પરાવાણી

ભગવાનની અનંત શક્તિઓનું વર્ણન - સાચાં સત્સંગીએ ભગવાનને બધું કૃર્ષ્ણાપણ કરતાં શીખવું

પુરુષોત્તમ નારાયણે, પરબ્રહ્મે શ્રીજી મહારાજે અક્ષરબ્રહ્મને પ્રેરી અને સૃષ્ટિ રચવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે મુક્ત પુરુષોને સૃષ્ટિ રચવા માટે આગળ મોકલ્યા હતા. એ મુક્તોએ બ્રહ્માંડમાં આવી આવી અને ઇશ્વરોને પ્રેરણા કરી કરી અને બ્રહ્માંડોની અનંત સૃષ્ટિઓ એમણે રચી હતી. અને શ્રીહરિ પાસે પ્રાર્થના કરી હતી કે, ભગવાન અમે સૃષ્ટિઓ રચીએ પણ તમારાથી વિખૂટા પડી જઇએ માટે એવો વિયોગ ન થાય એટલે તમારે આવ્યા કરવું, જ્યાં જ્યાં અમે હોઇએ ત્યાં તમારે પ્રગટ થવું.

ભગવાન કહે, હું તમારી ભેગો છું. જ્યાં એવી જરૂર પડશે, ત્યાં ત્યાં તેવા રૂપ સ્વરૂપે આવી અને તમને મદદરૂપ થઇશ, તમારા કાર્યો કરીશ. તમારા કામમાં તમારે માયા સાથે ભેગું ભળીને પણ મને ન ભૂલવો. મારી ઉપાસના પ્રવર્તાવી. હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છું, મને ભજશે, મારી મૂર્તિનું ધ્યાન, ભજન કરશે, મારી સેવા-ચાકરી કરશે, મારા સ્થાનોની યાત્રા કરશે, મારા મૂર્તિના દર્શન કરશે, મારા નિયમ વ્રતને સ્વીકારશે, મારી કંઠી બાંધશે, મારું નામ લેશે, મારા અને મારા સંત પુરુષોમાં સ્નેહ કરશે તે બધાને હું મોક્ષમાં લઇ આવીશ અને તમે એને સત્સંગી બનાવજો એટલે મારામાં હેતથી તેઓ મને ભજે એટલે અક્ષરધામમાં આવે. તમે મહેનત કરેલી જીવ પ્રાણીમાત્રમાં સફળ ન થાય તો પછી મારા સામર્થ્યનું શું કામ ? એટલે હું સામર્થ્ય વાપરીશ. ગમે એવો જીવ હશે પણ જો મારામાં નામથી, હેતથી શરણે આવ્યો તો હું એના પાપ બાળી દઇશ. એના જીવમાં બળ આપીશ, એને પ્રકાશ કરીશ, એની માયા ટાળી દઇશ, એના ઇન્દ્રિયો, અંતઃકરણ, શરીર, મૂર્તિ, કામકાજ એ બધા હું દિવ્ય બનાવી દઇશ. જેમ મારા મુક્તો મારી સાથે તમે દિવ્ય છો તેમ તેને પણ હું દિવ્ય બનાવી દઇશ, તેની માયાને અમાયા કરી નાખીશ. તેનું અજ્ઞાન, અવિદ્યા ટાળી નાખીશ, તેને પંચભૂતમાં કે પંચભૂતના શરીરોમાં જે હેત રહેશે અથવા બીજે ઠેકાણે થોડુંક તાણ, ખેંચાણ હશે તો હું એને ભોગ-વિલાસ આપીને પૂરા કરાવીશ, પણ મારા ભક્તને એમાં ડૂબવા નહીં દઉં એને છેવટે તારી લઇશ. માટે મારા ભક્તને થોડું ઘણું તમે આપતા રહેજો. શું શું આપશો ?

તો એક તો પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી અહિંયા આવે છે, આપણી ભેગા રહે છે, એમના ચિહ્નો, એમના શણગારો, એમના વેશ, એમના રીત-રિવાજ એ બધા આપણી સાથે હળે ભળે એવા છે, શરણે આવેલા નર-નારીઓને તે ભગવાન પોતા ભેગા ભેળવે છે અને પોતાના તરફ ખેંચે છે, પોતામાં હેત કરાવે છે અને પોતે રાત્રિ દિવસ દેખાય અને સુખને આનંદ આપે એ રીતે વર્તે છે. આપણું આપેલું જમે છે, આપણાં આપેલા વસ્ત્ર વેશ પહેરે છે, આપણા આપેલા ચંદન ચર્ચે છે, આપણાં આપેલા અત્તર, સુગંધ-ફુલ-પુષ્પ હાર સુગંધ વગેરે ગ્રહણ કરે છે, આપણાં આપેલા શરબત પાણી વગેરે પીએ છે, આપણાં આપેલા ઘરબાર બંગલા, એને ભગવાન વાપરે છે. આપણે આપેલી સામગ્રી એની જ છે છતાં તમારે હાથે અંગીકાર કરે છે. તમારા ક્ષેત્ર, વાડી, ચીજો, દાણા, ફળ, ફુલ, બાગ-બગીચા, ગાયો, ભેંસો, વાહન, હાથી, ઘોડ, અશ્વો વગેરે જે કાંઇ છે એનું છે અને ભક્તને આપ્યું છે માટે ભક્ત તો એની પ્રસાદીને ગ્રહણ કરે છે ને ભોગવે છે. ભક્તજન એનું વળતર પ્રસાદી તરીકે ગ્રહણ કરીને પાછું ભગવાનને આપે છે, ભગવાન રાજી થાય છે. વાહ, ખરો મારો ભક્ત. મેં આપેલું મને આપે છે, ધન્ય છે.

ભગવાન તો કહે છે, મેં આખી સૃષ્ટિ સર્જી અને આખી સૃષ્ટિને આપ્યું છે પણ મને ભૂલી ગયા છે એ મને આપતા નથી, પોતાનું કરીને બેસી જાય છે, અંતે તો એનું નથી. મરી જાય ત્યારે હરે નારાયણ ! રહી જાય, કોઇ બીજા લઇ જાય, વળી એમાં ભક્ત થાય તો ભગવાનને આપે. દાદાખાચરે બધુંય આપ્યું, સર્વસ્વ આપ્યું. એમ પૃથ્વીમાં ઘણાં ઘણાં ભક્તજનો થયા છે. પરબતભાઇ કહે, મહારાજ આ બધું તમારું. ત્યારે શ્રીહરિ શરણાગતિ મંડળ કહે છે, આ બધું’ય ભગવાનનું, પ્રગટ ભગવાન મળ્યા પછી કેનું છે બધુંય ? પ્રગટ ભગવાનનું જ છે.

શ્રીજી મહારાજ પોતે કહે છે કે, પોતાને પૂર્વે મળ્યા એવા જે અવતાર એનું ધ્યાન, ભજન વગેરે જ્યારે અવતારી પુરુષોત્તમ નારાયણ મળે ત્યારે અવતારી પુરુષોત્તમ નારાયણના ધ્યાન ભજનની આગળ એની જરૂર રહેતી નથી. માટે હું જ્યારે તમારી સાથે હરતો ફરતો એવો અક્ષરાધીપતિ પુરુષોત્તમ નારાયણ હોઉં તમારા જેવો મનુષ્યરૂપે વરતું, તમારા આનંદ, કિલ્લોલ અંગીકાર કરું, તમારી ચીજ સામગ્રી કમાણીને ગ્રહણ કરું, એ બધુંય અહિંની લીલા અક્ષરધામની મોક્ષની લીલાઓ એક જ છે. અહિંયાના ઘરબાર, પરિવાર, કુટુંબ એ બધું ત્યાં છે, જો અહીંની દૃષ્ટિ ત્યાં પહોંચી જાય તો અહીં તમે કોઇ ઘડિકે’ય મિનિટે’ય રોકાવ નહીં, ત્યાં વયા જાવ, કારણ કે આ બધુંય પછી તમને એવું લાગે કે જાણે આ મેલું મેલું છે બધું’ય. આમાં રહીને શું કરવું છે ? આંહીનો પવન ને આંહિની પૃથ્વી ને આંહિના આ બધાં વિકાર, વિકૃતિઓ ઇ તો બિલકુલ ન ગમે.

ભગવાનની મૂર્તિ છે ઇ સર્વાગ, દિવ્ય છે, ઊજળી છે, સુખમય છે, આનંદમય છે, આનંદ ભરેલી છે. ભગવાનને ચરણે અડો, ભગવાનના ઉદરે અડો, ભગવાનના મસ્તકને અડો, ભગવાનના હાથપગને દાબો, ભગવાનની સેવા-ચાકરી કરો, મૂર્તિમાંથી બધી જાતના સુખના, આનંદના સાગરો વહે, એવા તો સુખિયા અક્ષરધામના મુક્તો છે ને તેવા સુખિયા અહીં થવા માટે સેવા કરવાની છે. જો કે જીવને એમ હોય કે કુળ, કુટુંબ, પરિવાર અને રૂપિયા પૈસા જોઇએ. જિંદગી ખાય પીએ, પહેરે, સુખી રહે એવી જોઇએ, છોકરાવ, છાબડાવ, વંશ પરિવાર વિસ્તારને કંઇક ટેકો’ય જોઇએ તો એને વાસ્તે આ જગતમાં માનવ સૃષ્ટિ એવી કરી કે એમાં એકબીજાના કામકાજ કરે, અને એમાંથી રૂપિયા, પૈસા મજૂરી મળે ને એમાંથી એકબીજાને દાણા- પાણી લેવા થાય. ચીજો તો બધી ભગવાનની જ બનાવી છે. શેરડી એવી બનાવી કે એમાંથી સાકર, ગોળ, રસ વગેરે થાય, લીમડો એવો બનાવ્યો કે એમાંથી લીંબોળી થાય, કડવું થાય, છાલ નીકળે, તાવ ટાળે, ચીભડા ને અમુક ચીજ એવી બનાવી કે ખાય તો કોઇ દિ વિકાર કરે નહીં, ઘઉં એવા બનાવ્યા કે આખી જિંદગી જમે તોય એનો ઉબકો આવે નઇ, દૂધ એવું બનાવ્યું કે એમાં બધાય તત્ત્વો મેલ્યા. શરીર એવું બનાવ્યું કે એમાં બધાય સ્થાન હાથમાં, પગમાં, કડમાં, ઉદરમાં, છાતીમાં, મુખમાં, જીભમાં, આંખમાં, કાનમાં, મસ્તકમાં, બ્રહ્મરંધ્રમાં, આગળ, પાછળ વાંસે, પગની આંગળિયોમાં, પોંચામાં બધેય ઠેકાણે બધી શક્તિઓ એવી મેલી કે જાણે ભગવાન પોતે જ કેમ ન બિરાજતા હોય ? અને બધી શક્તિઓ થઇને ભગવાન કેમ જાણે કામ ન કરતા હોય ? માટે ભગવાન જ બધામાં રહીને કામ કરે છે. પોતાની શક્તિઓ છે ઇ શક્તિઓ ભગવાને આપેલી છે એટલે કામ થાય છે. સૌ આનંદ સર્જવા વાસ્તે એક બીજાના આધાર કર્યા છે, એમાં ભગવાને પોતાનું સુખ મેલ્યું છે.

પૃથ્વી એની એ છે એમાં હિરા ય પાકે. પાસાણની પૃથ્વી છે એમાં સોનું’ય પાકે, રુપું’ય પાકે, તાંબુ પાકે, આમાં અનેક ચીજો પાકે. અનેક ઔષધીઓ થાય છે, અનેક રસો થાય છે અને ધાતુઓ થાય છે, અનેક જાતના પ્રાણી થાય છે. ચોર્યાશી લાખ જાત છે તેમાં અનેકને ભોજન આપે છે, અનેકને પાણી જળ આપે છે, અનેકને વરસાદ આપે છે, અનેકને સુખિયા કરી દે છે, બધા’ય થાકી જાય છે એને થાક ઉતારવા વાસ્તે ઊંઘ આપે છે. ઊંઘમાં વયો જાય કેવો પરાધીન થઇ જાય ? છતાં પ્રાણ લેતો હોય, જીવતો હોય, આનંદથી રહેતો હોય, સૂતો હોય, ઊઠતો હોય પોતે અર્ધો જાગ્રત હોય એમ જાણે કે હું સૂતો છું, ભગવાન એવી રક્ષા કરે છે. જીવપ્રાણી માત્રની રક્ષા ભગવાન કરનારા છે. ઉનાળો ખરેખરો પડતો હોય, ઉપર અગ્નિ જેવા તાપ પડતાં હોય, ઝાડવા સૂકાઇ જાતા હોય, પણ મૂળની માલીકોર એના જીવને ભગવાન રાખી લે, ચાર ચાર મહિને ઇના ઇ ખડ, ઇના ઇ નાના કણ છે ઇ પાણી મળે એટલે તુરંત ઊગી નીકળે છે. બોલો ઇ જીવતા ભગવાને રાખ્યા, ભગવાન ભેગા છે માટે જીવતા છે.

આવી રીતે ગાય, ભેંસ, બકરી એવા પ્રાણી એમાં એવી નસ મેલી કે જેમાં ભોજન કરેલી ચીજ જાય અને એમાંથી દૂધ થઇને એના પુત્રોને પરિવારને મળે. ગાયું, ભેંસુમાં દૂધ થાય તેને ભગવાન જમે. ભગવાન દૂધ પીએ, ભગવાન ઘી જમે, અગ્નિદેવ જમે, દેવતાઓ જમે, બધા રાજી થાય. કેવી કેવી ચીજના યંત્રો બનાવ્યા છે, અગ્નિ એવો બનાવ્યો છે, એમાં કેટલું બધું જોર મેલ્યુ છે, ઝીણો એવો તાર એમાં અગ્નિ જાતો હોય પણ ઇ જે ઠેકાણે ભેગો થાય તયાં લાખો ટનની ચીજ એને ભડાકે ઉડાડી મેલે, આટલું બધું જોર ભગવાને એક તારના, વીજળીના, ઝીણા સરેડામાં મેલ્યું છે. આ આખી પૃથ્વી છે તે જીવપ્રાણી માત્ર ધારણ કરી રહી છે, સૂર્યનારાયણ આકાશમાં રહ્યા છે એને આધારે હજારોને લાખો તારોડિયાઓ અંજવાળું મેળવે છે, તમામ દુનિયાના જીવપ્રાણી માત્ર અને ગોળાઓ બ્રહ્માંડોના તેને સૂર્યના કિરણમાંથી બળતણ, એટલે વીજળી મળે છે ને એને લઇને બધા ચાલે છે, ફરે છે, આ રીતે ભગવાનની અનંત શક્તિઓ છે તેનો પાર કોઇ લઇ શકતું નથી. એવી અનંત શક્તિઓવાળા પરમેશ્વર તે બધી શક્તિ સંકેલી અને બાળકની ભેગા બેઠા હોય તો જાણે બાળક જણાય, જુવાનની સાથે બેઠા હોય તો જાણે યુવાન જણાય, નર-નારી ભક્તજનો છે, તો એની સાથે બેઠાં હોય તો જેવી ભાવના અને જેવો પ્રેમ, જેવી ભક્તની મરજી, તે પ્રમાણે ભગવાન તેની ભેગા ભળીને તેને આનંદ આપે છે, સુખ આપે છે, ભગવાન સદાને માટે નિર્દોષ છે, અનંતકોટિ બ્રહ્માંડોના દોષોને પી અને જીવોને નિર્દોષ કરી દે છે, પાવન કરી દે છે.

ભગવાનની સર્વે ક્રિયા મોક્ષ માટે જ છે. એક જીવ છે ઇ અનંત સૃષ્ટિઓમાં રખડતો રખડતો આવ્યો, અનંત કર્મોને ભોગવતો ભોગવતો આવ્યો, દુઃખી થઇ ગયો, હેરાન થઇ ગયો, જેનો છેડો ન આવે એટલા બધા કર્મો હોય તોય પણ ઇ જીવાત્મા જો ભગવાનને કૃર્ષ્ણાપણ થઇ જાય કે, હે ભગવાન હું શરણે આવ્યો છું, તમારો છું. આ દેહ તમારો, જીવ તમારો, ઇન્દ્રિયો અંતઃકરણ તમારા, મન તમારું, રૂપિયા નાણાં, બંગલા તમારા, પહેરવા ઓઢવાનું તમારું, ગાયો, ભેંસો, ખેતર વાડી બધું’ય તમારું. મિલકત તમારી, હું’ય તમારો, આમ જો ભગવાનમાં હેતથી અર્પણ થઇ જાય તો ભગવાન અક્ષરધામનો મુક્ત બનાવી દે છે. ચરણની સેવામાં રાખી દે છે, અને એને જોઇએ એવા સુખ આપે છે, સુખની લહેરુંમાં ઉછળતો હોય એવો સુખિયો બનાવી દે છે. એટલા વાસ્તે ભગવાન કરોડો યોજન આઘાથી પણ એક નાનકડો એવો સાડા ત્રણ હાથનો ભગત એની પાસે આવીને વસે છે. માટે એવા ભક્તોને સુખ દેવા માટે ભગવાન અહીં પૃથ્વીમાં વિચરતા હોય ત્યારે જીવને એમ જણાય કે આ તો ભગવાન આપણાં જેવા છે, માણસ છે, એને ભૂખ લાગે છે ને તરસ લાગે છે, એને ઊંઘ આવે છે, એને તાવ આવે છે, ઇ તો થાકી જાય છે, એને તો દાંત પડી ગયા છે. એને તો ધોળા મુવાળા થઇ ગયા છે, એને બધું થઇ ગયું છે પણ તને થવાનું છે ઇ તને નડવાનું છે, ભગવાનને જે થયું છે ને ઇ ભગવાનને નડવાનું નથી, ઇ બધું’ય તો આ લોકના દેખાવ વાસ્તે કરે છે. માટે ગોળ, ઘી, સાકર, ખાંડ એના મિષ્ટાન બનાવવા, ભગવાનને ધરવા, ભગવાનને જમાડવા અને ભગવાનને વાસ્તે બધું કરી રાખવું. બાળ, બચ્ચા, ખેતીવાડી, બીજું ત્રીજું બધું અર્પણ કર્યુ એટલે આત્મનિવેદી ભક્ત થયો. પછી મહારાજ, આ બધું તમારું છે, મારે શું કરવું છે ? તમે જાણો અને તમારું કામ જાણે. આ ઇ રીતે કંઠી, માળા, તિલક બધું રાખીને કૃષ્ણાર્પણ વરતવું. એમ સાચો સત્સંગી આ રીતે ભગવાનનો ભક્ત છે.