પરચા ૧૨૬

અનાદિ મુક્તરાજ રાઘવભગત વાઢેર

જામવંથલી

રાઘવભગત જામવંથલીમાં રહેનારા અને સ્વામિનારાયણ મંદિરમાં પૂજા, આરતી ૩૦ વર્ષ સુધી કરતા હતા તેમજ ખૂબ જ જ્ઞાની અને ભક્તિવાળા હતા. જ્યારે તેઓ ધામમાં જવાની તૈયારી કરતા હતા, અન્ન-જળ લેવાનું બંધ કર્યું હતું ત્યારે જૂનાગઢથી જે સંતો સદ્ગુરુઓ આવે તે રાઘવબાપાના ઘરે ખબરઅંતર પૂછવા જતા હતા. તે સમયે સદ્ગુરુ બાપલાસ્વામી અને સદ્ગુરુ શ્રીસ્વામી ભક્તિતનયદાસજી તથા સદ્ગુરુ શ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામી જૂનાગઢથી પધાર્યા હતા. રાઘવભગતની ખબર પૂછી બોલ્યા જે તમારે હવે ધામમાં જવાનું છે, તૈયાર થઈ જાજો. રાઘવબાપાનું શરીર હાડપિંજર જેવું બની ગયું હતું, હાડકે હાડકા દેખાતા હતા તેમના સગા-સંબંધીઓના હાથથી પાણી પીતા હતા. એકાદશીના પવિત્ર દિવસનું પૂન્યફળ પણ અપાઈ ચૂકેલું હતું.

થોડા સમયમાં જૂનાગઢથી સ્વામી શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા. જેમ બધા સંતો રાઘવબાપાને મળવા જતા હતા તેમ પ્રગટ ભગવાન પણ કૃપા કરી રાઘવબાપાને ઘેર મળવા પધાર્યા હતા. પ્રગટ ભગવાનની ઈચ્છા જુદી હશે તે રાઘવબાપાના મસ્તક પર હાથ મૂકી, આશિર્વાદ આપતા મહારાજ બોલ્યા કે, રાઘવભગત તમારે તો હજુ રોકાવાનું છે; વચન સાંભળી રાઘવબાપા કહે, અરે મહારાજ, હવે તો ક્યાં રોકાવા જેવું છે ? પથારીમાં પડ્યા પડ્યા ભજન કરું છું, શરીરમાં માત્ર હાડકાં જ રહ્યા છે, જમવાનું બંધ છે. જુઓ મહારાજ મેં તો હવે રોકાવા જેવું કાંઈ રાખ્યું નથી જે હતું તે દીકરીઓને દાન-પુણ્ય કરી દીધું છે.

ત્યારે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ કહે, રાઘવભગત હજી તો તમારે થોડા વર્ષો સુધી જીવન જીવવાનું છે અને અમારી સેવા-ભક્તિ કરવાની છે. તમારા અંત સમયે અમે તમને જરૂર દઈને ધામમાં તેડી જઈશું. હાલમાં અમારા આશિર્વાદથી તમે શરીરે સાજા-નરવા થઈ જશો.

પછી તો મહારાજના આશિર્વાદથી થોડા સમયમાં જ રાઘવબાપાના શરીરની કાયા પલટ થઈ અને એકદમ સારા નરવા થઈ ગયા. આ સારા સમયમાં કેશવજીભગત બગીચાવાળામાં રાઘવભગતને હેત વધવા માંડ્યું. જે તે સમયે કેશવજીભગત બગીચાવાળાને જૂનાગઢમાં

બિરાજમાન પ્રગટ ભગવાને આજ્ઞા આપી હતી કે, ભગત આખું ગામ સાંભળે તેમ ધૂન કરતા કરતા ફૂલવાડીએ જાવું અને ધૂન કરતાં કરતાં આવવું.

મહારાજની આજ્ઞા મુજબ મોટા અવાજે કેશુબાપા ધૂન કરતાં જતા તેમા રાઘવબાપા પણ જોડાઈ ગયા. ફૂલવાડીએ ચરણપગલાંને ઓટે બંને ભક્તો બેસે, માળા કરે અને પૃથ્વી પર પ્રગટ વિચરતા અનાદિ શ્રીકૃષ્ણનારાયણની લીલા સાંભળે. પ્રગટ પ્રભુની ઓળખાણ, ચિન્હો, ચરિત્રો, ચેષ્ટા, દિવ્યદર્શન, વચન સિદ્ધિ, ચમત્કાર, પરચાઓનું પાન કેશવભગત કરાવતા. તેથી રાઘવબાપા પ્રગટ ભગવાનના દિવ્ય દૃઢ નિશ્ચયવાળા, મહાત્મ્ય જ્ઞાન પામી મહાન મુક્તરાજ થઈ ગયા. આ રીતે પ્રગટ ભગવાને પોતાના મુક્ત પુરુષને સંતનો યોગ આપી કૃપા ખૂબ કરી.

આવા યોગ પામેલા રાઘવબાપાના અંતસમયે તેમના ઘેર કેશુબાપા તેમજ શાંતિલાલભગત બગીચાવાળા મહારાજના ધૂન-કિર્તન બોલતા હતા. ત્યારે મંદિરમાં ભગવાનના સિંહાસનમાં પ્રગટ ભગવાન છડીધારી, પાઘધારી, ભગવા વસ્ત્રોધારી, હાથમાં માળા ફેરવતા શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય મહારાજના સાક્ષાત્ દર્શન થયા અને રાઘવબાપા ૮પ વર્ષની ઉંમરવાળા ખાટલા પરથી ઊભા થઈ નૃત્ય કરવાં માંડ્યા અને થોડીવાર પછી ફરી ખાટલા પર સૂઈ જઈ મને મહારાજ ધામમાં તેડવા આવ્યા છે અને હું જાઉ છું એમ કહી પોતાનો દેહ છોડ્યો. આ રીતે રાઘવબાપા અનેક ભક્તોને મહારાજના પ્રગટની ઓળખાણ કરાવી, ભક્તિ કરાવીને ડંકો વગાડી પરમધામમાં ગયા.