અનાદિ મુક્તરાજ ધર્મલાલભગત નથુભગત ટાંક
જામવંથલી, હાલ- પૂના
શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણની કૃપાથી મારો જન્મ જામવંથલીની પવિત્ર ભૂમિ પર નથુભગતને ત્યાં થયો. મને નાનપણમાં જ મહારાજની પરિપૂર્ણ ભગવાનપણાંની ઓળખાણ થઈ ત્યારે જ મને મહારાજે મંત્રદિક્ષા આપી કંઠી બાંધી હતી. ત્યારથી મારા જીવનમાં ધીરે ધીરે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉદય પામ્યા હતા.
મારી ઉંમર નાની હતી ત્યારે અમે જૂનાગઢ ગયા હતા. મહારાજ બેઠાં બેઠાં માળા કરતા હતા. અમે મહારાજની ચરણસેવા કરતા હતા. ત્યારે અચાનક મહારાજ ઊભા થયા ને એક ચરણ મારા માથા ઉપર રાખ્યો અને એક માળા કરી ત્યારે હું તો આભો જ થઈ ગયો. પછી મહારાજ બેઠા અને મેં મારા દીકરા વિજયને મહારાજ પાસે પગે લગાવ્યો ને કંઠી બંધાવી. પછી મેં મહારાજને કહ્યું, મહારાજ હું કાંઈ ભક્તિ એટલી કરતો નથી. ને તમે મને આટલો પ્રેમ આશીર્વાદ આપો છો. મહારાજ કહે, તું નાનો દોઢ વર્ષનો હતો ત્યારે જામનગર આવ્યો હતો ત્યારે તું જાડો ને રૂપાળો હતો ત્યારે જ તું મને ગમી ગયો હતો.
પછી મહારાજ કહે, વાછડો નાનો હોય ત્યારે છૂટો હોય થોડો મોટો થાય ગળામાં દોરડું બાંધે, એથી મોટો થાય મોયડો બાંધે અને એથી મોટો થાય તો એને નાથ બાંધે એટલે હું બોલ્યો મહારાજ અત્યારે મને શું બાંધ્યું. મહારાજ કહે, મોયડો બાંધ્યો જા હવે જલ્સા કર. પછી મહારાજ કહે, તું મને સંભાર કે ન સંભાળ પણ મારે તને સંભારીને તારું ધ્યાન રાખીને તને અને તારા પરિવારને વિશેષ સુખીયા કરવા છે. તે જ પ્રમાણે હાલમાં અમારો પરિવાર મહારાજની કૃપાથી ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે અને જ્યાં પણ મહારાજના કાર્યો થતાં હોય ત્યાં અમે યથાશક્તિ સેવાનો લાભ લઈ પ્રગટ ભગવાનને વિશેષ રાજી કરી લક્ષ્મીને લેખે લગાડીએ છીએ.
જામવંથલીમાં મારી ઉંમર નાની હતી ત્યારે હું ઘોડિયામાં સુતો ત્યાં એક સાપ આવી આજુબાજુ આંટા મારે અને ઘોડિયા ઉપર ચઢી જાય પણ મને ક્યારેય નુકશાન પહાગચાડ્યું નથી. મારા કાકા મહારાજ પાસે ગયા હશે ત્યારે મહારાજે કહ્યું કે, ધર્મલાલના ઘોડિયા પાસે સાપ ફરતો તે દિવસે મેં તેને બચાવીને સાપને મોક્ષ કર્યો હતો.
જામવંથલીનાં રણછોડ રાજા મનાણીએ મહારાજને ગુરૂ કર્યાં હતા. અને ગામમાં પણ સૌને કહ્યું કે, આ મોટા શાસ્ત્રીજીને એ ગુરુ કરવા જેવા છે. એ રણછોડભાઈ એ મારા દાદાને મહારાજ પાસે કંઠી બંધાવડાવી છે અને મારા દાદા દરરોજ મંદિરે દર્શન કરવા જાય અને મંદિર વાળીને રજ ભેગી કરી એ રજથી ન્હાતા. એટલા મહિમાવાળા હતા અને મારા દાદા મેપાબાપા ને મહારાજે કહેલું કે, આજથી છ મહિનાં પછી તમને ધામમાં તેડવા આવીશ ત્યારે એ પ્રમાણે અગાઉથી કહી દીધું કે, હવે તમારો ને અમારો ભેટો નહીં થાય ને સમય થતા મહારાજ તેમને ધામમાં પણ તેડી ગયા.
દાદાની થોડી તબિયત બરાબર નહોતી. ત્યારે અમે કહ્યું, હાલો દવાખાને લઇ જઇએ. ત્યારે દાદા કહે, તમે મને લઈ તો જાઓ છો પણ સાંજે હું પાછો નહીં આવું. અમે ન માન્યા અને દવાખાને લઈ ગયા તો દાદાએ કાંડામાંથી ઘડિયાળ કાઢી નાખ્યું ને કહ્યું,મને શાસ્ત્રીજી મહારાજ હમણાં ધામમાં તેડવા આવશે. ને તેમ જ થયું.
આમ નથુભાઈ મેપાભાઈ ટાંક અને તે મેપાભાઈ ટાંકનો પરિવાર પેઢી દર પેઢી અત્યારે મહારાજને ગુરુ ધારણ કરી પ્રગટ ભગવાન પણ માની સેવા પુજા કરી અને મહારાજના વચનમાં વિશ્વાસ રાખી ભક્તિ કરનારા થયા છે તથા સમાજસેવા, જન્મભૂમિની સેવા કરનારા, સાત્વિક લોકો તથા જામવંથલીમાં ગામને પાદર ભવ્ય ગેટ બનાવવામાં આવ્યો તેના દાતા છે તથા મહારાજના ઐશ્વર્ય, ચમત્કાર જાણનારા હોવાથી ભગવાનને ઉજાગર કરવામાં પોતાનાથી બનતી બધી સેવા કરી છે અને અત્યારે દાયળજીભાઈ, ધર્મલાલભાઈ તથા નવિનભાઈ સમજણે ધર્મ-અર્થની ભાષા સમજીને સેવા કરે છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યયુક્ત ભગવાનમાં જ પોતાનું મન લગાવી મોક્ષ સાધી લીધો છે. આવી સમજણે પરમધામમાં પોતાનો નિવાસ નક્કી કર્યો છે. અને મહારાજના એકાન્તિક ભક્તોની હરોળમાં જ બેઠા છે.