પરાવાણી ૨૩

અનેક દેવીઓને શ્રીકૃષ્ણ અવતારમાં ઇચ્છિત સુખ મળ્યું - ભક્તિમાં વિઘ્નરૂપ માયાને ભગવાન દૂર કરે

ભગવાન મળવા બહુ મોટા પુણ્યનું કામ છે, પૂર્વે ઘણી સારી કમાણી કરી હોય, તો પ્રભુ મળે. ઘણાં જન્મો લઇ લઇ પરોપકાર કરતાં આવ્યા હોય, આશીર્વાદ લેતા આવ્યા હોય, સારા ધર્મ કાર્ય કર્યા હોય, તીર્થો, વ્રત દાન, નિયમ પાળ્યા હોય. કૃચ્છ, ચાંદ્રાયણ આદિ કર્યા હોય, સારા ધર્મ વ્રત પાળ્યા હોય તો એ બધું પુણ્ય ભેગું થઇ અને ભગવાનને લઇ આવે છે. જે જે કોઇ પૂર્વે ભક્ત થઇ ગયા અને અત્યારે થાય છે અને થશે એ તમામ લાખો વર્ષોની પોતાની કરેલી સારી કમાણીને એક જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરાવી દે એવી ભોગવે છે.

ગર્ગાચાર્યનો એક સંહિતા ગ્રંથ સારો છે, જૂના જમાનાનો. શ્રીકૃષ્ણના ગુરુ હતા ગર્ગાચાર્ય. તેણે લખ્યો ગ્રંથ. એ ગ્રંથમાં એવી હકીકત લખી છે કે, શ્રીકૃષ્ણ ભગવાને છૂટ શું કામ મેલી ? જે કોઇ સામે આવે તેને કઇ દે કે તું તારે આવ સેવા કર, ભક્તિ કર, ખુશી કર, તારી મરજી પ્રમાણે મારી હારે ખેલ કર, આમ શા માટે કર્યુ ? ગર્ગાચાર્યએ લખ્યું કે, હું બહુ જૂના જમાનાનો આચાર્ય છું, ઘણાય અવતારો જોતો આવ્યો છું, હું મત્સ્ય અવતારમાં હતો ત્યારે માછલાઓનું રૂપ ધારણ કરનારા એવા ભગવાનને જોઇ અને મોહ પામી ગયેલી કેટલીક દેવીઓ એણે માંગ્યું કે, ભગવાન અમને તમારી સેવા આપો ને. તો ભગવાન કહે, એક વખત હું એવો આવીશ તે દિ’ આપીશ. આજ નહીં. કાચબાનો અવતાર થયો એમાંથી ભગવાન પ્રગટ થયા એમાં મોહ પામેલી નારીઓને માંગણી પ્રમાણે કાચબાએ કહ્યું કે, ભગવાનનો અવતાર હું ભવિષ્યમાં થઇશ તે દિ’ તમને બધાયને અંગીકાર કરીશ, અત્યારે નહીં. વામન ભગવાન થયા ત્યારે ટચૂકડા હતા, નાના હતા, બ્રહ્મચારી હતા તેણે કેટલીક મોહિત થયેલીઓએ કહ્યું કે, ભગવાન અમને યોગ આપો. તો વામનજી કહે, અત્યારે નહીં કૃષ્ણ અવતારમાં આપીશ. રામચંદ્રને જોઇને ઘણી રાક્ષસણીઓ અને બીજી ત્રીજી દેવ-દેવીઓ મોહિત થઇ ગઇ તો એણે માંગ્યું કે, ભગવાન અમને જોગ આપો. તો રામચંદ્રજી કહે અત્યારે નહીં એક અવતાર લઇશ એમાં જોગ આપીશ.

કપિલજી, દત્તાત્રેય, સનકાદિકો, નારદજી વગેરે ભાત ભાતના રૂપાળા ભગવાનો હતા. લક્ષ્મીનારાયણ, નરનારાયણ, ચોવીસે અવતારોમાં ગર્ગચાર્યે લખ્યું છે કે લાખો નારીઓ, જીવાત્માઓ ભગવાનમાં મોહ પામી-પામીને એમ કહેતા કે, પ્રભુ તમારા જેવો કોઇ ધણી નહીં મળે માટે એકવાર તો યોગ આપો તો અમારું રૂડું થઇ જાય. તોય ભગવાન કહેતા આવ્યા હતા કે, ના મારે કેટલાય કામ કરવા હોય ઇ જો તમને અંગીકાર કરવા માંડું ને એમાં ને એમાં રોકાઇ જાઉં અને આ અવતારો મારા બીજા કામને માટે છે. માટે મારા કામ રોકાઇ નહીં. બીજા કામને માટે મારે આમાં રહેવું જોઇએ માટે એ કામ પૂરા કરીને પછી એક એવો અવતાર લઇશ કે તમારી હારે જ રોકાઇશ. બીજા કામ તો થાતાં થાશે. એ નિમિત્તે મારા માટે મારામારી તડાફડી થવાની છે.

ગર્ગાચાર્યે છેવટે લખ્યું કે, રામચંદ્ર ભગવાને એક હજાર યજ્ઞ કર્યા અને તેમાં સીતાજીની પૂતળીઓ બેસાડી સોનાની. ઇ પૂતળીઓ એ માંગણી કરી ભગવાન તમારો જોગ તો આપો પડખે બેસાડીને શું મોટા થઇ ગયા છો તમે ? તો કહે, યોગ આપીશ પણ મારા બીજા અવતારમાં. આ વખતે તમ તમારે સમાધીઓમાં પડ્યા રહો. પછી જ્યારે જ્યારે ભગવાન સૃષ્ટિમાં નીકળે છે અને જે જે ઠેકાણે જ્યાં જ્યાં રૂપ દેખાડે છે તે તે ઠેકાણે ત્યાંની દેવીઓ, દેવતાઓ, યક્ષણીઓ, રાક્ષસણીઓ, દૈત્યાણીઓ, મનુષ્યાણીઓ આવી લાખો ભગવાનની ભક્તાણીઓ ભગવાનની ઇચ્છા કરતી. ભગવાન કહે, મારો એક અવતાર આવશે એમા તમારા બધાયના મનોરથો પૂરા કરીશ. તે દિ’ મારે બીજું કાંય કામ કરવું જ નથી.

તે ગર્ગાચાર્યે આખી સંહિતામાં વર્ણન કર્યુ છે અને તે બધી આ શ્રીકૃષ્ણ ભગવાનના વખતમાં દેવીઓ પ્રગટ થઇ તે ભારતમાં તો ઠીક પણ આખી પૃથ્વીમાં પ્રગટ થઇ. સર્વત્રમાં પ્રગટ થઇ જ્યાં જેને ઠીક પડ્યું ત્યાં પ્રગટ થઇ ત્યાં સ્વતંત્ર રહી અને અસુરોની લડાઇઓમાં એને કેદખાને રેવું પડ્યું, પરાધીન રેવું પડ્યું ઇ જેટલી જણીઓ હતી તે બધીને વીણી વીણી અને શ્રીકૃષ્ણ ભગવાને પોતાના દ્વારકા નામના મોટા ટાપુમાં ભેગી કરી લીધી. 16,108 તો પરણેતરની અને ઇ સિવાય બીજી કોઇ દેવ-દેવીઓનો તો હિસાબ જ નથી. ત્રણ કરોડ ઉપર લખી છે. આ બધાને શ્રીકૃષ્ણ ભગવાને હજારો રૂપ લઇને તેના મનોરથો પૂરા કર્યા. તે ભગવાન જ્યારે પોતાની મૂર્તિમાં ઘી, દૂધ, દહીં ખાવા-પીવાના અખૂટ પ્રવાહો વહેતા જ હોય તેવી મૂર્તિ ધારણ કરે ત્યારે તે બધાયને યોગ આપી શકે. હવે સૂકો રોટલો ખાઇને, રોટલી ખાઇને, દાળભાત ખાઇને ઇ ભગવાન ક્યાં બધાને યોગ આપી શકે ? એનું શરીર તો સાંઠી જેવું હોય, ત્યાગી સ્વરૂપ હોય, સાધુ સ્વરૂપ હોય, વ્રત કરે, દેવતા હોય, કોઇ નિયમ હોય, વ્રત હોય, ધર્મ હોય, ઘણાં કામ કરવા માટે રહ્યા હોય. જો એમ એકલી સખીઓ થઇને સખા રહીને ભેગા રહ્યા તો ઇ સખાને બધાય ભેગા થઇને મારી નાખે ક્યાંય રહેવા ન દે એવી ખબર છે માટે સખીઓને આઘી રાખે.

એટલે પ્રભુ શ્રીકૃષ્ણ ભગવાનના અવતારમાં છૂટ મેલી અને સવાસો વર્ષો સુધી દેહ રાખ્યો હતો અને તમામને માટે મનોરથ પૂરા કર્યા અને પછી છેવટે ભગવાને કહ્યું કે, હવે આમાંથી નવરું થવાશે નહીં માટે હવે કાંઇ મૂકવુ ખરું. પછી પ્રભુએ એક એવી ગોઠવણી એવી ઊભી કરી કે, બધાયનો સંહાર થઇ જાવ અને હું પણ વયો જાવ. જેથી પાર આવે. બધાયનો સંહાર કરી પણ નાખ્યો અને પોતે ઉપડી પણ ગયા. પછી અવતાર તો પ્રભુના ઘણાં થાય છે ઇ પ્રભુ પોતે જાણે છે કે મારા કેટલા અવતાર થયા, તે હું જાણું છું બીજો કોઇ નથી જાણતો. સૌને એવી ખબર નથી હોતી કારણ કે એમને ટૂંકી જ્ઞાનની વૃત્તિ હોય છે એટલે એ ભૂલી જાય છે. ભગવાનની જ્ઞાનની વૃત્તિ બહુ લાંબી હોય છે એટલે એ ભૂલે નહીં.

એ ભગવાન પોતે પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યારે અનંત એવી રીતના સકામ ભક્તોની કામનાઓ પૂર્ણ કરવા વાસ્તે તે ભક્તો જેમ ઇચ્છે ઇ પ્રમાણે થોડું ઘણું પણ ભગવાન ઢળી ઢળીને, નમી નમીને, થોડાંક ભેગાં ભળીને, હાજી હા કરીને, એના મન સુખી રાખે અને ભક્ત કેમ મારી ભક્તિ કરે ઇ રીતે નિભાવી રાખે. પણ મારામારી ઊભી થાય એવું તો ઇ કૃષ્ણ ભગવાનના વખતનો રાજાનો દેહ, હારે અર્જુન ને હારે બીજા શસ્ત્રધારીઓ એણે ઇ કામ કર્યુ. માટે જો ગામડાંમાં ને શહેરમાં ને જ્યાં જોવો ત્યાં ભક્તની ઘરે જાવું હોય, મરજી પ્રમાણે સેવા કરવી હોય અને કરાવવી હોય અને ઇ જો કરવા બેસે તો તલવારવાળા વાંહે થાય અને એણે ભાગવું પડે. એની વાંહે થવું પડે અને એની સામું લડવું પડે, ઉપાડીને લઇ આવીને નાખી દેય પોતાના બંગલાના. અને સાધુ રૂપે ભગવાન હોય તો ભિક્ષા માંગે અને રોટલો શાક આપે તો ખાય લે. ખોબો પાણી પીને ભાગી જાય. ઇ કાંય કોઇને ઘેર રોકાતા નથી. સાધુની વૃત્તિ એટલે શું ? સાવ નિર્લેપ વૃત્તિ. આપણું શું હશે ? હવે ઇ તો થયા જ કરે, દેખ્યા જ કરે, પગે લાગ્યા જ કરે, કોઇ પાર આવતું નથી. પછી પ્રાર્થના કરી કરીને થાકી જાય. તે પોસ્ટની ટપાલે ય કેટલાક તો રૂપિયા ખાય જાય. કેટલાક દિવસો આપણા ખાય જાય. કેટલાક વિચારો ખાય જાય. કેટલાકને ઊંઘ નો આવે અને ભગવાનને માંગણી કર્યા જ કરે કે, ભગવાન આવો, ભગવાન આવો, ભગવાન આવો. ભગવાન જાણે કે હવે આ તો હાલ્યા જ કરવાનું છે. એની મેળે થાકશે તંઇ મેલી દેશે. સમજણથી થાકે તંઇ મેલે. એમ ભગવાન છે ઇ સુખ દઇ દઇને દેય છે. માંગણી કરે તો ઇ ક્યારેક બહુ ભક્તિ પ્રમાણે આપી દેય પણ પછી પોતે એકાંતિક ભક્ત થવું જોઇએ.

ખરા ભક્ત થાય તો ભગવાન પોતે કેય છે કે, લક્ષ્મી ને રાધા ને એવી કરોડો લક્ષ્મીઓ અને કરોડો રાધાઓ છે. ત્યાં કાંય ખોટ નથી. મોટા મોટા બગીચાઓ છે, મેડીઓ છે, બંગલાઓ છે, ખાવા પીવાના છે, વાહન છે, આકાશમાં ઊડવાના છે, ઘરેણાં તો એટલા બધા પહેરાવી દેય કે ઊભી ન થઇ શકે. બે બાવડા પકડીને ઊભી કરે, બે દેરાણીઓ ભેગી થઇ ને તંઇ તો ઓલી લક્ષ્મી ઊભી થાય. કા ? તો કે ભાર થઇ ગયો. હાય રે, એમ હીરા-માણેકને મોતી ઝવેરાતનો હિસાબ નથી. ખાવાનો હિસાબ નથી, આનંદનો હિસાબ નથી. પછી સારું પહેર્યુ હોય એનેય એક કોર મેલી દેય કે આ શું કેશે આડું ? જળજળાટીયું મારે નથી જોતી. થોડું ઠીક છે, પછી એક કે કપડાં પહેરીને ભગવાન પાસે બેસે તો ભગવાન કહે, હવે ઠીક ઠેકાણે આવી. એવી રીતે પ્રભુ બધાયની ખબર લ્યે છે અને બધીયું ભગવાનને ભજે છે. આ રીતે આ સંસારમાં પ્રભુ આવે છે. એ નથી આવતા એમ નહીં. બહુ ભક્તિ કરે તો એને પહેલી બોલાવે છે, ન બોલાવે એમ નહીં. અને ભક્તજનો પણ તન, મન, ધન વડે પૂજા કરે તો એને બાથ ભીડીને મળે. એના સંકલ્પો પૂરા કરે, એના દુઃખ ટાળી દેય. એને આપત્તકાળ ન આવવા દેય, એને સારાવાના કરે, બાલ બચ્ચા આપે, દુજાણા આપે, પહેરવાના આપે, સોના- રૂપા આપે, મકાન આપે, બંગલા આપે, સાજા-નરવા રાખે, આરોગ્ય આપે, જશ-કીર્તિ આપે, જગતની રીત પ્રમાણે બધું આપે અને બહુ આપે તો બહેકી જાય. તો જમીનમાં બહુ વરસાદ પડે તો ફોરળા પડે અને ખૂંચી જાય.

માટે ભક્ત ઘરે સરખો રહી શકે અને પાછો ભગવાનમાં પ્રત્યે જઇ શકે એટલું ભગવાન રાખે છે, જો ઇ થી વધી પડે તો નવરો ન રહે. પછી ભગવાન વાટ જોવે ઓલો કેમ આવ્યો નહીં ? તો તો ઇ લક્ષ્મીજીએ માયાએ ઘેરી લીધો હોય એટલે ન આવ્યો. તો ભગવાન એમ વિચારે કે એની માયા ઓછી કરો તો આવશે. પછી ભગવાન એમ કરે. પછી રોવે, મહારાજ મારું બધું વયું ગયું. તમને ભજી ભજીને થાકી ગયો અને અમારું આમ કાં થાય ? તો તારું થાય જ ને. તને ઘણુંય આપ્યું છતાંય તે કાં મેલી દીધો. એની તો ગણતરી એવી કે, મહારાજ આજે મારે બહું કામ હતું, કામમાં સાંજ પડી ગઇ.

એક ગામમાં ગયાં, સવારે ગયા, બપોરે કોઇ આવ્યું નહીં. સાંજ સુધી ખબર આપી પણ કોઇ આવ્યું જ નહીં. હવે રાંધે શેમાં ? લાવે કોણ સીધો ? પછી હું ઘેરે ગયો. અરે મા-બાપ તમે આવ્યા છો ? પણ ઇ સાચું પણ આજ એકાદશી નથી તો પરાણે એકાદશી થઇ ગઇ. બીજું તો ઠીક પણ ત્યાં કૂવામાં પાણી નથી. હાંડલું તો મોકલવુતું, પાણી પીત તો ખરા, પછી ત્યાં એની ઘેર નાયા. ત્યાં એણે દૂધ-પૂરી ને બધુંય કર્યુ. રાત્રે જમ્યા ઠેઠ. આ તો ખરા સારા સેવકની વાત છે, મોટા માણસની. તે મને તે દિ’ એમ થઇ ગયું કે આ શાસ્ત્રો લખી ઇ બરાબર છે. મોટા માણસ છે જ નહીં. ઇ ભગવાનથીય મોટા હોય. કાંય પરવાહ ન હોય એની. તંયે ઓલી શેઠાણી ઘેરે એને એમ થયું કે, અરે રે આવા પુરુષ આપણે ઘેર પધાર્યા ને દિવસે પાણી’ય ન મોકલ્યું. ઇ તમે આંધળિયું છો બધી રાણીયું. મંદિરમાં ક્યારેય સાધુ આવે ત્યારે એટલું કહેવું તો જોઇએ ને કે પાણી પીઓ કે આવો કે બેસો. એટલું ય ન જુવે તો પછી એને કોણ ક્યે ઠેકાણે ભગવાન રાખે ? પછી બે ચાર દિ’ રહ્યા અને વાહ વાહ ઓહોહો ને બધું કર્યુ અને ખબર પડી કે આ તો ફલાણા આવ્યા છે, કહે કે અમને તો ખબરેય નોતી. તો અમે તો એવું જાણતાય નતા કે આ કોણ આવ્યા છે ? એટલે એમ થાય તે ઠીક થોડા થોડા નમતા રહે તો ભક્તને ભગવાન ભજી શકાય અને થોડું થોડું ઓછું રહે તો ભગવાન પાસે માંગી શકાય પણ બહુ થોકડા થઇ પડે તો એની વાંહે હજાર માખીઓ દોડે. તે માખીઓને મચ્છરને ભમરાને તેને સખણો જ ન રહેવા દેય. મને સો આપ, મને પાંચસો આપ, મને બસો રૂપિયા આપ, આયા ફલાણું થાય છે, આયા ફલાણું થાય છે ને એટલું થાય છે, આંયા મગન થાય છે ને આંયા જગન થાય છે ને આંય ગગન થાય છે. આમાં નાખ ને એમાં નાખ ને ઓમાં નાખ ને ફલાણે ઠેકાણે મારે આપવા છે. ત્યાં ક્યાં ખોટ છે ? તે ઇ કહેનારને જ ખોટ પડી. આને ક્યાં ખોટ છે ?

આ તો વિશ્વંભર છે, પણ વિશ્વંભરની હારે હેત રાખવું હોય તો ઇ હેત રખાવવા માટે વિશ્વંભર એની પોતાની કળામાં રમતા હોય છે. કોઇ ન જાણે રમાપતિની રીત, રમાપતિની રીત જગત આંધળું ભીંત. અને રમાપતિ છે ઇ તો ખેલી ખેલીને વયા જાય છે, કેટલાય કામો કરીને હાલતા થઇ જાય છે, એને યમનો દૂત આડો નથી આવતો. આવી રીતે ભગવાનની સમજણ રાખવી, ભજવા, માળા ફેરવવી, સુખ-દુઃખ સહન કરવા, જગતમાં માણસો ભેગું રહેવાય એમ નિરાંતે રહેવું, કલેશ ન કરવા, પ્રભુના ગ્રંથ વાંચવા, મહિમા ગાવો અને જૂની જૂની ભગવાનની ભક્તાણીઓ થઇ છે એના જેવું આત્મનિવેદીપણું શીખી જવું. કેટલી કેટલી ભક્તાણીઓ થઇ ગઇ અને કેટલી પરમેશ્વરના લોકમાં ગઇ અને લક્ષ્મી અને રાધાજીની પડખામાં બેસી અને ભગવાનની સેવા કરે છે એમ સેવા કરવી. માલપુવા ઉડાવવા, પુરણપોળી ખાવી, ચુરમાના લાડું બચક બચક ચમકાવવા, દૂધપાકના સબળકા લેવા, શાક-રોટલી ખાવી, પ્રભુએ આપ્યું હોય ઇ પ્રમાણે રહેવું, કપડાંલતા પહેરવા પણ ભગવાનનું હેત ઇ તો રૂકમણી જેવું રાખવું. બધાયથી વધારે એટલે આપણે ખાટી ગયા તો ભગવાન ઘેરે જ બેઠા છે પછી બોલાવવા નહીં પડે.