અનાદિ મુક્તરાજ જયંતિલાલભગત નાથાભગત ચુડાસમા
મોટી કુંકાવાવ
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ કુંકાવાવ જેવા મહાન તિર્થમાં થયો તેમજ પ્રગટ ભગવાનની મને પરિપૂર્ણ ઓળખાણ થઈ, એ મારા અહોભાગ્ય છે. જૂનાગઢ મહારાજના દર્શન કરવા મારે ઘણીવાર જવાનું થતું અને કુંકાવાવથી કોઈ ભક્તો જૂનાગઢ આવે તો મહારાજ પણ એમને મળીને ખૂબ રાજી થતાં. જૂનાગઢ જતા ત્યારે મહારાજની ખૂબ જ અનેક પ્રકારે સેવાના લાભ મળ્યા છે. મહારાજે અમારા જીવનમાં ડગલેને પગલે મારી અને મારા પરિવારના સૌ ભક્તોની ખૂબ જ રક્ષા કરી છે, દુઃખો દૂર કર્યાં છે અને સંકલ્પો પણ પૂરા કર્યાં છે અને સ્વહસ્તે મને મંત્રદિક્ષા આપી કૃતાર્થ કર્યો છે.
મહારાજની આજ્ઞાથી જે કોઈ પણ ભક્તો કુંકાવાવ દર્શને આવતા તો અમારા ઘરે જરૂર પધારતા અને અમે પણ ભક્તોને અમારા ઘેર જમાડી, રાખી રાજી રાખતા. આ રીતે મહારાજની સેવાની સાથે મહારાજના અનંત અનાદિ મુક્ત ભક્તોની પણ સેવાનો લાભ મને મારા ધર્મપત્નીને તેમજ દિકરા-દીકરીને ખૂબ મળ્યો છે.
મને ઈ.સ.૧૯૮૩ની સાલમાં છાતીમાં દુઃખાવા જેવું થયેલ જે મેં અમરેલી ડૉક્ટરને બતાવતા નિદાન કરી તેમણે કહ્યું કે, તમને હૃદયના વાલ્વની તકલીફ છે અને તમારા વાલ્વ સાંકળા થઈ ગયા છે. તમારે ગમે ત્યારે ઓપરેશન કરાવવું પડશે. અત્યારે હું તમને દવા લખી આપું છું તે ચાલું રાખશો જેથી સારું રહેશે. તે દવા અને રિપોર્ટ લઈ હું જૂનાગઢ મહારાજ પાસે ગયો અને ખોળામાં માથું મૂકી કહ્યું કે, મહારાજ મને આ દર્દની તકલીફ છે. જે ડૉક્ટરે કહેલ તે બધી વાત કરી તો મહારાજ મારી સામે જોઈ કહે કે, તારા કાન ઝીણા, તારી આંખો ઝીણી, તારું નાક ઝીણું તું ઝીણો તો તારા વાલ તો ઝીણા જ હોય ને. જો તારા વાલ મોટા હોય તો તું મોટો જાડો થઈ જાય. માટે અમો ભગવાને જે કરેલ હોય તે બરાબર હોય પણ સમય જતાં તમને ધીરે ધીરે સારું થઈ જશે. ચિંતા ના કરશો, સમયે સમયે અમે રક્ષા કરતા રહેશું.
હાલ ઓપરેશનના અત્યારે ઘણો ખર્ચ આવે તો તે તારી પાસે છે ? મેં ના પાડેલ કે મહારાજ એટલા રૂપિયા અત્યારે ક્યાંથી હોય ? પછી મહારાજે કહ્યું કે, હાલ તું આ રિપોર્ટ અને દવાની ચિઠ્ઠી ફાડી નાખ. તારે ફક્ત વજનવાળું કામ ન કરવું, વધારે ચાલવું નહીં
અને ખાવામાં નમક ઓછું રાખવું આટલી પરેજી રાખવી અને ૪૦ થી ૪ર વર્ષની ઉંમરે કોઈ સારા ડૉક્ટરની સલાહ લેવી. તે દિવસથી દવાના રિપોર્ટ ફાડીને પછી વચ્ચે આઠમના અહીં કુંકાવાવમાં મૂર્તિ પધરાવવાના સમૈયામાં ખૂબ નાચ્યા-કૂદ્યાને થાક લાગવાથી અમરેલી તાત્કાલીક દવાખાને જવું પડેલ ત્યાં ડૉક્ટરને બતાવી ત્રણ દિવસ સુધી સતત આરામની પરેજી પાળીને દવા લેતા સારું થઈ ગયેલ, પરંતુ ઇ.સ.૧૯૯૯માં વાસામાં પાછો સતત દુઃખાવો ઉપડેલ અને બધે અમરેલી, રાજકોટ, જામનગર બતાવતા ડૉક્ટર કહે કે આમને વાલ્વનું ઓપરેશન તો કરાવવું જ પડશે.
હું અને ગોવિંદજી મહારાજ તથા મારા સગા સાથે અમદાવાદ ગયા. ત્યાં સિવિલ હોસ્પિટલમાં ૧૮ દિવસ રોકાયા, પરંતુ દિવાળીના દિવસો આવતા હોવાથી ડૉક્ટર રજા પર ચાલ્યા જવાની બીકે રજા લઈ દવા લખાવી કુંકાવાવ આવી ગયેલ અને દિવાળી પછી મુંબઈના ભક્તોના આગ્રહને લઈને તથા ત્યાં અમદાવાદ કરતા વધારે સારું કામ થવાની આશાએ મુંબઈ ઓપરેશન કરાવવા માટે ગયેલા. મુંબઈ મહાવીર હાર્ટ રિસર્ચ સંસ્થા દ્વારા શાઈન હોસ્પિટલમાં રિપોર્ટ કરાવી ઓપરેશન કરાવવાનું નક્કી કરેલું. હોસ્પિટલમાં બરાબર મકરસંક્રાંતિના આઠ-દસ દિવસ પહેલાં એડમીટ થઈ સારવાર અને રિપોર્ટ ચાલુ કરેલ જે બરાબર મકરસંક્રાંતિના દિવસે સવારે ડૉક્ટર કહે કે, જયંતિભાઈ તમારું ઓપરેશન કાલે છે, આજે તો રજા છે, પરંતુ જો તમારાથી છ બોટલ લોહીનો બંદોબસ્ત સાંજ સુધીમાં થઈ શકે તેમ હોય તો કરો તો કાલે ઓપરેશન થઈ જશે. મેં ડૉક્ટરને થોડીવારે જવાબ આપવાનું કહીને ડાકોરવાળા પંડ્યાસાહેબને ફોન કરી વાત કરી કે, ભગત મંડળમાંથી સાંજ સુધીમાં છ બોટલ લોહી મળી શકે તો કાલે ઓપરેશનનો વારો આવી જાય તો તેમણે કહેલું કે, ભગત થોડું ખમો આજે સંક્રાતની સભા મલાડમાં છે હું ત્યાં જઈ ભક્તોને વાત કરું અને જો કોઈ આજે ત્યાં આવી શકે તેમ હોય તો પૂછી જોઉં, કારણ કે ત્યાંથી શાયન હોસ્પિટલ આવતા ત્રણ-ચાર કલાક લાગે.
તેમણે સભામાં જઈ વાત કરી કે, જયંતિભગતનું ઓપરેશન કાલે છે અને આજે લોહી દેવા જવાનું છે. અત્યારે જ જેમ બને તેમ જલ્દી થાય તો સારું. તો ભક્તોએ કહ્યું કે, આજે સભા નથી કરવી અને જ્યાં સભા હતી ત્યાં નાસ્તા માટે બનાવેલ બટાટાવડા પણ બીજાને પધરાવી દેજો. અત્યારે ભગતને લોહી આપવા જવું વધારે મહત્ત્વનું છે. તેમણે ફોન કરી મને ઓફિસમાં જાણ કરી કે અમો આજે જ લોહી આપીશું. પરંતુ અમો વહેલા-મોડા
પહાગચીએ તો તમારે લોહી લઈ લેવું પડે. તો ડૉક્ટરે હા પાડી કે રાતના ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં આવશો તો પણ લોહી લઈ લેશું. લોહી આપવા માટે ૧ર થી ૧પ ભક્તો હોસ્પિટલે સાંજે આવી લોહીનું ગ્રૂપ ચેક કરાવી લોહી આપવા માંડ્યા. તેમાં દિલીપભગત ખાખરી હડમતીયાવાળા જમ્યા વગર લોહી આપવા આવ્યા તેમને ચક્કર આવતા પડી ગયેલા તો ડૉક્ટરે કહેલું કે, ભલા માણસ અમોને કહેવું જોઈએ કે મેં ખાધું નથી. ભગત કહે કે, જો હું એમ કહું તો તમો મારું લોહી ન લો અને બીજાનું લઈ લો જેથી હું બોલ્યો નહીં.
ભગવાનની દયાથી પછી બધું સારું થઈ ગયું. ૧ર થી ૧પ ભક્તોમાંથી ૬ ભક્તોનું લોહી લઈ બે ભક્તોને સવારે વહેલા પાંચ વાગ્યે હોસ્પિટલે તાજું લોહી આપવાનું કહી ભક્તોએ વિદાય લીધી. બધા દર્દીઓ કહે કે, અહીં એક બોટલ પણ લોહી મળતું નથી તમે છ બોટલને બદલે બાર બોટલ લોહી મળી શકે તેમ હતું અને બધાનું એક જ ગ્રૂપ-બી પોઝિટીવ લોહી દઈ ભક્તો સવારે વહેલા ઓપરેશન વખતે તાજું લોહી દેવા માટે હકુભગત અમરાપુરવાળા અને નીતિનભગત મકવાણા હોસ્પિટલે આવ્યા. પછી ઓપરેશન થિયેટરમાં મને દાખલ કરી દીધો.
બધા ભક્તો નીતિનભગત, ધર્મેન્દ્રભગત, પંડ્યાસાહેબ, નરેશભગત, મનુભગત તથા બધા ભગતના ઘરેથી બૈરાઓ બધા મહારાજનું ભજન કરતા હતા. ત્યાં અચાનક વીજળી જેવો ઝબકારો થયો. મહારાજ છડીવાળી મૂર્તિનારૂપે ઓપરેશન થિયેટરમાં ગયા અને મહારાજે પોતે ઊભા રહી ડૉક્ટરને ચિંધીને ઓપરેશન કરાવ્યું. ઓપરેશન થઈ ગયા પછી ડૉક્ટર અમારી પાસે આવી બોલ્યા- ‘‘તમારા દર્દી કા તો કમાલ કા ઓપરેશન હુઆ, લકડીવાલા ખુદા સામને હી થા, ઉસને કહા ઔર મૈને ઓપરેશન કિયા-'' પછી બધા ભક્તોએ હોસ્પિટલમાં મહારાજની મોટે મોટેથી જય બોલાવી, હોસ્પિટલમાં શ્રીફળ વધેરી બધા ભક્તોએ પાણી પીધું અને બધાં ભક્તો પ્રસાદી સાથે જમ્યા.
આ રીતે મહારાજે મને નવું જીવન આપી ખૂબ જ રક્ષા કરી છે. પ્રગટ ભગવાન ઓળખાયા પછી આ મનુષ્ય જન્મમાં બસ એમની ભક્તિ અને સેવા યથાશક્તિ થયા કરે તેમજ મહારાજના અનાદિ મુક્તોનો રાજીપો અમારા પરિવારમાં મારા દીકરા નિખિલ તેમજ બંને દીકરી પારસ અને મિત્તલ પર કાયમ રહે એવી પ્રગટ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે.