અનાદિ મુક્તરાજ કાંતિલાલભગત મોહનભગત ખોલિયા
જામવંથલી, હાલ- સૂરત
મારી ઉંમર નાની હતી. હું ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા બાપુજી સાથે જામનગર ગયો ત્યારે જામનગર મંદિરમાં મહારાજ બિરાજતા ત્યારે અમે દર્શન કરવા ગયા. ત્યારે મહારાજના પ્રથમ દર્શન કર્યાં હતા. મહારાજ જામનગરથી જામવંથલી પધાર્યાં ત્યારે અમે દરરોજ મંદિરે મહારાજના દર્શન કરવા જતા ત્યારે મહારાજની ચરણસેવા કરી હતી અને અમારી નાની ઉંમર હતી પણ મહારાજ કહેતા તે મુજબ નાની મોટી સેવાઓ કરતા અને મહારાજ કથા કરતા તે અમે સાંભળતા.
મહારાજ જ્યારે જૂનાગઢ પધાર્યા ત્યારે અમે જામવંથલીથી જૂનાગઢ છ ભક્તો ચાલતા ચાલતા જૂનાગઢ ગયા હતા. ત્યારે દિવાળીના દિવસે જૂનાગઢ પહાગચ્યા અને બાલમુકુંદ ભવનમાં મહારાજના દર્શન કર્યા હતા. ત્યારે મહારાજે હાથમાં ચિન્હના દર્શન કરાવ્યા હતા અને ચરણમાં ઉર્ધ્વ રેખાના દર્શન કરાવ્યા હતા. ત્યારે હું જામનગર ભણતો હતો. રજાના દિવસોમાં મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં અમે દર્શન કરવા જતા અને મહારાજની કથા પારાયણો ચાલતી હોય તો ક્યારેક દર્શન કરવા જતા.
અમે એક વખત જૂનાગઢ દર્શન કરવા ગયા ત્યારે હેમંતભગત ચા લઈને આવ્યા એટલે મેં કહ્યું કે, હું ચા પીતો નથી. એટલે મહારાજ કહે, ચા એ કેફી પીણું ન કહેવાય. ત્યારે મેં ચા પીધી અને ત્યારથી ચા પીઉં છું.
જેમ મારા પર મહારાજની કૃપાદૃષ્ટિ હતી તે પ્રમાણે મારા ભાઈ પરષોત્તમભગત પર પણ મહારાજની વિશેષ કૃપાદૃષ્ટિ રહી છે. પરષોત્તમભગતનો અભ્યાસ ઓછો હતો પણ છતાંય મહારાજે તેને આશિર્વાદ આપેલા કે તને ઊંચી પોસ્ટ મળશે અને તું ખૂબ સુખી થઈશ. સમય જતાં પરષોત્તમભગતને અમદાવાદ ઇસરોમાં ખૂબ સારી પોસ્ટ મળી અને સુખી થયા ત્યારથી મહારાજના મંદિર તેમજ ઉત્સવોમાં સારી સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
મહારાજ ધામમાં ગયા ત્યારે હું ભરૂચ હતો અને ત્યાં સ્વામીએ વાત કરી કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ધામમાં ગયા છે. તે અમે મહારાજની પાછળ પારાયણ વંચાણી તે પરાયણમાં અમે ગયા હતા.
મને મહારાજના સ્વપ્નમાં દર્શન થયા તે આ પ્રમાણે છે.
તા.૮-૭-૧૯૯૩ના રોજ અમે મહારાજની ચરણસેવા કરતા હતા. ત્યારે સાથે નાના નાના બાળકો પણ હતા. ત્યારે નાના બાળકો થોડીવાર ચરણસેવા કરી ને ગયા ત્યારે મહારાજે મને રોકાવાનું કહ્યું.
બીજીવાર સ્વપ્નમાં તા.ર૦-૭-૧૯૯૩માં મને દર્શન થયા તેમાં મહારાજ સાથે ભક્તો હતા અને અમે ફરવા જતા હતા.
ત્રીજીવાર સ્વપ્નમાં તા.ર૪-૭-૧૯૯૩માં દર્શન થયા ત્યારે મહારાજ અને ભક્તો બાલમુકંદ ભવનમાં હેમંતભગત, કાનજીભગત, કુંવરજીભગત સાથે હતા અને મહારાજને સંતો થાળ જમી રહ્યા હતા.
ચોથીવાર સ્વપ્નમાં તા.ર૮-૭-૧૯૯૩ના મહારાજ અમારા ઘરે પધરામણી કરવા આવ્યા છે. હરિભક્તો, બાઈ, ભાઈ સૌ મહારાજના દર્શન કરવા આવ્યા છે અને ધૂન-કિર્તન ચાલુ છે. ઉત્સવ ચાલુ છે. ત્યારે મેં મહારાજ પાસે માંગ્યું કે,મહારાજ હું સતત તમારી ભક્તિ કરું, સેવા કરું અને હું ધ્યાન યોગ માટે જૂનાગઢ આવું. એવી આજ્ઞા આશીર્વાદ આપો.
પાંચમા સ્વપ્નમાં તા.૧૯-૭-૧૯૯૩ના રોજ મહારાજની જન્મજયંતીનો ઉત્સવ અને મહારાજના દર્શનનો લાભ મને થયો હતો.
એક વખત અમે સહકુટુંબ ફુલવાડી ગયા ત્યારે ઉતારાના જે પગથિયા છે ત્યાં અમે બેઠા હતા. ત્યારે કુટુંબ પણ સાથે હતું ત્યારે અમારે એ વાતો થતી હતી કે હમણાં મહારાજના દર્શન થતા નથી. ત્યાં જ મહારાજ દર્શન દીધા. આમથી આ બાજુ ગયા. આમ મહારાજના દર્શન થયા હતા.
એક વખત અમે સીમલા અને કુલુ-મનાલી ફરવા ગયા હતા ત્યારે સીમલાથી કુલુ-મનાલીનો રસ્તો ખરાબ હતો એટલે રસ્તામાં ડર લાગતો હતો કે આ રસ્તામાં ક્યાંક પડી જશું કે કેમ, એમ ડર લાગતો હતો ત્યારે મારા ઘરવાળાને મહારાજે ખભા પર હાથ મૂક્યો એવા દર્શન થયા ત્યારે મારા ઘરના ભાવુક થઈ ગયા અને તેણે એમ વિચાર્યું કે મહારાજ મને લઈ જશે. એટલે મેં કહ્યું એવું નથી પણ આપણે આ રસ્તે હાલવામાં જે ડર લાગતો હતો તેથી મહારાજનું એમ કહેવું થયું કે, હું તમારા ભેળો છું, ડરવાની કોઈ વાત નથી. આમ ડર નીકળી ગયો.
એક વખત હું એમ.ડી.ની પરીક્ષામાં પાસ થયો ત્યારે હું મુંબઈમાં હતો ત્યારે મારા શરીરમાં અશક્તિ જેવું વધારે હતું ત્યારે મેં મહારાજને પત્ર લખ્યો હતો અને મહારાજે એ પત્રનો જવાબ પણ આપ્યો હતો ત્યારથી મારું શરીર આમ સ્વસ્થ છે.
અહીં સૂરતમાં મેં ક્તિલનીક ચાલું કર્યું છે. દરરોજ મહારાજને સંભારીને આ ક્તિલનીક ચલાવું છું અને મહારાજના આશીર્વાદથી ક્યારેય કોઈ કેસમાં વિપરીત પરિણામ મહારાજે આવવા દીધું નથી. તેમ અહીં સૂરત શહેરમાં રાંદેર મંદિરના કામકાજમાં ખજાનચી તરીકે ઘણાં વર્ષો સેવા કરી છે અને શ્વેતાયન જ્ઞાનજ્યોત માસિક પ્રત્રિાકાનું પ્રકાશન કરી તે ભક્તોને ફ્રીમાં મળે અને મહારાજનો મહિમા ગવાય તેમજ નવા મુમુક્ષો ભગવાનને ઓળખે એવા આશયથી શ્વેતાયન જ્ઞાનજ્યોત માસિક પત્રીકા ઘણા વર્ષો સુધી બહાર પાડી હતી અને મહારાજના દરેક મંદિરે તેમજ ભક્તોને વિનામૂલ્યે ઘણા ભક્તોની આર્થિક સહાયથી છપાવીને આપતા હતા. આ સેવા દ્વારા પણ મહારાજ તેમજ ભક્તોને વિશેષ રાજી કર્યાં છે.