પરચા ૬૩

અનાદિ મુક્તરાજ હરિલાલભગત ડાયાભગત ચૌહાણ

જામવંથલી, હાલ- મુંબઈ

મહારાજ જ્યારે જામવંથલી પધાર્યા ત્યારે અમે સ્કૂલમાં ભણતા. એ સમયે ફુલવાડીમાં પ્રસાદીનું ભવન બનતું હતું ત્યારે એ ભવનના પાયામાં અમે પથરા નાખવાની સેવા કરતા.

એક વખત કંકાવટીની ધારે પથ્થર કાઢવા પચાસેક ગાડા જોડ્યા હતા ત્યારે અમે પણ સેવામાં ગયા હતા અને ત્યાં મહારાજે અમને લાડું અને ચણાનું શાક જમાડ્યું હતું. મહારાજ પણ ગાડામાં બેસી આવ્યા હતા. અમે મંદિરે બે ટાઈમ જતાં અને ત્યાં શ્રાવણ માસમાં દાંડિયા રાસ રમતા ત્યારે મહારાજ ખુરશી ઉપર બિરાજમાન થતા અને રાસને જોઈ રાજી થતા. એમ કરતા અમે મોટા થયા એટલે મંુબઈ આવ્યા અને કડિયાકામ કરતા એટલે ખાધેપીધે સુખી હતા.

એક વખત અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે સવારે વ્હેલા મહારાજ પૂજા કરતા હતા ત્યારે હું બાજુમાં જઈ બેઠોને મહારાજે પૂજા કરી લીધી એટલે મહારાજે રૂપિયાનાં સિક્કા જેવડો પોતાના કપાળમાં ચાંદલો કર્યો ત્યાં સિક્કાને ચાગટાડીને મને પ્રસાદી આપી હતી અને મહારાજ બોલ્યા હતા કે, તેને પૂજામાં રાખજો. તે અમારી પાસે આજે પૂજામાં છે.

મુંબઈમાં કુટુંબમાં કમાતો હું એક હતો એટલે દોઢ-બે વરસે જ્યારે જ્યારે દેશમાં જવાનું થાય ત્યારે ત્યારે મહારાજના દર્શન કરવા જરૂર જતા. એક વખત મહારાજના દર્શને ગયા ત્યારે મારા ઘરે બે દીકરી હતી તે મેં મહારાજને પ્રાર્થના કરી મહારાજ મારે બે દીકરી છે એક દિકરો થાય તેવા આશીર્વાદ આપો ત્યારે મહારાજે બે દિકરાના આશીર્વાદ આપ્યા હતા. તે વર્ષે ધર્મેન્દ્રનો જન્મ થયો સમય જતાં બીજા દીકરા પ્રકાશનો પણ જન્મ થયો અને મહારાજ બોલ્યા હતા કે, બાબાનો જન્મ થાય ત્યારે નવ મહિનાનો થાય ત્યારે દર્શન કરાવી જજો અને સાકરથી જોખાવજો. તે અમે જૂનાગઢ મહારાજના દર્શન કરાવ્યા ને સાકરથી જોખાવ્યો હતો. ત્યારે મારા બંને દિકરા ધર્મેન્દ્ર અને પ્રકાશને મહારાજે કંઠી બાંધી હતી.

મહારાજે ધર્મેન્દ્રને સ્વપ્નમાં ચિન્હના દર્શન કરાવ્યા હતા અને એક વખત મેં પણ પ્રાર્થના કરી હતી ત્યારે મને ચિન્હના દર્શન કરાવ્યા હતા.

એક વખત બાણુગરના ભવાનભાઈ ઘેલાભાઈ મહારાજના દર્શન કરવા ગયા હતા

ત્યારે મહારાજે મારું નામ લઈ કહેરાવ્યું કે હરિભાઈને કહેજો કે, ગુરૂ બાલમુકુંદદાસ સ્વામીની મૂર્તિ બનાવવાની છે તે રૂ.ર૦૦૦ની સેવા કરવાની છે તે મેં રૂપિયા મોકલાવી દીધા અને વળતા મહારાજના સેવાનો મળી ગયાનો પત્ર આવ્યો હતો.

મહારાજના આશીર્વાદથી હું દુબઈ ગયો હતો તથા ફુલવાડીની સેવા પણ ભક્તોની વાત સાંભળીને કરી હતી. જ્યારે કુંકાવાવમાં ઇ.સ.૧૯૭પમાં મહારાજની મૂર્તિ પધરાવીને ત્યારે અમે જૂનાગઢ મહારાજના દર્શને ગયા હતા. આમ ધીરે ધીરે મહારાજને ભગવાન તરીકે ઓળખ્યા અને આજે મહારાજને ભગવાન માનીયે છીએ તથા સૂતા-જાગતા મહારાજનું સ્મરણ કર્યા કરીએ છીએ અને મહારાજના રાજીપાથી અમે સૌ સુખીયા છીએ. મહારાજે દયા કરીને અમારા સંકલ્પ પૂરા કર્યા છે.