પરચા ૮૪

અનાદિ મુક્તરાજ કાંતિભગત નરસીભગત રાઠોડ

જીરાગઢ, હાલ- સૂરત

અમારો પરિવાર જીરાગઢ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રસાદીના ગામનો એટલે પરંપરામાં વારસામાં જ ઘરમાં સૌને સત્સંગ હતો. જેથી સૌ સાથે મળી ધર્મમય, ભક્તિમય અને સેવામય જીવન પસાર કરતા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયનાં મૂળી મંદિરનાં તપસ્વી સંત એવા ગોપાલચરણદાસ સ્વામીની અમને આજ્ઞા હતી કે, કમાણીમાંથી ર૦મો ભાગ ધર્માદાનો કાઢજો. એવી આજ્ઞાથી અમે વિદેશમાં કમાવા ગયા હતા. પછી દેશમાં આવીને ધર્માદો જમા કરાવવા હું સ્વામી પાસે આવ્યો. મારી નાની ઉંમરમાં આવી સમજણ અને સેવા જોઈ સ્વામી ગળગળા થઈ ગયા અને મને કહ્યું, તને ભગવાનની મૂર્તિમાં પ્રત્યક્ષપણાનો ભાવ થાય છે ? મેં કહ્યું, ના મને પ્રત્યક્ષપણાનો ભાવ થતો નથી. એટલે સ્વામી કહે, હવે તું જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે જા અને મોટા શાસ્ત્રીજી મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીને મળજે. તને તેમનામાં પ્રત્યક્ષપણાનો ભાવ થશે. એમની આજ્ઞાથી હું મૂળીથી જૂનાગઢ આવ્યો. બપોરે ત્રણ વાગે પહાગચ્યો અને સ્વયંપ્રકાશ સ્વામીને મળ્યો ને કહ્યું, મારે મોટા શાસ્ત્રીજી મહારાજને મળવું છે. સ્વયંપ્રકાશ સ્વામી કહે, અત્યારે આરામનો સમય છે, ચાર વાગે આવજો. આમ કહ્યું ત્યાં મહારાજે દરવાજો ખોલ્યો અને મહારાજ કહે, હું તારી વાટ જોતો હતો, એમ કહી મહારાજે મને અંદર બોલાવ્યો. મહારાજને દંડવત્ કરી હું બેઠો અને મહારાજના હાથમાં પાણીનો લોટો હતો તે મહારાજે મોઢે માંડી પીધું અને આ પાણી હવે તું લઇલે એમ કહ્યું એટલે મેં મારી વોટરબેગમાં એ પ્રસાદીનું પાણી ભર્યું. પછી મહારાજ કહે, આ મારા મોઢાનું પાણી કેટલાયના દુઃખ ટાળશે માટે તને આપ્યું છે.

મહારાજ કહે, ઘરના સાથે છે. મેં કહ્યું, હા. તો પછી મંદિરમાં ઉતારો લઈ લ્યો અને પછી આવજે. હેમંતભગતે ઉતારો અપાવ્યો. આમ અમે જૂનાગઢમાં બે દિવસ રોકાયા હતા. ઉતારો કરી નિરાંતે મહારાજ પાસે ગયો. મહારાજ કહે, તારું નામ શું છે ? મેં કહ્યું, મારું નામ કાંતિલાલ. ત્યાં મહારાજે બે કાગળ મારા ખોળામાં મૂક્યા અને બોલ્યા. આ બે કાંતિલાલના કાગળ આવ્યા છે અને તું ત્રીજો કાંતિલાલ. પછી મહારાજે જાતીનું પૂછ્યું. મેં કહ્યું અમે કડિયા. મહારાજ કહે, તું કાંતિલાલને અમે કૃષ્ણવલ્લભાચાર્યજી, તું કાંતિલાલને

હું કૃષ્ણ, તું કાંતિલાલ અને હું કુંવરજી. તું કડિયોને હું કણબી. કેમ પણ બધું મેળે જ છે ને, તારી સાથે મને જામશે. તારી પાસેથી મારે ત્રણવાર સાંભળવું છે. તું મને સાચવીશને ? મેં કહ્યું હા. પણ હું તમને ભગવાન નહીં કહું. મહારાજ કહે કેમ નહીં કહે ? મેં કહ્યું, સાધુને ભગવાન ન કહેવાય. મહારાજ બોલ્યા, ભગવાનને ભગવાન જ કહેવાય. મેં કહ્યું, મહારાજ હું સંકલ્પ કરું તેમ કરજો, મહારાજ કહે એમ નહીં. તું આજથી પંદરમાં દિવસે દુબઈ જઈશ અને ત્યાં તને મારા ભગવાનપણાના દર્શન થશે.

આમ હું ખરેખર ૧રમાં દિવસે દુબઈ ગયો અને મહારાજે મને સાત વખત દર્શન દીધા. ગોપાલચરણ સ્વામીના મને આશીર્વાદ તે અત્યારે ભગવાન જેવા કહેવાય એવી સિદ્ધિવાળા સંતનો મારા ઉપર નાનપણથી રાજીપો, તેણે મને આશીર્વાદ આપ્યા હતા. તને રાધા-કૃષ્ણના દર્શન થશે તે મને માનસીપૂજામાં રાધા-કૃષ્ણના દર્શન થતા. આમ મને મહારાજે પણ રાધા-કૃષ્ણના દર્શન કરાવ્યા હતા ત્યારે મેં વિચલિત થઇને ખાધું પણ નહીં. તેથી મહારાજે દર્શન દઈ કહ્યું, ભૂખ્યું ન સુવાય તું ખાઈ લે. પછી હું અને મહારાજ જમવા બેઠાં તે એક ચમચી મહારાજ જમે ને એક ચમચી હું જમું. આમ મહારાજે બીજા ભગત ઉપર પત્ર લખીને સાક્ષી ભરી કે અમે કાંતિલાલને દર્શન દીધા છે અને કંપનીમાં પાછા ગયા છે.

મારા બાપુજી જૂનાગઢ ગયા ત્યારે મહારાજે તેને પણ કહ્યું, મેં કાંતિલાલને દર્શન આપ્યા છે અને એ કંપનીમાં પાછો ગયો છે, ચિંતા કરશો નહીં. ત્યાર પછી મને ફરીથી રાધા-કૃષ્ણના દર્શન થયા. મેં વિચાર કર્યો હું સ્વામિનારાયણનો સત્સંગી છું તો હે મહારાજ મને ઘનશ્યામ રૂપે દર્શન આપો. તેથી મને મહારાજે ઘનશ્યામરૂપે દર્શન આપ્યા. ઘનશ્યામ મહારાજે આંટીવાળી પાઘ પહેરી છે એવા મને દર્શન થયા. એવા આંટીવાળી પાઘ પહેરેલા ઘનશ્યામ મહારાજનો ફોટો મેં ક્યાંય જોયો ન હતો. આમ મહારાજે ઘનશ્યામ રૂપે દર્શન આપ્યા.

એક વખત મને અહીં દુબઈમાં તાવ આવ્યો તે તાવ કેમે કરી ઉતરે નહીં એટલે એમ થયું કે હવે હું ઈન્ડિયા જાઉં અને હું ઈન્ડિયા આવ્યો, તે મુંબઈમાં એરપોર્ટ ઉપર પગ મૂક્યોને તાવ ઉતરી ગયો, ત્યાંથી જીરાગઢ ગયો. મારા બાપુજી કહે, પહેલાં તું જૂનાગઢ મહારાજના દર્શન કરી આવ. એટલે હું જૂનાગઢ આવ્યો અને મહારાજ પાસે ગયો તે મહારાજ બોલ્યા. એરપોર્ટ ઉપર પગ મૂક્યો ને તાવ ઉતરી ગયો ને ? મેં કહ્યું, હા મહારાજ. મહારાજ કહે, મારે તને બોલાવવો હતો એટલે તાવ મૂક્યો, તે તું આવી ગયો. મેં મહારાજને દંડવત્ કર્યાં. ભક્તોએ મહારાજની સેવાના રૂપિયા આપ્યા હતા તે આપ્યાં અને ભક્તોએ મને કહ્યું હતું કે

અમારા વતી મહારાજને દંડવત્ કરજો. તે હું ભક્તો વતી એક પછી એક દંડવત્ કરવા લાગ્યો એટલે મને પરસેવો બહું વળ્યો. પછી મહારાજે ઊભા થઈને પંખા ચાલુ કર્યાં અને ભક્તોએ આપેલી સેવાના રૂપિયાનો હિસાબ કરી મહારાજને આપ્યા અને મહારાજ મને ભેટ્યા તેથી હું સાવ ઠંડો થઈ ગયો અને ધ્રુજારી ચડવા લાગી તે મહારાજે હેમંતભગતને કહ્યું, જલ્દી ચા મૂક.

હેમંતભગત ગરમાગરમ ચા લઈને આવ્યા મહારાજ ઊભા થયા અને રકાબી મને આપી. લે માંડ મોઢે અને કિટલી મહારાજે લીધી અને કહે લે ચા પી. તે મને થયું આ ગરમાગરમ ચા કેમ પીવી ? મહારાજ કહે, લે ચા પીવામાં કેટલીવાર ? તે હું રકાબીમાં મહારાજ ચા રેડે તે કિટલીમાંથી ગરમાગરમ ચા નીકળે અને મારા મોઢામાં ઠરેલી ચા આવે તેથી હું તો આભો જ થઈ ગયો. એમ કરતાં બે રકાબી ચા પીધી અને પછી મહારાજ બોલ્યા હવે તમે જીરાગઢ જાઓ કથા-વાર્તા કરજો, કંઠીઓ બાંધજો, અને મંડળ વધારજો. આમ આજ્ઞા કરી. મેં કહ્યું, મહારાજ મને કથા-વાર્તા ન આવડે કહો તો કિર્તન બોલું. મને કિર્તન બોલતા આવડે કથા-વાર્તા કરતા ન આવડે. ત્યારે મહારાજ પાસે રકાબીમાં લવિંગ હતા તે બધા મારા મોઢામાં નાખ્યા અને કહે, આ બઘા જ લવિંગ ખાઈ જા. એટલે મેં હાથ લાંબો કર્યો તો મહારાજ કહે એમ નહીં. આ મારા મુખમાંથી તારા મોઢામાં લઈ લે. એટલે મેં મહારાજનાં મુખમાંથી લવિંગ લઈને ખાધાં. પછી મહારાજ કહે, હવે જા તારાથી કથા થશે.

બીજા દિવસે સવારે મહારાજ પૂજા કરતા હતા અને હું દંડવત્ કરતો હતો ત્યારે મહારાજે ઈશારો કર્યો, પ્રદક્ષિણા ફરી લે અને કહે, હજી એક દંડવત્ કર અને સંકલ્પ કર કે, તારા કુટુંબનું કલ્યાણ થાય, આમ મારા કુટુંબ માટે સંકલ્પ કરી મહારાજને દંડવત્ અને પ્રદક્ષિણા કરી. મહારાજે ત્યારે મને ભગવી દિક્ષા આપી અને મહારાજે પહેર્યું હતું તે ગંજીયું આપ્યું. મને કહે આ પહેરી લે. હું અવરા-સવળું જોતો હતો ત્યાં મહારાજ કહે, એ ૩ર નંબરનું જ છે, પહેરી લે પછી મહારાજે પોતાની કંઠી ઉતારી મને પહેરાવી અને મંત્ર બોલીને મહારાજ બોલ્યા, "દુઃખીયો દેખી ના ખમાય દયા આણી રે, અતિ આકરા થાય અન્ન ઘન વસ્ત્ર રે, આપી ને દુઃખ ટાળે કરૂણા દૃષ્ટિ રે." આટલું બોલી કંઠી પહેરાવી પછી મહારાજ કહે, માળા કરશ ? મેં કહ્યું, હા. મહારાજ કહે, કેટલી માળા કરશ ? મેં કહ્યું, અગિયાર માળા. મહારાજ કહે, માળા કરતા શું બોલશ ? મેં કહ્યું, સ્વામિનારાયણ - સ્વામિનારાયણ. પછી મહારાજ કહે, હવે આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ મહામંત્ર બોલજે અને માળા કરજે. અને કોઇને કંઠી બાંધો ત્યારે આ મંત્ર આપજે. પછી મહારાજ જે માળા ફેરવતા હતા તે માળા મને આપીને કહ્યું, આ

માળારૂપી સુદર્શનચક્ર તું લઈ જા અને કોઈ આડી-અવળી વાતો કરે તારે કાંઈ બોલવાનું નહીં અને આ માળા ફેરવવાની. પછી તારે કાંઈ નહિં કરવાનું હું તારી રક્ષા કરીશ.

મહારાજે આ કંઠી, માળા, ગંજીયું અને મંત્રદીક્ષા મને નિર્જળા એકાદશીના દિવસે પ્રસાદીરૂપે આપ્યા. મહારાજે મારા છોકરાના નામ આપ્યા અને બોલ્યા, બે છોકરા છે અને હજી એક બાબો થશે અને તેનું નામ આપું. તે મહારાજે ત્રીજાનું નામ આપ્યું ઘનશ્યામ. ઘનશ્યામ કાંતિલાલ રાઠોડ અને એ છોકરાના નામની કંઠી આપી. ઘનશ્યામનો જન્મ ઇ.સ.૧૯૮૬માં થયો તે મહારાજે અગાઉ જ નામ આપ્યું હતું અને કંઠી પણ આપી હતી. મારા ઘનશ્યામના જન્મ પહેલાં મહારાજ સ્વધામ પધારી ગયા. આમ મહારાજે બધું અગાઉ જ કહી દીધું.

એક વખત અમે મહારાજ પાસે ગયા ત્યારે મનમાં થયું ગીરનાર ચડવો છે. મહારાજ કહે, ગીરનાર જોવો છે. મેં કહ્યું, હા. ત્યારે મહારાજે હથેળીમાં ગીરનાર બતાવ્યો. ફરી મનમાં થયું અહીં આવ્યા છીએ તો સિનેમા જોતા જઈએ. અંતર્યામી ભગવાન કહે, સિનેમામાં ભગવાન મળે ? મેં કહ્યું, ના મહારાજ. એ દિવસથી ક્યારેય સિનેમા નથી જોયું.

જૂનાગઢમાં આવ્યા ફરી મનમાં થયું અહીં આવ્યા છીએ તો બગીચામાં ફરી આવીએ. ત્યાં અંતર્યામી ભગવાન કહે, બગીચામાં ભગવાન મળે ? મેં કહ્યું, ના મહારાજ. આમ અંતર્યામી ભગવાને અંતરની વાત જાણીને મારા માયાના દોષો બહાર કાઢી નાખ્યા.

એક વખત એવું બન્યું કે, અમરશીભાઈ અમરનાથથી આવ્યા હતા. અમે મહારાજના દર્શને આવ્યા અને મહારાજને દંડવત્ કરતા હતા. તે મહારાજે અમરશીના પેટમાં લાત મારી. બીજા લોકો આ જોઈને આભા જ થઈ ગયા. ત્યારે અમરશીભાઈ કહે, મહારાજ તમે મને લાત મારી તે મારા પેટનો દુઃખાવો સાવ મટી ગયો. આમ મહારાજ મનુષ્યચરિત્ર કરીનેય દુઃખ મટાડતા ત્યારે અમરશીભાઈ કહે, મહારાજ આજથી હવે તમને નહીં ભૂલું.

એક વખત સાંજના સમયે આરતીનો ઘંટ વાગ્યો તે બધાં આરતીમાં જવા લાગ્યા, હું આરતીમાં જવા ઊભો થયો ત્યાં મહારાજે પાછળથી મારો બુશકોટ પકડી લીધો ને કહ્યું, ક્યાં જાશ ? મેં કહ્યું, આરતીમાં. મહારાજ કહે, ડેરામાં ભગવાન છે તો આ કોણ છે ? ડેરામાં તો મૂર્તિ છે પણ આ તારી સામે હાલતો, ચાલતો, બોલતો હું પ્રત્યક્ષ ભગવાન છું. આમ બોલીને ત્યારે મહારાજે મારી પાસે એમની આરતી ઉતરાવીને લાભ આપ્યો. પછી મહારાજ

કહે, પ્રગટ ભગવાન ભેળા રહેવું હોય તો પ્રગટને અનુરૂપ જ રહેવું, અનુવૃત્તિવાળી ભક્તિ ભગવાનને ગમે. ત્યાર પછી મહારાજની આજ્ઞા મુજબ કંઠી બાંધીયે છીએ તેમજ કથાવાર્તા દ્વારા અનેક ભક્તોને પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવીએ છીએ અને પ્રસાદીનું જળ જે મહારાજે આપેલું તે આપીયે છીએ અને ચોમાસામાં વરસાદનું પાણી ઝીલીને તેની બાટલીયું ભરી ને દુઃખીયાના દુઃખ ટાળીયે છીયે. મહારાજ સૌના દુઃખ ટાળે છે.

હું ૩ર વખત મહારાજ પાસે ગયો અને મહારાજે ઘણો રાજીપો વરસાવ્યો છે, મને મહારાજે જે કાંઈ પણ મને આપ્યું છે કે સત્સંગ કરાવ્યો છે તેના સાક્ષી હેમંતભગત છે. હેમંતભગત અને મહારાજનો સંબંધ ખરા અર્થમાં સ્વામી-સેવકનો સંબંધ કહેવાય.

અનાદિ મુક્તરાજ પૂજ્ય કાંતિલાલભગતે મહારાજની આજ્ઞા પ્રમાણે દરરોજ નિયમથી કથાવાર્તા કરી તેમના ‘‘ઇષ્ટ શ્રીહરિ શરણાગતિ મંડળ-શિષ્યમંડળ''ના ભક્તોમાં મહારાજનું ખૂબ જ ધર્મજ્ઞાન, સેવાભક્તિ અને ઉપાસનાનું બળ પૂરું પાડ્યું છે. તેમજ તે સૌ ભક્તોએ સાથે મળી રાજકોટમાં મહારાજના સુંદર હરિમંદિરનું નિર્માણ કરી નિયમથી કથાવાર્તા અને ઉત્સવ, સમૈયાનું આયોજન કરી વિશેષ સેવાભક્તિ દ્વારા મહારાજને રાજી કરે છે.

પૂજ્ય કાંતિલાલભગત મહારાજનું અખંડ સ્મરણ અને કથાવાર્તાનો લાભ આપતા આપતા પરમધામ સિધાવ્યા તે પહેલા જ એક પત્ર દ્વારા પોતાના મંડળના ઉત્તરાધિકારી તરીકે તેમના સુપુત્ર રાજેશભગતને નીમ્યા હતા જે વર્તમાન સમયમાં ખૂબ જ સારી રીતે તેમના પિતાશ્રીએ પૂરા વિશ્વાસ સાથે સાગપેલી તેમના મંડળ અને મંદિરની જવાબદારી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક નિભાવીને મહારાજ તેમજ મુક્તોને વિશેષ રાજી કરી રહ્યા છે. તેમના બીજા બે સુપુત્ર પ્રકાશભગત તેમજ ઘનશ્યામભગત આ ત્રણેય ભાઈઓને મહારાજે સ્વહસ્તે કંઠી બાંધી દિક્ષામંત્ર આપ્યા છે તેમજ દર્શનસેવાના પણ ખૂબ સુખ આપ્યા છે.

આમ મહારાજના પરચા-દર્શન-ચમત્કાર અઢળક થયા છે. ભગવાને પોતાનું ભગવાનપણું છલકતું બતાવ્યું છે. શરણાગતની રક્ષા કરનારા છે. મનના મનોરથ પૂરનારાં છે, આમ પ્રગટ ભગવાનનો જય જયકાર થાય એજ કામના છે અને બીજા જીવ પ્રગટ ભગવાનને ઓળખે એજ ભાવના છે.