પરચા ૧૨૯

મંજુલાબેન ભાઈલાલ ખોલિયા

જામવંથલી, હાલ- સૂરત

એક વખત મહારાજ સૂરત પધાર્યા હતા અને અમે સ્વામિનારાયણ મંદિરે મહારાજના દર્શન કરવા ગયા હતા ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યા કે, હવે તમારે ઘરે સેવક પધારશે. ત્યારે મને ગર્ભ રહેવામાં ટાઈમ ઘણો થઈ ગયો એટલે આ મહારાજના આશીર્વાદથી સેવક આવવાની તે વાત અમે ભૂલી ગયા હતા. ત્યારે જતે દહાડે સારા દિવસો દેખાવા લાગ્યા ત્યારે ભગતની તબિયત સારી ન રહેતી. અમે હાજરી ભરીને ગુજરાન ચલાવતા હતા. અમારે બે નાની નાની બેબી હતી એટલે અમે વિચાર કર્યો કે હમણાં બાળક જોઈતું નથી અને દવા લઈ બાળક એબોર્શન કરાવી નાખીયે. આમ વિચારી બાજુમાં બેનને વાત કરી તો બેન કહે, તમારા માણસ રજા આપે તો હું સાથે આવું એમ વિચારીને ભગતને વાત કરી તો ભગત કહે, બહું સારું. એમ કરીને બીજા દિવસે અમારે હોસ્પિટલ જવાનું થયું અને મહારાજનો પત્ર આવ્યો અને પત્રમાં પુત્રવતી ભવ, પુત્રવાળા થાઓ એમ આશીર્વાદ આપ્યા. આ બાજુ મારા સાસુને મહારાજે લખ્યું કે, છોકરો તમારે ખોળે આવશે તો એને સાચવજો. આમ મહારાજની ટપાલ વાંચીને પાડોશીને કહ્યું, અમારા ગુરૂજીની ટપાલ આવી છે અને પુત્ર થવાના આશીર્વાદ આપ્યા છે. આમ મહારાજે પોતાના આશીર્વાદથી અમારા આ બાળકની રક્ષા કરી.

મારી સગાઈ થઈ હતી ત્યારે ભગત કહેતા કે, આ શાસ્ત્રીજી મહારાજ આપણા ગુરુજી ભગવાન છે પણ હું માનતી નહીં. જો કહું તો વાદ-વિવાદ થાય એટલે હું કાંઇ કહેતી નહીં. પરણીને ઘરે આવી એટલે મંદિરમાં ઘનશ્યામ મહારાજ અને મહારાજના બે ફોટા હતા તો પણ હું માનતી નહીં. સાધુને ભગવાન કેમ કહેવા ? અમારો પહેલા સ્વામિનારાયણ ધર્મ હતો પણ જો કાંઈ બોલું તો ભગત ખીજાઈ જાય એટલે હું બોલતી નહીં.

એક દિવસ મહારાજે મને દર્શન દીધા કે, ઘનશ્યામ મહારાજ એ મૂર્તિમાંથી નીકળીને શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજની મૂર્તિમાં સમાઈ ગયા. ત્યારથી હું મહારાજને ભગવાન માનવા લાગી અને મને વાત સમજાઈ ગઈ કે, સાક્ષાત ભગવાન સંતરૂપે આવ્યા છે.

એક વખત અમારા કાકી દેવ થઈ ગયા એટલે અમારે દામોદર કુંડમાં ફૂલ પધરાવવા જવાનું હતું ત્યારે ભગત અને બે ભાઈઓ કહે, આપણે કાલે ફુલ પધરાવવા જવાનું છે અને

મહારાજના દર્શન પણ કરતા આવીશું. ત્યારે મેં કહ્યું, આજ નહીં બે દિવસ પછી જઈશું. ભગત કહે, ના કાલે જ જઈએ. એમ કરીને અમે બે દિવસ પછી ફુલ પધરાવ્યા ગયા અને મંદિરે ગયા પણ મહારાજના દર્શન ન થયા. ઘણા આમથી તેમ થયા પણ મહારાજના દર્શન ન થાય પણ અંતે દૂરથી દર્શન થયા. એટલે મનમાં વિચાર આવ્યો કે, ભગત કહેતા હતા તેમ બે દિવસ પહેલાં આવ્યા હોત તો મહારાજના દર્શન નજીકથી થાત.

સૂરતમાં રામપરા મંદિરમાં મહારાજના દર્શન થયા હતા. રાજકોટના મંદિરે બોરડી પાસે બધા સંતો ચાલ્યા જતા હતા એમાં રૂપાળા રૂપાળા મહારાજ અને બધાયથી ઊંચા લાગે એમ મહારાજના દર્શન થયા હતા. આપણે કંઈ સાજા માંદાની ઘરમાં વાત કરતા હોઈએ ત્યાં બીજા દિવસે મહારાજની ટપાલ આવી ગઈ હોય અને ટપાલમાં રસ્તો બતાવ્યો હોય કે, આ પ્રમાણે કરજો તો સારું થઈ જશે.

મહારાજે મને પત્રમાં લખ્યું હતું કે, બાબો પાંચ-છ મહિનાનો થઈ જાય એટલે દર્શન કરી જજો. તે ભગતને કામકાજે જવાનું અને ઘરસંસારમાં બાબો આઠ મહિનાનો થયો એટલે સાજોમાંદો રહેવા લાગ્યો એટલે મને મનમાં થયું મહારાજે કહ્યું હતું કે, બાબો છ મહિનાનો થાય એટલે દર્શને આવજો તે આપણે હજુ ગયા નથી. એટલે સાજો માંદો રહે છે. તે પછી અમે જૂનાગઢ ગયા અને બાબાને પગે લગાડ્યો ત્યારે મહારાજના દર્શન થયા હતા અને મહારાજે તેનું નામ રાખ્યું અને મહારાજ કહે, દિનેશ ૧૦૦ વર્ષનો થશે.

અમારા બાજુવાળાનો બાબો કાયમ માંદો રહે તેની દવા ચાલુ પણ સારું ન જ થાય. એટલે એક વખત અમે જૂનાગઢ ગયા હતા ને મેં મહારાજને વાત કરી. મહારાજ કહે, એની જે દવા થાય છે તે દવા ખોટી થાય છે. એની બીજા ડૉક્ટર પાસેથી દવા લ્યો તો સારું થઈ જશે. હવે એ ભાઈનો આ ફેમિલી ડૉક્ટર એટલે બીજા પાસે જાય જ નહીં એટલે મેં કહ્યું, ભાઈને ખબર ન પડે એમ બીજા ડૉક્ટરની દવા લ્યો તો સારું થઈ જશે. એમ અમારા ગુરૂજી ભગવાને કહ્યું છે તે સાચું. પછી બીજા ડૉક્ટરની દવા લીધી તો સારું થઈ ગયું.

એક વખત મારા મામા ને અમે મહારાજના દર્શને ગયા. મહારાજ કહે, અમારે સોફા લેવા છે. તો મામાએ હા પાડીને પણ સોફા લઈ ન આપ્યા. તેથી મારા મામા આંકડાનો જુગાર રમતા એમાં બધું હારી ગયા. ઘણું સોનુંય હારી ગયા. તેથી મારા મામી કહે, ભાઈલાલ આ તારા મામા તો ઉઘાડા થઈ ગયા હવે શું કરવું. મેં કહ્યું, આ મહારાજની આજ્ઞા લોપી એટલે

આમ થયું. મહારાજે કીધું હતું કે, અમારે સોફા લેવા છે. મામાએ હા પાડીને ન લઈ દીધા. હવે તમે સોફા લઈ દયો તો કંઈક સારું થાય. મામી કહે, હવે તો અમારી પાસે કંઈ નથી. પણ છતાં તરત જ છોકરાના ગલ્લામાંથી રૂ.૧૦૦ કાઢીને આપ્યા. એ રૂ.૧૦૦ લઈ હું જૂનાગઢ ગયો મહારાજને વાત કરી. સ્વયંપ્રકાશ સ્વામી અને અમે બજારમાં સોફા લેવા ગયા અને સોફા જેવી મોટી બે ખુરશી લીધી ત્યારે એ રૂ.૯૦માં આવી ને મેં મહારાજને રૂ.૧૦ પાછા આપ્યા. તે મહારાજે એ દશ રૂપિયા પ્રસાદીનાં પાછા આપ્યા. મેં એ મામીને ઘરે સાચવવાં આપ્યાં તેના પ્રતાપથી ધીરે ધીરે મામા પાછા જુગારમાં જીતવા લાગ્યાને પાછું સારું થઈ ગયું. તે હું મામાને કહેતો કાલે આ આંકડા આવશે. મામા એ આંકડો રમે અને જીતે. આમ હું આંકડા બોલતો જાઉં ને મામા જીતતા જાય. આમ મામાનું ઘરે ફરી મહારાજની કૃપાથી સારું થઈ ગયું.

એક વખત અમે જામનગર ગયા અને મહારાજને કહ્યું, મહારાજ પ્રસાદીનું પાણી આપોને. મહારાજ કહે, બાટલો લઈ આવ્યો છો ? મેં કહ્યું, હા મહારાજ. એટલે મહારાજ ખુરશી ઉપર બેઠાં અને હું નીચે બેઠો. મહારાજ કહે, કોઈને ન આપ્યું હોય એવું તને પ્રસાદીનું પાણી આપું એમ કહીને મહારાજે પોતાના ચરણનો અંગૂઠો દબાવ્યો ત્યાં અંગૂઠામાંથી પાણીની શેડ થઈ અને મેં બાટલો પ્રસાદીનો ભરી લીધો, હજુ પણ એ પ્રસાદીનું પાણી મારી પાસે છે તેમજ મહારાજની પ્રસાદીની માળા, કંઠી, સાકર, ગુલાબ પાંખડી પ્રસાદીનું કંકુ એ બધુંય અમારી પાસે છે.

એકવાર એક બાલંભાનો છોકરો વંથલી આવેલો તે રાત્રો બાથરૂમ જવાં નદીમાં ગયો. નદીમાં બે ભંગીએ ઢોલ વગાડીને છોકરાને બીવરાવ્યો. ત્યારે રાતના ૧૧ વાગ્યા હતા તેથી ખુબ અંધારું હતું ત્યારે મહારાજ તેને દર્શન દઇ પોતાની છડીમાં પ્રકાશ કરીને છોકરાને એના ઘરે મૂકી ગયા. છોકરાને એ રાત્રો તાવ આવી ગયો. બીજા દિવસે જામનગર ગયા ત્યારે મહારાજ પાસે આવીને છોકરો કહે, આ મહારાજે જ મને બચાવ્યો હતો. મહારાજ કહે, હું જામનગર છું તો તને ત્યાં આવી કેમ બચાવું ? છોકરો કહે, આગળ ટયુબલાઈટ ચાલુ હતી એમાં તમારું મોઢું મેં જોયું હતું તે તમે જ હતા. પછી મામા સમજી ગયા કે, મહારાજે જ રક્ષા કરી છે.