અનાદિ મુક્તરાજ સવજીભગત મનજીભગત બાબરીયા
કોટી કુંકાવાવ
હું ઇ.સ.૧૯૭૦માં મધુભગતના કાકા લક્ષ્મણભાઈ સાથે પરીક્ષા દેવા ગયો, ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે અમે ગયા અને ત્યાં મહારાજ પાસે કંઠી બંધાવી. ત્યાર પછી અમે અવાર નવાર જૂનાગઢ જતા. ઈ.સ.૧૯૭૭માં મહારાજ સંતરૂપમાં સાક્ષાત્ ભગવાન જ છે એવી ઓળખાણ થઈ. અમે ગોબરભગત, જયંતિભગત, બાલુભગત અમે જૂનાગઢ જતા અને મહારાજ માટે હાર અને ફ્રુટ લેતાને મંદિરે જઈ મહારાજને ધરાવતા.
એક વખત અમે મહારાજ પાસે જૂના બાલમુકુંદ ભવનમાં ઓરડીમાં બેઠાં હતા. મહારાજના ચરણ દાબતા હતા ત્યારે પ્રમુખસ્વામી અને વિદેશી હરિભક્તો ૨પ-૩૦ જણા હતા, તે બધાં આવ્યા એ પહેલાં બે સંતો આવ્યા, એમાં એક ડૉક્ટર સ્વામી અને બીજા એક સંત મહારાજ પાસે આવ્યા. મહારાજને દંડવત્ કર્યાં. મહારાજ સાથે સંસ્કૃતમાં પ્રશ્ન-ઉત્તર એક કલાક સુધી કર્યાં પછી ડૉક્ટર સ્વામી ઊભા થઈ કહે, મહારાજ પ્રમુખસ્વામી આપના દર્શન ઈચ્છે છે, એટલે મહારાજે આજ્ઞા આપી કે, ભલે અમારા દર્શને આવે. પ્રમુખસ્વામી આવ્યાને મહારાજને દંડવત્ પ્રણામ કર્યાં. અમે ત્યાં બેઠા હતા. એ અમે પ્રત્યક્ષ જોયું એટલે મનમાં થયું આ મહારાજ ભગવાન છે. એમ આપણે ઓળખી લીધા, એમ આમને એ ઓળખાણ કેમ નહીં થતી હોય. આવો વિચાર આવ્યો હતો. આમ અમે મહારાજને ભગવાન જાણીને દર્શન કરવા જતા આવતાને આજ્ઞાઓ પાળતા.
મહારાજ ધામમાં ગયા ત્યારે અમે મારા સાળાને પરણાવવા ગોંડલ બસમાં જાન લઈને ગયા હતા. અમને ખબર ન હોતી કે મહારાજ ધામમાં ગયા છે પણ એક બસ નીકળી ને એમાંથી ભક્તોએ આ સમાચાર આપ્યા કે મહારાજ ધામમાં ગયા છે ને અમે જૂનાગઢ જઈએ છીએ. એટલે મેં મારા સાળાનો વરઘોડો માંડવે પહોંચાડી. મેં મારા સસરાને વાત કરી મહારાજ ધામ સિધાવ્યા છે ને અમારે જવું છે એટલે એમણે કહ્યું કે તમે નીકળો. બસનો તો મેળ પડે એમ નહોતો. ત્યારે હું અને રણછોડભાઈ બંને ટેક્તસી બાંધી ૧૦૦ રૂપિયા ભાડામાં અમે પહોંચ્યા જૂનાગઢ. ત્યાં હજી મહારાજ સન્મુખ સંતોના પ્રવચનો ચાલતા હતા એટલે અમે સમયસર પહોંચી ગયાને પાલખીયાત્રામાં જોડાવાનો યોગ મળી ગયો.
મને આ વંથલીના ભક્તોનો યોગ સંત્સંગ થયો ત્યારે સાચો સત્સંગ થયો કે આ માનવ
દેહને ભગવાનમાં સમર્પણ નિષ્કામપણુ ભાવનાથી ભકિત સેવા થાય તો ભગવાન રાજી થાય, એ આ વાત આ પ્રગટ ભગવાનના એકાંતિક ભક્તોના યોગ થકી સમજાયું એટલે હવે આ દેહે કરીને જેટલું થાય તેટલી વધારેને વધારે સેવા કરવી છે.
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી અને ઈચ્છાથી તિર્થધામ કુંકાવાવના આંગણે નિર્માણ થયેલ બ્રહ્મપેલેસે મહામંદિરના નિર્માણ કાર્ય માટે જે ટ્રસ્ટની રચના થઈ તેમાં સૌ પ્રથમ રાઘવભગત ગેવરીયા ત્યારબાદ વિઠ્ઠલભગત બાબરિયાએ વર્ષો સુધી પ્રમુખ સ્થાને રહી ખૂબ સારી સેવાનો લાભ લીધો. ત્યારબાદ મહારાજની ઈચ્છાથી મારે પ્રમુખસ્થાને રહેવાનું થયું અને જેમ જેમ અંતર્યામી રૂપે મહારાજ પ્રેરણા કરતા ગયા તેમ તેમ બ્રહ્મપેલેસ મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા સુધીનું તમામ કાર્ય શ્રીહરિ શરણાગતિ મંડળના સર્વભક્તોના તન-મન-ધનના સાથ-સહકારથી નિર્વિધ્ન ધામધૂમપૂર્વક પાર પડ્યું. હવે તો બ્રહ્મપેલેસ મંદિરના નવેય શિખરમાં પ્રગટ ભગવાનનાં સ્વરૂપો બિરાજમાન છે. નવ શિખરની ધજાઓ ગગનમાં ફરકે છે. સેવા-પૂજા થાય છે. કથા-વાર્તા, સત્સંગ ચાલુ છે. અનેક જીવાત્માઓ મહારાજના દર્શને આવે છે. પ્રભુ સર્વના સંકલ્પો પૂરા કરી દુઃખ દૂર કરે છે. આમ કુંકાવાવ તિર્થમાં તેમજ વિશ્વમાં પ્રગટ ભગવાનનો ડંકો વાગી રહ્યો છે.
મને તેમજ મારા પરિવારના સૌ ભક્તોને કુંકાવાવ બ્રહ્મપેલેસ મંદિરના મહારાજના કાર્યોમાં જે તન-મન-ધનથી સેવાનો લાભ મળ્યો છે એ બદલ અમે સૌ ધન્યભાગી અને મોક્ષભાગી થયા છીએ.