પરાવાણી ૪૧

અલૌકિક ધર્મ અને ભાગવત ધર્મના સ્વરૂપની સમજણ - મહાભાગવત ધર્મ પાળવાથી આ લોક-પરલોકમાં સુખી રહેવાય

ધર્મ વડે સુખિયાથી સુખિયો, ઉત્સવથી ઉત્સવ, આનંદથી આનંદ, પુરુષોત્તમની તૃપ્તિથી તૃપ્તિઓ પ્રગટ થાય છે. એક સુખ ગયું ત્યાં બીજું આવ્યું, માટે શ્રદ્ધાવાળા, શાંતિવાળા, ધર્મ કરનારા એવા ભક્તજનો તેને ધનાઢ્ય સમજવા. ધર્મ વિનાનો ધનવાળો છે પણ એ યમપુરીના ધનવાળો છે, ભગવાનના ધનવાળો નથી. ધર્મદેવ બે સ્વરૂપે છે, એક બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયા, એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં કાયમ વસ્યા એમાંથી પ્રગટ થયા. પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી પ્રગટ થયેલા ધર્મદેવ એનું નામ મહાભાગવત ધર્મ. એ સ્વામિનારાયણ ભગવાનના માવતર. બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયેલા એનું નામ ધર્મદેવ. જે વર્ણાશ્રમ ચૌદ ભુવનના વતનીઓનો ધર્મ, ઓલો ભાગવત ધર્મ બ્રહ્મલોકનો અને આ પૃથ્વીનો એટલે બ્રહ્માંડોનો ધર્મ.

મહારાજ કહે, હું બેય ધર્મનો ઉપદેશ આપું છું, પણ આ ધર્મને ઓલા ધર્મમાં લેતા જાજો. એમાં ભેગા ભેળવતાં જાજો, વર્ણાશ્રમને ભાગવત ધર્મમાં ભેળવીને પાળજો. ધર્મ વડે પ્રજા વધે છે, ધર્મથી અર્થ, ઘણી જાતના સંકલ્પો, સુખ અને જ્ઞાન પ્રગટ થાય છે. જેને નાણાં ખૂબ જોતાં હોય, તેણે ભગવાન રાજી થાય એવા પુણ્ય કરવા, નાણાં વાપરવા. ભગવાન રાજી થઇ અને નાણાં આપે. ધર્મ થકી કોઇ ચીજ અપ્રાપ્ય નથી. દેડકા એની મેળે, પક્ષીઓ એની મેળે જળના સરોવરો પ્રતિ ચાલીને જાય. તેને જળ જોઇએ છીએ. એને કોઇ બોલાવતા નથી. જેટલી સારી સંપત્તિઓ, જેટલી સમૃદ્ધિઓ એ ધર્મરૂપી સરોવર જેને ત્યાં છે ત્યાં એની મેળે દોડી આવે છે. માટે ભાગવત ધર્મ સહિત લૌકિક ધર્મ પાળજો.

મહારાજ કહે છે, ધર્મથી રાજ્ય મળે સકામને. ધર્મથી ધનના ગંજ મળે. ઠાલવે જ રાખો, દીધે જ રાખો, ખૂટે જ નહીં. ધર્મથી જીવાત્માની માલિકોર સુખના સાગર આવે, ગમે એવા સમુદ્ર જેવા વાદળ ઉદ્વેગના ઉદ્ભવ્યા હોય, પણ એની અસર ન થાય. એવો સુખિયો થઇ જાય. આ બેય લોકમાં જે સુખિયા છે ઇ ધર્મ વડે છે. ધર્મ વધારો તો જીવ પ્રાણી માત્ર વૃદ્ધિને પામે, ધર્મને ઓછો કરો તો પ્રજા, પ્રજાની સંપત ઓછી થતી જાય. શ્રૃતિ અને સ્મૃતિમાં ધર્મ કહ્યો છે તેને પાળનારા આ લોકમાં કીર્તિ મેળવે છે અને પરલોકમાં મોટા સુખિયા થાય છે. મહારાજ કહે છે, મારા લોકમાં સુખિયા થાવું હોય તેણે પૂરા મિત્ર એવા ધર્મને ગ્રહણ કરવો, મારા હૃદયમાં રહેનારા પરમ ભાગવતને ગ્રહણ કરજો, શરીરની સાથે બધું વયું જશે. દિલ્હીની ગાદી ઉપર બેઠોને બલૂનમાંથી પડ્યો હેઠો, ગઇ ગાદી. આખી પૃથ્વી વઇ જશે પણ ધર્મ ભેગો ચાલશે. ધર્મને હણનારો, ઇ ધર્મથી હણાય જાય, ધર્મથી રક્ષણ કરનારો તે ધર્મ વડે રક્ષિત થાય. માટે જરૂર ધર્મને સાચવજો. મહારાજ કહે છે, કોઇ પણ કામકાજ ચાલુ કર્યુ છે એમાં ધર્મ સાથે રાખવો. કોઇએ લોભ આપ્યો તો લેને થોડુંક લસણ ખાઇ લે ને, સ્વામિનારાયણિયો છે મને ખબર છે, તું કોઇ દિ’ લસણ ખાતો નથી હો આખી જિંદગી. પણ આજ મને સવારે વિચાર થ્યો છે કે મારી ભેગો ભળી જાય. આજનો દિવસ લસણ ખાઇ તો એકલાખ રૂપિયા આપી દઉં. લે ને તારું દારિદ્રય કાઢી દઉં. ભગવાન હૃદયમાં બેઠા છે. ઇ દેખે છે કે આ મારો ભક્ત કેટલો છે ? એનું ચક્ર ફરે છે કે નહીં ? જો ન ફરે તો ખરો ધર્મ વાળો.

મહારાજ કહે છે, ધર્મથી કોઇ પણ કાર્ય આરંભ્યું, કોઇ ઉદ્વેગ થયો, કોઇ લોભ આવ્યો, કોઇ મોટો ભય આવ્યો પણ ધર્મ ત્યાગ ન કરવો. શાસ્ત્રોએ લખ્યું છે, શરીરનો નાશ થવાનું ટાણું આવે અને પછી પ્રાયશ્ચિતથી પાછું પવિત્ર થવાય એવું ટાણું દેખાતું હોય અને જો ધર્મને વળગી રહીએ અને જરાક ધર્મને ખસેડીને બીજી રીતે વર્તવામાં દેહનો ઘાટ થઇ જતો હોય પણ એમ દેખાય કે પ્રાયશ્ચિતથી શુદ્ધિ થશે તો તે ઠેકાણે દેશકાલના ધર્મમાં એ વટાવને ગણ્યો છે. કારણ કે જીવતો તો રહેવાય છે. પછી પ્રાયશ્ચિતથી શુદ્ધિ થઇ જાય છે. આ રીતે ધર્મને ત્યાં અધર્મનો જરાક અંશ એને ધર્મનું સ્વરૂપ આપ્યું છે, કે પાણી નહીં પી તો તલવારે કાપી નાખીશ. અરે હું વટલાય જઇશ. પણ દેખાય છે કે એક ઉપવાસ અને ભગવાનની પ્રસાદી અને એનું પ્રાયશ્ચિત કરીશ એટલે પાછો શુદ્ધ. આ ત્યાં માથું ન જાવા દેવું. જીવન જીવતું રાખવું અને એમ કરતાં જો ખરો એકાંતિક હોય, ધાર્યા પ્રમાણે મૂર્તિ હાજર થાય એમ હોય. દેહનું, કુટુંબનું, વેપારનું ને આ લોકની કાઇ પડી ન હોય તો કહી દેવું તું તારે માથું લઇ જાને, મારે શું કરવું છે પણ તારું પાણી નહીં પીઉં. આમ ભક્ત ખરેખરા એકાંતિક થવું. એની બાબતમાં આ શ્લોક છે. ‘સાચાં શૂરા રે જેના વેરી ઘા વખાણે, જીવન જૂઠું રે પણ મંગળ જાણે, તેની પેઠે રે હરિભક્ત જોઇ તીખા, અંતરશત્રુને લાગે ર્વ સરીખા, માથું જાતાં રે એ મુખનું પાણી ન જાવે, બ્રહ્માંનદ કહે એવા સંત હરિમન ભાવે’. આ તમે અને અમે બેય સંત છઇએ હો, ભગવાન લેખે થઇ ગયા છીએ માટે સંત છીએ. તમારે ધોળા રંગથી રંગ્યા છે, અમારે ભગવા રંગથી રંગ્યા છે પણ ભગવાન લેખે બેય સાધુ છીએ.

સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, જીવવાને માટે પણ ધર્મનો ત્યાગ ન કરવો અને ધર્મ પાળતા પાળતા પણ કદાચ દારિદ્રય આવવા માંડે અને કોક કે લે થાને સ્વામિનારાયણીયો. લે બાંધ કંઠી, કર ગુરુ, તારા ગુરુનું પુણ્ય તને નડ્યું. લે ખોટ ગઇ, ભીખ માંગતો થઇ ગયો. આ શ્લોક એમ કહે છે. ઓલાને કેવું કે, હું પરમેશ્વર અને સંતનો દાસ થયો છું અને મેં બંધન કરનારી માયા મારામાંથી ટાળી છે. તું માયાનો દાસ છો અને ભીખ માંગતો છો, તારી ઉપર જન્મ મરણ છે, મારી ઉપર જન્મ મરણ વયા ગયા છે. એમ કેવું પણ આમ ન કેવું કે, સ્વામી કંઠી બાંધી ત્યારથી મારી પડતી દશા છે, હવે મારે શું કરવું ? મહારાજે આ શ્લોકનો આ અર્થ કહ્યો. અધાર્મિક પાપીઓની પડતી દશા છે, ધાર્મિક એવા ભગવાનના ભક્તો તેને પડતી દશા નથી. ધરોનું પુખડું લીલું ઉગ્યું, ઝાકળ આવ્યો, એના ઝીણા ઝીણા કણ પાંદડાને અડ્યા. પવન નથી વાતો એટલે કણ ભેગા થયા. એટલે ઝીણા મોતીડાં જામ્યા. જરાક લહેર આવે પવનની એટલે ખસી જાય. આપણું જીવન આટલું છે. ઊભા થવું હોય તો ન થવાય. કોળિયો મોઢામાં મેલવો હોય તો નો મૂકાય, પડખેથી વયો જાય. પુરાણોમાં ઘણાય એવા દાખલા લખ્યા છે, યમનાં અને નચિકેતનાં આખ્યાનોમાં, ત્રણ ફેરા ફેરવાતા ને ચોથે ફેરે ઉડી ગયો, તિલક થાતું’તું રાજગાદીનું અને માથે મુગટ આમ મેલવા ગયા અને ઊડી પડ્યો. માટે ધર્મ છે, એ ભગવાનનો ભાગવત ધર્મ એને ખરેખરો સાચવવો.

મહારાજ કહે છે, સુખી થવા સારું પરમેશ્વરરૂપી ધર્મ એને બરાબર અજર અને અમર થઇ અને પાળજો, વિદ્યાને ને નાણાંને મેળ ન હોય તો હારે પાર ન આવે. વિદ્યા વીસ વર્ષ થાય તંઇ ભણેલો તૈયાર થાય. નાણાં ચાલીસ ચાલીસ વર્ષ મજૂરી કરે, ખંભે ગુણું ઉપાડી ઉપાડીને કોકના ઢસરડા કરી કરીને પછી શેઠિયો રાજી થઇ જાય કે હવે લે તને આપું, બહુ તે ઢસરડાં કર્યા. મારે મિલકત ઘણી છે. કોક દિ’ સરખો હાલે. એ બેને તો મરવું જ નથી એમ જાણીને ભેગા કર્યા કરે પણ વાપરવા. એકલા ભેગા કરવા નહીં. અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, ભજન અને ધર્મ એને તો ડગલે ને પગલે મરી જવું છે, ચોટલીને કાળ પકડે છે એમ ધારી અને પાળતા રહેવા. મૃત્યુ કેશને પકડીને બેઠેલો છે, એક દિવસ પણ જો ભગવાન વિનાનો કે ધર્મ વિનાનો જશે તો લુહારની ધમણ જેવો ઊંધો થશે. ધર્મ વડે ખરેખરો મજબૂત છે અને હાથમાં ઠીકરું માંગીને ખાવું એવું ટાણું આવી જાય એને એમ જાણવું કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ હું ધનાઢ્ય છું કઇ બાબતનો ? ભગવાન બાબતનો. આ જગતના ધનાઢ્યની કાંય જરૂર નથી. અર્થ સિદ્ધી એટલે મોક્ષરૂપી સિદ્ધી ઇચ્છવી. તો બરાબર ભાગવત ધર્મ પાળવો. ધર્મ સિવાયનું સ્વર્ગ ભલે અમૃત રહ્યું પણ એ મારી નાંખનારું છે. આ બાબતને બરાબર ધ્યાનમાં રાખવી.

પરલોકમાં લઇ જવા માટે ધર્મ દેવને ભેળા કરીને પાળજો તો ક્યાંક તમને તારશે. તમામ વર્ગને પાળવાના ધર્મ, આશ્રમીઓને પાળવાના, વર્ણાશ્રમ પાળવાના, નિત્ય પાળવાના, કોઇ નૈનેતિક પાળવાના, કોઇ વળી ક્યારેક ગૌવંશ પાળવાના અને કોઇ ને સાધારણ પાળવાના એવા છ પ્રકારે ધર્મ કહ્યા છે. ક્ષમા રાખવી, દયા રાખવી, ઇર્ષ્યા ન કરવી, નાવું, ધોવું. રોજ ભગવાનના દર્શન કરવા, ઉદારતા રાખવી, તૃષ્ણા ન રાખવી. તમામ મનુષ્યોને માટે આ સારા સુખી રહેવાના ધર્મો કહ્યા છે.

સારા સદ્ગુણી એને જોઇને પોતાનું દિલ ન દાઝે તો જાણવું અનસૂયા અને જરાક દાઝે તો જાણવું અસૂયા. માંલિકોરથી ઇર્ષ્યા જાગી. ન ખાવાનું ન ખાવું. ભગવાનની પ્રસાદી સિવાય ન ખાવું અને શુદ્ધ અગ્નિય વસ્તુઓ એટલે ઘઉં ચોખા, ચા, પાણી વગેરે ખાવા એ ભોજન પાણીમાં એની શુદ્ધિ. શરીરમાં સ્નાનની શુદ્ધિ. અંતઃકરણમાં નરસા વિચાર ન આવવા દેવા એ શુદ્ધિ અને ક્રિયામાં ભગવાન અને સંત લેખે ચેષ્ટાઓ થવી એનું નામ ક્રિયા શુદ્ધિ. આટલી શુદ્ધિઓ એનું નામ શૌચમ. શરીર જે કર્મ વડે વધારે પીડાય અને ફળમાં કાંઇ માલ ન હોય, રોગ થઇ આવે, મૂર્છા થઇ આવે દુઃખી થઇ આવે અને ભગવાન ભૂલી જવાય, તો એનું નામ તામસી તપ. થોડું કરો અને ભગવાન રાજી થાય તો સાત્ત્વિક તપ. આપણે કથા વાર્તા કરીએ છીએ, નિરાંતે બેઠા છીએ, ભગવાનને સંભારીએ છીએ, ભગવાનનો બ્રહ્મરસ પીએ છીએ. આમાં દાખડો નથી પડતો. આનું નામ અનાયાસ. પણ જ્યાં દાખલો પડે, આકરા આકરા શબ્દો, આકરી આકરી આંખો, આકરા આકરા પોકાર જો હમણાં ક્યાંક થઇ પડ્યા હોય તો ? એનું નામ મહા આયાસ. એ મહા આયાસ ઇ ન થવા દેવો.

મહારાજ કહે છે, કોઇ દિવસ જીવ પ્રાણી માત્રને દુઃખ ન દેવું એનું નામ અદ્રોહ. સારા સારા કામકાજ કરવા કે જે વખણાય તેનું નામ મંગલમ્. થોડુંક હાથમાં હોય તો એમાંથી પણ આપવું. આડા લોભને ભાઇબંધ તરીકે ગઢ ન કરી રાખવો. તેનું નામ ઉદારતા. અતિ કંજુસાઇ વિના આપવું. લ્યો મહારાજ તમારું છે તમને આપું છું. લ્યો, રોજ રોજ કંઇ પણ થયું એમાંથી ભગવાન લેખે વાપરવું એનું નામ અકૃપણતા. મળ્યું એમાં શાક રોટલો ખાય ને રાજી રહેવું. દેખા દેખીથી સારા કપડામાં ને સારી મોટરમાં સારા બલૂનમાં, સારા બંગલામાં ન દોડવું. બધુંય થઇ ગયું, ઘણુંય સુખે ભગવાનનું ભજન થાય છે, આઠ દસ કલાકનો ઉદ્યમ એમાં વધારે ભગવાન આપી દેય તો લેવું પણ હેરાન ન થાવું. માળું છઇએ ગરીબ પણ આ મોટા શેઠિયા કઇ ઓથ આપે તો નોકરી કરીને મળે. માટે વધારે વફાદાર થાય, વિશ્વાસપાત્ર થાય, એવી રીતે રાખવું. બે આની ભાગ આપો તો મારો કાંઇક ઉદ્ધાર થાય. આપે દયાળુ છે. બે આની, ચાર આની, આઠ આની. તાં માલિકોર વિચાર બદલે કે, હવે મારું આમ કરી લઉં તો ઠીક. બીજે સુવાંગ કરી લેવું એનું નામ પરદ્રવ્ય ચિંતનમ્. એ અંતઃકરણમાં લૂંટારો ઉત્પન્ન થયો. ઇ તમને લૂંટી જશે, ઓલાને નહીં લૂંટી શકે. માટે ભગવાન કહે છે, આ સામાન્ય કર્મ છે. દેહ, ઇન્દ્રિય, અંતઃકરણમાં આપત્તિ ન રાખવી. એનું નામ નિઃસ્પૃહીપણું. જમવા બેસુંને મીઠું લાગે હો, તીખું તમતમતું બધું’ય. એ હવે એમ થાય તમને જોઇએ તેટલું આપું. વધારે નહીં. ત્યાંથી વિચાર થાય એનું નામ નિસ્પૃહીપણું.

હે ભક્તજનો, ધર્મ ધારણ કરનારા એવા સ્વામિનારાયણ ભગવાન કહે છે, મેં તમને મારો ભાગવત ધર્મ અને અલૌકિક ધર્મ આ બેના સ્વરૂપ તમને કહ્યા. આમાંથી તમારા આત્મામાં ઉતરે એવા સ્વરૂપ લેજો. અંતઃકરણમાં બેસે એવા સ્વરૂપ લેજો. ઇન્દ્રિયોની વૃત્તિઓમાં સ્થિરતા થાય એવા સ્વરૂપ ગ્રહણ કરજો અને દેહમાં ભગવાન લેખે બધુંય થાય એવા સ્વરૂપ લેજો. કુળ કુટુંબ પરિવારને એવા શરીર આપજો કે તમે ભગવાનના બેરિસ્ટર થાવ, આપણા આ લોકનું નહીં. આ લોકનું તો હું બેરિસ્ટર સોલીસીટર તરીકે આપણે કામ કરીએ છીએ. પણ આપણે ભગવાન લેખે કરીએ છીએ. એણે શાસ્ત્રમાં લખ્યું છે, એકલા ભગવાન લેખે જેની વાણી છે, ઇ વાણી દિવ્ય કથા છે. તો કે નિર્ગુણમ્. મૌનમ્. કેમ એમ ? માટે એ વાણી બંધન કરનારી નથી, આત્માને પાવન કરનારી છે. મૌનનો અર્થ શું ? તો કે ભગવાનના સંબંધ વિનાની વાણી જ્યાં ત્યાં જેમ તેમ ન વાપરવી પણ ભગવાનના લીલા ચરિત્રો ખૂબ કહેવા અને સાંભળવા. એમાં ખબરદાર રહેવું. પ્રભુ પાસે પહોંચી જવાય. કદાચ આપણું શરીર આંહીથી ન ઊઠે તો ઇ તો આવે જ. ઇ આવીને આપણી પાસે બેસે કે વાહ મારો ભક્ત મને આનંદથી હિંડોળે લહેર કરાવે છે તો ચાલને બે ઘડી બેસી આવું. એમ ભગવાનમાં ગરકાવ થઇ જાવું.

મહારાજ કહે છે, આ રીતે મેં તમને પુરુષોત્તમ સ્વરૂપ કહ્યું, હું પુરુષોત્તમ, મારી મૂર્તિનો ધર્મ ભાગવત ધર્મ, એનું સ્વરૂપ અને લૌકિક ધર્મ એનું સ્વરૂપ એ મેં તમને કહ્યું. મીમાંસામાં લખ્યું છે, નોંધના લક્ષણો, ઓછો ધર્મ આજ્ઞા અપાયેલી એ કર્મકાંડ એનું નામ ધર્મ. કેટલીક આજ્ઞાઓ પાળી થકી અનર્થો, અનિષ્ટો ઉપજાવનારી હોય એવી આજ્ઞા તેને ધર્મમાંથી એકકોર ખસેડી મેલવી. કેમ ? તો કે અનર્થ કરી. એ કેવી આજ્ઞા ? તો કે મીમાંશા એ સ્મૃતિઓ ઉપર મીમાંશાનો, કર્મકાંડનો દાખલો આપ્યો. એક યજ્ઞ એવો છે જેમાં ચક્ર જેવો કુંડ થાય એમા હોમ-હવન થાય પછી શત્રુને નાશ કરવાના મંત્રો, વૈદિક મંત્રો છે ઇ બોલાઇ અને હોમ થાય. અગ્નિદેવમાંથી ગરમી ઉત્પન્ન થાય એમાંથી એક ચૈતન્ય ભેગું ભળે, આકાશમાંથી. ઇ ચૈતન્ય જેના નામનો હવન કર્યો, ઇ નામવાળો પિંડો શરીર ત્યાં જઇને એની ગળચી દબાવે. શોમ યજ્ઞ કર્યો એટલે છોકરું તરત મરે. આંહિ હોમ થતો હોય અને ત્યાં મરે. આ મીમાંક્ષામાં રીતો લખી છે. યજ્ઞ કરો શત્રુ મારો. ક્ષેમ યજ્ઞ એનું નામ પાડ્યું.

હવે જોજો જૈમિની ઋષિ કહે છે કે, શ્રુતિઓ તો ઘણીય જાતની છે. જગતના જીવ અનંત જાતના છે. સ્મૃતિ સૌની મા છે. કોક છોકરો એમ કહી દે કે મને શત્રુઓ બહુ છે, મારે કેમ મારવા ? એમાં દિતી એમ કહ્યું કે, આ દેવતાઓ અમને નડે છે. મારા છોકરાને ક્યાંય રાજ નથી અપાવા દેતા. માટે મને એકાદો દીકરો એવો આપો કે બધાય દેવતાઓને મારે. કશ્યપ કહે, તથાસ્તુ. કરો પયોવ્રત. વ્રત કરાવ્યું, ફળરૂપે પુત્ર દીધો. એટલે આ લોકમાં માંગણી અનિષ્ટની પણ ઘણાય ને હોય છે. ત્યાં વેદ અને શાસ્ત્ર બેય મનુષ્યોને ભેગા ભળવું પડે છે ઘણે ઠેકાણે. પણ જૈમિની પોતે વ્યાસ ભગવાનને પૂછે છે કે, મારે આનો શું ફેંસલો આપવો ? ત્યારે વ્યાસ કહે છે કે, ગુરુ હોય એની આજ્ઞાઓ છે કે, તમામનું નામ ધર્મ. માવતરની આજ્ઞા ધર્મ, પતિની આજ્ઞા ધર્મ, સંતની આજ્ઞા ધર્મ, આચાર્યની, માવતરની આજ્ઞાઓ ઇ નો અર્થ શું ? શિક્ષક, ઉપદેશક, આજ્ઞા ધર્મ. તે ધર્મ પાળવો અને પળાવવો.