અનાદિ મુક્તરાજ ધરમશીભગત મોહનભગત બદરકિયા
જીરાગઢ
જીરાગઢ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓનું ગામ છે. જીરાગઢમાં સત્સંગીઓ બધા ધર્મવાળા, સંતનો ગુણ ગ્રહણ કરનારા, ભક્તિવાળા અને પરોપકારી હરિભક્તો વસે છે. સૌ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરાધના કરે. મહારાજ જ્યારે જામનગર બિરાજતા હતા ત્યારે ગામડાંઓમાં વિચરણ કરતા ત્યારે અહીં જીરાગઢમાં પધાર્યાં હતાં. ત્યાં આ બધા હરિભક્તોએ મહારાજનું મહાત્મ્ય સહિત સ્વાગત કર્યું હતું. મહારાજે જીરાગઢમાં કથા-પારાયણ કરી હતી. ત્યારે ઘણાં ભક્તોએ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પાસે દિક્ષાઓ લીધી હતી અને જીરાગઢમાં મહારાજે ઘણો ઘણો સત્સંગનો વિકાસ કર્યો હતો. તેમજ ઘણાં ઘણાં પરચાઓ આપ્યા હતા. ઘણાં ભક્તોના દુઃખ દૂર કર્યાં હતાં.
આવા જીરાગઢમાં આ ધરમશીભગત મિસ્ત્રી રહેતા હતા. તેઓ ભગવદ્ ભક્ત હતા. એટલે રામાયણ, ભાગવતનું તથા પુરાણોનું ઘણું જ્ઞાન ધરાવતા હતા. જયારે મહારાજ જીરાગઢમાં પધાર્યાં ત્યારે મહારાજથી સ્વામિનારાયણ ભગવાનનો ઉપદેશ જ્ઞાન ચર્ચા વડે તેઓએ સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો હતો અને મહારાજને એક ઉત્તમ કોટિના મહા વિદ્વાન સંત જાણી તેની પાસેથી દિક્ષા લીધી હતી. હવે તેઓ જે કોઈ પ્રેમી કે જીજ્ઞાસુ મળે તેની પાસે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને વચનામૃતની વાતો કરી સ્વામિનારાયણ ભગવાન છે તેવો સત્સંગ કરતા. આમ ઘણાં ઘણાં જીવોને સત્સંગ કરી સ્વામિનારાયણ ભગવાનને રસ્તે વાળ્યા હતા. આવા આ ધરમશીભગત ઘણી વખત જીરાગઢથી જૂનાગઢ મહારાજના દર્શન કરવા જતાં અને ઘણાં ભક્તોને કોઈ તકલીફ હોય તો જૂનાગઢ શાસ્ત્રીજી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ પાસે જવાનું કહેતા અને ઘણી વખત તેઓની સાથે પણ જતાં. ત્યારે મુમુક્ષોને મહારાજ દિવ્ય દર્શન કે ચિન્હના દર્શન કરાવતા. પણ આ ધરમશીભગતને એ લાભ ન મળતો જેથી જે ભક્તોને દર્શન થયા હોય તે ભક્તો મહારાજનો મહિમા જાણી અને પરચા, ઐશ્વર્ય અને ચિન્હોના દર્શન કરી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે એવું માનતા થયા હતા.
જામવંથલીના ભક્તો મહારાજને ભગવાન માનતા તેથી મહારાજનાં ઘણાં ઘણાં ઐશ્વર્યની વાતો સાંભળવામાં આવતી અને જીરાગઢમાં નાના મોટા પરચાઓ જાણ્યા અને
જૂનાગઢમાં મહારાજના ચિન્હ ચરિત્રના દર્શનથી જીરાગઢના ઘણાં ભક્તો મહારાજને પ્રગટ ભગવાન જાણવા લાગ્યા. પરંતુ આ ધરમશી મિસ્ત્રીએ મહારાજને ગોપાળાનંદ સ્વામી કે ગુણાતિતાનંદ સ્વામી જેવા કહેવાય, મોટા છે, દિવ્ય છે, સમર્થ છે. પણ ભગવાન માનવમાં જીવ પાછો પડે. આમ જૂનાગઢ બીજા ભક્તો સાથે કે એકલા મહારાજના દર્શન કરવા જાય. બીજાઓને મહારાજમાં ભગવાનનાં દર્શન થાય પણ ધરમશી મિસ્ત્રી ભગવાન કહેવામાં અચકાય. પણ ઘણાં ભક્તોને મહારાજ સુધી પહાગચાડવામાં તેનું યોગદાન ઘણું છે.
ઘણી વખત મહારાજના લાડીલા પૂ. હેમંતભગત પણ જીરાગઢ આવતા અને ધરમશીભગત સાથે સત્સંગ કરી મહારાજ ભગવાન છે એમ સત્સંગ કરતા. આ ધરમશીભગતને હેમંતભગત પ્રત્યે ઘણું માન હતું એટલે તેમનો આદર કરતા. આમ કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો. ઘણી વખત મહારાજના દર્શન પણ કરેલા.
મહારાજ જ્યારે તા.ર૮-ર-૧૯૮૬ના રોજ સ્વધામ પધાર્યાં ત્યારે મહારાજના અગ્નિસંસ્કારમાં પણ હાજર હતા અને પારાયણમાં પણ સેવા સત્સંગનો લાભ લીધો હતો. પણ એમના મનમાં ગડમથલ ચાલ્યા કરે. આ બધાં કહે છે કે,શાસ્ત્રીજી મહારાજ ભગવાન છે, મહારાજને કરચરણમાં ચિન્હો છે. હવે ભગવાન કહેનારાઓની બહુમતી થઈ ત્યારે મનમાં ઊંડે ઊંડે વિચાર આવ્યો કે શું શાસ્ત્રીજી મહારાજ સ્વયં ભગવાન હતા. મનમાં હા-ના, હા-ના થયા કરે ત્યારે ધરમશીભગતને પ્રત્યક્ષ કોઈ મહારાજનો પરચો નહીં પણ જ્ઞાને કરીને સ્વામિનારાયણ સત્સંગ સ્વીકાર્યો હતો. જેથી શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાન છે. એમ આત્મા માને પણ મન માનતું ન હતું.
જ્યારે જૂનાગઢથી મહારાજની પારાયણ અને આ શ્રીહરિ શરણાગતિ મંડળની મહારાજ પ્રત્યે આસ્થા અને ભક્તિ જોઈને મહારાજમાં શ્રદ્ધા બેઠી અને મનોમન વિચાર્યું કે, જો મહારાજ ભગવાન હોય તો આ પૂજા મંદિરના ગોખલામાં પોતે બિરાજશે. આમ વિચારી માળા કરતા સૂઈ ગયા. બીજે દિવસે સવારે જાગ્યા, નિત્યક્રમથી પરવારી પૂજા કરવા બેઠા ત્યાં મહારાજની પાઘવાળી મૂર્તિ ગોખલાની ઉપર રાખી હતી અને મંદિરના ગોખલામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી. ત્યારે મહારાજની પાઘવાળી મૂર્તિ આપો આપ મંદિરમાં બિરાજમાન થઈ ગઈ. આ દર્શન ધરમશીભગતને સવારના પૂજા કરતાં માળા કરતા કરતા થયા ત્યારે જીવમાં નક્કી થઈ ગયું કે શાસ્ત્રીજી મહારાજ પોતે અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન છે. પ્રગટ ભગવાન છે. એમ દૃઢ મનાઈ ગયું. ત્યારથી કાયમ શાસ્ત્રીજી મહારાજને
ભગવાન માનતા અને જેની જેની સાથે સત્સંગ કરે તેને પણ પ્રગટ ભગવાનની વાતો સત્સંગ કરતા. આમ ઘણાં ઘણાં જીવોને ભગવાનના ચરણ સુધી પહાગચાડ્યા છે. તેમજ ફુલવાડીમાં ઉતારાના કામમાં જેટલા બારી-દરવાજા તે બધાય આ ધરમશીભગત મિસ્ત્રીની કારીગરી થી થયા છે. તેમજ ભક્તોને સાચો ઉપદેશ આપી કોઈ ભક્તો પ્રત્યે કોઈને અવગુણ આવ્યો હોય તો તે ભક્તો-મુક્તોના ગુણ ગાઈને તેમના જીવનમાં માયારૂપી કચરાને સાફ કરી દેતા એવા જબરા જ્ઞાની ભક્ત હતા. સ્વભાવે મૌન જેવા પણ તેના જીવનમાં અખંડ પ્રગટ ભગવાનનું સ્મરણ તથા સેવા હતી. પ્રગટ ભગવાનના મંડળમાં તેમનું બહુમાન હતું. આવા પરોપકારી સેવાભાવી તથા સદા સૌનું કલ્યાણ ઈચ્છવાવાળા આ ધરમશીભગતને હજારો વખત નમસ્કાર છે.
ધરમશીભગતના પુત્ર પ્રવિણ ભગત મિસ્ત્રી તેમજ તેમનો આખો પરિવાર દીકરા-દીકરી સૌ મહારાજને આજે પણ સેવે, ભજે, પૂજે છે.