અનાદિ મુક્તરાજ હિરજીભગત પેથાભગત ચૌહાણ
જામવંથલી
હિરાબાપા જામવંથલીમાં રહેતા. આખા ગામમાં હિરાબાપાનો દબદબો રહેતો. હિરાબાપા ગામમાંથી પસાર થાય તો ભાઈઓ-બાઈઓ સર્વે બાપાને માનથી જોતા અને તેમની દરેક વાતને માનતા. ભક્તો-ગામના માણસો ઊભા રહી બાપા સાથે મહારાજની ફુલવાડી મંદિરની વાતો કરવા મંડી જતા અને સત્સંગ-વાર્તામાં સમયની ખબર જ ન પડતી. હિરાબાપા રાજકારણને જાણતા ફુલવાડી મંદિર માટે ધાર્યું કામ કઢાવી લેવાની તેમની પાસે સારી આવડત હતી. તેથી જ પ્રગટ ભગવાન જ્યારે જ્યારે ફુલવાડીએ પધારતા ત્યારે હિરાબાપા ભેળાને ભેળા જ રહેતા. સેવા સાથે મહારાજ જે આજ્ઞા કરતા તેને શિરસાટે કરીને ફુલવાડીની સેવા કરતા. મહારાજને હિરાબાપા ઉપર વિશ્વાસ અને સાથે કરસનબાપા અને સ્થાનિક ભક્તો જેવા કે રામજીભગત, ભગવાનજીભગત, છગનભગત, દામજીભગત, લાલજીબાપા આદિ આદિ બધા ભક્તો હિરાબાપા કહે તેમજ તેમની સલાહને અનુસરતા. મહારાજે ફુલવાડીની જમીન શ્રીહરિ શરણાગતિ મંડળને સાગપી તે માટે ટ્રસ્ટ નીમ્યું અને સ્થાનિકમાં રહેનારા હિરાબાપા અને કરસનબાપા બેયને સખાભાવ, અળગા ન થાય તેવું હેત તેથી જ મહારાજે ફુલવાડી મંદિરના કામકાજ આ ભક્તોને સેવાની આજ્ઞા કરતા.
એકવખત જન્મજયંતીએ પ્રગટ ભગવાન જામવંથલી પધાર્યા. ભક્તોને ઘેર પધરામણી કરી. મહારાજને માટે ફુલવાડીમાં આંબલીના વૃક્ષે હિંડોળો બાંધી ભગવાનને ઝુલાવ્યા ને સૌ રાસ રમ્યા. ત્યારે ભક્તોની સ્થિતિ નબળી પણ જબરો કેફ કે મહારાજ પધાર્યા છે. તેથી બધા ભક્તો પોત પોતાને ઘેરથી લોટ, ઘી, ગોળ, દાળ-ભાત, પૂરી-શાક, ભજીયા આદિક લાવ્યા. મહારાજને લાડવા જમાડ્યા પછી પ્રગટ ભગવાનની આરતી કરીને મહારાજને ઝુલાવ્યા. હિરાબાપા ત્યારે હાજર હતા. ત્યારે સૌ ભક્તોની સમક્ષ મહારાજ બોલ્યા કે, આ પ્રમાણે જન્મ જયંતીએ ભગવાનને ઝુલાવવા પ્રસાદ-ભોજન આરતી સમૈયો કરવો. આસો વદી-અષ્ટમીએ ઉત્સવ ઉજવવો. પછી મહારાજે હિરાબાપા, કરસનબાપા, ભગવાનજી રાજા, છગનભગત આદિક બીજા ઘણાં ભક્તો પ્રત્યે મંદિર બનાવવા માટે ધ્રુવતારાનું નિશાન લઈ દોરીથી લીટી બનાવીને મંદિર બાંધવાની આજ્ઞાઓ આપી.
સમય જતાં કુંકાવાવ પાદર મૂર્તિ પ્રતિષ્ઠા વખતે સેવાઓના ફાળા માટે લખ્યું અને પછી
હિરાબાપા જૂનાગઢ મહારાજના દર્શને ગયા. પછી વાત કરી કે, મહારાજ વંડો બનાવવા રૂ.૪૦,૦૦૦ જોઈએ છે. મહારાજે દુબઈ, દેશ-વિદેશમાં ફુલવાડીના વંડા માટે સેવાની વાત જણાવી. દુબઈમાં ટપુલાલભગત પ્રમુખ પદે હતા. મહારાજનો પત્ર વાંચીને સેવા માટેના લખાણ વાંચી રાજી થયા. ફંડ-ફાળો એકત્ર થયો તે મોકલીને મહારાજને રાજી કર્યાં.
ભક્તોની આવતી સેવા મહારાજ વંથલી કે કુંકાવાવ મંદિર માટે મોકલી આપતા. મહારાજ કહેતા કે, તમો સેવા કરો છો, તેથી પ્રાણને નિરાંત છે. હિરાબાપા સ્પષ્ટવક્તા સાથે આખા બોલા પરંતુ નિરાભિમાનીપણે રહેતા. તેઓએ મંડળના ભક્તો પ્રત્યે પોતાનું માન રાખ્યું નથી. શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોને બાપા પોતાના એક આદરણીય વડીલ માનતા. આ રીતે એક સર્વશ્રેષ્ઠ સન્માનીય ભક્ત તેમજ ભક્તોમાં આદરભાવ પામેલા મુક્ત ભક્ત હતા.
ફુલવાડી મંદિર માટેના કામકાજમાં, દરેકે દરેક કાર્યમાં પ્રગટ ભગવાનના બળને લઈને પોતે વાતો કરતા કે, અમે જે ધારીએ તે મહારાજ સંકલ્પ તરત જ પૂરા કરી દેતા. પછી ભલે કોઈ ભક્ત આશીર્વાદ માગે તો તરત જ તેઓ કહેતા કે મહારાજ તમને જુએ છે, સંભારો એટલે કાર્ય પૂરું જ થઈ જાશે.
હિરાબાપા ફુલવાડી મંદિર માટે, કુંકાવાવ જન્મઘર, પાદર મંદિર માટે. આ તમામ કાર્યોમાં જ્યાં જેવી જરૂર પડે તે માટે હિરાબાપાનો સાથ-સહકાર નિઃસ્વાર્થભાવે રહ્યો છે. તેમના ગુણ, તેમની સેવા, મહારાજ વિષેનું બળ, કેફ જેની નાગધ લેવી જ ઘટે. માટે મહારાજ સ્વયં કહેતા કે, હિરાબાપા આ શરણાગતિ મંડળનું એન્જિન છે. એન્જિન આગળ ભક્તો પાછળ. ભગવાનના કેફ બળે, સેવાબળે આ શરણાગતિ મંડળનો મહારાજે ત્રિાલોકીમાં જયજયકાર વર્તાવી દીધો છે. તેનો યશ મહારાજે સેવા વડે રાજી થઈને ભક્તોને આપ્યો છે. આ વખતે અવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ ભગવાન જેને જેને મળ્યા છે તેમની વાત તો અલૌકિક જ છે. જગતને દેખ્યામાં ન આવે. તેને તો ગુણદોષ જોતા જ આવડે કે તે આવો છે, તે આવો છે. પણ ભક્તને દેખ્યામાં આવે કે પ્રગટ ભગવાનને રાજી કરવાવાળા મુક્ત ભક્ત છે. જેમણે વિરોધીઓને પણ પોતાની રીતે સમજાવાના સ્વભાવ વડે કરીને રાજી કરી લીધા છે. આવા હિરાબાપાને ધન્ય છે.
ભાનુબેન હિરજીભગત ચૌહાણ ગામ ઃ જામવંથલી, હાલ- મેઘપર
અમારો પરિવાર સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા એટલે જામનગર આવવા-જવાનું થતું ત્યારે મહારાજની નજરમાં આવ્યા હોય એ મહારાજ જામવંથલી સત્સંગ અર્થે આવતા ત્યારે એકવાર પ્રેમજી માસ્તર કથા વાંચતા ત્યાં મહારાજે કથા વાંચી હતી, કથા પૂરી થઈ ત્યારે ધ્રોલથી ગાદલા-ગોદડા જે લાવ્યા હતા તે મૂકવા જવાના હતા ત્યારે ગણત્રી કરતા બે-ચાર ગાદલા ઘટ્યા એટલે મહારાજને વાત કરી તો મહારાજ કહે, ટેમ્પો ભરી ધ્રોલ જમા કરી આવો એટલે મહારાજને કહ્યું મહારાજ આમાં ગાદલા ઘટે છે. ત્યારે મહારાજ કહે, તમે જમા કરાવી આવો નહીં ઘટે અને સાચે જ ધ્રોલ ગાદલા જમા કરાવવા ગયા ત્યાં ગણત્રી કરી આપ્યા તો પૂરા જ થઈ ગયા એકેય ન ઘટ્યું. આ ચમત્કાર જોઈને મહારાજમાં અલૌકિકતાના દર્શન થયા.
અમારે દાદા વખતથી સ્વામિનારાયણ સત્સંગ હતો અને મારા દાદા સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા અને એ આખે આંધળા હતા પણ રૂપિયા પૈસાને નોટ પર હાથ ફેરવીને કહી દેતા આટલા છે અને વહિવટ કરતા.
એકવાર મારા બાપા જૂનાગઢ ગયા હતા સાથે ભાઇનો છોકરો નિલેષ હતો અને એકાદશી હતી. એટલે મહારાજ કહે, હીરાભાઈ હવે કાંઇ કામ નથી હવે તમે ઘરે જાઓ. મારા બાપુજી કહે, અમારે ત્રણ દિવસ રોકાવું છે એટલે મહારાજે નિલેષને કહ્યું, તું બાપાને કહે કે ઘરે જાવું છે. ત્યારે નિલેષે હાલો બાપા ઘરે. એમ વારંવાર હઠ કરી કહ્યું એટલે બાપુજી ઘરે વંથલી આવ્યા ત્યારે નાની બેનને જોવાં આવ્યા હતા. ત્યાં બાપુજી હોય તો જ વાત આગળ થાય એટલે મહારાજે જૂનાગઢ અમને રોકાવા ન દીધા.
મહારાજે હીરાબાપાને આ ફુલવાડીનું કામ સાગપ્યું ત્યારે મહારાજ કહે, આ કામ તમારે કરવાનું છે ને કેટલાંય વિધ્નો આવશે પણ તમે મજબૂત થઈ આ કામ કરજો, ત્યારે બાપા બોલ્યા હતા કે આ કામકાજ મારા ગજા ઉપરનું છે ત્યારે મહારાજ બોલ્યા કે, અમે બેઠા છીએ. તમે મંદિર બનાવો, અમે તમારી સાથે છીએ. અમે ધારીએ તો સોનાના મંદિરો ઉતારીએ પણ આ ગરીબડા ભક્તોને સેવા મળે ને સેવાથી સુખી થાય. એટલે બાપાએ શરણાગતિ ભક્તોને સાથે રાખી મંદિરનું કામ ચાલું કરાવ્યું ત્યારે આખા ગામમાં બધા બાપાની વાત માનતા અને ગામમાં કોઇને કાંઈ પ્રશ્નો હોય તો બાપા રસ્તો કાઢતા. ગામ
આખું તેમની વાતનું માન રાખતા. આમ મંદિરનું કામ ચાલું કરાવ્યું. ત્યારે આ ફુલવાડીમાં ચારેબાજુ કાંટાળી વાડ હતી. મહારાજે બનાવેલા ત્રણ ઓરડા સ્લેબ ભરેલા હતા. આ બાજુ એક મશીનની ઓરડી અને કૂવો હતો અને દરવાજાને ડાબા પડખે બે આંબલીઓ હતી. એ આંબલીમાં જીન રહેતો હતો ત્યારે મહારાજે એનો મોક્ષ કર્યો હતો. તેને ફૂલવાડીની ચોકી કરવા મહારાજે રાખ્યો હતો. ફુલવાડીની ચોકી કરતા આ જીનને ઘણાંએ જોયો હતા. જ્યારે આ પ્રસાદીના મકાન બનાવ્યા હતા એમાં અમે ચૂનાના ઘમેલા ભરી ભરીને સેવા કરી છે. ત્યારે મારી સાથે દામજી માસ્તરની મોટી દીકરી હતી. અમે સાથે કામ કરતા એના અમને બે રૂપિયા મળતા. તેમાંથી એકસો એક રૂપિયાની સેવા ફૂલવાડીમાં કરી હતી. ત્યારે મોટા બેન ગૌરીબેન ઘરનું કામ સંભાળે અને હું આ ફુલવાડીમાં કામ સેવા કરતી. એ મોટા ગૌરીબેન અત્યારે દેડિયાપાડામાં રહે છે.
આ ફુલવાડીનું કામ ચાલુ કર્યું એ પહેલાં ફુલવાડીને વંડો બનાવ્યો એ પથ્થરો ધોરાજીથી આવતા અને મંદિર માટે લાલ પાટો રાજસ્થાનથી આવતી. મંદિરનું કામ સોમપુરાને સાગપ્યું હતુ. પથ્થરના કામમાં ધોરાજી બોડકાના કારીગરો હતા. એકવાર બાપા મહારાજ પાસે જૂનાગઢ ગયા ત્યારે મહારાજે એક બુદ્ધિચક્ર (સુવર્ણનો દાતિયો) આપીને કહ્યું હતું કે, આ તમે રાખજો જ્યારે તમને મંદિરના કાર્યમાં આગળ કોઈ રસ્તો ન મળે બુદ્ધિ કામ ન કરે ને તમે મુંઝાવ ત્યારે આને તમારા મસ્તક પર પધરાવીને કહેજો, ‘હે બુદ્ધિચક્ર હવે તમે આમાંથી મને રસ્તો બતાવો. ત્યારે તે તમને બુદ્ધિમાં પ્રેરણા કરી આગળ કાર્ય કરવાનો માર્ગ બતાવશે.
એકવાર બાપા સાથે દેવસ્વામી અને બીજા સંતો મથુરા મૂર્તિ બનાવવા ગયા ત્યારે ગાડી ચાર ગલોઠિયા ખાધા ત્યારે આ બુદ્ધિચક્રને યાદ કરી રક્ષા કરવા કહ્યું. ત્યારે મહારાજની કૃપાથી બધાની રક્ષા થઈ હતી. આ ફુલવાડીનું કામ સાગપ્યું તે પછી બે વર્ષ પછી આ પ્રસાદીનું રક્ષા બુદ્ધિચક્ર મહારાજે હિરાબાપાને આપ્યું હતું.
એકવાર બાપુજી જૂનાગઢ ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના વખતની પરંપરામાં મહારાજને મળેલ પુજ્ય બાલમુકુંદદાસ સ્વામીની દાઢ તેમજ સુવર્ણના લક્ષ્મીજીની નાની મૂર્તિ અને મહારાજની ચોટલીના કેશ આ ત્રણ પ્રસાદીની વસ્તુ એક સાથે આપેલી. મહારાજે સફેદ અને ગુલાબી નાના અને મોટા હીરા આપીને કહ્યું કે, જ્યા સુધી સૂર્ય-ચંદ્ર તપશે ત્યાં સુધી આનું બળ રહેશે. પ્રસાદીની નોટો આપી કહ્યું, આની આગળ બગડોને પાછળ ત્રણ મીંડા આની આટલી કિંમત છે, આ રૂપિયા ફુલવાડી મંદિરમાં વાપરજો. મહારાજે દાતણ
આપ્યું અને બાલમુકુંદ ભવનના વાસ્તાના હવનની ભસ્મ અને બીજી ઘણી પ્રસાદીની વસ્તુ આપી. આમ બાપુજી જ્યારે જૂનાગઢ જતા ને કાંઈ ને કાંઈ પ્રસાદી રૂપે વસ્તુઓ લાવતા હતા અને આવી મને આપીને ઠેકાણે મૂકવાનું કહેતા.
હું આઠમું ભણતી હતી ત્યારે અમે બાઈઓ, છોકરીઓ ભેગા મળીને ધોતિયાના રૂપિયા ર૦૬ બાપુજી ભેગા જૂનાગઢ મોકલાવ્યા હતા ત્યારે ભાદરવો અધિક માસ હતો ને એ મહિનાની સેવા નિમિત્તે અમે ધોતિયાની સેવા કરી હતી ત્યારે ઈ.સ. ૧૯૮પની સાલ હતી ત્યારે મહારાજ કહે, લાવ મારા ધોતિયાની સેવા. એમ કહી મારા બાપુજી પાસેથી ધોતિયાની સેવા મહારાજે લીધી હતી એટલે મહારાજે પ્રસાદીપત્ર લખ્યો હતો તેમાં લખ્યું હતું કે, ભાનુદેવીએ અધિકમાસની ધોતિયાની મોકલાવેલી સેવા મળી ગઈ છે. સારા સુખ, સારા યોગ, સમૃદ્ધિ, દોલત, રક્ષક બધા સારા સારા મળો, સારા ભવનો મળતા રહો, સારા વંશ વિસ્તાર વધતા રહો. તેમાં ત્રણ શ્રીજી રક્ષા આપી હતી. આ મહારાજે આશીર્વાદ પત્ર મને મારી ૧૩ વર્ષની ઉંમર હતી ત્યારે લખ્યો છે હતો.
એકવાર મહારાજ વાડીએ પધાર્યા હતા ત્યારે સાથે વેલા પટેલ, મારા બાપા, દેવશી જીવા એ વાડીએ નહાવા જતા હતા ત્યારે મહારાજ થાળામાં ચાદર પાથરીને ન્હાયા હતા ત્યારે એ જ વખતે મહારાજની નજર મારી બા પર નજર પડીને બોલ્યા આ નીંદે છે એ કોણ છે ? ત્યારે પટેલ કહે, એ હીરાભાઈના ઘરના છે ને કહે, એને આ વખતે શું આવશે એમને સારા દિવસો છે. ત્યારે મહારાજ બોલ્યા, એ જી આવશે એ પણ એમની સેવા કરશે. એ સેવા મારા ભાગે આવી. બાપા અને બા છેવટ સુધી મારી સાથે હું એની સાથે રહીને સેવા કરી તેથી પ્રસાદીની વસ્તુઓ પણ મારા ભાગે આવી. આમ મેં દીકરાની પણ ફરજ બજાવી.
એકવાર અમારી વાડીએ મહારાજ નાના ભરવાડનું રૂપ અને સાથે નાના નાના બકરીના બે ત્રણ બચ્ચાં લઈ આવ્યા ને કપાસના ડીંડવા ખવડાવવા લાગ્યા ત્યારે શાંતાબેન વાડીમાં કામ કરતા હતા એટલે તે ભરવાડને કહે, આંધળો છો કે આ વાડીમાં અંદર હાલ્યો આવે છે. જા ઓલી બાજુ શેઢે જતો રહે. ભરવાડ કહે, પાણી પીવું છે. બેન કહે, પાણી તો સારું નથી. આગળ જા ત્યાં પી લેજે. એટલે ભરવાડ ચાલતો થયો. થોડીવાર પછી નજર કરી તો ભરવાડ ક્યાંય ન દેખાયો. એટલે વિચાર્યું આ ક્યાં ગયો ચારે બાજુ નજર કરી ક્યાંય કઈ ન દેખાયું ને કઈ પગલાં પણ ન દેખાયા. થોડા દિવસ પછી બાપા જૂનાગઢ ગયા ત્યારે મહારાજને પૂછ્યું, મહારાજ આમ ભરવાડના રૂપમાં આવ્યા. તો મહારાજ કહે, નાના બચ્ચા
લઈને આવ્યો હતો ને શાંતાને દર્શન દઈને જતો રહ્યો.
જ્યારે ભક્તો મથુરા મૂર્તિ બનાવવા આપીને મહારાજ પાસે ગયા અને કહ્યું મૂર્તિ બનાવવા આપી આવ્યા. એટલે મહારાજ બોલ્યા, એક મૂર્તિ આવશે અને એક મૂર્તિ ધામમાં જશે. ત્યારે બાપા અને બીજા સંતો-ભક્તો આ મહારાજની વાતને સમજ્યા નહીં. ત્યારે બાપા જૂનાગઢથી વંથલી આવ્યા અને હું પૂના ગઈ ત્યારે થોડા સમય પછી બાપાને કંઈ કામ હશે તો બાપા પૂના આવ્યા અને મોટાભાઈને ઘેર આવ્યા ત્યારે બીજા દિવસે વહેલી સવારે શામજીભાઈ ફુગેવાડીથી રિક્ષા કરી અહીં મોટાભાઈના ઘરે આવ્યા અને થોડીવાર કાંઈ બોલી ન શક્યા અને રડવા લાગ્યા અને વાત કરી. મહારાજ ધામમાં ગયા પછી તો ટીવીમાં અને છાપામાં આવી ગયું શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું સ્વધામગમન થયું છે. એટલે અમે બધા ટ્રેનમાં જૂનાગઢ આવ્યા અને મહારાજના દર્શન કર્યા ધૂન-ભજન કરી શ્વેતાયન બાગમાં અગ્નિસંસ્કાર કર્યા પછી મહારાજનું હૃદય જે નહોતું બળ્યું તેને પ્લાસ્ટિકથી થેલીમાં મૂકી ભક્તો જામવંથલી લાવ્યા અને હીરાબાપાને ઘરે લાવી બાજુના રૂમમાં એ રાખ્યું. ત્યારે પાંચ-છ ભક્તો હતા તેના ફોટા પાડ્યા છે અને અમારા પિત્તળના મોટા ત્રાસમાં હૃદય રાખી પૂજન કર્યું હતું. પછી હૃદયને એક હાંડામાં રાખ્યું ને એ અમારા ઘરમાં દર્શન માટે રાખ્યો હતો. ઘણાં ભક્તો દર્શન કરવા આવતા ત્યારે પછી એ ફુલવાડીના મધ્યશિખરમાં નીચે જમીનમાં પધરાવવામાં આવ્યું છે. આમ મહારાજ ફુલવાડી મંદિરમાં રાજીપા સાથે રસબસ પ્રગટ હાજરાહજૂર હૃદયરૂપે પણ બિરાજમાન છે.
આ રીતે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પૂર્ણ કૃપાથી અમારા બાપુજી તેમજ અમારા પરિવારમાં સૌને મહારાજના તેમજ ફુલવાડી મંદિરના કાર્યોમાં ખૂબ જ સેવાનો લાભ મળ્યો છે. મહારાજની કૃપાથી મારે ત્યાં બે સુપુત્રોનો જન્મ થયો છે અને બંને ખૂબ જ તેજસ્વી અને વિદ્યાવાન છે. મહારાજને પ્રાર્થના છે કે જે રીતે અમારા બાપુજી હીરાબાપાએ પોતાનું સંપૂર્ણ જીવન પ્રગટ ભગવાનને રાજી કરવા તેમના કાર્યો માટે સમર્પિત કરી દીધું તે જ રીતે હું તેમજ મારો પરિવાર, મારા બાળકો પણ આજીવન મહારાજની સેવા-ભક્તિ કરી મહારાજના કાર્યોમાં તન-મન-ધનથી લાભ લઈ વિશેષ ધન્યભાગી થઈએ. એ જ અભ્યર્થના સાથે જય અનાદિશ્રીકૃષ્ણનારાયણ.