અનાદિ મુક્તરાજ રામજીભગત કેશવજીભગત ગોહિલ
જામવંથલી, હાલ- સૂરત
મારા બેન અને બનેવી ઉજીબેન અને કેશવજીભગત તે મને અવારનવાર કહે હાલ જામનગર મહારાજના દર્શન કરવા પણ મારા ભાગ્યમાં નહીં એટલે જવાતું નહીં પણ એક વખતે બનેવી કહેતા એટલે મનમાં થયું હાલોને તો દર્શન કરી આવીયે. એમ કરી મારા બનેવી કેશવજીભગત ભેગો હું જામનગર મંદિરે આવ્યો અને મહારાજ પાસે બેઠા, પગે લાગ્યા એટલે મહારાજે મને કંઠી બાધી મેં મહારાજને પાંચ રૂપિયાની ભેટ ધરીને અમે જામવંથલી આવતા રહ્યા.
મારા બનેવી મહારાજની વાતો કરે સ્વામી અંતરર્યામી છે, સ્વામી ભગવાન છે, સ્વામી ચમત્કારી છે આવી વાતો કરે. ત્યારપછી મને જામનગર જવાનો મોકો ન મળ્યો. આમ ઘણો સમય થયો તો મને મનમાં વિચાર આવ્યો કે મહારાજના દર્શન કરવા છે પણ જવાતું નથી. એટલે મેં ટેક લીધી કે, હવે મહારાજના દર્શન ન કરું ત્યાં સુધી ઘી ન ખાવું. આમ કરતાં કરતાં છ મહીના થઈ ગયા. એક વખત ઘરમાં ઘી હતું ને મેં ઘીનો ડબ્બો ભર્યો અને જામનગર જવા ઉપડ્યો. જામનગર આવ્યો મહારાજ આમથી તેમ આંટા મારે. હું મહારાજને મળ્યો પગે લાગ્યો અને મહારાજને મેં કહ્યું, સ્વામી મને ક્યારેક ક્યારેક ચક્કર આવે છે. મહારાજ કહે ઊંધો સૂઈ જાય. મહારાજે મારી કમર ઉપર ત્રણવાર પંજો દબાવ્યો અને કહ્યું જા મટી જશે. ત્યારે જામનગરમાં જામસરબાપુના છોકરાના લગ્ન હતા તે મહારાજ કહે, જામનગરના રાજાના છોકરાનું ફુલેકું જોવા જાઓ. મેં કહ્યું, ના મહારાજ મારે તમારા પગ દાબવાની સેવા કરવી છે. મહારાજ કહે, હાલ આપણે બેય જઈએ પછી અમે ધાબા પર ગયા અને મહારાજ અને મેં ફુલેકું જોયું, પછી મહારાજ કહે, હવે સૂઈ જાઓ. એટલે હું સભામંડપમાં સૂઈ ગયો બીજે દિવસે હું મેઘપર આવી ગયો. તે પછી મારે મસ્કત જવાનું થયું. સ્ટિમ્બરની ટિકિટ આવી ગઈ એટલે મેં ભણેલાને કાગળિયા બતાવ્યા, આ કાગળ સાચા છે કે ખોટા. આ એજન્ટોનો ભરોસો નહીં. એ ભાઈ કહે, આ કાગળિયા સાચા છે ને તમારે મસ્કત જવાનું છે.
ત્યારે મહારાજ સૂરત કથા વાંચવા આવવાના હતા, ત્યારે મારા બનેવી મને લેવા આવ્યા. તમે હાલો. પણ મારે મસ્કત થોડા દિવસમાં જવાનું હતું એટલે મારા કુટુંબને સૂરત લઈ ગયો. ત્યાં મહારાજ પાસે મારા કુટુંબના બધાં સભ્યોને કંઠી બંધાવીને એ બા ત્યાં રોકાયાને
હું આવતો રહ્યો અને હું મસ્કત ગયો ત્યાં એક વરસ પછી સાઈડ બદલી અને બે પહાડ વચ્ચે મૂકયો અને મહારાજની દયાથી ૪૦ માણસોનો હું ફોરમેન તરીકે હતો. પણ ખાવા પીવાની તકલીફ એટલે અમે હાથે બનાવીને ખાઈએ. તે ત્યાં ચોખા-જારના દાણા ઢોળાતા. એટલે હોલા ચણવા આવે અને હું મહારાજની ચિન્હવાળી મૂર્તિ સાથે લઈ ગયો હતો ને મહારાજનું સ્મરણ કર્યા કરું ત્યાં ત્યાંના માણસોએ એક હોલું પકડ્યું અને તેના પગ બાંધી દીધા એ મેં જોયું, ત્યાં મારા મનમાં થયું કે હે મહારાજ તમારા સતના આધારે અમે અહીંયા છીએ પણ આ હોલાનું મારણ કરે છે તમે એ હોલાને બચાવો. આમ જ્યાં મનમાં બોલ્યો ત્યાં હોલો ઉડવા લાગ્યોને એક ઝાડ ઉપર બેસી ગયો. પણ એના પગ બાંધેલા હોવાથી નીચે પડ્યો. એ શિકારીઓ એની પાછળ પડ્યા. એટલે મેં કહ્યું, મહારાજ આ હોલાને બચાવો. ત્યાં હોલો ઉડ્યો ને મારી બાજુમાં આવીને પડ્યો. એટલે મેં હોલાના પગમાં બાંધેલી દોરી કાપી નાખી હોલાને ઉડાડી દીધો. આમ મહારાજે હોલાને પણ બચાવ્યો.
એક વખત હું મસ્કત જતા પહેલાં મહારાજને મળવા ગયો. ત્યાં ખાવા-પીવાની કઠણાઈ હશે એટલે મહારાજ કહે, ત્યાં બધું ભેળસેળવાળું હોય પણ ત્યાં ન ખાવાનું ન ખાતા, ન પીવાનું ન પીતા પણ દેશકાળ અને સમય સંજોગ પ્રમાણે ડુંગળી ખાવાનો પ્રસંગ આવે તો ડુંગળી ખાજો પણ મગજ શાંત રાખજો. આમ ભલામણ કરી અને કહ્યું, ભગવાનને ભૂલતા નહીં. ત્યાં પહાગચી મહારાજને કાગળ લખ્યો કે, હું સુખશાંતિથી પહાગચી ગયો છું. મહારાજે વળતા જવાબમાં કહ્યું કે, મગજને શાંત રાખજો અને કંપનીના સમયમાં કંપનીનું કામ કરજો. કંપની સાથે વિવાદ થાય તો ઓફિસમાં ફરિયાદ કરવી પણ કામ બંધ ન કરવું, આમ મહારાજનો પ્રસાદીનો પત્ર આવ્યો.
મહારાજના ઘણી વખત સ્વપ્નમાં દર્શન થાય. મહારાજ છડીવાળા દેખાય, ક્યારેક ચિન્હવાળા દેખાય, ક્યારેક જામનગર સભામંડપમાં હરતા ફરતા દેખાય અને ઘરનાઓને પણ આવા દર્શન થાય.
એક વખત અમારા મેઘપરમાં બે મિત્રો વાતવાતમાં રામ મોટા, કૃષ્ણ મોટા આમ વાદ-વિવાદમાં ઝગડ્યા તે ઝગડ્યા એવા કે બાથોબાથ આવી ગયા. હવે રાત્રો સપનામાં પણ મને રામ મોટા કે કૃષ્ણ મોટા ? એવા વિચારો આવવા લાગ્યા. ત્યાં મહારાજે સ્વપ્નમાં જે રામ મોટા એમ કહેતો હતો એને મહારાજે છડીવાળા રૂપે દર્શન આપ્યા. એને મને સવારે વાત કરી એટલે મને થયંું કે, નક્કી મહારાજે આને દર્શન દીધા છે અને એ મારો કાકાનો
દિકરો ભાઈ થાય એટલે મને વાત કરી તેથી મેં એમને જામનગર મહારાજના દર્શન કરવા કહ્યું. એમ એના પ્રશ્નનું સ્વપ્નમાં સમાધાન થયું કે, સૌથી મોટા પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ જ છે.
એક વખત અમે કુંકાવાવ દર્શને ગયા. ત્યાં મહારાજની મૂર્તિ આગળ અમે બેઠા હતા અને હું એવા વિચાર કરતો હતો કે પરમધામમાં જે ભગવાન છે એ ભગવાન અહીંયા પણ છે. ત્યાં મહારાજના હાથમાં જે ફુલ ચઢાવ્યું હતું તે મારા ઘરનાનાં ખોળામાં પડ્યંું એટલે મેં કહ્યું, આપણી ભાવના વડે મહારાજ રાજી છે.
મેં અત્યાર સુધી ર૪-રપ મંદિરોમાં બાંધકામ કર્યું છે અને હું મંદિરના શિખર ઉપર ચડું એટલે મહારાજની અનાદિ શ્રીકૃષ્ણનારાયણની જય બોલીને માથે ચડું. મહારાજની દયાથી આજ સુધી એક ખીલીયે મને વાગી નથી, આ મહારાજની કૃપા અને દયા કહેવાય.
સવારે વ્હેલા ઉઠીને નિત્યક્રમથી પરવારી મહારાજની પૂજા કરું, મહારાજની પૂજામાં મંત્ર, માળા, આરતી, થાળ કરી મહારાજની આજ્ઞા લઈ કામે જવાનું જેથી ભગવાન આપણું ધ્યાન રાખે અને ધ્યાન રાખતા આવ્યા છે. આમ મહારાજના યથાશક્તિ ભક્તિભાવથી ભજન-સેવા કરીએ છીએ.