અનાદિ મુક્તરાજ કાન્તિભગત રણછોડભગત ચોટલિયા
ભગસદડ, હાલ- સૂરત
અમે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતા. ઇ.સ.૧૯૬૭માં અમારા ગામમાં યોગીજી મહારાજ પધારેલા ત્યારે એ યોગીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના ફોટા અમને આપેલા. અમારે વિદેશ જવાનું થયું ત્યારે આ યોગીજી મહારાજે આપેલા ફોટાઓ પૂજા કરવા તે ફોટા લઈને અમે સાઉદીયા, અરેબિયા ગયા ત્યારે સાઉદીયાના એરપોર્ટ પર અમારી તલાશી લેતા આ ફોટા નીકળ્યા તે એરપોર્ટમાં અમારી પાસેથી લઈ લીધા અને અમને એક બિલ્ડિંગમાં ત્રણ દિવસ રાખ્યા અને ત્રણ દિવસ પછી અમે ઓળખકાર્ડ આપ્યા પછી અમને કંપનીના માણસો લઈ ગયા. અમે કંપનીમાં ગયા ત્યાં ચાવડાના નારણ હંસરાજ રાઠોડનો મેળાપ થયો. અમે હેતવાળા ચાર જણા હતા અને બાજુની કંપનીમાં વંથલીના વીરજીભગત હતા અને આ વીરજીભગત વર્કશોપમાં કામ કરતા જેથી અમારી કંપનીનો એરિયા મોટો એટલે અમે આ વિરજીભગત પાસે બેસતા અને આ વિરજીભગત તે નારણભગતની ઓળખાણ આપતા અને કહેતા આ નારણભગત બહું મોટા ભગત છે એમ તેનું બહુમાન જાળવતા. જેથી અમો પાંચ જણાં સત્સંગ કરતાં.
એક દિવસ એવું થયું કે નારણભગતની રૂમમાં ર૪ અવતાર, પાઘવાળી મૂર્તિ, ચિન્હવાળી મર્તિના મોટા ફોટા જોઈને મને વિચાર આવ્યો કે, મારી પાસે નાની નાની મૂર્તિઓ આ દેશના કાયદા મુજબ લઈ લીધી છે અને આની પાસે તો મોટી મૂર્તિઓ છે તેમ કેમ કરીને લઈ આવ્યા હશે. એટલે વિરજીભગત કહે, એ ભગતની સ્થિતિ બહું ઊંચી છે અને અમે અઢી મહિનાના સત્સંગમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને સાક્ષાત ભગવાન જાણ્યાં છે તેના આ શિષ્ય છે. તેમજ પાડાબેકર્ડના ભગવાનજીભાઈ ચૌહાણ તે પણ પ્રગટ ભગવાનના શિષ્ય છે. આ અમે પાંચ-છ જણ ભેગા થઈ અને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ કરીએ. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બહુ ભણેલા બહુ મોટા વિદ્વાન અને વચનસિદ્ધ મોટા સંત છે આમ સત્સંગ થતો અને અમે ભક્તો ભેગા થઈએ એટલે જમ્યા વિના જવા ન દે. આવ ભાવવાળા ભક્તો અમે સત્સંગ કરતા. પછી અમારી સાઈડ બદલી થઈ જે આઠસો કિ.મી. દૂર હતી એટલે નારણભગતે કહ્યું, તમે દેશમાં જાઓ ત્યારે જૂનાગઢ મહારાજના દર્શને જરૂર જજો.
આમ અમારે છૂટીમાં ભારત આવવાનું થયું એટલે અમે એક હીટર લીધેલું તે અમે સાથે લેતા આવ્યા. તે અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા એટલે સાથે લઈ અને મહારાજને આપ્યું તે મહારાજે એક સાધુને બોલાવી હીટર ચાલુ કરાવ્યું. ત્યારે બાલમુકુંદ ભવનનું કામ ચાલતું હતું અને મહારાજ સામે ગેલેરીમાં રહેતા હતા. તે હું મહારાજ પાસે જવા બે પગથિયા ચઢ્યો, તો મહારાજ મને અંતર્યામી પણે ઓળખી ગયા. પછી મેં હેમંતભગતને કહ્યું, અમારે મહારાજને સ્નાન કરાવવું છે. એટલે હેમંતભગત કહે, અત્યારે જમી ઉતારા કરો. સવારે વહેલા આવજો.
સવારે અમે મહારાજને સ્નાન કરાવતા હતા ત્યારે મહારાજના ચરણના તળિયા એટલા રૂપાળા હતા તે જોઈ અમે ખુબ રાજી થયા પછી મહારાજે અમને ચિન્હોના દર્શન કરાવ્યા. પછી મહારાજ બોલ્યા, આ પ્રસાદીનો સાબુ લઈ લ્યો. પછી અમે મહારાજની ચરણસેવા કરતા હતા અને મહારાજ ભગવાનની વાતો કરતા જાય.પછી મેં મહારાજને કહ્યું, મહારાજ અમારા ઘરનું નામ આપો. ત્યારે મહારાજ બે મિનિટ મૌન રહ્યા, આંખો મિંચીને થોડીવારે બોલ્યા કે ઘરનું નામ ‘શ્રીહરિ મંદિર'. આવું નામ મહારાજે આપ્યું. તેમજ કાળ માયા નો આખો મહામંત્ર લખીને આપ્યો.
અમે બીજી વખત મહારાજ પાસે દર્શન કરવા ગયા ત્યારે મહારાજે મને વર્તમાન ધરાવ્યા. અમે મહારાજને હાર પહેરાવ્યો, આરતી ઉતારી. મહારાજે રાજી થઈને ગંજીયું આપ્યું, દાતણની ચીર આપી. ચંપલ, સ્લીપર પ્રસાદીની કરીને આપી અને મેં કહ્યું, મહારાજ નખ આપોને. મહારાજ કહે, નખ તો ભક્તો લઈ ગયા એમ કરો તમે મારી આ ચોટલી છે તે કાપી લ્યો. મહારાજે જ્યારે મને ચોટલી કાપી લેવાનું કહ્યું ત્યારે હંસરાજ બાપા ત્યાં હતાં અને હંસરાજભગતને મહારાજે કીધું હતું કે, આ ચોટલી પ્રસાદીની કાપી લ્યો ત્યારે હંસરાજભગતે વિચાર્યું કે, ભગવાનની ચોટલી આપણાથી થોડી કપાય. પછી મહારાજે મને ચોટલી કાપવાનું કહ્યું ત્યારે મેં એ થોડી ચોટલી કાપી હતી અને ભગવાનની આજ્ઞા પાળીને રાજીપો લીધો હતો. આમ મહારાજે રાજી થઈ પ્રસાદીની વસ્તુઓ આપી.
એક વખત ભૂજથી બે બસ સંતોની ભરાઈને આવી હતી ત્યારે નાના નાના સંતોને મહારાજ પુસ્તકો ભેટ આપતા હતા અને કહેતા હતા કે, આને બરાબર વાંચજો અને બીજા મોટેરા સંતો હતા તે બેઠા હતા અને હું મહારાજની ચરણસેવા કરતો હતો ત્યારે મહારાજે જે રકાબીમાં ચા પીધો હતો તે રકાબીમાં મને પ્રસાદીનો ચા આપ્યો હતો.
એક વખત વિદેશમાં વગર વાંકે જેલમાં જવાનું થયું ત્યાં મહારાજ જાણે મારા ભેગા જ હોય મારી સાથે સાથે વિચરતા હોય તેવો સતત મને અનુભવ થયો હતો ને પછી જેલમાંથી મને કૃપા કરી છોડાવ્યો.
એકવાર મને સળિયો વાગ્યો ત્યારે હું પોણો કલાક બેહોશ થઈ ગયો હતો ત્યારે મારી મહારાજે રક્ષા કરી હતી. એક વખત ૧૮ ટનની ગાડીનું એક્તિસડન્ટ થયું ત્યારે એ ગાડી આગળથી આખી ચિપાઈ ગઈ હતી અને અમને જરા પણ વાગ્યું નહોતું અને ભગવા કપડાધારી હાથમાં છડીવાળા ભગવાનના દર્શન ડ્રાઈવરને થયા હતા. આમ મહારાજે અમારી રક્ષા કરી હતી.
સમયજતાં અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ કહે, તને સળિયો વાગ્યો તું પોણો કલાક બેહોશ હતો ત્યારે તને કોણે ભાનમાં લીધો ? ગાડીનું એક્તિસડન્ટ થયું ત્યારે મેં તમને કાંઈ થાવા ન દીધું. આમ મહારાજ વાતો કરીને અમને કહેતા હતા કે, અમે જ તમારી રક્ષા કરી તમારી સંભાળ રાખી છે. આમ મહારાજ અનુસંધાન પણ આપતા હતા કે તમને હું મળ્યો છું, તમે અમને કેવા જાણો છો ? આમ મહારાજ પોતાની ભગવાનપણાંની ઓળખ આપી અમને નિષ્ઠાવાન સાચા સંત-ભક્ત બનાવતા હતા. આવા આપણા પ્રગટ ભગવાન છે, આ ભગવાનને શરણે પડે તો એનો આ જન્મે જ ઉદ્ધાર થઈ જાય.
એક વખત અમારા ઘરનાં કુંદનબેનના ઘરે લાલજીમહારાજના વાઘા સીવવા માટે ગયા. ઘર ન મળે, અમે બે કલાક આમ તેમ શેરીમાં ફર્યાં અને ઘર મળ્યું. લાલજીમહારાજના વાઘા જોયા અને કહ્યુંં, આ વાઘા લાલજીમહારાજને કેવાં સરસ શોભે. કુંદનબેન કહે, તમે લાલજીમહારાજને પહેરાવો તો ખરા બહું સરસ લાગશે. ત્યારે લાલજી મહારાજને વાઘા પહેરાવ્યા તો લાલજીમહારાજ નાચવા લાગ્યા. આમ ભગવાન ભક્તોના મનોરથ પૂરે છે અને પરચા ઐશ્વર્ય બતાવી ભક્તોને ભક્તિમાં મજબૂત કરે છે.
એક વખત મારા બાને લઈ મહારાજના દર્શન કરાવવા જૂનાગઢ લઈ ગયો. મહારાજ કહે, તારા બાને કહેજે કે અમે મંદિર પર તેમને દર્શન દેવા આવીએ છીએ. એમ કહી પછી મહારાજે કૃપા કરીને મારા બાને દર્શન આપ્યા હતા.
વિદેશમાં મહારાજે ઘણી રક્ષા કરી છે. વિદેશમાં વગર વાંકે જેલમાં નાખે ત્યાં મહારાજ રક્ષા કરે. આમ વગર વાંકે આવા દુઃખ આવે તો એમ આપણે ભગવાનના વિશ્વાસે બળિયા
થવાય. એરપોર્ટના કસ્ટમમાં આપણે માયિક વસ્તુ લીધી હોય તો એ આપણે વાપરી શકીયે એટલા માટે બીજાની બુદ્ધિમાં પ્રવેશ કરીને આપણી રક્ષા કરી લ્યે. આપણે ભગવાનના થઈએ તો ભગવાન આપણા થઈને માયાના દુઃખોથી રક્ષા કરે. આમ ઉપર નીચે આજુ-બાજુ આપણાં ભગવાન ભેળા જ છે.
એક વખત મહારાજે મને શર્ટ ઉતરાવ્યું, ગંજીયું કઢાવ્યું અને મહારાજે પણ ગંજીયું ઉતાર્યું અને મને પોતાની જનોઈ પહેરાવી પછી મને બાથમાં લઈને ભેટ્યા. એટલે મેં કહ્યું, મહારાજ આ જનોઈ પહેરાવી પણ મને કાંઈ આવડતું નથી. મહારાજ કહે, તમારે માત્ર મારા મંત્રના જાપ કરીને સેવા પુજા કરવી. આમ મહારાજે ભકતોને પોતાના સંત બનાવ્યા છે.
આપણાં કેવા ભાગ્ય કે ભગવાને આપણને પોતાના સંત બનાવી દીધા. હવે તો આપણાથી ભગવાનને માટે શું શું ન થાય ? આવા ભગવાન આપણી રક્ષા કરે, પ્રસાદીની વસ્તુ રાજી થઈને આપે. તેને આ સંસારમાં કાંઈ અધૂરું નથી. પોતે પોતાને પૂર્ણ માની પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માટે પોતાના તન-મન-ધન વાપરતો થાય તો ભગવાનને અને ભક્તને કાંઈ છેટું નથી. ભગવાન ભેળા જ છે. પોતે બ્રહ્મ થઈને પરબ્રહ્મનો ભોગી થાય. અનુભવી આનંદમાં બ્રહ્મરસનાં ભોગી રે. ભગવાનના સંબંધ જેવો કોઈ બીજો સંબંધ નથી. ભગવાનના બ્રહ્મરસ જેવો બીજો કોઈ રસ નથી. ભગવાનમાં પ્રેમ જેવો કોઈ બીજો પ્રેમ નથી. ભગવાનના આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. આ સઘળું અનુભવી આનંદ માણે, આવા આપણા દિવ્ય ભગવાન પરથી પર સર્વથી પર છે. પરમધામના અધિપતિ છે. સર્વ ધામોના ધરનારા છે, સર્વેશ્વર છે.