બધુંય પરમેશ્વરનું છે માટે અહમ્-મમ્નો ત્યાગ કરવો - શાસ્ત્રો દ્વારા વર્ણિત મોક્ષમાર્ગ
શરીરધારીએ પોતાને જીવાત્મા તરીકે ઓળખવો. આત્મા મરતો નથી, કાયમી છે, બ્રહ્મલોકનો વતની છે, પરમેશ્વરની ભેગો રહેનારો છે, દાસ છે, પ્રેમથી ભરેલો છે; આત્મા પોતે એ સમજવા માંડે અને પોતાને લઇને આ શરીર સજીવન છે. આત્મા નીકળી જાય તો પ્રાણ વયો જાય, પ્રાણ વયો જાય તો ઇન્દ્રિયો વઇ જાય, માટે જેટલી શક્તિઓ બધી યે ચાલતી થઇ જાય. જીવાત્મા હોય તો પ્રાણ સબળ રહે, ઇન્દ્રિયો બળવાળી રહે, પાંચ ભૂતના તત્ત્વો પણ બળિયા રહે, એવી રીતે આત્મા પોતાને ઓળખવા શીખે તો આ જેટલું કાંઇ બળ છે, તે મારું છે; જેટલા કાંઇ સુખ આનંદ ભોગ વિલાસ છે, તે મારા છે, જેટલી કાંઇ સંપત્તિ છે તે મારી છે, જેટલા કાંઇ રસ છે તે મારા છે. પરમેશ્વરમાં રસ રહ્યા છે, પરમેશ્વર જીવમાં રહ્યા છે અને જીવ રસવાળો રસિયો છે અને તે જીવ પોતે પોતાના રસને અનુભવે છે અને પરમેશ્વરના રસને ભોગવે છે તેણે કરીને સુખિયો થાય છે, માટે જેટલાં કાંઇ રસ એ પરમેશ્વરના છે, વૃક્ષ-વેલીઓમાં જેટલી કાંઇ મીઠાશ તે પરમેશ્વરની છે, દૂધ, દહીં, દુજાણામાં જેટલા કાંઇ મીઠાશના ભાગ તે પરમેશ્વરના છે. ઔષધીઓ ઊગે, પાંદડા મીઠાં થાય, એ પરમેશ્વરનો રસ છે.
મનુષ્ય મોટો થાય અને તેમાં સુખ અને આનંદના વરસાદો થવા માંડે છે તે પરમેશ્વરનો ભાગ છે. આકાશ પોલું છે. વાદળાં થાય તે પરમેશ્વરનો ભાગ છે. શબ્દ પણ અનંત પ્રદેશોમાં પહોંચે છે તે પરમેશ્વરનો ભાગ છે. વીજળીનો એક કડાકો એક સેકંડમાં એંસી હજાર માઇલ જાય છે તે પરમેશ્વરનો ભાગ છે. જીવાત્મા સ્વપ્નમાં લાખો યોજનના પ્રદેશોને દેખે છે, પરમેશ્વરને દેખે છે, આકાશમાં ઊડે છે. સૂર્ય-ચંદ્રમાં જઇ આવે છે, આટલી બધી શક્તિ સ્વપ્નામાં પોતે સૂતો પડેલો હોય છે છતાં અંદર દેખે છે ઇ દેખવાની શક્તિ પરમેશ્વરની છે. માટે આંખને પરમેશ્વરની જ બનાવી નાખવી. આ મારી આંખ છે તે પરમેશ્વરની છે માટે દિવ્ય છે, તે આંખ જે દેખે છે તે બધું ભગવાનનું છે. તે આંખમાં સુખ રાખવું, આનંદ રાખવો, રમૂજ રાખવી, તેમાં વિનય રાખવો, પ્રેમ રાખવો, આંખની માલિકોર બધું’ય દેખાઇ આવે, એ પરમેશ્વરના સદ્ગુણો છે.
એમ વિવેક દસમો નિધિ છે ઇ વિવેક પરમેશ્વરનો છે. વિવેકમાં બધું’ય સૂજે. વિવેકવાળાને કાંઇ અજાણ્યું નથી. જગતની સાથે વિવેક રાખે તો વિવેકીજન કેને કહેવાય ? તો કે સંતને ને ભગવાનને ઓળખે ઇ વિવેકી થયો. બાળક નાનો હોય ત્યારે એણે શીખવાનું ઘણું તાન હોય, શીખી લીધા પછી કમાવાનું તાન હોય, કમાણા પછી શરીરની શક્તિઓ વધે ત્યારે તેને વરવા પરણવાનું ભાન થાય અને એ થયા પછી હવે હું કાંઇક સમર્થ થયો એવી સારી સમજણ આવે. લોકની ગણતરીમાં આવ્યો એવી સારી સમજણ આવે. કન્યાને અને વરને ગૃહસ્થાશ્રમ થયો ત્યારે બહુ મોટો આનંદ મનાય, એ બધો આનંદ પરમેશ્વરે આપ્યો એટલે છે. ભગવાને ન આપ્યો હોય તો એ આનંદ બધો ઊડી જાય, મનુષ્યની માલિકોર તત્ત્વોમાં રસ ભર્યા છે ત્યારે પુરુષ ભોગ કરી શકે છે. જો એ તત્ત્વ ન હોય, ભગવાને આપ્યો ન હોય, તો આદમી તો ખરો, દેખાવ ખરો, મોઢે મૂછું ઊગે ખરી પણ નપુંસક કહેવાય. એને આનંદ ન હોય, એમ પૃથ્વી, જળ, તેજ, વાયુની ચીજો ઘણી બધી બનાવી છે, બની છે, ખવાય છે, પચે છે, ઓળખાય છે, એ તમામ ચીજો પરમેશ્વરની છે, એ આપણે ગ્રહણ કરીએ છીએ અને ભગવાનને ધરીએ પણ છીએ. ભગવાન પણ કહે છે કે, હું અંગીકાર કરું છું, મને અંગીકાર કર્યા પછી તમે વાપરો તો એ તમને મેં આપી માટે નિર્ગુણ છે.
એમ આ લોકમાં રાજગાદી મળે તો’ય પણ એમ સમજે કે આમાં મારું કાંઇ નથી. એમ મોટી સત્તાઓ મળે તો’ય એમ સમજે કે મારું કાંઇ નથી. એમ ગામડાં, સારી સારી મિલકત, કમાણી, સોના, રૂપા, હીરા, માણેક, સારી સારી લલનાઓ, સારા સારા રૂપ, આવકાર, કીર્તિ, જશ, બુદ્ધિ અનેક જાતના ઉકેલ, એ બધાં પરમેશ્વરે આપેલાં છે માટે ભગવાનના છે. પોતાનું રૂપ, સ્વરૂપ, સુંદરતા, કુળ, કુટુંબ, પરિવાર, સારી પત્ની મળવી, સારો વરરાજો મળવો, સારા સગાં સંબંધીઓ મળવા, સારા સદ્ગુરુ મળવા, પરમેશ્વર મળવા, ઓળખાવા, એ બધું પરમેશ્વરનું છે, પરમેશ્વરે મોટું પુન્ય આપ્યું. તેણે કરીને મળ્યું છે, તેણે કરીને ઓળખાણું છે, વળી વસ્તુઓને શાસ્ત્રે બતાવ્યું છે કે, તેને માયા વળગેલી છે પણ પરમેશ્વરવાળો જે ભક્ત તેને માયા ટળી જાય છે, માયા અમાયા થઇ જાય છે.
પરમેશ્વરનો ભક્ત જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિમાં જીવતો છે. તે પરમેશ્વરને જો ભૂલી ગયો તો જીવતો થકો પણ ભૂલી ગયો છે એટલે મરેલો છે. જેને ભગવાનની હારે હેત નથી, એને આ જગતમાં ક્યાંય માન નથી, જેને ભગવાનના સાધુ પોતાના નથી ગણાણા, તેને આખી દુનિયા ક્યાંય પોતાનું કોઇ ગણતું નથી, એમ કેમ ? તો કે એ માણસનો જીવ રજોગુણી ને તમોગુણી હોય છે. તેને લઇને ન કરવાના કરે છે, એટલે દુનિયા તેને તિરસ્કાર કરે છે. એટલે ભગવાન તરફથી એને તિરસ્કાર મળ્યો. પણ જો સારા કાર્યો કરતો હોય તો ભગવાન માટે છે અને સારું કરે એને કોઇ નરસો માણસ હોય એય વખાણે કે એણે કામ તો સારું કર્યુ. સારી ચીજો, સારો ઉપયોગ, સારા દાન, સારા પુન્ય, સારા યજ્ઞ, બહુ સારા વાના, પરોપકાર, કોઇના ઉપકારો એ બધા કામકાજ કરનારો કદાચ આ જગતને વિશે ગાંડો ગણાતો હોય તો ય પણ દુનિયા એને સારો કહે કે ઇ ડાયો છે. જીવનું સાધે છે માટે ડાયો છે. જીવને પડ્યો મેલે ગણકારે નહીં, મારે શું છે ? પરલોક કેણે દેખ્યો છે ? આમ કરીને સારા કામ ન કરે તો જિંદગી વઇ ગઇ, તો ઇ વઇ ગઇ એટલે નઠારી થઇ ગઇ, ગોજારી થઇ ગઇ અને પછી પરમેશ્વરની માંગણી તે માંગણી ને બરાબર શું માંગણી ?
મારે શરણે આવો, મારું ભજન કરો, મારું ધ્યાન ભજન મૂર્તિ ગ્રહણ કરો, મને સંભારો, મને પૂજો, મને અર્પણ કરો. તમારું હું કાંઇ લઇ નહીં લઉં. ઊલટું લાખો ગણું આપીશ. થોડું આપશે તો ય ઘણુંય આપીશ. આ બ્રહ્માંડ આવડું મોટું બનાવ્યું તો ક્યાં અમે કોઇ આદમી થોડો બેસાડ્યો તો ? તમારે વાસ્તે હાથમાં સોપારી જેવડો ગોળો કરીને આકાશમાં મેલ્યો, ત્યાં લાખો યોજનનો મોટો ગોળો થઇ ગયો, તો પછી મારી હથેળી કેવડી ? સૂર્ય, ચંદ્રના કિરણ ન પહોંચે એ ઠેકાણું હું બેઠો હોઉં, તમે અહીં બોલો ઇ બધુંય સાંભળું, તમે દીવો ન કરો તો ય બધું ઇ જોઉં. તમે છેતરો, વાંકા, ત્રાંસા થઇ કે ભગવાનને કાંઇ ખબર નથી. તોય ઇ તો મને બધું આગળનું સૂજે. મારે જોવું હોય એટલું જોઇ લઉં. એમાં શું જગતના જીવોનું જોઇને માલિકોર ધ્યાન દેવું ? હવે આપ્યું જ છે, બનાવ્યું જ છે, કાદવ બનાવ્યો જ છે, પાણીની નદી છે, કિનારામાં ગારો છે, જાય તે ખુંતે. તરસ લાગી હોય તો પીએ, ડાયો હોય તો બેય ન કરે. કાંઇ નહીં કે આરો આવે ત્યાં પીશું અને છાંયો હશે તો વિસામો ખાઇશું. આડે વગડે બધા ભય છે, ભગવાનને માર્ગે ભય નથી.
જે લાલચુ થયો ઇ ભયમાં લપટાણો સમજવો. જેણે બધું તજ્યું ઇ નિર્ભય થયો સમજવો. એને કોઇ દિવસ ભયનું સ્વપ્ન ન આવે કારણ કે પોતે દૂર છે, જાગૃતમાં હતો પછી સ્વપ્નમાં શેનો પાછો પડે ? એને ભગવાન સ્વપ્નમાં જાગતા છે, એણે ક્યાંય દુઃખમાં જાવા દેતા નથી. એક આ જગતની એવી રીત છે સૌ ઠેકાણે. પક્ષી માળો કરે તો ઝાડવું મારું, તારું નહીં. નવું આવે એને તગડે, પણ રહેવા પૂરતું ને ? ઝાડવું સૂકાઇ જાય ત્યારે કે’નું ? કોઇનું નહીં. એમ પશુ પક્ષી ખેતરમાં ક્યાંક ખાવાનું પીવાનું હોય તો ત્યાં બળિયો હોય ઇ કે મારું ! ત્યાં બીજાને તગડે. એનું નહીં. પણ ઇ ખેતરે જે પાકી ગયું, ફળ વિનાનું થઇ ગયું ઢેફા થઇ ગયા. સૂકાઇ ગયું પછી કોનું ? તો ઓલો બળિયો છે ને ઇ એય ભાગે. આંહિ તો ક્યાંય નથી. હાલો... હાલો... સોનાની લગડી નીકળતી હોય ત્યા દોડે ન નીકળતી હોય ત્યાં શું દોડે ? ખોદી ખોદીને થાકે ને પછી કોલસા નીકળે તો ? ઓય ઓય આમાં તો કાંઇ નથી. માટે મનાણું કિંમતી, ઉપયોગી એ પરમેશ્વરે આપેલું છે એટલે મનાણું. અને મનાણું એટલે પરમેશ્વરને આપવા માટે મનાણું છે. ભગવાન પહેલું તમારું, પછી મારું. આવી સમજણમાં ઘણાં ભક્તો તરી ગયા.
ઇ રાંધેલી થાળીમાંથી કોળિયો હાથમાં લઇને મુખમાં મેલે ત્યારે સમજણ એવી કે, લ્યો ભગવાન આ તમને જમાડું છું હો. આ મોઢું, મુખ તમારું છે. જીભ તમારી છે. સેવા કરે તો ભગવાનની સેવા કરે. આ સેવા હું તમારી કરું છું હો આ બીજાની સેવા નથી. ખેતર, વાડી, સંપત્તિ, છોકરા, છાબડા, સ્ત્રી, આ લોક, પરલોક ઇ બધું છે કોનું ? પરમેશ્વરનું. કેમ એમ ? તો કે જિંદગી આખી મારું મારું મારું કરીને ઘસાઇ ગયો અને પછી જ્યારે ઓલું ઉપડ્યું ને બધુંય અને કોક મોટો વેગ લાગ્યો ને કાં આકાશમાર્ગે ઊડી જાય, વંટોળિયો લઇ જાય, પવન લઇ જાય, પાણીના પૂર લઇ જાય, અગ્નિ લાગે તો બળી જાય અને લૂંટારાના લશ્કર આવે તો બધું ગામ ઉપાડી જાય. તંયે મારું મારું મારું કરવા મંડતો હોય તો ! મારું છે, મારું છે, મારું છે એમ પકડવા મંડ. મંડ બથું ભરવા. કાં વયુ જાય ? તે દિ’ એમ થાય કે મારું સાળું કાંઇ આપણું નથી હો. ઢરડી ઢરડીને થાકી ગયા અને પાણીનું પૂર આવ્યું તો પટારો લઇ ગયા. પછી મારું કાંઇ નથી. તે શેનું હોય ? તારું હતું તેં ન વાપર્યુ. ભગવાનનું છે, ભગવાન લેખે વાપર્યુ હોત તો તને જરૂર બદલો મળત. તો તારું ન તણાત. પણ બધું તણાઇ ગયું કુળ કુટુંબ સહિત બધાય મરી જાય. મારું કુટુંબ, મારું કુળ, મારી સ્ત્રી, મારા છોકરા, મારું ઘર, મારો બંગલો. તારું હોય તો પડી શું કામ જાય ? તારું હોય તો મરી શું કામ જાય ? પણ તું તારો નથી તો પછી તારું બીજું કોણ થાય ? તું કા મરી જા ? તું જીવતો રહે ને તારી મેળે ! કાંઇ થાય નહીં. તું હજી રોટલો ખા તંયે જીવતો રહે છે. ઇ આમાં તારું શું ? કાંઇ મળે નહીં. છીંક ખાવી હોય તો ય સરખી ન ખવાય. ત્રાહીબાંગી ખાય તો દાઢી ખડી જાય, સરખું ભોજન કર્યુ હોય ને બપોરે આરામ લેવો હોય પેટ તરેરાટ થાય અને મંડે પેટમાં દુઃખવા. ખાધા તો ચુરમાના લાડુ, પછી હેય નિરાંતે સૂઇશું. પણ ત્યાં ચોમાસાના ઘારમાં ઘસાઇ ગયેલા ઘઉં કાઢ્યા. તડકે નાખી અને બાટ કાઢી નાખ્યો પછી દળ્યા પછી એના બનાવ્યા ચુરમાના લાડું, પછી ખાય, અને ચડે મીણો. ઇ ખારો ભાગ, ખોરો ભાગ, સડેલો ભાગ. કોઇ દિ’ સારા તત્ત્વોમાં આવતો નથી અને એણે લઇને તને નડ્યો. કાં તારું હતું ને શું કામ નડ્યો ? ઘઉં તો તે જન્માવ્યા, ભેગા કર્યા. લોટ દળ્યો, પકવાન કર્યો. આ બધું ય માને છે મારું છે એમ. અજાણ્યો હોય ત્યાં સુધી માને છે કે મારું છે. એઇ જાણકાર થયો પછી એની મેળે પાછો વયો જાય છે પછી કોઇ ચીજ સાથે હેત તો રહેતું નથી. પણ એવું છે લોલમ લોલ જ્યાં રહેવું છે ત્યાં સૌ જાગીને બોલવા મંડે તે આપણે બોલવા માંડવું. બધા આંખ્યું વીંચી જાય તો આપણે ય વીંચી જાવી. દિ કાઢે તો દિ કાઢવો. કામે વળગતા હોય તો હાલો ને હું ય કામે વળગું. એમ કરી કરીને મહિનો, છ મહિના, બાર મહિના, બાર વરહ, બાવીશ વરહ, પચાસ વરહ કાઢી નાખ્યા. પછી પોતે પોતાની મેળે કામ કરવા જાય. ન હાલે ને તંયે એમ થાય કે મારી જોઇએ તો ઠીક છે. હમ્મ લેને મરી જાને. મરાયે ય નહીં, બીજું તો કાંઇ નહીં જવાય એ ય નહીં ક્યાંય.
એક વસ્તુ ભગવાન લેખે કરી, એમાં વૃત્તિ રાખી. તો ઇ સમર્થ દેવ છે. તે હજારોગણું આપવા કબુલ થયેલ છે. તે સારું કર્યુ તો પરલોકે જવાશે. ત્યાં આડું કોઇ નહીં આવે અને આવશે તોય એને હટાવનારો જબરો છે. માટે બાળ, યુવાન, વૃદ્ધ, નર કે નારી, કામકાજ, સકર્મ કે નિષ્કર્મ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, સદ્ગુણ કે દુર્ગુણ જે કાંઇ અનુકૂળ કે પ્રતિકૂળ હોય પણ એમાં પરમેશ્વરને આડા રાખવા. ભાઇ તમે કરો છો, તમે દેખાડો છો, તમે સૂજાડો છો. હવે ખાય-પી લીધું હોય અને મોઢું ખખાડવું હોય તોય દાંતમાં ચોંટી જાય તે સળીથી ખંખેરવાનું વળી બ્રશ ઘસો તે વળી ધૂળ ઘસોને કાંઇ કોલસા બોલસા ઘસો તોય નિકળે નહીં, તોય દાંત તો એવા ને એવા જ રહે સડેલા. તંયે પછી તમારું શું આમાં ? કોઇ પાંસેરું ન હાલે, ખોંખારો ખાવ તો ગળામાં આવે. વધારે ખાધું હોય તો શરીરમાં કંઇક ને કંઇક ગુમડા થાય. હવે સારું હતું ને ઇ ક્યાંથી કોઇ ખરાબ થઇ ને નીકળે ઢોળો ? માટે તમારું કાંઇ છે નહીં. એકે એક તત્ત્વની ઉપર કાળનો વેગ છે, માયાનો વેગ છે. એની ઉપર પરિણામ થાય છે. ઇ બગડે છે, રહે છે, એના રસ્તામાં, શેલામાં પાણી સરખું હાલ્યું જાય ત્યાં સુધી ઠીક છે પણ આ તો બંધાણ બંધાણું ને ક્યાંક ઝાડવા ભરાણા અને જો છલકાણું શેલું તો પડખાના પાળાને તોડીને બીજાની ક્યાંક મિલકત હોય એનેય ઉપાડી જાય, ખોદીને નાખી દે સમુદ્ર ભેગું. એમ તમારું શું ? મે વાવ્યું છે. મારું ખેતર છે. ખરેખરો મોલ છે. મારો મોલ કેમ તેં ચારી દીધો ? દે લાકડીઓ ને કુહાડીઓ લઇને પછી જ્યાં વાગે ત્યાં માર માથામાં ક્યાં ? મારા માથામાં માર્યુ પણ તારા માથામાં માર્યુ પણ તારું માથું ક્યાં હતું તે લાગ્યું.
જીવાત્મા છે ઇ જો પાછો વળી જાય તો તેને અહમ અને મમ મટી જાય છે. હું પણું પણ મટી જાય છે. કોઇ પ્રકારનું અભિમાન છે ઇ મટી જાય છે. એને શાસ્ત્રો એમ જ લખે છે કે, પોતે સુખિયા થવું હોય તો પોતાથી નાનો માણસ હોય એની સામે જોવું. પોતાને ગોદડું, ગાદલું પાથરવા મલ્યું કે ભીંતનો ઓથ મળ્યો કે ખાવાનું રાંધેલું મળ્યું. છતાં એમાં ઉણપ દેખાતી હોય તો પોતાની પડખે વાછડા, ગાયું ને ભેંસું, કુકડા ને કબૂતરા ને વાંદરાને આ બધાયને આપણાં જેવું છે ? એમ જોવું. એને આપણાં જેવું નથી. તો એના કરતાં આપણે છે ઇ સારું છે. આમ જોઇ માણસે સુખી થાવું. ગરીબના કૂબા અને મધ્યમ માણસના ઓરડા અને તાલેવાનનાં બંગલા અને રાજાઓના મહેલ એની સરેરાસ જોવો તો બધાયને શેર ખાવાનું જોઇ છે. બે પાંચ કલાક ઊંઘ જોઇએ અને બે પાંચ માણસની ભેગા રહેવું જોઇએ. શા માટે ? નિર્ભયતા માટે. ઇ નિર્ભયતા હોય તો નિરાંતે દિ જાય અને ક્યાંક વિરોધી વચ્ચે પડી ગયો તો નિરાંતે દિ નથી જાતો. દુઃખનો દિ જાય છે. જેલમાં પડ્યો તો વધારે દુઃખી થઇ જાય એમ જો કોકના કબજામાં આવી ગયો પરાધીન, તો ઇ વધારે દુઃખી થઇ જાય. માટે જીવાત્મા જમાવટ કરે છે. પોતાનું ગણે છે પણ એમ સમજવું કે હું તાળું કુંચી રાખું છું એટલે મારું છે. પણ હમણાં તાળું કુંચી ચોકમાં મેલીને કહી દઉં કે ભાઇ આ ફલાણા પટારાની તાળા કૂંચી છે. એમાં મેં આટલું મેલ્યું છે અને હું જાઉં છું હવે જાત્રા કરવા. તો જોજો ગામમાં કેટલા તૈયાર થઇ જાય તાળું કૂંચી પકડવા ને પટારો ઉઘાડવા ને લઇ જાવા. માટે અહમ્ અને મમ ઇ બે પોતે પરાણે વસ્તુઓ ઉપર ઠેરાવ્યા છે. માટે કરવાનું કેટલું ? તો ભૂખ્યા તરસ્યા ન રહેવાય એટલું. આચરવાનું કેટલું ? તો કે ઊંઘ લેવાય એટલું. તંયે દિવસ કાઢવાનું કેટલું ? તો કે દરરોજમાં જોઇતી આવશ્યક ચીજ પૂરી પડે એટલું. તંયે જીવવાનું કેટલું ? તો કે ખખડી ભભડી જાય એટલું. તંયે મરવાનું કેટલું ? તો કે પરલોકમાં કામ આવે એટલું કમાઇ લીધું અને પછી મરાય ઇ મરવાનું એટલું અને પછી શું ? તો કે પછી મારે તારું છે ? કાંઇ નથી. આંહિથી ગયો બીજા બ્રહ્માંડમાં ત્યાં નવા ઓળખીતા. અહીંથી ગયો બીજી સૃષ્ટિમાં. વળી ગિરનાર જેવામાં તો કે ત્યાં નવી બધી ઝીણી ઝીણી કીડી ને મકોડી ને મછલા દેખાય ઇ એના ભાઇબંધ. માટે મરવામાં હું મર્યા પછી જન્મીશ તો મારી ભેગા ભગવાન રહેશે. એટલું કંઇ નવું સોનું કરી રાખવું. બાકી જૂનું હશે ઇ તો કો’ક લઇ જશે. ચોર આવે, લૂંટારા આવે, પૃથ્વી આવે, પાણી આવે ઇ બધાય લૂંટારા જ છે. એણે પેદા કર્યુ ઇ લઇ જવાના છે.
માટે બાળપણમાં કમાવું. થોડી ઘણી કામગીરી શીખી લેવી, એની સાથે ભગવાન તો ભેગા રાખવા. થોડી ઘણી વિનય, રીતિ શીખી રાખવી એટલે માણસ ભેગું રહેવાય. ભગવાન કે સંત ભેગું રહેવા શીખવું. બીજે રહીને શું કરવું છે ? પણ હવે શું કરે ? સૌ દે દે કાર કરે છે. દે દે, હાલો હાલો એટલે બધાય જેલમાં. જુઓ આખા શહેરના શહેર બધાય જેલમાં કાં ? તો કે ઘરની ઘરધણી તાળું કૂંચી લઇને બેઠી હોય જવા ન દે ક્યાંય. ક્યાં ગયા હતા, કેમ આવ્યા નહીં ? આંહિ ઠરી ગયા દાળ-ભાત. હવે બોલો ઘરનો જેલર. હુકમ ચલાવે અને ખોળનું ઝેર ! પરાણે રહેવું પડે. ક્યાં જાય ? બહાર જાય તો કૂતરું કરડે કાં દીપડો લઇ જાય. કાં પૈસાવાળો હોય તો કોક દબાવીને મારીને ઉપાડી જાય. આ આખી દુનિયા જેલમાં પડી છે. પરાણે પૂરાવું પડે. કેમ એમ ? ઇ એવી રચાણી છે. એને કાંઇ ન હોય પાસે. બે ફાટેલા પહેર્યા હોય. જાડી ગોદડી જેવું કરી રાખ્યું હોય ને ઝાડવા હેઠે જઇને પડ્યો રહે. બીજો ય પાસે જાતા ડરે. ઇ તો ગાંડો ક્યાંક પાણો મારશે. ક્યાંક આપણને મારશે. ઊલટા ભાગે. માટે પરમેશ્વર સાથે સાજું રાખવું. બાકી દુનિયા હારે આવું ને આવું રહેવા જેવું છે. સાધુ થાય તંયે આ બધી આંખું ઉઘડે છે. જ્યાં સુધી સાધુ ન થાય ને ત્યાં સુધી નથી આંખ્યું ઊઘડતી. ત્યાં સુધી બધા જેવો. પચાસ ઘોડા હોય કે હજાર ઘોડા હોય કે બે ઘોડા હોય કે અમથો એકલિયો હોય. તો ઇ બધાય જેવો એમાં કાંઇ નહીં. એના તરંગો ને ઓના તરંગો સરખા જ હાલતા હોય છે. એના ભારખાના ને આના ભારખાના બધા સરખા જ હોય છે. પાછો વળ્યો ને પાંચ માળા ફેરવીને ભગવાન લેખે કરો, કંઇક દિવસની કમાણી થઇ ગઇ, સાંજ સવારનીય થઇ ગઇ, વરસ-દહાડાની થઇ ગઇ. હવે શું કામ માથા કૂટો છો ? કેના સારું કૂટો છો ? કોક લઇ જાવાના છે જરૂર. જો આવશેને કરજદાર, ઇ એનું કરજ ચૂકાવીને દઇ જશે અને લેણદાર આવશે એનું લેણું લઇ જાશે.
માટે જીવાત્માએ ભક્ત થાવું, ભગવાન ઓળખવા, સંત ઓળખવા, તારનારા ઓળખવા. તરી જવાય એવા માર્ગ લેવા અને જીવન પૂરું કરી રાખવું. સારું કર્યુ છે સોની અંદર આવરદા છે. લાખ લાખ વરસની હતી ત્યારે હેરાન થઇ ગયા. એના આખ્યાન કેવા મોટા મોટા છે ! રાવણ હજારો બ્રહ્માંડોમાં ફર્યો. મારા જેવો કોઇ નહીં. ઓય, તારી ભલી થાય ! રામ કહે તંયે તારા જેવો હું, હાલ ને મારી હારે. લબકાવ્યા બાણ, ઉડાડી દીધો. માટે દુનિયામાં કોઇ કોઇનું નથી. સૂર્ય આવો જબરો છે પણ કોક દા’ડો જે ફાટશે ને મરી જાવાનો. સૃષ્ટિ ને બ્રહ્માંડ બધા આમ ને આમ છે. મરી ગયા. બધા રાતે મરી જાય છે. સાંજે ઊંઘમાં મસાણમાં વયા જાય છે અને સવારે પાછા જાગે. વળી મોઢું બોઢું ધોવે, જાગે. હવે આ કામ કરશું, તે કરશું, નવો સંસાર રચે બધોય. આ જીવાત્મા એવો છે. નવું રચવું પેટ પૂરતું, વધારે નહીં. ભગવાનને માટે બધું કરવું. સાધુ-સંતને રાજી કરવા. ધર્મ કાર્ય કરવું, પરોપકાર કર્યા કરવો. જેમાં સારું હોય એવું કરવું, બંધન થાય એવું ઓછું કરવું, ઓછું શીખવું, ઓછો અફસોસ કરવો, તેજુરીવાળા હોય ને તેજુરી વાળા ! નોકર હોય ને બેંકમાં રહેતા હોય ને ! તેજુરી લૂંટાઇ જાય. કેના બાપનું ગયું. ઉપરથી અફસોસ કરે અરેરે ! આપણી બેંક લૂંટાઇ ગઇ. આપણી તેજુરી લૂંટાઇ ગઇ, પણ નોકર છે ને ! એનો જીવ ન બળે, અરેરાટી ન થાય. મારું શું ગયું ? ગયું એનું ગયું. આપણે બચ્યા એટલું ઘણુંય છે. આમ આ જીવાત્મા એવો જો ડાયો થાય ને અફસોસ જ ન થાય. જે ગયું ઇ ગયું ને રહ્યું ઇ રહ્યું ને આવ્યું ઇ આવ્યું, ને આવ્યું ઇ નહીં. છે ને નથી એમ. એમ પાંસરૂ રાખવું અને પછી ભગવાન ને સાધુ વધારે ભજ્યા હશું તો અંતકાળે આવશે, નહીં ભજ્યા હોય તો જેને ભજ્યા ઇ આવશે. બીજું શું ? આ ભૂતડા થાય છે ઇ બધાય ભજે એને આવે. ઘણા એવા છે. આખી સૃષ્ટિ એમને એમ હાલે છે. માંગણ બધાય હોય ને માંગણ, ઇ માગું લેવા આવે. એવા લાખો માંગણ છે, તે નવરો રેય નહીં માટે પ્રભુ ભજતાં રો.
બધા કથાકારો એમ કહે છે કે, આને શું કહ્યું તો કે પરમેશ્વરને ભજો. આણે શું કહ્યું તો કે, બહુ દુઃખી થવાય. માટે પરમેશ્વર ભજવા. આણે શું કહ્યું તો કે, ભગવાન વિના તલખતા’તા, તેના મનોરથ પૂરા કરીને ભગવાને એને કહ્યું હવે મને ભજો, ભજો. આ આવી રીતે શાસ્ત્રો બધા શરણાગતિને બતાવે છે. શરણે થાવું, શરણમાં રેવું. શરણે જેને ગયા એના ગુણ લેવા, એના સદ્ગુણો ગાવા. એની મૂર્તિને સંભારવી અને જીવાત્માને જાગતો થકો સૂતો રાખવો. તોફાને ન ચડાવી દેવો. જેટલું ઓછું તોફાન કરે એટલો સુખિયો. તોફાન કરીને વધવા જાય તો દુઃખિયો. હવે એમ કરતાં કદાચ તૃષ્ણા બેસી ગઇ તો મહાસુખિયો ! શું લેવાનું હતું ને શું લઇ ગયો ? ગમે તેટલી આવરદા હશે ને ગમે એટલું કર્યુ તોય પણ જે રહેવાનું રહી ગયું, લૂંટવાનું લૂંટાઇ ગયું અને ભાઇ હાલતો થઇ ગયો. આગળ ભગવાન મળે તો ઠીક છે અને નહિ તો જમપુરી જ્યાં જાય ત્યાં ઊભી જ છે.