અનાદિ મુક્તરાજ નરેશભગત મોહનલાલભગત ગોહિલ
મોટી બાણુગાર, હાલ- સૂરત
મારા બાપુજી જામનગર રહેતા ત્યારે મહારાજ પણ જામનગર મંદિરમાં હતા ત્યારે ઝવેરબાઈને આંખે ઝામરો થયો હતો ત્યારે મહારાજે વનિતાનું રૂપ લઈ અને આંખમાં ટીપાં નાખ્યા હતા તે મારા બાપુએ દર્શન કર્યાં હતાં. ત્યારથી અમારા ઘરને મહારાજ પ્રત્યે હેત વધ્યું હતું. ત્યારબાદ મહારાજ મુંબઈ આવેલા ત્યારે મહારાજ ઘરે પધાર્યાં હતા અને જામનગરથી મુંબઈ આવ્યા ત્યારે મહારાજે ચિન્હવાળી મૂર્તિ સહી કરીને આપેલ હતી.
અ ે ક વખત શાંતિલાલ ભગત ઘરે આવ્યા હતા ત્યારે આ ચિન્હવાળી મૂર્તિ જોઈને મારા બાને કહે,આ મૂર્તિ મને આપો. ત્યારે મહારાજની સહીવાળી મૂર્તિ હતી એટલે પ્રસાદીની મૂર્તિ છે માટે ન અપાય પણ ત્યાં મુંબઈમાં દુકાને જઈને એકમાંથી વધારે મૂર્તિઓ બનાવવી હતી. તે દુકાને મૂર્તિ લઈ ગયા ત્યાં એક ભાઈ આવ્યા અને તે આ મૂર્તિ જોઈ બોલ્યા કે, આ મૂર્તિને હું કેટલા સમયથી શોધું છું એમ કહી મૂર્તિ મઢવાવાળાને કહે, આ મૂર્તિની કોપી બનાવી મને અત્યારે જ મઢી આપજે. ત્યારપછી એ ચિન્હવાળી મૂર્તિ મંદિરમાં બિરાજમાન કરાવીને અગિયારસની સભા ચાલુ કરી હતી. અમારા ઘરે મહારાજની મૂર્તિ જોઈને દેવરાજભગતને બીજા ભક્તો ઘરે આવતા અને સત્સંગ કરતા. આમ આ મૂર્તિનું રહસ્ય એવું હતું કે આ મૂર્તિ જ્યાં બેસશે ત્યાં મંદિર થાશે. તે મહારાજની કૃપાથી આજે ત્યાં કાંદિવલીમાં મંદિર છે.
કેશવજી હરિ તે મારા ફુવા થાય તેનો આ મંદિરની જગ્યા લેવામાં મોટો ફાળો છે. ત્યારથી ભક્તો ઘરે આવતા. એક વખત આઝાદ મેદાનમાં મહારાજની કથા હતી ત્યારે કથામાં મારા બાપુજી જતા અને મહારાજની નજીક જ બેસતા. ત્યારે મહારાજે ભક્તોના ઘરે પધરામણી કરી હતી ત્યારે અમારે ઘરે પણ પધરામણી કરી હતી.
મારા બા રાધામા તે શેરીમાં સત્સંગ કરતા અને મહારાજની વાતો કરતા. તેથી અમારી સામે એક દરજી રહેતા અને એ કૃષ્ણનું ભજન કરતા. તે એક વખત મહારાજ અમારે ઘરે પધરામણી કરવા આવતા હતા તે આ દરજીના ઘરનાનું નામ પણ રાધા હતું તે એ રાધાને મહારાજે હાથમાં મોરલી લઈને ચાલ્યા આવતાં હોય તેમ કૃષ્ણરૂપે દર્શન દીધા. તેથી રાધામા મારા બાને કહે, એ રાધા આ કૃષ્ણ છે. મારા બા કહે, આ તો અમારા મહારાજ શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી પ્રગટ ભગવાન શેરીમાં ચાલ્યા આવે છે. આમ પાડોશી રાધામાને
કૃષ્ણરૂપે દર્શન આપ્યા હતા.
અમારી રૂમની સામે રામનગરમાં કૂવો હતો, તે કૂવામાં પાણી ન રહેતું અને ત્યાં ભૈયા લોકો રહેતા. તે મારા બાપુજી અને ભૈયાની દોસ્તી સારી તેથી મારા બાપુજીને વાત કરેલી એટલે મહારાજ આવ્યા ત્યારે મહારાજને ત્યાં લઈ ગયા હતા ને વાત કરી આ કૂવામાં પાણી નથી રહેતું એટલે મહારાજ કહે, આ કૂવામાં જીવ હિંસા કરેલી છે તેથી પાણી નથી રહેતું એમ કહીને પ્રસાદીનું પાણી કૂવામાં નાખ્યું અને પોતે પહેરેલ ગજરાનો હાર પણ તે કૂવામાં પધરાવ્યો તેથી આજે પણ કૂવામાં પાણી રહે છે.
એક વખત હું નાનો હતો ત્યારે મારા બા-બાપુજી સાથે જૂનાગઢ દર્શન કરવા ગયો. હું અને મારા બાપુજી સભામંડપમાં મહારાજ પાસે ગયા ને મારા બા ઉતારે હતા. તે મારા બાએ સંકલ્પ કરેલો કે, મહારાજ ભક્તોને હાર પહેરાવે છે એમ અમને પણ પહેરાવે તો કેવું સારું.ત્યારે હું મહારાજ પાસે બેઠો હતો ને મહારાજે હાર પહેર્યો હતો તે હાર ઉતારી મને હાથમાં પકડાવ્યો અને કહ્યું આ હાર આમને આમ તારા બા પાસે લઈ જા ને તારા બાને હાર પહેરાવજે. તે હું હાર લઈને ગયો ને બે હાથમાં પકડીને ઉતારે આવ્યો ને મારા બાને હાર પહેરાવ્યો. તે મારા બા કહે આમ ને આમ હાર કેમ લઈ આવ્યો. મેં કહ્યું, મને મહારાજે કીધું આમ જ લઈ જાજે ને તારા બાના ગળામાં પહેરાવજે.
એક વખત મારા બાએ ચિન્હના દર્શન કરવાનો સંકલ્પ કર્યો ત્યારે મહારાજ દંડવત્ કરતા હતા અને ચરણ અમારી બા તરફ હતા અને જેમ આગીયો ચમકે તેમ મહારાજના ચરણમાં ચિન્હોનાં ચમકતાં દર્શન બાને થયા.
પહેલાં કાંદીવલીમાં ઘરે ઘરે સભા થતી ત્યારે રાતના ૧૧-૧ર વાગતા તે સભામાંથી આવી સૂતાને રાત્રો મારા બાની છાતી ઉપર સાપ બેઠો હતો ને ચિન્હવાળી મૂર્તિમાંથી અવાજ આવે જાગ-જાગ- તે એ અવાજ સાંભળીને જાગ્યાને હાથથી ઝાપટ મારી તો સાપનું મોઢું પકડાઈ ગયું ને સાપની પુંછડી વાગી ને સાપને ફગકયો. તે સાપ મારા મોટાભાઈના માથા પાસે ફીંડલું વાળીને બેઠો હતો. તે બાજુના પાડોશીઓ આવીને સાપને કાઢ્યો. આમ મહારાજે રક્ષા કરી.
એક વખત હું જોર્ડન ગયો. અમે ચાર જણા હતા. તે અમારી કંપનીનો માણસ આવીને પાછો ચાલ્યો ગયો હતો તે અમે એરપોર્ટથી બહાર નીકળતા હતા તે પેલા એરપોર્ટવાળા
કહે, તમારા માણસો લેવા ન આવે ત્યાં સુધી અમે તમને જાવા ન દઈએ. તે શેઠિયો આવ્યો નહીં અને અમને એરપોર્ટની જેલમાં રાખ્યા ત્યારે અમે મહારાજને પ્રાર્થના કરી કે,મહારાજ આવા કષ્ટમાંથી ઉગારો હું રૂ.૧૧૦૦ તમારા ચરણોમાં ધરીશ. તે અમારી કંપનીવાળો ભાઈ આવ્યો અને અમારી માંગણી કરી તે અમને બીજા એરપોર્ટમાં મોકલ્યા હતા તે અમને ૭૦૦ સીટવાળા પ્લેનમાં બેસાડીને અહીં જોર્ડન મૂકી ગયોને કંપનીના માણસો તેડી ગયા. પછી હું છૂટી કાપીને દેશમાં આવ્યો ને મહારાજના દર્શન કરવા ગયો ને મહારાજને રૂ.૧૧૦૦ ચરણે ધર્યા તે મહારાજ કહે આ બાલમુકુંદ ભવનમાં સેવામાં આપી દે એમ કહી મહારાજ મરક મરક હસતા હતા. આમ મહારાજે આ બહું મોટો પરચો આપ્યો. જો અમે ત્યાં જેલમાં રહ્યા હોત તો ઈન્ડિયા પાછું આવવું પડે ને જે રૂપિયા ભર્યા હતા તે જાત અને આ કમાણી જાત અને હેરાન થાત. આમ મહારાજે રક્ષા કરી. અમારી કંપનીના માણસો વિચાર કરતા થઈ ગયા કે આ આમ બને જ નહીં પણ આ ચાર જણા માટે સ્પેશ્યલ પ્લેન મુકવા આવ્યું, આ અદ્ભુત કહેવાય.
એક વખત મારા બા-બાપુજી અને હું જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ જમતા હતા અને મહારાજ જમતા જાય અને એક એક કોળિયો પાછો થાળીમાં બાજુમાં મૂકતા જાય તે મહારાજે એ થાળ અમને આપ્યો અને ઉતારે જઈ અમે એ પ્રસાદ જમ્યા હતા.
એક વખત હું અમે ત્રણ ભાઈઓને અને મારા બાપુજી મહારાજ પાસે બેઠા હતા ત્યારે મહારાજે પોતાનો અંગૂઠો ધોઈને અમને ચરણામૃત પાયું હતું અને અમે જે શાલ લઈ ગયા હતા તે શાલ મહારાજે માથા ઉપર રાખી મહારાજ બોલ્યા કે, મારી આરતી ઉતારી લ્યો ત્યારે હેમંતભગત પાસે વાટ મંગાવીને એક પાંદડામાં વાટ રાખીને અમે મહારાજની આરતી ઉતારી હતી.
એક વખત હું ને મારા બાપુજી મહારાજ પાસે બેઠા હતા ત્યારે મારા બાપુજી કહે આ નરેશની બોડી વધતી નથી. ત્યારે મહારાજે મારા બે હાથ પકડીને કાંડામાં દબાવ્યું અને જોરથી થાપો માર્યો ને કહ્યું, જા હવે બોડી વધી જાશે. ત્યારથી મારું શરીર સારું થયું અને ત્યારથી મહારાજની દયાથી કોઈ બીમારી નથી.
હું દોહા-કતાર ગયો તે પહેલાં હું ને મારા બાપુજી મહારાજ પાસે જૂનાગઢ ગયા. ત્યારે
મહારાજ ખુરશી ઉપર બેઠા હતા અને પગ લાંબો કર્યો તે અર્ધો પોણો કલાક સુધી મહારાજની સેવા કરી હતી ત્યારપછી સમય જતાં મહારાજ ધામમાં ગયા ને મને બીજા દિવસે મહારાજનો લેટર અને શ્રીજી રક્ષા મળી હતી. આમ મહારાજે ડગલેને પગલે રક્ષા કરી છે.
મારા બા-બાપુજી મહારાજ જામનગર હતા ત્યારથી જ દર્શન સેવા કરતા અને અહીં મુંબઈમાં પણ મારા બા સતત અખંડ મહારાજનું સ્મરણ કરતા તે મહારાજ રામનગરમાં અમારા ઘરે પધરામણી કરી અમારું ઘર પવિત્ર કરી આપ્યું તથા રાધામાને કૃષ્ણરૂપે દર્શન દઈને ભગવાને ભક્તોનો મહિમા વધાર્યો છે. આમ અવતારીના અવતારી ભગવાન તેને ઓળખનારા, ભજનારા પ્રત્યક્ષ યોગ પામનારા અવતારો-મુક્તો ગણાય છે. તેના સંગી-સત્સંગી પણ મહાભાગ્યવાળા છે કે જે આ પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ ગઈ. આમ પ્રત્યક્ષનો મહિમા અપરંપાર છે. આમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અનાદિ શ્રીકૃષ્ણનારાયણના સૌ વારસદારો કહેવાય કે જે સ્હેજે સ્હેજે અને રાજી થઈને ભગવાને જેમને પોતાની મૂર્તિના સુખ-પ્રસાદ આપ્યા. આમ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષને ભજનારા સૌ દિવ્ય છે, માયાથી પર છે, ભગવાનના આભૂષણો છે.