પરચા ૫૮

અનાદિ મુક્તરાજ અમૃતલાલભગત ખીમજીભગત વાઢેર

જામવંથલી, હાલ- રાજકોટ

પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જામવંથલીમાં હતા ત્યારે મારી ઉંમર નાની હતી. અમે નાના નાના બાળકો ત્યારે સાંજે સૂવા સ્વામિનારાયણ મંદિરે જતાં અને મહારાજ સાથે થોડીવાર બેસતા. મહારાજ ગમ્મત-રમુજ કરાવતા અમને આનંદ આવતો એટલે અમે દરરોજ મંદિરે જતા અને ત્યાં જ સૂઈ રહેતા. મહારાજ જમતા, સ્નાન કરવા જતા, માળા કરતા, કથાઓ કરતા અને અમે નાની નાની ટેલચાકરી કરતા. એમ સમય ચાલ્યો જતો.

મહારાજ વંથલીથી જૂનાગઢ ગયા અને હું કામ શીખવા લાગ્યો. મારી ઉંમર ઉંમરલાયક થઈ એટલે મારા સગપણની વાત ચાલી. મેં મારા બાપુજીને કહ્યું,મહારાજ કહેશે તો સગાઈ માટે જઈશું. હું મહારાજ પાસે ગયો. મહારાજને વાત કરી. મહારાજ કહે ઠીક લાગે તો કરજો. એ મહારાજે સ્પષ્ટ હા ન પાડી એટલે મેં મારા બાપુજીને કહ્યું, મારે ત્યાં સગપણ નથી કરવું, મહારાજની ઈચ્છા નથી.મારા મોટાભાઈ મહારાજની સેવા કરતા અને મહારાજના ચિન્હનું વર્ણન કરેલું એટલે મોટાભાઈને મહારાજ ભગવાન છે એવો નિશ્ચય થયેલો. તેના પ્રતાપે હું પણ મહારાજ ભગવાન છે એમ જાણી મારા દરેક કાર્ય મહારાજની આજ્ઞા લઈને જ કરતો અને દુઃખની વાત હોય ત્યારે મહારાજને જઈને કહેતો એટલે મહારાજ જ સલાહ આપે તે પ્રમાણે જ વર્તતા. અમારી વાડીમાં અજમો થતો એટલે અજમા પાકતા ત્યારે મહારાજને મારા બાપુજી થેલી ભરીને અજમો આપવા જતા. મહારાજ એ અજમો મુખવાસ તરીકે ઉપયોગમાં લેતા. આમ જાણે-અજાણે મહારાજની સેવા થતી. અમારું ઘર-કુટુંબ મહારાજ કહે તેમજ વર્તતા.

એક વખત અમારા બાપુજી ઘરેથી ચાલ્યા ગયા હતાં. જેથી હું મહારાજ પાસે જૂનાગઢ ગયો અને મહારાજને વાત કરી.મહારાજ કહે, જા ગીરનારની તળેટી બાજુ આંટો મારી આવ. હું ગીરનાર તળેટીમાં ગયો પણ ક્યાંય મારા બાપુજી ન મળ્યા. પછી હું વંથલી આવતો રહ્યો. સમય જતાં મહારાજ રાજકોટ હતા. ત્યાં રાજકોટમાં મહારાજ પાસે મારા બાપુજી આવ્યા હતાં. અમને સમાચાર મળ્યા એટલે અમે મહારાજ પાસે જઈ બાપુજીને ભગવા કપડાં કઢાવી બીજા કપડાં પહેરાવીને ઘેર તેડી આવ્યા.

થોડા સમય પછી અમે બાપુજીને લઈ જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયા. મહારાજના ચરણસ્પર્શ કરી પગે લાગી બેઠા અને મેં મહારાજને વાત કરી કે, મહારાજ મારા બાપુજીને સારું થાય તેમ આશીર્વાદ આપો. મહારાજ કહે, સારું તો હમણાં જ કરી દઉં પણ અંદરથી ભક્તિ હોવી જોઈએને. પણ મેં મહારાજને કહ્યું, મહારાજ મારા બાપુજીને થાપા મારી દ્યો ને સારું થાય. તો મહારાજ બેઠા થયા ને ત્રણ થાપા માર્યાં. એટલે નાકમાંથી લોહી નીકળવા લાગ્યું એટલે મેં જાણ્યું કે ગામડામાં પેલા નજર કે વળગાડ પણ હતું તે આમ નીકળી ગયું. પછી મહારાજ કહે, જાઓ દેવ દર્શન કરો. એટલે મારા બાપુજી દેવ દર્શન કરવા ગયા એટલે મહારાજને મેં કહ્યું, મહારાજ તમને ભજે એવા આશીર્વાદ આપો, મહારાજ કહે એવી ભક્તિ અંદર હોવી જોઈએ ને. છતાં મહારાજે મારા બાપુજીને કંઠી બાંધતા હતા ત્યારે બીજા સાધુ ત્યાં આવ્યા અને મહારાજને કહે તમે કંઠી બાંધો છો ? તો મહારાજ કહે, આ તો પાયો મજબૂત કરું છું. મહારાજનો કહેવાનો અર્થ એવો હતો કે, જો છોકરાઓના માતા-પિતા મારા આશ્રિત હોય તો તેનો વંશ પરંપરાગત તે બધા મને ઓળખે, ભજે ને આખા વંશનું પરમ કલ્યાણ થાય. આમ પાયો રોપ્યો, મજબૂત કર્યો.

એક વખત મારી સગાઈની વાત ચાલતી હતી ત્યારે છગનભગતે આવીને વાત કરી કે, રામજીભગતની પુત્રી છે. તમારે ઈચ્છા હોય તો આગળ વાત વધારું. તો મેં કહ્યું ઈ મારે મહારાજને પૂછી જોવું પડે. મહારાજ કહે તેમ કરાય. એટલે મહારાજ પાસે જઈને આખી વાત કરી તો મહારાજ કહે સારું છે, હા સગાઈ કરો. તમારે બહાર જવું હોય તો ઘરે તમારા બાપુજીને કહેતા જજો. આમ મહારાજના આશીર્વાદથી એ મારો સંબંધ રામજીભગતની દીકરી પ્રભાબેન સાથે થયો.

અમે અમારા લગ્નમાં પધારવા મહારાજને નિમંત્રણ આપ્યું હતું. મહારાજ કહે, હા જાઓ અમે આવશું. તેથી મારા લગ્નપ્રસંગે બાવારૂપે દર્શન દેવા મહારાજ જામવંથલી પધાર્યાં. ત્યારે લગ્નપ્રસંગમાં એક સાધુરૂપે દરવાજે આવીને ઊભા અને બધાને કહ્યું, મારે સવા રૂપિયો દક્ષિણા જોઈએ છે. ઘરના કહે જમવાનું આપીએ રૂપિયો નહીં. હું અંદર બેઠો હતો ત્યાં આવીને મેં બહાર એ સાધુને સવા રૂપિયો આપ્યો એટલે સાધુ સવા રૂપિયો લઈને ચાલતા થયા. મેં જોયું સાધુ આ બાજુ ગયા હું એની પાછળ હાલ્યો પણ એ ક્યાં અદ્રશ્ય થયા તે ન દેખાયા એટલે મેં જાણ્યું મહારાજ સાધુરૂપે આવ્યા હતા. એટલે મહારાજને આમંત્રણ આપ્યું પણ જો ખબરદારપણું રાખ્યું હોય તો ગમે તે રૂપમાં ભગવાન આવે અને આપણે

ભગવાનને ઓળખી લઈએ તો ભગવાન રાજી થઈ જાય.

પ્રભાબેનને માથું બહું જ દુઃખતું એટલે મેં રામજીભગતને કહ્યું, મહારાજ પાસે જાઓ તો આ વાત કરજો પ્રભાનું માથું બહું દુઃખે છે. મહારાજે રક્ષાકવચ બનાવી આપ્યું પણ ત્યારે બહું ફરક પડ્યો નહીં. પછી અમારા લગ્ન થયા, એટલે મહારાજ પાસે દર્શન કરવા ગયાં. ત્યાં જૂનાગઢમાં જૂની રૂમમાં મહારાજ હતા. ત્યાં મહારાજે હેમંતભગતને કહ્યું, ઓલા વરઘોડિયાને બોલાવો. અમે મહારાજ પાસે ગયા, મહારાજના આશીર્વાદ લીધા. મેં મહારાજને વાત કરી કે, મહારાજ પ્રભાનું માથું મટતું નથી. બહુ જ દુઃખે છે. મહારાજ કહે , લે રક્ષાકવચ બનાવી આપું. મેં કહ્યું રક્ષાકવચ પેલા બનાવેલી છે, તો મહારાજ કહે, લાવ બીજી રક્ષાકવચ બનાવી આપું અને એક મોહનથાળનું બટકું ભરીને કહે, આ પ્રભાને દેજે ખાય જાય અને પ્રભાને કહેજે માથામાં ટોપરાનું તેલ નાખે. બસ તે દિવસથી આજ સુધી પ્રભાનું માથું દુખ્યું નથી. આમ પ્રત્યક્ષ મહારાજની દૃષ્ટિ અને પ્રત્યક્ષ ભગવાન અને સંત પાસે જવાથી અને પ્રાર્થના કરવાથી દુઃખ-નડતરો ભાગી જાય છે.

અમારા લગ્ન તા.૮-૩-૮૪ના રોજ થયા હતા. લગ્ન પહેલાં રામજીભગત મહારાજ પાસે ગયા ને કહ્યું તમને લગ્નમાં તેડવા આવ્યો છું. તમે ઘણાં ટાઈમથી વંથલી નથી આવ્યા તો લગ્નમાં હાલો તમને હું ગાડી બાંધીને લઈ જાઉં. મહારાજ કહે, હું લગ્નમાં દર્શન દેવા જરૂર આવીશ પણ અત્યારે તમે હેમંતભગતને વંથલી લઈ જાવ. આમ મહારાજે હેમંતભગતને લગ્નના ૧૦ દિવસ પહેલાં મોકલ્યા. મહારાજે મારા લગ્ન પ્રસંગે હેમંતભગત સાથે બે હાર મોકલ્યા હતા. એ હાર પહેરી અમારા લગ્ન થયા. તે હાર પ્રસાદીનો જાણી ખીંતીએ ટિંગાડી મૂક્યા તો એ હાર દશ દિવસ સુધી એવા ને એવા તાજા ને તાજા રહ્યા. આમ ભગવાને આશીર્વાદ આપ્યા. અમારા લગ્નના ફેરા વખતે અચાનક ઉપરથી પૈસા પડ્યાં એક વખત પડ્યાં પણ ખબર ન પડી તો અણવરે પૈસા થાળીમાં મૂકી દીધા. બીજી વખત પણ પૈસા પડ્યાં તો બીજી વાર પણ થાળીમાં મૂકી દીધાં. આમ બે વખત બન્યું. પછી મને એમ થયું કે, હવે પૈસા પડે તો હું લઈ લઉં. પણ પછી પડ્યા નહીં. આમ અમારા લગ્ન વખતે મહારાજની અખંડ હાજરી હતી.

અમારા લગ્નનું મુહૂર્ત, તારીખ બધું મહારાજે આપ્યું હતું. તેથી ગામના બ્રાહ્મણ રિસાયા કે અમારી પાસે કેમ મુહૂર્ત ન જોવડાવ્યું. પછી અમારે તેમને સમજાવવા પડ્યા કે, આમ મુહૂર્ત તો સ્વયં ભગવાને અમને આપ્યું છે. પછી લગ્ન થઈ ગયા ને જૂનાગઢ

મહારાજના દર્શન કરવા અમે ગયા. ત્યારે મહારાજ બાલમુકુંદ ભવનની બાલ્કનીમાં આવીને કહે કે, આ રામજી જેઠાની દીકરી પ્રભા તો બહુ રૂપાળી છે. આમ મારા ધર્મપત્નીને મહારાજે દર્શન આપી રૂમમાં આવ્યા અને મારા માથે હાથ મૂકીને આશિર્વાદ આપ્યા કે, પુત્રવાન, ધનવાન, કિર્તીવાન અને આયુષ્યવાન થાઓ.

એક વખત અમે મહારાજના દર્શને ગયા ત્યાં મહારાજે પ્રસાદીનું પાણી આપ્યું અને મહારાજ કહે, આ પાણી દરરોજ થોડું થોડું પ્રસાદીરૂપે લેજો એટલે હું પ્રસાદીનું પાણી લઈને મસ્કત ગયો. હવે મસ્કતમાં ગરમી એટલી કે મારા હાથમાં બહુ જ ગરમીના ગૂંમડા થતાં પણ આ મહારાજના પ્રસાદીના પાણીથી એ ગુમડા સાવ મટી ગયા. એટલે મહારાજે મારી રક્ષા કરવા પ્રથમથી પ્રસાદીનું જળ આપ્યું અને રોગ આગળ ફેલાયો નહીં.

એક વખત સાઉદીમાં મહારાજની જન્માષ્ટમી આઠમના દિવસે પ્રસાદ લીધો. પરંતુ આગલે દિવસે સાંજે માળા કરતા કરતાં નિત્ય નિયમ કરતા મોડું થયું અને નિંદર આવી ગઈ તો રાત્રો મહારાજ આવ્યા અને દરવાજે આશીર્વાદ આપી ચાલ્યા ગયા. બીજા દિવસે મુસ્લિમ ભાઈને મહારાજના દર્શન થયાં એણે મને વાત કહી. કોઈ ભગવાધારી સાધુ આવ્યા હતા અને તમારા રૂમે હાથ અડાડીને જતા રહ્યા. આમ મહારાજ દર્શન દેવા આવ્યા પણ બીજાને દર્શન આપી સાબિતી આપી.

એક વખત મારા દાદીને માથમાં ગૂંમડા, પરૂ પાણી ઘણી તકલીફ હતી એટલે મેં મહારાજને પત્ર લખી આશીર્વાદ આપવા વિનંતી કરી. મહારાજે પત્રમાં સારું થઈ જશે એવા આશીર્વાદ આપ્યા અને દાદીને પાંચ દિવસમાં જ સાવ સારું થઈ ગયું.

એક વખત હું મહારાજ પાસે બેઠો હતો અને મને ઉધરસ બહું આવતી હતી તો મહારાજ કહે, કેમ ઉધરસ આવે છે. મેં કહ્યું, મહારાજ આવે છે, તો હું શું કરું ? મહારાજ કહે, થોડીવાર બાજુમાં રાખી મેલ. તો મેં કહ્યું, બાજુમાં કેમ મુકાય ? આમ સમય જતાં મને અવારનવાર ઉધરસ આવ્યા જ કરે. મારે દરરોજ સાંજે મહારાજના મંત્રજાપ કરીને જ સૂવાનો નિયમ. ત્યારે એક વખત સાંજે હું મંત્રજાપ કરતો હતો ત્યારે મને ઉધરસ બહુ આવવા લાગી મને અચાનક એમ થયું ને મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ હું મંત્રજાપ કરું ત્યાં લગી આ ઉધરસ બાજુમાં રહી જાય, ત્યાં તો ઉધરસ તરત જ રહી ગઈ ને મારા મંત્રજાપ પૂરા થયા. તે દિવસથી આજ સુધી એ ઉધરસ આવી નથી અને સાઈડમાં જ રહી ગઈ.

આમ અમૃતલાલ ભગત વાઢેર પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ ભગવાનની સેવા અને નિયમ-નિશ્ચય વડે સુખેથી જીવન વ્યતિત કરે છે અને બાળ-બચ્ચાં સૌ પ્રગટ ભગવાનને ભજે છે, આનંદ કરે છે. આમ ભગત આજે પણ મહારાજના મંત્ર જાપ કરતા હોય, માનસીપૂજા કરતા હોય, ધ્યાન કરતા હોય ત્યારે મહારાજનાં પ્રત્યક્ષ દર્શન કરતાં હોય તેમ આંખમાંથી હેતના આંસુ સરે છે, મન ગદ્ગદીત થાય છે.

એક વખત ભગત સાઉદીયાથી દેશમાં આવતા હતાં પ્લેનમાં અધરસ્તે એનાઉન્સ થયું કે, પ્લેનમાં ખરાબી થઈ છે અને તમે સર્વે તમારા ઈષ્ટપ્રભુને સંભારી લ્યો કારણકે આપણે બચી શકાય એવું જણાતું નથી. ભગત બારીની બાજુમાં બેઠા હતા તે પ્લેનના પાંખીયા બહું જ હાલકડોલક થતા હતા અને પ્લેન ગોથા મારવા લાગ્યું. એટલે મેં મહારાજને સંભાર્યા અને મંત્રજાપ કરવા લાગ્યો. આંખો મિંચીને પ્રત્યક્ષ મહારાજને જોવા લાગ્યો. ત્યાં પાંચેક મિનિટ થઈ હશે તે પ્લેનમાં જે ખોટકો થયો હતો તે સારું થઈ ગયું અને ફરી એનાઉન્સ થયું કે, હવે આપણે સુરક્ષિત છીએ.

સમય જતાં મહારાજને સ્વધામ જવાના ર૦ દિવસ પહેલાં અમે અમારા લાલજીની મૂર્તિ લઇને મહારાજ પાસે ગયા હતા. અમે બે દિવસ રોકાવાના હતા. હું મહારાજ માટે મસ્કતથી આવ્યો હતો તો ત્યાંથી ત્રણ ગંજીયા, કેસર, બદામ અને પૂજા માટે રૂમાલ લાવ્યો હતો તે મહારાજને અર્પણ કર્યાં. મહારાજે મારી સામે ત્રણેય ગંજીયા એક ઉપર એક પોતે પહેર્યાં અને તેમાંથી એક પ્રસાદીનું ગંજીયું મને આપ્યું અને રૂમાલ પણ પ્રસાદીનો કરીને આપ્યો. પછી મહારાજે મને કહ્યું કે, હેમંતભગત બે દિવસથી પડી ગયા છે તો દવાખાને જઈ એમના ખબરઅંતર પૂછી આવો. પછી મને કહ્યું કે, તમારા લાલજી મારા રૂમમાં રહેવા દેજો. તમે રોકાવ ત્યાં સુધી હું જ તેમની બધી જ સેવા-પૂજા કરીશ. પછી મહારાજે કહ્યું, આવતીકાલે તમે બંને જણા ગિરનાર ચડી આવો. હું આપું એ લાડવાની પ્રસાદી લઈ જજો અને જમજો જેથી તમને થાક નહીં લાગે. પછી અમે મહારાજે કહ્યું તેમ કર્યું.

એકવાર મારી નજર સામે સવારે મહારાજ અમારા લાલજીની મૂર્તિને સ્નાન કરાવતા હતા ત્યારબાદ મહારાજે મૂર્તિને પેટી પર સીધી જ મૂકી અને એ મૂર્તિ પાટલીમાં તરત જ બેસી ગઈ. (મૂર્તિને આપણે સ્ટેન્ડમાં પેટી પર બેસાડવી પડે પણ મહારાજે ઉપરથી જેવી મૂર્તિ મૂકી તેવી તે મૂર્તિ આપો આપ જ સ્ટેન્ડમાં બેસી ગઈ.) આ અલૌકિક દર્શન મને થયા. આ રીતે અમારી લાલજી મહારાજની મૂર્તિ પણ મહારાજની ખૂબ પ્રસાદીની છે.

મહારાજને જે દિવસે ધામમાં જવાનું હતું તે દિવસે અમારા ઘેર રાત્રો લાલજી મહારાજને જે નેપકીન ઓઢાડ્યું હતું તે નેપકીન ઊડીને આઘું પડી ગયું. મેં સવારે જોયું તો મને એમ થયું કે મહારાજને ગરમી થતી હશે એટલે નેપકીન દૂર કર્યું હશે. ત્યાં તો થોડીવારમાં જ મહારાજના ધામમાં જવાના સમાચાર સાંભળ્યા અને લાલજી મહારાજની મૂર્તિનું તેજ પણ ઝાંખું પડી ગયું. પછી અમે તે જ દિવસે જૂનાગઢ ગયા. તેર દિવસે સેવામાં રોકાયા ત્યારે અમને સ્વયંસેવકના જે બિલ્લા આપ્યા હતા. તે મેં ઘરે આવી કબાટમાં મૂક્યા તો બિલ્લામાંથી પણ કાંઈક અવાજ થયો અને હાથમાંથી નીચે પડી ગયા. ત્યાં કબાટમાં મહારાજનો એક પ્રસાદીપત્ર પહેલા આવેલો હતો. તે ત્યારે વાચ્યો તો તેમાં લખ્યું હતું કે, પ્રભાદેવી કુટુંબ સહિત ખૂબ સુખી રહો. ભજન કરજો.

આમ ભક્તોના ભગવાન છે. જીવનમાં સુખ દુઃખ આવે ને જાય પણ જેણે પ્રત્યક્ષ ભગવાનને સેવ્યા-પૂજ્યા-સંભાર્યા-ભજ્યા-ભજાવ્યા તેનો સદા વિજય છે અને ભગવાન જે કરતા હોય તે જીવના કલ્યાણ સારું જ લાભ-હાની, સુખ-દુઃખ, જય-પરાજય, માન-અપમાન, સારું-નરસું સર્વે જીવના, ભક્તના કલ્યાણ માટે જ હોય છે. આમ નિશ્ચય કરી પ્રગટ ભગવાનને ભજી લેવા.