેટ્યા. આવો રાજીપો મહારાજે વિદેશમાં વરસાવ્યો. ત્યાં મહારાજે પ્રસાદીપત્ર લખ્યો તેમાં પણ જણાવ્યું કે, અબુધાબી ભક્તોએ દંડવત્ત કર્યાને સૂતા ભક્તોને ચરણાર્વિદ આપ્યા ભક્તો રાજી રાજી થઈ ગયા અને વધુ ને વધુ ભજન કરવા માંડ્યા ને આવક મુજબ મહારાજના મંદિરની સેવા મોકલવા માંડ્યા.

પ્રગટ ભગવાનનું નિવાસસ્થાન જૂનાગઢ બાલમુકુંદ ભવનમાં પણ ભક્તોએ ખૂબ જ સેવા કરી. તન, મન, ધનથી ભક્તોએ સેવા કરી છે. બાલમુકંુદ ભવનમાં હરસુખ રામજી મકવાણા અને હરિકૃષ્ણ ભગવાનજી જાવિયા બંને બાળકો ભણતા ભણતા સેવા કરવા જતા ને પ્રગટ ભગવાનની સેવા ભગવાનને અભિષેક કરાવવા, શરીર દાબવા, ભગવાનના ફોટા પાડવા તે બાળકો અંગત રીતે જોતાને મહારાજનો લાભ લેતા.

ત્યારે મહારાજ કહે, હરસુખ મૂછનો દોરો ફૂટે એટલે કડિયાકામ કરવા માંડજો ત્યારે તે ૧૦માં ધોરણમાં ભણતા અને આગળ ભણવાનો વિચાર છોડી દીધો ને ભગવાનની સેવા કરવા અને ફુલવાડીમાં શિખરબંધ મંદિરમાં પણ રાત-દિવસ સેવા કરતા. લાલ પથ્થરની પાટો ખટારો આવે એટલે હરસુખ, હરિકૃષ્ણ, શાંતિલાલ લાલજી, જગદીશ કેશવજી ચારેય જણા થઈને આખો ખટારો ખાલી કરી નાખતા. તો તે સેવાની ભગવાનના આશીર્વાદ મળતાને અત્યારે સુખીયા છે. મહારાજના મંદિરમાં તન, મન અને ધનથી સેવા કરે છે.

હરસુખનું મેં મહારાજને પૂછ્યું, મહારાજ હરસુખને ભણાવવો કે કામે લગાડવો ? ત્યારે મહારાજ કહે, કામે લગાવી દે. કામ કરે તે સુખીયા થાય. ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને પૂના કામ કરવા માંડ્યો ને છ મહિનામાં કારીગર થઈ ગયો. આ ભગવાનના આશીર્વાદ કામ કરે છે ને અને બાલમુકુંદ ભવનના વાસ્તામાં ભગવાને બધા ભક્તોને આમંત્રણ પત્રિાકા મોકલાવી ત્યારે બધા ભક્તો દેશ, વિદેશથી મહારાજના બાલમુકુંદ ભવનના વાસ્તામાં પધાર્યા હતા ને હરસુખ પણ તુરંત પૂનાથી વાસ્તામાં આવ્યો હતો. વાસ્તામાં બધા ભક્તો પર મહારાજ રાજી થયાને સર્વને પોતાના દીલની લગડીઓના આશીર્વાદ આપ્યા. તે વખતે રમેશભગત અબુધાબી કંપનીની બહાર કામ કરતા હતા તો તેમને મેં કહ્યું, તમારા સગપણનું નક્કી થાય તો કરતો આવું ? તો કહે, કરતા આવજો. ત્યારે મહારાજને વાત કરી. મહારાજ રમેશભગતનું સગપણ કાંતિલાલ ધનાણીની દીકરી સાથે કરવાનો વિચાર છે તો મહારાજ કહે, મંડળમાં સગપણ કરો પણ ઠેઠ સુધી નિભાવવાનું. ત્યારે મહારાજના આશીર્વાદથી સગપણનું નક્કી કર્યું અને સગાઈ કરવાનું નક્કી કર્યું તો કપડાં, ઘરેણાં, ઘડિયાળ વગેરેથી આખી સૂટકેસ ભરીને સગાઈને આગલે દિવસે હું રામજી તથા હરસુખ બંને જૂનાગઢ મહારાજના દર્શન કરવા તથા બધા કપડાં, ઘરેણાં, ઘડિયાલ પ્રસાદીના કરાવવા મહારાજ આગળ આખી સૂટકેસ મહારાજ પાસે લાવીને ખોલી ત્યારે મહારાજે રાજી થઈને કપડાં ખભે ઓઢ્યા, ઘરેણાં ડોકે, પગે પહેર્યા, ઘડિયાળ કાંડે બાંધીને બધી વસ્તુ પ્રસાદીની કરી આપી

આશીર્વાદ આપ્યા કે સુખી થાઓ.

મહારાજે પ્રસાદીપત્રમાં આશીર્વાદ આપ્યા કે, તમારા મોટા ભાગ્ય કે ભગવાન ભેગું રહેવાય છે અને સેવાઓ થાય છે. હું રામજી તથા છગનલાલભગત મહારાજના દર્શન કરવા ગયા ને મહારાજને દંડવત્ત કર્યાને મહારાજની સેવા કરી. મહારાજ બોલ્યા કે તમારા મા-બાપને સારી રીતે સાચવજો, તેમની ફરિયાદ મારી પાસે ન આવવી જોઈએ. તે જોઈને બીજાને પણ તમારો ગુણ આવે કે મહારાજના સેવકો મહારાજની આજ્ઞા મુજબ રહે છે અને મા-બાપને, કુટુંબને સારી રીતે રાખે છે.

મારે પૂનાથી મહારાજના દર્શન કરવા જવું હતું તો મહારાજને કાગળ લખ્યો કે, મારે જૂનાગઢ દર્શન કરવા આવવું છે. ત્યારે મહારાજ કહે, લાલજી મહારાજની મૂર્તિ વેલજીભગતને ઘરેથી લેતા આવજો. તો હું દિવાળી પર મહારાજના દર્શન કરવા ગયો ને સાથે છગનલાલ ભગત હતા. અમો બંને જૂનાગઢ પહાગચ્યા ને મંદિરે ગયા અને મહારાજ આગળ રૂમમાં હરતા-ફરતાં માળા ફેરવતા હતા ને અમો જઈને દંડવત્ત કરવા માંડ્યા ત્યારે મને મહારાજ કહે, ભરેલો આવ્યો છો કે ઠાલો ? ત્યારે મેં કહ્યું, મહારાજ ભરેલો આવ્યો છું. ત્યારે મહારાજ કહે, ઊભા રહો. ત્યારે અમો બંનેને મહારાજ એકી સાથે ભેટ્યા અને રાજી થઈ કહે, હવે દંડવત્ત કરો. ત્યારે અમોએ મહારાજને દંડવત્ત કર્યા. અમો મહારાજની સેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા તમારા મોટા ભાગ્ય છે કે હું તમારી સાથે ગુજરાતી બોલું છું નહિંતર આટલું ભણેલ માણસ કોઈ ગુજરાતી ના બોલે.

જૂનાગઢના બાલમુકુંદ ભુવનના વાસ્તા પછી મારે અબુધાબી જવાનો સમય પૂરો થઈ ગયો. ત્યારે મહારાજના દર્શન કરવા અમે ઘરમંડળ સહિત ગયા ને સવારમાં હું મહારાજને અભિષેક કરવા વહેલા ગયો તો મહારાજને અભિષેક કરાવ્યો ને મહારાજ કહે, બાટલી લાવ્યો છે. ત્યારે મેં કહ્યું, હા મહારાજ. તો મહારાજ કહે, પેલા બાટલામાં અભિષેકનું જળ ભરીને પેક કરીને મૂકી દે. ત્યારપછી મહારાજને સાબુથી ચોળીને નવડાવ્યા ને ધોતિયું બદલાવ્યું ને મેં મહારાજનું ધોતિયું, ગંજીયુ સાબુ દઈને ધોઈને સુકવી દીધું. મહારાજને દંડવત્ત કર્યાને સેવા કરવા લાગ્યો. ત્યારે મહારાજ બોલ્યા. રામજી હવે બધા કામો પૂરા થઈ ગયા છે. તો હવે ધામમાં જવું છે ત્યારે હું ઉદાસ થઈને બોલ્યો કે, મહારાજ તો તો અમો તમારી પાછળ મરી જાઈએ. ત્યારે મહારાજ બોલ્યા, કોઈ ભગવાન પાછળ મર્યું નથી માટે મારી પાછળ મરાય નહીં ને ત્યારે વખતના જે જે ફોટા પાડ્યા હતા તે બધા ઉદાસ જ આવ્યા

હતા અને હું અબુધાબી ગયો પણ ચેન પડે નહીં શરીરમાં અપશુકન જેવું જણાયા કરે ને ત્રણ મહિના થયા ત્યાં તો મહારાજ સ્વધામગમનના સમાચાર દુબઈ આવ્યા.

જામનગર રહેતા દિનેશભાઈ દરજી ટેલરની દુકાનમાં ફોન હતો તેને દેવપ્રકાશ સ્વામીએ ફોન કર્યો હતો કે, મહારાજ સ્વધામ, પરમધામ પધાર્યા છે. તો દુબઈથી બે ભક્તો અબુધાબી કહેવા આવ્યા તે દિવસ શુક્રવાર હતો તો બધા ભક્તો સભામાં અને સમૂહભોજનમાં આવ્યા હતા. સાંજના છ વાગે દુબઈથી ભક્તોએ આવીને સમાચાર આપ્યા ત્યારે બધા ભક્તો બહું રડ્યા અને આખી રાત ભજન કર્યા અને નક્કી કર્યું કે અબુધાબી મંડળ તરફથી હું રામજી તથા શાંતિલાલભગત બગીચા ઈન્ડિયા જાય. અમો બધા પોતપોતાની કંપનીમાં ગયાને હું નાહીને ફોરમેન પાસે ગયો અને કહ્યું, અમારા મહારાજ સ્વધામ પધાર્યા છે તો મારે ઈન્ડિયા જાવું છે. ત્યારે ફોરમેન કહે, ચાલો ગોરા આગળ. તો બંને ગોરા આગળ ગયા. ફોરમેનને વાત કરી તો તેમણે તુરત જ ઓ.કે. કહીને છૂટી લખી આપી ને પગાર અપાવી દીધો. પાસપોર્ટ અપાવી દીધો અને ટિકિટ લઈને સાંજના પ્લેનમાં હું રામજીભગત તથા શાંતિલાલ ભગત તથા ભગવાનજીભગત તે જ દિવસે સાંજે પ્લેનમાં બેસી ગયા અને સવારમાં જૂનાગઢ પહાગચી ગયા. કોઠારી સ્વામી બધા ખૂબ જ રડ્યા અને કોઠારી સ્વામી બોલ્યા, રામજી તમો આટલા વહેલા આવવાના હોત તો મહારાજને બે-દિવસ વધારે રાખત. પણ આ તો પ્રગટ ભગવાને પોતાનો પ્રતાપ વાપર્યો જેને આવવું હતું તેને તુરત જ છૂટી મળી ગઈ. રતિલાલભગત તથા શાંતિલાલ ભગત બહેરીનથી તુરત પહાગચી ગયા નહીંતર ઈન્ડિયાથી ટેલિગ્રામ મંગાવવો પડે ઘરવાળીને ખોટી રીતે સિરિયસ કરવી પડે ત્યારે પાંચ દિવસ ઈન્ડિયા આવવા મળે. આ તો સાવ મોઢાની વાત કોઈ પ્રૂફ નહીં આવો પ્રતાપ પ્રગટ ભગવાને વાપરીને જેને આવવું હતું તે ઈન્ડિયા આવી ગયા. રમેશભગત પણ આવી ગયા.

ચાવડા ગામના રતિલાલ ગંગદાસ ભગત રાઠોડ તથા તેમના ધર્મપત્ની દયાબેન બંને મહારાજના દર્શન કરવા જૂનાગઢ જવાના હતા ત્યારે દયાબેને તેમના બેન પાનીબેનને કહ્યું, અમો મહારાજના દર્શન કરવા જઈએ છીએ. ત્યારે પાનીબેને કહ્યું, મહારાજ માટે ગાયનું દૂધ મોકલાવવું છે. મહારાજ માટે દૂધપાક જમાડવા માટે ને ખેતરમાં જીંજરા થયા છે તો મહારાજ માટે ઓરા શેકીને જમાડવા માટે મોકલાવવાના છે. તો તમે લઈ જાવ તો ખેતરથી જીંજરા લઈ આવું અને ગાયનું દૂધ બરણો ભરીને મોકલાવું. રમેશભગત તથા હરસુખભગત બંને ભાઈ રતિલાલ ગંગદાસભગતને સ્ટેશને પહાગચાડ્યા. પછી મહારાજનો આશીર્વાદ પત્ર

આવ્યો કે, દૂધપાક ખૂબ જ જમ્યાને જીંજરા શેકીને આરોગ્યા છે.

રમેશભગત તથા હરસુખભગત બંનેએ મહારાજને પત્ર લખ્યો કે, મહારાજ તમો અમારી ઘરે કાયમ દૂધ પીવા પધારજો. ત્યારે મહારાજે પ્રસાદીપત્ર લખ્યો કે, કાયમ દૂધ પીવા આવીશ. થોડું થોડું કાયમ પી જાઈશ. માટે ભગવાનને કાયમ દૂધ જમાડજો.

મહારાજ અમારા માતુશ્રી ઘેલીબાને દર્શન દેવા રાતે પધાર્યાને ઘેલીબાને જગાડી બોલ્યા કે, આ પ્રસાદ તમારા માટે લાવ્યા છીએ તો જમી લો. ત્યાં ઘેલીબા તો રાજી રાજી થઈને પ્રસાદ જમી ગયા ને મહારાજના ખૂબ જ હેતથી દર્શન કર્યાને મહારાજે ખૂબ જ આશીર્વાદ આપ્યાને બોલ્યા મારું ભજન કર્યા કરજો ટાણું આવશે ત્યારે હું તમોને મારા ધામમાં લઈ જઈશ. આવા દર્શન પ્રગટ ભગવાને રાજી થઈને અમારા માતુશ્રીને આપ્યા અને કોઈ માજી આગળ બાયો બેસવા આવે તો કહે શાસ્ત્રીજી મહારાજ તો ભગવાન છે મને દર્શન આપ્યા છે અને ધામમાં તેડી જશે.

રામજીભગતે વિદેશમાં સેવાઓ કરીને પ્રગટ ભગવાનની આજ્ઞાથી ફુલવાડી મંદિરમાં રહીને ઘણાં વર્ષો સુધી મંદિરમાં ભક્તોની સેવા, મંદિરનો વહીવટ, પુજારીપણું પણ કરીને સેવાનો લાભ લીધો છે. તેમજ કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિરમાં પણ સેવા-પૂજા કરી છે. આમ મહારાજ રામજીભગત જેઠાભગત મકવાણાના પરિવારને પણ પરમધામમાંથી પોતાની સેવા-પૂજા તેમજ કાર્યો માટે લાવેલા હોવાથી આ કુટુંબ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભાગવત કુટુંબ છે અને આ પરિવારના સૌ ભક્તો પણ મહારાજના શ્રીહરિ શરણાગતિ મંડળના તેમજ મંદિરના કાર્યોમાં અને ઉત્સવોમાં પણ જ્યાં જેવી જરૂર પડે તે પ્રમાણે યથાશક્તિ તન-મન-ધનથી સેવાનો લાભ લઈ મહારાજને વિશેષ રાજી કરી ધન્યતાનો અનુભવ કરે છે.