અનાદિ મુક્તરાજ પ્રાગજીભગત ડાયાભગત ચૌહાણ
જામવંથલી, હાલ- મુંબઈ
પ્રગટ ભગવાન વંથલી આવતા ત્યારે સર્વે ભક્તો ખૂબ જ આનંદમાં આવી જતા. મહારાજ પણ જાણે ભક્તોને લાડ લડાવવા માટે આ પૃથ્વી પર પધાર્યા હોય તેમ ઘેર ઘેર ભક્તોની સાથે પધરામણીઓ કરતા. મહારાજે વાડી, ઘર, ખેતર વિગેરે સ્થળોએ જઈ વિચરણ કરીને તે ભૂમિને પ્રસાદીરૂપ દિવ્ય બનાવી દીધી. પ્રાગજીભગત ખેતી કામ કરતાની સાથે મહારાજને અખંડ સંભારીને ભેગા જ રાખતા. ખેતીની ઉપજમાંથી નાની નાની સેવાઓથી પણ પ્રગટ ભગવાનને રાજી કરતા.
પ્રગટ ભગવાને તા.ર૯-૮-૧૯૭૪ના પત્રમાં પ્રાગજી ડાયા ચૌહાણને પત્ર લખીને જણાવ્યું કે, ‘‘શ્રીહરિ શરણાગતિ મંડળને શ્રીહરિ સુખી રાખો. ફાળો સારી રીતે કરજો, વધારે ભજન કરજો, કામકાજ મળતા રહેશે. શ્રીહરિને સંભારવા. સારું-નરસું થયા કરે, ભજન કરવું. સારાવાના ભગવાનનાં હાથમાં છે. તે રાજી રહે તેમ સત્સંગ કરવો. નમ્ર થાઓ અને રાજી રહેવું. સમય પ્રમાણે સેવા કરો છો. બહુ રાજી. તીર્થ માટે તૈયાર રહેજો બધાને ભારે લાભ થશે. ટાણું સાચવજો. ખીસ્સું ખાલી ન રહે તેમ ભર્યે ખીસે તીર્થમાં જજો. સુખી થશો.'' આમ પ્રગટ ભગવાને ભક્તોને કુંકાવાવ પાદર મંદિરે મૂર્તિ પધરાવીને ત્રણે લોકમાં ડંકો વગડાવી દીધો. પછી તો મહારાજે અંતરના આશીર્વાદે બધાં ભક્તોને દુબઈ, મસ્કત, સાઉદિયા, બહેરીન, લિબિયા, અરબસ્તાનના ખૂણે ખૂણે મોકલી અરબસ્તાનની નાસ્તિક ભૂમિને આસ્તિક બનાવી દીધી.
પ્રગટ ભગવાન મુંબઈ ભક્તોને ઘેર પધરામણીએ જતા. ત્યારે પ્રગટ ભગવાન ભેળા ભક્તમંડળ પણ સાથે ચાલી ચાલીને જયજયકાર કરતા ઘેલા થઈ જતા. પ્રાગજીભગતને ઘેર મહારાજે પધરામણી કરી ત્યારે ખોલી (નાની ઓરડી) ખૂબ જ નીચી અને નાની હતી. છોકરાઓ સાથે સપરિવાર ભક્તો રહેતા. મહારાજ બે ઘડી રૂમને જોઈ રહ્યા અને દરવાજે આવ્યા ત્યારે નીચા નમીને રૂમમાં પ્રવેશ્યા પછી નેત્ર બંધ કરીને જાણે ભક્તો માટે મોટા મોટા બંગલાઓ થાઓ આવા સંકલ્પો સાથે ભક્તોને જણાવી રાજી રાજી કરતા. ત્યારે ભક્તો પણ કહેતા કે, મહારાજ અમને બંગલા નથી જોઈતા, તમારો રાજીપો જોઈએ છે. આ સાંભળી મહારાજ વધારે રાજી થતા હતા.
એક વખત તો મહારાજ ભક્તોને ઘેર પધરામણીએ જતા હતા ત્યારે રૂમ નાની અને નીચી તેથી પ્રગટ ભગવાનની પાઘ તે ઉપર બારસાખમાં ભરાઈ ગઈ. ભક્તોએ પાઘને ઝીલી લીધી અને ત્યારે મહારાજે કહ્યું કે, મારા ભક્તોને આમાંથી મોટા મોટા બંગલાઓ મળો. આજે મુંબઈ-પૂના આદિ દરેક ભક્તોને ઘેર ભગવાનની સેવા-ભક્તિ વડે બંગલાઓ છે અને સૌ પરમધામના અધિકારી થયા છે.
પ્રાગજીભગતનો સ્વભાવ સ્પષ્ટ વક્તાપણાનો અને ચોખ્ખો હતો. મહારાજને વિશે સખાભાવ હોવાથી ઘણીવાર તેઓ મહારાજને વઢીનેય કહેતા કે, મહારાજ તમારી આવડી આવડી ભક્તિ-સેવા કરીએ છીએ તો પણ જીવનમાં ઘણીવાર દુઃખના પ્રસંગો આવી જાય છે. ત્યારે મહારાજે એક પત્રમાં લખ્યું કે, પ્રાગજી ડાયાનો ધોખો કરવાનો સ્વભાવ છે. માટે આપણે તો પ્રગટ ભગવાન વિશે કયારેય ધોખો ન કરવો. ધોખો કરવાનું ટાણું આવી જાય ત્યારે આનંદ માનવો વધુ ને વધુ ભક્તિ કરવી. મહારાજને મળેલા મુક્ત ભક્તો મહારાજના રહસ્યભર્યા મર્મના ઉપદેશોને જાણી ભગવાનને પોતાની ભૂલની ક્ષમા માંગતા.
પ્રગટ ભગવાને પોતાના ભક્તોની ભૂલ સામું કદી જોયું જ નથી. ભૂલને ક્ષમા આપી દીધી છે. આમ પ્રાગજીભગત અને તેમનું સમગ્ર કુટુંબ દિકરા-દીકરી તેમના પરિવાર પણ પ્રગટ ભગવાનનું ભજન કરનારા. મહારાજના દિક્ષિત સંતો છે. પ્રગટ ભગવાનનું ભજન કરે છે અને પ્રગટના બળ-કેફમાં જીવન જીવી રહ્યા છે. આ પણ એક જીવનનો લ્હાવો છે. જીવન તો જીવવું છે પણ સમય સમયની સેવાઓ કરીને ભગવાનને રાજી કરી લેવા છે.
પ્રાગજીભગતે દેશ-વિદેશમાં દુબઈ, દાસાઇલેન્ડમાં રહી સેવાઓ કરી છે. ફૂલવાડીમાં ખરે સમયે સેવાની જરૂર હતી ત્યારે પણ યથાશક્તિ સેવાઓ કરી છે અને પ્રગટ ભગવાનનાં ભક્તોને ઉપદેશ-સેવાની સમજણ, ભગવાનના રાજીપાનું રહસ્ય આ બધી વાતો મંડળમાં ભક્તોને જણાવી છે અને મહારાજ તેમને અંતકાળે દર્શન દઈ પોતાના પરમધામમાં લઈ જઈ ચરણસેવામા રાખ્યા છે.
નરેન્દ્રભગત પ્રાગજીભગત ચૌહાણ ગામ ઃ જામવંથલી, હાલ- મુંબઈ
હું નાનો હતો ત્યારથી બા-બાપુજી સાથે મહારાજના દર્શન કરવા જતો. અમે ત્રણ ભાઈઓ પહેલા નરેન્દ્રભાઈ, બીજા વિજયભાઈ અને ત્રીજા ગિરીશભાઈ તેમજ બહેન પ્રવીણા અમે સૌ પ્રગટ ભગવાનનાં શરણાગત ભક્તો થઈ મહારાજની સેવા-ભક્તિ કરતા. અમને મહારાજે કંઠી બાંધી છે એટલે બા-બાપુજી સાથે અમે મહારાજનું ભજન કરતા. બા-બાપુજી મુંબઈ રહેવા આવ્યા. તેથી અમે પણ મુંબઈમાં રહી મહારાજનું ભજન કરતા.
એક વખત હું જૂનાગઢ મહારાજનાં દર્શન કરવા બાપુજી સાથે ગયો હતો ત્યારે મારી ઉંમર ૧૪-૧પ વર્ષની હતી અને મને પેટમાં બહું દુઃખતું તે બાપુજીએ મહારાજને વાત કરી એટલે મહારાજે મને સાકરનો મોટો ગાંગડો આપ્યો તેનાથી મારા પેટનો દુઃખાવો મટી ગયો. ત્યારે ઘણી વખત મહારાજના ચરર્ણાવિંદની સેવા કરેલ છે અને ઘણી વખત મહારાજના સ્વપ્નમાં દર્શન પણ થયા છે.
એક વખત હું જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મહારાજ બોલ્યા આવ આવ બેસ અને બોલ્યા ચા પીશ કે ઠંડુ પીશ. તે હું કાંઈ બોલ્યો નહીં અને એક છોકરો ત્યાં આવ્યો અને બે નાની ઠંડાની બોટલ લાવ્યો એક મને આપીને એક મહારાજે લીધી. તે મેં મહારાજને કહ્યું આ તમે પીઓ છો એ મને આપોને આ તમે લ્યો. ને મહારાજ કહે, આ લે. આમ મને મહારાજની પ્રસાદી મળી.
એક વખત મહારાજે દર્શન આપીને કહ્યું, આજે મારે રવાના પુડલા ખાવા છે. તે અમે ઘરે રવાના પુડલા અને દાળના વડા બનાવી લાલજી મહારાજને જમાડીને અમે જમ્યા હતા. આમ મહારાજે દર્શન આપ્યા હતા.
આમ મહારાજ શરણાગતના રક્ષણ કરનારા છે. સેવકોની સંભાળ રાખે છે, દર્શન દઈને ભક્તિમાં બળિયા કરે છે. ભગવાન ચારે બાજુથી ભક્તોનું ધ્યાન રાખે છે. મહારાજ કહે નદી હાલી જાતી હોય તો ચકલી ચાંચ બોળે અને હાથી સૂંઢ ભરીને પાણી પીએ. આમ સંકલ્પ પ્રમાણે અને ભાવના પ્રમાણે ભગવાન સૌને આપે છે, આપતા આવે છે. આ પ્રગટ ભગવાનનો મહિમા અપરંપાર છે. ઓળખે ભજે તે પામે. લાભ લેનારા લાભ લ્યે છે, સમજણ પ્રમાણે સુખીયા થાય છે.