અનાદિ મુક્તરાજ મહેન્દ્રભગત મગનલાલભગત ટાંક
રોહીશાળા
અમારું કુટુંબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષર પુરુષોત્તમનું ભજન અને સત્સંગ કરતું હતું. મારા દાદી કહેતાં કે તને તો યોગીજી મહારાજે કંઠી બાંધી છે અને અમારા દાદા પહેલેથી મુંબઈમાં એટલે અમે પણ સત્સંગ સભામાં જતા હતા.
એક વખત હું સભામાં ગયો અને ત્યાં સભા પૂરી થાય એટલે સંતો લાઈનમાં બેઠાં હોય અને ભકતો પગે લાગતા જાય અને સંતો વાંસામાં થાપો મારી આશીર્વાદ આપે. એમ લાઈનમાં મારો વારો આવ્યો ને હું પગે લાગ્યો પણ મને થાપો ન માર્યો, તે હું ઊભો રહ્યો મારા પછીના એક-બે ત્રણ જણાં સંતોને પગે લાગ્યા ને થાપા માર્યા એટલે હું ફરી પગે લાગ્યો તોય મને થાપો કે આશીર્વાદ ન આપ્યા એટલે મારો મગજ આમેય ગરમ એટલે હું ત્યાંથી ચાલતો થઈ ઘરે આવ્યો અને પૂજામાં પ્રમુખ સ્વામીની દિધેલી તે પૂજા મેં કાઢી નાખી મને મનમાં થયું હવે મારે આ પૂજા કરવી નથી, બધાને આશીર્વાદ આપ્યા મને નહીં.
સમય જતાં હું દુબઈ એલાન વિસ્તારમાં ગયો, ત્યાં કંપનીનું કામ ધીમું ચાલે એટલે હું ખલીવલી થઇ ગયો તેથી કામ શોધવા નાકે ઊભો ત્યાં ભક્તોનો યોગ થયો. તિલક-ચાંદલો જોઈને જય સ્વામિનારાયણ તો કહેવાનું જ. કામ શોધવા માટે એકવાર અમે શારજાહ ગયાં ત્યાં આ અમારા ગામનો કિશોર ભેગો થયો. આમ સંબંધે કાકા થાય. એ કિશોરને હનુમાનજીની ઉપાસના પરંતુ કિશોરને ત્યાં સભામાં શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ ભગવાન છે. એમ સત્સંગ થાય અને કિશોરને તબલા વગાડવા, કિર્તન બોલવાનો બહુ શોખ તેથી સભામાં જાય. તે એક દિવસ અમે બંને ભેગા થઈ ગયા અને સભામાંથી પરત આવતા હતા ત્યારે કિશોરે મનમાં વિચાર્યું કે, જો મને કોઇ પાછળથી બોલાવવા આવે તો હું માનું કે મારા મનનો સંકલ્પ ભગવાને જાણ્યો.
ત્યારે પાછળથી ભગવાનજી પોરીયાએ અવાજ દીધો. હાલો ભગત સભામાં અહીં બહાર કેમ બેઠા છો હાલો હાલો સભામાં. એટલે કિશોરને થયું આ મહારાજની વાતો કરે છે તે તો સાચી. એમ કહી સભામાં ગયા. હવે ઈ કિશોર છૂટી કાપવા દેશમાં આવ્યો અને દેશમાં કુંકાવાવ દર્શન કરવા ગયો દર્શન કર્યા. છૂટી કાપીને ફરી દુબઈ આવ્યો ત્યારે ભક્તોએ દેશના હાલચાલ પૂછ્યા. ત્યારે કિશોર કહે, હું કુંકાવાવ ગયો ત્યાં મહારાજની મૂર્તિ આખી
સફેદ તેજસ્વી એવી મૂર્તિના દર્શન થયા. એટલે ભક્તો કહે, ભગત મહારાજની મૂર્તિ સફેદ નથી પણ મહારાજે તમને દિવ્ય દર્શન આપ્યા કહેવાય. બાકી મહારાજની મૂર્તિ તો ભગવી છે. આમ કિશોરભગતને મહારાજમાં નિષ્ઠા બેઠી. આમ કરતાં કરતાં એક દિવસ મને કામ ન મળ્યું એટલે હું બહાર બેઠો અને અંદર ગોવિંદજી મહારાજ, ભગવાનજી પોરીયા, શાંતિલાલ વાઢેર, શાંતિલાલ બગીચા આ બધા રપ-૩૦ જણ અંદર ભજન કરે ને હું બહાર બેસી ચોપડી વાંચવા બેઠો.
એક વખત અમે કામે ગયા ત્યાં ભક્તો પણ ભેગાં હતા. એ ભક્તો કહે, સભામાં મહારાજ હાજર થાય એટલે ગુલાબની સુગંધ આવે. ત્યારે એક વખત હું સભામાં ગયો અને ત્યાં ગુલાબની સુગંધ આવી જેથી મારો વિચાર ફર્યો કે સાચી વાત છે ગુલાબની સુગંધ આવી. થોડીવાર પછી એમ થયું કે કોઈકે સેન્ટ છાંટ્યું હશે એમ કાંઈ ગુલાબની સુગંધ થોડી આવે. એમ કરતાં કામેથી છૂટા થયા અને ઠેકેદારે રોજ પપ રૂપિયા આપ્યા ને કહ્યું, કાલે પાછો આવજે. તે બીજા દિવસે કામ ઉપર એ ગુલાબની સુગંધવાળી હવા મને ભટકાઇ એટલે વળી વિચાર આવ્યો કે, ખરેખર શું હશે ? મહારાજ અહીં આવ્યા હશે ? આમ વિચાર કરું. વળી ત્રીજા દિવસે પણ ગુલાબની સુગંધ આવી. ચોથા દિવસે હું ૧૧ વાગ્યે કામ પૂરું કરી ઘરે આવતો રહ્યો. હવે મારી રૂમ ખાંચામાં અને રૂમમાં અંધારું ને હું એ.સી. ચાલુ કરી સૂતો. ભક્તો બધા કહે, શાસ્ત્રીજી મહારાજ ભગવાન છે. આમ આવા વિચારોની ગડમથલ મગજમાં ચાલતી હતી. ભગવાન હોય તેને ચિન્હો હોય. ચિન્હ હોય એ ભગવાન કહેવાય. આમ વિચારોનું ચકડોળ મગજમાં ચાલતું હતું. ત્યારે રૂમમાં ચિન્હવાળી મૂર્તિમાંથી હથેળીમાંથી પ્રકાશ છૂટ્યો અને આખા રૂમમાં પ્રકાશ પથરાઈ ગયો. છતાં પણ મારું મન માનતું નહોતું. આવું તો કોઈ સિદ્ધીવાળો ત્યાં બેઠો બેઠો કરી શકે. આવા વિચારો મનમાં ઘૂમરાયા કરે.
એકવાર મારો સાળો જૂનાગઢ ગયો હતો તેને અઘોરી બાવાએ ફોટો આપ્યો હતો અને એ ફોટામાં આંખના ડોળા કાઢે. હાથ હલાવે આવું થતું એટલે મને ત્યારે મનાયું નહીં પણ સભામાં તો જતો જ. એમ કરતાં કરતાં મહારાજની આઠમની સભા દુબઈમાં હતી તેથી અમે દુબઈ ગયા. ત્યાં સભાની પૂર્ણાહૂતિ થતી હતી ને હું પહાગચ્યો. તે ભક્તો કહે, ભગત આવો દર્શન કરી લો, એટલે મેં દર્શન કર્યાં, પ્રસાદ લીધો. પણ મનમાં થાય કે, હું સાક્ષાત મહારાજનું પ્રગટપણું દેખું તો માનું. એવું મનમાં થયા કરે.
એક વખત હું બાજુમાં ગામડું છે. ત્યાં કામે ગયો હતો ત્યારે ૯ થી ૯-ર૦ની છૂટી પડે ત્યારે ચા-પાણી કરતો હતો ત્યારે સામે હાથમાં છડી લઈને ઉભેલા મહારાજના દર્શન થયા. હું મહારાજને જોઉં ને મહારાજ થોડાં હાલે વળી મહારાજને જોઉં ને મહારાજ આગળ હાલે ને મને જુએ. આમ ત્રણ વખત મહારાજને હાલતા અને મારી સામું જોતા દર્શન થયા. ત્યારથી હું મહારાજને માનતો થયો કે, શાસ્ત્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે. પછી તો હું સભા સત્સંગમાં તાનથી જતો. હવે મારે દેશમાં આવવાનું થયું એટલે ઘરના સૌએ મારા કાકાને વાત કરી હશે કે, મહેન્દ્ર તો જૂનાગઢવાળા ગુરૂમાં ભળી ગયો છે અને ફુલવાડી મંદિર થાય છે એમાં રૂપિયા આપે છે.
આમ વાત થઈ હશે તે હું મુંબઈ ગયો અને મારા કાકા ભેગા થયા. મારા કાકા કહે, તું ઓલા ગુરૂવાળા છે એના ભેગો ભળી ગયો છે. એમને મેં કહ્યું, હા એમાં ભળી ગયો છું. પછી મારા કાકાને જે કંઈ કહેવું હતું તે કહી ન શક્યા. પછી મારે રાજકોટ જવાનું થયું ત્યાં મારા માસી રહે એ બધા પ્રમુખસ્વામી સંપ્રદાયવાળા. તેમણે પણ કહ્યું કે, મહેન્દ્ર તું ઓલા ગુરૂ સંપ્રદાયમાં ભળી ગયો ? મેં કહ્યું, હા. એ મારા ગુરૂ કહો, ભગવાન કહો જે કહો તે મારે બધું એ જ છે. એટલે કહે, આ સંપ્રદાયમાં તારું આખું કુટુંબ છે. આ સંપ્રદાયમાં બધું છે શું નથી ? ત્યારે મેં કહ્યું, એમાં જે છે તે આમાં નથી. તમે ગઢડા મધ્યનું ૪૮મું વચનામૃત વાંચો એમાં સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું છે. અમે સંતની મધ્યે સંત થઈને આવશું તે આ ભગવાન સંત થઈને આવ્યા છે અને ભગવાન જ છે. મેં વચનામૃતની વાત કરી પછી કોઈ કાંઈ બોલ્યા નહીં.
આમ કરતાં અમારા ઘરમાં વાદ-વિવાદને કારણે હું ભાઈઓથી અલગ થયો. બાજુમાં અમે અલગ રહેવા ગયા ત્યાં પાણીયારે મહારાજની મૂર્તિ રાખી મગનો સાથિયો કર્યોં કળશ મૂક્યો, નારિયેલ મૂક્યું અને અમે આરતી કરવા જયાં જય અંતર્યામી બોલ્યા ત્યાં નારિયેળ ફાટી ગયું અને અમે આરતી કરી તેમાં મહારાજે હાજરી બતાવી. આમ પ્રગટ ભગવાન પ્રગટ જ છે. પછી હું મુંબઈ રહેવા ગયો ત્યાં સાવ નાની રૂમ હતી મારે વિદેશ જવાનું એટલે જગ્યા સાંકડી. કોઈ આવે તો બેસાડવા ક્યાં ? હવે કાંદીવલી સભા થતી અને ઘરના સભામાં જાય. તે જીવનમાં કાંઈ તકલીફ આવે તો મહારાજને સંભારતા.