પરચા ૩૧

અનાદિ મુક્તરાજ તુલસીભગત મનજીભગત મકવાણા

જામવંથલી, હાલ- પૂના

પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી તુલસીભગતનો જન્મ જામવંથલીની પવિત્ર ભૂમિ પર થયો હતો. નાનપણથી જ તેમનું જીવન ધર્મમય ભક્તિમય અને સેવામય હતું. મહારાજની તેમને શુદ્ધ ઉપાસના હતી. તેથી જ્યારે કોઈ પણ ભક્તો મળે ત્યારે વિશેષ મહારાજની સર્વોપરિપણાની વાતો કરતાં કે, જેમ ભગવાન રાજી હોય તેમ આપણે રહેવું અને સેવાભક્તિ કરવી જોઇએ.

તુલસીભગતને મહારાજે સ્વયં રાજી થઈ કંઠી પહેરાવી દિક્ષામંત્ર આપ્યા છે. તેઓ જૂનાગઢ મહારાજના જ્યારે દર્શન કરવા જતા ત્યારે મહારાજને ઉપયોગી વસ્તુ અર્પણ કરી, ચરણસેવા કરી ખૂબ રાજી કરતાં. મહારાજના આશિર્વાદથી તુલસીભગતને ત્યાં ધર્મેશ, ભાવેશ અને ઊર્મિલાનો જન્મ થયો હતો. સમય જતાં મહારાજના આશિર્વાદથી તુલસીભગત દુબઈ કમાણી અર્થે ગયા ત્યાં પણ શ્રીહરિ શરણાગતિ મંડળના મોટા મુક્ત ભક્તોના યોગમાં રહી ખૂબ સત્સંગ, કથાવાર્તા અને સેવાનો લાભ લીધો છે. મહારાજનો જૂનાગઢથી કોઈ પણ કાર્ય કરવા માટે સેવાનો પત્ર આવે તો એમાં તુલસીભગતે વિશેષને વિશેષ સેવાનો લાભ લઈ મહારાજને રાજી કર્યાં છે.

તુલસીભગતને તો મહારાજે ખૂબ દર્શન અને પરચા આપ્યા છે. પરંતુ એક અકસ્માતમાં તેઓ ધામમાં ગયા હોવાથી તેમના વિશેષ પરચાઓનો સંગ્રહ નથી થઈ શક્યો, પરંતુ મહારાજે તુલસીભગત દુબઈ હતા ત્યારે તેમના પર જે રાજીપાના પત્રો લખ્યા હતા અને ભગત ધામમાં ગયા પછી તેમના ધર્મપત્ની દયાબેનને મહારાજે જે આશ્વાસનનાં પત્ર લખ્યા હતા તે ખૂબ જાણવા અને સમજવા જેવા છે. આ પ્રસાદીપત્રો પરથી તુલસીભગત અને તેમના પરિવાર પર મહારાજનો ખૂબ રાજીપો હતો. તે સ્પષ્ટપણે જણાઈ આવે છે.

પ્રસાદીપત્ર ગ્રંથ ભાગ-૧માં તા.૯-૧ર-૧૯૭૮ના રોજ મહારાજે તુલસીભગત પર જે પત્ર લખ્યો હતો તે પત્રમાં મહારાજે સ્વયં એવું લખ્યું હતું કે, મોક્ષ સુધારવા માટે શ્રીહરિ શરણાગતિ મંડળ માટે આ અમારો અગત્યનો ઉપદેશ છે તેને સૌ વાચીને અને તેની કોપી કરીને સૌ ભક્તો પોતાની પાસે રાખજો. એ પત્રમાં મહારાજે એવું લખ્યું હતું કે, ભજન વધારે કરવું, કલ્પનાના ખોટાં વિચાર ના કરવા, ભજન વડે કલ્યાણ થાય, બધાં જીવો પાપમાં જ

છે, એ બધાં પાપ ભજનથી બળે, સમજણથી ભગવાનને સંત રાખવા, ગઈ ગુજરી જિંદગીના અફસોસ ન કરવા, ગયા દિવસો કામકાજો સંભારે તે સુખી ના થાય, પૃથ્વીના મેલને વર્ષો વર્ષ વરસાદ ધોવે છે, માણસ રોજ મેલને ધોવે છે, જૂના ઉકરડાને ખેડૂતો કાઢે છે, જૂના વિચારોને પ્રજા ત્યજે છે, જૂના રીતિ-રીવાજોને સમાજ ત્યજે છે, જૂના આચરણને સંતો ત્યજે છે, જૂની લૂંટને બહારવટિયા ત્યજે છે, જૂના દેવીધર્મને માર્ગીધર્મને, માતાધર્મને, લિંગધર્મને, કુ-રીતિને સારા સંસ્કારી જ્ઞાનીઓ ત્યજે છે, કાદવવાળા પગને બધાં ધોવે છે, કુસંગને સત્સંગી ત્યજે છે, ભટકતા થયેલી ભૂલોને શરણાગતો ત્યજે છે, જુવાનીના અનાચારને વૃદ્ધો ત્યજે છે, સૂર્ય-ચંદ્ર ગ્રહણને ત્યજે છે, સાચા જ્ઞાનીઓ અજ્ઞાનને ત્યજે છે અને ભગવાન મળે ત્યારે સંસારને ત્યજે છે એમ ભગવાનમાં ભળવું, સંસારને ત્યજવો. ઊંઘ લીધા પછી સવારે બધાનું સારું હો એમ ઈચ્છવું, નરસું તો ગયે દિવસે ભાગી ગયું. એમ હિમ્મતમાં આવી જવું.

બધી દુનિયાના માનવોને જીવનમાં કોક 'દી ભગવાન મળે છે. કાંઈ જન્મથી જ ભગવાન બીજા બાળક થઈને તેના ભેગાં જન્મતા નથી માટે પછીથી શુદ્ધિ થાય છે, અશુદ્ધિ ત્યજાય છે. ભક્ત થાય ત્યારે અભાવ, નિંદા, કુદૃષ્ટિ, દોષ, કાળી-મેલી નજર, અનાચારણ ત્યજાય છે. એમ ભક્તિભાવથી, દિવ્યભાવથી આ પ્રગટ ભગવાનને ભજીને કલ્યાણ સાધી લેવું. તન-મન-ધન ભગવાનનું છે, ભગવાને ભક્તને આપ્યા છે, ભક્ત તેને સાચવે, ભગવાનને સેવે, ભજન કરે, જપ-તપ-વ્રત ભજન વડે નિર્મળ થાય છે. સેવા-ભક્તિ વડે ધામમાં જવાય છે. માટે ભગવાનનો કેફ રાખવો.

તુલસીભગત ધામમાં ગયા પછી તેમના ધર્મપત્ની દયાબેન બંને દીકરા ધર્મેશ, ભાવેશ તેમજ દીકરી ઊર્મિલા સૌ ખૂબ જ દુઃખી અને નિરાધાર થઈ ગયા હતા. ત્યારે પણ જૂનાગઢ બેઠા બેઠા મહારાજે તે પરિવારના બાપની જેમ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. મહારાજે તા.૧૭-૧-૧૯૮૪ના રોજ પૂના ભક્તોને પત્ર લખીને ભલામણ કરી હતી કે, અમારા સેવક તુલસી મનજી મકવાણા એક્તિસડન્ટમાં ધામમાં ગયા છે તેથી બહુ જ દુઃખ, શોક થયો. તમે ભક્તો દયાદેવીને મદદ અને આશ્વાસન બંને આપજો. યથાશક્તિ શરણાગતિ મંડળે તેમને મદદ કરવી. તુલસીદાસ ધામમાં અમારી સાથે જ છે.

મહારાજે તુલસીદાસભગત ધામમાં ગયા પછી દયાબેનને પણ તા.૩-૧-૧૯૮૪ના પત્રમાં લખ્યું કે, સેવક- દયા તુલસી મનજી મકવાણા, ધર્મેશ, ભાવેશ, ઊમા શ્રીહરિ શરણાગતિ મંડળને આશિર્વાદ સાથે અમારા જય સ્વામિનારાયણ વાંચવા.

ઘણું અણઘટતું થયું, બહુ જ દુઃખ થયું, ભગવાન પણ કાગળો વાંચી વાંચીને રૂએ છે પણ તુલસીદાસ તુલસીદેવતાની પેઠે પ્રગટ ભગવાનનાં ચરણમાં છે. ધર્મેશ, ભાવેશ પ્રગટ પ્રભુના હૃદયમાં છે, ઘણું જીવો, ભાગ્યશાળી જલ્દી મોટા થાઓ, માતુશ્રીને ટેકારૂપ છો, સુખી હો, શોક ધીરે ધીરે મોળો પાડવો, પ્રગટની મૂર્તિ હૈયામાં જોતી રહેવી, સંસાર ખોટો છે, દુઃખ ઝાઝુ, સુખ થોડું, ઉપાધી મોટી એવો અફસોસ ભર્યો સંસાર છે. ભગવાન રાખે તેટલું સુખ, ખામી હોય તેટલું દુઃખ, માટે મુક્ત જેવી આનંદિત સ્થિતિમાં રહેવું, ભગવાનની મરજીને કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં, માટે મન ધીરજવાળું કરવું, દુનિયાના સંબંધો સ્વાર્થના છે, તે રોવડાવે છે પણ ભગવાનનાં સંબંધો સુખિયા કરનારા છે તે વધારવા, સુખી થશો.

આમ સ્વયં ભગવાને આશિર્વાદ, આશ્વાસન અને ભક્તો દ્વારા સહકાર અપાવીને પણ પોતાના આ પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું છે. આજે મહારાજની આજ્ઞા પ્રમાણે આ પરિવારના ભક્તોએ મહારાજનું ખૂબ ભજન અને સેવા કરી તેના પ્રતાપે સુખી છે. દયાબાએ પોતાના બંને છોકરાને ભણાવવા જીવનમાં આગળ વધારવા ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ દુઃખ વેઠ્યું છે. એટલે તેમના આશિર્વાદથી ધર્મેશ, ભાવેશ બંને દીકરાઓ તેમજ દીકરી ઊર્મિલા પણ ખૂબ સુખી છે.

મહારાજના સંકલ્પના બ્રહ્મપેલેસ મંદિરમાં મધ્ય શિખરની સેવાનો લાભ લઈ આ પરિવાર વિશેષ મહારાજના રાજીપાનો પાત્ર બન્યો છે. તેમજ ભાવેશભગત પણ અત્યારે ફુલવાડી મંદિરમાં પ્રમુખ સ્થાને રહી ખૂબ સારી સેવાનો લાભ લઈ રહ્યા છે. ધર્મેશભગતે તિર્થધામ કુંકાવાવમાં તન-મન-ધનથી બ્રહ્મપેલેસ મંદિરના કાર્યમાં જે સેવા કરી છે તે અદ્ભુત છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી અને દયાબા તો જ્યાં પણ મહારાજના મંદિરોના તેમજ ઉત્સવોના કાર્ય થતા હોય ત્યાં યથાશક્તિ જરૂર સેવાનો લાભ લઈ મહારાજને વિશેષ રાજી કરે છે.

આમ આ મહારાજનો પરિવાર જેના દીકરા, દીકરી, પુત્ર, વહુ બધા જ રાત-દિવસ દરેક કાર્ય ભગવાનને સંભારીને કરે છે. પોતાના જીવનમાં મહારાજના પ્રસાદીના તિર્થો, મહારાજની આજ્ઞા, મહારાજના મુક્તો તેમને રાજી કરવામાં ક્યાંય સેવામાં પાછા પડતા નથી. મહારાજે લખ્યું છે કે, તકે રાજી કરે તે મોટા અભ્યુદયને પામે છે. એમ તુલસીદાસ ભગતનો આ પરિવાર સાચા અર્થમાં પરમધામમાં મહારાજની સેવાનો અધિકારી બન્યો છે.