પરાવાણી ૨૧

નવ પ્રકારની ભક્તિની સમજણ - ભગવાન ભક્તને બહુ દુઃખ આવવા દેતા નથી

ભક્ત પ્રભુને ચમત્કારો વડે, ચિન્હો વડે, ઐશ્વર્ય-સામર્થ્યો વડે રૂપસુંદરતા, ઉજવળતા વડે ઓળખે છે. વચનસિદ્ધિ, સંકલ્પસિદ્ધિ અને ધારણા એ ચીજ ભગવાનમાં હોય છે, એ પ્રમાણે ભગવાનને શરણે આવેલા અનેક દુઃખિયાઓના દુઃખ ટળી જાય છે. ભગવાન સંકલ્પ કરે, સંકલ્પ પ્રમાણે દેશ- દેશાંતરમાં રહેનાર ભક્તજનોના મનોરથો પૂર્ણ થાય છે. ભક્તોમાં કચાશ હોય તે ટળી જાય છે. ભક્તોને કોઇ જાતની વિટંબના હોય એ મટી જાય છે. ભક્તો સકામ હોય તેને ત્રણ પ્રકારના મનોરથો પૂર્ણ કરવા હોય તો તે બધા મનોરથને ભગવાન દૂર રહ્યા થકા પણ પૂરા કરે છે. કારણ કે ભગવાનમાં દૂરથી સમજવું, દૂરથી જાણવું, દૂરથી દેખવું, દૂરને પાસે પોતાની નજીક હોય એવું કરી દેવું એ એનું મોટું સામર્થ્ય છે. એવા પ્રભુ બ્રહ્મલોકમાં રહે અને ત્યાં જે મુક્તોની સાથે આવરણ વિના હેતથી વર્તે છે, મુક્તોને રસબસ રાજી કરે છે તે એ જ ભગવાન પૃથ્વીમાં આવે ત્યારે પૃથ્વીના સેવક એવા માનવો નર-નારીઓ તેના જેવા થઇને એની સાથે પણ રસબસ વર્તે છે. તેની સુખ સંપત્તિને વધારે છે, એના આનંદના સાગર ઉછળાવે છે. તેના સ્વરૂપમાં બિરાજીને, તેના હૃદયમાં રહીને તેને ઠંડક આપે છે, શાંતિ આપે છે. સુખિયા કરી દે છે, જીવન બહું સારું બનાવી દે છે. ભગવાનની એવી કૃપા છે અને એ કૃપાને મેળવવા માટે ભક્તજનો તન વડે, મન વડે, ધન વડે, વસ્તુઓ વડે, ચીજો વડે, સારી સારી વિભૂતિઓ વડે ભગવાનને રાજી કરી દે છે.

જીવોમાં સેવા ભક્તિ ઇ ઊંચી ચીજ છે. પગ દાબવાની સેવા, શરીર દાબવાની સેવા, શરીરને ચંદન ચર્ચવાની સેવા, અત્તર-તેલ-ફૂલેલ-જળ વગેરે વડે કરીને પ્રભુના શરીરને ચોળવાની સેવા, ફૂલહાર ધરાવવાની સેવા, શણગાર કરવા, રૂપાળા બનાવવા વગેરે સેવાઓ એ વધી જાય છે આમાં સાક્ષાત્ ભગવાનનો સંબંધ તેને અડવાનો વખત મળે છે. બીજી બધી ભક્તિઓ, શ્રવણ ભક્તિ તો થોડાક આઘે રહીને સાંભળે, શબ્દ મધુર લાગે, મીઠો લાગે, સાંભળવામાં ધરવ થાય નહીં, ખસાય પણ નહીં, તૃપ્તિ થયા કરે પણ થોડુંક આઘું રહેવું પડે. કીર્તન કરો તો ગુણ ગાવ, ગુણ ગાતા ગાતા અનેક ગુણ ગાવ પણ ભગવાનમાં એક-મેક થઇ જવાય એવો ગુણ ગાતા ને ગાતા ને ગાતા ને ભક્તને કદાચ પોતાનું ભાન ભૂલી જવાય તો હરકત નહીં પણ પોતાનું ભાન જો થોડું થોડું રહે તો ગુણ ગાવામાં પાછો પડી જાય કારણ કે આ લોકનો ડર લાગે એટલે પૂરા ગુણ ગાઇ ન શકે. એ ભક્તિની સેવાઓ આઘે રઇ-રઇને થોડી-થોડી થાય છે.

ભગવાને જીવપ્રાણી માત્રને સુખિયા કરવા માટે આ આખું જગત રચ્યું છે. એમાં પોતાની ભક્તિ કરવા માટે પોતાના ધામના લોકોને પણ પૃથ્વીમાં છૂટા છવાયા મોકલ્યા, જે જે ઠેકાણે પોતાના ભક્તજનો રહ્યા છે ત્યાં ત્યાં તેઓ ભગવાનની ઓળખાણ આપે છે, ભગવાનનું નામ સમરણ કરાવે છે, તેમની ભક્તિ કરાવે છે, તેમની સેવાચાકરી કરાવે છે. શાસ્ત્રોમાં ભક્તિ ઘણા પ્રકારની કહી અને ભક્તજનો હોય કે અભક્ત હોય પણ શ્રવણમ્ કાં તો ભગવાનની કથા સંભાળી લે. કાં તો કીર્તનમ્, કોઇ ગીત વડે કરીને ભગવાનના કીર્તનો ગવાઇ જાય. સ્મરણમ્, ભગવાન પૃથ્વીમાં હોય અને મનુષ્યો સાથે રહેતા હોય ત્યારે ઘણાય પ્રકારના સંભારણા કરાવી દે. પાદસેવનમ્, પગને તાપવા, દાબવા, શરીર દાબવું એવી સેવામાં ક્યાંક કામ આવી જાય. અર્ચનમ્, કોઇ ચંદન ચર્ચાતું હોય અને વચ્ચે કામમાં આવી જાય, વંદનમ્, હાથ જોડે કે હા મહારાજ, હા બાપુજી, હા ભગવાન. એમ નમ્ર ભાવે હાથ જોડાઇ જાય. આત્મનિવેદનમ્ દાસ્યમ્, કાંઇ સેવા ચાકરી થઇ જાય, ઠામ વાળવા, પાણી ભરવું, કોઇ નાવાનું, જમાડવાના કામ, વાળવાના-ચોળવાના, કપડાં ધોવાના એવા કામમાં આવી જવાય. આત્મનિવેદનમ્, આત્મા એટલે શરીર. આત્મા એટલે જીવ, એનું નિવેદન - મહારાજ હું આ શરીર તમને આપું છું. મહારાજ આ મારું કામકાજ તમને આપું છું. મહારાજ આ મારા રૂપિયા પૈસા, ધન તમને આપું છું. એમ ભક્તજનો ભગવાનની સેવા કરે છે. નર કે નારી પોતાની જેવી ધારણા એ પ્રમાણે ભગવાનને સેવે છે અને ભગવાન રાજી થાય છે. ભગવાન તો પોતે રાજી છે જે પણ ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભક્ત જેમ ધારે તેમ ભગવાન અંગીકાર કરે છે.

જ્યાં જ્યાં પૃથ્વીમાં ભગવાન આવ્યા છે ત્યાં ત્યાં પેલા ભક્તને ઓળખ્યા અને ભક્તોએ ભગવાન ઓળખ્યા, ઓળખાણ વાળા કાફલાઓ જીતી ગયા, ઓળખાણ વિનાના છે ઇ કાફલાઓનો ઉકેડો માર્ગ મળ્યા પછી બીજે ઠેકાણે જાય. પણ ભગવાનના ધામના સુખને નથી પામતા. બીજે જાય એટલે ઘણા દુઃખિયા થાય. દુઃખના કોઇ હિસાબ નથી. ત્રણ જાતના દુઃખ તો લખ્યા છે. એક શરીરમાં તાવ વગેરે, બહેરા, લંગડા, બોબડા, સુખ-દુઃખ. પછી કુટુંબ કબીલાના, પછી ગામના, નાતજાતના ઘરબારના દુઃખ, પશુ- પક્ષીના દુઃખ, ભૂતપ્રેત વળગાડના દુઃખ, ડાકણ-શાકણના દુઃખ અને બહુ વૃષ્ટિ થાય કાં દુકાળ પડે, કાં પાકેલાં ખેતર ભેળવાઇ જાય, કાં સુકાઇ જાય. કાં બહુ તીડ આવી પડે, કાં કોઇ બહારવટિયા જેવો શત્રુ નીકળે એ બધાય દુઃખ, ઇ થી વધારે દુઃખ તો શું આકાશમાંથી વીજળી પડે, પૂર આવે અને તણાઇ જાય. ખોરડા સળગે અને ત્યાં અગ્નિમાં ફસાઇ જાય અને ક્યાંય લશ્કર લડતા હોય તો એમાં પકડાઇ જાય. કોઇ દેશ-દેશાંતરની ધાડ્યું આવતી હોય એમાં લૂંટાઇ જાય. આ બધા શરીરના, મનના, અડખાં-પડખાના, કુટુંબ કબીલાના, ગામના, ઘરબારના, દેવતાઓના, પૃથ્વી, જળ, તેજ, વાયુના દુઃખ ઇ જીવપ્રાણી માત્રને ઓચિંતા આવે છે. એ પણ આદ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આદ્યાત્મિક એટલે આપણાં પોતાના, આધિભૌતિક એટલે ગામ કબીલાના, આધિદૈવિક એટલે આ દેવ સંબંધી બધાય વાવાજોડા. આ દુઃખમાં પડેલા જીવાત્મા જો ભગવાનનો ભગત હોય તો તરી જાય અને એને દુઃખ આવતા નથી. પણ ભક્ત થઇ અને અભક્તનો સંગ કરવા માડે છે તો અભક્ત એને અવળે રસ્તે લઇ જાય છે અને અભક્ત તો દુઃખમાં પડેલો છે એમાં આ ભક્ત પણ દુઃખમાં ઓરાઇ જાય છે. પછી ભગવાનને પ્રાર્થના કરે. ત્યારે ભગવાન કહેશે તું શું કામ ભૂલ્યો ? હું તો સુખિયો કરું છું પણ તારે દુઃખિયા થાવું છે, તો એમાં હું શું કરું ? એટલે ઇ જીવ દુઃખિયો થઇ જાય છે.

ભગવાન કહે છે, હું સુખ આપું છું એટલા સુખ તો કોઇની પાસે નથી. હું જ્યારે સુખિયો કરવા માંડુ ને ત્યારે એને ભણતર આવડે, કામકાજ આવડે, નવી નવી કળાઓ આવડે, સારા સારા માણસો એમાં વચ્ચે પાડીને આગેવાન થાય, ઇ સલાહ આપે એમ બીજા કરે, મોટી બુદ્ધિવાળો થાય, દીવાન થાય, કાયદા જાણનારો થાય, દેશનો નેતા થાય અને વળી દિવ્ય ગતિવાળો પણ થાય. સારી સારી વાતો ઇ કરતો હોય, તેને લઇને આખો દેશ નભતો હોય, એવો મોટો માણસ થાય. મારો ભક્ત છે એને મોટો બનાવો ઇ મારે કાંઇ ગણતરીમાંય નથી. હું તો બહુ મોટા બનાવી દઉં છું, જગતમાં સૂર્ય અને ચંદ્રને, મોટા મોટા બનાવ્યા છે આખી દુનિયા એને પગે લાગે છે. રાજાઓ બનાવી દઉં. દેહ બધાય પાપી હોય રાજાઓના દારૂ- માંસવાળા. છતાંય એને સૌ કહે વાહ આ તો બહુ સારા, પાપીઓ ભેગા થઇને વખાણ કરવા માંડે, તે મુરઘીના ઇડા ખાતો હોય તોય પણ ઘણા કહે, ઓહોહો રાજા તો કેવો તપસ્વી છે. આમ વાત વાતમાં વખાણ કરી બેસે. માટે ભગવાન પોતાના ભક્તના સારું થઇને અભક્તને પણ ભક્તના લાભમાં લાભ આપી દે છે. ભક્ત એની પાસે કેટલું હોય ? દાણા, કાવડિયા, શાકભાજી, કપડાં પહેરવા, ખોરડું રહેવાનું, ગાયું-ભેંસુ, દુજાણા, ખેતર-વાડી, વેપાર-ધંધા, સારા કપડાં લતા, કોઇ મિલ માલિક, કોઇ કાંઇ, કોઇ કાંઇ, કોઇ કાંઇ એમ થોડું થોડું સૌને આપ્યું હોય છે ઇ બધુંય હે પ્રભુ આ તમારું છે. સવારે ઉઠી પૂજા કરીએ ત્યારે કહેવું કે, હે ભગવાન આ બધું તમારું છે, મારે તો નિભાવવું છે, હું તો ઇ કામકાજ વાસ્તે જાઉં છું. આ રીતે કામકાજ નિભાવવા વાસ્તે ભક્તજન જો સવારમાં પૂજા કરી અને ભગવાન લેખે કરે અને પછી જીવ રોટલા-શાક ભગવાનને ધરે, સાંજે ઘડીક ધૂન-ભજન કરે અને પછી પ્રભુને એમ કહી દે કે, હે મહારાજ મારી રક્ષા કરતાં રહેજો, મારી સામું જોતા રહેજો, તો ભગવાન એની ઉપર જરૂર રાજી થાય છે, રક્ષા કરે છે અને એની નજર રાખતા રહે છે. એને લખ્યા છે કુંજ પક્ષી જેમ સેવે એમ સેવે, આપત્કાળ આવવાનો હોય તો ન આવે, બહુ મોટો આપત્કાળ આવવાનો હોય તો થોડે આપત્કાળે પતાવી દે એમ ભગવાન ભક્તની રક્ષા કરે છે પણ ભક્તે પણ એવું થાવું જોઇએ કે, હું ભગવાનનો જ છું, મારું ધન ધાન બધુંય ભગવાનનું જ છે, હું જે કાંય કામકાજ કરું છું તે ભગવાન વાસ્તે કરું છું. ભગવાનની શરણાગતિ લીધી એટલે ભગવાનને વર્યા, ભગવાનના દાસ થયા, તેના દાસી થયા.

ભગવાન આપણા પતિ છે, સ્વામી છે, દેવ છે, ધણી છે. એમ ભગવાનની સેવાચાકરીમાં વળતો રહે એવો જીવ છે, ઇ આત્મનિવેદી કહેવાય અને એવો આત્મનિવેદી થાય અને તે જો ભગવાનને સંભાર્યા જ કરે કે, મારે પ્રભુ વિના બીજું કાંય નથી, તો ભલે ને જગતમાં ગમે ત્યાં રાખ્યો હોય પણ રક્ષા એની ભગવાન કરે છે અને એને બધું ભગવાન આપે છે, એટલા વાસ્તે જગતના જીવોએ ભગવાનની ભક્તિ કર્યા કરવી, પોતાને ઊગતો આથમણો રાત ને દિવસનો ટાઇમ એ પ્રભુ લેખે વીતાવવો, એ સિવાય કોઇ ચિંતા કરવી નહીં, ભગવાન જે કરે તે સારું કરે છે, એવો સત્સંગ કરવો, સુખ- દુઃખ માનવા નહીં. ભગવાને આપ્યું તે આપણું. એને આપ્યું એમાં સુખિયા રહેવું એમ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરતાં કરતાં આખું જીવન પૂરું કરવું.