પરચા ૬૧

અનાદિ મુક્તરાજ મનહરભગત ભવાનભગત પરમાર

ફાટસર, હાલ- મુંબઈ

હું બાળપણથી ઘોડિયામાં હતો ત્યારથી જ સામે મહારાજની પાઘવાળી મૂર્તિ દિવાલમાં હતી એ મૂર્તિમાં આકર્ષણ થયા જ કરતું. અમારા દાદીમા લાડુમા મને મહારાજ નું સતત રટણ કરવાનું પણ કહેતા. અમે જામવંથલી જતા ત્યારે ફુલવાડીમાં ઇ.સ.૧૯૬૪માં ચુનાનું કામ ચાલુ હતું. અમે ગયેલા ત્યારે મહારાજ સુખડી આપતા નાનપણમાં એ દર્શન કરેલા.

એક વખત મહારાજ જૂનાગઢ જતા હતા ત્યારે અમે પણ એ જ ટ્રેનમાં જૂનાગઢ ગયા હતા. મહારાજ ફર્સ્ટકલાસના ડબ્બામાં બેઠા હતા, અમે લોકલ ડબ્બામાં બેઠા હતા અને જૂનાગઢમાં ભીમ અગિયારસનો ઉત્સવ થાય એટલે મહારાજ જૂનાગઢ પધાર્યાં હતાં.

ઇ.સ.૧૯૬૭માં મહારાજ મુંબઈના આઝાદ મેદાનમાં કથા વાંચવા આવ્યા ત્યારે અમે મુંબઈ મુલુન્ડમાં હતા. ત્યારે ટ્રેનમાં ત્રણ ડબ્બા સંતોથી ભરાયેલા હતા. સૌ સંતો મહારાજની કથા સાંભળવા આવ્યા હતા. ત્યારે મહારાજનું મોટાપાયે ફુલેકું નીકળ્યું હતું ત્યારે એ સભાના દર્શન કરેલા. મહારાજે મુંબઈમાં ઘણા પરચા પૂર્યાં હતાં. માનવ મહેરામણ ઉમટ્યો હતો. ત્યારે રસોડામાં મહારાજ પધારતા અને બધી રસોઈને છડી અડાડતા જેથી ક્યારેય રસોઈ ખૂટી ન હતી. ત્યારે અમોને એમ થતું કે મહારાજની આપણાં ઘરે આ સમયમાં કેમ પધરામણી કરાવવી ? મહારાજની મોટાઈ એટલી હતી કે કોને કહેવું મહારાજ અમારે ઘેર પધારે. ત્યારે અમારા મોટા ભાગ્ય કે મહારાજે સ્વયં કહ્યું કે,લાડુમાના દિકરા કહ્યાં રહે છે ત્યાં પધરામણીમાં જાવું છે. ત્યારે વિનુભાઈ મકવાણાની મોટરમાં બેસી મહારાજ અમારે ઘેર આવ્યા. ત્યારે મહારાજ ઘરમાં પધાર્યાં. પોતાની પાઘ ટેબલ ઉપર મુકી અને દિવાલમાં પાઘવાળી મૂર્તિ હતી એટલે મહારાજ કહે ઓહો અમને અહીં પધરાવ્યા છે. ત્યારે અમને બીજી કાંઈ ખબર નહીં. બસ એક મહારાજની મૂર્તિ ઘરમાં હતી. પછી મહારાજને આસન આપ્યું મહારાજ બેઠા અને અમે આરતી ઉતારી પછી મહારાજ ઉપર અગાસીમાં પધાર્યાં ત્યારે મહારાજે આંગળી ચીંધીને કહ્યું કે, આ રસ્તો ક્યાં જાય છે ત્યારે મારાથી બોલાઈ ગયું મહારાજ એ રસ્તો દિલ્હી જાય છે. મહારાજ કહે ઓહો દિલ્હી જાય. ત્યાંથી બીજા ટેરેસ ઉપર ગયા અને મહારાજ કહે, અહીંથી જાવાનું મન નથી થાતું, આમ મહારાજ બોલ્યા.

એક વખત ઇ.સ.૧૯૭૧માં જૂનાગઢ જાવાનું થયું. અમારા દાદીમા લાડુમા સાથે

જૂનાગઢ ગયા. ત્યારે હું મહારાજના દર્શન કરવા ગયો ને મહારાજને દંડવત્ કર્યાં ત્યારે મહારાજે પોતાના બે પગ વચ્ચે મારું માથું દબાવ્યું ઘણી વાર દબાવી રાખ્યું અને હું ઉતારે ગયો દાદીમાએ બે-ત્રણ વખત કહ્યું મહારાજને પૂછજે કે, અમે જે નવો સુખશૈયાનો ઢોલિયો પલંગ આપ્યો છે તેના પર નીંદર આવે છે ? ત્યારે મંે મહારાજને પૂછી લીધું કે, મહારાજ દાદીમા કહે છે કે, તમને ઢોલિયા ઉપર નીંદર આવે છે ? ત્યારે મહારાજ ઘણીવાર આંખો મીંચીને બેઠા હતા પછી બોલ્યા હા તમો ભકતોને સંભારતો સંભારતો સૂઈ જાઉં છું એટલે સરસ નિંદર આવી જાય છે. પછી મહારાજે પ્રસાદીનું જળ આપ્યું. સાકર આપી ને મહારાજ બોલ્યા, લાડુમાને ક્યારે ધામમાં જવું છે ? આમ બે-ત્રણ વખત પૂછ્યું પણ આપણે નાના એટલે બીજી કાંઈ ખબર ન પડે. આમ મહારાજ વાતો કરતા એ વાતો આજે યાદ આવે અને જૂનાગઢ નજર સામે તરવરવા લાગે. મહારાજ આમ આવી વાતો કરતા જેથી આપણને જલ્દી યાદ રહી જાય. મહારાજ કહેતા કે, અમારા લીલા ચરિત્રો દ્વારા અમને સતત સાંભર્યાં કરવા.

એક વખત ઇ.સ.૧૯૭૧ માં અમારા બાને પાંડુરોગ થઈ ગયો હતો, દવાખાને હતા ત્યારે દાદીમાએ મહારાજની પાઘવાળી મૂર્તિ સામે આખી રાત માળા ફેરવી પ્રાર્થના કરી કે, અમારા વહુને સારું થઈ જાય. ત્યાં તો સવારે દવાખાનેથી સમાચાર આવ્યા કે હવે વહુને સારું થઈ ગયું છે. ત્યારે સંકલ્પ કર્યો કે વહુને લઈ જૂનાગઢ દર્શન કરવા આવશું.

ત્યારપછી અમારે વિદેશ જવાનું થયું ત્યાં આ સૌ ભક્તોનો સમાગમ અને ભજનથી આનંદ આનંદ થતો. મહારાજ દરરોજ દર્શન આપતા. મહારાજ બહુ રાજી થતા. ત્યારે મહારાજે ઘણી રક્ષાઓ કરી. અમે ખલીવલીમાં કામ કરતા ત્યારે મહારાજ દર્શન આપી કહેતા કે આજ આ દિશામાં ન જાતો. ત્યારે બીજા દિવસે એ દિશામાં ચેકિંગ આવતું ને ઘણાં લોકો પકડાઈ જતા. આમ ભગવાન રક્ષા કરતા.

દુબઇ જઇ આશરે પાંચ-છ વર્ષ પછી મેં મહારાજને પત્ર લખ્યો કે, અમે ખલીવલી છીએ. હવે મારે દેશમાં આવવું છે અને ત્યારે મહારાજનો સંદેશ આવ્યો કે મનુને કમાવું નથી લાગતું. આ વાતમાં મહારાજનો શું સંદેશ હોય મહારાજ જાણે. મહારાજ ધામમાં ગયા ત્યારે એમ થયું કે, આ સંસારમાં હવે આપણે કોને પૂછવું કેમ રહેવું ? એમ વિચારી મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજે સપનામાં દર્શન આપી કહ્યું કે, હું સાથે જ છું ચિંતા ના કરતો.

મારે વિદેશથી આવવું હતું ત્યારે શાંતિલાલ વાઢેર સાથે રપ રૂપિયાની માનતા કરી

કુંકાવાવના પાદરે ધરાવવાની મોકલી ત્યાં મહારાજે એવું ગોઠવી આપ્યું કે જે ખલીવલી છે તેણે પોતાના દેશમાં જાવું હોય તે જઈ શકે છે. સરકારે ખાસ આદેશ બહાર પાડ્યો. તેમાં વિના પાસપોર્ટ સરકારની સહાયથી દેશમાં આવી ગયા અને વાઢેર ભગત પહેલાં પહાગચી આવ્યા. અને ફક્ત ૭૦૦ રૂપિયામાં દેશમાં આવી ગયા. આ મહારાજનો મોટો ચમત્કાર થયો. આ તો મહારાજે વિદેશ મોકલ્યા જેથી ત્યાં ભક્તોના યોગે કરીને આ સત્સંગમાં દૃઢ નિશ્ચય થયો. નહીં તો આ યુવાનીમાં જીવ ક્યાંનો ક્યાં ફગકાઈ જાય. આમ મહારાજે પોતાનો જાણીને આ સત્સંગની વચ્ચે રાખ્યો. મેં મહારાજના ચિન્હોના દર્શન નથી કર્યાં પણ મહારાજની ચરણસેવા કરી છે અને મહારાજે પ્રસાદીનું દાતણ, કેરી ખાધેલી ગોટલી એ પ્રસાદી આપેલી છે.

એક વખત મહારાજ શ્રીરાધારમણ દેવનો ૧પ૦ વર્ષનો પાટોત્સવનો ફાળો લેવા અષાઢ મહિનામાં અહીં મુંબઈમાં રોકાયેલા. ત્યારે મુલુન્ડથી મહારાજના દર્શન કરવા હું ને મારા બાપુજી ગયેલા ત્યારે મારા બાપુજીએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હું બે પાંદડે નથી થતો આપ આશીર્વાદ આપો તો સુખી થાઉં. ત્યારે મહારાજ બોલ્યા કે,સંતો-ભક્તોને જમાડો તો સુખી થશો. ત્યારે બાપુજીથી એ વચન ન પળાયું પણ મહારાજે મારા ધર્મપત્ની જયા અને મારા દ્વારા એ પૂણ્ય કમાવાનો અવસર આપ્યો જેથી અનેકવાર ભક્તો અમારા ઘરે આવતા, જમતા અને ખુબ રાજી થતાં. અમારી પાસે મહારાજનું આરસનું અડધું સ્ટેચ્યું હતું. તે પહેલાં કુંકાવાવમાં પધરાવવાનું હતું પણ સ્ટેચ્યું પૂર્ણ મૂર્તિ ન કહેવાય એટલે ભક્તોએ આખી પૂર્ણ મૂર્તિ ત્યાં પધરાવવાનું નક્કી કર્યું હતું. જેની સેવા કેશવજી હરિએ આપેલી.

એકવાર ઇ.સ.૧૯૯૪માં મહારાજે મને વિરાટ સ્વરૂપ ધારણ કરીને દર્શન દીધા પણ વિરાટરૂપમાં આરતી કેમ ઉતારવી. તેથી મહારાજે પોતાના ચરણ ઊંચા કરીને કહ્યું, લે આરતી ઉતારી લે.પછી મેં ચરણારવિંદની આરતી ઉતારી. આમ દર્શન થયેલા ત્યારે બીજી ક્ષણે એ વિચાર આવ્યો કે આપણી એવી કઈ સ્થિતિ કે આ સર્વ બ્રહ્માંડોના અધિપતિને આપણે રાજી કરીયે. આપણે એમ વિચારીએ કે મહારાજ મને રોજ દર્શન આપે... મહારાજ મને રોજ દર્શન આપે. જો મહારાજને રાજી કર્યાં હોય, મહારાજની કૃપા હોય તો જ આપણને મહારાજની સેવા-દર્શનનો લાભ મળે. આ તો ભગવાન દયાળું છે એટલે આપણે તેની સેવા કરી શકીયે. બાકી આપણે ભકિત કરી કરીને રાફડા થઈ જઈએ તો પણ ભગવાન સામુય ન જુવે. પણ જીવમાં ભગવાનનું અહોપણું અને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની

ભાવના હોય તો ભગવાન રાજી થઈ જાય અને આપણી થોડીક સેવા સ્વીકારીને પ્રસાદીરૂપે પાછી આપી દે અને રાજી રાજી થઈ જાય. આમ ભગવાન કૃપાવાળા થઈને આપણને લાભ આપે છે એજ આપણાં પરમ ભાગ્ય છે. ભગવાનની કૃપા વિના કાંઈ સંભવી ન શકે. સંપત્તિ ઐશ્વર્ય તો ભગવાનનું છે, એનું જ આપેલું છે. આપણે શું ભગવાનને આપવાના હતા. આમ મહારાજ ઘણી વખત અગાઉથી સંકેતમાં જણાવતા અને ભક્તોની વચ્ચે મહારાજના દર્શન થયાની વાત કરીએ ત્યારે આવી આગમચેતીની વાતો કોઈ માનવા તૈયાર ન થતા. આમ વિદેશમાં ભક્તિનો લાભ ખૂબ મળ્યો. આમ ભગવાનના સમૈયા ઉત્સવ કરવા સંકલ્પ કરીએ અને ભગવાન એ પણ પૂરા કરતાં.

વિદેશમાં ઈદની ત્રણ દિવસની છૂટી હોય ત્યારે આપણું મંડળ આ ત્રણ દિવસ અખંડ ભજન કરતું ત્યારે એકવાર ત્રીજા દિવસે સાંજે ૮ વાગ્યે મહારાજ વિમાન લઈને આવ્યા અને મને વિમાનમાં બેસાડી જૂનાગઢ તેડી ગયા. ત્યાં મહારાજના વાંસાના દર્શન થયા. મહારાજ ધોતીયું પહેરતા હતા અને બોલ્યા કેમ ત્રણ દિવસ સતત ભકિત કરીને જલ્સો પડી ગયો ને ? મેં કહ્યું, હા મહારાજ. પછી મને પાછો દુબઈ મૂકી ગયા. પ્લેન ખુલ્લું હતું એટલે કાનમાં પવન ભરાયો તે મારા ત્રણ દિવસ સુધી મારા કાનમાં ધાક પડી ગઈ હતી. આ અદ્ભુત દર્શન મહારાજના થયા.

આમ મહારાજ નિજ ભક્તોને સામાન્ય એવી આપણી શૈલીમાં પ્રશ્ન પૂછતા ને ખબર અંતર પૂછતા ને ઉપદેશ આપતા. જેથી વ્હાલા ભક્તોને એ લટકો એ શબ્દ એ આંખની કળા કરીને કહેતા એટલે જીવનમાં ગમે ત્યારે એ દિવસો યાદ કરીએ તો એ દર્શન તાદ્રશ્ય થાય અને કલાકો સુધી એ વાત અને એ સ્થિતિની યાદમાં સમાધી જેવું લાગી જાય અને અંતરમાં આનંદ આનંદ વ્યાપી જાય. આવા દયાળું, કૃપાળું અને જીવનું અંતિમ શ્રેય કરનારા આપણા પ્રગટ ભગવાન છે જે આપણને શ્રીહરિ શરણાગતિ મંડળને મળ્યા છે માટે તેમને ઓળખીને સેવવા, ભજવા અને સાચવવા.