પરચા ૯૮

અનાદિ મુક્તરાજ ભાઈલાલભગત રાજાભગત ખોલિયા

જામવંથલી, હાલ- સૂરત

મારી ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે મને મહારાજે જામનગરમાં કંઠી બાંધી હતી અને જામનગર મહારાજ બિરાજતા એટલે અમારે કાંઈ પણ કામ હોય તો અમે મહારાજને પૂછતાં અને જેમ મહારાજ કહે તેમજ કરતા. એટલે મહારાજ પ્રત્યે અમને ઘણો ઘણો ભાવ હતો.

એક વખત જામનગરમાં મોટો ઉત્સવ હતો. ત્યારે અમે જામનગર ગયા હતા. ત્યારે અમારી સાથે ત્રણ-ચાર બેનો હતા તે બેનોને મહારાજના દર્શન કરવા હતા. મેં મહારાજને કહ્યું, મહારાજ આ બેનોને આપનાં દર્શન કરવા છે. મહારાજ કહે, આ આટલી ભીડમાં દર્શન કેમ આપવા. એમ કહી મહારાજ પોતાની રૂમે ગયા અને રાત્રો બિલાડાનું રૂપ લઈ આવ્યા અને દાદર ઉપર ચઢીને બેનો પાસે ગયાં. ત્યારે મેં જોયું ત્યાં એ બિલાડાની ઠેકાણે મહારાજ ઊભા હતા. મેં કહ્યું, મહારાજ તમે બિલાડા રૂપે થયા. તો મહારાજ કહે, દર્શન દેવા મારે કંઈક તો કરવું પડે ને. આમ મહારાજે બેનોને દર્શન આપ્યા હતા.

એક વખત જૂનાગઢમાં મહારાજ પાસે ત્રણ છોકરા બેઠાં હતાં. મેં મહારાજને પૂછ્યું, મહારાજ આ છોકરાઓ કોણ છે ? મહારાજ કહે, આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસે ઘણાં દેવી, દેવતાઓ, ઇશ્વરો, અવતારો કોઇને કોઇ રૂપ લઇને દર્શન કરવા આવે છે. બ્રહ્મા, વિષ્ણુ ,મહેશ પણ દર્શન કરવા આવે છે. આમ મહારાજ બોલ્યા ત્યાં તો એ ત્રણે છોકરાઓ ઊઠીને હાલતા થયા. એટલે હું એ છોકરાઓ પાછળ દરવાજા સુધી આવ્યો પરંતુ એ ત્રિાદેવો અદ્રશ્ય થઈ ગયાં.

એક વખત જામનગર જઇને મેં મંદિરમાં ઉતારો ન લીધો, ને હું સભામંડપમાં સૂઈ ગયો. ત્યારે મહારાજ કહે, સભામંડપમાં નથી સૂવું તું મારી ભેળો સૂઈ જા અને હું મહારાજ ભેળો સૂતો. તે સમયમાં બહુ ઠંડી હતી તેથી મહારાજે મને ધુસો ઓઢાડ્યો. સવારે મહારાજ પૂજા કરતા હતા, પૂજા કરીને કહે, આરતીમાં દર્શન કરવા જાવું છે તે મેં કહ્યું, હાલો જઈએ. મહારાજ કહે, તને ઠંડી લાગે છે ? મેં કહયું, હા ઠંડી લાગે છે. ત્યારે મહારાજ બોલ્યા, આની પાસેથી ઠંડી વઈ જા. ત્યાં તો મને પરસેવો વળી ગયો અને હું અને મહારાજ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે રસ્તામાં મહારાજે ત્રણ વખત પૂછ્યું, હવે ઠંડી લાગે છે. મેં કહ્યું, મહારાજ હવે તો પરસેવો વળે છે. ત્યારે મેં ચડ્ડીને બુશર્ટ પહેર્યા હતાં ને બીજા સંતો ધુસા ઓઢી ઓઢીને

દર્શન કરવા આરતીમાં આવ્યા હતા અને મને ચડ્ડી-બુશર્ટમાં જોયો તો કહે, આ છોકરો ગાંડો થઈ ગયો લાગે છે, આવી ઠંડીમાં ચડ્ડી- બુશર્ટ પહેરીને આવ્યો છે.આમ મહારાજે ઠંડી થકી મારી રક્ષા કરી હતી.

એક વખત મારો નાનો ભાઈ બીમાર હતો તેની ઘણી દવા કરી પણ તે સાજો ન થાય તે મારા બા કહે, મહારાજ પાસે જઈને વાત કર. હું મહારાજ પાસે આવ્યો. મહારાજને વાત કરી. મહારાજ કહે, તેનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. મેં મારી બાને વાત કરી તો મારા દાદી અને બા કહે, મહારાજને જઇને કહેજે કે, અમારી આયુષ્ય લઈ લ્યો ને આ છોકરાને સાજો કરો. હું પાછો મહારાજ પાસે આવ્યો. મહારાજ કહે, તારા દાદીની ત્રણ વર્ષની અને તારા બાની પાંચ વર્ષની આયુષ્ય બાકી છે. માટે અમે રાત્રો ૧ર વાગે તને દર્શન આપીને તારા ભાઈને ધામમાં તેડી જઈશું અને આ મારો પ્રસાદિનો હાર એને પહેરાવજે. પછી મેં ઘરે જઇ બાને બધી વાત કરીને નાના ભાઈને હાર પહેરાવ્યો તેથી એની વૃત્તિ કુટુંબમાંથી છૂટી ગઈ અને મહારાજને સંભારવા લાગ્યો ત્યારે મહારાજે મને માળા આપીને કહ્યું હતું કે, આ માળા કરજે જેથી ત્યારે તને એકને અમારા દર્શન થશે. આમ રાત્રો ૧ર વાગે મહારાજ આવ્યા ને મહારાજની પાછળ તેજનું ચક્ર એવા દર્શન થયા ને મારો નાનો ભાઈ ધામમાં ગયો. પછી મારું કુટુંબ રોવા લાગ્યું ત્યારે મહારાજે મારી બાને દર્શન દઇ કહ્યું કે, તમારો છોકરો ધામમાં અમારી સેવામાં જ છે.

એક વખત હું નાનો હતો ત્યારે મહારાજ મને દિવ્ય દર્શન આપી કહે, હાલ તને આજે જામનગર બતાવું. મેં કહ્યું, હા મહારાજ. મહારાજ કહે, તું મારા ખભા ઉપર બેસી જા. હું બેઠો પછી અમે ફરવા નીકળ્યા. રસ્તામાં મહારાજ કહે, આ લાખોટા તળાવ છે ને આ રાજાનો મહેલ છે. મેં કહ્યું, મહારાજ મને બીક લાગે છે. મને નીચે ઉતારો. મહારાજ કહે, આ મારી ચોટલી પકડી લે. મેં ચોટલી પકડી પણ જાણે ખીલો પકડ્યો હોય એવું લાગે ને જોઈએ તો હાથમાં ચોટલી. આમ આખા જામનગરમાં મને આકાશમાર્ગે દર્શન કરાવ્યા.

એક વખત હું સભા હોલમાં વાંચતો હતો. મહારાજ આવ્યા ને પુછયું કે અહીં શું કરશ ? મેં કહ્યું, મહારાજ પરીક્ષા છે, તે વાંચું છું. મહારાજ કહે, વાંચવું નથી અહીં ઉપર આવ અને મારી સેવા કર. મેં કહ્યું, મહારાજ તમે આશીર્વાદ આપો હું પાસ થઈ જાવ તો આવું. મહારાજ કહે, તું આમેય પાસ થઈ જઈશ. હાલ અત્યારે મારી સેવા કર. પછી હું મહારાજના પગ દબાવવા ગયો અને કેટલીય વાર સુધી પગ દબાવ્યા. એ મેં મનનું ધાર્યું

મુકીને તરત જ મહારાજની આજ્ઞા પાળી સેવા કરી તેના ફળસ્વરૂપે પરીક્ષામાં વાંચ્યાં વગર પણ પાસ થઇ ગયો.

મહારાજ રાજકોટ હતા ત્યારે એક વખત હું રાજકોટ ગયો. ત્યારે મહારાજ કહે, આપણે કાલે જાઈવા જવાનું છે. કોઈ હરિભગત તેડવા આવ્યા હતા તેની સાથે અમે જાઈવા ગયા. આમ જામનગરના ગામડે ગામડે મહારાજ જતાં ત્યારે ઘણીવખત મને પણ ભેળો રાખતા. હું મહારાજ ભેગો ઘણી જગ્યાએ વિચરણમાં ગયો છું. દેવસ્વામી ત્યારે સાધુ નહોતા. એ મહારાજની પાર્ષદ તરીકે સેવા કરતા અને મહારાજ આગળને દેવસ્વામી પાછળ પાછળ જતા. ત્યારે દેવસ્વામીનું નામ પોપટભગત હતું.

મહારાજ ઘણીવાર ટ્રેનમાં વિચરણ કરતા ત્યારે હું સાથે હોવ તો મારી ટિકિટ પણ મહારાજ કપાવતા. અમે ફર્સ્ટકલાસ ડબ્બામાં જતા. એક વખત ટિકિટચેકર આવ્યો ત્યારે મારા સામું જોયું ને હું મહારાજ ભેગો હતો એ ચેકર મહારાજ સાથે ઇગ્લીશમાં વાત કરતો હતો ત્યારે મહારાજ પણ તેની સાથે તેની સ્પીચમાં ઇગ્લીશમાં વાત કરતા હતા ત્યારે ઓલો ટિકિટચેકર ને એમ થયું કે આ મહારાજ તો આપણાય ચેકર લાગે છે, એમ કહી જતો રહ્યો.

એક વખત મહારાજ રાજકોટ હતા. મને ત્રણવાર સમાચાર મોકલ્યા કે, રાજકોટ આવ. ત્યારે મેં સંકલ્પ કર્યો કે, મને દર્શન થાય તો હું આવું. આમ વિચાર્યું ત્યાં મને જમના દર્શન થયા અને જમ મને લઈ ગયા. ઘણાં ભાઠા માર્યાં અને હું ધામને જોતો જાઉં પણ આ જમ મને મારતા જાય. ત્યાં સભામંડપ આવ્યો. ત્યાં મહારાજ કથા કરતા હતા અને ભક્તો-મુક્તોથી આખો સભામંડપ ભરેલો હતો. સભા પૂરી થઈ ને બહાર નીકળ્યો ત્યાં પેલા યમે મને પકડી લીધો. મેં કહ્યું, મહારાજ મને બચાવો. ત્યાં મહારાજ આવ્યા અને યમ પાસેથી છોડાવ્યો. ત્યાં મારી આંખ ખુલી ગઈ. પછી હું બીજા દિવસે રાજકોટ ગયો તો મહારાજ કહે, કાં દર્શન કરવા હતા ને કેવાં દર્શન થયાં ? ત્યારે મેં કહ્યું, અરે મા-બાપ જમડાએ તો બહુ ભાઠા માર્યાં હવે મારે આવા દર્શન નથી કરવા. હવે તમે જ્યારે કહેશો ત્યારે હું આવી જઇશ.

એકવાર મહારાજ જામવંથલીમાં ખેતરોમાં વાડીમાં વિચરણ કરતા હતા ત્યારે રસ્તામાં ઢુંબકીયો કૂવો આવે ત્યાં મહારાજ પહાગચ્યા અને બોલ્યા, આ જગ્યા સારી નથી. અમે નજરે જોયેલું કે ઢુંબકીયા કૂવામાં ચૂડેલો ધુબાકા મારતી અને રીતસર અવાજ આવતો. માટે પાણી છાંટીને એ ચૂડેલોનો મહારાજે મોક્ષ કરી દીધો. આ રીતે મહારાજે માત્ર પાણી છાંટી એ જગ્યા

ચોખ્ખી કરી હતી.

એકવાર મારી બેન મહાદેવની જગ્યા છે ત્યાં છાણ લેવા ગઈ. ત્યાંથી પાંચની નોટ ચાંદલો કરેલી મળી તે નોટ હાથમાં લીધીને ઘરે પહાગચી ત્યાં એને જબરો તાવ આવી ગયો અને કોઈને ઓળખે નહીં અને ધમપછાડા કરે. તેથી તેને મારા બાપુજી વંથલીમાં એક મુસલમાન ફકીર પાસે લઈ ગયા. એ મુસલમાન ફકીરે જોયું અને કહ્યું, આમાં કોઈ જબરો જીન છે. જીનના છાયામાં આવી ગઈ છે. આમાં મારું કામ નથી આને તમે કોઈ મોટા ઓલિયા પાસે લઈ જાઓ. મને ખબર પડી કે, બાપુજી બેનને જોવરાવવા ગયા છે. તેથી મેં કહ્યું, આપણે આમ કાંઈ જોવરાવવાનું ન હોય. આપણાં ભેગા મહારાજ છે માટે બેનને મહારાજ પાસે લઈ જઈએ.

બીજા દિવસે બેનને જામનગર લઈ ગયા તો મહારાજ કહે, એને સારંગપુર લઈ જાઓ આમાં અમારું કામ નહીં. ત્યારે મારા બાપુજી કહે, સારંગપુરના હનુમાનજી પણ તમારી આજ્ઞા સેવામાં રહે છે, તમારાથી મોટું કોઈ નથી. તમે ના પાડો તો અમે ઘેર લઈ જઈએ. હવે અમારે બીજે ક્યાંય જવું નથી. ત્યારે મહારાજ કહે, તમને એટલો બધો અમારો મહિમા અને વિશ્વાસ છે તો પ્રસાદીનું પાણી લઈ જાઓ, દીકરીને ઊંધી સુવાડીને સાત વખત આ પાણી ઉતારજો અને પછી જમણા પગના અંગૂઠો પાણીમાં બોળજો અને એ પાણી કોઈ લીલા ઝાડમાં રેડી દેજો અને પાછું વાળીને જોતા નહીં. આમ સાત દિવસ સુધી કરજો.

હું આ રીતે તે ઉતારેલું પાણી એક મોટો બાવળ હતો તેમાં નાખી આવતો તે એ સાતમે દિવસે એ બાવળ લીલોછમ હતો તે સાવ સૂકાઈને લાકડું થઈ ગયો. આ છોકરીની ઘાત મહારાજે એ બાવળ ઉપર નાખી ને બાવળ સુકાઈ ગયો. પછી મારી બેન સાવ સાજી થઈ ગઈ. આમ મહારાજે રક્ષા કરી.

એક વખત વંથલીથી રાજકોટ ટ્રેનમાં જતા હતાં ત્યારે હું પણ મહારાજ ભેગો ચાલ્યો. મહારાજ કહે, ટિકિટ લીધી છે. મેં કહ્યું, ના મહારાજ. મહારાજ કહે, ટિકિટચેકર પકડશે તો. મેં કહ્યું, આ તમારા જેવા ટિકિટચેકરથી મોટા કોઈ નથી. મને શું એ પકડે ? તો મહારાજ કહે ,તો હવે મારી બાજુમાં બેસી જા. આમ હું મહારાજની સાથે અવારનવાર જતો અને મહારાજ આવવાના હોય તો ફુલનો હાર લઈને સ્ટેશને પહાગચી જાઉં અને મહારાજને હાર પહેરાવી ગામમાં મંદિરે લઈ આવું. આમ મહારાજને મારા પ્રત્યે ઘણી લાગણી હતી.

એક વખત જૂનાગઢ હું અને પરષોત્તમ રણછોડ મહારાજની સેવા કરતા હતા ત્યારે અમે ત્રણથી છના શોમાં સિનેમાની ટિકિટ લીધી હતી. તો ટિકિટનો ટાઈમ થતાં સેવા કરતાં કરતાં એકબીજા સામું જોઈએ અને વિચારીએ કે મહારાજ કહે ત્યારે સેવામાંથી છૂટા થવાય અને આ બાજું સિનેમાના ટાઈમમાં ત્રણમાં પાંચ મિનિટ બાકી હતી અને મહારાજ બોલ્યા, હવે ચરણસેવા રાખો અને તમે જાઓ, સિનેમા-બીનેમા જોવી હોય તો જોતા જાવ. પછી અમે ત્યાંથી ભાગ્યા દોડતા દોડતા સિનેમા જોવા ગયા તે પછી જ સિનેમા ચાલુ થઈ.

એકવાર કાંતિલાલ ડાયા મકવાણા બગીચાવાળા ને હું મહારાજના દર્શન કરવા અમે જામનગર ગયા. તે કાંતિલાલને માથામાં પાછળના ભાગે સોપારી જેવડી રસોળી થઈ હતી. અમે મહારાજના ચરણસ્પર્શ કરી દંડવત્ કર્યા અને મહારાજની બાજુમાં બેઠા અને મેં મહારાજને કહ્યું, મહારાજ આ કાંતિલાલને માથામાં રસોળી થઈ છે. મહારાજે હાથ ફેરવી જોયું તો મહારાજ કહે, ઓહો આ તો સોપરી જેવડી છે. મેં કહ્યું, મહારાજ વધતી જાય છે. મહારાજે ફરી હાથ ફેરવી કહ્યું, જા મટી જશે. અમે પછી ઘેર આવ્યા. બીજા દિવસે કાંતિલાલ ન્હાતો હતો તે માથામાં હાથ ફેરવ્યો ત્યાં એ રસોળી ન મળે સાવ મટી ગઈ હતી.

જૂનાગઢ એકવાર બે બેનોને મહારાજના દર્શન કરવા હતા. એટલે મને કહ્યુ, ભાઈલાલ મહારાજને કહેને અમને દર્શન આપે. એટલે મેં કહ્યું, તમે નારાયણધરે જાઓ. પછી હું અને મહારાજ રીક્ષામાં નારાયણધરે ગયા. ત્યાં મહારાજે આ બે બેનોને દર્શન દીધા. મેં મહારાજને કહ્યું, મહારાજ અહીં આપણને કોઈ જોઈ તો નહીં જાય ને ? ત્યારે મહારાજ કહે, હું માત્ર તને અને આ બેનોને જ દેખાઇશ. મને બીજા કોઈ નહીં દેખે. આ બે બેનો પ્રભા અને પાર્વતી તે હેમંતભગતના બેનો હતા. માટે મહારાજે તેમને દર્શન આપી મનના મનોરથ પૂરા કર્યાં.

એક વખત મહારાજે મને હેમંતભગતની બેન સાથે સંબંધ કરવા કહ્યું, ત્યારે હું અને હેમંતભગત ધોરાજી ગયા. મેં હેમંતભગતના બેનને જોયા. હેમંતભગતે મને બીજીવાર મોકલ્યો ને કહ્યું બરાબર જોઈ લો. બીજીવાર હું પાણી પીવા ને બહાને ઘરમાં ગયો ને ફરીવાર જોયા. પછી અમે જૂનાગઢ આવ્યા. મહારાજ કહે, કેમ જોઇ આવ્યાં ? મેં કહ્યું, મહારાજ થોડી કાળી છે. તો મહારાજ કહે, તે ઘણું ભણેલી છે એ તને ખબર છે. તને કમાઈને ખવરાવશે. આમ મહારાજે કહ્યું. પણ મેં ના પાડી. મારા જીવનમાં આ એક મહારાજની આજ્ઞા લોપાણી.

એકવાર મારી બાની તબિયત સારી નહીં એટલે મહારાજ પાસે ગયોને કહ્યું, મહારાજ

મારા બાની તબિયત સારી રહેતી નથી. મહારાજ કહે, તેનું આયુષ્ય પૂરું થાય છે. મેં કહ્યું, મહારાજ હજુ અમારે પરણવાનું બાકી છે અને એના વિના અમારું કોણ ? તો મહારાજ કહે, જા એને દશ વર્ષની આયુષ્ય આપું છું. આમ અમારા બા સાજા થઈ ગયા. હવે તેને સમય જતાં ૧૦ વર્ષ થઈ ગયા અને ખાટલે બેઠાં બેઠાં પડી ગયા તે માથામાં હેમરેજ થઈ ગયું પણ જીવ જતો નહોતો, અને મારી બેનને ખબર પડી તે તેણે માનતા રાખી. બાને સારું થાય પછી હું અન્ન જળ લઉં, આમ માનતા માની. હવે બા દુઃખી થતા હતા પણ જીવ જતો નહોતો. એટલે મહારાજ પાસે ગયાને વાત કરી, મહારાજ કહે, મેં તેને દશ વર્ષનું આયુષ્ય આપ્યું હતું તે પૂરું થયું પણ તમારા ઘરમાં કોઈએ માનતા માની છે એટલે એનો જીવ જતો નથી. હું ઘરે આવ્યો અને પૂછ્યું માનતા કોણે રાખી છે ? મારી બેન કહે, માનતા મેં માની છે. મહારાજે કહ્યું છે તેનું ૧૦ વર્ષનું આયુષ્ય પૂરું થઇ ગયું છે પણ તારી માનતાથી જીવ નીકળતો નથી માટે તું તારી માનતા છોડી નાખ અને બાને ધામમાં જવાની રજા આપ. પછી બેને હાથમાં જળ લઈ સંકલ્પ કરી માનતા છોડીને અમારા બા ધામમાં ગયા. મારા બાનું નામ સંતોકબેન હતું.

મારો નાનોભાઈ ધામમાં ગયો પછી એક વખત હું જામનગર મહારાજ પાસે ગયો અને મહારાજને પૂછયું હતું કે, મહારાજ મારો ભાઈ ક્યાં છે આમ મારી બાએ પૂછાવ્યું છે. મહારાજે કહ્યું કે, તારી બાને કહેજે કે કાંઈ ઉપાધી ના કરે તારો ભાઈ ધામમાં જ છે અને જલસા કરે છે. એટલે મેં કહ્યું, મહારાજ મને ધામના દર્શન કરાવો. મહારાજ કહે, હજું તું નાનો છો. તો મેં કહ્યું, મને ભાઈના દર્શન કરાવો. ત્યારે મહારાજે ધામના અને મારા ભાઇ બંનેનાં દર્શન કરાવ્યા હતા. ધામમાં ભક્તોના બંગલા હતા અને આમ સરસ મજાના રોડ રસ્તા, ત્યાં બાગ-બગીચાને નદીને ડુંગરા લીલાછમ રળિયામણું બધું લાગતું હતું. આમ બહું વિશાળ પરમધામ હતું. ત્યાં મારો ભાઇ મહારાજની ચરણ સેવાનો લાભ લઇ રહ્યો હતો. એવા પણ દર્શન થયા.

એકવાર એક હરિભક્ત મહારાજ પાસે આવ્યા અને મહારાજને લાડવા આપ્યા. મહારાજને કહે, આ કાટલાના લાડવા છે, તમારા માટે લઈ આવ્યો છું. મહારાજ કહે, સારું થયું તમે એ લાડવા લઈ આવ્યા, મારી કમર દુખતી હતી તે મને કામ લાગશે. આમ કહ્યું ત્યાં એ હરિભક્ત લાડવા મૂકી ગયો અને મહારાજ કહે, મને થોડી કાંઈ સુવાવડ આવી છે. તે મારા માટે આ કાટલાના લાડવા લઈ આવ્યો. એ લાડવા પછી અમને આપ્યા લે આ તમે ખાજો. આમ મહારાજ કયારેક રમુજ ભરેલી લીલા કરતા. ઘણી વખત મહારાજ પાસે

પરચૂરણ ઘણું જમા થાય તે અમને આપતા અને કહેતા, લે આ લઈ જા વાપરજે. ઘણીવાર નારિયેળ ઘણાં ભેગાં થઈ જાય તે અમને આપી દેતા, લે આ લઈ જાઓ, ખાજો. એકવાર તલનું બાચકું ભરીને આપ્યું ને કહ્યું, લે આ લઈ જાઓ ખાજો.

એક વખત રાજકોટ મંદિરમાં મહારાજ ખુરશી પર બેઠા હતા હું નીચે બેઠો હતો. મહારાજ કહે, આ વાદળાં ક્યાં જાય છે તને ખબર છે ? મેં કહ્યું, મને શું ખબર. તમે ભગવાન છો તમને ખબર હોય. મહારાજ કહે, આ વાદળા ગુજરાતમાં જાય છે. સવારે પેપર વાંચજે ત્યાં બહું ધમાલ થશે ને વરસાદ પડશે. તે બીજા દિવસે જાણ્યું તો સૂરતમાં બાઢ આવી હતી અને ખૂબ વરસાદ પડ્યો હતો અને સૂરતમાં હોનારત થઈ હતી.

એક વખત મારા મિત્રને કંઈ વળગણ હતું તે મેં એની બાને કહ્યું, આની કંઈક દવા કરો કે તેને સારું થઈ જાય. તો એના બા કહે, ઘોયરો મરી જાય તો. મેં કહ્યું, મારો ભાઈબંધ અરૂણ પાગલ જેવો છે પણ તેને હું મરવા નહીં દઉં. એમ કહી મેં મહારાજને કાગળ લખ્યો. મહારાજે વળતી ટપાલમાં રક્ષા મોકલી અને કહ્યું અરૂણ બાંધશે તો નહીં પણ એ જે રૂમમાં સૂવે છે એ રૂમમાં રાખજો. એટલે મેં એ રૂમમાં રક્ષા રાખી હતી. અરૂણ સવારે ઊઠ્યો ને તેની બાને કહે, બા મને ખાવાનું આપ તે એની મા તો રાજી થઈ ગયા કે મારા દિકરાએ મહિના 'દિથી ખાધું નથી અને એણે ખાવાનું માગ્યું. હું સવારે મળવા ગયો તો તેના બા કહે, ભાઈલાલ આજ તો એને ખાવાનું માંગ્યું, મેં કહ્યું હવે એનું રખવાળું થઈ ગયું હવે એને છૂટો મૂકી દો. આમ મહારાજે મારા મિત્રની રક્ષા કરી.

મહારાજ ધામમાં ગયા ત્યારે અમે જૂનાગઢ ગયા હતા. મહારાજની અંતિમક્રિયા કરીને મેટાડોરમાં પાછા વળતા હતા ત્યારે અમે શોકમાં હતા. ત્યાં મહારાજે દર્શન આપ્યા તે મહારાજ અમારા ટેમ્પોની આગળ આગળ ચાલતા જાય. ટેમ્પોનો ડ્રાઈવર કહે આ તમારા ગુરૂજી આગળ આગળ ચાલે છે. મારે ટેમ્પો હલાવવો કેમ ? તે મને મહારાજના દર્શન થયા તેમ ટેમ્પોમાં દશ જણાં બેઠા હતા તે બધાને પણ મહારાજનાં દર્શન થયા હતા.આમ ભગવાનને ઓળખી પ્રગટ ભગવાન જાણનારાને ભગવાન ભેળા ને ભેળા જ છે. ભગવાન હંમેશા ભક્તની સંભાળ રાખે છે. ભક્તને ક્યારેય ભૂલતા નથી.