પરાવાણી

પરમધામના દિવ્ય સુખનું વર્ણન - અનાદિ મુક્તો દ્વારા પરમધામમાં પ્રભુની સેવાનું વર્ણન

આ ભગવાન અને આ સંત પૂર્વેમાં તો કોઇને મળ્યા નો’તા, આ જમાનામાં મળી ગયા. બધા મંગળ, સારાવાના, ઉત્તમ ભાગ્ય અને પુણ્યના સમુદાય સેવા કરનારને મળી ગયા. ભગવાન બ્રહ્મલોકમાં હોય, એ મુક્તજનો સેવા કરે, રાજી કરે, આનંદ લ્યે, અનંતગણા સુખ ભોગવે. ભગવાને એવું રાખ્યું છે કે, મુક્તોને મરજી થાય એ પ્રમાણે ભગવાન તેના મનોરથ પૂરવા, તેની ધારણા પ્રમાણે તેવા સ્વરૂપવાળા થઇ એને તેને ભોગ આનંદ બધું આપે. એમને જેટલા પ્રકારના મૂર્તિમાંથી સુખ લેવા જોઇએ એ બધાં સુખ લ્યે.

સુખ સુખના સાગર, આનંદઘન ભગવાન છે, આનંદ મૂર્તિ છે, એમની આખી મૂર્તિ તેજ ભરેલી છે, વિર્ય ભરેલી છે, શક્તિ ભરેલી છે, જ્ઞાન ભરેલી છે, બળ ભરેલી છે, ઐશ્વર્યો ભરેલી છે, અખૂટ ઐશ્વર્ય છે. એક જ રીતે ભગવાન કાયમને માટે પૂર્ણ મનોરથ પૂરે છે, સેવા કરનાર ભક્તજનોને તૃપ્તિ થઇ જાય, ઓડકાર આવી જાય, આનંદમાં ગરકાવ થઇ જાય, સુખી થઇ જાય, એને એમ થાય કે હવે ભગવાન બસ. એટલે ભગવાન પરિપૂર્ણ સુખ સાગર, સુખના સમુદ્રો ભક્તમાં ઠાલવી અને પોતે વિરામ લ્યે છે, બ્રહ્મલોકમાં આવી રીતે છુટ મેલી છે.

બ્રહ્મલોકમાં સખા થાય, ગુરુ થાય, શિષ્ય થાય, ચેલી થાય, ચેલા થાય, રાધા થાય, કુમારી થાય, કુમાર થાય, મુક્ત થાય, મુક્તાણી થાય, અવતાર થાય, અવતારિણી થાય, ઇશ્વરો થાય, ઇશ્વરાણી થાય. તન વડે, મન વડે, ધન વડે, મૂર્તિ વડે, ઐશ્વર્ય વડે, અંગો વડે, બધી રીતે ભગવાનને સેવી સેવી અને મુક્તજનો તૃપ્ત રહે છે, તેને ભૂખ-તરસ લાગતા નથી, ભગવાનની મૂર્તિની સેવાના ભૂખ અને તરસ છે, એ ભૂખ પૂરી થાય છે અને તૃષા છીપી જાય છે. આવા સુખના સાગર, આનંદના સમુદ્રો ઉછળે એ રીતે મુક્તને ભગવાન રાજી કરતાં જ હોય છે એટલે એવા ધામને વિશે જાવાની આખી સૃષ્ટિઓને મરજી થાય છે કે અખંડ સુખમાં રહીએ, અખંડ આનંદ લઇએ, ભગવાનની પ્રસાદીના મીઠા મીઠા સ્વાદ, અનંત પ્રકારના પકવાનો જમીએ, અનંત પ્રકારના શરબતો પીઇએ, અનંત પ્રકારના જળ પીઇએ, અનંત પ્રકારના ફળ-ફૂલ વગેરે ખાઇએ, અનંત પ્રકારના ભગવાનના સ્પર્શ કરીએ, ભગવાનને બથો ભરી ભરી અને મળીએ, ભગવાનને નવરાવીએ, ભગવાનને રાજી કરીએ, ભગવાનના અંગે અંગના ધ્યાન કરીએ, એમ ભગવાનની સાથે એક મેક થઇ અને ત્યાનાં મુક્તો હળીમળીને રહે છે.

અનંત મુક્તો છે, ભગવાન અનંત મૂર્તિઓ ધારણ કરે છે, જે મુક્ત જેવો, જેવડો, જેવી ભાવનાવાળો છે, તેવા ભગવાન તેની જેવા થાય ને તેની હારે રસ-બસ થઇ અને એક મેક થઇ જાય છે. આવા બ્રહ્મલોકના સુખ છે. તેને ઉપનિષદો ગાય છે, શાસ્ત્રો ગાય છે, વૈષ્ણવ સંપ્રદાયો કહે છે, નારાયણના ભક્તો, વિષ્ણુના ભક્તો, વાસુદેવના ભક્તો, કૃષ્ણના ભક્તો, રામના ભક્તો, લક્ષ્મણના ભક્તો, વામન-પરશુરામ વિગેરેના ભક્તજનો પણ એમ જ કહે છે કે, તમારી મૂર્તિના સુખ મળો. જ્યારે જ્યારે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થયા છે ત્યારે ત્યારે એ એ અવતારોને જોઇ જોઇને એમાં મોહિત થયેલા એવા ભક્તજનો, ભક્તાણીઓ આ ભગવાનનો સ્પર્શ ક્યારે થાય ? આ ભગવાનનું સુખ ક્યારે મળે ? ત્યારે ભગવાને કહ્યું, કે હું કોક વખતે તેમને આ બધા સુખ આપીશ, ભક્તિ કરો, ફળ ઉદય થશે ત્યારે બધા સુખ આપીશ, નહીંતર બ્રહ્મલોકમાં તો મારા સુખ પડ્યા જ છે, છે જ. અઢળક ઢળેલા છે, ત્યાં તમને ના પાડવાની જ નથી. તમારે માટે બંગલાઓ તૈયાર છે, સુખ-શયન તૈયાર છે, ખાવા-પીવા રહેવાના બંગલા ખુલ્લા જ છે. તમને કોઇ રોકે નહીં અને ભગવાનને ખરીદી લ્યો તોય તમને કોઇ ના પાડે નહીં. આવા બ્રહ્મલોકના સુખે સુખિયા કર્યા છે અને એ જ મુકતો, ત્યાંના સુખ ભોગવનારા તે ભગવાન જ્યાં જાય છે સૃષ્ટિમાં, ત્યાં એની ભેગા થોડાક મુક્તો લઇ લ્યે છે, જેટલા પોતાને જોઇએ અને એટલા જ ભક્તોને વધારે સુખ આપે છે. બાકીના ભક્તો એના સમાગમ વડે કરીને સુખ લીધા કરે છે અને ભક્તજનોને પોતાની મૂર્તિના સુખ આપ્યા કરે છે.

શક્તિ અને સામર્થ્ય, તેજ, બળ, રૂપાળાપણું, સુગંધપણું, આનંદપણું, ચંચળપણું, ખૂબ મજબૂતી, ખૂબ કમાવ, ખૂબ ખૂબ અતિશય પ્રેમના પ્રવાહો. ઇ આ લોકમાં ભગવાન હોય ત્યારે પણ જેવો ભક્ત હોય એ પ્રમાણે તેને આપે જ છે. કારણ કે ભગવાનને પોતાને કાંઇ પણ રાખવાનું કે પોતાની પાસે ખૂટી જાય છે માટે રાખી લઉં એમ હોતું નથી, અખૂટ છે એને દેવાનું જ હોય છે અને આપે જ છે, સંઘરતા નથી. થોડુંક લઇ લેતા નથી, રાખી લેતા નથી કે હવે થોડુંક લેને એક ભક્ત સારું, થોડુંક બીજા ભક્ત સારું અને થોડુંક ત્રીજા ભક્ત સારું. એમ બધાને વેચી દેતા નથી. એ તો જેવો ભક્ત, જેવું જમનારો, જેવો સ્વાદ લેનારો, એ પ્રમાણે એને પૂરેપૂરો સ્વાદ આપી દે છે. ભગવાનની મૂર્તિમાં સ્વાદ ખૂટતો જ નથી. અમરફળ છે એ કોઇ દહાડે ઓછું થાતું નથી. અમૃતફળ છે, એમાં કોઇ દિવસ મીઠાશ ઓછી થતી નથી, એમ ભગવાનની મૂર્તિમાં મીઠાશ ઓછી થતી નથી. ભગવાનના આનંદમાં ભળેલી આખી દુનિયા છે, એના આનંદ વડે સુખી છે તોય ભગવાનમાં આનંદ ખૂટતો નથી.

આ લોકમાં મનુષ્યોના આનંદ કરતા રાજાઓના આનંદ સો ગણા છે, એના કરતાં દેવતાઓના આનંદ હજારો ગણા છે. તે લાંબો કાળ સુધી ભોગવે છે. એના કરતાં ઋષિ મુનિઓના અને પિતૃઓના આનંદો વળી અનંત ગણા છે. એના કરતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વૈરાટ, ઇશ્વરો એના આનંદ તો કરોડો વર્ષ સુધી રસ બસ લીધે જ રાખે. તોય આપ્યે જ રાખે તોય પણ અખૂટ છે, અખૂટ બળ છે, અખૂટ શક્તિ છે, અખંડ આકર્ષણ છે, અખંડ ચમત્કાર છે. એ અખંડ જે સુખ એ જ સાચું સુખ અને એ જ આકર્ષણ, એ જ તૃપ્તિ અને એ જ પરમાત્માની મૂર્તિ વિશે પ્રીતિ અને એ જ વૃત્તિ એ મૂર્તિમાં ગરકાવ થયેલો કાયમ રહે છે માટે આ સૃષ્ટિમાં આવેલા એવા ભગવાન તે પોતાના ભક્તજનોને એની તૃપ્તિ મુજબ સુખ આપે છે અને તેને અક્ષરધામનો વતની બનાવે છે, અને ત્યાં પોતાના અનંત મુક્તોની સખા-સખીઓ તરીકે, પોતાના દાસ-દાસી તરીકે, પોતે પોતાને ત્યાં વસાવે છે અને તેને અનંત સૃષ્ટિઓ વઇ જાય તો’ય પણ તેને ત્યાં તો અંત આવતો જ નથી. એવા સુખના, ધામના બંગલા છે, બગીચાઓ છે, ભોજનની ચીજો છે, રસ લેવાની ચીજો છે, સુગંધની ચીજો છે, એના ચમત્કારની ચીજો છે, એના અનંત ઐશ્વર્યોની ચીજો છે, આકાર માર્ગે ઊડી જાવ, અનંત થઇ જાવ, મોટા થઇ જાવ, ઝીણા થઇ જાવ, શરીરે મૂર્તિમાં વયા જાવ, બેઠાં બેઠાં લાખો ગાઉ ઉપર ભગવાનની મૂર્તિને હાથમાં લઇને પોતાની છાતીમાં ભીડો, કામના પૂરી કરો, પોતે વશ થાવ અને ભગવાને વશ રાખો, આવી રીતે ત્યાંના ઐશ્વર્યો પણ અહીંયા જ છે અને અહિંયા પણ એ જ રીતે ભક્તોને આપે છે, ભક્તોની જેટલી પાત્રતા હોય તે પ્રમાણે ભગવાન તે ભક્તને ભરપૂર કરી દે છે, એને છલકવા દેતા નથી, અને જો છલકી જાય તો વળી ભક્ત પાછો આઘો વયો જાય કે હવે તો મારે પૂરું થઇ ગયું, હવે મારે ભગવાનની જરૂર નથી માટે જરૂરવાળો રહે એમ ભક્તજનને રાખે છે ને થોડું થોડું ઓછું આપે, બહુ ખાઇ લ્યે, બહુ પી લ્યે, બહુ તૃપ્ત થઇ જાય તો અણગમો આવી જાય, એ ન આવે એટલા માટે અધૂરું અને અધૂરું રાખે છે.

ભગવાન પોતાના મુખની ઉપર ઉજળાઇ, સુગંધ, રૂપ, આકર્ષણ એ બધું એવું રાખે છે કે જે ભક્તના મુખને કંઇ નડતર ન થાય. નહિતર ઠૂંઠા વાગે, એટલા વાસ્તે જ પંદર ને સોળ વરસની મૂર્તિ કે ક્યાંય ઠૂંઠા ઉગવા જ દેતા નથી. સોનેરી, કોમળ, બહુ સારા, બહુ ઝીણા વાળ, શોભાદાર રેખાઓ, સોનાની રેખાઓ, સોનાની મૂછું ઝીણી ઝીણી, માલિકોરથી મણીઓના ચમકારા દેખે ત્યાં થરેરાટી થઇ જાય કે, ક્યારે ચોંટી જાઉં ? આટલું બધું માલિકોરથી તીવ્રપણું ઉપજે છે. તે ભગવાનની મૂર્તિને ઘડીકે’ય છોડી, મેલી અને દૂર જઇ શકતો નથી. આવું આકર્ષણ ચુંબક ભગવાનમાં રહેલું છે, ઇ પૃથ્વીમાં આવે તોય ભેગું હોય છે, જેટલો ભક્ત એટલું ચુંબક, જેવો ભક્ત એટલી ધીરતા-ગંભીરતા, એટલી ઉત્કૃષ્ટતતા, એટલી ઉદારતા એ બધા ભગવાન ભેગા ગુણ છે તે ભક્તને માટે જ છે અને જો ભક્ત રમત રમાડે ભગવાનને અને ભગવાનને છેતરવા સારું જ માંડ્યો હોય તો ભગવાન જે છેતરીને નાખે’ને આઘો. જાય ઓલી કોર હજારો ગાવ, પછી મળે જ નહીં, પછી સો વાર હડકા કરે તોય શું ? જાણી લીધું આ તો સાળો છેતરપિંડો છે, જવા દે. એવા છેતરપિંડા કેટલાંય હોય છે, મજા’ય લેતા જાય અને છેતરપિંડીય કરતાં જાય. બીજાની સેવામાં ગળકાય જાય. ભગવાનને એવા બહુ ઘટે પણ આનું રૂંવાડું ક્યાં ઓછું થાય એવું છે ? માટે એવા છે એ છેટા થઇ જાય, પડી જાય ને મરી જાય.

સાચાં ભક્તો છે ઇ તો ભગવાનના ચિન્હો, ભગવાનના વેશ- આભૂષણો, ભગવાનના સુગંધો એને ધારણ કરનારા થાય છે. તન વડે, મન વડે સેવી લ્યે, ધન વડે સ્વભાવ વડે, પ્રકૃતિ વડે, શાંતિ વડે, આનંદ વડે ભગવાનને સેવે છે. કાંઇ સેવવામાં એકલું ચીભડું, કેળું ને કાકડીને કામ આવે એવું થોડું છે ? બધું’ય કામ આવે, ભક્ત જે આપે તે ભગવાન લ્યે અને ગ્રહણ કરીને પાછી પ્રસાદી આપે એમ રાજી કરે છે. માટે ભગવાને આ ભૂમિમાં રાખેલા પોતાના એકાંતિક, નિર્વિકલ્પ સ્થિતિવાળાઓ સાચું સુખ લ્યે છે, પાસે હોય તો’ય સાચું સુખ અને દૂર હોય તો’ય સાચું સુખ. પાસે હોય તો મૂર્તિને બથે સુખ, દૂર હોય તો મૂર્તિના દર્શને સુખ અને દિવ્ય મૂર્તિએ કરીને સુખ પણ સુખિયા જ છે એને દુઃખ કોઇ દિ’ નથી. શાસ્ત્રો લખે છે, બહુ મોટો ભક્ત હોય તો વિયોગથી કાઇક મનમાં એમ થાય કે, આપણને જેમ આપણે છીએ એમ ભગવાન આપણી હારે બોલતા, ચાલતા, ખાતા, પીતા કાયમ રહે તો સારું. તો દ્વારિકામાં શ્રીકૃષ્ણે ઇ રીતે રાખ્યું’તું. કોઇના બંગલામાં ન રેય એમ નહીં. એમ ભગવાને સ્વયં રાખ્યું જ છે. અનેક બ્રહ્માંડોમાં અનેક ઠેકાણે મૂર્તિઓ છે પણ હવે બધાયને ઘેરે ભગવાનની મૂર્તિ જ રાખે તો હવે ઇવડા ઇ બારણામાંથી બહાર નીકળે જ નહીં. ઇ કાંઇ એનો વાવવાને લણવાને જાય નહીં ને, કાંઇ ખવાનું ભેગું રાંધે નહીં ને કરે નહીં ને પછી બાચકા ભરે તમારી મૂર્તિમાંથી ખાય લઉં, મારે કાંઇ રાંધવું નથી ને મારે કાંઇ કરવું નથી. હવે એના સગા-સંબંધીઓ ઇવડા ઇ ય ભૂખ્યા રહે, છોકરાને છાબડા ન રાંધે તો શું કરે ? એને બધાને થોડું મૂર્તિમાંથી બાચકા મળે છે ? એટલે એ સૌને રીત પ્રમાણે રાખે, રીત પ્રમાણે આનંદ દે, રીત પ્રમાણે ભક્તિ કરાવે, રીત પ્રમાણે સેવે અને રીત પ્રમાણે આઘા’ય રહે. આઘા શું કામ રહે ? તો કે વધારે હેત થાય, વધારે આકર્ષણ થાય, વધારે સેવા કરે, પાંચ દિ’ આઘા હોય તો છઠ્ઠે દિ મળે ને તે દિ’ ત્રણ ગણું લઇ જાય. એ આ લોકની રીત છે. બહુ દૂર જાય કોક દિ’ આવે તો મહિનો મહિનો લ્યે. એમ બધું સુખ ભોગવે છે, આનંદ નીકળવા ન દે, એમ સુખ વધે છે, ભક્તોને. દૂર નો અર્થ ઇ છે સુખ વધારવાના, દૂર નો અર્થ ઇ નથી કે ભક્ત ગણીને પછી દુઃખી કરવાના, કંઇ ફેરા ફરવાનો ઇ અર્થ નથી કે પછી જ્યાં ત્યાં રખડાવીને પછી ઉદ્વેગના ડુંગરામાં નાખી દેવા.

એમ પોતાના ઇષ્ટદેવ એવા સ્વામિનાથ ભગવાન એને જે જે વર્યા છે, જે જે શરણે થયા છે, શરણાગતિ લીધી છે તે મંડળ, એ બધાં ય ને ભગવાન કંઇ નાખી દેતા નથી. પણ ભગવાનને એમ થાય કે આને આ રીતે સુખ થાવ, આ રીતે સુખ થાવ, આ રીતે સુખ થાવ. ઇ રીતે એના ક્ષેમ અને યોગ ઇ બધે ઠેકાણે પૂરા કરાવે છે અને ક્ષેમ અને યોગ કરીને ભક્તજનો છે ઇ કાયમ સેવક થાય છે, સેવા કરે છે અને મોક્ષમાં જાય છે. મોક્ષમાં મૂળ સાધન તો ભગવાનની પ્રીતિ, ભગવાનની કૃપા, બાકી તો અહીંના બધા ઉચાળા છે, જ્યાં રહ્યાં ત્યાં ઉછાળા, ઉચાળા અને જેમ અધવારું કરે એવું અધવારું કરવા આવ્યા છે બધાય. મેલ પડ્યું ગામડું, મેલ પડ્યું ખેતર, મેલ પડ્યું કુળ-કુટુંબ, મેલ પડ્યો દરવાજો. એમ પડ્યું મેલી અને ભગવાનના ધામમાં જવું ઇ મોટો મુદ્દો છે, ઇ મુદ્દો નર-નારીઓએ હાથ રાખવો તો ભગવાન ભેગું રહેવાય અને ભગવાન પાસે જવાય.