પરચા ૪૯

અનાદિ મુક્તરાજ હરિભગત રણછોડભગત મનાણી

જામવંથલી, હાલ- રાજકોટ

હું નાની ઉંમરમાં મારા બાપુજી સાથે જામનગર જાતો અને ત્યાં મહારાજ પાસે મેં મંત્રદિક્ષા લીધી હતી. એક વખત હું અને મારા બાપુજી જામનગર ગયા ત્યાં મહારાજના દર્શન કરી બેઠા, ચરણસેવા કરતા હતા ત્યાં સાંજે ચાર વાગ્યાનો સમય થયો. ત્યારે મહારાજ સ્નાન કરવા ઊભા થયા. મહારાજ કહે, રણછોડભગત હાલો આજે અમને સ્નાન કરાવેલું પાણી જેટલું પીવું હોય તેટલું પી લ્યો. ત્યારે હું ને મારા બાપુજી મહારાજને સ્નાન કરાવતા જઈએ અને પ્રસાદીનું જળ પીતા જઈએ. આમ ખૂબ ખોબા ભરી ભરી ભગવાનને નવરાવેલ પ્રસાદીનું જળ અમે પીધું.

એક વખત હું અને મારા બાપુજી રાજકોટ ગયા. મહારાજ ત્યારે ત્યાં હતાં. એટલે અમે મોગરાનો હાર લઈ ગયાં અને મહારાજને પહેરાવ્યો. ત્યારે મહારાજ બોલ્યા, હાશ મારે જોઈતંું હતું તેવું મળ્યું હવે મને મગજમાં ઠંડક થઈ. ત્યાં કેશુભગત બગીચાવાળા આવ્યા તે ગલગોટાનો હાર લઈને આવ્યા ત્યારે મહારાજ બોલ્યા, કેશાભગત આ ફુલ આજે રહેવા દયો. આજે તો મને જોઈતું હતું એવું મળી ગયું. એટલે કેશુભગત કહે, ભલે મહારાજ. બીજા દિવસે હું મહારાજના દર્શન કરવા ગયો. ત્યાં મહારાજ આમ તેમ માળા લઈને આંટા મારે તો તેની પાછળ પાછળ હુંયે આંટા મારું. ત્યાં મહારાજ કહે, મારે તને એક વાત કહેવી છે અને ડાબો હાથ ઊચો કર્યો તે બગલમાંથી એક વાળ ખેંચીને બોલ્યા, અનંત કોટી બ્રહ્માંડમાં કોઇ ગમે તેટલું મોટું હોય તો પણ તે મારા આ એક વાળની તોલે પણ ન આવી શકે. હવે તું એટલો વિચાર કર તને કોણ મળ્યું છે ?

મહારાજ નવા વર્ષના અભિનંદન આશીર્વાદ આપતા ત્યારે પાઘવાળી મૂર્તિ અને ચિન્હવાળી મૂર્તિ આ નાની મૂર્તિઓ આપતા. તે મૂર્તિઓ લઈ હું દુબઈ ગયેલો. દુબઈ ૧૧ મહિના કામ કરીને ફરી દેશમાં આવતો રહ્યો. આવીને મહારાજના દર્શન કરવા જુનાગઢ ગયો, મહારાજની ચરણસેવા કરતો હતો ત્યાં મહારાજ બોલ્યા, હરિ તે તો મને પેટીમાં મુંઝવીને મારી નાખ્યો. મેં કહ્યું, ભગવાન હોય ઈ થોડા મુંઝાય. મહારાજ કહે, તું દુબઈ કેટલા મહિના રહ્યો ? મેં કહ્યું, ૧૧ મહિના. મહારાજ કહે, તો તે ૧૧ મહિના મારી મૂર્તિને પેટીમાં પૂરી રાખીે તે હું મુંઝાઈ ન જાઉં ? પછી મેં કહ્યું, મહારાજ ક્ષમા કરજો હવે આવી ભૂલ નહીં થાય.

એકવાર મારે સાઉદિયા જવાનું હતું. તેથી હું મહારાજના દર્શને ગયો. ત્યાં હાથ ધોઈને લૂછવા ગયો ત્યાં મહારાજ કહે, હરિ ભીના હાથે જ આવ અને મંડ પગ દાબવા. તે મેં એક કલાક મહારાજના પગ દાબ્યા અને મહારાજ આંખો બંધ કરી હાથમાં માળા ફેરવતાં હતા. કલાક પછી આંખ ખોલી તો મહારાજનું રૂપ જ આખું અલગ લાગે. તેજ તેજ મુખારવિંદ ઉપર છવાઈ ગયું અને બોલ્યા, હરિ સેવક કેટલા છે ? મેં કહ્યું, આપથી ક્યાં અજાણ્યું છે. એટલે મહારાજ કહે, હવે તારે ત્યાં સેવકનો જન્મ થાશે. સમય જતાં મારે ત્યાં ધર્મેન્દ્રનો જન્મ થયો. આમ પ્રગટ ભગવાન અતિ કૃપાવાળા થઈ નિજ ભક્તોને લાડ લડાવે અને સુખીયા કરે છે.

એક વખત હું પૂના ગયો ત્યાં મારા સાળા રહે અને ત્યાં સરધારના સંતો આવ્યા હતા. ત્યારે એ સંતો ત્રિાવેણી સંગમમાં ન્હાવા જવાના હતા. ત્યારે મારો સાળો કહે, હાલો પટેલ આપણે બાઈકથી ત્રિાવેણી જઈએ. અમે બાઈકથી ત્રિાવેણી ગયા અને ત્યાં સંતો સાથે આખી બસ હતી સૌ ન્હાતા હતા. હું કાંઠે પથ્થર ઉપર બેઠો હતો ત્યાં મને આ ન્હાવાનો લ્હાવો લેવાનું મન થયું. એટલે હું નદીમાં ન્હાવા પડ્યો. હવે સામે કાંઠે જવામાં મને અડધી નદીએ મારું બી.પી વધી ગયું અને પાણી પેટમાં ગયું ને શ્વાસ લેવાતો નહોતો ને ઉપર જોયું ને મનોમન થયું, મહારાજ હું તમારી પાસે આવું છું. એટલું વિચારી સામે નજર કરી ત્યાં તો હું નદીને કાંઠે હતો. આમ મહારાજે મને નવું જીવન આપી રક્ષા કરી હતી.

એક વખત અમે એક લગ્ન સમારંભમાં ગયા ત્યાં મારી નાની દિકરીને નાનું બાળક ર૦-રર દિવસનું અને તેણે છોકરાને દૂધની શીશીથી દૂધ પીવરાવ્યું આ મારા ઘરનાએ જોયું એટલે તણે દિકરીને પૂછ્યું, આમ કેમ ? દીકરી કહે, મારે ધાવણ નથી આવતું. ત્યારે સાંજે આરતી-પૂજા કરતા મહારાજને પ્રાર્થના કરી તે બીજા દિવસે દીકરીને ધાવણ ચાલું થયું અને છ મહિના પછી મારા ઘરનાએ વાત કરી કે આમ વાત હતી ને મહારાજને પ્રાર્થના કરી તેથી મહારાજે આપણી દિકરી પર કૃપા કરી, માટે આપણાં ગુરુ પ્રગટ ભગવાન જ છે.

આમ રણછોડભગત અને તેનો પરિવાર પ્રગટ ભગવાનને ઓળખી અને પ્રગટ ભગવાનને રાજી કરનારા હતા. તેની સમજણ પણ સર્વોપરી છે. ભગવાનની આજ્ઞા એજ એનું જીવન અને એજ ધર્મ એ પ્રમાણે પોતે રહીને પુત્ર-પરિવારને પણ એવી જ સમજણ આપી છે.