પરાવાણી ૩૪

જૂનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પટેલીયાઓની દેખભાળ - ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સૌરાષ્ટ્રના પટેલીયાઓને સત્સંગ

વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના ગામડાંઓના મોટેરા ગૃહસ્થો બધા વૈષ્ણવની તપેલી ઉપર આવેલા ત્યારે તેમને સન્માન નહીં મળેલું, ત્યારે એ લોકોની સાથે સ્વામિનારાયણના હરિભક્તો હતા તેમણે કહ્યું કે, ચાલો જૂનાગઢ સ્વામિનારાયણના મંદિરે. ત્યાં તમને વાળું કરાવીએ, ભોજન કરાવીએ, ઉતારા આપીએ. ત્યાં સગવડતા છે. અહીંનો ઠોર વેચાતો લઇને ખાવામાં આપણે ઠોર થઇ જઇશું. પછી ગુણાતીતાનંદ સ્વામીની પાસે સાંજે ત્રણસો પટેલીયાઓ કાઠિયાવાડના મોટેરા મોટેરા હતા એ ત્યાંથી અહિંયા આવ્યા. એ વખતે આપણા બાપ-દાદાઓ પણ એની ભેગા હતા. તે ગુણાતીતાનંદ સ્વામીને આવીને પગે લાગ્યા કે, મહારાજ અમારે આશરો જોઇએ છે. સ્વામી કહે કે, મોટો આશરો આપીએ, બોલો શું કામ છે ? તો કહે, વાળું કરવાનું છે. ઈ સ્વામીએ તુરંત ખીચડી મેલાવી, રોટલા ઘડાવ્યા, તે વખતે તાજી છાશ કરાવી અને રાત્રિએ બધાને વાળું કરાવ્યું અને રાત્રિએ પુરુષોત્તમ નારાયણની, સ્વામિનારાયણ ભગવાનની અવતારીપણાની વાર્તા ગુણાતીતાનંદ સ્વામીએ કહી. ત્યારે પટેલીયાઓને એમ થયું કે, ઓહોહો આવા સાધુ છે અહિંયા ? આવું મંદિર છે ? આવું ભજન કરવાનું સ્થાન છે ? આંહિ તો શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકાધીશ બેઠાં છે તો પછી આપણે એના છીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું છે એ વાતને અંગીકાર કેમ ન કરીએ ? માટે ત્રણસો પટેલીયાઓમાં જે નથી કંઠીવાળા તે ઠરાવ કરો કે સ્વામીના હાથની કંઠી બાંધીએ. પછી સવારે નાહીને જ્યારે શણગાર આરતી થઇ ત્યારપછી બધા સભામાં બેઠા.

ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, કેમ પટેલીયાઓ તમારે શું જોઇએ છે ? તો કે મહારાજ, આજથી તમને માથું સોંપીએ છીએ અને કંઠીનો થોકડો મંગાવો અને અમને બધાને પહેરાવી દો. આ રીતે ત્રણસો પટેલીયાઓને ગુણાતીતાનંદ સ્વામીએ કાઠિયાવાડના ગામડાંના મોટેરાઓને કંઠી બાંધી અને એમાં આપણા બાપ દાદાઓ ભેગા હતા એ સૌએ કંઠી બાંધી અને મોટા આશ્રિત સ્વામિનારાયણ ભગવાનના ગામડે ગામડે થયા અને તેમણે આ સત્સંગ પ્રવર્તાવ્યો છે અને તે સત્સંગના પ્રવર્તક એવા સ્વામી અને સ્વામીના શિષ્યો એ પણ પ્રભુ જેવા ભક્તો હતા ને એ ભગવાન જેવા સાધુઓ જેમણે આ સત્સંગને વિકાસ આપ્યો, સમર્થ હતા, ઐશ્વર્યશાળી હતા, વાક્સિદ્ધીવાળા હતા. અનેકના કલ્યાણ કર્યા અને તેની વંશ પરંપરામાં આપણે બેઠા છીએ, આજ એમના સ્મરણ કરવા માટે, સ્મરણ તો કાયમ છે પણ એમને ભક્તિ દેખાડવા માટે, એમનો રાજીપો લેવા માટે ઉત્સવ કરીએ છીએ.