પરચા ૬૯

અનાદિ મુક્તરાજ ચંદુભગત કરસનભગત મનાણી

જામવંથલી, હાલ- પૂના

મેં જામવંથલીમાં મહારાજ પાસે કંઠી બંધાવી હતી. હું નવમું ધોરણ અધૂરું મૂકીને પૂના મોટાભાઈ પાસે કડિયા કામ શીખવા ગયો હતો. ત્યાં મોટા ભક્તો વેલજીભગત અને દયાળજીભગત, મોટાભાઈ મોહનભગત, તુલસીભગત. આ મોટા ભક્તોના સમાગમ થકી મહારાજની ઓળખાણ વધતી ગઈ. આ પહેલાં મહારાજનો મહિમા તો હતો. અમે નાના દસ-બાર વરસના હતા ત્યારે અમે ફૂલવાડી જતા અને ત્યાં ધૂન-ભજન કરતા. પહેલાં સ્વામિનારાયણ મંદિરમાં ધૂન-ભજન કરી પછી આ ફુલવાડીમાં ભજન કરતા ત્યારે ત્યાં એક ડેરી હતી એમાં ચરણાર્વિદ પધરાવેલા હતા.

એકવાર મારા મધુબેને મને મહારાજ પાસે મોકલ્યો કે, કંઠી લેતો આવ. હું સ્વામિનારાયણ મંદિરે ગયો ત્યાં મહારાજ ઉપરના માળે ઢોલિયા પર બિરાજમાન હતા. મેં કહ્યુંં, મહારાજ મારા બેને કંઠી મંગાવી છે એટલે મહારાજ નીચે આવ્યા ને મને સાકરનો ગાંગડો આપી કહ્યું આ સાકરનો ગાંગડો ખાઈ જા ત્યારે ઘરે મારા બેનને પણ દર્શન આપ્યાં હતા ને મેં કંઠી લઇને મારા બેનને આપી ત્યાર પછી હું પૂના ગયો ને ત્યાં આ ભક્તોના રંગમાં રંગાઈ ગયો. ત્યાં હું કામ કરતો. મારા ભાઇને પંદર રૂપિયા હાજરી મળતી હતી અને મને બે રૂપિયા હાજરી મળતી ત્યારે મારા સોએક રૂપિયા ભેગા થયા હતા.

ઇ.સ. ૧૯૭પમાં કુંકાવાવમાં પાદરે મહારાજની મૂર્તિ પધરાવવાની હતી એટલે ત્યાં ઉત્સવ હતો ત્યારે મોટાભાઈ કહે તારે કુંકાવાવ આવવું છે તો તારા રૂપિયા તને આપું અને ન આવવું હોય તો તારા રૂપિયા બા-બાપુજીને આપી દઉં. ત્યારે મેં કહ્યું હું નથી આવતો એ રૂપિયા બા-બાપુજીને આપી દેજો. એમ કહી હું ઉત્સવ-સમૈયામાં ગયો નહીં અને એ રૂપિયા બાપુજીને આપ્યા ત્યારે કુંકાવાવના પાદરે ઉત્સવ હતો. ત્યારે અહીં પૂના મોટાભાઈના ઘરે જમીને ફુગેવાડી મંદિરે આગળની રૂમમાં નાની બેન અને રામજી જેઠા રહેતા હતા ને પાછલી રૂમમાં મંદિર હતું તે હું મંદિરમાં સૂતો. ત્યારે નવ વાગ્યા હશે ને મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની અને મહારાજના ચરણાર્વિદની મૂર્તિ પધરાવી હતી. ત્યારે મંદિરમાં દિવાલ પર સ્વસ્તિક અને રાધાકૃષ્ણના દર્શન થયા ત્યારે મેં પાનીબેનને કહ્યું કે, તમને કાંઈ દેખાય છે ? એટલે પાનીબેન કહે- હા સ્વસ્તિક અને રાધાકૃષ્ણ દેખાય છે. પછી અડધી-પોણી કલાક થઈ

હશે ત્યાં દિવાલમાં લાલ-પીળા ઝબકારા દેખાયા, ધીમે ધીમે એ ઝબકારા ચારે દિવાલમાં દેખાયા હતા. ત્યારે મંડળમાં ભક્તોને ખબર પડી. બધા ભક્તો દર્શન કરવા આવ્યા ને આજુબાજુના ઘણાં લોકોએ દિવાલમાં કુંકાવાવ ઉત્સવના દર્શન કર્યા પછી મહારાજનો પત્ર આવ્યો. પૂના ફુગેવાડીએ દર્શન આપ્યાં છે. દર્શન કરી ઘણાં લોકો રાજી થયાં.

એકવાર હું રાજકોટ કડિયાકામ કરતો હતો ત્યારે લિફ્ટથી માલ-સામાન ઉપર લઈ જતા ત્યારે હું લિફ્ટની દીવાલમાં ચણતર કામ કરતો હતો ત્યારે મેં મજૂરને કહ્યું હતું કોઈ લિફ્ટ ચાલુ ન કરતા ત્યારે બાઈઓએ આવીને હેન્ડલ મારી લિફ્ટ ચાલુ કરીને એ ઉપર જતી રહી ને લિફ્ટ ઉપર ચઢી તે મને જે હડસેલો માર્યો કે હું સાઈડમાં પટકાઈ પડ્યો ને લિફ્ટ ઉપર ગઈ તો હું જે પાટિયા પર ઊભો રહી કામ કરતો તે પાટિયું ઉપર જઈ બેન્ડ વળી કાટખૂણો થઈ ગયું ત્યારે ત્યાં નરોત્તમભગત કાન્તિલાલ સાપરીયા મારા ભેગા કામ કરતા હતા. એમણે જોયું તો એને થયું ચંદુભગત લીફ્ટમાં આવી ગયા કે શું થયું ? ત્યારે કોન્ટ્રાક્ટર સહિત ઘણાં માણસો ભેગા થયા. પણ મહારાજની દયાથી મને કીડી ચટકો ભરે એટલું'ય વાગ્યું નહીં. આ બનાવની જાણ માટે મહારાજે મોટાભાઈ નેપાળ યાત્રા કરવા ગયા હતા ત્યાં દર્શન આપ્યાં કે, ચંદુને લિફ્ટમાંથી બચાવ્યો છે. એટલે મોટાભાઈ યાત્રા કરી આવ્યાને મને વાત કરી કરી, મને મહારાજે દર્શન દીધાં ને આમ થયું હતું ? મેં કહ્યું, હા સાચી વાત છે. આમ મહારાજે ઘણાં દર્શન આપ્યા છે, ઘણી રક્ષા કરી છે.

એકવાર મેં પૂનાથી મુંબઈ રહેવા રૂમ રાખી હતી. ત્યારે મારી સાથે અમરશી ગોપાલ મકવાણા રહે એમણે કહ્યું મારે મહારાજના ચરણાર્વિદના દર્શન કરવા છે એટલે અમે એક દિવસ જૂનાગઢ જવાનું ગોઠવ્યું. મેં કહ્યું, તું મહારાજને કેતો નહીં અને જો તને સામેથી દર્શન કરાવે તો તું ભગવાન માનજે એટલે અમે જૂનાગઢ ગયા. મહારાજ મંદિરમાં ચરણાર્વિદ પાસે માળા ફેરવતાં હતા. અમને ઉતારા-પાણી કરવા કહ્યું ને સાંજે મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ અમરશીભાઈને કહે ચિન્હોના દર્શન કરવા છે તો લે ત્યારે બેય દરવાજા બંધ કર ને મને કહ્યું હાથ સાબુથી ધોઈ ને આવ પછી અમે ચરણસેવા કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા ચિન્હોના દર્શન કરવા છે ને ? ઓલો બિલોરી કાચ લાવ, અમને બિલોરી કાચથી દર્શન કરાવતા ગયા. આ સ્વસ્તિક, ચક્ર, ધનુષ્ય એમ ચિન્હોના દર્શન કરાવ્યા પછી ખાપાના દર્શન કરાવ્યા પછી લક્ષ્મીજીના દર્શન કરાવ્યા. આમ મહારાજ અંતર્યામીપણે બધુ જાણીને પોતાનું ભગવાનપણું દેખાડતા હતા.

મારા લગ્ન થયા ત્યારે ઇ.સ. ૧૯૮રમાં અમે જૂનાગઢ મહારાજના દર્શન કરવા જામનગર થઈ જૂનાગઢ ગયા ત્યારે મહારાજે અગાઉ કોઠારી સ્વામીને બપોરે કહ્યું હતું કે મારા બે વરઘોડિયા આવે છે માટે એ બંને માટે જમવાની બે થાળી તૈયાર કરી રાખજો. અમે અઢી વાગ્યે પહાગચ્યા એટલે કોઠારીસ્વામીએ કહ્યું, મહારાજે પહેલા જ કહી રાખ્યું હતું કે બે થાળી પીરસીને રાખજો. એટલે અમે ઉતારે ત્રીજા માળે જઈ જમી લીધું.

એકવાર હું મહારાજના દર્શન કરવા ગયો ત્યારે મહારાજ સ્ટીલની મોટી રકાબીમાં ચા પીતા હતા ને હું પહાગચ્યો. મહારાજને દંડવત્-પ્રણામ કરી બેઠો. મહારાજની બાજુમાં પડખે ર૪ અવતારની મૂર્તિ અને બાલમુકુંદદાસ સ્વામીના ફોટાનો તખ્તો હતો એટલે મહારાજે ર૪ અવતારની મૂર્તિ બતાવી કહ્યું કે, આ વચ્ચે છે એ અને આ એક જ છે. એમાં એક રોમમાત્રનો ફેર નથી, આ તમે સમજજો.

એકવાર હું સાઉદિયામાં હતો ને મારા ઘરે ત્રીજું સંતાન પેટમાં હતું. એટલે મને વિચાર થયો કે જો બાબાનો જન્મ થાય તો બે દિકરા થાય તો આપણે નિરાંત. એમ વિચારતો વિચારતો સૂઈ ગયો. ત્યાં રાત્રો મહારાજે દર્શન દીધા કહ્યું, તારા ઘરે દિકરાનો જન્મ થશે. એટલે સવારે ઊઠીને મારા ભેગા માવજીભાઈ હતા એમને મેં વાત કરી મને મારા ગુરુએ દર્શન આપી કહ્યું કે તારે ઘેર દિકરાનો જન્મ થશે. તો એ ભાઈ કહે હજુ વાર છે હમણાંથી વાત કરતો નહીં હજુ તો બે મહિનાની વાર છે. પછી સમય જતાં અમારે ઘરે બાલકૃષ્ણનો જન્મ થયો.

અમે સાઉદિયામાં હતા ત્યારે મહારાજ પત્રો લખતા ને મહારાજે અમને એકવાર મંદિરમાં રાધા-રમણદેવ, સ્વામિનારાયણ ભગવાનના ૩૬પ દિવસના થાળ, આખા વર્ષની સેવાઓમાં અમને લાભ આપ્યો અને જૂનાગઢ મંદિરમાં સેવાવાળા બધાં ભક્તોની તખ્તીઓમાં નામ લખ્યા હતા અને બાલમુકુંદ ભુવનનું વાસ્તુ લીધું ત્યારે અમે સાઉદિયા હતા ત્યારે મહારાજે અમને સંભારીને અમારા ઘરનાને થાળી-વાટકો આપ્યા હતા.

આમ અમને મહારાજે તૃપ્ત કરી દીધાં છે અને ભગવાને જ્યાં જરૂર પડે ત્યાં દર્શન દીધાં છે, જ્યાં જરૂર પડે ત્યાં રક્ષા પણ કરી છે. આમ મહારાજ ભક્તોની સંભાળ બહું જ રાખતા.