અનાદિ મુક્તરાજ હરજીભગત મનજીભગત સાંગાણી
નાના ગોખરવાળા, હાલ- સૂરત
સંવત ર૦૧૦ની સાલમાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જૂનાગઢમાં ૩૦ થી ૪૦ સંતો સાથે ફરતાં ફરતાં અમરેલી આવ્યાને ત્યાંથી નાના ગોખરવાળા તથા ચાંદગઢ આવ્યા ને નાના ગોખરવાળા મંદિરમાં રાત રહ્યા ને આખા ગામમાં ઘેર ઘેર પધરામણી કરી પછી બીજી વખત સંવત ર૦ર૧ની સાલમાં અમરેલી કથામાં આવ્યા હતા ને ત્યાં અમે કથા સાંભળવા ગયા હતા. કપોળ મહાજનવાડીમાં કથા હતી. ત્યાં આચાર્ય નરેન્દ્રપ્રસાદજી મહારાજને લાલજી મહારાજ સાથે આવ્યા હતા. ત્યાંથી નાના ગોખરવાળા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ જીણાભાઈનું નવું મકાન તૈયાર થયું હતું તેમાં રાત રહ્યા હતા ને દિવસે ચોકમાં પલંગ નાખીને ગાદલું, તકિયા નંખાવીને તે ઉપર શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બિરાજ્યા હતા ને સામા ગામના માણસો બેઠા હતા ને કથા-વાર્તા ઘણી કરી હતી પછી મહારાજને સંતો સૌ મંદિરે રસોઈ કરીને જમ્યા હતા. આખા ગામમાં ઘેર ઘેર પધરામણી કરી હતી કોઈ ઘર બાકી રહ્યું ન હતું.
મહારાજને સંતો મંડળ સહિત પધરામણીએ અમારા મનજીબાપાના ઘેર આવ્યા. મનજીબાપાએ મહારાજને પ્રાર્થના કરી કે, મારા દિકરા આણંદને રક્તપિત્તનો રોગ થયોને હાથપગની આંગળીઓ ખવાઈ ગઈ છે. તો હવે સારું થાય તેમ નથી. તો ભગવાન ધામમાં લઈ જાય એવી પ્રાર્થના કરી ત્યારે મહારાજે આણંદ ઉપર પાણી છાંટીને માથા ઉપર માળા મેલીને હાથ મેલ્યોને કહ્યું કે, અગિયારસે ધામમાં જાશે. તેને પગે હાથે રક્તપિત્ત ગગગતું હતું, તે સુકાઈ ગયું ને ત્રણ મહિના પછી અગિયારસે ધામમાં ગયો તે પછી શંભુભાઈ ઘોડાની વછેરી નાની હતી તે દોરીને ફળિયામાં મહારાજ પાસે લાવ્યા તેને મહારાજે કપાળમાં ચાંદલો કર્યો ને કહ્યું, જાજું જીવજે ને અસવારની રક્ષા કરજે એવો આશીર્વાદ આપ્યો.
મનજીબાપા ઘોડીને છોડીને વાડીએ ગયા ને રેતીમાં ઘોડીને માથે બેઠા હતા. તેવામાં ઘોડી રેતીમાં આળોટીને તેમનો પગ પેગડામાંથી નીકળી ગયો ને પડખે પડી ગયા પણ મહારાજના આશીર્વાદથી રક્ષા થઈ.
તે પછી સં.ર૦ર૮ની સાલમાં ત્રીજી વખત મનજીબાપાએ નવા મકાન કર્યાં હતા ને વાસ્તુ લેવાનું હતું તથા સપ્તાહ કરવાની હતી. તેથી જૂનાગઢના ધર્મપ્રકાશ સ્વામી અમારા
દેશના હતા ને અમારા હેતવાળા હતા તેને લઈને અમે મહારાજ પાસે ગયા અને મનજીબાપાએ કહ્યું કે, અમારે મકાનનું વાસ્તુ છે તે તમારી પાસે સપ્તાહ કરાવવી છે. તો મહારાજે કહ્યું, હવે અમારી અવસ્થા થઈ ગઈ છે ને બીજાનો વારો આવવા દો, બીજાને વાંચવા દો. અમે પણ આવશું ને અમે વાંચશું. હાલમાં અમારે શાસ્ત્ર છપાવવા છે તો સેવા કરજો તો આવશું. તો મનજીબાપાએ કહ્યું, અમે જરૂર સેવા કરશું પણ તમે પધારજો.
સં.ર૦ર૮ના બીજા વૈશાખ માસમાં સપ્તાહનું મુહૂર્ત લીધું ને કથા વાંચવા માટે અમરેલીના વેપારી ઓળખીતા હતા તેની પાસેથી મોટર લઈને મહારાજને તેડવા જૂનાગઢ આવ્યા ને પછી અહીં ગામના પાદરે મંદિરે ઉતાર્યા બાદ બળદ ગાડામાં ઝુલોને ગાદલા, તકિયા નંખાવી બેઠક સારી કરી તે ગાડા ઉપર મહારાજ અને અનિરૂદ્ધ સ્વામી બંને બિરાજ્યા. તબલાને ઝાંઝ વગાડતા વગાડતા શોભાયાત્રા આગળ વધી. બાઈઓ ચોખાએ વધાવતી હતીને કિર્તન ગાતા ગાતા મનજીબાપાને ઘેર આવ્યા. ત્યાં મહારાજને હાર-તોરા કરી પાટ પર બિરાજમાન કર્યા. પછી ભકતો સૌ દંડવત્ કરી પગે લાગ્યા ને કથા ચાલુ થઈ.
મહારાજ કાયમ બપોર પછી દોઢ કલાક કથા વાંચવા બેસે ને કથામાં એવી વાતો કરે કે શ્રોતાના મનનાં પ્રશ્નોના ઉત્તર થતા જાતા. તે વખતે હજી ગામમાં લાઈટ આવી જ હતી તેથી પંખા વગેરેની સગવડ ન હતી. તેથી મહારાજ સારું એક નાનો પંખો અમરેલીથી ઓળખીતા વેપારી પાસેથી લઈ આવ્યો ને રાતે મહારાજ સૂવે ત્યારે મહારાજ કહે, આ પંખો પગ પાસે મૂકો એટલે આખા શરીરમાં હવા લાગે ને રાતે હું હરજીભાઈ મહારાજની સેવા કરતો ને પગ દાબું ત્યારે મને કહે, તમને નિંદર આવે ત્યાં સુધી પગ દબાવાના. ત્યારે મહારાજે પગ દાબતા શંભુભાઈને પોતાના સાથળમાં ખાપાનું ચિન્હ બતાવ્યું હતું ત્યારે શંભુભાઈએ કહ્યું કે, તમો સ્વામિનારાયણ ભગવાન છો. ત્યારે મહારાજ એટલું જ બોલ્યા કે, આ તો ભગવાનપણાનું ચિન્હ છે.
એક વખત વૈશાખ મહિનામાં તડકો બહુ હોવાથી મહારાજને બપોરે અમે વચ્ચેનાં રૂમમાં નવરાવ્યા ને રૂમમાંથી બહાર ઓસરીમાં જળ જાતું હતું તે મને હરજીભાઈને કહ્યું કે, આ ગંગાજી જાય છે આમાં આળોટો. એટલે મેં જળ માથે ચડાવ્યું.
એક દિવસ હું તથા શંભુભાઈ તરબુચ સુધારી રાતના ૧૦ વાગ્યે જમતા હતા ત્યારે મહારાજ રૂમમાંથી ઉઠીને બહાર આવ્યા ને હરજીભાઈને કહ્યું કે, રાતે જાગજો. કારણકે ઘણાં માણસને સારું ભાળીને ઈર્ષ્યા થાય. તેથી હું આખી રાત જાગ્યો ને મહારાજે એક વાત કરી કે
અમે લક્ષ્મીનારાયણ દેવ રાજકોટ પધારાવ્યા છે તે અમને પગે લાગતા હોય, તો પછી અમારે ક્યાં લક્ષ્મીની તાણ હોય. એવી અલૌકિક વાતું મહારાજ કરતા. જેથી મને મનમાં એમ થાય કે, આ સ્વામી સિદ્ધગતીને પામ્યા હશે કે શું ? હજી ભગવાનપણાંનો નિશ્ચય ન હતો ને મોટા સંત તરીકે હું માનતો હતો.
એક વખત મહારાજે સવારે આઠ વાગ્યા પછી શંભુભાઈને કહ્યું, આ અમે દાતણ કર્યું છે તે ચીરી ફળીમાં નાખ્યું હતું તે તમે પ્રસાદિનું લઈ લ્યો. અને આ નખ ઉતાર્યા છે એ પણ પ્રસાદિનાં લઈ લ્યો. પછી મહારાજે આખા ગામમાં ઘેર ઘેર પધરામણી કરતા કરતા શાંતિલાલને ઘરે પધરામણી કરી. તેણે બળદગાડા નવા કર્યા હતા તેથી તેમાં લાલજી મહારાજની મૂર્તિ સંતો પાસે હતી તે તેમાં તેને પધરાવી હતી પણ સંતો લાલજી મહારાજની મુર્તિ લઈને આગળ નીકળી ગયા તેથી શાંતિલાલનો સંકલ્પ પૂરો કરવા મહારાજ સ્વંય પાછા આવી ગાડામાં બેસી ગયા.
પછી ગામમાં પધરામણી કરવા મધુભાઈના મકાન બજારની કાંઠે ચણાતા હતા તે રસ્તામાં નીકળ્યા ને પોતે હાથમાં ઇટ લઈને દિવાલ પર મેલીને કડિયાને કહ્યું, આમ ઇટ મેલાય. અમારા ગામના નનુભાઈ તથા શંભુભાઈ તેનો ભાણેજ સારોડિયાવાળો કરશન તેને છાતીમાં પાંસળા બગડ્યા હતા તે ડૉક્ટર પાસે બતાવ્યું. અમરેલીના ડૉક્ટરે કહ્યું કે, અમારાથી કાંઈ ઈલાજ થાય તેમ નથી, તમો મુંબઈ જાવ. બહુ મોટા ભગવાન સારંુ કરે તો થાય. પછી તેને સારોડિયાથી તેડાવીને અમારી ઘેર મહારાજ પાસે લાવ્યાને પગે લગાડી પાંચસો રૂપિયા આપ્યા. પછી મહારાજને વાત કરી કે, આ કરશનને છાતીમાં પાંસળામાં બહુ બગાડ થયો છે. અમોએ અહીં ડૉક્ટરને બતાવ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું, જે અમારાથી કાંઈ થઈ શકે તેમ નથી, તમો મુંબઈ જાવ. તેથી મહારાજને પ્રાર્થના કરી કે, મહારાજ આશીર્વાદ આપો. ત્યારે મહારાજ પલંગ પર બેઠા હતા તે બંને ચરણ કરશનની છાતીમાં આપ્યા તેથી તેને રોગ સાવ મટી ગયો. પછી તેને વગર દવાએ સારું થઈ ગયું.
અમારે ત્યાં મહારાજ સાથે ૪૦ જેટલા સંતો આવ્યા હતા. તે વખતે બાથરૂમની સગવડ કંઈ હતી નહીં તેથી મહારાજ માટે ડેલીના ખાનાની પડખે કંતાનનું બાથરૂમ કર્યું હતું ને સંતોને ન્હાવા માટે ફળીમાં એક કુઈ હતી ત્યાં બધા સંતો એક સાથે નાહી ન શકતાં માટે બીજી કુઈ ઘરને પછવાડે ગાળીને તેમાં ન્હાતા ને ગામમાં પડખે મનજી લવાની કુઈ હતી. તેમ આ ત્રણેય કુઈમાં મહારાજ અને સંતો ન્હાતા.
એક વખત મહારાજે વ્યાસપીઠ ઉપર કથા કરતી વખતે સભામાં વાત કરી કે, આ અમે ત્રણે કુઈમાં નાહ્યાં છીએ, માટે જે કોઇ માણસ, પશુ, ઢોર કે કોઈ માંદુ પડે તો આ કુઈનું પાણી તેમને પાવુંને માથે છટકોરવું તેથી તે સાજા થઈ જશે. એવો અમારો આશીર્વાદ છે.
નનુભાઈ વીરજીભાઈને દીકરીયું હતી ને દિકરા ન હતા, તેને બીજું ઘર કરવું હતું તે આશીર્વાદ લેવા આવ્યા ને મહારાજને કહ્યું, મારે બીજું ઘર કરવું છે તો આશીર્વાદ આપો. ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યા પછી તેમણે બીજું ઘર કર્યું ને દિકરો પણ થયો.
એક દિવસ મેં ફળીમાં કુઈ છે તેમાંથી પાણી સીંચીને મહારાજને નવડાવ્યા ને મારી પાસે તે પ્રસાદિ નવરાવ્યાનું જળ તે અમારી કુઈમાં નાખ્યું. પછી જય સ્વામિનારાયણ કહીને બાઈઓને ત્યારે ખાપાના ચિન્હના દર્શન કરાવ્યા.
શંભુભાઈ તથા હરદાસ તથા ડુંગરભાઈ આ ત્રણેયના નાના દિકરા હતા તેને મહારાજ પાસે લાવ્યા ને મહારાજને કહ્યું, આનું નામ પાડો ત્યારે મહારાજ કહે, હિતેશ, સુરેશ અને મુનેશ. એમ ત્રણેયના નામ પાડ્યા.
હું હરજીભાઈ સં.ર૦૩૦ની સાલમાં જૂનાગઢ દર્શન કરવા ગયો ને મહારાજની રૂમે દર્શન કર્યાં ને પછી રાત્રો મહારાજના પગ દાબ્યા ને સેવા કરીને મને મહારાજે કહ્યું, કેટલી ઉપજ આવે છે, કેટલું ખર્ચ થાય છે. ત્યારે મેં કહ્યું, આટલી ઉપજ આવે છે અને આટલું ખર્ચ થાય છે. ત્યારે મહારાજે મને કહ્યું કે, ઘનશ્યામ મહારાજની સેવા પાંચ હજાર કરોને. ત્યારે મેં કહ્યું, જરૂર સેવા કરીશ. પછી હું રાતે સૂતો હતો ત્યારે મારા મનમાં એમ થયું કે મહારાજ મારા મનના સંકલ્પ જાણી ગયા લાગે છે. પછી મારા મનમાં એવો સંકલ્પ થયો હતો કે, મહારાજ હજી સેવા કરવાનું કહે તો સેવા કરું ને પછી સવારે મહારાજના દર્શન કરવા ગયો ને દંડવત્ કરી પગે લાગ્યો ત્યારે મને કહ્યું કે, અમારે ‘અભિનંદન ગ્રંથ' છપાવવા છે તેમાં તમે સેવા કરજો જેથી સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી તેમાં તમારા પરિવારના નામ રહે.
પછી મહારાજે મને મંત્ર દિક્ષા આપીને સૌ પ્રથમ કૃપા કરીને પોતાના જમણા અને ડાબા ચરણના તેમજ જમણી હથેળીનાં પણ તમામ ચિન્હોનાં દર્શન કરાવીને કહ્યું કે, આ અમારી હથેળીમાં ટચલી આંગળી પાસેથી આયુષ્ય રેખા નીકળી તે અંગૂઠા પાસેની આંગળી ઉપર ઠેઠ ટેરવે પહાગચે છે તેથી અમારી આયુષ્ય સવાસો વર્ષની છે પણ અમારે રહેવું હોઈ તેટલું રહીએ. પછી હરજીભાઈએ પૂછ્યું કે, મહારાજ તમારે કેટલા ચિન્હો છે ? તો મહારાજ કહે, અમારું
આખું શરીર ચિન્હોનું છે. આવું જ્યાં મહારાજ બોલ્યા એટલે તરતજ મારા ઈન્દ્રિયો અંતઃકરણ ભગવાન સામા તણાયા ને મારા હૃદયમાં એમ થયું કે, આ સાક્ષાત પુરુષોત્તમનારાયણ છે. પછી મેં પૂછ્યું, તમે ભગવાન છો ? ત્યારે મહારાજે મને કહ્યુ કે, તમે વચનામૃત વાંચતા ત્યારે તમને એમ થતું કે આ ભગવાનની વખતમાં જેને ભગવાન પ્રગટ મળ્યા એ કેટલા ભાગ્યશાળી હશે. આમ તમે મને કાયમ સંભારતા હતા તેથી હું પુરુષોત્તમ નારાયણ તમને કૃપા કરી ફરી સાક્ષાત મળ્યો છું. પછી મેં મહારાજને કહ્યું, આજથી મારું કાંઈ નથી મારી પાસે છે તે બધું તમારું જ છે. આમ મને મહારાજનો ભગવાનપણાનો દ્રઢ નિશ્વય થયો.
પછી મેં મહારાજની આજ્ઞા પ્રમાણે અભિનંદન ગ્રંથનાં છાપકામમાં ૧,૩પ,૦૦૦/- રૂ.ની સેવા કરી. ત્યારે મને મહારાજે કહ્યું કે, તમે આ સેવા કરો છો તે આપણે બંને જાણીયે બીજા કોઈને કહેતા નહીં. મેં પણ કોઈ ને ઘરમાં મારા બાપાને કે ભાઈઓને ન કહ્યું. ત્યારે મહારાજ કહે, તમને પચાવતા આવડ્યું.
એકવાર મોળું વર્ષ હતું તેથી જૂનાગઢ મંદિરનો ધર્માદો લેવા સંતો આવ્યા નો'તા એટલે મેં બે ગુણી ઘઉં અમરેલી-જૂનાગઢનું ટ્રાન્સપોર્ટ નહોતું તેથી રાજકોટથી જૂનાગઢ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલ્યા. તેથી રાજી થઇ મહારાજે આશીર્વાદ પત્ર લખ્યો, તેમાં અમે રાજી રાજી આમ સાત વાર લખ્યું. પછીતો વરસો વરસ ધર્માદો સંતો લેવા આવતા તેમાં મહારાજ માટે હું અલગથી ઘંઉ મોકલતો. તેમજ રૂબરૂ જ્યારે પણ મહારાજના દર્શન કરવા જતો ત્યારે ઘી અને બીજી ચીજવસ્તુ લઈને જતો.
એક વખત ભગસના દૂધના પગડા લઈ ગયો હતો તે બહુ કઠણ થઈ ગયા હતા. ભાંગતા નહોતા એવા કઠણ થઈ ગયા હતા. તો પણ મહારાજ કહે, બહુ મીઠા છે એમ બહુ વખાણ કર્યા. પછી મહારાજે એક પેટીમાંથી પોતાની લાલજીની મૂર્તિ મને કાયમ સેવા પુજા માટે આપીને કહ્યું, આ મૂર્તિ તમારા આખા પરિવારનું ધ્યાન રાખશે, સુખી કરશે અને કલ્યાણ કરશે. એક વખત મહારાજના દર્શને ગયો ને દંડવત્ કરી પગે લાગ્યોને મહારાજ બહુ રાજી હતા તે મને કહ્યું કે, તમારું પુણ્ય આ ગિરનારના ડુંગરા જેવડું છે માટે તમને અમારો ભગવાનપણાનો નિશ્વય થયો છે. ત્યારે જગદીશ, રમેશ, ઘનશ્યામ, હકુ, કનુ આ બધા છોકરા સાથે હતા.
નાના ગોખરવાળામાં મંદિરે એક સાંખ્યયોગી સંતોકબેનને શરીરે બહુ દુઃખાવો નાનપણથી રહેતો ને પછી મહારાજને કાનજીભાઈએ કહ્યું કે, આ સાંખ્યયોગી સંતોકબેનને બહુ દુઃખાવો રહે તો આશીર્વાદ આપો. મહારાજે કહ્યું, અમારું કહ્યું માનશે તેમને પૂછી
આવો. ત્યારે કાનજીભાઈએ બેનને કહ્યું, મહારાજે એમ કહ્યું છે કે અમારું કહ્યું માને તો સારું થાય. ત્યારે બેને કહ્યું કે, જરૂર માનીશ. ત્યારે મહારાજે કહ્યું કે, ઉપવાસ કરવા બંધ કરી દો, તમે કાયમ જમશો તો પણ તમો સદા ઉપવાસી જ રહેશો. મહારાજે એમ કહ્યું ત્યારે બેને મહારાજે કહ્યું એમ કર્યું તો તરત જ સારું થઈ ગયું.
મારા મનજીબાપાની ઉંમર ૮૩ વર્ષની થઈ હતી ને શરીર જીર્ણ થઈ ગયું હતું ને થોડા બીમાર પણ પડ્યા હતા ને મને કહ્યું કે, હવે તારા ભગવાન મને કેદી તેડવા આવશે પછી મેં મહારાજને જૂનાગઢ પત્ર લખ્યોને મહારાજને પ્રાર્થના કરી કે, મનજીબાપાને ધામમાં જાવું છે તો તેડી જાવ. ત્યારે તે જ દિવસે મહારાજનો પત્ર બે ને પાંત્રીસ મિનિટે ગોખરવાળા આવ્યો ને મહારાજ બાપુજીને ધામમાં તેડી ગયા.
અમારા ગામમાં ધીરૂભાઈને ડાયાબિટિશ થઈ હતી તે મહારાજ પાસે ગયા ને કહ્યું કે, મને ડાયાબિટિશ છે તો આશીર્વાદ આપો કે સારું થઇ જાય. તો મહારાજે કહ્યું, સાકરનો શીરો કરી ખા તો સારું થઈ જાય. પછી તેમણે મહારાજના વચને કરીને સાકરનો શીરો ખાવા માંડ્યો તો પણ સારું થઈ ગયું.
જૂનાગઢમાં મહારાજ જે જૂના બાલમુકુંદ ભવનનાં રૂમમાં રહેતા તે પાડીને નવા રૂમ બનાવ્યા તેથી તે જૂના રૂમની લાદી મને મહારાજે આપીને કહ્યું કે, આ અમારી ચરણ ર્સ્પશ થયેલી કલ્યાણકારી લાદી છે તેમ કહીને રાજી થઇને આપી તે મેં ગોખરવાળા અમારા નવા રૂમ બનાવ્યા તેમાં અને ઓસરીમાં એ પ્રસાદીની મોઝેક લાદી નાખી છે.
એક વખત હું જૂનાગઢ ગયો ત્યારે મેં મહારાજને કહ્યું, ઘઉં ઘણાં થયા છે તો તમે વાપરો. મહારાજ કહે, કેટલા આપશો. તો મેં કહ્યું, તમે કહો તેટલા આપું. મહારાજ કહે, તમે કહો. મેં કહ્યું,૧પ૦૦ મણ આપીશ. તે વખતે ઘઉંનો ભાવ રૂ.૪૦ હતો. ૧પ૦૦ મણનાં સાઠ હજાર રૂપિયા થાય. મેં ત્યારે રૂ.૪૦ હજાર મહારાજને આપ્યા અને બીજા મારા વહેવારમાં વપરાઈ ગયા પુરા થયા નહીં પછી મેં અમારી જમીન ઉપર બગકમાંથી ર૦ હજાર ઉપાડ્યા ને સેવા પુરી કરી. ત્યારે જમીન પાક ઉપર વીમાની શરૂઆત થઈ હતી. તે વખત મોળું થયું ને મને ર૬૦૦૦નો વીમો મળ્યો હતો.
એક વખત હું મહારાજના દર્શને ગયો ત્યારે મહારાજ મને કહે તમારે ઘેર રાતે આવ્યો હતો. ત્યારે મેં કહ્યું, મહારાજ દર્શન તો ન દીધા. મહારાજ કહે, તમે સૂતા હતા એટલે
મેં જગાડ્યા નહીં.
હું એક વખત અમરેલી હરીભાઈની દુકાને ગયો. ત્યાં વાંકિયા ગામના એક ભાઈ આવ્યા તેણે વાત કરી કે અમારા ગામમાં હરિભક્તો જૂનાગઢ દર્શન કરવા જતા હતા ત્યારે તેનો એક ભાઈ વૈષ્ણવ ભક્ત હતો તે કહે મારે પણ આવવું છે. ને તે સાથે જૂનાગઢ દર્શન કરવા ગયો ત્યારે ઘણા ભક્તો દર્શન કરવા રૂમે ગયા ને બધાએ મહારાજના દર્શન કર્યાં પણ જે વૈષ્ણવ ભક્ત હતો તેણે દર્શન કર્યા એટલે મહારાજે સામે હાથ ઊંચો કર્યો ને કહે, દર્શન કરો. ત્યારે તેમને મહારાજના હાથમાં રાધાકૃષ્ણનાં થયા. તે અમોને વાત કરી.
એક વખત અમારા નાના ગોખરવાળામાં પરબતભાઈના દિકરા મનસુખને છાતીમાં દુઃખાવો બહુ થયો ને ડૉક્ટરને બતાવ્યું તો તે કહે હવે અમારાથી કાંઈ થઈ શકે તેમ નથી. બહુ મોટો રોગ છે. પછી તેમને મહારાજ પાસે જૂનાગઢ લઈ ગયા ને મહારાજને કહ્યું, મહારાજ છાતીમાં દુઃખાવો બહુ થયો છે દયા કરીને આશીર્વાદ આપો તે સારું થાય. ત્યારે મહારાજ કહે, સુઈ જા. પછી મહારાજે તેની છાતી પર હાથ મેલી કહ્યું કે, આમાં કંઈ છે નહીં. આમ એમને સારું થઈ ગયું. તેનું વેવિશાળ કર્યું હતું તે તેના સસરાએ તોડી નાખ્યું હતું ને પછી ડૉક્ટર પાસે જઈ બતાવ્યું. ડૉક્ટર કહે, આને સાવ સારું થઈ ગયું છે. તમે કયા ડૉક્ટરને બતાવ્યું ? તેને કહ્યું કે, શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજીના આશીર્વાદથી સારું થયું છે.
એક વખત નાના ગોખરવાળા ગામમાં અરજણભાઈની દીકરીના લગ્ન હતા ને અરજણભાઈના દીકરાને શાસ્ત્રીજી મહારાજ ઉપર હેત હતું પણ મહારાજ ઉપર કંકોત્રી મોકલતા ભૂલી ગયા. માંડવાના દિવસે સાંભર્યું કે આપણે મહારાજને કંકોત્રી ન આપી એમ ભાઈઓમાં વાત થઈ હવે શું કરવું ? એક ભાઈ કહે, લાવો હું આપી આવું. તે કંકોત્રી લઈને નાના ગોખરવાળા હરજીભાઈને ઘેર મહારાજે લાલજી મહારાજની મૂર્તિ આપી છે ત્યાં આવી તે વાત મહારાજે અંતર્યામીપણે જાણી તેનો ભાવ જાણી મહારાજે જૂનાગઢથી આશીર્વાદપત્ર સામેથી લખી મોકલ્યો.
નાના ગોખરવાળાના નનુભાઈ જીવરાજને પગના અંગૂઠામાં ચુનવા નામનો રોગ થયો હતો ને અંગૂઠામાં પીડા થતી હતી ને ડૉક્ટરોને બતાવ્યું તો તે કહે, આ અંગૂઠાને કાપવો પડશે. તેથી તે મારી પાસે આવ્યો. મેં તેને કહ્યું કે, આપણે મહારાજ પાસે જઈએ. પછી નનુભાઈ તથા તેના ભાઈ આણંદભાઈ તથા હું અમે ત્રણેય મહારાજ પાસે જૂનાગઢ ગયા ને મહારાજને દંડવત્ કરી પગે લાગ્યા. રાગઢાનો ટાઈમ હતો ને અમને ત્રણેયને પ્રસાદી આપી.
મહારાજને કહ્યું કે, નનુભાઈના પગના અંગૂઠામાં ચુનવા થયો તે બહુ બળે છે ને ડૉક્ટરોએ બતાવ્યું તો કહે અંગૂઠો કાપવો પડે ને તેણે મહારાજ પાસે રૂ.પ૦ મેલ્યા ને મહારાજને કહ્યું કે, તમે દયા કરી આશીર્વાદ આપો તો સારું થાય. મહારાજ બહુ રાજી હતાને બોલ્યા આટલા અંગૂઠામાં રૂ.પ૦ આપ્યા. તેથી આશીર્વાદ આપ્યા સારું થઈ થશે ને અમારી આગળ શિખામણની ઘણી વાત કરી કે, હવે આપણે ચારેયના ધોળા થયા છે. ઘરમાં વસ્તુ સામી પડી હોય તો પણ માંગવી નહીં.
તા.ર૮-ર-૧૯૮૬ને સં.ર૦૪ર મહા વદ ચોથને દિવસે સવારે મહારાજ પરમધામમાં પધાર્યાં. આ વાતની અમને સાંજે રાતના આઠ વાગ્યે ખબર પડી કે જૂનાગઢ મહારાજ ધામમાં ગયા. તે એક રેડિયો ઉપર સાંભળ્યું. તે વાત સાંભળી મને બહુ મોટો આઘાત લાગ્યો ને બહુ દુઃખ થઈ પડ્યું ને બહુ દિલગીરી થયાને રડ્યા ને અમે રાતે મોટર તેડાવી રાત્રીના બાર વાગ્યે નીકળ્યા રાત્રો ત્રણ વાગ્યે જૂનાગઢ પહાગચ્યા ને ઘી, તલ સાથે લઈ ગયા હતા. તે વળતે દિવસે એક વાગે મહારાજને વિમાનમાં બેસારી બહુ સંતો-ભક્તો ધામે ધામના આવ્યા હતા તેમજ હરિભક્તોની બહુ ભીડ થઈ હતી. પછી મહારાજને આખા જૂનાગઢમાં દર્શન માટે ફેરવીને શ્વેતાયન બાગમાં અગ્નિસંસ્કાર કર્યો હતો.
પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણના અતિ કૃપાપાત્ર એવા હરજીબાપાનું જીવન નાનપણથી જ અતિ સેવા-ભક્તિવાળું, સંતોના મહિમાવાળું હતું. જેથી તેમને પ્રગટ ભગવાનની જલ્દી પરિપૂર્ણ ઓળખ થઈ અને તેમની શરણાગતિ લઈ જેમ મહારાજની આજ્ઞા હતી તેમ તકે સેવાનો લાભ લઈ મહારાજને ખૂબ રાજી કર્યાં અને એની ફલશ્રુતિરૂપે આજે આખો સાંગાણી પરિવાર ખૂબ સુખી સમૃદ્ધ છે તેથી જ્યારે પણ મહારાજના મંદિર તેમજ મહોત્સવોના કાર્યમાં તન-મન-ધનથી સેવાનો વિશેષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરે છે.
અનાદિ મુકતરાજ રમેશભગત હરજીભગત સાંગાણી
ગામ ઃ નાના ગોખરવાળા, હાલ- સૂરત
અમે નાના હતા ત્યારે અમારા બાપુજી હરજીબાપા ભેગા જૂનાગઢ જતા ત્યારે મહારાજના દર્શન કર્યાં હતા. સભામંડપમાં મોટા મોટા સંતોના ફોટા જોઈને મનમાં એમ થતું કે, આ સંતો સ્વામિનારાયણ ભગવાન સાથે હતા ત્યારે કેવી ભક્તિ અને કેવો રંગ-સમજણ અને સેવા કરતા હશે. એ ભગવાન આપણને કેમ મળે ? આવા વિચારો આવતા, ત્યારે મહારાજ ભગવાન છે એમ નહોતો સમજ્યો. જેમ જેમ અમે મોટા થતા ગયા અને મહારાજ પાસે જતા ત્યારે મહારાજ અલૌકિક લીલા કરતા. જેથી આપણને અજાયબી લાગે અને તે પરચો બની જાય. આમ મહારાજ સંકેતમાં પોતે ભગવાન છે એમ જણાવતા.
મારા બાપુજી ગાડુ જોડી વાડીએ જાય કે વાડીએથી આવે ત્યારે શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી સ્વામિનારાયણ આમ ધૂન બોલતા બોલતા વાડીએથી આવતા અને વાડીએ જતા. ગોખરવાળામાં કથા હતી ત્યારે મહારાજનું સામૈયું કરવા ગાડાં શણગાર્યા હતા. ત્યારે ગાડામાં મહારાજને બેસાડ્યા ત્યારે હું નાનો તે દોડીને મહારાજના ચરણ પાસે જઈને બેસી ગયો હતો.
અમારા ઘરના ચોકમાં એક કુઈ છે એ કુઈના પાણીથી અમે ઘરના સૌ મળી મહારાજને સ્નાન કરાવ્યું છે તથા બાજુમાં એક રૂમ છે. ત્યાં મહારાજના ઉતારાની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે મહારાજને સ્નાન કરાવ્યું ત્યારે મહારાજ બોલ્યા આ કુઈનું જે કોઈ પાણી પીશે તે મોક્ષના અધિકારી થશે. એમ કહી પાણીનો ખોબો ભરી કુઈમાં નાખ્યું એટલે કુઈ આખી પ્રસાદીની થઈ ગઈ. મહારાજ અમારા કુટુંબ ઉપર એટલા રાજી હતા કે મહારાજે કથા વાંચી ત્યારે સભામાં બોલ્યા કે, આ ફળિયાની રજ કોઈ માથે ચડાવશે તેના દુઃખ દૂર થશે અને તે પરમધામમાં જવાનો અધિકારી થશે.
એક વખત મારી ઉંમર નાની હું ચાલીમાં સૂતો હતો. તેમાં ઉપર માચડેથી લોખંડના હળની ફાંસ માથેથી પડી અને મારી આંખના ખૂણેથી પસાર થઈ ગઈ. જો સહેજે બે પાંચ દોરા આમ પડી હોત તો મારી આંખ જાત. આમ મહારાજે મારી રક્ષા નાનપણથી કરતા આવે છે.
એક વખત હું ઘોડીથી વાડીયે ગયો. ઘોડીને રજકો નાખ્યો અને રજકો પાવા મશીન
ચાલું કરવા ગયો ત્યાં પુલીને પટ્ટો ન મળે એટલે હું પાછો આવ્યો. તે અઠવાડિયા પછી જૂનાગઢ મહારાજના દર્શન કરવા ગયો ત્યાં મહારાજ બોલ્યા, લે લેતો જા. ત્યારે હું કાંઈ સમજ્યો નહીં. પછી મહારાજ કહે, આ તારો પુલીને પટ્ટો લેતો જાજે. ત્યારે મેં કહ્યું, મહારાજ તમને કેમ ખબર પડી. તો મહારાજ કહે, પેપરમાં આવ્યું હતું. આમ ભગવાન અંતર્યામી છે. બધી ખબર હોય પણ રમુજ કરીને આપણને સુખ આપે જેથી યાદ રહી જાય, ભૂલાય નહીં.
એક વખત અમે ભીખુભાઈ, ચતુરભાઈ, ગોવિંદભાઈ, ચાર-પાંચ જણા મહારાજની સેવા કરતા હતા. ત્યારે આ ચતુરભાઈના ભાભી અને અમરેલીવાળા બચુબાપાના બેન તે કાયમ બીમાર રહેતા. ત્યારે ચતુરભાઈ કહે, મહારાજને કહેજે મારા ભાભીને સારું થઈ જાય. એમ મેં સેવા કરતાં કરતાં વાત કરી ત્યારે મહારાજ કહે, એ માયાની મને થોડી ખબર પડે હાલ તને કાંઈ તકલીફ હોય તો બોલ હમણાં સારું થઈ જાય. એટલે મને યાદ આવ્યું કે,મહારાજ મારી આ દાઢ અવારનવાર દુઃખ્યા કરે છે. ત્યાં મહારાજ બોલ્યા. લે આમાં શું મીઠાવાળા પાણીના કોગળા કરજે, મટી જશે. મેં તેમ કર્યું તો તરત જ મારી દાઢનો દુઃખાવો મટી ગયો અને આજે પણ મને દાઢ દુઃખે ત્યારે મહારાજના વચને મીઠાવાળા પાણીના કોગળા કરું તરત જ દુઃખાવો મટી જાય છે. આમ ભગવાને મારું દુઃખ મટાડવા ચતુરભાઈના ભાભીની વાત કરાવી અને મારું દુઃખ કાયમને માટે ટાળી દીધું.
એક વખત હરજીબાપા ધોતિયા લાવ્યા હતા તે મને કહે જા મહારાજ પાસે આ ધોતિયા ઓઢાડવાના છે. ત્યારે ચાર-પાંચ ભગસો દુઝતી તેથી તેના પગડા બનાવતા. ત્યારે અમે એ દૂધને કડાઈમાં ગરમ કરી ઘટ્ટ બનાવવા અમે દુકાને કલાક કલાક હલાવતા અને છેલ્લે પગડા બનતા એ પગડા મહારાજને પ્રસાદી ધરતા. હું જૂનાગઢ ગયો અને આ ધોતિયા-પેંડા મહારાજ પાસે મૂક્યા ત્યારે મહારાજે એક ડબરામાંથી પગડો કાઢ્યો તે હથેળી જેવડો પગડો મહારાજે મને ખવડાવ્યો. એમ એક પછી એક સાત પગડા મહારાજે મને ખવડાવ્યા. મેં એક પગડો મહારાજને જમાડ્યો. મહારાજે મને સાત પગડા ખવડાવ્યા. બીજા ડબરામાંથી સોપારી કાપીને મને ખવરાવી ત્યારે મહારાજ પોતાના કરચરણમાં રહેલા ચિન્હો એક પછી એક દર્શન કરાવતા જાય અને બોલતા જાય. આ માછલો છે, આ ગૌપદ છે, આ ચક્ર છે, આ ધનુષ્ય છે, આ ઉર્ધ્વ રેખા છે. આ રીતે મહારાજે મને ચિન્હોના દર્શન કરાવ્યા હતા.
એક વખત અમે જૂનાગઢ ગયા ત્યારે બાલમુકુંદ ભવનનું કામ ચાલું હતું ત્યારે જ્ઞાન સ્વામી, રમેશ ગેવરીયા, હું નીતિન એમ દશ બાર જણા ગીરનાર ફરવા ગયા હતા. ત્યારે
દત્તાત્રોયના ચરણ પગલાં સુધી ગયા. પછી ગીરનાર વનમાં ફર્યાં અને સાંજે છ વાગે પાછા આવ્યા. અમે સાથે થેપલાં, અથાણાં, મરચા, ગાંઠિયા ભેળા લઈ ગયા હતાં. એટલે સાંજે મંદિરે આવ્યા. તે હું નીતિન અને રમેશ ત્રણ જણાં મહારાજ પાસે ગયા. મહારાજ ખુરશી ઉપર બેઠા બેઠા માળા ફેરવતા હતા. ત્યાં મહારાજ બોલ્યા, અલ્યા ક્યાં ગયા હતા. અમે કહ્યું, મહારાજ ગીરનાર ફરવા ગયા હતા. તો મહારાજ કહે, તો થાકી ગયા હશો. એમ કહી અમારા પગ ઉપર મહારાજે પોતાના ચરણ દબાવ્યા.ત્યાંતો અમે સાવ ફ્રેશ થઈ ગયા. થાક ક્યાં ગયો એ ખબર જ ન પડી.પછી મહારાજના ચરણસ્પર્શ કરી ઉતારે જઇ સૂઈ ગયા. તે બે દિવસ પછી સાથે બીજા લોકો હતા તેને બે ત્રણ દિવસ સુધી પગ દુખ્યા અને કહે, એલા કેમ તમને કાંઈ થયું નહીં. અમે કહ્યું, અમે ગીરનારથી આવીને મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યા એટલે થાક જણાયો નહીં. આમ મહારાજે અમારી રક્ષા કરી.
એક વખત ગોખરવાળાથી ગોવિંદભાઈ રવજીભાઈ તથા બીજા બે ભક્તો હતા. મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ શાસ્ત્ર લખતા હતા અને બોલ્યા ક્યાંથી આવો છો ? તેમણે કહ્યું, મહારાજ ગોખરવાળાથી.તો મહારાજ કહે, એમ કહોને કે ઘરેથી આવીએ છીએ. આમ મહારાજ અંતર્યામી પણે બધી ખબર જ હોય પણ ભગવાન લીલા કરીને સંદેશો આપતા હોય તે એમ સંદેશો આપ્યો કે ગોખરવાળા મારું ઘર છે, હું ગોખરવાળાનો અને ગોખરવાળા મારું છે. એટલે બોલ્યા ઘરેથી આવો છો.
એક વખત હું જૂનાગઢમાં મહારાજની સેવામાં રહ્યો હતો. ત્યારે મહારાજની સર્વ પ્રકારે સેવા કરતો તે મને ગોખરવાળા આવવાનું થયું એટલે મહારાજની રજા લેવા ગયો. મહારાજને દંડવત્ કરી ઊભો થયો ત્યાં મહારાજ પણ ઊભા થયા અને મને બાથમાં લઈ ભેટ્યા અને બોલ્યા. આ તારા હૃદયને અને મારા હૃદયને એવા ખીલા જડ્યા છે કે કોઈ અલગ નહીં કરી શકે. કોઈ ઉખેડી નહીં શકે, આમ મહારાજ બોલ્યા.
આમ મહારાજે પોતાના અનન્ય ભક્ત તરીકે મને અપનાવ્યો જે મારા પરમભાગ્ય છે. અમે નાના ગોખરવાળાથી પદયાત્રામાં ચાલતા ગયા હતા. ત્યારે બે રાત્રી ત્રણ દિવસે અમે ગઢડા પહાગચ્યા હતા. ત્યાં જૂનાગઢથી હેમંતભગત આવેલા તે ઘેલા નદીને કાંઠે ઉતારો હતો. ત્યારે હું હેમંતભગતની સાથે સીધો જૂનાગઢ ગયો ને મારે સાધુ થવું હતું તેથી મેં મહારાજને વાત કરી કે, મહારાજ તમે મને સાધુ દિક્ષા આપો. તો મહારાજ કહે, સાધુ નથી થવું, સંસારમાં રહો, સત્સંગ કરો, ધૂન-ભજન કરો, સેવા કરો-કરાવો, સૌને સુખ આપો,
સુખી રહો, અમે તમને અંતકાળે ધામમાં તેડવા આવશું. પછી મને બા-બાપુજી તેડવા આવ્યા હતા તેની સાથે હું ગોખરવાળા આવ્યો પણ અવારનવાર મહારાજના દર્શન કરવા જૂનાગઢ જતો અને મહારાજની સેવા કરતો ને રાજી કરતો.
એક વખત મારા ઘરમાં મારા સંબંધની વાત ચાલતી હતી. ત્યારે હું જૂનાગઢ ગયો મહારાજને વાત કરી, મહારાજ કહે, તારે શું ઉતાવળ છે. એટલે બે દિવસ પછી ઘરે આવ્યો. ઘરના સૌએ મને બહું કહ્યું પણ મેં ના પાડી દીધી મારે હમણાં સંબંધ કરવો નથી. સમય જતાં એ પાત્રને આજે હું જોઉં છું ત્યારે મહારાજના શબ્દ યાદ આવે છે કે, તારે શું ઉતાવળ છે. એ પાત્ર ત્યારે રૂપાળું હતું પણ આજે કાળું જાડું, ઘાટ વિનાનું છે. આમ ભગવાનને જાણે મારી ઉપાધી હોય તેમ સર્વ પ્રકારે મહારાજ રક્ષા કરતા.
એક વખત અમે જૂનાગઢ મહારાજ પાસે બેઠા હતા ત્યારે શાંતિલાલ ભગત ભેગા હતા. ત્યારે મહારાજની સાથે વાર્તાલાપ ચાલુ હતો ત્યાં કોણ જાણે કેમ મહારાજ અચાનક બોલ્યા, તારી સંબંધવાળી પાસે જ નજીકમાં જ છે. ત્યાં મહારાજે મારા સંબંધની વાત માટે કહ્યું હતું. તે એજ પાત્ર સાથે મારે સંબંધ થયો. એટલે અત્યારે જે મારા ધર્મપત્ની છે તે આ મહારાજના કહેવા પ્રમાણે સંબંધ થયો અને સૌ સારાવાના છે.
એક વખત મહારાજ શાસ્ત્ર લખતા હતા અને હું ચરણસેવા કરતો હતો ત્યાં મહારાજે શ્રીકૃષ્ણ ભગવાનના વખતની ગોપીઓની એક સરસ વાત કરી ત્યારે કેમ જાણે મને મહારાજમાં એટલું હેત થયું કે હું ઊભો થઈ મહારાજને ભેટી પડ્યો. મહારાજ પણ મારા વાસામાં હાથ ફેરવી ફેરવીને વ્હાલ કરવા લાગ્યા. આમ ભગવાન હાલના કે પૂર્વના ભક્તના સંકલ્પોને જાણનારા હોય તેમ યોગ્ય સમયે ભગવાન તે ભક્તના મનોરથો પૂરે છે. આમ ભગવાન અને ભક્ત વચ્ચે કોઈપણ પ્રકારે પડદો ન રાખવો. જેટલો પડદો તેટલું ભગવાનથી અંતર કહેવાય.
મહારાજની કૃપાથી મારો જન્મ હરજીબાપા જેવા મહામુક્તને ત્યાં થયો અને મને જ્યારથી મહારાજ પરિપૂર્ણ ઓળખાયા ત્યારથી મહારાજની હયાતીમાં તો દર્શન અને સેવાના લાભ ઘણાં મળ્યા અને ત્યાર પછી પણ પૂજ્ય સદ્ગુરૂ શાંતિલાલભગતની પ્રેરણાથી સૂરત વરાછા મંડળ ટ્રસ્ટમાં પણ પ્રમુખપદે રહી યથાશક્તિ જે સેવાનો લાભ મળી રહ્યો છે. તેથી હું ધન્યતા અનુભવું છું.