સત્સંગીજીવન ગ્રંથનું માહાત્મ્ય - ભગવાનની કથા શ્રવણનું ફળ
ભગવાનના રાજીપાથી ધન, પુત્ર, પરિવાર જે કોઇ જાતની ઇચ્છા હોય ઇ ઇચ્છા પ્રમાણે ભગવાનની કથા સાંભળતા, પ્રાર્થનામાં લખ્યું છે ઇ પ્રાર્થનામાં માંગવું કે, પ્રભુ સકામ ભક્ત છું, સંકલ્પો પૂરા કરજો. આખા જીવનમાં કોઇ દિ’ કોઇ સારા ભોજન, વસ્ત્ર કે રહેવાના કે માન કાંઇ થયા નથી તો પ્રભુ એકવાર થોડુંક આપજો. તમારો ગરીબ સેવક છું અને પછી વૈરાગ્યવાળો સેવક થઇશ અને ધામમાં જઇશ. ભગવાન જાણે કે આને સંકલ્પ છે. ઇ પૂરું કરનારા છે માટે જરૂર આપશે. ઝીણાભાઇને આ સાંભળીને બહું આનંદ થયો. હે શતાનંદ સ્વામી, તમે મારા ઉપર અનુગ્રહ કર્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આનાથી સિદ્ધ થાય છે, એવી હકીકત તમે કહી. આ સત્સંગીજીવન કથાના માહાત્મ્ય સંભળાવ્યા, એની સાથો સાથ હકિકત કહી કે જે દિ’ એ કથા અચાર્યોએ ચાલુ કરી હતી તે દિવસે ચાલુ કથામાં સાંભળવા માટે એક દેશાંતરનો બ્રાહ્મણ આવ્યો, શાંતિવાળો હતો. એના નામની કોઇને ખબર ન હતી, એવો બ્રાહ્મણ હતો. ચાલુ કથામાં આચાર્યોએ કથા બેસાડી તે દિ’ આ કથા સાંભળવા બ્રાહ્મણ આવ્યો. શતાનંદ સ્વામી આ કથા વાંચતાં હતાં, કહેતા હતા. એને જોઇને પ્રણામ કર્યા. એને આનંદ આવી ગયો. બોલ્યો હું કૃતાર્થ થયો છું, તમે મહાકાળના મોઢામાંથી મને છોડાવ્યો. મારા ઘણી જાતના દુષ્કર્મ હતા ઇ તમારી કથા સાંભળવા વડે બળ્યા. ઘણા સાધન કરીએ પણ પાપ ન બળે, એવા પાપ તમારી કથા સાંભળવા વડે બળ્યા. આ શાસ્ત્રથી મને એમ જણાયું ભક્તિ ધર્મને ઘેર પરપુરુષોત્તમ નારાયણ શ્રીહરિ બિરાજ્યા છે. એને સાંભળ્યા પછી મને ઇ મૂર્તિનાં દર્શન થયા એમ ઇ બ્રાહ્મણ બોલ્યો. એમની મેં સુગંધ, પુષ્પ, હાર વડે પૂજા કરી. રૂપાળી, સુંદર મૂર્તિ હતી, કરુણા ભરેલી આંખો હતી. એવા ભગવાન એમની પૂજા કરી હું કૃતાર્થ થયો છું. મારો જન્મ સફળ થયો છે અને હું અક્ષરધામમાં જાઉં છું, એમ આ બ્રાહ્મણ બોલ્યો. ત્યાં હું આ પુરુષોત્તમ નારાયણની સેવામાં રહીશ એમ કહી શતાનંદ સ્વામીને પગે લાગી, રજ માથે ચડાવી, બંને આચાર્યોને નમસ્કાર કરી, બીજા ભક્તોને નમસ્કાર કરી અને તે બ્રાહ્મણ ભગવાનના ધામમાં જવા વાસ્તે તૈયાર થયો.
એટલામાં શતાનંદ સ્વામીને આવા બ્રાહ્મણને જોઇ અને આનંદ થઇ રહેલા ભક્તોજનોએ પૂછ્યું, ભાઇ એ કોણ હતો જે કથા સાંભળીને ભગવાનના ધામમાં ગયો ? ત્યારે શતાનંદ સ્વામીએ કહ્યું, બહું સારું. એનું પણ વૃત્તાંત કહું. ભગવાનનો ભક્ત ધામમાં જાય એમાં શું કહેવું ? ભક્તિ ન કરી હોય આશરો ન કર્યો હોય ને જો મૂર્તિને સંભારીને સાંભળવા માંડે તો ય એને ભગવાન ધામમાં લઇ લે. ભારતદેશ, મધ્યપ્રદેશ, જ્યાં ભગવાનના ભક્ત ઘણાં રહે. એવા દેશનો કાનકૂજ્ય બ્રાહ્મણ ઇ આ બ્રાહ્મણ હતો. એના નગરમાં ભગવાનની ભક્તિ બહુ સારી છે, વેદના જાણકાર બહુ બ્રાહ્મણો રેય છે. ગંગાજીને કાંઠે એનું ગામ છે. ગામનું નામ કાનમ એવું નામ પાડ્યું છે. ત્યાં ગર્ગના ગોત્રના અને યજુર્વેદના વેદશાસ્ત્રોના જાણનાર એવા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો એવો આ બ્રાહ્મણ માધવરામ બ્રાહ્મણનો પુત્ર કલ્યાણજી નામનો હતો, તે ભગવાનની ભક્તિ કરતો હતો. ભવિષ્યમાં સારું થાવાનું હોય ત્યારે ભગવાન, સાધુ અને કથાનો જોગ થાય. ધૂમાડાબંધ ગામને નોતર્યુ હોય અને જગન થાતો હોય અને કો’કનું પુણ્ય હોય તો પંદર ગામનો કો’ક મહેમાન છે ઇ ગાડું લઇને નીકળે કે ભાઇ આ ગામમાં ધૂમાડો આજે બંધ છે. લેને વિસામો તો ખાઉં શું છે ? તો કે ભાઇ ખાધા વિના ન જવાય આ એને ભગવાનની પ્રસાદી મળે એનું નામ પુણ્યોદય, ઓચિંતું ભેગું કરી દે. એ ભાઇ કથાઓ સારી થાય છે અમારે ત્યાં બાર મહિને બબેવાર થાય છે. તો કહે હવે હું આવીશ. એમ ઇનો જન્મ સુધરી જાય. એમ આ બ્રાહ્મણને સહેજે કથા સંભળાઇ ગઇ. ગર્ભવાસના અસહ્ય રોગ છે ઇ બધાય મટી જાય, પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષ દર્શન થયા બધા કષ્ટ મટી જાય, આ જીવાત્મા કર્મનું ભોગવવા માટે પરબારો જો વૃક્ષથી પ્રગટ થઇ જતો હોત તો એને વૈરાગ્ય ન થાત પણ વૈરાગ્ય થાવા માટે એવી ગોઠવણી થઇ ગઇ કે એક તો બાળકને એના ગર્ભને સ્થાને ઊંચું ઊંધે માથે લટકતું રહેવાનું, પાકવાનું, જન્મ આપનારને દુખ, એને મોટો કરનારને દુઃખ, મળ-મૂત્ર સાચવીને મોટો કરવો, એને વરાવવા, પરણાવવા સુધી દુઃખ કેવું ? એમ કરતાં અવળું પડે તો ઇ પછી ઘરને ખૂણે બેસીને બાપો રોવે. કેને કહેવું ? દુઃખે દુઃખ. એ દુઃખ બધા મારા મટી ગયા. એમ ઓલો બ્રાહ્મણ કહે. જઠરાગ્નિ ઇ દરરોજ મહેનત કરાવે છે ખાવા જોશે એટલે બધા વશ રે છે હો, ભૂખના માર્યા હોય, આ નોકરી કરે ઇ બધાય ભૂખના નોકરી કરે. ઓલાને કોઇ નો ગણે. જો ભૂખ ન લાગતી હોત તો કોઇ ગણત ? પણ આ ભૂખ લાગે ઇ એને નમ્રતા રાખે કે તું ભૂખ્યો થઇશ તો ક્યાં જઇશ ? તંઇ શું કરું ? તો કે કમા. ઇ ઓલી ભૂખ મોકલે, ત્યાં નમ્ર રહે, બધુંય સહન કરે, આયા બધું કથા સાંભળવાથી મટી ગયું એટલે મોક્ષમાં જવાણું, આ ઢસરડાં મટી ગયા.
ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન થાય ને મોક્ષમાં ન જાય પણ આ કથા સાંભળનારો જાય. જબરા જગન કરનારો મોક્ષમાં ન જાય પણ કથામાં પાંચ રૂપિયા ખર્ચનારો જાય. મહારાજે કૃપા કરી એમ લખ્યું છે કે, ભોજન આપવું, સારા સારા તીર્થોની જાત્રા કરવી પણ આ જાત્રા પહેલી કરવી, કઇ જાત્રા ? કથા સાંભળવી અને સંત જમાડવા અને પોતે પ્રસાદી જમવી આ મોટી જાત્રા છે. ઓલો બ્રાહ્મણ કહે, હું બધાંય તીર્થ કરી આવ્યો. કાશી ગયો, પ્રયાગ ગયો, રામેશ્વર ગયો, દ્વારકા ગયો, રામનાથ, હરિદ્વાર, કુરુક્ષેત્ર, વૃંદાવન, અયોધ્યા, ચિત્રકૂટ, જગન્નાથપુરી, પુષ્પરાજ, પુલહાશ્રમ, શ્વેતપુરમાં પ્રભાત આવ્યો, દ્વારકા આવ્યો. બધાય ક્ષેત્રોમાં ફર્યો પણ માલિકોર જે ભડકો હતો ઇ સળગતો તો ઇ બંધ ન થયો. ગંગા, જમના, રેવા, સરયૂ, તાપી, ગોદાવરી તીર્થમાં નાયો તોઇ ઇનું ઇ રહ્યું. ગુરુઓ, આચાર્યો ઘણે ઠેકાણે શરણાગતિ લીધી તોઇ કાંઇ મળ્યું નહીં. ઊલટો ઉકરડો ઊંચો થયો. શાંતિ ન મળી. નિરાશઃ હવે આ સંસારનો ઉદ્ધાર કરનારો કોઇ નથી. કાંઇ નહીં કે મૂંગો ગોતીળો સારો. એમ કરીને પાછો વળ્યો. કાઠિયાવાડનો પંચાળ દેશ ગઢડાનો, એમાં સોંસરવો નીકળ્યો ત્યાં મેં સાંભળ્યું સ્વામિનારાયણનું સત્સંગીજીવનશાસ્ત્ર એની કથા દુર્ગપુરમાં ગઢપુરમાં ચાલુ છે, ત્યાં કોઇ મંદિર છે ગોપીનાથજીનું મજાનું, ત્યાં સાધુ પુરુષો મોટા મોટા રહે છે. મને હર્ષ આવ્યો. હું સીમાડામાં આવ્યો ત્યાં મને માલિકોર આનંદ દેખાવા લાગ્યો, જરૂર કોક આ ગામમાં મોટા સત્પુરુષ રહેતા હશે નહીં તો મને શાંતિ ન થાય. ગંગાજીમાં નાયો, ઠાકોરજીના દર્શન કર્યા અને સત્સંગીજીવન જેવું પવિત્ર શાસ્ત્ર સાંભળ્યું. આમાં અમે સાંભળ્યું, એને લઇને એટલું અંદર માહાત્મ્ય આવ્યું કે આને આ જન્મે મોક્ષમાં જવાય એ હકીકત મને જીવમાં બેસી ગઇ. આ સાંભળવા વડે અક્ષરધામનું સુખ આપે, મોક્ષ આપે એવું આ શાસ્ત્ર મેં સાંભળ્યું. માટે હું ધામમાં જાવ છું. એમ તમે સાંભળશો. તો મોક્ષની સિદ્ધિને પામશો. ભગવાનને ઘરેથી ચિઠ્ઠીઓ આવી ગઇ છે આ બધી. પહેલા નો’તી આવી. હવે આવી ગઇ છે. વચને આવે, કાનમાં આવે, આંખમાં આવે, ચિઠ્ઠીઓ આવી ગઇ. એની પેલા આ કામ ભેગે ભેગું કરી નાખી દેવું, એટલે અધૂરું કામ પૂરું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઇ ચારેય પુરુષાર્થની આ શાસ્ત્ર વડે સિદ્ધિ થાય છે. અવકાશને અનુસારે સંભાળજો. આમ જીવાત્મા મોક્ષને પામી જાય છે.
રાજકોટમાં બોરડીની નીચે મંદિર નોતું વાડી હતી. હું કાશીથી આવ્યો’તો. હરિલીલાકલ્પતરનું પારાયણ હતું. ચાલતી વાત હતી. એક ડોશી બેઠા’તા તે કે હું તો ધામમાં જાઉં તો ઠીક છે. આ કથામાં આવે છે કે, ભગવાન ધામમાં લઇ જાય છે માટે ધામમાં વઇ જાઉં તો ઠીક. માટે ત્યાં ને ત્યાં રેય, ઘરે નો જાય. બપોરે જમવા આપે. જમી લેય. સાંજે વાળું કરે અને ત્યાં માણસો રહેતા સાચવવા. પાંચમે કે છઠ્ઠે દિ’ મને સાંભરે છે કે, આ કેરીનું ફળ આંહિ પડેલું હતું તે કેરીનું ફળ ઠાકોરજીને ધરીને મેં એમને ચીરિયું આપીને કહ્યું કે, આ ખાજો તો ધામમાં જશો. તે બે કલાક પછી ચીરિયું ખાધા પછી ત્યાં ને ત્યાં બેઠાં બેઠાં ધામમાં વયા ગયા. આ હરિલીલા કલ્પતરુનો દાખલો. કથામાં હું બેઠો હતો રાજકોટનો દાખલો બોરડીની નીચે. આશ્ચર્ય થઇ ગયું સૌને કે મારું હાળું આ ડોશીમા તો વયા ગયા કે મારે ધામમાં જાવું છે હવે આંહિથી ઘેરે નથી જાવું. ભાગવતના માહાત્મ્યમાં લખ્યું છે કે, સાંભળનાર બધાય પણ ફળમાં કેમ ભેદ છે ? તો કોઇને વાસના લાગી હોય, કોઇને ઘર વળગ્યું હોય, કોઇ ને કાંઇ વળગ્યું હોય, કોઇ ને કાંઇ વળગ્યું હોય, ઇ બધું મેલે તંઇ ધામમાં જવાય એટલે ફળમાં ફેર પડી જાય. શુકદેવજીને એમ હતું કે, હું બાપને ઘેર જમ્યો ખરો પણ બાપાનું મોઢું નથી જોવું. વ્યાસ કે એલા ઊભો તો રે. તારું મોઢું તો જોઉં. મારી જેવા છો કે બીજા જેવો છો. જોવા તો દે. શુકદેવજી કે જો બાપનું મોઢું જોવ તો મને સાંભર્યા કરે કે મારો બાપ આવા હતા માટે મોઢું નથી જોવું. એમ ભાગવતમાં લખ્યું છે. માટે હું નઇ જોઉ. પછી સાંભરેને કે બાપનું મોઢું જોવ પછી સાંભરે કે બાપો આવા હતા. ઇ કે મારે નથી જોવું. એમ એવો જે ભક્ત હોય છે તો એને કાંઇ આ લોકની પડી નથી.
પરમ પુરુષાર્થ મોટામાં મોટો મોક્ષ એ પરપુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એની પ્રસન્નતા થકી શું શું નથી મળતું ? મુક્તાનંદ સ્વામિ કહે છે, સાચે સાચું ફરીવાર સાચું તમને કઉં છું એકવાર કથા સાંભળીને જો એવું હેત કરશો તો આને આ જન્મે ધામમાં જશો. મુક્તાનંદ સ્વામી કહે છે, સહજ સ્વભાવિ આનંદની મૂર્તિ આનંદ આપનારા એવા શ્રીજી મહારાજને હું વંદન જ કર્યા કરું છું. ધર્મદેવના પુત્ર પ્રગટ થયા છે, દયાના સાગર છે, જેની કથા મોક્ષ આપે એવી છે, અનંત દિવ્ય ગુણના તો સાગર છે, દિવ્ય અક્ષરધામમાં રહેનારા છે, માયાને ટાળનારા છે, એવા મંગળ મૂર્તિ સ્વરૂપ, પોતે ય માળા હાથમાં લઇને ફેરવનારા છે. મંદ હાસ્ય ભરેલું મુખારવિંદ છે. જે ભગવાનને ભાત ભાતના, એના પુરુષોત્તમપણાના અંકિત ચિન્હો છે. એના આભૂષણો પહેર્યા છે એવા શ્રીસ્વામિનારાયણ તમે વંદનીય છો, આ મહાત્મ્ય છે. ગ્રંથ સાંજે વંચાશે. પુરાણીઓ, શાસ્ત્રીઓ આવશે વાંચશે. અમે આવશું મોડા-મોડા. જે અક્ષરધામમાં રહ્યા છે, અક્ષરમુક્તો પંદર પંદર વર્ષના બધા રૂપાળા ભગવાન જેવા, સોનાની જેવા ચળકતા તમામ પુરુષોત્તમ નારાયણની સેવાચાકરી કરે છે. બ્રહ્મા, શંકર ઇ એવડા થઇ થઇ ને ત્યાં જાય છે. સીમાડેથી પાછું વળવું પડે છે. ભગવાન પાસે નથી પોચાતું. એવા હરિકૃષ્ણ શ્રીજી મહારાજ અમારા મનમાં વસો, મારા જીવમાં બેસો, જે તમે પૂર્ણ દયા વડે અમારી જેવા થઇને દેખાવ છો પણ છો દિવ્ય અને લીલા ચરિત્ર જેવો ભગત ઇ પ્રમાણે કરો છો. નો દેખ્યા, નો સાંભળ્યા, નો કલ્પ્યા પણ ભક્ત આવ્યો અને એણે ઇચ્છયું કે ભગવાનને હું આ રીતે રાજી કરું એનું નામ વિચિત્ર ચરિત્ર. ભાતભાતની તમે લીલા ચરિત્રો કરનારા છો. એવા હરિ શ્રીજી મહારાજ મારા ઉપર રાજી થાવ. આપણે બધા ભમરા છીએ ભમરા, પુષ્પના રસને લેનારા મધુપ છીએ, ભગવાનના ચરણના રસનું પાન કરનારા છીએ. ઇન્દ્રિયોના વેગ જે અસુરો એને રોકી રાખનારા છીએ. બીજાનું કલ્યાણ કરે એવા સત્પુરુષો સાધુ-સંતો મારા પર રાજી થજો.
ઇતિ શ્રી સત્સંગીજીવન માહાત્મ્ય મુક્તાનંદસ્વામી વિરચિતે શતાનંદ હેમંતસિંહ સંવાદે માહાત્મ્ય ઇતિહાસ કથને નવમો અધ્યાય.