પરાવાણી

પ્રગટ ભગવાનની આ સમયે ભક્તો પર વિશેષ કૃપા - પ્રગટ ભગવાનની સેવાનું ફળ

બ્રહ્મધામમાં જવાય, ચરણની સેવામાં રહેવાય, ભેગું રહેવાય એવો યોગ ભગવાને આ વખતે આપ્યો છે અને ભગવાને કૃપા કેવી કરી છે ? કોક કોક તો ત્યાગી પુરુષો સંસારથી બિલકુલ નિરાળા વર્તે, અતિ આકરા વ્રત વગેરે પળાવ્યા પણ આ વખતે ભગવાને દેશકાળ પ્રમાણે એવી કૃપા કરી છે કે, જે સ્થિતિમાં ભક્તજનો પોતાના કામકાજ કરતા રહે અને સાધુપણું આવતું જાય અને ભગવાનની ભક્તિ થાતી જાય, તદાત્મકપણું થાય, આત્મનિવેદીપણું થાય, સમજણ આવે, બળ આવે, ભેગા રહે, સેવા ચાકરી કરે, નિર્મળ હૃદયથી રહે, નિર્લેપ રહે અને પ્રભુના ધામમાં ભેગા રહેવાઇ જવાય અને ધાર્યા પ્રમાણે સેવાઓ થાય. આ વખતે એવી કૃપા કરી છે. આ કૃપાને જો સમજે તો આગલા મુક્તો હતા એવા મુક્તો, એથી વધારે સેવક થઇને ભગવાનની મૂર્તિની સાથે રહેશે. ત્યાગ, વૈરાગ્ય, તપ વ્હાલા હતા એના કરતા ભગવાનને સેવા વધારે વ્હાલી છે, સેવા કરે એટલે રાજી થાય, સેવા શરીર વડે થાય, મન વડે થાય, ધન વડે થાય, ચીજો વડે થાય, વસ્તુઓ વડે થાય. વિશ્વંભર પ્રભુએ બધી ચીજો બનાવી છે, ભક્તોને આપી છે. ભક્તો સમજે છે કે આ ભગવાનની ચીજો છે, એની આપેલી ચીજો આપણે સ્વીકારી છે, પ્રસાદી તરીકે વાપરીએ છીએ પણ એ ભગવાનની છે. માટે ભગવાનનું બધું હો અને ભગવાન રાજી થાવ. ધન બધે ઠેકાણે છે પણ આસુરી પ્રજા ઘણી છે, ત્યાંય ધન છે, પણ ભગવાનના ભક્ત પાસે ધન આવે તો એ ધન સાત્ત્વિક અને નિર્ગુણ વૃત્તિનું થઇ જાય. એ ભક્તજનોનું ધન ભગવાનને કામ આવે.

એમ આ પૃથ્વી, જળ, તેજ, વગેરે વગેરે પદાર્થો છે, એમાં ઘણી ઘણી લાખો પ્રકારની ચીજો થાય છે પણ ભક્તોના ઘરમાં હોય તો એ ભગવાનને કામ આવે, નાનો એવો ભક્ત પણ પોતાની વાડીમાં કે ખેતરમાં કે ઘરબારમાં નાની એવી સિંગ કે ચીભડું કે કોઇ પણ મીઠી ચીજ ભગવાને પ્રગટાવી કે પોતાના હાથમાં આવી અને લો પ્રભુ આપ જમો, પ્રસાદી હું જમીશ. આ રીતે ભક્ત સેવા કરે તો ભગવાન રાજી થઇ જાય છે. એની સેવા અંગીકાર કરે છે અને ધામમાં લઇ જાય છે. બાળ-બચ્ચા, નાના મોટાં, બાઇયું, ભાઇયું, છોકરા-છોરી. ઇ બધું શું શું છે ? ભગવાનની ભક્તિ કરનારા છે એ મુક્ત છે અને ભક્તિ નથી કરી શકતા તેને છૂટું પડવું પડે છે, પાછું સંસારમાં રખડવું પડે છે. પણ જો ભગવાનનો મહિમા સમજી લીધો કે આ પ્રભુ તારનારા છે, એના ચરણમાં પડ્યા એટલે ધામમાં. તો ઇ મારા ધામમાં જ છે, ઇ છોકરા, છોરીઓ, નાના-મોટાં સ્ત્રી-પુરુષો મારા ધામને વિશે બધા મુક્તો છે.

ભગવાન આનંદઘન છે. તેમાંથી જોઇએ એટલું ઘાટું ઘાટું સુખ લેતા જાય, ભગવાનને સેવતા જાય અને મરજી પ્રમાણે રૂપ ધારી ધારી અને ભગવાનની મૂર્તિને ઓળખતા જાય. ભગવાન જે લાખો ભક્તોને એકસાથે કરોડોગણા સુખ આપે છે, સુખના સાગર વરસાવે છે. એ ભક્તો-મુક્તો આંહિ પૃથ્વી ઉપર છે તેને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પધારેલા છે ઓળખાણ આ રીતે ભગવાનની રાખવી કે ભગવાનના ચરણ પવિત્ર છે, ભગવાનના પગ-પીંડીઓ પવિત્ર છે, ભગવાનનાં સાથળ પવિત્ર છે, ભગવાનના ઉદર, છાતી, હાથ પવિત્ર છે, ભગવાનનું મુખ તો સદાને માટે સુખિયા કરનારું છે. ભગવાનનાં રોમ, નખ અંગે અંગ પવિત્ર છે અને સુખ આપનારા છે, પાપ બાળનારા છે, દિવ્યગતિ આપનારા છે, ભગવાન પોતાના ખોળામાં રાખે, ભક્તોને, વ્હાલાને, પોતાના આત્મા ગણીને, જીવ ગણીને, પોતાના દેહ ગણીને, પોતાનો હાથ ગણીને, પોતાની મૂર્તિ ગણીને, હૃદયમાં ગણીને ભક્તને પોતામાં કાયમને વાસ્તે સુખિયા રાખે છે. શરીરમાં રોમ છે, બાળપણથી ઉગ્યા હોય, હાથ-પગમાં ઠેઠ ગહઢીયા થાય ત્યાં સુધી એમ ને એમ રહે છે ખરતા નથી. ભગવાનના નેત્રની પાંપણો ખરતી નથી, ભગવાનની મૂર્તિમાં ઇ રીતે એના મુક્તપુરુષો ભગવાનની મૂર્તિને વળગ્યા છે તે કોઇ દિવસ આઘા જાતા નથી, એક રંગા રહે છે, સોળ વર્ષની અવસ્થાવાળા રહે છે. સુખના ઢગલા છે, એના પ્રવાહો કોઇ દિવસ ખૂટતા નથી. એવું ભગવાનની મૂર્તિનું સુખ ભક્તજનો પીએ છે, જમે છે, આનંદ લ્યે છે, અમૃતરસ પીએ છે અને ભગવાનની વાણીને સાંભળે છે, ભગવાનની સેવા-ચાકરી કરે છે.

આ પૃથ્વીમાં જેટલું કાંઇ કર્યુ, ભગવાન લેખે કર્યુ, તે ધામને વિશે એને કરવું આકરું નહીં પડે. અહિંયા સેવા કરશે, અહિંયા રાજી કરી લેશે અને અહિંયા ભગવાનના થઇ જશે તેને ભગવાન રસ્તે હાલતા, ધામમાં જાતા જાતા પોતાના કડમાં બેસાડી અને ત્યાં અક્ષરધામમાં મેલશે ત્યારે ત્યાંના લાખો મુક્તો જોશે કે, ઓહોહો આ ભગવાન આ હેત કરીને કેને આંહિ લાવ્યા ? માટે એના આપણે દર્શન કરીએ. એમ એ મુક્તોની સેવા ત્યાં ઓલા મુક્તો કરે છે, અહીંથી જાનારાની સેવા-ચાકરી કરવા માંડે છે. આટલો બધો અત્યારે પ્રતાપ ભગવાને વાપર્યો છે, વપરાય છે, લાખો ભક્તજનો સેવે છે, લાખો વિદ્વાનો સમજે છે અને શાસ્ત્રો રચવા માટે ભગવાને પોતાનું સર્વસ્વ શાસ્ત્રોમાં મેલ્યું છે સમજનારા સમજી લેશે, સમજણ નહીં હોય તો એટલું સમજશે કે, આ ભગવાન છે. તો એને કરવું અઘરું રહેશે નહીં. આ રીતે સુખી થઇ અને ભગવાનને સેવજો, તીર્થોમાં જાજ્યો, મૂર્તિના દર્શન કરજો, ચરણ-કમળને જોજ્યો, પ્રભુની લીલા ચરિત્રો વાંચજો, ચમત્કાર પરચા વાંચજો, દેશ-પરદેશમાં સંભારજો, ભગવાન ભેગા છે અને સુખી રાખશે. કાંઇ કરવું બાકી નથી.