પૂજ્યવર્ગની મર્યાદા પાળવી - પાખંડ ધર્મ પાળવો નહીં
સ્વામિનારાયણ ભગવાન કહે છે, શિવનું મંદિર દેખાયું, કોઇ દેવતાઓનું મંદિર દેખાયું, કોઇ માતાજીનું મંદિર દેખાયું, નરનારાયણ ભગવાન કે બીજા કોઇ અવતારોના મંદિર દેખો અથવા પડખેથી ચાલ્યા જતાં હોય તો તે મંદિરને નમસ્કાર કરવા. વૃદ્ધ મનુષ્યો કે કોઇ મોટા પ્રતિષ્ઠીત લોકો કે સાધુ-સંતો પડખેથી નીકળે તો તેને માર્ગ દેવો અને તેને નમસ્કાર કરવા. પોતાનું જમણું પડખું તેના તરફ રહે એમ ચાલવું, ઇ જમણું પડખું તેના તરફ રહે, એટલે આપણું ડાબું પડખું બહાર રહે. જે તરફ જમણું પડખું રહે તેનું નામ પ્રદક્ષિણા. દક્ષિણ એટલે જમણું, તેને પૂરેપૂરી રીતે પાર પાડવું માટે પ્રદક્ષિણમ્. આમ તેમને પ્રદક્ષિણા કરવી, તેમને નમસ્કાર કરવા, તે દેવના દર્શન આદરથી કરવા, દેવો આપણને દેખે છે. આપણે તેમને દંડવત્ કરીએ, નમસ્કાર કરીએ, તેમના સ્વરૂપને સારી રીતે ચિંતવીએ, ત્યારે દેવ અંદર બેઠેલા ખુશી થાય છે કે આ મનુષ્ય મારે માટે મને અઢળક રીતે સમર્પણ થઇ ગયો છે. આ રીતે દેવને નમસ્કાર કરવા માટે શાસ્ત્રો લખે છે, સ્વામિનારાયણ ભગવાન કહે, આપણાથી મોટા હોય તે દેવ સ્વરૂપમાં છે, માટે માવતર, ગુરુ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, આચાર્યના પ્રતિષ્ઠિત, રાજ્યના પ્રતિષ્ઠિત, ધર્મના પ્રતિષ્ઠિત તે દેવ કોટીમાં છે. દેવતાઓમાં ભૂદેવ. પૃથ્વીના દેવતાઓ તે બ્રાહ્મણો ગણાયા છે. આકાશના દેવ સૂર્ય, ચંદ્ર વગેરે. સ્વર્ગના દેવ ઇન્દ્ર, વરુણ વગેરે. એથી ઊંચા લોકના દેવ ઋષિઓ, મહર્ષિઓ, પિત્રીઓ વગેરે. એથી ઊંચી કોટિના દેવ પછી અવતારો, ઇશ્વરો વગેરે. તેની સ્થાપના જ્યાં હોય ત્યાં દર્શન જરૂર કરવું. તપસ્વી બ્રાહ્મણને દેખો કે તુરત જ નમસ્કાર કરવો. ગુરુદેવને દેખવા ત્યારે નમસ્કાર કરવો, વશિષ્ઠ ઋષિ લખે છે, સંન્યાસી સાધુ-સંત આવતા હોય તો નમસ્કાર કરવો. સતી-સાધ્વી કોઇ ચમત્કારી ઇશ્વરની ભક્તાણી નારી હોય તો મર્યાદા પ્રમાણે તેને પણ નમસ્કાર કરી લેવો. આમાં ઊંડું બીજ શું છે ? નમસ્કારને યોગ્યને જો નમસ્કાર ન થાય અને તેની યોગ્યતામાં તેને કદાચ સમજણમાં અઘટિતપણું આવી જાય કે સામો મળે છે, મને ઓળખે છે, જાણે છે, પણ એક જરાક નમન નથી કરતો કે જયકાર નથી બોલતો તો તેને દેવના અપમાનનું પાતક લાગે છે. એ દેવની હેલના. હેલના એટલે દેવની કદર એમની કદર આપણે ન કરી ન રાખી, ઇ બેકદર થયા. ત્યારે એવી બેકદરો દોષિત હોય છે.
બીજી સ્મૃતિમાં એમ લખ્યું અતિથિ, સંત, ગુરુદેવ, આચાર્યદેવ, સાસુ, સસરો, માતા, પિતા અને તેવા વ્રજ કોટિના બ્રાહ્મણો વગેરે ઘેર આવે, ફળીએ આવે, રસ્તામાં કે ગામમાં કે વાડીએ આવે, આશ્રમમાં આવે ત્યારે ઊભું થવું, નમસ્કાર કરવો અને મીઠી વાણીથી કહેવું, આવો આવો પધારો. વાહ તમારા દર્શન વડે હું ખુશ થાઉં છું. મારી ભૂમિ પવિત્ર થઇ. આજે મારા પાવનપણા બધા પૂર્ણ થયા, તમે આવ્યા તે મારું ભાગ્ય વધ્યું, ભલે આવ્યા, ઠંડા પાણી લાવું છું, શરબત લાવું છું, કંઇક ફળફૂલ જમજો, થોડુંક મધુપંતો એટલે મીઠાસ મુખમાં નાખીને પાણી પીજો, આવી મધુર વાણી કહેવી. આસન આપું છું, બિરાજો. આપ તો દેવપુરુષ છો મારી ઘેરે આવ્યા, મારું મોટું ભાગ્ય, આવી મીઠી વાણી બોલવી. જો ન બોલે તો હેલના- અપમાન, ઇ અપમાન કરાયેલું થયું એને કરીને અપમાન કરનારાનું પુણ્ય ખેંચાઇ જાય છે. એ પુણ્ય ચાલ્યું ગયું, એને મેળવવા માટે, ન વયું જવા માટે મોટાને નમસ્કાર, દેવના મંદિરને નમસ્કાર વગેરે કરતું રહેવું.
જ્યારે ભગવાનની સ્તુતિ થાય છે, માણસ દુઃખિયો થઇ ગયો હોય છે, મારી રક્ષા કરજો, મારી રક્ષા કરજો એમ વારંવાર બોલતો હોય છે. કોઇ દેવનું અપમાન જેવું થઇ ગયું હોય તો હયગ્રીવ નામના ભગવાન મારી રક્ષા કરજો. હે શ્રીહરિ ભગવાન મારી ચારેકોરથી રક્ષા કરજો. એમ સવારના પહોરમાં કહેવું. તમે ગરુડ ઉપર બેસનારા છો, ધોળા હાથી ઉપર બેસનારા છો, ચાર દાંત વાળો હાથી. બ્રહ્મલોકમાંથી તેડવા આવે ત્યારે ચાર દાંતવાળો ધોળો હાથી તેના ઉપર ભગવાન બેસીને ક્યારેક પધારે છે. આપણે સિંહાસન કહીએ, પણ ભગવાનને ત્યાં તો બહું મોટું આસન છે, સિંહના નહોરિયા દેખાય માટે સિંહાસન. પ્રાણીનો રાજા છે, વનનો રાજા છે માટે સિંહાસન. પણ ભગવાનનું આસન એ તો ઇથી એય મોટું છે, ઊંચું છે, ગરુડાસન છે. પોતાના ધર્મ પાળવા. ધર્મમાં આળસ ના કરવી. કદાચ ઠીક પડી ગયું, પોષ મહિનો ટાઢ પડી. આપણે બારે મહિનાનો ધર્મ છે કે નાવું-ધોવું પ્રાતઃકાળમાં નાવું. ટાઢે પાણીએ નાવું, ગરમ પાણીએ નાવું, કાંઇ શાસ્ત્ર ના નથી પાડતું, પણ સ્નાન કરવું, આ નાવાનો ધર્મ ભગવાને આપ્યો. પણ કદાચ ભાઇબંધ એવા મળી ગયા હવે ટાઢમાં નાહીને શું કરવું ? રહેવા દે ને ? પરધર્મ - ન નાવું. એ વિપરીત ધર્મ પરધર્મ થયો. ન નાવાના પંથો ઘણા છે. મેલ ખાઇ ગયો, હાલો આ ઠીક થઇ ગયું. હાલો નહીં નાહીએ. એવો ધર્મ એ ભગવાન કહે છે, તમે આળસના માર્યા અંગીકાર કરી ન લેતા. નાવાનો ધર્મ રાખજો, પણ ન નાવાનો ન રાખતા. જેમાં થોડી ઘણી ધર્મની ખામી આવી જતી હોય, ખંડન થઇ જતાં હોય, એવા ધર્મને પાખંડ ધર્મ કહેવાય છે.
પાખંડમાં ઉપલો દેખાવ ધર્મનો, આંતરિક દેખાવ અધર્મનો. રાવણ ધર્મિષ્ઠ હતો પણ એણે ઉપલો સાધુનો વેશ લઇ સીતાજીને ઉપાડ્યા. ઉપલો દેખાવ સાધુનો પણ આંતરિક દેખાવ અપહરણનો. જેમાં ધર્મનું સ્વરૂપ કંઇક ખંડિત થઇ જતું હોય એવો પાખંડ ધર્મ તેમાં ખેંચાઇ ન જવું. મંત્ર શીખવનારો મંત્ર શીખવાડે કે આટલો મંત્ર શીખી લે. દોરાને સાત ગાંઠ્યું વાળજે. સાત પ્રકારના દોરા રાખજે. કોક મળે તો દોરા ઉપર ફૂંકી અને એના ઉપર દાણા ફેંકજે કે દોરો નાખજે એટલે દુઃખી થાતો થાય. એનું પવન પોતે ઇ મંત્રની વચ્ચે હથેવાળો થાય એટલે પ્રાણવાયું માથાને ધુણાવે. એના જઠરની અંદર જે વાયુ અપાન પાન ઉપાન બેઠેલા છે એ એને તકલીફ આપે છે એટલે અંદર પ્રવેશ થયેલો મંત્ર રૂપી દેવતા તેની અસર એને થવા લાગે. આ અસર થવા લાગે એ પાખંડમાં ગણાયેલ છે. બીજી હકિકત એવી છે કે, સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત છીએ, એમના આપેલા મંત્રને ગ્રહણ કરીએ છીએ, કોઇ શ્રીકૃષ્ણના આશ્રિત, કોઇ રામચંદ્રજીના આશ્રિત, કોઇ સૂર્યના આશ્રિત તેના તેના ગુરુઓ પાસેથી મળેલા મંત્ર તે શાસ્ત્રીય રીતીથી યથાર્થ છે. નારદપંચરાત્ર શાસ્ત્ર એના ઉપરથી નારદજીએ મહાપુરાણ લખેલું છે. નારદીય મહાપુરાણમાં અઢીસો ત્રણસો શ્લોકના મંત્રો છે. એ મંત્રો એક અક્ષર, બે, ચાર, છ, આઠ, દસ, સો, હજાર સુધીના મંત્રો છે અને તેમાં શબ્દ બોલીએ તેની અંદર જેનું સ્મરણ આવે એનું નામ આવા દેવી-દેવતા, પંચભૂતની માલિકોર રહેલા બ્રહ્મ દેવતા છે, તેમાંથી એક શક્તિ પેદા થાય છે ને તે મંત્રની સાથે જોઇન્ટ થઇ જાય છે, તે ભેગી ભળે છે. એ મંત્રનો ઉચ્ચાર કરો અને મંત્ર દાણા ઉપર નાખો અને દાણા જેના પર નાખો તે દાણામાં અક્ષરોની સાથે હેળમેળ કરી ગયેલી દેવી-દેવતા કે દાણા ઉપર પડી ગયેલી તે આગલા ઉપર પડે.
એવી જ રીતે ભગવાનના નામનો મંત્ર ગ્રહણ કર્યો અને પછી કંઇક લાલચને લઇને કે ભગવાનનો ભક્ત તો છું પણ તેની સાથે હવે બીજુંય મારે કંઇક સાધવું છે તો સાધના આપો ને ! એવી રીતે સમજીને બીજી સાધના કરવા માંડે. ભગવાનનો તો ભક્ત છે પણ ભૈરવનાથની સાધના કરવા માંડે. દેખાવ રાખે ભગવાનના નામની જપમાળા અને માલિકોર મંત્રની માળા બીજી હોય, તો એ પુરુષોત્તમ નારાયણનો આશ્રિત ખંડિત થઇ ગયો. એમાં પા ભાગ ખંડિત થયો. પાખંડ, એ મંત્ર પાખંડમાં ચાલ્યો ગયો. ભલે ભગવાનના નામનો મંત્ર જપે. બે સદ્ગૃહસ્થો એકની ચડતી કળા થઇ ત્યારે બીજાને એમ થયું આની ચડતીકળાને પાડું. કઇ રીતે પાડું ? ત્યાં નાળિયેર પ્રગટ કરનારા, ગોળા પ્રગટ કરનારા એવા ભટ્ટ બ્રાહ્મણ મળે કે ભઇ મારે આટલું કામ છે, આવડા આને પાડવો છે. આયાં માલિકોરની ભાવના નઠારી થઇ ગયેલી. અરધે ભાગે ખંડિત થઇ ગયેલી, તે ભગવાનનો આશ્રિત હતો એ બીજાનો આશ્રિત થયો. એટલે આમ તે ખંડિત થયો, એના ધર્મમાં પાખંડપણું આવ્યું, બીજાને દુઃખી કરવા માટે તેણે જાપ જુદી રીતનો આદર્યો. બીજી ઉપાસના કરી અને બીજા ઉપર અભિચાર ચાલુ કરી દીધો, આવી રીતે એક પુરુષોત્તમ નારાયણના ધર્મમાં બીજો ધર્મ ભેગો ભળી જાય, એને ખંડિત ધર્મ, પાખંડ ધર્મ, એટલે છેતરવાનો ધર્મ, છળકપટનો ધર્મ, આવા ધર્મને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે, રખે કોઇ દિ પાળશો નહીં. આમ ભગવાનને આ ઉપદેશ આપ્યો છે.
વળી શ્રીહરિ કહે છે, વેદ વિરુદ્ધનો ધર્મ એ પાખંડ. વેદ વૈદિક શાસ્ત્ર એમણે કહેલો ધર્મ. દેવની ઉપાસના કરો, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ભજો. પોતાની મુક્તિ થાય તેવા સાધન સાધો. મુક્તિને વાસ્તે યાગ, યજ્ઞ કરો અને દેવતાઓને તૃપ્ત કરો અને તેમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિને ભોજન જમાડીને આરતી કરીને રાજી કરો અને તમારું પુણ્ય મેળવો. આ વૈદિક ધર્મ ચાલ્યો આવે છે. વેદે બતાવેલો ધર્મ છે. વેદે એવી હકિકતો લખી તમારું કલ્યાણ થાય. ઘરબારનું કલ્યાણ થાય. અનુષ્ઠાતાનું કલ્યાણ થાય, યજમાનનું કલ્યાણ થાય એવા ધર્મો છે. માટે વૈદિક ધર્મ તેનું અનુષ્ઠાન કરજો. પણ વૈદિક ધર્મનું પતન જેમાં કરે એવે માર્ગે ન ચડી જશો. ભગવાન સ્વામિનારાયણે આપણને મંત્ર આપ્યો, માળા આપી, જપ આપ્યા, મંદિર આપ્યા, દેવ આપ્યા, શિક્ષાપત્રી આપી, શાસ્ત્રો આપ્યા, પાળવાનું આપ્યું. બધી વસ્તુઓ સારી સારી આપી. સંત પુરુષો તમને દર્શન આપી બ્રહ્મલોકમાં લઇ જાય ત્યાં સુધીની સાક્ષી રાખી, તથા તેમાં જો ભગવાનની દીક્ષા મેલી દે, ભગવાન સ્વામિનારાયણનો માર્ગ મેલી દે, ભગવાન સ્વામિનારાયણનું કેટલુંક બાનુ એને ચાલુ રાખે અને કલ્પિત વસ્તુઓને પ્રચાર કરવા માંડે તો સ્વામિનારાયણ ભગવાનનો પરમ ધર્મ છે તેમાં પા ભાગે ખંડિત, અર્ધ ભાગે ખંડિત, આ ખંડિત ચર્ચા હાલતી ગઇ તેને પાખંડ શબ્દથી જણાવેલ છે.
એક લુગરિયાનો ગ્રંથ છે. લુગરિયાનો. કાકાનો ગ્રંથ. મેં વાંચ્યો છે, આપણા કાઠિયાવાડ દેશમાં કાકાનો પંથ છે. આપણે વૈદિક શબ્દથી લખીએ ‘ગાયત્રી’ ત્યારે એમાં લખ્યું છે ‘ગાવંત્રી’. આપણે લખીએ ‘ભૂર્ભુસ્વઃ’. ભૂઃ એટલે પરમેશ્વર પુરુષોત્તમ નારાયણ., ભુવઃ એટલે એનું અક્ષરધામ અને સ્વઃ એટલે તેની સૃષ્ટિ. પદ્મપુરાણમાં આ અક્ષર વ્યાસ ભગવાને લખેલા છે ગાયત્રીના. ત્યારે ઓલી પોતાની ગાવંત્રી અને એ કાકા સાહેબે રચેલી એટલે ભાષા, ઉપાસના તો ઠીક, શ્રદ્ધા પણ ઠીક, બધું સારું વાનું. પણ અપભ્રંશમાં ચાલ્યું ગયું. એવા ઘણાં ધર્મો છે જેના મંત્રો પણ કાંઇથી કાઢેલા હોય છે અને એમાં શ્રદ્ધા હોય પછી લોક અને પરમેશ્વર શ્રદ્ધા પ્રમાણે ફળ તો આપે છે. પણ વેદને પૂછીએ તો વેદ કહે, આ માયામાંથી કલ્પિત થયેલા છે. માટે એવા કલ્પિતને અનુસરશો તો તમારા જીવના મોક્ષમાં ખામી ઊભી રહેશે. માટે એવા પાખંડને ગ્રહણ કરશો નહીં.
ભગવાનની ભક્તિ જેના સંગ વડે કરીને મેલી દેવાય, ન પાળી શકાય. એવો ભાઇબંધ ન કરવો, ભાઇબંધ એવો કરવો કે ભક્તિમાં વૃદ્ધિ કરાવે અને બોલવાથી એવો સમય આવે કે પરમિટના ચોખા મળે, પરમિટના ઘઉં, ગોળ, ઘી, ખાંડ પરમિટથી મળે. ભાઇ, એમને પરમિટ આપો. ત્યારે અમે સાધુઓ તો પાંચ કે દસ મંદિરમાં જ્યાં નાના મંદિરમાં રહેતા હોઇએ એ દસના તો નામ લખાવીએ, પણ અમારા મંદિરમાં આટલી મૂર્તિઓ છે તેના નામ સાથે રાખો એટલે પાંચ છ મૂર્તિઓના નામ લખાવીએ. એકવાર મારે પ્રસંગ બન્યો, લખાવવા ગયો. મને કહે મહારાજ આ તમે જમો એ દેવને જમાડીને જમો તમારા દસ નામ છે એમાં આ ચાર જણા તો આવી ગયા, મંદિરના દેવ. માટે એના નામ જુદા ન લખાવવા જોઇએ કે આટલી મૂર્તિઓને પણ પરમિટ કાઢી દો. એમણે હકિકત ઠીક કહી. એની ગતિ પ્રમાણે કહી. પણ આપણી ગતિની રીત જેને જાણવામાં ન આવી. આપણી ગતિની રીત શું છે ? દરરોજ ભગવાનની મૂર્તિની પાસે મહેમાનો આવે છે. બે ચાર, છ, આઠ, દસ મહેમાન તો આવતા જ હોય, એ મહેમાનને પ્રસાદી આપવી જોઇએ ત્યારે ચાર મૂર્તિને માટે જો વધારે પરમિટ હોય તો તે વધારાની ચીજો ભગવાનને ધરેલી તે મહેમાનને થાળ પાણી ધરાવનારને, સેવા પૂજા કરાવનારને, જમાડવા માટે એટલો વધારો ઉપયોગી થાય છે. આ આપણી ગતિ છે ઇ એને ખબર ન હોય. ચાર મૂર્તિઓનો વધારો હોય, પાંચ મૂર્તિઓનો વધારો હોય તો તે વસ્તુઓ આવેલા મહેમાનને રાજી કરનારી થાય છે. મને પરમિટના સાહેબ કહે કે, ભગવાન તો જમતા જ નથી તમે લઇને હાલ્યા છો. મેં કહ્યું ત્યારે પ્રભુ જમે તો છે પણ તમારે માટે હવે જિંદગીમાં જમનારા નથી, તમે ઇ લઇને હાલ્યા છો, અને ખીજાણા. મહારાજ એમ કેમ કહો છો ? મેં કહ્યું તમે તમારી માનીનતા અને મેં માનીનતા. આ તો સ્વતંત્ર વાદ છે. અમારી માનીનતા પ્રમાણે પરમેશ્વર જમે છે અને તેના ભક્તને આપવું પડે છે. માટે પરમિટ જોઇએ. ત્યારે તમે કહો છો, ભગવાન જમતા નથી. રાંધેલું તમારું છે, તમારી પરમિટમાં ખાઇ લે છે. તમે ખાઇ લો તો શું વાંધો ? પણ મેં કહ્યું, આ તો એના ભક્તજનો આવે છે એને માટે આ ઠાકોરજીના થાળ વપરાય છે, અમે રોજ જમીને પચકાવી જઇએ તો દેવ મંદિરમાં અતિથિઓ આવે એનું શું કરવું ? એની પરમિટ તો મારે ત્યાં હોય, ક્યારે કઢાવવા આવવી ? તો કે ના ના ઇ કાંઇ હું માનતો નથી. હું વાડાને માનતો નથી. તે દિ’થી મને વાડો હાથ આવ્યો કે આ વાડાને ય ગણે છે.
ઠીક છે ઇ તો દુનિયા જેમ ચાલતી હોય એમ ચાલ્યા કરે, પણ વાડા વિના આ અત્યારે જોઇ લો મહેરામણ ઉખડ્યો છે ઇ વાડા વિના ક્યાંથી ઉખડે ? પરમેશ્વરની ભક્તિ કરનારા વાડા છે. પ્રજા ભલે ભક્તિ કરે છે. રાજ કાયદા ભક્તિ કરાવે છે. બધાનું ભલું કરાવે છે. રાજ કાયદાથી દારૂબંધી નથી થતી અને આ ભગવાનના ભક્તો દારૂબંધીનું હાથમાં પાણી આપે એટલે કોઇ દિ’ જિંદગી જાય તોય ઇ માણસ ન પીએ. આ વાડા કામ કરાવે છે. આ જો સરકાર તરફથી છૂટછાટ ચાલુ થઇ જાય, તો હવે કામ કોની પાસેથી કરાવીએ. દીક્ષા વડે કરીને ચારેય કોર આખા દેશમાં કામ કરી દઇએ. દારૂ, માટી, ચોરી, અવેરી. ભઇ, સરકારની મનાઇ છે કોઇ કરશો નહીં. આ રીતે કરી શકાય. માટે શાસ્ત્રો લખે છે. અંદરખાને જુદા પડીને મોટા મોટા બંડ નીકળ્યા કરે છે. એ બંડમાં કંઇક પાખંડ તો હોય જ છે, પાખંડ ન કરે તો પાછળ માણસ ન દોડે. આ જરા વાજા વાળા વાજા વગાડે છે એમાંય પણ એક મોરલો રાખ્યો છે, ઊંચો નીચો થયા કરે, હવે આ સાચો મોરલો છે કે ખોટો મોરલો છે, માલિકોરનો માણસ હોઇ ય મોરલો. દેખાવ મોરનો અંદર માણસ બીજો. માટે પાખંડ ધર્મ ઘણી ઘણી જાતના છે. એમાંથી સાવચેત રહેવું. તો પાખંડ પાળતો હોય ત્યારે તો એમ કહે કે સાળું મારા ધર્મનું ખંડન થયું. પણ એમ નથી. એ પાખંડના સ્વરૂપનું નિરૂપણ થાય કે આને પાખંડ કહેવાય. પછી તો કયો ધર્મ ? પણ એને અધર્મ, જે અધર્મ હોય એણે ધર્મના રૂપમાં ગણી કાઢ્યો માટે એ પાખંડ છે. માટે ભગવાનની ભક્તિ કરવામાં કોઇ પાખંડ આડું આવે એને પડ્યું મેલવું. જેને ગુરુમાં ભક્તિ છે, જેને દેવમાં ભક્તિ છે, જેને માળામાં-જપ કરવામાં, ભગવાનના નામમાં ભક્તિ છે, જેને વિષ્ણુની મૂર્તિઓમાં ભક્તિ છે, જેને પરમાત્મા તરીકે પૂરતી ભક્તિ છે. એ કહેશે કે નારાયણનું નામ લો તો, બે ચાર નામ લઇ લેવા પણ ભક્તિ વિનાનો માણસ એમ કહે છે કે સવારના પહોરમાં શું ખોટે ખોટું આદરે છે ? તો એ ખોટે ખોટું આદરવું એમ કહીને આપણી ભક્તિ ન થવા દે તો તેને શાસ્ત્ર કહે છે કે, તેની ભક્તિનું ખંડન કરનારાનું વચન ગ્રહણ ન કરવું, એના મુખની વાણી ન સાંભળવી.