પરચા

પ.પુ.શ્રી વલ્લભવ્યાસાચાર્યજી મહારાજ - દિનેશમહારાજ વ્યાસ

મોટી કુંકાવાવ, હાલ- સૂરત

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ કુંકાવાવ જેવા મહાન તિર્થમાં થયો છે. અમે નાના જુવાન છોકરા હતા ત્યારે સ્વામિનારાયણ મંદિરે જતા અને ત્યાં કિર્તનો બોલતા. આમ અમે બ્રાહ્મણ એટલે અમારી ઉપાસના ભોળાનાથની અને મા ગાયત્રીની હતી. પણ મિત્રો ભેગા સ્વામિનારાયણ મંદિરે જતા ત્યારે જૂનાગઢના સંતો આવતા અને કથા-વાર્તા કરતા. તે રીતે અમે સત્સંગી થયા. આમ ભગવાનના અલૌકિક દિવ્ય ચરિત્રોથી મન સત્સંગમાં અતિ દૃઢ થયું. ત્યારે મનમાં સંકલ્પ જાગ્યો કે આપણને અતિ મોટા દિવ્ય સંતનો મેળાપ થાય ત્યારે દિક્ષા લેવી. આમ કંઠી તો પહેરતા પણ દિક્ષા ક્યારેય લીધેલી નહીં. દિક્ષા લીધા પહેલાં એક વર્ષ મારા મિત્રો ભેગો હું મહારાજના જન્મસ્થળમાં ભજનમાં ગયો. ત્યાં મને અલૌકીક શાંતિ-આનંદ પ્રાપ્ત થયો. તેથી અમે દરરોજ જન્મસ્થળે ભજન કરવા લાગ્યા. જોત જોતામાં એક વર્ષ થઈ ગયું. તે દરમ્યાન પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનો મહિમા જાણવામાં આવ્યો. તેથી જૂનાગઢ જવાની મનમાં તાલાવેલી જાગી.

આમ ભગવાને ભક્તો અને ભજન દ્વારા પોતાની ઓળખાણ આપી હતી. આમ ભગવાન કંઈક લીલાચરિત્ર કરીને પોતાના ભક્ત જીવાત્માને પોતાનામાં આકર્ષણ કરાવીને પોતાનો ભક્ત બનાવી શરણમાં લઈ લે છે.

એક વખત અમારે જૂનાગઢ જવાનું થયું અને મહારાજ સાથે પહેલી વખત મળવાનું થયું. અમે જૂનાગઢ ગયા સાથે બે મિત્રો હતા. અમે કુંકાવાવથી આવીએ છીએ ને કુંકાવાવના બાપાને મળવું છે. ત્યારે કહે, શાસ્ત્રીજી મહારાજને મળવું છે તો એ સામે બાલમુકંુદ ભવનમાં છે. અમે ત્યાં મહારાજ પાસે ગયા. મહારાજ કહે, તમે ક્યારનાય આમતેમ આંટા મારો છો. હું અહીં તમારી રાહ જોઉં છું. એમ કહી મહારાજે કૃપા કરી ચરણ લાંબા કર્યા. અમે ત્રણે જણાંએ મહારાજના ચરણ દબાવ્યા. સાડા અગિયાર વાગ્યે મહારાજ કહે, જાઓ પ્રસાદનો ટાઈમ થયો છે પ્રસાદ લઈ લ્યો અને જમીને તમારે બહાર જવું હોય તો જજો પણ સાંજે છ વાગ્યા પહેલા આવી જજો, એટલે અમે બહાર ગયા, સિનેમા જોઈ. એક જોઈને બીજી સિનેમા જોઈ સાડા છ વાગ્યે મંદિરે પહાગચી ગયા. મહારાજ કહે, સારું થયું ટાઇમે આવી ગયા.

મંદિરમાં આરતીના દર્શન કરી લ્યો. પછી જમી લેજો. તમારા પાગરણ લઈ લેજો અને બહાર ફરવા જાઓ તો વહેલાસર આવી જજો. નહીં તો પાગરણ મળશે નહીં. આમ અમે જમીને બહાર ફરવા ગયા દરવાણીને કહ્યું, જરા મોડું થાય તો દરવાજો ખોલજો. પછી બહાર ફરીને આવ્યા તો અમારા પાગરણમાં ગાદલું ઉપડી ગયું અને એક ચાદરને એક ઓસીકું રહ્યું તેમાં અમે રાત કાઢી અને સવારે ઊઠી પરવારીને મહારાજ પાસે દર્શન કરવા ગયા. ત્યાં મહારાજ બોલ્યા કે કેમ રાત વીતી અને કોણે કેલીકોર ગોદડું ખેચ્યું. આમ મહારાજે જાણપણું આપ્યું.

પછી અમે મહારાજને કહ્યું, મહારાજ અમારે હવે કુંકાવાવ જવું છે. મહારાજ કહે, સીધા બસ સ્ટેન્ડ જજો. બગસરાની બસ ઉભી જ હશે અને બગસરાની ટિકિટ કપાવી બેસી જજો. અમે બજારમાં જોતા જોતા ત્યાંથી ઉપડ્યા. મેં મિત્રને કહ્યું, કાલે મહારાજે કહ્યું હતું વેલાસર આવજો ને આપણી રાત કેવી વીતી માટે આજે એમ નથી કરવું. મહારાજ બોલ્યા છે માટે હાલ ઝટપટ. ત્યાં બગસરાની બસ ઉભી હતી. અમે બસમાં ચડ્યા ને બસ ઉપડી. મિત્રને કહ્યું, જોયું શાંતિથી સ્ટેશને આવત તો બસ ચૂકી જાત.

આમ અમે મહારાજના પહેલી વખત દર્શન કર્યા તો અમારા જીવમાં શાંતિ થઈ ગઈ. જીવ સદા પ્રફુલ્લીત રહેવા લાગ્યો. એક મહિના સુધી જીવમાં આનંદ જ થયા કરે. સદા પ્રસન્ન રહેતો. તેથી એક મહિના પછી વળી એમ થયું હાલોને મહારાજના દર્શન કરી આવીયે અને અમે જૂનાગઢ દર્શને ગયા. મહારાજને દંડવત્ કર્યા. મહારાજ બહુ રાજી થયા અને અમને ચિન્હના દર્શન કરાવ્યા અને મને બાજુમાં બેસાડી કહે, આ ભગત તારી સાથે છે એને મારું ચક્રનું ચિન્હ છે એ એને બતાવ. મેં મિત્રને ચક્રના ચિન્હનું દર્શન કરાવ્યું ત્યારે મહારાજે કૃપા કરીને ચક્રનું ચિન્હ એવું ઉપસાવ્યું કે આમ ચક્ર ચળકાટ મારતું હોય એવું સ્પષ્ટ દેખાયું.

ત્યારે મહારાજ બોલ્યા, ચિન્હ કોને હોય ? અમે કહ્યું, મહારાજ કોને હોય ? મહારાજ કહે, ભગવાનને હોય. તો અમે કહ્યું, આપ ભગવાન છો ? મહારાજ કહે, હા હું ભગવાન છું. અમે કહ્યું, આ વંથલીવાળા કુંકાવાવ આવે છે. એ આપના ચિન્હની વાતો કરે છે, આપ ભગવાન છો. એવા પરચા ચમત્કારની વાતો કરે છે કે આપ ભગવાન છો. આ સાંભળી મહારાજ ખૂબ રાજી થયા. એટલે મેં કહ્યું, મહારાજ હું સત્સંગમાં જાઉં છું, કંઠી બાંધુ છું પણ મેં દિક્ષા લીધી નથી. આજ તમે મને દિક્ષા આપોને તમારી ડોકમાં કંઠી છે ઈ મને પહેરાવો. મહારાજ કહે, તો હું શું કરું ? જા બારે કંઠી મળે છે. એમાં એક કંઠી લેતો આવ. એટલે ત્રણ રૂપિયાની કંઠી હું લઈ આવ્યો ને મહારાજને આપી. પછી મહારાજે મને દિક્ષામંત્ર આપ્યો

ને પોતાની ડોકમાંથી કંઠી કાઢીને મારી ડોકમાં પહેરાવી પછી મેં માથું નમાવી મહારાજના ખોળામાં મૂક્યું તેથી મહારાજે મારા વાસામાં થાપો મારીને કહ્યું, આજથી તારા બધા ગુના માફ. હવે નવા કોઈ ગુના કરતો નહીં. આમ મહારાજે પોતાના દિકરા હોય એવું વ્હાલ કર્યું અને આ કંઠી બાંધી ત્યારથી શાસ્ત્રીજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ ભગવાન જ છે તેવું જીવમાં દ્રઢ થઈ ગયું અને જીવન એવું આનંદમય થઈ ગયું કે ન પૂછો વાત અને ત્યારથી અમે પ્રગટ ભગવાનનું ભજન કરવા લાગ્યા.

અમે અવારનવાર જૂનાગઢ મહારાજના દર્શન કરવા જતા ત્યારે પગડા, મગજના લાડુની પ્રસાદી મહારાજ અમને આપતા. ત્યારે મહારાજને ચરણે બહું તો બે રૂપિયા ધરતા કે ગુલાબનો હાર મહારાજને પહેરાવતા તો પણ મહારાજ બહું રાજી થતા.

એક વખત અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે એક બાજુના ગામમાં બે હરિભક્તો આવેલા. તેમને પાડોશમાં ઝઘડો હાલતો એટલે મહારાજને કહ્યું, મહારાજ કૃપા કરો તો સારુ થાય. મહારાજ કહે, પાડોશમાં રહીને વેર ન બંધાય. સમાધાન કરી લેવાય એટલે મહારાજના કહેવાથી સમાધાન કરી લીધું ફરી પાછો ઝઘડો થયો. એટલે મહારાજ પાસે આવેલા ત્યારે એ ભક્તો કહે, મહારાજ અવારનવાર ઝઘડો થાય છે એના કરતાં બીજે રહેવા જતા રહીયે. તમે આજ્ઞા આપો તો જૂનાગઢ રહેવા આવતા રહીએ. મહારાજ કહે, અહીં શહેરમાં તમે ઘરબાર વેચીને આવો તે યોગ્ય નહીં. અહીંયા ખર્ચા પણ ઘણા થાય. મજૂરી કરવાનો વારો આવે માટે સહન કરવું, ભગવાન કંઈક રસ્તો કરશે. ત્યારે હેમંતભગત જમવા માટે બોલાવવા આવ્યા. તેથી અમે ઊભા થયા એ ભકતો પણ ઊભા થયા. પછી અમે તેમને કહ્યું, મહારાજ કહે છે તેમ કરો અને અહીં જૂનાગઢમાં આવવાનું કહો છો પણ મહારાજ બોલ્યા છે તેથી મજૂરી કરવાનો વારો આવશે. જો તમે તમારુ ધાર્યું કરશો તો સાચે જ મજૂરી કરવાનો વારો આવશે. એના કરતા થોડું જાતું કરીને સંપ અને પ્રેમથી ત્યાં રહો.

એક વખત અમે જૂનાગઢ ગયા ત્યારે બે હરિભક્તો મહારાજ પાસે આવ્યા. તે વડાલ ગામના હતા. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા. આવવાનું કારણ પૂછ્યું. ત્યારે એક હરિભક્ત કહે, મહારાજ મારા નાના ભાઈના ઘરનાનું મગજ અસ્થિર થઈ ગયું છે. કાંઈક આશીર્વાદ આપો. મહારાજને મોટા જાણી આવ્યા હતા. ત્યારે મહારાજ કહે, ક્યાં છે લાવો. પેલા હરિભક્ત કહે, મહારાજ એ તો દવાખાને છે. મહારાજ કહે, અહીં હોય તો હમણાં સારું થઈ જાય. પણ પેલાના ભાગ્યમાં નહીં હોય કારણ કે તે મહારાજ ને મોટા સાધુ જ

જાણતા હતા તેથી ભગવાનના મર્મને સમજી ન શક્યા. માટે આવા દિવ્ય પુરુષોને ઓળખવા ભગવાનને ઓળખવા એ પ્રગટના સંતો ભક્તો મળે એ સમજાવે તો જ ભગવાન ઓળખાય છે. સંતની કૃપા દૃષ્ટિ વિના ભગવાન ભજાતા નથી. છતાં પણ ભગવાનને શરણે જઈને જે જીવ આજીજી કરે તો ભગવાન કૃપા વાપરીને એ જીવનું કલ્યાણ કરે જ છે.

એક વખત જૂનાગઢ મંદિરમાં બાલમુકુંદ ભવનમાં અમે મહારાજની પાસે ચરણસેવા કરતા હતા. ત્યારે એક સ્વામી મહારાજ માટે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર તથા મગફળી લીલી તેને શેકીને ભાવથી લાવ્યા હતા. મહારાજે એ લીમડાના મોરના બે ત્રણ ફાકડા ભરીને ચાવી ચાવીને જમ્યા અને થાળીમાંથી અમને ચપટી ચપટી લીમડાનો મોર આપ્યો એ પહેલાં અમને બે બે સાકરનાં ગાંગડા આપ્યા. અમે સાકર ખાધી પછી લીમડાનો મોર ખાધો તોય કડવો લાગ્યો અને મહારાજે બે-ત્રણ ફાકડા ભરી ચાવી ચાવીને ખાધા તોય મહારાજ કહે, સ્વામી બહું મીઠો છે આ મોલ. એમ ભગવાન ભક્તને રાજી રાખવા તેની સેવા અંગીકાર કરે છે. મહારાજ કહેતા આવા ભક્તો તેની ભાવનાને અમે અંગીકાર કરીએ છીએ. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જૂનાગઢમાં ઘણાં સંતો છે. પણ આમાંથી અમારા દર્શન-આશીર્વાદ લેવાવાળા કેટલા ? અમને ઓળખવાવાળા કેટલા ? આ તો પૂર્વના પુન્ય અને સંકલ્પથી અમારી કૃપાએ કરીને અમે અમારી ઓળખાણ આપી હોય તેથી એવા ભક્તો-સંતો અમારી સેવા કરવા આવી શકે છે. બાકી તો બધા બધે ગોથા ખાય છે.

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જૂનાગઢમાં બાલમુકુંદ ભવનમાં પ્રત્યક્ષ બિરાજતા ત્યારે અમારે અવારનવાર દર્શન કરવાને માટે જવાનું થતંુ ત્યારે મહારાજ પાસે બેઠા હોઈએ. મહારાજ શાસ્ત્ર લખતા હોય અમે ચરણસેવા કરતા હોય ત્યારે મહારાજ લખતા લખતા ઉપદેશની વાતો કરતા અને મહારાજ પાસે ઘણા હરિભક્તો મહારાજના આશીર્વાદ લેવા આવતા ત્યારે એક વખત અમે મહારાજ પાસે બેઠા હતા ત્યારે મહારાજ ર૪ અવતારની મૂર્તિની વાત કરતા કહે, નાના નાના ગામડાંઓમાં એક એક સારા પટેલિયાનો સંપર્ક કરે એટલે તેને બધી સગવડો- સારું ખાવાનું, સારું સુવાનું, સારું ફરવાનું મળે.

એમ બધી સારી સારી સગવડો સચવાય. તેમ નાના નાના ખેડૂતો પાસે જાય તો તૂટેલું ગાદલું મળે. કઢી, ખીચડી ખાવાનું મળે તૂટેલો ખાટલો મળે. એમ કહીને મહારાજ કહે, આ ચારે બાજુ નાના નાના પટેલિયા છે. તેની પાસે જાય તો અધૂરી સગવડો મળે. પણ

આ વચ્ચમાં જે તે મોટો પટેલિયો છે. તેની પાસે જાય તો બધી સગવડો સચવાય. તેને કાંઈ બતાવવું ન પડે સમયે સમયે આપોઆપ બધું આવતું જાય. એમ મહારાજ કહે આ વચ્ચમાં છે તે અમે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ છીએ અને મોટા શાહુકાર પટેલિયા છીએ. આ ચારે બાજુ નાના નાના પટેલિયા છે તે બધાં આ મોટા પટેલિયાની સેવામાં અને આજ્ઞામાં રહેતા હોય તેનો આદર કરે. તેમ મને એકને પટેલિયાને પકડી લીયે તો તેને બધું મળે. એમ કહેતા મહારાજ કહે, આ પટેલ સમાજ જાગશે ત્યારે નાના ગામમાં નાના મંદિરો, મોટા ગામમાં મોટા મંદિરો થશે અને સર્વત્ર અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન થશે.

એક વખત અમે નાના અને મને હજુ આચાર્યપદ મળ્યું નહોતું ત્યારે કુંકાવાવના મધુભગત બાબરીયા અમને મળ્યા અને કહે, છોકરાઓ કાલે જૂનાગઢ જાવું છે, આવવું છે ? ત્યારે અમે કહ્યું, હા. મધુભગત કહે, આ દેશી બાજરો મહારાજને આપવો છે તથા શેરડીનો વાઢ નાખ્યો નથી તો મહારાજને પ્રસાદીની શેરડી ધરાવતા આવીયે. આમ જૂનાગઢ જવાનું થયું ત્યાં સામે ગોબરભગત મળ્યા. ગોબરભગતને બગકમાં નોકરી તે ગોબરભગત પણ અમારી સાથે જૂનાગઢ આવવા તૈયાર થયા. અમે ગોબરભગતના ઘરે ગયા. વાતમાંથી વાત નીકળી અમે આમ માઉન્ટ આબુ ફરવા ગયા હતાં ત્યાંથી બા માટે એક સરસ મજાની લાકડી લઈ આવ્યા કે બાને ચાલવામાં કામ લાગે. તેમ કહી બાને લાકડી આપી પણ બાએ ના પાડી ત્યારે ભગતે બાને કહ્યું, જૂનાગઢથી મહારાજે મોકલાવી છે તો બા કહે, મહારાજે મોકલી છે તો લાવ. આમ કહી લાકડી દીધી પછી ગામમાં ઘણી વખત ઢોર માંદા થાય, છોકરું માંદુ થાય ત્યારે આ ગોબરભગતના ઘરે મહારાજનું પ્રસાદીનું જળ લેવા આવતા ત્યારે પ્રસાદીનું જળ ના હોય તો કહેતા કે, આ પ્રસાદીની લાકડી છે તે અડાડજો સારું થઈ જશે. આમ એ લાકડી ઘણાંનાં દુઃખ દૂર કરતી. આ વૃત્તાંત અમે જાણ્યો ત્યારે ભગતને કહ્યું કે, આ લાકડી તો મહારાજ પાસે પ્રસાદીની કરાવવી જોઈએ એટલે ભગતે લાકડી આપી અમે એ લાકડીને બરાબર પેક કરી જૂનાગઢ જવા બીજા દિવસે તૈયાર થયા. ગોબરભગત સાથે આવવાના હતા પણ અચાનક કામ આવી જતાં એ લાકડી અમને આપી. તમે લઈ જાઓ. અમે જૂનાગઢ ગયા ત્યારે ત્યાં ગુણાતિતાનંદ સ્વામીના સભાહોલનો મહોત્સવ ચાલું હતો. અમે મહારાજના દર્શન કર્યાં નિરાંતે મહારાજને મળ્યા અને આ લાકડીનો વૃત્તાંત કહ્યો ત્યારે મહારાજ કહે, લાવ એમાં વધારે ઐશ્વર્ય પૂરી દઉં. આમ કહી મહારાજે એ લાકડીને ખીંટી ઉપર ત્યાં જ બેઠાં બેઠાં લટકાવી તે બરાબર ખીંટીમાં લટકી અને આલારામ ડંકાની જેમ જૂલવા લાગી. આ પણ

મહારાજનું ઐશ્વર્ય લીલાચરિત્ર કહેવાય. આ લાકડી ખીંટીએ ટીંગાડી એ પહેલાં મહારાજે એ લાકડીને કેમ જાણે કોઈને મારવી હોય તેમ મહારાજે હાથ ઊંચો કર્યો અને હું આંખ મીંચીને બેસી જ રહ્યો ત્યાં લાકડીને મારા માથા ઉપર રાખીને ભાર મૂક્યો અને મહારાજ બોલ્યા આ બધોભાર તારા ઉપર મૂકું છું અને આ ભાર તારે ઉપાડવાનો છે. મેં કહ્યું, આ ધામના ધણીનો મૂકેલો ભાર જગતમાં બીજું કોણ ઉતારી શકે. વાહ પ્રભુ વાહ, તમારી લીલા અપરંપાર છે. તે કોઈના સમજમાં આવે તેમ નથી. ત્યારે આ ભારની વાત સમજાણી નહીં. પણ હવે એ મહારાજના શબ્દો યાદ આવે છે. ત્યારે ત્યાં મધુભગત, કેશુભાઈના ભાઈ રામભાઈ તથા બીજા ત્રણ-ચાર ભક્તો હતા જે આ વાતના સાક્ષી છે.

એક વખત અમે મહારાજ પાસે બેઠા હતા ત્યારે જૂનાગઢ મંદિરના કોઠારીની બદલી થઈ. નવા કોઠારી આવ્યા હતા, તેની ઈચ્છા મંદિરનો જીર્ણોદ્ધાર અને પાટોત્સવ કરવાની હતી. કોઠારમાં ધનસંપત્તિ કાંઈ હતી નહીં ત્યારે એ સ્વામી મહારાજ પાસે આવી સર્વ હકિકત કહી ત્યારે મહારાજ કહે, સ્વામી કેટલા દિવસનો સમૈયો કરવો છે. સ્વામી અચકાતા અચકાતા કહે, મહારાજ ત્રણ દિવસનો કરીએ. ત્યાં થોડીવારમાં રાજકોટથી હરિભક્તો મહારાજના દર્શન કરવા આવ્યા ત્યારે કહે મહારાજ અમારા જેવી સેવા ? મહારાજ કહે, આ મંદિરમાં ત્રણ દિવસનો સમૈયો કરવો છે. એ ભગત કહે, મહારાજ ત્રણ દિવસનો ખર્ચ અમારો. ત્યાં બીજા હરિભક્ત કહે, મહારાજ અમે સાથે આવ્યા તો અમને પણ લાભ આપો. ત્યાં ત્રીજા હરિભક્ત કહે, મા-બાપ અમને એક દિવસનો લાભ આપો. એટલે ત્રણે હરિભક્તોએ એક એક દિવસનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો અને મહારાજ બોલ્યા, સ્વામી તમે ત્રણ દિવસનું કહ્યું તો ત્રણ હરિભક્તો આવ્યા પણ જો તમે સાત દિવસનો સમૈયો કરવાનો સંકલ્પ કર્યો હોત તો સાત હરિભક્તો આવત. આમ મહારાજે પોતાનો દિવ્ય પ્રતાપ વાપરી ભક્તોને-સંતોને-આશ્રિતોને સુખી કર્યાં છે. આવા પ્રગટ ભગવાન કૃપાના સાગર છે.

એક વખત હું અને રમેશ તથા હરિભાઈ અમે ત્રણે મિત્રો જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે ૧૧ વાગ્યાનો સમય હતો. અમને થયું અત્યારે મહારાજને હમણાં થોડીવારમાં આરામ કરવાનો સમય થશે. હાલોને આપણે ૧ર થી ૩ના શોમાં સિનેમા જોઈ આવીયે, ત્રણે જણાં ઉપડ્યા. એક ટોકિઝ બંધ. બીજીમાં ગયા તો ત્યાં હાઉસફુલના પાટીયા. એટલે બજારમાં રખડતાં રખડતાં અમે મંદિરે આવ્યા ત્યારે પોણા બે વાગ્યા હતા. અમે વિચાર કર્યો મહારાજ સૂતા હશે. આપણે અહીં લોબીમાં બેસીએ ત્યાં મહારાજના રૂમનો

દરવાજો ખૂલેલો જણાયો તિરાડમાંથી જોયું મહારાજ જાગે છે ત્યાં મહારાજે અંગૂઠો હલાવ્યો ત્યારે અમે કમાડને અડ્યા ત્યાં કમાડ ખૂલી ગયું. અમે અંદર ગયા ત્યાં મહારાજ બોલ્યા, હું તમારી ક્યારની વાટ જોઉં છું, કાં મેળ ન પડ્યોને ? એટલે અમે શરમાયા. એલી સિનેમાની ટિકિટની વાત કરતા હતા. મહારાજ કહે, ક્યાંથી મેળ પડે. રામભાઇને કહે, ઓ પેલા ડબરા ઉપર કાગળ છે એ લાવ. રામભાઈએ કાગળ લીધો. મહારાજ કહે, વાંચ. ત્યાં કાગળમાં લખ્યું હતું કે......

જ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની જય. માગશર સુદ-૪ને રવિવારને તા.૧પ-૧ર-૧૯૮પના શુભ ચોઘડિયે બપોરે બે વાગ્યે શ્રીકૃષ્ણનારાયણના દિક્ષિત-પૂજા-સેવામાં ભજન આદિમાં કુશળ પવિત્ર શ્રીહરિ શરણાગતિ મંડળમાં સન્માનનીય વિપ્રવર્ય શ્રી કૃષ્ણનારાયણના દિક્ષિત વિપ્રવર્ય શ્રી દિનેશ અજીતરાય વ્યાસને શ્રી વલ્લભવ્યાસાચાર્ય નામ વડે કૃપા પાત્રતા વધારીને તીર્થનગરીના શ્રીહરિ શરણાગતિ મંડળના પૂજનીય તીર્થગાદીપતિ સંત સ્વરૂપે અધિકૃત સ્થાપીએ છીએ. ઉપર મુજબ સર્વમંડળોએ હાર્દિક અનાદિ શ્રીકૃષ્ણનારાયણના દિક્ષિત શિષ્ય દિક્ષાના પ્રદાતા ભક્તિ પોષક સમજવા અને માનવા.

લી. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના આશીર્વાદ, જૂનાગઢ.

આમ મહારાજે અમોને કાગળમાં લેખિત કુંકાવાવ તીર્થનગરીનું આચાર્યપદ આપી કૃતાર્થ કર્યાં. ત્યારે મારી સાથે રમેશ અને હરિભાઈને મહારાજે સાક્ષી તરીકે રાખ્યા અને રમેશ-હરિભાઈને મહારાજ કહે, તમારે બીજા જુવે એમ આ દિનેશને પગે લાગવું અને કોઈ પૂછે તો એમ કહેવું કે, આ દિનેશને મહારાજે આ કુંકાવાવ તીર્થના આચાર્ય સ્થાપ્યા છે. માટે તમે તેના સાક્ષી છો. મેં કહ્યું, મહારાજ એમાં સાક્ષીની શું જરૂર તમે આવડું મોટું લખ્યું તો છે. મહારાજ કહે, એ હમણાં નહી જણાય સમય આવ્યે બધી કિંમત થશે. મહારાજે આ લખાણ આપ્યું તેમજ મહારાજે મોટો મહામંત્ર લખી આપ્યો. અને તેના એક એક શબ્દનો અર્થ સમજાવ્યો. પછી ઘણાં ઘણાં આશીર્વાદો આપ્યા અને મહારાજ બોલ્યા, મેં તને આ બધું આપ્યું પણ તારે ઘરનું અને બહારનું સહન કરવું પડશે. તો મેં કહ્યું, મહારાજ મારે ભલે સહન કરવું પડશે પણ તમે ભેળા તો છો ને ? ત્યાં મહારાજ મારા શરીરે હાથ ફેરવતા ગયા ને કહેતા ગયા અહીંયા તારા ભેળો, અહિંયા તારા ભેળો, કાયમ તારી ભેળો. આમ ભગવાને મને આશીર્વાદ આપ્યા. મેં કહ્યું, મહારાજ તમે મારા ભેળા જ છો તો હવે મારે બીજું કાંઈ ન જોઈએ. આમ મહારાજના વચને ઘરનું-બહારનું સહન થઈ ગયું અને એમાં પણ મહારાજની

આજ્ઞા પળાય જાય છે. ભગવાન ભેળા છે માટે ભગવાનની કૃપાથી ભગવાનના કાર્યો થતાં જાય છે. જેના ધણી જબરા એનો કેફ જબરો. આ સંસારમાં જગતનો માનવી શું કરે ? ભગવાનને આવડે એવું કોઈને ન આવડે, ભગવાન કૃપાળું છે, શરણાગતની રક્ષા કરનારા છે, આવા ભગવાન આપણાં સ્વામી છે.

પ્રગટ ભગવાને દિનુ મહારાજને કુંકાવાવ તિર્થનાં આચાર્યપદે સ્થાપ્યા ત્યારથી તેઓ મહારાજના કાર્યો કરવામાં ઘણો ઉત્સાહ દર્શાવતા. કુંકાવાવમાં જન્મ સ્થાનમાં ધૂન-કિર્તન ગવડાવતા. પાદરે દરરોજ ભજન મંડળીના આગેવાન થઈ કાયમ ભજન કરતાં. આમ ઘણાં વર્ષો કુંકાવાવમાં ભજન કર્યું ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં મહારાજના ભક્તો સાથે મળી સત્સંગ કરતાં અને અમદાવાદમાં મંડળ સ્થાપ્યું અને ભજન ચાલુ કરાવ્યું ત્યાં પ્રથમવાર મંડળમાં વિદ્યામૂર્તિ ઉત્સવ ઉજવી ચારે દિશામાંથી ભક્તોને આમંત્રણ આપ્યું. ત્યાર પછી વિદ્યામૂર્તિ ઉત્સવ બીજા મંડળોમાં પણ ઉજવવા લાગ્યો. ત્યાંથી સૂરત આવ્યા તો સૂરતમાં જે જે મહારાજના ભક્તો મળે તેને પ્રગટ ભગવાનની વાત કરી કથાવાર્તા કરતા. સમય જતાં સૂરત વરાછામાં પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભવ્ય મંદિર બનાવતા ભક્તોને કથાવાર્તાનો લાભ મંદિર નિર્માણ કાર્યમાં પણ નવું બળ પૂર્યું. તેમજ કુંકાવાવ તિર્થમાં મહારાજની આજ્ઞાથી નિર્માણ થયેલ કલ્યાણકારી ‘બ્રહ્મપેલેસ મંદિર'ના ખાત મુહૂર્તથી લઈને મૂર્તિ પ્રતિષ્ઠા સુધીના દરેક કાર્યો તેમજ ઉત્સવોમાં યથાશક્તિ તન-મન-ધનથી સેવાનો લાભ લઈ મહારાજ તેમજ સર્વે અનાદિ મુક્તોને વિશેષ રાજી કર્યાં છે. આજે પણ પ્રગટ ભગવાનની ભક્તિ કરાવી રહ્યા છે.