પરાવાણી ૪૦

ભગવાનના પ્રસાદીના જળનો પ્રતાપ - ભગવાનને જમાડવાનું તેમજ મંદિરના જીર્ણોદ્ધારનું ફળ

શાસ્ત્રોમાં હકીકત લખી છે એ પ્રમાણે શ્રીજી મહારાજ કહે છે કે, જેણે મોઢામાં મદીરાનો ઘૂંટડો મૂક્યો તો તે જે કાંઇ સેવા કરે છે, વ્રત પાળે છે, નિયમો પાળે છે, જ્ઞાન-ભક્તિ-હોમ-હવન-જપ-યજ્ઞ-દર્શન આ યત્નો વડે કર્યુ હોય તે બધું ધોવાઇ જાય છે. નિષ્ફળ થઇ જાય છે. માટે પોતાને અશુદ્ધ ન થાવું. અશુદ્ધ શરીર છે આમાં લાળું ઝરે, શેડા ઝરે, પરસેવો ઝરે, શરીરમાં ઘણી એવી ચીજો અશુદ્ધિઓની નીકળે, મળ-મૂત્ર થાય છે, પરસેવા આવે છે પણ એની શુદ્ધિ રાખવી. ઉપરથી શુદ્ધિ માટે શુદ્ધિ, એને અંગીકાર કરી ભગવાને. એ શુદ્ધિને અશુદ્ધ ના કરી નાખવી. જેમ અભિષેકનું જળ પાવન કરે છે એમ અભિષેક જેણે ગ્રહણ કર્યો એટલે નાહ્યા એવા ભગવાન એને અધિકાર આપ્યો કે, હું જેને અભિષેક કરાવું એનું પગનું જળ એને પીયે તો ય પણ પંચમહાપાપ બળી જાય છે. ભગવાન કેનો અભિષેક કરાવે ? તમારા છોકરા નાનકડા-નાનકડા મંદિરમાં આવીને સંત પુરુષો અમારું મુંડન કરાવે, ઓલો માથું મૂંડી નાખે પછી આજે ઉપવાસ કરે, ઉપવાસ કરાવે પછી સો માળા ફેરવાવે, દંડવત્ કરાવે, પાણી નહીં પીવાનું હો પૂજા કર્યા વિના. ભલે બહુ સારું. ભગવાનની જે ઇચ્છા મળે એ અભિષેક કર્યો કહેવાય. માથા ઉપર જળ છાંટે, હોમ-હવન કરાવે, ભગવાનના પ્રસાદીનું જળ માથે છાંટી પછી આચાર્ય મહારાજ તેને કાનમાં મંત્ર આપીને જનોઇ પહેરાવે અને ગુરુ ભગવું વસ્ત્ર પહેરાવે, આ તુરંત જ બદલી ગયું બધું. સગો બાપ હોય તો ય છોકરાને દંડવત્ કરે. કેમ એમ ? તો કે એ ભગવાનની મૂર્તિ થઇ ગઇ. દેરામાં મૂર્તિ બેસાડે છે એ રીતે આ મૂર્તિ થઇ ગઇ. એ ભગવાનનો પુત્ર થયો એટલે જગતનો માવતર થયો. આવી રીતે દેહની શુદ્ધિ થાય છે પછી ભલેને દેહ પંચમહાભૂતનો હોય ને અશુદ્ધ હોય પણ જે દિક્ષા આપી છે એ સાધુ નાના છે પણ એના પગનું ધોયેલું અંગૂઠાનું જળ એ જે પીયે એના પણ પંચમહાપાપ બળી જાય છે. આ હકીકત શાસ્ત્રએ કહી છે.

તમને એક દાખલ આપું મજાનો. દક્ષિણનો શેઠિયાનો સંઘ એ દ્વારિકાની જાત્રા વાસ્તે નીકળ્યા, એને બીજો એક સંઘ ભેગો મળ્યો. બેય જણાં કહે, પહેલા મથુરાની જાત્રાએ જાઇએ પછી દ્વારિકા જાશું. મારવાડનો રસ્તો ક્યાંક વચ્ચે ભેગો થયો એમાં ખીજડા ઘણાંય હતા. ઓલો સંઘ ચાલ્યો આવે અને દ્વારિકાના આ તીર્થોમાંથી સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ તો અત્યારે આ ખંડમાં બીરાજે છે. તે દિ’ શ્રીકૃષ્ણનો ખરો ભક્ત હતો એણે કમંડળામાં જળ વડે સન્યાસી ચાલ્યો જાતો હતો એને બરાબર આથમણી તરફથી ઉગમણી તરફ જવું અને ઓલા માણસને ખીજડા પાસે આવવું. કમંડળામાં જળ હતું, સંઘ હાલ્યો આવતો હતો. હવે એ સંઘમાં તો દક્ષિણના કોણ કેવા હશે ? પણ એના સંઘમાંથી માથા ઉપરથી તેમના પાપ કાગડા થઇ થઇને ક્રોં ક્રોં કરતાં કરતાં હજારો કાગડા ઉડીને ભાગવા માંડ્યા.

ઓલા સંઘનેય ખીજડા તરફ આવવું. કમંડળામાં જળ હતું, સંઘ હાલ્યો આવતો હતો, પણ એ સંઘના માથા ઉપરથી કાગડા થઇ થઇ ને ઉડવા માંડ્યા, ભાગવા માંડ્યા, ક્રો ક્રો કરતાં ભાગ્યા, હજારો કાગડા ભાગ્યાં, ઓલા કમંડળવાળા સંન્યાસી એ જોયું આ શું ? આ સંઘ હાલ્યો આવે છે ને એમાંથી ઉપર કાગડા થઇ થઇને કોણ ભાગે છે ? એટલે સહેજેવૃત્તિ તણાણી અને સંઘને પૂછ્યું કે આ કોણ છે ? તો સંઘ કે અમને ખબર નથી. તો કે આકાશમાં તો જો. જોયું તો કે એલા તમે કેમ ભાગી જાવ છો ? ત્યાં ઓલા કહે છે, આવડો આ સંન્યાસી આવે છે, એ પ્રત્યક્ષનો ભક્ત છે, ભગવાનના ચરણ ધોઇને એનું જળ કંમડળામાં લાવે છે, મહાત્માઓના જળ એની અંદર ભર્યા છે. ગોમતી તીર્થના જળ ભર્યા છે, એ આ સંઘના ઉપર છાંટે માથે, તો અમે તેના પાપ છીએ પાપ, તે બિલકુલ એની અગ્નિથી ભસ્મ થઇ જાશું, ભસ્મ થાવું એના કરતાં જીવતું રહેવું અને ભાગી જવું ઇ સારું છે, માટે અમે ભાગતા થઇએ છીએ, એના પાણીના સ્પર્શમાં નો આવીએ, વ્યાસ ભગવાને આ કથા લખી છે. દ્વારિકાખંડમાં છે, સ્કંધપુરાણમાં છે, પદ્મપુરાણમાં પણ છે.

આ આપણા જૂનાગઢનાં આખા સૌરાષ્ટ્ર ખંડની ત્રણ કથાઓ છે. એક સોમનાથની, ગિરનારની અને દ્વારિકાની. ગિરનારમાં જેને આપણે સ્વામિનારાયણ ભગવાનનો નારાયણધરો કહીએ છીએ, આ બિલખાની ભૂમિમાં બલીરાજાનો એકસો એકમો યજ્ઞ હતો. બળી રાજાનો ત્યારે વામન ભગવાન આકાશમાંથી આવ્યા હતા અને ગિરનારની ભૂમિમાં ઉતર્યા હતા. એ વામન થોડાક આગળ ગયા ત્યાં એક નાનું શહેર આવ્યું, શહેર તો શું ગામડું હતું પણ એમાં બધા ટીખળી રહેતા હતા, છોકરાયે ટીખળી. વામનજી ચાલ્યા આવતા હતા. છોકરાનું ટોળું પાછળ દોડ્યું. ધૂળ નાખે, કોઇ કાંઇ કરે એટલે વામનજી કૂદતા જાય ને હસતાં જાય ને ભાગતા જાય અને ગયા બલિના યજ્ઞમાં, બલી રાજા ઊભો થયો, મારો યજ્ઞ હવે પૂરો થયો, તમે બ્રહ્મદેવ છો, ખંભા ઉપર જનોઇ છે. નાનકડા છો, કોણ છો ? મારે ઘેર આવ્યા છો. તો કે હું માંગવા આવ્યો છું. અરે બધુંય માંગો, આપી દઉં. હું જાણું છું તમે કોણ આવ્યા છો ઇ. છેવટે કોણ આવે ? બહુ રાજી થાય તે આવે. તો કહે ઝાઝું બોલમાં. હું જે છું તે છું. મને ત્રણ ડગલાં પૃથ્વી આપ ને. ત્યાં ઓલા શુક્રાચાર્ય કહે છે, રહેવા દે રહેવા દે આ તને મારી નાખશે. આ તો ઓલો છળિયો, બળિયો, કળિયો છે. તો કે ભલે ને એના સારું મેં આ યજ્ઞ કર્યા છે. તો સો મે યજ્ઞે કે એકસો એક હજારે યજ્ઞે મળે, તો મારું શું ગયું ? મને ભગવાન મળી ગયા. તું આઘો રહે, તો કહે ન રહું તો કે પાણી આપ્યું ને કમંડળમાં બેઠો, આડો આવ્યો, પાણી ન દેવા દઉં. ઓલે જોયું ગોર આડો આવ્યો. યજમાન આપે છે તે ગોર બળી મર્યો, પછી તો કથાઓ લખેલી છે, સળી માલીકોર મેલી તો આંખમાં લાગી. થઇ ગયો કાણો. અને જળ આવ્યું વામનજીના હાથમાં મેલ્યું. બલીરાજાએ કહ્યું, જાવ તમને આપ્યું. માંગો તમે. તો કે ત્રણ ડગલાં પૃથ્વી તો કહે આપી જાવ. પછી ભગવાને એક ડગલું આંહિ રાખ્યું. બીજું બ્રહ્મના લોકમાં મેલ્યું. ત્રીજું ઊંચું મેલવા ગયા ત્યાં તો આખું પડ તૂટી ગયું અને પાણી આવ્યું માલિકોર, આહિ ગંગાજી પરમેશ્વરના ચરણમાં, બ્રહ્માના કમડંળમાં, શંકરની જટામાં પડતાં પડતાં નરનારાયણના આશ્રમમાં ત્યાંથી થઇ અને ગંગાજી હરિદ્વારમાં કાશીમાં થઇ અને સાગરમાં ભળી ગયા. વચ્ચે કથાઓ તો ઘણી છે, ભગીરથ લઇ આવ્યો સગર રાજાના છોકરા, કપિલ ભગવાને બંગાળના સાગરમાં બાળી નાખ્યા. એક કથા અહીં કાઠિયાવાડની છે, આ આપણા સાગરની છે. આવા ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા એણે પાવન કર્યા.

આ સંત પુરુષનું ચરણનું જળ છે તે કેટલું બધું પાવન કરનારું છે એ જોવાનું. બધા કાગડા થઇને ભાગતા હતા ને બોલતા હતા અમને જાવા દો, જાવા દો. તો કે જીવતા શું કામ રયો છો ? બળી જ જાવને. તો કહે તમે સંઘ છો ને ? મથુરા જાવ છો ને ? ત્યાં જો સખણાં ન રહ્યા, નિયમ ન પાળ્યા અને પાછા વળશો તો અમે બધા જીવતા તમને પાછા ચોંટશું. પછી કે હું તો મથુરાની જાત્રા કરી આવ્યો, ગોમતીજીની જાત્રા કરી આવ્યો, સોમનાથ મહાદેવના દર્શન કરી આવ્યો, ચારેય ધામ જઇ આવ્યો. તો આ છેવટે મને આટલી બધી પીડા અને દુઃખ શાનું થયું ? તો ઓલા કાગડાએ કહ્યું, એમ પાછું થયું એટલે થયું. નિયમ વિનાની જિંદગી કાઢે તો પાછા એ બધા વળગે. ત્યારે સંન્યાસીને એમ થયું ઓહોહો આ પ્રત્યક્ષ જળનું આટલું બધું માહાત્મ્ય છે. ઓલો સંઘ આખો હતો એને એ જળની ઝીણી ઝીણી અંજલી આપી અને બધાયે આચમન લીધા. આખા સંઘને સમજણ આવી ગઇ કે હવે જાત્રા કરવી નકામી છે. સંત પુરુષના હાથનું જઇ મળ્યું, આપણી મુક્તિ થઇ ગઇ. સન્યાસી કહે, જો જો હો પાવન કરી દઉં છું પણ પાછા હો એવા ને એવા ન રહેતા. નહીં તો ત્રાજવું તોલે ત્યાં એક કોર મીણનો મીણનો પીંડો મેલે, લેવું હોય તંઇ. આનીકોર દસ શેરી ભેગો મીણનો પીંડો શેર-બશેરનો હોય. હેઠે ચોંટી જાય. એટલે આમ તોલે તોય બાર શેર મગફળી આવે મજાની, દસને બદલે બાર લ્યે. તે એમ જો આચરણ કરવા માંડ્યા કાં શાકવાળો વેચતો હોય એને આવડતું હોય. આમ કરીને આમ તોલે. ઓલાને કેય આ લે આ મેલ એમ કરીને મારે આમ ઠોંસો એટલે હજું પૂરું શાક ના થયું હોય સામે સમતોલ ત્યાં ઓલું ઊંચુ થઇ જાય. પલ્લું ઊંચુ થઇ જાય કે લે શાક તોળાઇ ગયું. પાછો ઓલો ફરીવાર તોળાવેને આવે તો ખબર પડે કેટલું ઓછું થયું. આ કપટ છે ઇ પાછું પાપ કરનારું છે અને યમપુરીમાં લઇ જનારું છે, દુઃખી કરનારું છે.

ખીજડા પાસે એક મરેલો માણસ કોઇ જૂના જમાનાનો હશે ઇ બેઠેલો. તેને સન્યાસી કહે, ભાઇ તું કોણ છો ? તો કે તમે સંતપુરુષ છો. આવડા આ જાત્રાળુ છે અને હું જૂનો જાત્રાળું છું. ત્યાં એક થાળી આવી નાની, એની પડખે પાણીની લોટી આવી. થાળીમાં રોટલીને શાક, ખાવાનું મજાનું, એકાદો લાડવો, સારી ચીજો આવી. આકાશમાંથી પડ્યું એની પાસે બેઠું. એણે હાથમાં લીધું. ભગવાનને સંભારીને ખાધું. સન્યાસી કહે, ઠીક છે પણ આ સારા જોગ થાય છે, સમજવાની ચીજો છે. ઓને પૂછ્યું. આ તને કોણ દઇ ગયું ? મેં તો દેખ્યું નહીં ? તો કહે, દઇ કોઇ નથી જાતું. મારે મારા ગામમાં ભાઇબંધ ઘણાં હતા. તે હું કંઇક પુણ્યનું કાર્ય કરવા જાઉં તો કહે તારા છોકરાના પેટમાં નાખને. ઇવડા ઇ ભૂખ્યા મરે અને પુણ્ય કરવા બીજે જાવ છો. મને ક્યાંય એક પૈસો કે એક ચીજ પુણ્યનું આપવા દીધું નો’તું. દેવમંદિરમાં મારું કાંઇ પણ કમાણીનું નાણું ઉપયોગમાં આવે એવું મને થાવા દીધું નહીં અને એમાં હું મરણ પામ્યો. આવી મરણાવસ્થામાં મારી અસદ્ગતિ થઇ એટલે હું આ અરણ્યનો પ્રેત થયેલો છું. પણ તે વખતે જેમ આ આપણો મહાપાટોત્સવ છે. એમાં પાપીમાં પાપી હોય તોય પણ જોવા તો આવે કે ત્યાં મંદિરમાં વીજળીના ચક્ર ઘણાંય લાલ, પીળા ને ધોળા ને કાળા ને એવા થાય છે માટે એ બધાય જોવા તો જઇએ. ત્યારે મહાપાપીઓ હોય એય જોવા તો આવે જ. જોવાની તો સહુને ઇચ્છા હોય છે કે ચાલો ચાલો સ્વામિનારાયણની વાડીમાં જુઓ તો ખરા, કેટલા મોટા મોટા મંડપ બાંધ્યા છે. જ્યાં જુઓ ત્યાં પચીસ વિઘાનું ખેતર. આ એની માલિકોર કેવડા કેવડા કેટલું બાંધ્યું છે એ તો જુઓ. લાખો માણસ સામી જાય એવું કામ કર્યુ છે. ચાલો ને જોવા તો જઇએ. આ એમ જોવા આવ્યા એમાં ભગવાનનો ભક્ત સાથે હતો. મિત્ર હોય તો ક્યારેક કામ આવી જાય. એના હાથમાં થાળી હતી. સીધું લીધેલું તે દેવ પાસે મેલ્યું. ઓલો કહે, ઠાકર કે કાંઇ ખાતા હશે ? લે ખાતા હોય તો બોલાવ એને. મોઢું કર પહોળું અને એમાં મેલ ઘી ગોળની ગાંગડી, જો ખાતા હોય તો હુંય આપું. ઓલો કહે, ઇ જમનારા તો છે. મારું જમે છે પણ તારે જમાડવા હોય તો તું સંકલ્પ કર તો દઉં. ઓલો કહે, જમતા હોય તો હું આપું. તો કહે ભલે આપી દે, એટલે બે સિદ્ધા અપાવ્યા. એક સીધાને વાસ્તે સંકલ્પ કર્યો, એ પછી આપી જ દીધો. પણ ઓલો પાપી હતો ને તેને ટીખળમાં ને ટીખળમાં આપ્યું અને આ ભક્ત હતો એણે સાચી રીતે અપાવ્યું દેવ પાસે.

ઓલો પ્રેત વાત કરે છે સાધુ ને સન્યાસીને, કે એણે જાણ્યે અજાણ્યે મારી પાસેથી ભક્તે મારા મિત્રે એક સિધુ અપાવ્યું ત્યારપછી મારી અવગતિ થઇ હું મરણ પામી ગયો, પણ ઇ મારું પરમેશ્વરને એક સિધુ જમવાનું કામ આવ્યું. એ ભગવાને મારા પ્રેતપણામાં કાયમને માટે રોજ એટલી એક થાળી આવે છે અને એક પાણીનો લોટો આવે છે, આટલું આપી અને આ થાળીને લોટો ક્યાં વયા જાય છે ઇ ખબર નથી. પણ આટલામાં આખી જિંદગી હું પ્રેત રહીશ ત્યાં સુધી જમીશ. હવે મારી આવરદા પૂરી થશે ત્યારે હું પ્રેતમાંથી મોક્ષમાં ચાલ્યો જઇશ. સન્યાસી કહે, ઓહોહો આટલું બધું આ ફળ છે પુણ્ય છે ? તે હું કમંડળમાં લોટો લઇને જાવ છું તો એ જળ હું શું કામે ન પીઉં ? ઓલા પ્રેતને કહે તું પી. તો કહે ભલે. જેવું એક થોડુંક અંજલિ જળ આપ્યું ઇ પ્રેત એનું શરીર એ બધુંય, જેમ દેવ બેઠો હોય એવું ઝળઝળવા લાગ્યું. મજાનું અંજવાળા વાળું થઇ ગયું, દેવ જેવું થઇ ગયું. સન્યાસી કહે, બોલ તંયે હવે તારે ક્યાં જાવું છે ? તો કે તમે મોકલો ત્યાં. તો કે હજુ વાસનિક છો માટે સ્વર્ગમાં જા અને પછી મને સંભારજે, મને સંભારીને તું ભગવાનના ધામને સંભારજે, શ્રીકૃષ્ણનારાયણને સંભારજે. તે વખતે તારું કલ્યાણ થાશે. આ વ્યાસજીએ કથા લખી છે. એક સીધાનું ફળ. સ્વર્ગમાંય ગયો અને મોક્ષમાંય ગયો.

બીજી એક કથા લખી છે. એક કઠિયારો હતો. એ આ પાનબીડું ખાતો, ભેગો ચૂનો હતો. ભારો ઉતાર્યો, એક ઓટે બેઠો, સાયંકાળે વરસાદ પડ્યો. સારી રીતે નદી હાલી આવી ગઇ. પછી રાત ગુજારી. પછી પાનબીડું ખાય એટલે શું કરે ? કાંઇ હોય સાધન તો એનાથી માલિકોર ચોપડે. નહિ તો પછી આંગળીથી લઇ અને ચોપડે પાનમાં પછી ખાય. મોઢામાં મેલ્યું પણ આંગળીને ચૂનો ચોંટી ગયો એને ઓલી તડમાં ઘસ્યો તડમાં સાફ કર્યો, પછી તડમાં જેટલું બૂરાણું એટલું બૂરાણું. ત્યાં આગળ વિષ્ણુની મૂર્તિ હતી એ એમનમ અરણ્યના ઓટામાં. ભગવાને વૃત્તિ કરી કે માળો કઠિયારો મારા વનમાં આવે છે વારંવાર, જાણે અજાણે પણ મારા ઓટાનો આશ્રય લીધો અને પાન ખાધું. ખાવાનું બીજું નોતું ત્યાં પણ મને આવીને નમસ્કાર તો કરે છે કે આ પ્રભુનો ઓટો છે હવે આંહિ રાત રહું. માટે મારે એને આ તડ બૂરાણી એટલો ચૂનો માલિકોર નાખ્યો એનું ફળ મારે એને આપવું. ખોરડા તો પડ્યા ભાંગ્યા હશે. રાતનું પાણી ઉતરી ગયું. સવારના પહોરમાં કઠિયારો લાકડા લઇ અને ગામમાં ગયો. જે શેઠિયાને કાષ્ટ આપે તે શેઠિયો પણ સારા લાકડા લ્યે. જેના ધૂમાડાથી આંખ્યું ન બળે. કઠિયારો એવા લાકડા લઇ એને દઇ આવે. ઓલો શેઠિયો કહે છે, ભાઇ તું મારું કામ કરે છે માટે તને રહેવાના સારા ઘરબાર તો કરી દઉં. કઠિયારો કહે, મારે કાંઇ જોતું નથી. હું તો લાકડાનો વાસી છું. ખોરડાનો વાસી નથી. મારૂં જીવન તો જંગલમાં જાય છે. માટે જોઇતું કાંઇ નથી. પણ તમે એવી આશિષ આપો કે મારા જીવની અસદ્ગતિ ન થાય. શેઠિયા પાસેથી નાણું ન લીધું. મકાન બનાવવાની ના પાડી પણ જીવની સદ્ગતિ માંગી. હવે એને ક્યાં ખબર હતી કે આની પાસેથી સદ્ગતિ મને મળશે ? પણ એને અંતરાત્મામાં એમ કહેનારા મળ્યા. તું ભગવાનની સદ્ગતિ માંગ. કોઇ જીવ હશે સદ્ગતિ માગીશ તો આશીર્વાદ દેશે. માળો માણસ સારો છે. પરમેશ્વર સારું કરે.

આમ કઠિયારાને થોડા દિવસમાં પ્રારબ્ધ પૂરું થયું. ત્યાં ઓલા ઓટાની ચતુર્ભુજ મૂર્તિ હતી ઇ મૂર્તિ આવીને ઊભી રહી. કઠિયારો ડહકા ખાય. મૂર્તિ તેની પાસે આવી. આંખને હાથ અડાડ્યો. કઠિયારાએ આંખ ઉઘાડી, જ્યાં દેખ્યા ત્યાં ભગવાન. કઠિયારો કહે, પણ પ્રભુ મેં તમને ભજ્યા નથી. મારી કોઇ દિ’ કાંઇ સેવા કરી નહીં. આ તમને પ્રભુ ચાર હાથ છે એ માટે હું પ્રભું માનું છું, પ્રભુ જ હશો. તમે પ્રભુ આવ્યા છો ને. પ્રભુ કહે, હા. તારું કલ્યાણ કરવા આવ્યો છું. પણ મારું પુણ્ય શું ? તો કહે, તને ખબર છે ? જ્યારે વરસાદ પડતો ત્યારે તું ચુનાની ડબી ભેગી રાખતો, એમાં આંગળી મેલી ચૂનો કાઢતો. પાનમાં ચોપડતો પછી આંગળીએ ચૂનો લાગ્યો હોય ઇ મારો ઓટો એની તઇડુંમાં આંગળી સાફ કરતો. તારો ચૂનો તઇડુંમાં ભરાઇ જાતો. એટલે તું એટલું મારા ઘરનું રિપેરિંગ કરતો એમ મેં માન્યું. એટલે તારા ઉપર મેં કૃપા કરી. તારે ત્યાં રાત રહેવું હોય એટલે વાળતો ચોળતો, બેસતો. વળી પાણી બાણી તડકો પડતો હોય તો મારી માથે તું ભારો આડો રાખીને છાંયો કરતો પછેડી ઓઢાડતો કા લીલા પાંદડા લાવતો અને ક્યાંક વનમાં જાંબુડા થતાં હોય તો મારી મૂર્તિ આગળ મેલીને ધરતો. એમ તને ફાવી ગયું હતું. જ્યારે રાત રોકાઇ જા તો ત્યારે મારી પૂજા થાય. આ રીતે મેં તારી ભક્તિ સ્વીકાર કરી છે, માટે હું તને તેડવા આવ્યો છું, તો કહે અરે પ્રભુ તંઇ મારું ભાગ્ય જાણે-અજાણે આવી મારી મુક્તિ મળી તો જે ભક્ત ભક્તિ કરતાં હશે એને શું નહીં મળતું હોય ? તો કહે એને તો હું બધુંય આપું છું, જે જોઇએ તે આપું છું, એને તો હું ના જ પાડતો નથી. આ ઇ કઠિયારાને બ્રહ્મલોકમાં લઇ ગયા. વ્યાસ ભગવાને એવી હકીકત લખી છે, સરસ. તે નિષ્પાપ પુરુષ હતો એનામાં દુર્ગુણ તો બીજા શું હોય ? કઠિયારો હોય તે નાવે ધોવે નહીં, ક્યારેક નાવે ધોવે તો વળી સૂર્યને પગે લાગી લેય, ક્યાંક તીરથનું પાણી પી જાય. પણ જાણે અજાણે એનું દિલ નિર્મળ હતું કે ભગવાને એની મુક્તિ કરી. આ રીતે પુરાણોમાં દાખલા તો ઘણા છે.

ભગવાન કહે છે, તમે જો મારે માટે જરાક કરશો તો હું તમને મોક્ષમાં લઇ જઇશ, મોક્ષના સાધનને ભૂલશો નહીં. ભગવાનના અભિષેકના જળ પીધા તે મોક્ષનું મોટું સાધન છે, પછી યાજ્ઞવલ્કયની ટીકામાં લખ્યું છે, મહાપાપને કોઇ ઉગારી શકે નહીં, જમરાજાના દૂતને કોઇ પાછો વાળી શકે નહીં, પણ જો તેની પાસે અભિષેકનું જળ હોય અને એનું એક પણ અંજલીનું એક ટીપું મોઢામાં મેલી દે તો જમરાજાના દૂત ત્યાંથી પાછા વળી જાય છે એને કહે છે કે, આ પરમેશ્વરના ધામનો અધિકારી થઇ ગયો, હવે આપણો ગયો. આ ઠાકોરજીને સવારમાં નવરાવે છે એ અભિષેકના જળનો આવો પ્રતાપ છે.