અનાદિ મુક્તરાજ દેવશીભગત વસ્તાભગત જાવીયા
જામવંથલી
હું નાસિક કામ કરતો હતો અને ત્યાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી ભગવાન છે એવી વાતો ભક્તો પાસેથી સાંભળી એટલે મેં વિચાર્યું કે, મહારાજ મને રામરૂપે દર્શન આપે તો હું માનું એટલે હું જ્યારે દર્શન કરવા જૂનાગઢ ગયો ત્યારે મહારાજને પગે લાગી બેઠો ત્યાં મહારાજ બોલ્યા કે, જે કહે તે હું જ છું. આ તારી સામે બેઠો છું. પછી મેં મહારાજને સર્વોપરી ભગવાન જાણી દંડવત્ કર્યાં ને મહારાજે રાજી થઇ મને કંઠી બાંધી મંત્ર દિક્ષા આપી.
ત્યારપછી હું ઉત્તરપ્રદેશ કામ કરવા ગયો ત્યાં થોડા દિવસો પછી ટપાલ આવી માજીની તબિયત બરાબર નથી. એટલે હું રજા લઈને દેશમાં આવ્યો, જામવંથલી ઘરે આવ્યો. ત્યારે મારા બાને પૂછ્યું, હવે કેમ છે ? ત્યારે મારા બા કહે, મહારાજે પ્રસાદીનું પાણી અને સાકર મોકલાવી છે તેથી હવે સારું છે. પછી હું જૂનાગઢ દર્શન કરવા ગયો. ત્યાં મહારાજ જમીને માળા કરતા હતા. મેં બાજુમાં જઈ મહારાજને કહ્યું, મારા બા બીમાર હતા તે આપના આશીર્વાદથી સારું થઈ ગયું. એટલે મેં નિયમ લીધો હતો કે બાને સારું થઈ જાય તો હું ૧૦૧ દંડવત્ મહારાજને કરીશ. મહારાજ કહે, આ બાજુમાં મંડ દંડવત્ કરવા. ત્યારે મહારાજે વાસામાં થાપો માર્યો અને કહે જા હવે તારો મોક્ષ થઈ ગયો.
મારા લગ્ન થયા એટલે મહારાજના દર્શન કરવા અમે જૂનાગઢ ગયા. ત્યારે ભારતનું પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલતું હતું ત્યાં દેવસ્વામી રેડિયો લઈ આવ્યા. ત્યારે મહારાજે બે મિનિટ રેડિયો સાંભળ્યો પછી મહારાજ બોલ્યા કે, આ લોકો હમણાં શરણે થઈ જશે ને યુદ્ધ બંધ થશે. ત્યારે પાકિસ્તાનનું લશ્કર ભારતને શરણે થયું. આ સમયે અમે મહારાજની બાજુમાં જ બેઠા હતા.
એક વખત અમે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ ત્યારે રાધા-રમણ દેવના દર્શન કરવા ગયા ત્યારે કોઠારી સ્વામીએ મને હાર આપીને મુખ્યમંત્રીને પહેરાવવા આપ્યો ત્યારે મહારાજની ઈચ્છાથી મેં મુખ્યમંત્રીને હાર પહેરાવી હાથ મિલાવી જય સ્વામિનારાયણ કહ્યા હતા.
મહારાજે મારા દિકરા અને દિકરીને શ્રીજી રક્ષા આપી હતી તે મેં માદળિયા બનાવી છોકરાવને પહેરાવી હતી. જેથી કાયમ તેમની રક્ષા થતી રહેતી.
એક વરણાના પટેલ હતા તેના ઘરમાં બીમારી જાય નહીં. ત્યારે હું ત્યાં પ્લાસ્ટર કરવા ગયો હતો ત્યારે એ પટેલના ઘરે બ્રાહ્મણ બેઠા હતા. તેને કહ્યું, તમે જામવંથલીના કડિયાને કોઈને લઈ શાસ્ત્રીજી મહારાજ પાસે જાઓ ત્યાં હું હથિયાર લેવા પહાગચ્યો એટલે પટેલ મને કહે, દેવશીભાઈ આપણે શાસ્ત્રીજી મહારાજ પાસે જવું છે. જેથી બીજા દિવસે અમે જામનગર ગયા મહારાજને વાત કરી કે, આ લોકોનું ૧૦૦ વીઘામાં વાવેતર છે પણ ઘરમાં બરકત નથી. એટલે મહારાજ કહે, તમે એક નાનકડું નારાયણબલી કરાવી નાખો એટલે બરાબર થઈ જશે. આમ તેઓ સુખીયા થયા.
એક વખત હું જૂનાગઢ મહારાજ માટે ગાયનું ઘી લઈને ગયો. ત્યાં મહારાજ કહે, ઘી લઈને આવ્યો લાગે છે. મેં ઘીની બરણી મહારાજ પાસે મૂકી. મહારાજે ઘીમાં આંગળી બોળીને મોઢામાં નાખી ચાખ્યું, ઘી સારું છે. એમ કહી મહારાજ કહે, એ બારીએ જનોઈ રાખી છે. બાજુમાં દાતણ પ્રસાદીનું રાખ્યું છે, એ તું લઈ લે. એટલે એ જનોઈ અને દાતણ પ્રસાદીના મહારાજે આપ્યા તથા એક પોટલી મને આપી એ પોટલી ખોલી તો એમાં મહારાજના નખ હતા. આમ મહારાજે સ્વયં રાજી થઈને પ્રસાદીની વસ્તુઓ આપી છે.
એક વખત મહારાજની બાજુમાં બેઠો હતો ત્યારે મને અચાનક વિચાર આવ્યો કે મહારાજને સરસ મજાની ચાખડી આપું. ત્યારે મેં મહારાજને વાત કરી મહારાજ મારે તમને ચાખડી પહેરાવવાની ઈચ્છા છે. મહારાજ ઘડીભર મારા સામું જોઈ રહ્યા. ત્યાં મહારાજ કહે, તું ચાખડી શેની બનાવીશ. એમ કર તું સવનની બનાવ. એટલે હું જામવંથલી આવ્યો સુતારને વાત કરી. એટલે સુતાર કહે, તું આપણી બાજુમાં મુસ્લિમ રહે છે તે સાસણગીરમાં નોકરી કરતા હતા. જેથી એ તારું કામ કરી આપશે. એટલે એ દાઉદભાઈને હું મળ્યો ખબર અંતર પૂછ્યા ને વાત કરી કે, મારે સેવનના લાકડાનું એક પાટીયું જોઈએ છે. એટલે દાઉદભાઈ કહે, આ રૂમમાં મગફળીનો ભૂકો ભર્યો છે. એ બે ચાર ભારી વપરાય જાય પછી તને આપું. આઠ દિવસ પછી પાછા ભેગા થયા. પછી દાઉદભાઈ મને મસ્જિદમાં લઈ ગયા દરવાજો ખોલાવ્યોને કહે, આ સામે સવનનું પાટિયું છે ખગચી લ્યો. એમ કરી હું પાટિયું લઈ આવ્યો. એટલે એ પાટિયું લઈ જૂનાગઢ મહારાજ પાસે પહાગચ્યો ને વાત કરી. મહારાજ કહે, હાલમાં મારા પલંગ નીચે મૂકી દે. તે મેં ત્યાં સવનનું પાટિયું મૂક્યું. પછી તે પાટિયું ત્યાં છ મહિના પડ્યું રહ્યું. એક વખત હું ને મારા સાળા મગનભાઈ મહારાજના દર્શને ગયા. ત્યારે મહારાજ કહે, તમે ધોરાજી રેવાશંકર ભગતના ઘરે જાઓ ત્યાં મારી ચાખડીના દર્શન કરજો. અઢીસો
સાકર લઈ જજો. ત્યાં ભગવાનને ધરાવજો. એ તમને જમવાનું કહેશે ને ત્યાં તમે જમજો. આમ જ થયું. ધોરાજીમાં રેવાશંકરભગતે ચાખડીના દર્શન કરાવી અમને જમાડ્યાને અમે ત્યાંથી મહારાજ પાસે આવ્યા.
પછી મહારાજે દેવસ્વામીને બોલાવ્યા ને કહે, આ પાટિયું કેટલા સમયથી અહીં પડ્યું છે સુથારને બોલાવો. સુથારે મહારાજના ચરણનું માપ લીધું પછી હું અને હેમંતભગત સંઘાડે ગયા. ત્યાં માપ પ્રમાણે કટિંગ કરાવ્યું અને એ ચાખડીમાં ફીટ કર્યું ને મહારાજ એ ચાખડી પહેરીને રૂમમાં ફરવા લાગ્યા. પછી અમે ફરીને બીજીવાર જૂનાગઢ આવ્યા ત્યારે મહારાજને વાત કરી કે, સોનીને પૂછાવ્યું આ ચાખડીમાં ચાંદી મઢવી છે અને ઘૂઘરી ટાંકવી છે. એ સોનીને જરા સંતોનો અભાવ લેવાવાળો હતો. એટલે એ તરફ પછી અમે ગયા જ નહીં ને બધી મહારાજને વાત કરી. ત્યારે મહારાજ કહે, હવે તારે કાંઈ કરવું નથી. આ ચાખડી ઘરે પૂજામાં રાખજો અને દર્શન કરજો. તે આજે ચાખડી પૂજામાં છે અને દરરોજ અગરબત્તી દીવા થાય છે.
જામવંથલીમાં ફુલવાડીમાં મારા ઘરના તથા દિકરીઓ બધા રેતી અને ચૂનો ચારતા. આ રીતે પ્રસાદીના મંદિરમાં સેવા કરી છે. સવારે સેવા કરવા જતા અને બપોરે ઘરે જમવા જતા ને પાછા ઘરે આવતા તથા અમે ચાવડાના ખારામાં કાકરા વીણીને ગાડા ભરી ફુલવાડીમાં લાવતા. આમ ઘરના સૌએ સેવા કરી છે. થોડા સમય પછી ફુલવાડીમાં જમવાની ગોઠવણ થઈ એટલે અમે ત્યાં જ જમતા અને સેવા કરતાં. ફુલવાડીમાં એક આંબલીનું ઝાડ હતું ત્યાં મહારાજનો ખાટલો રહેતો ત્યાં મહારાજ બેસતા અને અમે સૌ સેવા કરતા.