પરચા ૧૧૫

અનાદિ મુક્તરાજ લક્ષ્મીદાસભગત કરમશીભગત પટેલ

નાની વાવડી, હાલ- રાજકોટ

હું મારા મોટાભાઈ સાથે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયો. અમે રાધા-રમણદેવનાં દર્શન કરતાં હતાં. ત્યાં એક હરિભક્તે આવીને અમને અચાનક કહ્યું કે, તમારે સાચા સંતના દર્શન કરવા છે ? અમે કહ્યું, હા. પછી તેઓ અમને બાલમુકુંદ ભવનમાં લઈ ગયા. ત્યાં જઈ મહારાજને દંડવત્ કર્યાં એટલે અમે પણ એમની સાથે મહારાજને દંડવત્ કરી પગે લાગી મહારાજ પાસે બેઠાં. મહારાજે રાજી થઈ માથે હાથ મૂકી આશિર્વાદ આપ્યાં અને અમને પ્રસાદીમાં સાકરનો ગાંગડો આપ્યો. મેં એ સાકરનો ગાંગડો ખાધો અને વિચાર્યું કે, બાકીની પ્રસાદી હું ઘરે લઈ જઇશ. એટલે તરત જ મહારાજે મને કહ્યું કે, મેં આપેલી પ્રસાદી બધી જ અહીં જમી જાવ. ઘરે લઈ જવા માટે હું બીજી પ્રસાદી આપીશ. એટલે હું એ સાકરનો ગાંગડો આખો જમી ગયો. પછી અમે બાલમુકુંદ ભવનમાંથી બહાર નીકળ્યા. ત્યારે ફરી અમને એ હરિભક્તે એમ કહ્યું કે, તમારે જો ગુરુ કરવા હોય તો આ મહારાજ પાસે જ કંઠી બંધાવજો. જેથી તમે ખૂબ સુખી થશો અને તમારો મોક્ષ પણ થશે. એટલે તરત જ મેં કહ્યું કે, મારે આજે જ કંઠી બંધાવવી છે પછી એ હરિભક્તે સ્ટોલમાંથી કંઠી લઈ મને આપી ને અમે ફરી મહારાજ પાસે રૂમમાં જઈ બેઠાં એટલે મહારાજે અતિ કૃપા કરી. કાલ, માયાનો દિક્ષા મંત્ર આપી અને મને કંઠી પહેરાવી. ત્યારથી હું મહારાજને ગુરુ તરીકે ભજતો થયો.

બાદમાં અવારનવાર જૂનાગઢ મહારાજનાં દર્શન કરવા જવાનું થતું. મારે દર્શન કરવા જવાનો સમય મોટે ભાગે બપોરનો રહેતો. કારણ કે, હું મારું કામકાજ પૂર્ણ કરી રાજકોટથી નીકળું તેથી હું બપોરે મહારાજનાં આરામનાં સમયે જ પહાગચતો. એટલે ઘણીવાર બપોરના સમયે બાલમુકુંદ ભવન નીચે દેવસ્વામી કે જ્ઞાનસ્વામી ભેગા થઈ જતાં તે તરત જ કહી દેતા કે, અત્યારે મહારાજ પોઢ્યા છે, આરામમાં છે તમે ચાર વાગ્યા પછી દર્શન કરવા આવજો. પણ ઘણીવાર એવું બન્યું છે કે, એ જ સમયે મહારાજ પોતાનાં રૂમની બહાર નીકળી ગેલેરીમાં આવી અને ઉપરથી જ કહી દેતાં કે, લક્ષ્મીદાસને ઉપર આવવા દો, હું જાગું છું. આવી રીતે મહારાજને મારા પર ઘણું હેત હતું. ઘણાં બધાં કામોમાં વ્યસ્ત હોવા છતા મહારાજ પોતાના ભક્તો માટે પૂરો સમય આપતાં અને ભક્તોને પણ રાજી કરતાં.

ત્યારબાદ ધીરે ધીરે મને મહારાજનાં મોટાં મુક્તપુરુષોનો યોગ થયો. જેઓ મહારાજનાં

આશિર્વાદથી ખૂબ સુખી થઈ મહારાજનું ભજન કરતાં અને દુબઈમાં પણ કામકાજ કરી મહારાજની સેવા કરતા મહારાજનાં ઘણાં ભક્તોએ મને એવું કહેલું કે, અમે મહારાજનાં આશિર્વાદથી સોનાની લગડીઓ વાળાં થયાં છીએ. એટલે મને પણ મનમાં એમ થતું કે, હું પણ ખૂબ કમાવ તો ઘણું સારું. એમ વિચારી મેં મહારાજને જૂનાગઢ જઈ પ્રાર્થના કરી કે, મહારાજ હાલમાં વ્યવહારે બહું સારું નથી માટે કંઇક આશિર્વાદ આપો અને કૃપા કરો તો હું પણ તમારા બીજા ભક્તોની જેમ સુખી થાવ. ત્યારે મહારાજ એટલું બોલ્યા કે, લક્ષ્મીદાસ સમય આવશે એટલે સુખી થઈ જશો. આમ કરતાં બે વર્ષ વીતી ગયાં પણ હું વ્યવહારે બહુ સુખી ન થયો. પછી તો ફરીવાર જૂનાગઢ જઈ મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજ શાસ્ત્ર લખતાં હતાં તો ઊભા થઈ પોતાનાં રૂમમાં બિછાવેલી લાલકલરની જાજમ એક બાજુથી ઊંચી કરી અને મને જાજમ નીચે રૂપિયાના થપ્પે થપ્પાં બતાવ્યા અને કહ્યું કે, તારે પૈસા જ જોઇએ છીએ. આમાંથી જોઇએ એટલાં રૂપિયા તું લઈ લે. આવા દર્શનનો અનુભવ કરી મને મનમાં દૃઢ થઈ ગયું કે, જેમને હું ગુરુ મહિમાથી ભજું છું એ સાક્ષાત્ ભગવાન જ છે. લક્ષ્મીપતિ નારાયણ જ છે તો જ આટલી બધી લક્ષ્મી એમની સેવામાં હાજરાહજૂર રહી શકે. પછી તો મેં મહારાજને બે હાથ જોડી દંડવત્ કરી પ્રાર્થના કરી કે, મહારાજ મારે આમાંથી કોઈ રૂપિયા જોઇતાં નથી. બસ તમે આશિર્વાદ આપો કે, જીવનમાં ક્યારેય પણ પૈસાના વ્યવહારે કરીને મારું કોઈ કાર્ય ન અટકે અને હું સુખેથી તમારી ભક્તિ અને સેવા પણ કરી શકું. પછી મહારાજે ભાવથી ભેટીને મને આશિર્વાદ આપ્યાં. ત્યારથી ક્યારેય મારો વ્યવહાર પૈસાએ કરીને અટક્યો નથી અને સુખેથી મહારાજની વિશેષ સેવા અને ભક્તિનો લાભ મળ્યો છે.

મને મહારાજના સર્વોપરી પ્રગટ ભગવાન તરીકેની ઓળખ કરાવવામાં સૌથી મોટું યોગદાન જો કોઇનું હોય તો એ મારા ધર્મની બેન સવીતાબેનનું પણ છે. સવિતાબેનની પરિસ્થિતિ ખૂબ જ સર્વપ્રકારે નબળી હતી. મહારાજની ઉપાસના અને ભક્તિમાં તે ખૂબ જ બળિયા હતાં જેથી મહારાજે મને આજ્ઞા કરી હતી કે, આ મારી મહાન ભક્ત છે અને મારી જેવી છે એવી ભગવાનપણાંની ઓળખ આને તને કરાવી છે માટે તારે આનું કાયમ ધ્યાન રાખવાનું છે. તમારે સવિતાબેનનું ધ્યાન જીવનભર રાખવાનું છે અને ત્યારથી મહારાજની આજ્ઞા પ્રમાણે હું મારી ધર્મની બેન મહારાજના મહાન ભક્ત એવા સવિતાબેનનું ધ્યાન રાખું છું અને એ જે પ્રકારે મહારાજની સેવા ભક્તિની આજ્ઞા કરે તે પ્રમાણે કરું છું.

મહારાજની કૃપાથી મને સારી નોકરી પણ મળી ગઈ. સમય જતાં મારા લગ્ન થયાં અને

મહારાજનાં આશિર્વાદથી મારે ત્યાં બે દિકરા પણ થયાં તેમને મહારાજે સ્વહસ્તે કંઠી બાંધી છે અને બેય દિકરાના નામ પણ મહારાજે જ આપ્યાં છે. આમ મહારાજનાં આશિર્વાદથી મારા બંને દિકરા ખૂબ સંસ્કારી અને સમજણવાળાં, સેવા-ભક્તિવાળા પણ થયાં છે.

એકવાર જૂનાગઢ મહારાજનાં દર્શન કરવા ગયો ત્યારે ટેપમાં સોની કંપનીની કેસેટમાં મહારાજની એક કલાકની પરાવાણી રેકોર્ડ કરી હતી પછી એ કેસેટની ઘણી કોપીઓ કરી કોઠારી સ્વયંપ્રકાશ સ્વામીને પણ આપી હતી કે જેથી કોઇ ભક્તોને મહારાજની પરાવાણી સાંભળવી હોય તો એ કેસેટ ઘરે લઈ જઈને ટેપમાં સાંભળી શકે જેથી મહારાજે રાજી થઇને મને પ્રસાદીનું ધોતિયું આપ્યું હતું. મહારાજ સ્વધામ સીધાવ્યા ત્યારબાદ કોઠારી સ્વામી સ્વયંપ્રકાશ સ્વામી અને આત્મપ્રકાશ સ્વામીએ પણ મારા પર રાજી થઈ મને પ્રસાદીની વસ્તુ આપી છે.

મહારાજની ઈચ્છાથી મહારાજનાં અગ્નિસંસ્કારની જગ્યા પર મંદિરનું નિર્માણ થયું તેમાં આત્મપ્રકાશ સ્વામીની પ્રેરણાથી યથાશક્તિ સેવાનો લાભ લીધો છે. તેમજ ફુલવાડી કુંકાવાવ મંદિરે પણ ઉત્સવ, સમૈયા તેમજ મંદિર નિર્માણ કાર્યમાં પણ યથાશક્તિ સેવાનો લાભ લઈ મહારાજને વિશેષ રાજી કર્યાં છે. ઘણાં વર્ષો સુધી દર પૂનમે રાજકોટથી જૂનાગઢ મંદિરે જઈ શ્રી રાધારમણદેવ, હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્વેતાયનબાગે પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણને સરસ ગુલાબના પુષ્પોનાં હાર પહેરાવી રાજી કર્યાં છે અને હાલમાં મારા દિકરાઓએ મારી સેવા, ભક્તિ, ઉપાસના અને સત્સંગની પરંપરા જાળવી રાખી છે જેથી હું ધન્યતા અનુભવી રહ્યો છું.