પરચા ૪૭

અનાદિ મુક્તરાજ કુંવરજીભગત કેશવજીભગત ચૌહાણ

જામસર, હાલ- સૂરત

મારા બાપુજી જામનગર સ્વામિનારાયણ મંદિરમાં મહારાજને ઘઉં દેવા ગયા હતા. એક વખત એવું બન્યું કે મંદિરે દર્શન કર્યાં અને પ્રસાદનો ટાઈમ થયો ત્યારે મહારાજ પાસે ગયા તો મહારાજ જમવા બેઠા હતા અને દૂધપાકનો વાટકો ભર્યો હતો. ત્યારે મહારાજે દૂધપાકના વાટકામાં એક ઘૂંટડો ભર્યોને મારા બાપુજીને આપ્યો. લ્યો કેશવજીભગત આ તમે પી જાઓ. જ્યારથી આ દૂધપાક મારા બાપુજીએ પીધો ત્યારથી એના જીવનમાં ભક્તિમાં વધારો થયો અને વૈરાગ્ય જાગ્યો. એટલે મારા બાપુજી કહેતા કે, આ શાસ્ત્રીજી મહારાજ બહું મોટા વિદ્વાન છે અને આ મહાપુરુષ છે માટે તું જામનગર જાય તો શાસ્ત્રીજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના દર્શન કરજે. એટલે મારે ૧૦માં ધોરણની પરીક્ષા દેવા જામનગર જવાનું થયું ત્યારે મેં મહારાજના પ્રથમ દર્શન કર્યાં. ત્યારે જોડિયા ગામમાં હરિપ્રસાદ સ્વામી અને માધવપ્રસાદ સ્વામી સ્વામિનારાયણ મંદિરમાં રહેતા. તેની ભલામણથી મને જામનગર મંદિરમાં ઉતારો આપ્યો.

જામવંથલીના ભક્તોને માટે જે રૂમ અનામત હતી તે રૂમ મને ઉતારામાં આપી અને સ્વયંપ્રકાશ સ્વામી કહે, તમે જ્યાં વાંચવું હોય ત્યાં વાંચજો અને ભણવામાં ધ્યાન દેજો. ત્યારે હું મંદિરમાં ૧પ દિવસ રોકાયો હતો. ત્યાં રવિવારનો રજાનો દિવસ હતો અને અમે સભાહોલમાં વાંચતા હતા ત્યાં સામે મહારાજ ખુરશી ઉપર બેઠા પગ લાંબા કરી માળા કરતા હતા. ત્યારે હું મહારાજ પાસે ગયો અને ચરણસેવા કરવાની ઈચ્છા થઈ એટલે મહારાજ બોલ્યા સામે નળમાં હાથ ધોઈને આવો. પછી હું અને બીજા ત્રણ જણાં હાથ ધોઈ મહારાજની ચરણસેવા કરતા હતા. ત્યારે મહારાજ સાંખ્યયોગી ઝવેરબાઈની વાત કરતા હતા કે, એ કચ્છની દીકરી ઝવેરબેન જામનગરમાં રહે છે અને હમણાં એની આંખમાં ઝામરનું દર્દ હતું તે દર્દ આ પ્રગટ ભગવાને આંખમાં ટીપા નાખીને મટાડ્યું.

એ ઝવેરબાઈ સાંખ્યયોગીની અવસ્થા એટલે બે બાયું હાથ પકડીને દર્શન કરાવા મંદિરે તેડી આવે. ઝવેરબાને એવો દ્રઢ નિશ્ચય હતો કે, આ મારી આંખ હવે તો ભગવાન જ મટાડશે માટે મારે ઓપરેશન કરાવવું નથી. તે આ ભગવાને બાઈનો વેષ લઈને મંદિરની પ્રદક્ષિણામાં ઝવેરબાઈની આંખમાં ટીપાં નાખ્યા અને એજ સમયે આંખ મટી ગઈ. આમ

મહારાજે વાત કરીને એ ઝવેરબાઈના દર્શન કરવા અમને કહ્યું. ત્યારે અમે ઝવેરબાઈનાં દર્શન કર્યાં તે એની આંખ નાના બાળક જેવી સ્વચ્છ અને સુંદર હતી. આમ દર્શન કરી અમે પાછા મહારાજની ચરણસેવા કરવા લાગ્યા ને મહારાજ બોલ્યા કે, જોઈ કેવી આંખો થઈ ગઈ. એટલે અમે કહ્યું, મહારાજ આંખ તો બહું સારી થઈ ગઈ. પછી મહારાજ કહે, આ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ઈચ્છે તો શું ન થાય.

એ ઝવેરબાઈએ ઘણાં ડૉક્ટરોને બતાવ્યું ઘણી દવાઓ કરી પણ ક્યાંય સુધારો થયો નહીં. તે એક દિવસ પ્રદક્ષિણા ફરતાં ફરતાં આંખમાં બહુ પીડા થવા લાગી તે બાયું કહે, તમે અહીં બેસી જાઓ. ઝવેરબેન કહે હું હવે ઘરે કેમ જાઈશ એમ વિચાર કર્યો ત્યાં પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ બાઈનો વેષ લઈને ઝવેરબેનને કહ્યું, શું થયું. ઝવેરબેન કહે, મારી આંખમાં જામરો છે ને આજે બહું પીડા થાય છે. બાઈના વેષમાં મહારાજ કહે, લ્યો તમારી આંખમાં ટીપાં નાખી દઉં. એમ કહી આંખમાં બે ટીપાં નાખ્યાં ત્યાં આંખ બળવા લાગી કહે આ તો બહું બળતરા થાય છે. મહારાજ કહે, બીજા બે બે ટીપાં નાખું તો મટી જશે. આમ પાછા બે બે ટીપાં નાખ્યાં ને આંખ એજ સમયે મટી ગઈ અને મહારાજે ઘનશ્યામ રૂપે પણ ઝવેરબાઈને દર્શન આપ્યા અને આંખ મટાડી. એ ઝવેરબાઈનું માવદાન ગઢવીએ કિર્તન બનાવ્યું છે કે, ‘‘આજ કળિયુગમાં પરચા પુરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે...'' આમ આખાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં જયજયકાર થઈ ગયો. આમ મહારાજે ઝવેરબાઈનું દુઃખ મટાડ્યું. તે આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ ઈચ્છે તો શું ન થાય ! આમ મહારાજ બોલ્યા ત્યારથી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભગવાન જ છે, એવો મને દ્રઢ નિશ્ચય થઈ ગયો.

એક વખત અમે મહારાજની ચરણસેવા કરતા હતા ત્યારે આ જામવંથલીના ભક્તો મંદિરમાં સેવા કરવા આવતા. એક વખત જામવંથલીના બે ભક્તો જુવારના ગાડા ભરીને આવ્યા તેમાં લાલભાઈ જાવીયાનું ગાડું પાછળ હતું અને બીજા ભાઈ તે આગળ હતા. ત્યારે ગાડા મંદિરમાં દાખલ થયાને મહારાજની દૃષ્ટિ લાલભાઈ જાવીયાના ગાડા ઉપર પડી તે ગાડું ઉલાર હતું તેથી બળદ ટુંપાતા હતા ત્યારે મહારાજે દૃષ્ટિ કરી ને જોતર ટુટી ગયા અને બળદ છૂટા થયા. તે ગાડું ઊછળ્યું અને લાલભાઈ ઊંટડા ઉપર જ રહી ગયા અને મંદિરમાં સંતો સૌ હસવા લાગ્યા ત્યારે લાલભાઈ કહે, એ મને નીચે ઉતારો નીચે ઉતારો. પછી લાલભાઈને નીચે ઉતાર્યાં. ત્યારે મહારાજ કહે, આ ગાડું ખેતરેથી જ ઉલાર હતું. બળદ ટુંપાતા હતા તે તમને ખબર ન પડી. આમ મહારાજે હસતાં હસતાં ઠપકો આપ્યો. આમ મહારાજે દૃષ્ટિ

માત્રથી જોતર તોડીને બળદોને બચાવ્યા.

એજ સમયમાં એક વખત એવું બન્યું કે સ્વયંપ્રકાશ સ્વામી સભા હોલમાં મહાપૂજા કરતા હતા. ત્યારે હું સભા હોલમાં વાંચવા બેઠો અને રાત્રીના એક દોઢનો સમય થયો ત્યાં મહારાજ માળા ફેરવતા ફેરવતા આવ્યા. હું મહારાજને પગે લાગ્યો અને મહારાજે આખા સભા હોલમાં એક રાઉન્ડ માર્યો અને મારી પાસે મહારાજ આવ્યા અને બોલ્યા કે, ઓઢવાનું પૂરતું છે ને આજ ઠંડી બહુ પઢશે. મેં કહ્યું, હા મહારાજ ઘણું છે. આ ગાદલા રજાઈયું ઘણી છે. પછી મહારાજ માળા કરતાં કરતાં ચાલ્યા ગયા તે દિવસે સવારે નળકાઓમાં બરફ જામી જાય એવો ખૂબ હીમ પડ્યો. આમ મહારાજ બધાંને અગાઉ ચેતવી અને શરણાગતોની સંભાળ લેતા. આમ ડગલેને પગલે મહારાજ પોતે ભગવાન છે તેની પ્રતિતી કરાવતા. અમે પરીક્ષા દેવા ગયા તે ૧પ દિવસ મંદિરે રોકાયા તે મને આટલા પ્રત્યક્ષ અનુભવ થયા પછી અમે પરીક્ષા પૂરી કરીને અમારા ઘરે જતા રહ્યાં.

એક વખત અમે પાંચ-સાત દિવસ જામનગર મંદિરે સેવા કરવા ગયા ત્યારે અમે ન્હાવા લાઈનમાં ઊભા હતા. ત્યારે મહારાજ દાતણ કરતા કરતા અમને દર્શન આપીને જતા રહ્યા હતા. એજ સમયમાં મહારાજ પૂજા નિત્યક્રમથી પરવારીને સભા હોલમાં કથા વાંચવા આવતા. ત્યારે સભા હોલમાં ભાઈચંદ સોની મહારાજને તિલક કરીને હાર પહેરાવતા અને મહારાજ કથા વાંચવા લાગતા અને એક ભૂંગળું દરવાજે લગાડ્યું હતું જેથી રસ્તે જતા મુમુક્ષોને મહારાજની વાણીનો લાભ મળે. મહારાજ કથા વાંચતા ત્યારે રસ્તો ભરચક ટ્રાફિકજામ થઈ જાતો એટલું મહારાજની વાણીમાં આકર્ષણ હતું. જયારે મહારાજ મંગલાચરણ કરતા ત્યારે શ્રોતા ડોલવા લાગતા. મહારાજને માથે લાંબી ચોટલી હતી અને સરકણી ગાંઠ વાળતા. મહારાજ લાકડાની ચાખડી પહેરતા. અને મંદિરમાં કોઈ ભેટ આપતા તો મહારાજ જાતે પહાગચ બનાવી આપતા અને મહારાજ સતત શાસ્ત્ર લખવાનું કામ પણ કરતા.

એક વખત ભણીને ધંધા માટે હું મુંબઈ ગયો ત્યાં ન ફાવ્યું ને સૂરત આવ્યોને હીરાના ધંધામાં ઝંપલાવ્યું ત્યાં ૧૦-૧ર વર્ષ કામ કર્યું ત્યારે મને પેટમાં દુઃખાવો ચાલુ થયો ને જે અન્ન ખાધું હોય તો ઊલટી થઈ જાય એટલે ડૉક્ટરોને બતાવ્યું. એસિડીટીનું નિદાન કર્યું. દવા લીધી પણ સારું થાય નહીં. એટલે દેશમાં જામસર જતો રહ્યો. જામનગર બતાવ્યું એસિડીટી હતી, દવા લીધી થોડું સારું થયું. એટલે કુટુંબને લઈ સૂરત ગયો ત્યાં રૂમ રાખી પણ આ એસિડીટી મટે નહીં એમ કરતા ૧પ વર્ષ જેટલો સમય થઈ ગયો. એટલે મહારાજ યાદ

આવ્યા. પણ જૂનાગઢ જવાય એવી સ્થિતિ ન હતી એટલે મહારાજને કાગળ લખ્યો આ બાજુ મહારાજને ટપાલ પહાગચી અને એસિડીટી મટી ગઈ, સાવ સારું થઈ ગયું અને મહારાજનો પ્રસાદીપત્ર આવ્યો હતો કે, ગુલાબ પાંખડી ખાજો સારું થઈ જશે. આમ મહારાજને પત્ર લખવા માત્રથી દર્દ મટી ગયું.

ત્યારપછી તો હું મહારાજ પાસે જૂનાગઢ અવારનવાર જતો. પછી અમે રામનગરમાં રહેવા આવ્યા. એ રામનગરમાં મારા ઘરમાં સ્વામિનારાયણ ભગવાન અને અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીનો ફોટો મારા મંદિરમાં રાખતો. ત્યારે મૂળીના સંતો જે હરિપ્રસાદ અને માધવપ્રસાદ આવ્યા તે ઘરે પધરામણી કરી અને મહારાજનો ફોટો જોયો ને કહે આ સાધુને ભેળા રાખ્યા છે. ત્યારે મેં કહ્યું, એ ભગવાન છે અને એ ફોટા તો ભેળો જ રહેશે. સાધુ હેતવાળા હતા એટલે બીજું કાંઈ બોલ્યા નહીં પણ આ નિશ્ચય મજબૂત થયો.

એક વખત ભીમકટાના રામજીબાપા એક મોટા કોન્ટ્રાકટર હતા. તે જ્યાં કામ ચાલતું ત્યાં એ મંદિરમાં ઉતારા કરે. તે એક વખત મહારાજ કાશીથી આવતા હતા ત્યારે મહેસાણા મહારાજે રોકાણ કર્યું અને આ રામજીબાપા સ્વામિનારાયણ મંદિરમાં ઉતારામાં હતા ત્યારે મહારાજ ત્રણ દિવસ મહેસાણા રોકાયા હતા. તે આ રામજીબાપા ચુસ્ત સ્વામિનારાયણ હતા ને મહારાજ મોટા સાધુ એટલે રામજીબાપાને અને મહારાજને હેત થઈ ગયું હતું. મહારાજ ત્રણ દિવસ રોકાઈને જવા તૈયાર થયા ત્યારે રામજીબાપાને કહ્યું,મારે સ્ટેશન જવું છે. એટલે રામજીબાપા ઘોડાગાડી બાંધી અને મહારાજને સ્ટેશન મૂકવા સાથે ગયા. ત્યારે રસ્તામાં મહારાજે ઘોડાગાડી ઊભી રખાવીને રામજીબાપાને કહે કે, એ સામે દુકાનમાં લાકડીયું છે તેમાંથી એક લાકડી અમને લઈ આપો તો રામજી બાપાએ સરસ લાકડી મહારાજને લઇ આપી. આમ સમય જતાં એક વખત રામજીબાપા ને મહારાજ જામનગરમાં ભેગા થઈ ગયા. તે રામજીબાપા,મહારાજ પાસે બેઠા હતા ત્યારે રામજીબાપા બોલ્યા કે,મહારાજ તમે કથા વાંચો છો ત્યારે તમે ભગવાન છો એવી વાતો કરો છો તે તમે ભગવાન હો તો એ પ્રમાણ આપો ત્યારે મહારાજ કહે, ભગવાન ચિન્હ, ચરિત્ર અને ચેષ્ટા વડે ઓળખાય છે અને ઓળખનારા ઓળખી લ્યે છે અને અમે ભગવાન છીએ. એમ શાસ્ત્રો પ્રમાણ આપે છે. એમ કહી મહારાજે એક કાગળમાં ૧૮ શ્લોક લખી આપ્યા અને એ કાગળ રામજીબાપાને આપ્યો તે કાગળ રામજીબાપા ભેગો રાખતા.

રામજીબાપાના ઠેકઠેકાણે કામો ચાલે તે એક વખત મોરબી આવ્યા ત્યાં ગોપાલચરણદાસ

શાસ્ત્રી હતાં અને એ ગોપાલચરણદાસ શાસ્ત્રી ભણેલા તેથી આ શ્લોકમાંથી ગોપાલચરણદાસ શાસ્ત્રીએ આઠ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરી આપ્યું પણ પુરા શ્લોકનું ગુજરાતી થયું નહીં. પછી રામજી બાપાને કહ્યું કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ આપણાં સંપ્રદાયના શિરતાજ છે એના રચેલા શ્લોકોનું ભાષાંતર કરવા કોઈ સમર્થ નથી.

રામજીબાપા બીજી વખત મહારાજ પાસે જામગનર ગયા ત્યારે મહારાજે એમને કહ્યું કે, રામજીભાઇ આ તમારી આપેલી છડી લઇને અમે તમને અંતકાળે ધામમાં તેડવાં આવીશું. તે સમય જતાં સૂરતમાં એ રામજીબાપાને મહારાજ ધામમાં લઈ જવા આવ્યા ત્યારે લાકડી બતાવીને કહ્યું, હાલો રામજીભાઈ તમને અમે ધામમાં તેડવા આવ્યા છીએ. આમ છડીની સેવાનાં ફળ સ્વરૂપે મહારાજ તેમને પોતાના પરમધામમાં તેડી ગયા.

જામનગરના હાલાર પંથકમાં મહારાજને પૂછીને બધા લોકો કામ કરતા. અમારા બાપા પણ તે પ્રમાણે મહારાજને પૂછીને ખેતી કરતા અને ખેતીમાં સારી ઉપજ મેળવતા. એક વખત હું જામવંથલી ગયો હતો ત્યારે મહારાજ જામવંથલીમાં જ હતા અને ચૂનાની ભઠ્ઠી નંખાવીને એ ફુલવાડીમાં પ્રસાદીભવનમાં એ ચૂનો વપરાતો. એ મેં દર્શન કરેલા.

પછી મહારાજે જૂનાગઢમાં નિવાસ કર્યો ત્યારે એક વખત હું જૂનાગઢ ગયો હતો ત્યારે સાકર, શ્રીફળ, ફૂલનો હાર મહારાજના ચરણમાં મૂક્યો અને દંડવત્ કરી બેઠો અને મનમાં વિચારવા લાગ્યો કે, આ ભગવાન છે પણ તેને જાણવા કંઈ રીતે ? ત્યાં થોડીવાર થઈ અને મહારાજ બોલ્યા સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં અક્ષર ઓરડીમાં બિરાજમાન હતા ત્યાં નારાણ મિસ્ત્રીને સ્વામિનારાયણ ભગવાને ૧૬ ચિન્હોના દર્શન કરાવ્યા. એમ કહી ચરણ લાંબા કર્યાં અને આ ચરણોમાં કેટલા ચિન્હ છે ? એમ કહી બધાં જ ચિન્હોના દર્શન કરાવ્યા અને બોલ્યા અમને છપૈયામાં તલાવડીમાં ખાપો લાગ્યો તો ખાપો હજુ એમને એમ જ છે એમ કહીને સાથળમાં ખાપાના અને લક્ષ્મીજીના દર્શન કરાવ્યા. આમ મારા સંકલ્પ પ્રમાણે ભગવાને પોતાનું ભગવાનપણું સિદ્ધ કરી બતાવ્યું. આમ ભગવાન નિજ ભક્તોના મનોરથ પૂરા કરતા.

એકવાર મને પેટમાં દુઃખતું હતું તેથી મહારાજે મારા પેટમાં ત્રણ ચાર હાથની મુઠ્ઠી આમ તેમ મારી કહે, હવે ક્યાં પેટમાં દુઃખે છે તે મેં કહ્યું, હવે મહારાજ ક્યાંય દુઃખતું નથી. આપના આશીર્વાદથી હવે કોઈ જાતની તકલીફ નથી.

એક વખત હું મહારાજ પાસે બેઠો હતો ત્યાં મહારાજને કહ્યું, મહારાજ આ સૂરતમાં આપનાં ભક્તો થાય અને ભક્તિ થાય એવા આશીર્વાદ આપોને. ત્યાં મહારાજ બોલ્યા, અરે સૂરત તો મારું ધામ છે. સૂરતમાં બે લાખ ભક્તો ભેગા થશે અને મારું સેન્ટર થાશે એમ કહી ઊભા થઈ ચોપડો કાઢ્યો અને તેમાંથી જામવંથલીના ભાઈલાલ ભાઈનું એડ્રેસ કાઢ્યું અને કહ્યું, આ ભાઈલાલને મળજે એ સભામાં આવશે. આમ અમે રામનગરમાં સત્સંગ ચાલું કર્યો તે ધીમે ધીમે મંડળનો વિકાસ થવા લાગ્યો. તે અમે ચાર-પાંચ છોકરાને ભાઈલાલભગતનું કુટુંબ અને અમારું કુટુંબ આમ અમે દશ જણા થઈને સૂરતમાં પ્રથમ મહારાજની સભા ચાલુ કરી.

બીજી વખત જૂનાગઢ મહારાજ પાસે આવ્યો ત્યારે મહારાજ કહે, કેમ સત્સંગ કેવો ચાલે છે ? ત્યારે મહારાજને કહ્યું, મહારાજ ભક્તો નવા નવા આવે છે ને સારું ચાલે છે. આમ કરતાં કરતાં એ વર્ષમાં મારે આઠ વખત મહારાજના દર્શને જવાનું થયું એ દરમ્યાન ઘણાં પ્રસંગ બન્યા કે મહારાજે મંડળ ચલાવવા આશીર્વાદ આપ્યા અને પાંચ થાપા માર્યા અને બોલ્યા કે બળમાં રહેજો, ભક્તિ કરજો, સંકલ્પ સારા કરજો, ભગવાન તમારા ભેળા જ છે, સંકલ્પ પ્રમાણે સારાવાના થશે.

એક વખત મહારાજ બોલ્યા સૂરત મંડળનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી હિસાબ ચોખો રહે. પછી મહારાજ એમ બોલ્યા તાપીને કિનારે ઊંચી સમથળ જગ્યામાં મંદિર કરવું. મંદિર માટે જગ્યા લઈ લેવી. આમ મહારાજના આશીર્વાદ મળતા ગયા અને મંડળનો વિકાસ થતો ગયો અને મંદિર માટે જગ્યા પણ લેવાતી ગઈ તે આજે ૧૦૦૦ વાર જેટલી જગ્યા થઈ ગઈ અને ધૂન-ભજન થાય છે. ભક્તોના મનોરથો પૂરા થાય છે, ભગવાન રાજી રાજી થાય છે.

એક વખત અમે ચાર-પાંચ જણા મહારાજના દર્શને ગયા. વકીલ સાહેબ અને એમના બાપા સાથે હતાં તે અમે હેમંતભગતને વાત કરી કે, અમારે મહારાજને નવડાવવા છે. હેમંતભગત કહે, સવારે પાંચ વાગે ઊઠાશે ? ત્યારે મહારાજ કહે, નહીં ઊઠે તો બીજીવાર અમે નાહી લઈશું. તે રાત્રો અમે મહારાજની ચરણસેવા કરી અને મહારાજે ચાર-પાંચ સફરજન આપ્યા ને કહ્યું, આ જમજો ને સૂઈ જજો. તે અમે જમ્યાને સૂઈ ગયા. તે દિવસે સવારે વ્હેલા ત્રણ વાગે નિંદર ઊડી ગઈ. અમે પૂજા કરીને મહારાજના રૂમે આવ્યા, મહારાજ જાગ્યા અને દરવાજો ખોલ્યો, દાતણ કર્યું એ દાતણ મને મહારાજે પ્રસાદીનું આપ્યું. પ્રસાદીનું જળ લેવા માટે મેં હેમંતભગત પાસેથી ખાલી લોટો લીધો. બીજા ભક્તો તો સવારે ગીરનાર ચઢવા ગયા હતા તેથી અમે મહારાજને એક કલાક સુધી સ્નાન કરાવ્યું અને મહારાજને કહ્યું,

પ્રસાદીનું જળ આ લોટામાં આપો તે મહારાજ પોતાનાં ચરણે પાણી રેડતા જાય અને મેં ચરણે લોટો ધરીને તેમાં એ જળ ભર્યું. મહારાજ કહે, આ જળ સાચવી રાખજો. હવે પછી આ નહીં મળે. તે પ્રસાદીનું જળ આજે પણ એમ જ પ્રસાદીનું એવું ને એવું જ સાચવી રાખ્યું છે. તેના ફોટા પાડ્યા હતા તે પણ છે.

બીજા દિવસે સવારે નવ વાગે મહારાજ પાસે બેઠાં હતાં ત્યાં વકીલના બાપા બોલ્યા, મહારાજ આ મારો છોકરો વકીલ થઈ ગયો હવે એનું સગપણ કરવું છે. તો હું કહું ત્યાં સગપણ કરવાની ના પાડે છે. તો થોડીવાર પછી મહારાજ બોલ્યા એમને જ્યાં કરવું હોય ત્યાં કરવો દો આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બોલ્યા તે એમ જ થાય. આમ મહારાજ બોલ્યા તે બાપા ઉદાસ થયા અને બીજા બાપા બોલ્યા કે, મહારાજ મારા મોટા દિકરાને ઘરે સંતાન નથી. આશીર્વાદ આપો. મહારાજ કહે દિકરો થશે. પછી અહીં દર્શને મોકલજો, આમ મહારાજે આશીર્વાદ આપ્યા.

એક વખત મહારાજે સમાચાર મોકલ્યા કે મંદિર માટે જગ્યા લઈ લેજો. પરંતુ મંડળ પાસે ભંડોળ કાંઈ ન હતું અને મહારાજ કહે ર૦-રર પ્લોટ લઈ લેજો. આમ મહારાજ બોલ્યા. ત્યારે ખોલિયાસાહેબ કહે, હાલમાં બે પ્લોટ લઈને હોલ બનાવીએ. ત્યાં ખીમજીભગતનો પ્લોટ હતો. ખીમજીભગતને વાત કરી પણ મંડળ પાસે ભંડોળ ન હતું અને જગ્યા લેવી તે ખીમજીભગતને કહ્યું, તમે પ્લોટ આપો અને મંડળ ધીરે ધીરે પૈસા આપી દેશે. તે એક વખત હેમંતભગત આવ્યા અને અમે સભા કરી. હેમંતભગત ધૂન બોલાવતા હતા અને મહારાજે ખીમજીભગતને દર્શન આપ્યા કહે, તારો પ્લોટ દઈ દે. આમ મહારાજ બોલી અદૃશ્ય થયા અને ખીમજીભગત સભામાં આવ્યા, દર્શનવાળી વાત કરી અને પ્લોટ આપી કહ્યું કે, તમારે હવે જે આપવું હોય તે આપજો, આ મારો પ્લોટ મંદિરમાં વાપરો.

એક વખત એવું બન્યું કે જૂનાગઢમાં સભામંડપ સળગ્યો તે સભામંડપ બીજો બનાવવા માટે મહારાજે સૂરતના સત્સંગીઓને ટપાલ લખી કે નવો સભામંડપ બનાવવો છે તમે ફાળો કરી મોકલાવજો. ત્યારે સત્સંગીઓ કહે, મહારાજ તમે સંપ્રદાયમાં મોટા છો, વિદ્વાન છો. તમે અહીં એક માસની કથા કરો તમે જેટલો કહો તેટલો ફાળો થઈ જશે. આ વાત જાણી મહારાજ રાજી થયા અને મહારાજ સૂરત પધાર્યાં ત્યારે ભકતોએ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું અને મહારાજની દિવ્ય વાણીનો લાભ સૌને મળ્યો.

મહારાજે મને ટપાલમાં પ્રસાદીપત્રમાં બહુ મોટા આશીર્વાદ આપ્યા કે, કુંવરજીભગત

સૂરત મંડળ પ્રમુખ, ઘર કુટુંબ સૌ સુખીયા રહો. કુંવરજીભગત, રાધાબેન, લલિત, પુષ્પાબેન, પ્રવીણાબેન આદિક સુખીયા હો. ધામમાં ભગવાન પાસે રહેવાનું છે. મંદિર કરો, મંદિર થશે. આમ સૂરતમાં મહારાજનો અઢળક રાજીપો છે.

એક વખત હું રાધાબેન (કુંવરજીભગતના ધર્મપત્ની) ચાલતા જતી હતી ત્યારે મારી આગળ મહારાજ છડી લઈને ચાલ્યા આવે એવા પણ મને દર્શન થયા હતા. એક વખત રામપુરામાં મારો લલિત સવા વરસનો હતો ત્યારે અમે મહારાજ પાસે કંઠી બંધાવવા ગયા ત્યારે લલિતને કંઠી પહેરાવી અને મહારાજના દર્શન કરવાની મને ઈચ્છા થઈ ત્યારે મહારાજે કઠેડે આવી દર્શન દીધા. જૂનાગઢમાં હનુમાન, ગણપતિ પાસે મહારાજ પ્રદક્ષિણા કરતા આવ્યા ત્યારે મને ચરણસ્પર્શ કરવા મળ્યા, આમ મહારાજના દર્શન થયા.

મહારાજ ધામમાં ગયા તે વખતે સૂરતથી ભક્તો બધા નીકળી ગયા પણ અમે ત્રણ જણી લીલીબેન,ગોદાવરીબેન અને હું. અમે ટ્રેનમાં બેસી રાજકોટ આવ્યા અને ત્યાં એક લાંબા લાંબા ભાઈ આવી કહે, તમારે ક્યાં જવું છે. અમે કહ્યું,અમારે જૂનાગઢ જવું છે. અમારા મહારાજ ધામમાં ગયા છે માટે. તેથી મહારાજે અમારી રક્ષા કરવા આ ભાઈને મોકલ્યા અને તે જે ટેકસીમાં બેઠા તેમાં બેસાડીને જૂનાગઢ લઈ આવ્યાં. ત્યાં મહારાજે બાળ સ્વરૂપે રસોડામાં કહી દીધું હતું કે, ભક્તો સૂરતથી આવવાના છે માટે ત્રણ થાળી જમવાની રાખજો.

એક વખત મહારાજની મૂર્તિને અમે હાર પહેરાવ્યો તે હાર વધવા લાગ્યો. ત્યારે અમારી બાજુમાં અક્ષર પુરુષોત્તમના સંતો આવ્યા અને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની મૂર્તિને હાર ચઢાવ્યો તે હાર વધવા લાગ્યો જાણીને ખાત્રી કરી કે ખરેખર હાર વધે છે, આ ગજબ કહેવાય. આમ અક્ષર પુરુષોત્તમના સંતોને કબુલવું પડ્યું કે શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભગવાન પ્રગટ છે.

એક વખત એવું બન્યું કે વડતાલ દેશના આચાર્ય અને સંતો પધરામણી કરતા હતા. જ્યાં જ્યાં પધરામણી કરવાની હતી તે તે લોકોએ નામ નાગધાવ્યા હતા. પરંતુ તે લોકોને નીકળવાનું મારા ઘર પાસેથી જ તે હું દરવાજે ઊભો હતો અને મેં વાત કરી એ અમારા ઘરે પગલાં પધરામણી કરતા જાઓ. તે આચાર્ય મહારાજ કહે, હા ચાલો પધરામણી કરતા જઈએ. તે સૌ ઘરમાં પધાર્યાં અને જ્યાં મંદિર બનાવ્યું હતું ત્યાં મહારાજ અને ઘનશ્યામ

મહારાજની મૂર્તિ સાથે હતી અને આચાર્ય મહારાજે આરતી ઉતારી. વડતાલ દેશના આચાર્ય સ્વયં આપણાં મહારાજની આરતી ઉતારીને નીકળ્યા અને બે સંતો પાછળ હતા, તે બોલ્યા અમારા અચાર્ય મહારાજે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીની આરતી ઉતારી આ તો બહુ મોટી વાત કહેવાય. આ વાત નાગધ રાખવા જેવી છે.

રાંદેરમાં મોટું તોફાન ચાલે પણ અમારા ઘર બાજુ શાંતિ હતી. ભગવાનના પ્રતાપે આખા એરિયામાં સૌની રક્ષા થઈ, આમ ભક્તોની રક્ષા કરતા. સૂરતમાં મોટું મકાન થયું ત્યારે અમે દરવાજા ખુલ્લા રાખીને જ સૂતા હતા તે સમયે મહારાજે રક્ષા કરી તે અમને કાંઈ થવા દીધું નહીં.

મહારાજ ધામમાં ગયા ત્યારે હું રાત્રો માળા કરતો હતો તે મારી માળા તૂટી ગઈને પારા તડ તડ નીચે પડ્યા. મને થવા લાગ્યું કે, કાંઇક થયું છે. એમ જાણીને બધે તપાસ કરી ત્યારે સમાચાર મળ્યા કે મહારાજ ધામમાં ગયા છે. પછી અમે સૌ ભક્તો મળીને જૂનાગઢ ગયા ત્યારે એ બધી ક્રિયાઓ થઈને અમે પાછા વળતા હતા ત્યારે ગાડી આગળ મહારાજ ચાલ્યા આવે અને ડ્રાઈવરને દર્શન થયા કે, આ સ્વામી કોણ છે ? જે મારી ગાડીની આગળ ને આગળ જ ચાલ્યા આવે છે. મારી ગાડી ૬૦-૭૦ની સ્પીડમાં ચાલે પણ મહારાજ આગળને આગળ જ ચાલે છે. એમ મહારાજે ડ્રાઇવરને પણ દર્શન આપ્યાં.

એક વખત મહારાજે એવા દર્શન આપ્યા કે, હું માળા કરતો હતો. તે મહારાજ આવ્યા અને કહે ભગત હાલો. તે અમે ધામમાં આવ્યા. મને ધામમાં સિંહાસનની બાજુમાં બેસાડ્યો. ત્યાં મને એવા દર્શન થયા કે ગાડા જેવડા તો કમળ હતા અને સફેદ બંગલા હતા. અનંત મુક્તોની સભા ભરાઈને બેઠી છે. આમ મહારાજે ધામના દર્શન કરાવ્યા.

મહારાજ નિજ ભક્તોને દર્શન, પરચા, ચમત્કાર બતાવી ભક્તિમાં મજબૂત કરે છે અને પોતાની મૂર્તિમાં જોડી રાખે છે. તેજ ભગવાનની મોટી કૃપા કહેવાય નહીં તો આ જગતમાં માયામાં આ જીવ ક્યાં ખોવાય જાય તેનું કોઈ ઠેકાણું નહીં. માટે જે અખંડ સતત મહારાજનું ધ્યાન, મનન અને મૂર્તિનું ચિંતવન અને મહારાજની આજ્ઞા-સંકલ્પમાં સેવા કરનારા છે તે પ્રગટ ભગવાન ભેળા રહેવાના અધિકારી થાય છે.