અનાદિ મુક્તરાજ હરિલાલભગત વેલજીભગત ખોલિયા
જામવંથલી, હાલ- રાજકોટ
પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કાશીથી ભણીને આવ્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાયનું કાર્ય સંભાળ્યું. સૌથી પહેલાં મહારાજે જામનગર સ્વામિનારાયણ મંદિરના મહંત બની અને મંદિરના અધૂરા કામ બધા પૂરાં કર્યાં સાથે સાથે સત્સંગમાં વિચરણ ચાલુ કર્યું અને મહારાજ ઘણા વર્ષ જામનગર રહ્યા. જામનગરથી મહારાજ જામવંથલી અવારનવાર આવતા અને ત્યારે મહારાજ પાસે મે કંઠી બંધાવી ત્યારે મારી ઉંમર બાર વર્ષની હતી. ત્યારથી હું મહારાજના પરિચયમાં હતો. મહારાજ જામવંથલીના સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. અમોએ મહારાજની સેવા ખૂબ કરી છે. ત્યારથી મહારાજ અમારા પર ખૂબ રાજી રહેતા અને ધીમે ધીમે પોતાના ભગવાનપણાની ઓળખાણ આપતા ગયા. તે વખતે જામવંથલીના ભગવાનને ઓળખવાવાળા ઘણાં ભક્તો હતા.
શ્રીહરિ શરણાગતિ મંડળમાં વધારે ભક્તો જામવંથલીના હતા. તે વખતે મહારાજનો રાજીપો પણ અઢળક અને મહારાજનો ઉતારો મંદિરની મેર્ડીપર હતો અને ક્યારેક ક્યારેક મહારાજ પોતાની ભગવાનપણાની વાતો કરતા અમને ખબર ન પડતી કે, મહારાજ આમ કેમ કહે છે ? પણ પછી ધીમે ધીમે અમને મહારાજે પોતે ભગવાન છે તેની ઓળખાણ આપીને પાકા કરી દીધા.
મહારાજ જામનગરથી આવતા-જતા જામવંથલી આવે એટલે રાજી રાજી થઈ જાય અને વંથલીનું નામ પડે એટલે મહારાજ ગોઠણિયાભેર થઇને જામવંથલીના વખાણ કરતા.
મહારાજે જામવંથલીના બધા મકાનમાં પધરામણી કરી બધું પાવન કર્યું છે. જામવંથલીની સીમ, વાડી, ખેતરમાં ખૂબ વિચરણ કરીને બધું પ્રસાદીનું કર્યું છે અને બાજુનું ગામ ચાવડા તથા લાખાણી નાની આ બધા ગામ મહારાજના પ્રસાદીના છે.
મુક્તોને પરમધામથી પોતાનું મંદિર બનાવવા અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન પોતાની સાથે લાવ્યા. પ્રગટ ભગવાને જેમ કહ્યું તેમ ભક્તોએ કર્યું. પ્રગટ ભગવાનની આજ્ઞા પાળી તેના વચનમાં બરાબર રહ્યા તો બધા મંદિરના કામ બરાબર થઈ ગયા. ફુલવાડી મંદિરમાં ભક્તોએ સગવડતાએ પૈસા મોકલાવવાનું ચાલુ કરી દીધું. મહારાજની
આજ્ઞાથી ફુલવાડીની સેવા બરાબર ચાલુ થઈ ગઈ. મહારાજ અને ભક્તો રાજી થઈ ગયા અને ફૂલવાડીના શિખરનું કામ બરાબર ચાલુ થઈ ગયું. શિખરના કામ લગભગ જલ્દી પૂરા થઈ ગયા. સમયસર પૈસા પણ આવી ગયા. કોઠલા અને સિંહાસન બાકી હતા અને મહારાજે હિરાબાપાને જૂનાગઢ તેડાવી કહ્યું કે, હિરાભાઈ રિટર્ન ગાડી કરી મને જામવંથલી તેડી જાવ અને કોઠલા સિંહાસન ન થયું હોય તો કાંઈ નહીં શિખરનું કામ ભલે અધૂરું હોય મને જામવંથલી લઈ જાવ અને કડબના પાંચ પૂળા ઊભા કરીને હું ત્યાં ઊભો રહી જાવ અને મારી આરતી ઉતારી લ્યો. મહારાજને ધામમાં જવાનો સમય પૂરો થતો હોવાથી મહારાજને હયાતીમાં આ કામ કરવાનો વિચાર હતો પણ બાપા માન્યા નહીં મેં કહ્યું કે, મહારાજ પૈસાની ચિંતા નથી શિખર તૈયાર થશે પછી તમને બોલાવીને પ્રત્યક્ષ આરતી ઉતારી લેશું. મંદિરનું કાર્ય કરવાવાળા માન્યા નહીં. મહારાજની હયાતીમાં ઊભા રાખી આરતી ઉતારવી. આ કામ કરવાની મહારાજની ખૂબ ઈચ્છા હતી. પ્રગટ ભગવાન બધું સમજાવે છે તોય આપણે ઘણીવાર મહારાજની આજ્ઞા પાળતા નથી. નહીં તો પ્રત્યક્ષ ભગવાન જેમ કહે તેમ કરી લેવું જોઈએ, પ્રત્યક્ષ ભગવાન હાજર હોય ત્યારે કરેલું તે કાર્ય વિશેષ દિવ્ય હોય છે.
જેમ સાળંગપુરમાં સ્વામિનારાયણ ભગવાને કોલ આપ્યો કે, જેનું સાળંગપુરમાં મૃત્યુ થશે તેને હું અક્ષરધામમાં લઈ જઇશ. ગઢડાનું પણ તેવી રીતે છે. તેમ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાને પણ પરમધામ વંથલીમાં જે દેહ મૂકશે તેને હું મારા પરમધામમાં લઈ જઇશ આવો કોલ સ્વમુખે પ્રગટ ભગવાને આપેલો છે અને હજી તો આ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના સંપ્રદાયની શરૂઆત છે. બાકી તો ભવિષ્યમાં પરમધામ જામવંથલીનો વિશ્વમાં ડંકો વાગશે અને વિશ્વમાં ભગવો લહેરાશે. આ જામવંથલી પરમધામની લીલા જે પ્રગટ ભગવાને કરી અને ખોબા જેવડું જામવંથલી અને ક્યાં આ ૧૦ થી ૧ર એકરમાં પરમધામ મંદીર પ્રગટ ભગવાનના શ્રીહરિ શરણાગતિના ભક્તો બધા ગરીબ અને આવડું મોટું પરમધામ મંદિર ક્યાંથી બની ગયું. એ તો પ્રગટ ભગવાન ભેગા હતા તે જેમ કહેતા ગયા તેમ ભક્તો કામ કરતા ગયા. ત્યારે આવું દિવ્ય, ભવ્ય મંદિર બની ગયું અને પરમધામ ફુલવાડી મંદિરની વિષેશતાઓ તો જુઓ. બધું નવું- કિર્તન, નવા ઢાળ, નવી આરતી, નવા શાસ્ત્રો આ બધું બની ગયા પછી છતા પરોક્ષના ભક્તોને ખબર નથી કે, આના ભેળા કોણ છે ? કેવો મહારાજનો રાજીપો. આ બધા ભક્તો રોજનું કમાઇને ખાવાવાળા હતા પણ તોય તન, મન, ધનથી કેવું મંદિર બનાવી દીધું. આ એક કળિયુગનો મોટામાં મોટો પરચો
છે. પૈસા હોય સગવડતા હોય તો બધું થઈ જાય પરંતુ આ તો મહારાજના પરમ એકાંતિક સંતમુક્તોએ પોતાના પ્રાણ રેડીને આ મંદિર બનાવ્યું અને સંતો પોતાના, પૂજારી પોતાના, આચાર્યો પોતાના આમ બધું પોતાનું. પણ કોઈ પાણીદારનો દિકરો જોવાય આવ્યો નથી કે, આ પ્રગટ ભગવાને શું કર્યું ? આ પરમધામના ધણીની આજ્ઞા અને પ્રગટ ભગવાનનો સંકલ્પ હતો તે ફુલવાડી મંદિરનું બધું કાર્ય સમયે થઈ ગયું.
પ્રગટ ભગવાનની દયા તથા રાજીપો તથા પ્રગટ ભગવાનની આજ્ઞા અમારી ભેગી હતી તો આવડું મોટું ફુલવાડીનું મંદિર ભક્તો બનાવી ગયા, મંદિરનું કામ ચાલુ કર્યું ત્યારે ભક્તો પાસે કાંઈ ન હતું પણ જામવંથલીમાં પરમધામના પાતાળ પાયા નાખીને ભગવાને તેનું કામ કરી લીધું. ભક્તોએ મહારાજની આજ્ઞામાં ફેર પડવા દીધો નથી. મહારાજ જેમ કહેતા ગયા તેમ ભક્તો કરતા ગયા. પ્રગટ ભગવાનની કૃપાથી પરમધામ ફુલવાડીની જગ્યા પણ સેવામાં આવી ગઈ અને ધીરે ધીરે કામ ચાલુ કર્યું બરાબર મંદિરની રીત પ્રમાણે કામ થયું, પૈસા ક્યાંથી આવ્યા, સામાન ક્યાંથી આવ્યો તે ભગવાન જાણે. અમને ખબર નથી. તે પ્રગટ ભગવાન અંતરર્યામી દૃષ્ટિથી મંદિરનું કામ ચેક કરતા ગયા.
મંદિરનું શિખરનું કામ બાકી હતું ત્યારે બહુ વધુ પૈસાની જરૂર હતી. તેથી મંદિરનું કામ કરાવનારા હિરાબાપાનો કાગળ મારા પર આવ્યો ત્યારે હું બહેરીન હતો. મારા પર મંદિરનું અધૂરું કામ પૂરું કરવા ક્યાંથી ભક્તો પાસેથી સેવા ભેગી કરાવી ફુલવાડી મોકલાવજો. એમ પત્રમાં આજ્ઞા કરી. મેં વિચાર કર્યો કે, આટલાં બધા પૈસા ક્યાંથી લાવવા ? બુદ્ધિ પ્રેરક ભગવાન છે, તેમને બધી ખબર છે કેમ કરવું. પ્રગટ ભગવાનને આવડે તેવું કોઇને ન આવડે. તે મને અંતર્યામીપણે સમજાવતા ગયા. તે પ્રમાણે મારી પાસે બધા ભક્તોના સરનામા હતા તેના પર ક્યા ભક્તની કેટલી સેવાની કેપેસિટી છે તે જાણીને પંચવર્ષિય યોજના કરી નાખી અને ભક્તોની કેપેસિટી પ્રમાણે આકડાં ચડાવીને બસો ભક્તોનું લિસ્ટ બનાવ્યું અને ભક્તોના સેવા આપવાના પૈસા જ્યારે આપવાના હોય ત્યારે ૧ વર્ષમાં પૂરા કરે અથવા પાંચ વર્ષે પૂરા કરે તે ભક્તોને વિચારવાનું. આ બધું નક્કી કર્યું. ત્યારે ભગવાને ભગવાનનું કામ કરી લીધું અને ફુલવાડી માટે સેવાનો પત્ર મહારાજને જૂનાગઢ મોકલ્યો. મહારાજ એ કાગળ વાંચીને રાજી થઈ નાચવા લાગ્યા.
હું હરિલાલ વેલજી ખોલિયા ઈ.સ.૧૯૬રની સાલમાં મુંબઈ કામ કરવા આવ્યો ત્યારે આપણાં શ્રીહરિ શરણાગતિ મંડળના આઠથી દસ ભક્તો હતા. બીજા પણ મહારાજના
ગુણભાવ વાળા ભક્તો હતા. તે વખતે અમોએ મુંબઈ કાંદિવલીમાં મંડળની સભા ચાલુ કરી. ક્યાંય જગ્યા નહીં, મકાન નહીં અને ફરતી સભા ચાલુ કરી. ભક્તોના ઘેર જઈ સત્સંગ કરવો. આમ સભા કરતાં કરતાં મહારાજે દયા કરી તો એક આપણાં ગુરુભાઈ ધામમાં ગયા તેની રૂમ ખાલી હતી. તેના મોટાભાઈને વાત કરી કે, આ રૂમ અમારે મંદિર કરવા જોઇએ છીએ તમે આપો તો સારું. તે વખતે બધા ભક્તો મજૂરી કરવાવાળા એટલે કોની પાસેથી પૈસા લેવા અને તે વખતે એ લોકો એટલે શ્રીહરિ શરણાગતિ મંડળના ભક્તોએ મહિનાના રૂ.પ કાઢવા તેવા લવાજમની ગોઠવણ કરી પણ મંદિર માટે રૂમ લેવી હતી તે વાત પાકી હતી. પછી તે કેશવજી ડાહ્યાના મોટાભાઈ મોહનભાઈ ડાહ્યાભાઈ રૂમનો કબજો તેની પાસે હતો. પછી એમને વાત કરી કે, આ તમારા ભાઈની પ્રસાદીની રૂમ છે તે અમારે શરણાગતિ મંડળને મંદિર માટે રૂમ જોઇએ છે. મોહનભાઈ મહારાજની ઓળખાણવાળા હતા તો વાત કરી કે, અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું મંદિર બનાવવાનું છે પણ કોની ઘેર જઈ મહારાજનો સત્સંગ કરવો ? માટે તે મંડળને રૂમ આપવા રાજી થઈ ગયા અને અમોએ તે રૂમ રૂ.ર૦૦ ડિપોઝિટમાં રાખી અને મહારાજનું મંદિરે ભજન કરવાનું શરૂ થઈ ગયું. પછી ધીરે ધીરે તે રૂમમાં અમોએ બહુ જ ખર્ચ કર્યો. સગવડતાએ પછી મંદિર તૈયાર કરીને મહારાજની મૂર્તિ પધરાવવાની હતી તે મૂર્તિનો ઓર્ડર કોઠારી સ્વામીને જામનગર મૂર્તિ બનાવવા માટે આપી. મૂર્તિ સારી બનાવી. પછી તે મૂર્તિ લઈ હેમંતભગત આવ્યા અને હવન કરી વિધિ કરીને મહારાજની મૂર્તિ પધરાવી અને બધાને સમૂહ મહાપ્રસાદ જમાડીને રાજી કરી દીધા પછી ધીરે ધીરે બધા ફેરફાર કરી નાખ્યા પણ પ્રગટ ભગવાન ભેગા હતા તો કામ થઈ ગયું. મહારાજની દયાથી ગમે તે કામ પૂરું થઈ જતું.
મંદિરના કામ કરવા હોય એટલે હું હરિલાલ વેલજી તથા કેશવજી હરિ બંને નક્કી કરીને કામ કરી લેતા. પછી ધીરે ધીરે બધા ભક્તોને આનંદ આવી ગયો. મુંબઈમાં રોટલો મળે, ઓટલો ન મળે. પણ તે વખતે એકદમ સસ્તામાં મંદિર થઈ ગયું અને ધૂન-ભજન, કથા-વાર્તા ચાલુ કરી દીધા અને ત્યારે ભક્તોનું વિદેશમાં જવાનું ચાલું હતું તો ભક્તોના ઉતારા પણ મંદિરમાં જ હતા. બે-ચાર દિવસ મંદિરમાં રોકાય અને નક્કી થાય એટલે પ્લેનમાં બેસી વિદેશ જતા. ભક્તોને પણ ખૂબ આનંદ આવી ગયો. તે વખતે મહારાજે એટલું બધું બળ મૂક્યું હતું કે, મંદિરનું ગમે તે કામ હોય અમો ભક્તો સાથે મળી કરી નાખતા.
આ મંદિર કાંદિવલીમાં થયા પછી મહારાજ ખૂબ રાજી થયા અને મને અને
કેશવજીભગતને ફુલવાડી ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી બનાવી દીધા. ત્યાર પછી તો યથાશક્તિ ખૂબ ફુલવાડી મંદિરની પણ સેવા કરી. મુંબઈ કાંદિવલી મંદિરની મૂર્તિ પધરાવ્યા પછી મારે વિદેશ જવાનું નક્કી થયું. પણ અહીં મંદિરમાં બધું નવું. માટે સેવા-પૂજા- આરતી કરવા, થાળ જમાડવા, મંદિર સાફ રાખવા કોને કહેવું ? મંદિર તો બની ગયું પણ તેને ચલાવવું કેમ ? કોઈ સેવા કરવાય ન આવે. હું મુંબઈ હતો ત્યારે મારે કામે જઈ આવી પછી બધી સેવા, પૂજા, આરતી બધું કરી લેતો. વિદેશમાં જવાનું થયા પછી મોટી ચિંતા મંદિરની કે, હવે મારે વિદેશ જાવું છે અને મંદિરનું શું થશે ? તેની ફિકરમાં ચિંતા થયા રાખે. મેં મારા ઘરવાળાને વાત કરી કે આમ વાત છે. હું વિદેશ જાઉં છું. મંદિરની સેવા કોણ કરશે ? તમે કરશો તો અમારા ઘરવાળામાં મહારાજ વસી ગયા અને મને કહે તમે મંદિરની ચિંતા છોડો. જ્યાં સુધી કોઈ ભક્ત નહીં સંભાળે ત્યાં સુધી બધું હું સંભાળી લઇશ. પછી એક વરસ અમારા ઘરવાળાએ મંદિરની બધી સેવા કરી અને મહારાજ અને ભક્તોને રાજી કરી દીધા અને ત્યાર બાદ તો મંદિરની બાજુમાં રહેવાવાળા આ ભક્તોએ પણ મુંબઈના મંદિરની સેવા સંભાળી લીધી. તો બહુ જ જલ્દી મંદિરનું કામ થયું.
ભગવાન રાજી થયા, ભક્તો રાજી થયા. આનંદ આનંદ થઈ ગયો અને હેમંતભગત મૂર્તિ પધરાવવા આવ્યા હતા તે પણ અઠવાડિયું રોકાયા તેથી ભક્તોના ઘેર કથા-વાર્તા અને સમૂહ ભજનનો ખૂબ લાભ લીધો અને હેમંતભગત પણ રાજી થઈ ગયા. મંદિર તૈયાર થયા પછી પૂના મંડળ આવતું જતું થઈ ગયુ પછી ભજનની જમાવટ કરી અને ભક્તો બધા રાજી થઈ ગયા. પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ભક્તો પર ખૂબ રાજી થયા ખૂબ બળ આપ્યું તો આ કામ થયું.
મુંબઈ કાંદિવલીમાં પ્રગટ ભગવાનની ઈચ્છાથી તેમજ પ્રગટ ભગવાનના સંકલ્પથી મંદિર તૈયાર થઈ ગયું. બરાબર ચાલંુ થઈ ગયું પણ મંડળનું નામ શું રાખવું તે કોઇનેય ખબર નહીં. કાંઈ પૈસાનો વહેવાર કરવો હોય મંદિરની પહાગચ ફાડવાની હોય તો બધુ ક્યા નામથી કરવું ? પછી ભક્તોએ મહારાજને જૂનાગઢ કાગળ લખ્યો. મહારાજ મંદિર બરાબર ચાલુ થઈ ગયું પણ મંડળનું નામ શું રાખવું ? તે અમો કેવી રીતે નક્કી કરી શકીએ ? મહારાજને મંડળનો કાગળ મળ્યા પછી મહારાજે તરત જ કાગળ લખી અને મંડળનું નામ શું આપવું તે મહારાજે નામ લખીને મોકલાવ્યું. મહારાજ કહે, મેં ક્યારનું નક્કી કરી રાખ્યું છે. તમારો કાગળ અથવા સમાચાર આવે પછી હું મંડળનું નામ મોકલાવું. પછી મંડળનું
નામ ‘શ્રીહરિ શરણાગતિ મંડળ' આ નામ મહારાજે મોકલાવ્યું અને મંદિરનો બધો વહીવટ પણ મંડળના નામે બરાબર ચાલુ થઈ ગયો. ભલે અમો મૂડી વગરના હતા. અમારા પાસે પૈસાની બેલેન્સ કાંઈ નહીં પણ પ્રગટ ભગવાન અને તેની આજ્ઞા પ્રગટ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી આ પ્રગટ ભગવાન મહારાજને રાજી કરી દીધા. આ બધંુ પ્રગટ ભગવાનના રાજીપાનું ફળ છે. પછી તો મહારાજ રાજી થઈ ગયા ભક્તોને વિદેશ મોકલ્યા તો મંદિરના અને પ્રગટ ભગવાનના કામ પણ થઈ ગયા અને તે દરમ્યાન મહારાજે જૂનાગઢ મંદિરમાં પોતાના બાલમુકુંદ ભવનનું કામ ચાલુ કર્યું.
મહારાજના મકાન બાબતનો કાગળ વિદેશ મારા પર આવ્યો. પૈસાની સગવડતા ન હતી. એટલે મેં રૂ. ર૧,૦૦૦/-મહારાજના બાલમુકુંદ ભવન માટે તરત મોકલાવ્યા. મહારાજ ખૂબ રાજી થઈ ગયા. ઘરનું જેમ થાય તેમ થાય પણ મહારાજની સેવા કરવામાં, મહારાજના કામ કરવામાં કોઈ દિવસ મેં પાછીપાની નથી કરી. વિદેશમાં નોકરીમાં પગાર બહુ સારા હતાં અને ગામમાં પણ કામ રાખીને કરતો પણ આ કામ કરીને પ્રગટ ભગવાને વિશેષ રાજી કરી લીધા.
મોટી કુંકાવાવમાં બસ સ્ટેન્ડ પર મહારાજનું મંદિર બનાવી અને મૂર્તિ પધરાવવાની હતી તે બધી જવાબદારી શ્રીહરિ શરણાગતિ મંડળની હતી. ઈ.સ.૧૯૭પમાં બસ સ્ટેન્ડ પર મહારાજની મૂર્તિ પધરાવવાનું નક્કી કર્યું. અમારે કુંકાવાવ સમૈયો કરવા આવવું હતું પણ મારી પાસે સિલકમાં ઝીરો બેલેન્સ. મારી પાસે પૈસા હતા જ નહીં જાણે કેમ મહારાજ મારી પરીક્ષા કરતા હોય. મેં ઘરવાળાને વાત કરી. કુંકાવાવ મહારાજની મૂર્તિ પધરાવવા જવું છે તો પૈસા નથી કેમ કરશું ? મેં વાત કરી તમારી પાસે સોનુ છે. તે આપો એને વેચીને જે પૈસા આવે તે મારે સમૈયાની સેવામાં પણ થોડા કામમાં આવી જાય. મેં કહ્યુંં, જેટલા તોલા આપશો તેટલું થોડા મહિનામાં ડબલ કરીનું સોનું પાછું આપવાની વાતચીત કરી. પછી ઘરવાળાની મંજૂરી અને ઈચ્છાથી થોડું સોનું વેચી નાંખ્યું પછી પૈસા લઇને સમૈયો કરવા ગયા અને ધામધૂમથી સમૈયો થઈ ગયો અને અમો શ્રીહરિ શરણાગતિ મંડળના ટ્રસ્ટી ખીસામાં એક પૈસો ન હતો પણ ધામધૂમથી સમૈયો કર્યો અને મહારાજ રાજી રાજી થઈ ગયા અને ત્યાર પછી મુંબઈમાં જ એક કામ મળ્યું. કામ સારા ભાવનું હતું તો એમાંથી કમાઈને અમારા ઘરવાળાને સોનું પાછું આપી દીધું અને હિસાબ ચૂકતે કર્યો. તે પ્રમાણે ભગવાનનું કામ પણ અમોએ બળમાં રહી ધામધૂમથી બધા મહારાજના કામ કર્યા.
બસ સ્ટેન્ડના મંદિરની જાળી, ગ્રીલ તથા દરવાજા બનાવી દીધા. એ બધી સેવા મારી છે. મંદિર તૈયાર થયા પછી બધું બરાબર ચાલુ થયા પછી પાછું બસ સ્ટેન્ડના મંદિરમાં બહુ મોટો ફેરફાર કર્યો તેમાં પણ તેના બારી, દરવાજા તેમજ ફર્નિચરની સેવા હરિલાલ વેલજી ખોલિયાની છે. ૬૦ વર્ષ બધે ફરીને બધા દેશ-વિદેશના કામ ઘણાં કર્યા, ખૂબ કમાયા. મહારાજે કમાણી પણ સારી એવી આપી હતી. પણ બધું મહારાજ લેખે કર્યું. અમારા માટે ખાલી ખાવા-પીવા તથા વહેવાર માટે. બાકી બધું મહારાજનું મારું કાંઈ નહીં. મનમાં નક્કી જ કર્યું હતું. મહારાજ સારાવાના કરે એટલે બધું મહારાજને આપી દેવું છે. તે પ્રમાણે જ વહેવાર કર્યો. બધા અમારા સગાવહાલા આપણાં ગુરુભાઈ બધા વિચાર કરે છે કે, હરિભાઈને કમાણી સારી છે અને પૈસા ક્યાં નાખે છે. બહેરીનમાં નોકરી બદલ્યા પછી ડબલ પગાર થઈ ગયો અને મારા પગારમાંથી મહિને પગાર થાય એટલે એક હજારનો ડ્રાફ્ટ બનાવી મહારાજને જૂનાગઢ મોકલી દેતો અને મહારાજ અહીં રહ્યા ત્યાં સુધી મેં તે હજાર રૂપિયાની સેવા ચાલુ રાખી. મહારાજ મને પરમધામમાંથી પોતાના કાર્ય કરવા માટે લાવ્યા હતા તે બરાબર મહારાજના વચનમાં વિશ્વાસ રાખી મહારાજનું કામ કરી હયાતીમાં મહારાજને રાજી કરી લીધા.
છેલ્લે મહારાજને ધામમાં જવાનો સમય આવ્યો. તે પહેલાં ત્રણ મહિના અગાઉ હું છૂટ્ટી પર દેશમાં આવ્યો હતો. મહારાજ કહે, ભલે આવ્યો તું બહેરીનથી પણ મને મળીને જાજે. મેં કહ્યું, બહું સારું મહારાજ. મહારાજે મને ફુલવાડીની ભલામણ કરી કે, દેશમાં આવ એટલે તારે ફુલવાડી સંભાળી લેવાની છે. મહારાજના વચન પર હું થોડો સમય ઘેર રોકાયોને બાલકૃષ્ણની બાની તબિયત ખરાબ થઈ ગઈ, સારવાર કરતા સારું ન થયું અને પછી અમારા ઘરવાળાને મહારાજે દર્શન દઈ પરમધામ લઈ ગયા. પછી વર્ષો સુધી ફુલવાડીમાં રહી યથાશક્તિ સેવાનો મેં લાભ લીધો.
કુંકાવાવ પ્રગટ ભગવાનનો સમૈયો કર્યો ત્યારે મહારાજ ખૂબ રાજી થયા અને સમૈયો કરીને પાછા બધા ભક્તો જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ને ત્યાં ઉપર ભંડારને મેડે મંડળની સભા કરી બધી સમૈયાની વાતચીત કરી તે સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને મારી પાસે પૈસા નહીં હોવાથી મેં સોનું વેચી નાખ્યું તો ભક્તોને ખબર પડી તો ત્યારે ભક્તોએ મહારાજને વાત કરી કે, મહારાજ હરિભાઈ પોતાનું સોનું વેચીને કુંકાવાવ સમૈયો કરવા આવ્યા હતા. મહારાજ કહે, મારા માટે સોનું વેચ્યું અને મહારાજ ખૂબ વિચારમાં
પડી ગયા, મારા ભક્તો મારા માટે ગમે તે કરી છૂટે એવાય છે, એમાં શંકાને સ્થાન નથી. ત્યાર પછી મહારાજની ફુલવાડી મંદિરની સેવા પણ ખૂબ કરી અને મહારાજને રાજી કર્યા. જ્યારથી મહારાજ ઓળખાયા ત્યારથી મહારાજ રહ્યાં ત્યાં સુધી મહારાજની સેવા પેટ ભરીને કરી છે.
હું હરિલાલ વેલજી ખોલિયા ઇ.સ.૧૯૭૬ની સાલમાં વિદેશ બહેરીન ગયો, ત્યાં કંપનીના વિજાથી ગયો હતો. કંપની સારી હતી પણ પગારધોરણ બહુ જ ઓછું તેથી પગાર ઓછો હોવાથી કાંઈ બચત થતી નહીં. થોડા ઘણા બચે તે ઘેર મોકલવાના હોય કાંઈ ફુલવાડીની સેવા થાય નહીં. હવે વિચાર કર્યો કે, આમાં ગમે તેટલો સમય બગાડશું તો કાંઈ બચે તેમ નથી. મેં એક મારા બહેરીનના મિત્રને વાત કરી કે, ભાઈ આવી રીતે છે. કંપની સારી છે પણ કાંઈ કમાણીમાં ફાયદો થતો નથી. તો તમારી ઓળખાણ હોય તો કહો. મારે કંપની બદલવી છે અને બીજી કંપનીમાં જવાનો મેળ નહીં પડે તો હું દેશમાં ચાલ્યો જઇશ. તેમ વાત કરી તો મને કહે મારે ઓળખાણ છે અને હું તે ભાઈની મુલાકાત લઈને પછી વાત કરું. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં. તમે તપાસ કરો અને તે ભાઈ શું કહે છે તે મને જણાવો. તે ભાઈને વાત કરી અને કહે હું બહેરીન મિલિટ્રીમાં નોકરી કરું છું અને શેખ ઇસા મારો સંબંધી થાય તો તમને બહેરીન મિલિટ્રીમાં મિસ્ત્રી કામ કરવા માટે લગાડી દઉં. મેં કહ્યું, સારુ, પછી તે મિલિટ્રીના સાહેબે મને એક કાગળ લખી આપ્યો અને હું તેની ઓફિસમાં ગયો. તેની મુલાકાત કરી અને મને બહું પૂછ્યું પછી તેણે મને એક કાગળ લખી આપ્યો અને કહે અમારું મિલિટ્રીનું વર્કશોપ છે. ત્યાં તમારી ટ્રાયલ લેશે. ટ્રાયલમાં પાસ થશો એટલે કામે રાખી લેશે. ત્રણ દિવસ તમારે આવવાનું થશે. મેં કહ્યું, બહું સારું.
જુની કંપનીમાં હું રહેતો હતો પણ મારે મિલિટ્રીમાં જવાનું થયું એટલે કંપનીની રૂમ છોડવી પડે. કામકાજ અને ટાઈમ જામે નહીં. મારે ટ્રાયલ દેવા જવાનું હતું તે દિવસે મેં બહાર રૂમ લઇને મારો સામાન ફેરવી નાખ્યો અને કંપનીના મકાનને છોડીને હું બહાર મિલિટ્રીમાં કામે લાગી ગયો. ત્રણ દિવસની ટ્રાયલમાં પાસ થઈ ગયો અને બરાબર કામે લાગી ગયો. મેં કંપનીમાં ત્રણથી ચાર મહિના કામ કર્યું હશે પછી કંપની છોડી દીધી અને હું કાયમ માટે મિલિટ્રીમાં લાગી ગયો. મિલિટ્રીમાં લાગી તો ગયો પણ મારી પાસે પાસપોર્ટ નહીં, કંપનીનો લેટર નહીં, કારણ બધું ગેરકાયદેસર પછી મેં મહારાજને કાગળ લખ્યો કે, મહારાજ મેં કંપની છોડીને બીજી ગવર્નમેન્ટ નોકરીમાં જવા માટે નક્કી કર્યું છે. તમો કહો તેમ કરું. મહારાજ
કહે, નવી કંપનીમાં લાગી જાવ બધા તમારા કામ હું કરી દઇશ. એમ મહારાજે રાજી થઈ મને વાત કરી. એટલે મને મિલિટ્રીમાં કાયમી થવાનો ઓર્ડર આવ્યો અને કહ્યું, તારો પાસપોર્ટ લઈ આવ. કંપનીને પૂછ્યા વિના બીજી કંપનીમાં લાગ્યા એટલે કાંઈ ન મળે. પણ મારા પાસે ખાલી પાસપોર્ટની ફોટોકોપી હતી તેના પરથી મને પાસ કરી દીધો.
મહારાજે કેવી કળા વાપરી તે મહારાજ જાણે અને કંપનીએ મારો પાસપોર્ટ અને રિલીઝ લેટર બંને ગવર્નમેન્ટમાં જમા કરાવી દીધા. આ માણસ અમારી કંપની છોડીને જતો રહ્યો છે. આ માણસની જવાબદારી તમારી છે. તેમ લેટર લખીને આપી દીધો અને મને જે મિલિટ્રીનો સાહેબ લઈ ગયો તેનું વર્ચસ્વ બહુ હતું. કારણ કે, બહેરીનના રાજાનો ભત્રીજો થાય. મને કહે તારે જે કામ કરવું તે કરાવી લેજે, તારું કામ નહીં થાય તો હું તારું કામ કરાવી આપીશ. મેં કહ્યું, બહું સારું પછી મારે પાસપોર્ટ અને રિલીઝ લેટરની જરૂર પડી નવી કંપનીમાં આપવા માટે તો મેં શેખને વાત કરી કે, તેણે કહ્યું, તું ચિંતા કરતો નહીં તારું બધું કામ હું કરી દઇશ અને મને કહે આ મારું કાર્ડ તું તારી પાસે રાખ તને કોઈ નહીં પકડે. કોઈ પૂછે તો તારે કહી દેવાનું અને મારું કાર્ડ બતાવજે, તારું નામ કોઈ નહીં લે. એમ કરતાં કરતાં તે તો મોટો માણસ રાજાનો સગો-વહાલો તે ધારે તે કરી શકે કે પછી હું તેને થોડા થોડા સમયે તેની પાસે જઈ વાત કરું કે, મારા છોકરા નાના છે અને બહેરીનમાં મને સમય બહુ થઈ ગયો છે. મારે દેશમાં જવું છે. તેમ હું તેને વાત કરું પણ હા હા કરતા ચાર વરસ કાઢી નાખ્યા અને હું દેશ ન જઈ શક્યો. કારણ કે મારી પાસે કોઈ સબુત નહીં પછી વળી એક વખત તેની પાસે ગયો. મેં વાત કરી સમય વધુ થઈ ગયો છે મારે ઈન્ડિયા જવું છે.
પછી મેં મહારાજને કાગળ લખીને વાત કરી. મહારાજ કહે, તારું કામ થઈ જવાનું પણ ઉતાવળ કરતો નહીં, શાંતિ રાખજે. પછી મહારાજે તેને કહ્યું કે, શું થયું તે ખબર નથી પણ તે મને કહે, તું ફલાણા દિવસે આવજે મારો સેક્રેટરી તારા ભેગો તારી ઓફિસે આવશે. લેટર તથા પાસપોર્ટ લેવા માટે તેને ટાઈમ આપ્યો તે ટાઈમે હું ત્યાં હાજર થઈ ગયો અને તેનો સેક્રેટરી મને અમારી ઓફિસમાં લઈ ગયો અને અમારા મેનેજરને કહે, આ તમારા માણસને હું લઈ ગયો છું અને તે મારી પાસે કામ કરે છે. હવે તેનો લેટર તથા પાસપોર્ટ જોઈએ છે. તે મેનેજર કહે, હરિલાલનો પાસપોર્ટ તથા લેટર ઇમિગ્રેશનમાં બ્લેકલિસ્ટમાં નાખેલ છે તો મારા સાહેબના માણસને કહે હું ત્રણ દિવસમાં પાસપોર્ટ અને લેટર લઈ આવીશ. તમો પાછા મારી ઓફિસે આવીને લઈ જશો. ત્રણ દિવસ પછી ગયા અને પાસપોર્ટ અને લેટર
લઇને આવતા રહ્યા. આ એક કામ મહારાજે કર્યું. બીજું કામ પાસપોર્ટમાં ગવર્નમેન્ટની વિઝા લગાડવું. તે કામ પણ મહારાજ મારા ભેગા તેની ઓફિસમાં આવ્યા અને કામ થઈ ગયું. મને તો તેને ના પાડી તું કંપની છોડીને ગયો તેથી ગુનામાં છો. મહારાજે જે ઓફિસરમાં પ્રવેશ કરીને મારી વિઝા લગાડી દીધી અને મને કહે જા હવે બીજી વખત આવું કરતો નહીં. મેં કહ્યું, બહું સારું આવી ભૂલ નહીં કરું. જ્યાં વિઝાના કાગળ અને લેટર બધું લઇને બહાર નીકળ્યો ત્યાં મહારાજ સામે રોડ પર મારી રાહ જોઇને ઊભા હતા. હું મહારાજના દર્શન કરીને રાજી થયો મારું કામ થઈ ગયું. મહારાજ રાજી થઈ ગયા અને હું પણ રાજી થઈ ગયો. પછી પાસપોર્ટ ખલાસ થઈ ગયો હતો તે નવો બનાવીને નવા પાસપોર્ટમાં ગવર્નમેન્ટની વિઝા લગાવીને મને પાસપોર્ટ આપી દીધો અને હું દેશમાં ચાર મહિનાની છૂટ્ટી રિટર્ન ટિકિટ બધું લઇને હિસાબ લઇને આવતો રહ્યો. બધા ભક્તો પણ રાજી થઈ ગયા.
બહેરીનમાં એક મારા મિત્ર હતા અને તે ગુજરાતના પટેલ અને બહેરીનમાં ટેલિફોન ઓફિસર અને તે પાકો અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો આશ્રિત ભક્ત હતો. હું ક્યારેક ક્યારેક તે લોકોની શુક્રવારની સભામાં જતો એટલે આવવા-જવાના સંબંધો સારા થઈ ગયા. એકવાર એમને બંને માણસને કાંઈ વાંધો પડી ગયો તે એકબીજા બોલે નહીં. બેન મને ફોન કરે કે, હરિભાઈ તમે આવો અને અમારો વાંધો પતાવો. મે તે વખતે પટેલને વાત કરી તો કાંઈ જવાબ ન આપે. પછી મેં મહારાજને કાગળ લખ્યો. તે છુટ્ટી પર દેશમાં જવાના હતા અને મારે મહારાજના ફોટા મોકલવાના હતા. મેં વાત કરી પટેલ આ મેં મહારાજના ફોટા અલગ અલગ પોઝમાં બનાવ્યા છે. તે મારે મહારાજને જૂનાગઢ મોકલવાના છે, તમે જાવ છો તો આ ફોટા લેતા જાવ અને મહારાજને આપી દેજો.
તમને મહારાજના દર્શન પણ થઈ જાય અને તમારે જે કોઈ શંકા થતી હોય તો મહારાજ જવાબ આપશે. તો તે મને મહારાજના ફોટા લઈ જવા માટે ના ન પાડી શક્યા અને પ્રગટ ભગવાનના રાજીપાને પાત્ર થઈ ગયા. પટેલ જૂનાગઢ જઈ મહારાજને મળીને ખૂબ રાજી થયા અને ઘણી સત્સંગની વાતો કરી. મહારાજે તેમને સમજાવ્યા અને પટેલનું કામ થઈ ગયું. ફોટા મોકલ્યા તો મારું કામ અને ભગવાનનું પણ કામ થઈ ગયું.
બહેરીનમાં એક અક્ષર પુરુષોત્તમના ડૉક્ટર પ્રફુલ્લભાઈ વૈદ્ય હતા. અમે બધા ભક્તો તેને ઘેર તેની સભામાં પણ જતા. તેને પણ મારી સાથે સગાભાઈ જેવો સંબંધ, કાંઈ કામ કરવું હોય તો કરી આપે અને દવા આપે. બહુ મોટી ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં પોતે કમિશન પર
સર્જન ડૉક્ટર હતા. તેને ઘેર પણ અવારનવાર ઇદની છુટ્ટીમાં મહાપ્રસાદનો પ્રોગ્રામ હોય લગભગ બસો ભક્તોનું રસોડું હોય પણ રસોઈ બધી મારે બનાવવાની અને બધાને બરાબર જમાડવાના. એક વખત મહારાજની જન્મ જયંતિ હતી ને અમોએ તેને સવારની આરતીમાં તથા સહકુટુંબ ભોજન પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું અને તે આપણાં મહારાજનો જન્મ જયંતિનો ઉત્સવ જોઈ રાજી થયા. અમે લોકોએ પ્રવચન પણ કર્યા હતા. પોતે પૈસાપાત્ર ખૂબસુખી અને બહેરીનના રાજા સુધી આ ડૉક્ટર પ્રફુલ્લભાઈની ઓળખાણ પછી મહારાજે શું લીલા કરી તે તો મહારાજ જ જાણે.
પ્રગટ ભગવાન પ્રત્યક્ષ નહીં પણ દિવ્ય સ્વરૂપે પોતાના કામ કરી લેતા હોય છે અને ત્યારે પરમધામ ફુલવાડી મંદિરના કામ ચાલુ હતા ફુલવાડી મંદિરમાં પૈસાની ખાસ જરૂર અને મહારાજે ડૉક્ટરને શું સંકલ્પ કરાવ્યો તેમણે મને વાત પણ કરી ન હતી. જન્મ જયંતિએ આવી મહારાજના અને ભક્તોના દર્શન કરી રૂ.૧૧ હજારનો ચેક ફુલવાડી મંદિરના ખાતાનો આપ્યો અને અમો બધા ખૂબ જ રાજી થઈ ગયા કે, આ અંતરર્યામી ભગવાન પોતાના કાર્યો કેવી રીતે કરે છે. આમ પ્રગટ ભગવાન તેનું સારંુ થાય તે માટે સેવા લેતા હોય છે.
તે ડૉક્ટર બાપા સાથે મારે બહું સારો સંબંધ અને તેને ઘેર અક્ષર પુરુષોત્તમની સભા પણ થતી એટલે અમો લોકો આવતા-જતા અને જ્યારે તે લોકોની સભા હોય ત્યારે અમે શરણાગતિ મંડળ બધા સભામાં જતા અને ડૉક્ટરબાપાને બહેરીનમાં પોતાનું દવાખાનું હતું એટલે ભક્તોને દવા પણ સેવામાં આપતા અને મહારાજના કાગળ આવે એટલે ક્યારેક અમો મહારાજના કાગળ સભામાં વાંચતા ક્યારેક રતિલાલભગત મહારાજની વાતો કરતા એ સાંભળીને તેમને મહારાજમાં હેત થવા માંડ્યું. અમો બહેરીનમાં મહારાજના પરચા, ચમત્કાર અને જેમ સ્વામિનારાયણ ભગવાનને ચિન્હ હતા તેમ અમારા મહારાજને પણ ચિન્હો છે. તમો જશો એટલે તમને ચિન્હના દર્શન કરાવશે.
એમ અમો સભામાં વાત કરતા કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારા મહારાજ બહુ જ મોટા છે. કાશીમાં મહારાજે અભ્યાસ કર્યો છે. આવી વાતો પણ અમો કરતા એટલે એ લોકોને એમ થયું કે, દેશમાં જાશું એટલે ચોક્કસ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના દર્શન કરશું અને જૂનાગઢ જાશું. પછી તે લોકો મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજે અક્ષર પુરુષોત્તમ સંસ્થાની વાતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો કરી પછી મહારાજે પોતાના ચિન્હના દર્શન કરાવ્યા. તેની પાસે ફોટા પાડવાનો કેમેરા તેમજ બધા સાધન ભેગા
હતા તો તે વખતે આખી ફિલ્મ ઉતારી અને મહારાજે ડૉક્ટર બાપાને તથા તેના કુટુંબને રાજી કરી દીધા. અમે મહારાજની વાતો કરતા ત્યારે બાપાને એમ થતું હતું કે, આવા મોટા સંત છે તે હિસાબે તેની જાહોજલાલી હશે પણ મહારાજની સાદાઈ અને બધું જોયા પછી બાપા કહે આવડા મોટા ભગવાન જેવા સંત છે. પણ સાદાઈ કેટલી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદામાં રહે છે. પોતાની જરાય મોટાઈ મહારાજે બતાવી નહીં અને સંતની રીતે રહ્યા. પોતે સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે છતાય બધું સામર્થ્ય છૂપાવીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહ્યા તે જ તેમનું ભગવાનપણું બતાવે છે. એમણે મહારાજની સેવા સારી રીતે કરીને સારું કામ કર્યું હતું. માટે આ સેવા બાબતની અમે મહારાજને જાણ કરી હતી. એટલે મહારાજ વિશેષ રાજી હતા.
સમય જતાં મહારાજ સ્વેચ્છાએ સ્વધામ સિધાવ્યા. મહારાજના અગ્નિસંસ્કારનું કાર્ય પૂરું થયા પછી શ્રીહરિ શરણાગતિ મંડળે મહારાજ ધામમાં ગયા તે નિમિત્તે પાંચ દિવસની કથાનો પ્રોગ્રામ રાખ્યો અને મંદિરમાં જ નક્કી કર્યા પછી જૂનાગઢ મંદિરના સંતો, ભક્તો જે હોય તેમજ બહારથી આવેલા ભક્તો બધાનો રહેવાનો, જમવાનો તેમજ જૂનાગઢ મંદિરના સંતો-ભક્તો પાંચ દિવસનો બધો ખર્ચ શ્રીહરિ શરણાગતિ મંડળનો હતો. સાત દિવસ સુધી જૂનાગઢ મંદિરને શ્રીહરિ શરણાગતી મંડળે સંભાળ્યું હતું. બધી જવાબદારી મંડળની હતી. ૭ દિવસનો ટોટલ ખર્ચ શ્રીહરિ શરણાગતિ મંડળે કર્યો હતો અને બધાને રાજી કરી દીધા.
મહારાજ ધામમાં ગયા પછી દુઃખ તો બહું થયું પણ ભગવાન તો સ્વતંત્ર મૂર્તિ છે, તે ધારે તે કરવા સમર્થ છે. મહારાજ ધામમાંગયા પછી પણ મહારાજના દિવ્ય દર્શન, પ્રત્યક્ષ દર્શન ચાલુ હતા. મહારાજે એમ ભક્તોને જણાવવા દીધું નથી કે, મહારાજ પરમધામ ગયા પછી આપણું શું થશે ? તે સમય મહારાજે આવવા દીધો નથી. પ્રગટ ભગવાન ધારે તેમ કરે તે ભગવાન જ કરી શકે, તે બીજાનું કામ નહીં. મહારાજ ધામમાં ગયા પછી પોતાના ભક્તોને દર્શન સુખ, પરચા, દિવ્ય દર્શન બધુ ચાલું જ છે. આપણને એમ લાગે કે, મહારાજ ધામમાં ગયા જ નથી તેવો ભાસ થાય. મહારાજ ધામમાં ગયા પછી અમને એવું નથી લાગ્યું કે, મહારાજ ધામમાં ગયા પણ અમારા ભેગા જ છે અને જ્યારે યાદ કરો ત્યારે દર્શન આપે છે.