અનાદિ મુક્તરાજ પરષોત્તમભગત ચકુભગત સોલંકી
જામવંથલી
અમારા દાદા ભીમાભાઈ સોલંકી જામવંથલી ગામમાં દેશી દવાનું વૈદ્યપણું કરતા હતા. એવામાં એમને મંત્ર-તંત્ર વિદ્યાનો શોખ જાગૃત થયો, તેથી તંત્રવિદ્યા પણ શીખ્યા. જીવનના છેલ્લાં તબક્કામાં તેઓ ખૂબ દુઃખી થયા, પથારીવશ થઈ ગયા, પગમાં કાળામોઢારી ઈયળો પડી, તેઓ રાડો પાડતા તેમનું આ દુઃખ મારાથી જોવાતું નહીં.
હું નાનપણથી મહારાજના સંપર્કમાં આવેલો મેં મહારાજને પત્ર લખ્યો કે, હે કૃપાનાથ, મારાથી દાદાનું આ દુઃખ જોવાતું નથી. આટલા ઉલ્લેખથી મહારાજ વાતને સમજી ગયા, ત્રીજે દિવસે પત્ર આવ્યો સાથે બે ગુલાબની પાંખડી આવી પત્રમાં લખ્યું હતું કે, ભગત ઉપાધી કરશો નહીં તમારા દાદા તંત્ર વિદ્યા શીખ્યા છે. તમારા દાદાની પથારીમાં એક નાની પોટલી છે. તેને તમારા પરિવારને અડકવા દેશો નહીં, જેની હશે એ લઈ જાશે. બીજા દિવસે ઘરના બધા ખેતીકામે ખેતરમાં નીકળી ગયા. સંધ્યાકાળે એક ડોશી લાકડી પછાડતા પછાડતા આવી ચડી હું આ દૃશ્યને છુપાઈને નજરો નજર જોતો હતો. ડોશી આજુબાજુ જોઈને બોલી ભીમા એક પડખે કેટલા દિવસ સુવાનો તારું પડખું દુઃખતું નથી, પડખું ફર. એમ કરી પોટલી ઉપાડીને ચાલવા લાગી. ડોશીના ડેલી બહાર પગ મુકતા જ મહારાજ દાદાને પોતાના પરમધામ લઈ ગયા.
એક વખતની વાત છે, એ વખતે હું દરજી કામ તથા ખેતીકામ કરતો. એ વખતે ગામમાં ડાકણ-વળગણનું જોર વધારે હતું. મારા ધર્મપત્નીને મેં બપોરનું જમણ ખેતરે લઈ આવવા કહ્યું'તું. ૧ર-૩૦ વાગે ભાત લઈ આવતા મારા પત્નીને ખેતર માર્ગે ડાકણ સ્ત્રીનો ભેટો થયો. તેણે મારા પત્નીનાં વસ્ત્રો પર નજર ફેરવી કહે, અતી સુંદર વસ્ત્ર પહેરો છો. વસ્ત્રો પર હાથ ફેરવી વળગાડ છોડ્યો. જેથી બીજે દિવસે મારા પત્ની ધુણવા લાગ્યા. રોજ નવા નવા કપડાં પહેરે અને ચુલામાં નાખી સળગાવી દે. એકદમ પાગલપણું ચાલું કર્યું. દિવસો પસાર થતા ગયા તેમ જોર વધતું ગયું. મેં મહારાજ પાસે જવાનો નિશ્ચય કર્યો પણ મને ટાઈમ મળતો નહીં. કુટુંબીજનોએ મરચાના ધૂમાડા, ધૂપ-ધૂમાડા જેવા પ્રયોગ ચાલુ કર્યાં. જોતજોતામાં છ માસ વીતી ગયા. કોઈ કહે ગંગાસ્થાને સ્નાન કરાવો, કોઈ કહે સાળંગપુર લઈ જાવ, તો કોઈ કહે પીરફકીર પાસે લઈ જાવ. મારો નિશ્ચય પાકો હતો, હું મહારાજનું
નામ લઈ જૂનાગઢ જવા મારી પત્ની સાથે નીકળી ગયો. અમે ૩-૦૦ વાગ્યે જૂનાગઢ પહાગચી ગયા. હું મારી પત્નીને નીચે બેસાડી મહારાજની રૂમમાં ઉપર પહાગચી ગયો. મેં પાંચ-છ દંડવત્ કર્યાં મહારાજ ધ્યાન અવસ્થામાં હતા તે આંખો ખોલી કહે, ભગત હવે બસ કરો. ભુતડા ભગાડવા હોય તો એને સાળંગપુર લઈ જાવ. જાણે મહારાજ મારી કસોટી કરતા હોય (મેં કહ્યું મારે તો સાળંગપુર અહિંયા જ છે) મહારાજે કહ્યું, એટલો બધો વિશ્વાસ છે. મેં કહ્યું, હા મહારાજ. - તો જાવ પહેલાં તમારા પત્નીને આ પ્રસાદીનું કંકુ આપી આવો તેઓ ચાંદલો કરવાનું ભૂલી ગયા છે. એટલું કહી ભગવાનની મૂર્તિને દૂધ અર્પીત કરી થોડું દૂધ પોતે ગ્રહણ કરી શેષ પ્રસાદી મારા પત્નીને પીવડાવવાની આજ્ઞા કરી. તેણે તે પ્રસાદિનું દૂધ પીધું. તે 'દિથી આજ સુધી કોઈ તકલીફ મારા પત્નીને થઈ નથી અને અમે ધન્યભાગી બની ગયા.
હું કામ શીખતો એ વખતની વાત છે. હું દરજીકામ શીખવા ભગસદળ ગામે અમારા બનેવી પાસે ગયો. બીજે દિવસે મારે મશીન પર બેસવાનું હતું. મને મનોમન મુંઝવણ થતી હું કામ શીખીશ કે કેમ ? ત્યારે મને યાદ આવ્યું લાવ મહારાજને પત્ર લખી જોવ. એવામાં મારા બનેવી આવ્યા મને ખીજાવા લાગ્યા આમ કરશો તો કામ ક્યારે શીખશો. મેં કહ્યું, પેલા હું મહારાજને પૂછી જોઉં. તેઓ અક્ષરપુરુષોત્તમ (બીએપીએસ)ના પ્રશંસક હતા. મને કહેવા લાગ્યા ક્યાં તું અને ક્યાં તારા ગુરુ તારા જેવાને તે કાંઈ જવાબ દેતા હશે. મેં કહ્યું, મારો દૃઢ વિશ્વાસ છે. એમ કહી મેં તુરત પત્ર પોસ્ટ કર્યો બે દિવસ થયા. મારા બનેવી કહે, તારા જેવાને પત્ર નો આવે માટે તું ગામ ચાલ્યો જા, એવામાં પોસ્ટમેન આવ્યો. યોગાનુંયોગ પત્ર મારા બનેવીના હાથમાં આપતો ગયો. (કાગળમાં ઉલ્લેખ કરેલો ભગત ચિંતા કરતા નહીં તમે જલ્દી કામ શીખી જશો. તમારા બનેવીનું મગજ તેજ છે, તેનું ધ્યાન રાખશો. આશીર્વાદ) આટલું વાંચી બનેવી આશ્ચર્યચકિત થઈ ગયા. મારી પાસે આવી મને કહે, તારા ગુરુને ક્યાંથી ખબર કે મારો મગજ તેજ છે. મેં જવાબ આપતા એટલું જ કહ્યું કે, એને જ તો અંતર્યામી ભગવાન કહેવાય.
એક વખતની વાત છે, મારા બનેવીનો દિકરો ભાણિયો તેઓ (બીએપીએસ)ના પ્રશંસક. તેણે મહારાજની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને મને કહે, હાલ તારા ગુરુ પાસે જૂનાગઢ આપણે દર્શન કરી આવીએ, જોઈએ શું ચમત્કાર બતાવે છે. અમે જૂનાગઢ પહાગચી ગયા, મહારાજના દર્શન કર્યાં. મહારાજે અમને રાત રોકાવાની આજ્ઞા કરી. ભાણિયો જીદ પકડવા લાગ્યો કે, અમારે તો અત્યારે જ જવું છે. મહારાજે મર્મના શબ્દોમાં બીજીવાર કહ્યું,
રોકાઈ જાવ તમારે વાંધો શું છે ? ભાણિયાએ ફરીવાર જીદ કરી એટલે અમે ત્યાંથી ચાલતા થયા, બસમાં બેઠા, બસ ઉપડવાની તૈયારીમાં. કંડકટર કહે, છૂટા પૈસા આપજો પછી કોઈને છૂટા નહીં મળે. અમે ખીસ્સામાં હાથ નાખ્યો. બંનેના ખીસા કપાઈ ગયા હતા. પાકિટ કે પૈસા કંઈ ન હતું. અમે નિરાશ થઇ મંદિરે પાછા ફર્યાં. મહારાજ ગેટ પાસે ઊભા હતા તો અમને જોઈ કહે, ભગત શું થયું ? અમે કાંઈ બોલીએ એ પહેલાં મહારાજ કહે, સવારે મારી પાસેથી પૈસા લઈ જજો. અત્યારે નિરાંતે સૂઈ જાવ. એટલું કહી મહારાજ હસવા લાગ્યા. આજે પણ ભાણિયો ભેગો થાય ત્યારે એજ વાત કરે, ત્યારે હું કહું હજી જોવો છે ચમત્કાર !
એક વખત મહારાજ ફુલવાડીમાં પધારેલા. મને ખબર પડતાં હું જુઈના ફૂલનો હાર બનાવી ફુલવાડી પહાગચી ગયો. ત્યારે ત્યાં હરિભાઈ વસ્તાભાઈ કાચા, ચકુભાઈ ભીમાભાઈ સોલંકી, લાલજીભાઈ અરજણભાઈ ચોટલીયા, શામજીભાઈ ડાહ્યાભાઈ મનાણી વગેરે અગ્રણી વ્યક્તિઓ બેઠેલી હતી. ત્યાં જઇ મેં મહારાજને હાર પહેરાવ્યો. મહારાજ મને કહે, ભગત- ક્યારેય ખાપા તલાવડી ગયા છો ? મેં કહ્યું, ના મહારાજ. મેં નામ આજે પહેલીવાર સાંભળ્યું છે. ત્યારે મહારાજ કહે, સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ તળાવમાં નાહ્યાં હતા. ત્યારે તેમને ખાપો વાગેલો. આ અમારા સાથળમાં જોઈ લો ત્યારનું નિશાન હજી ભૂંસાયું નથી. એમ કહી મહારાજે સહુને એ ખાપા ચિન્હના દર્શન કરાવ્યા. આવો રાજીપો મહારાજનો હતો.