પરાવાણી ૫૧

જનકરાજાના વિદેહીપણાની કથા - પંચઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાનું અને ભોજનમાં પવિત્રતાનું મહત્વ

ગંગાજીને કાંઠે એક ઋષિ રહેતા. ત્યાં વિદેહી જનકરાજાનો દીકરો ઘોડે બેસીને ઋષિના આશ્રમમાં ગયો. સાંજ પડી ગઇ. ઋષિ બ્રાહ્મણની ઝુંપડીમાં રોકાણા. ઋષિ કહે, કોણ છો ભાઇ ? ઘોડે અસવાર છો ? તો કે વિદેહીનો દીકરો છું. રાજાનો કુમાર છું પણ સાંજ પડી ને મારે અહીં રોકાવું છે. ઋષિ કહે, ભલે રોકાવ. આગલા જમાનામાં એમ કહે છે, એકલા ઘોડેસવાર થઇને રાજાઓ પણ નીકળતા. ગોંડલ બાપુ કોક’દિ નીકળતા. અધરાતે નીકળે એકલા ઘોડે વેશ બદલીને. ઓલાને એમ થયું કે, હું આ ઋષિના આશ્રમમાં આવ્યો તો મારી પાસે ચીજ છે, તે ઋષિને આપું. તો ખાવાની ચીજો આપી. ઋષિએ ગ્રહણ કરી. ઋષિ પાસે તો કંઇક ફળફૂલ પાકેલાં હતા. ઇ ઓલા કુમારને આપ્યા ને એનેય મીઠા લાગ્યા. ઝાઝે દિવસે કોઇ રસકસ સારા મળે તો જીભને ઠીક લાગે વાહ. કંઇ ન હોય અને ચોમાસાનું મીઠું નાનું એવું ચીભડું મીઠાશવાળું માલુમ પડે તો માળું બહું સારું છે, ભલે નાની ચીજ રહી પણ એમાં વાસ્તવિક રસિયાને રસપણાની પ્રીતિ થાય છે. ઋષિઓના ફળ વિદેહીને છોકરે ખાધે. અને વિદેહીના છોકરાની થેલીના પેંડા વગેરે જે કંઇ ખાવાનું ભેગું હશે એ ઋષિએ ખાધું. ભોજનમાં કેટલો ભાગ પોતાના દુર્ગુણને ભજવે છે, તે ઉપર આ કથા લખાયેલી છે. ઋષિને એમ થયું કે, માળું રાજમાં રેવા જેવું છે રોજ દાળ-ભાત ને લાડું ને મેસૂબ એ ઉડાવવા. ઓલા છોકરાના પણ વિચાર બદલી ગયા. ઋષિએ ફળ ખવાડ્યા, પાણી પાયું, છોકરાને એમ થઇ ગયું આપણે તો ઋષિ થાવું છે. હવે રાજમાં જાવું જ નથી ત્યાં તો પાપ જ દોડે છે. સવારે સાંજે ને બપોરે જ્યાં જુઓ ત્યાં. આંખની આગળ પાપ, કાનની આગળ પાપ, જોવામાં પાપ, અડવામાં પાપ, બોલવામાં પાપ, જ્યાં જુઓ ત્યાં નકરી પલટનો જ ફરતી હોય. ઓહોહો ! કુમારને કંઇ થઇ ગયું. કુમાર ભૂખ્યા થઇ ગયા, કુમારનું માથું ઓળવું છે ને કુમારને નવારવા છે ને કુમારને આસન પાથરી દો ને કુમાર કુમાર ને કુમાર. ઇ કહે આ લોકો મને તો પરમેશ્વર ભજવા જ દેતા નથી. હવે આ પલટનમાંથી નીકળું તો સારું. તે રાજમાં પલટનું ઘૂસી તો ગઇ હોય ત્યાં ઇનો નિર્વાહ થાય. છોકરાની વૃત્તિ એવી સુંદર મજાની થઇ ગઇ. તે કહે, ઋષિરાજ મારે અહિંયા રોકાવું છે. ઋષિ કહે, પણ જનક રાજા મને ક્યાંક દંડ આપશે તો ? કુંવર કહે, નહીં આપે.

શાસ્ત્રો લખે છે કે, જ્યારે વૈરાગ્ય થાય ત્યારે તમે બ્રહ્મલોકમાં જરૂર જવાને અધિકારી થયા છો માટે ત્યાગાશ્રમ ગ્રહણ કરજો. એને માટે શાસ્ત્ર રજા આપે છે. સુખ દુઃખ વગેરે કુળ કુટુંબને તોડવા, બગાડવા, મેલી દેવા એની ત્યાં ગણતરી નથી કરતાં, ઉદ્ધારવા વાસ્તે શાસ્ત્ર છે, ડૂબાડવા માટે નથી. માટે ઉદ્ધાર કરાવે છે. ઋષિ છોકરાને કહે છે, તમે ઝુંપડીએ બિરાજો. અહીં રોકાવ, હું જરાક રાજમાં જઇ આવું. આંહિ ઋષિ ઉપડ્યા, સવાર થયું. સવારના પહોરમાં વિદેહીપણાનો વિચાર હતો. દરવાજા ખોલ્યા, દરવાજો ખોલનારો છે, એ રામ રામ રામ કરતો કરતો ખોલે. ત્યાં આ ઋષિ દેખાણા. નામ તો આપણે ઋષિ લખીએ છીએ પણ તે વખતે નાયા ધોયા વિનાનો અમંગળો બ્રાહ્મણ ઓલો દરવાની પગે લાગ્યો, આવો, આવો. પણ કહે હું નાયો નથી, ધોયો નથી, ટીલું નથી કે કાંઇ નથી, જંગલી માણસ છું. તે તારે ત્યાં આવ્યો છું, તને કાંઇ નથી થતું ? ખીજ નથી ચડતી ? તને અમંગળ ન થયું ? તો ઓલો દરવાણી કેય છે, જીવ છે ઇ દેહનો નથી. જીવ પરમેશ્વરનો છે, હુંય પરમેશ્વરનો છું, તમેય પરમેશ્વરના છો, દરવાજો પરમેશ્વરનો છે, આપણે પરમેશ્વરની ભક્તિ કરનારા છીએ. એકબીજાની સામું જોઇને એ વળી તું અમંગળ ને હું અમંગળ ને ઇ આ તમે બ્રહ્મદેવ થઇને શું વિચાર કરો છો ? ઓલા ઋષિને થયું માળો દરવાણી છે દરવાજો ઉઘાડે છે. ઇયે અડધો તો વિદેહી છે. થોડોક કોંટો આવ્યો માંલિકોર કે આ ભૂમિ સારી છે. બે મિનિટ ઊભો રહ્યો, બેઠો. ત્યાં ટાણું થયે ઇ સાવરણાવાળો આવ્યો, ઇ વાળવા માંડ્યો. ઋષિ કહે, માર્ગની શાસ્ત્રમાં લખી છે કે સાવરણી સાવરણો વળાતો હોય ત્યારે સાવરણીમાં જંતુ ઝીણા ઝીણા ચેપાય જાય છે. તણીમાં કપાઇ જાય છે. ધૂળમાં દબાઇ જાય છે, મરી જાય છે તે આ તને કાંઇ દયા નથી આવતી ? આમ સાવરણો વળાતો હશે ? ઓલો વાળનારો કહે છે, ઋષિરાજ તમે આકાશમાં રહો છો કે પૃથ્વીમાં ? તો કહે રહું છું તો પૃથ્વીમાં. ક્યે ઠેકાણે ? તો કહે ગંગાના કાંઠે. તો ત્યાં આસન બાસન રાખો છો કે નહીં ? તો કહે રાખું છું. તો કે ધૂળ ને પાંદડાને કાંઇ બધું આવે કાદવને પાણીને ઢોળો એવું બધું થાય ત્યાં ક્યારેક વાળતા હશો ને ? તો કહે, હા વાળુંય છું. એમાં જીવજંતુ મરે છે કે નથી મરતા ? તો કહે, હું મરવા તો નથી દેતો પણ કોક મરી જાય તો મારું ધ્યાન નથી રહેતું. અરે ઋષિરાજ એમ તો હુંય જાણું છું, હું પણ આમાં મરવા નથી દેતો પણ આ દેહ મારો નથી. તમારો દેહ તમારો નથી, આ સાવરણો મારો નથી, ફળિયું મારું નથી, ઝુંપડી તમારી નથી, આસન તમારું નથી, હુંય તમારો નથી ને તમેય મારા નથી. નકામા શું કામ આપણે કોકના સારું બાઝીએ છીએ ? તમે પરમેશ્વરનું નામ લ્યો. રામ રામ કરો. હું ય રામ રામ કરુ, અને જે કામે આયા હોય એ કરો. આમાં દેહની શું કામ પંચાત અને સાવરણાની શું કામ પંચાત કરો છો ? ઋષિ તો વધારે ગમ ખાઇ ગયા કે માળો આ તો પોણો વિદેહી છે. વિદેહીનો સાવરણો વાળનારો ય વિદેહી.

ઋષિ આગળ ગયા ત્યાં ઘોડાનો નોકર, ઘોડશાળની સેવા કરવા આવ્યો. ઋષિ ઊભા રહ્યા ને કહ્યું કે, માળું અશ્વ બહુ સારા છે હો. કોઇ શ્યામ વર્ણના, કોઇ કાબરા વર્ણના, કોઇ શ્વેત વર્ણના જુદા જુદા. ઓલો વાંસે હાથ અડાડે ત્યાં અશ્વ બધા વાંસો લાંબો કરીને હણહણાટી કરે, રાજી રાજી થઇ જાય, ઓલો ભગવાનના નામ લેતો લેતો બધાની હેર ફેર કરે, પાણી પાય, ખાવાના બિયા દેય, ઘોડા હણહણાટી કરતાં કરતાં આનંદમાં દેખાય. ઋષિ કહે કે, તું કેટલા વર્ષથી નોકર છો ? આ તને ઓળખતા લાગે છે બધાય. તો કહે હું લાંબા વખતનો નોકર છું, મને ઓળખી જાય છે, બીજો જાય તો આટલા ખુશી નથી થતાં. તો કહે, આટલા વર્ષમાં ઘોડા મર્યા તો હશે ને ? તો કહે, ઘણાય મરી ગયા. પણ પશુ છે એને તું રાજી કર. એમાં તે શું વળવાનું છે, શું મળવાનું છે ? તને રાજા પગાર આપે ઇ જ મળવાનો છે તો આટલી બધી શું કામ મહેનત કરે છે ? રોજ વાળવાની ને ચોળવાની. એને ખાવા આપવાની ને ઇનો વાંસો સાફ કરીને એને આમ હાથ અડાડીને એને મળવાની, ઇ આમ સળેળાટી કરે એના ચામડાને એવી રીતે ખુશી થઇ જાય. ડાબલા ડબક ડબક ડબક પૃથ્વીમાં મેલવા માંડે, આવકાર આપે, અને મોઢું એની સામું ઉછાળવા માંડે, તે આટલું બધું શું કામ કરે છે ? ઘણાય મરી ગયા હશે ને ? ઓલો કે ઠીક ઋષિરાજ, મને રાજા પગાર આપે છે અને હું ઘોડાની સેવા કરું છું, સવારના પહોરમાં કોઇની હારે બોલતો નથી. રામનું નામ લઉં છું, અશ્વોને નામ સંભળાવું છું અને સેવાચાકરી કરું છું. હું જાણું છું કે આની અંદર પરમાત્મા છે, મારામાં છે તે આમાં છે, માટે આ તમે દખલ કરવા શા માટે આવ્યા ? આજ મારું સવાર બગડી ગયું. તો કહે, હું બ્રાહ્મણ આવ્યો ને તારું સવાર બગડી ગયું ? તો કહે, હા મારું સવાર બગડી ગયું. તો કહે બ્રાહ્મણને થઇને તમે મને પરમેશ્વરનું નામ સંભળાવ્યું ? ઇ વાત કરો. તમે તો ઘોડાની આદરી. નોકરી કરે છે ને, આ શું કરે છે ને, તે શું કરે છે ને ?

એટલે ઋષિ કહે, આજ રાજકુમાર મારે ત્યાં સાંજે ઝુંપડીએ આવ્યો. અશ્વ ઉપર બેઠો તો મારી ઝુંપડીમાં એક સાવજ પાણી પીવા માટે પડખે આવ્યો, એને તડાપ મારી તો રાજકુમારને મારી નાખ્યો. ઘોડાને મારી નાખ્યો. હવે હું જાંપું, ઝુંપડી ખુલ્લી મેલીને અહિયાં ખબર દેવા આવ્યો છું. આ ઋષિએ કલ્પના કરી. તંઇ ઓલા ઘોડાના રક્ષકે કહ્યું કે, કેટલાય અશ્વ મરી ગયા, તમારા જેવા ઇ ઝુંપડીમાં. અને ગંગાજીનું પાણી આવે છે તે હજારો જીવ મરી જાય છે ને વયા જાય છે. જો રામ રામ નામ લીધું તો તર્યો. પરમેશ્વરનું નામ લીધું તો તર્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો નામ લેતો લેતો કે સાંભળતો સાંભળતો પ્રાણ તજે તો એને જીવસૃષ્ટિ, ઇશ્વરની સૃષ્ટિ અને બ્રહ્મલોકની મુક્તોની સૃષ્ટિ, ત્રણેય જણા એને બે હાથ જોડીને મળવા સામા આવે છે, અને પગે લાગીને ભગવાનના ધામમાં પહોંચાડે છે. આનું નામ મોટો અર્ચીમાર્ગ. માટે કેટલાય મરી ગયા એનો હું અફસોસ કરતો નથી. બ્રહ્મલોકમાં કેટલાય વયા ગયા. મારે હાથે અશ્વો મેં મોકલી દીધા પણ ઋષિ તમે રામ નામ સવારમાં લેતા નથી. તો કે હું લઉં છું. પણ જો લેતા હો તો સવારના પહોરમાં તમને કેમ ઇ જીભમાં નો ચડ્યો ? માટે તમને અભ્યાસ નથી. છોકરાને વઢવાનો અભ્યાસ હોય પણ ભગવાનના નામ લેવાનો ન હોય, શેઠિયો દુકાને જાય તો ઓલો મોડો આવેલો નોકર હોય. કેમ પાંચ મિનિટ મોડો આવ્યો ? એમ કરીને હવામાં હાથ ફેરવીને ધક્કો મારે, આ વેદના ઉત્પન્ન કરે. પણ ઇ ભગવાનનું નામ લ્યે તો ? ભલે મોડો આવ્યો, ભગવાનનું નામ લે ઠાકોરજી પાસે દીવો કર. પછી વાળ ચોળ પછી કામકાજ કર. ગ્રાહક ઊભા હોય તો એનેય કહી દે ભાઇ બે મિનિટ પણ હવે ભગવાનનું નામ લ્યો, પછી તમને આપીએ છીએ. આ ઘોડાના રક્ષકે કહી દીધું કે કેટલાય મરી ગયા અને માર્યા જાય છે જો ભગવાનનું ભજન ન કર્યુ, સવારમાં ભગવાનનું નામ ન લીધું. તો શું કર્યુ ? ઋષિને એમ થઇ ગયું કે, માળો આ તો ઘોડાનો પાલારો ઇ એય વિદેહી. વિદેહીનો નોકરેય વિદેહી. ખરી વાત છે.

પછી ઋષિને થયું કે, તંયે હવે સંકેલો કરીને આગળ જાઉં કે રાજાને કે રાણીને કહું, ત્યાં તો રાણી પગથીએથી નીચે ઉતરતા હતા ત્યાં તો ઋષિ ધબાક ધબાક પડી ગયો અને માંડ્યો હાથ પછાડવા અરે રે બહું ભૂંડી થઇ આજ તે મરી ગયો, મરી ગયો. પણ રાણી કહે, શું તને થયું આવતાવેંત ? અરે પણ શું કરું ? રાજાનો કુમાર એક નો એક ઘોડે બેસીને મારી ઝુંપડીએ સાંજે આવ્યો ત્યાં રાત રોકાણો ત્યાં સાવજ પાણી પીવા આવ્યો. પડખે નેસડામાં પાણી પીતા પહેલા સાવજે તરાપ મારી ઘોડા ઉપર ને ઘોડાને મારી નાખ્યો અને છોકરો પડખે હતો એનેય મારી નાખ્યો, મેં કહ્યું હાય રે સાવજ એલ્યા એને શું કામ મારે છે ? હું તો ઝુંપડીમાં બેસી ગયો, સાવજ એને લઇને ચાલ્યો ગયો, ખાઇને વયો ગયો, બહું ભૂંડું થયું. અરે રાજકુમાર મારી નાખ્યો, રાજ મારી નાખ્યો, બહું ભૂંડું થયું. રાણી કહે પણ કુમાર મારો કે તારો ? નકામી ધડાપીટ શું કામ કરે છે એટલી બધી અહીં રાજ દરબારમાં આવીને ? અરે કુમારો તો ક્યારેક જન્મે છે ને ક્યારેક મરી જાય છે ઇ તો સંસારની રીત છે, જન્મવું ને મરવું. સાચું મરણ તો પરમેશ્વરની ભક્તિ છે કે જેથી ફરીવાર જન્મવું ન પડે. માટે તમારી ઝુંપડીમાં મર્યો ને તમે ઇશ્વરનું નામ લીધું કે ન લીધું ? તો કે હા. મેં રામ નામ લઇને એના મોઢામાં પાણી નાખ્યું તો કહે તંયે એની સદ્ગતિ થઇ ગઇ. હવે નકામો તરફડ કરમા. મારું આંહિ આ ફળિયું સારું છે, ચોખ્ખું છે, તારા પગમાં વાગશે ખાડા પડી જશે. નકામું બગડશે અને તને છોલાશે તો લોહી નીકળશે. અટાણે અમંગળ થાશે. ઋષિ તો માળો ગમ ખાઇ ગયો કે, રાણીની આંખમાં આંસુ આવ્યું નહીં, અફસોસ થયો નહીં. નહિંતર ઇ અડધેથી હેઠી પડત કે અરે બાપ રે મારો કુંવર મરી ગયો.

ઋષિને થયું આ રાણી પણ વિદેહી તો ખરી. ઋષિ કહે, કે તંઇ હવે મને રાજા પાસે જાવા દેશો ? તો કહે જાવને અમે રોકતા નથી. ગયા તો રાજા તો સૂતેલા હતા અને માંડ્યો રાયડું નાખવા. અરે જનક રાજા તમારી નગરી મરી ગઇ, રાજ મરી ગયું, સર્વસ્વ વયું ગયું, સ્વર્ગ તૂટી ગયું, ખજાનો વેરાન થઇ ગયો, આ બધી સંપત્તિ કાળી થઇ ગઇ, અરે રે એમ કહીને ધડાક દઇને પડ્યો ભફ દઇને. રાજા કહે, અરે રે મારા બંગલામાં કોઇ દિ’ આવું નહીં ને આ શું થયું ? ત્યાં જુએ ત્યાં તો ઋષિરાજ જનોળવાળા મજાનાં. વિચારતા ડચકા ખાય કે હમણાં આનો કાળ નીકળી જશે. પરસેવો આવી ગયો, બરાબર ભજવતા આવડ્યું કે રાજાએ ઊભા થઇ, ઋષિને બાથમાં ભીડીને ભીડી રાખ્યા અને હાથ ધ્રુજે એવા ધ્રુજે, એવા ધ્રુજે, સાવજની સામું જેમ બકરું આવ્યું હોય પાસે એમ ધ્રૂજવા માંડે, સરેરાટી. રાજા કહે, ભાઇ આટલું બધું શું તમને થઇ ગયું ? અરેરે મારા બંગલામાં આવીને આ શું થઇ ગયું ? અરે પણ કે’વાય એવું નથી. હું માંડ જીવતો રહ્યો, માંડ આયા આવ્યો છું, અરે શું કહું મારી દાઢી નથી હલતી, નથી ગળું હલતું, નથી શબ્દ નીકળતો, મરી જાઉં, મરી જાઉં. હવે મારે મર્યા વિના છૂટકો નથી, બીજું મોઢુ શું દેખાડવું ? રાજા કહે, શું થયું તને ઇ તો બોલ. રાજાએ ભીડી રાખી પોતાના ગાદલાં ઉપર બેસાડ્યા, પાણી મંગાવ્યું, મોઢું ધોવરાવ્યું. ઋષિ કહે, હવે હું શું કહું ? અરર મારી વાચા બંધ થઇ ગઇ છે. હવે ઇ બીજું બધું હું બોલી શકીશ નહીં. રાજાએ પગ દાબ્યા, કેડ ડાબી, કંઇક ખાવાનું મંગાવ્યું, લો ખાવ. ઋષિ કહે, પણ કો તો ખરા તો કે શું કરું ? કુંવર ક્યાં ? રાજા કહે, એ તો અરણ્યમાં ફરવા ગયેલ છે, અશ્વને લઇને. ઋષિ કહે, તે મારી ઝુંપડીએ સાંજે આવ્યા, અશ્વને ઝુંપડી પાસે ઊભો રાખ્યો અને પોતે નીચે બેઠા. મેં પાણી પાયું, એને મને કંઇક આપ્યું અમે ખાધા પીધા. એવામાં સાવજ પાણી પીવા આવ્યો અને તડપ્યો ઘોડા ઉપર, આ છોકરો છે ઇ ઘોડુંની રક્ષા કરવા ગયો, ઘોડુનું પાછળથી એનું પેટ તોડી નાખ્યું અને છોકરાને ઝડપ મારી. ઘોડાને સાવજે મારી નાખ્યો, છોકરાને મારી નાખ્યો, મેં આંખ્યે દેખ્યું ને હું અહિંયા આવ્યો છું. રાજા કહે, ઓય ઓય તારા ને મારા જન્મ કેટલાય વયા ગયા. તમે ને હું કેટલી વાર મરી ગયા. તો કે કેટલાય છોકરા મરી ગયા. કેટલાય ઘોડા મરી ગયા, બધી દુનિયા મરી જાય એમાં મારે ને તમારે શું છે ? આપણે તો જીવાત્મા છીએ, ઇશ્વરના ભક્ત ને મુક્ત છીએ. ત્યારે ઋષિને નક્કી થયું કે હવે આ વિદેહી સાચા.

પછી તો ઋષિ જનક રાજાને સત્ય હકિકત કહેવા લાગ્યા કે, તમારા છોકરાએ મને કહ્યું હતું કે, હું વિદેહીનો દીકરો છું. એટલે હું આજ વિદેહીની પરીક્ષા કરવા આવ્યો હતો. પણ રાજા એ તારો છોકરો જીવતો છે, ઘોડો ય એમને એમ છે ને, મારી ઝુંપડીય એમની એમ છે. કોઇ મર્યુ ય નથી ને કોઇએ માર્યુ ય નથી. પણ જનક રાજા તારા આ વંશનો સાવરણો વાળનારો ય વિદેહી, આ હું આશ્ચર્ય પામું છું. પછી પોતે પોતાની વાત કહી કે, તમે આવા ઋષિમુનિઓ છો પણ છોકરાની જોલીમાંથી મેં બેક ઢેફલા ખાધા તો મને એમ થઇ ગયું કે માળું રાજ રજવાડામાં રહીએ તો આ બધી ખાવા પીવાની આપણી સ્થિતી બહુ સારી થાય. હવે ચાલોને ત્યાં રાજમાં જઇએ. ત્યાં મારું માનસ કેમ બદલી ગયું. વ્યાસ ભગવાન લખે છે કે જેવો ખોરાક, ભોજનમાં જેવી વાસના ચોંટી હોય જેની ને તેની કે આ સારું છે ને આ આવું છે ને તેવું છે. ઇ વાસના વાળી ચીજ જો ખાવા પીવામાં વાપરવા માંડ્યો તો એનું અંતઃકરણ ઇ ભોજન ઉપર જેની વાસના પડી છે ને પોતાની ય પડી છે, ઇ વાસના ભેગી જાય છે, એની અસર ખાનારાને થાય છે, માટે ખરાબ ચીજ ન ખાવી, ખરાબ ખાવાનું મેલી દેવું. ખરાબ ખાણું પીણું ન પીવું, આ હકીકત વ્યાસજીએ આખ્યાનોમાં સારી લખી. માટે બ્રહ્મલોકમાં જવાય એવું ખાજો, પીણું પીજો.

પરમેશ્વરની પ્રસાદીના જળ પરમેશ્વરને ધરીને પીજો, તેની મૂર્તિને અર્પણ કરી અને પીજો, એમને અર્પણ કરી અને શાકભાજી વગેરે ખાજો પીજો વાપરજો પણ પરમેશ્વરને સમર્પણ કર્યા વિનાનું કાંઇ પણ ગ્રહણ કરશો નહીં. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન આ રીતે શિક્ષણ આપે છે. માટે જેના ગ્રહણથી જ પાચક ન થાય તેવી ચીજને ત્યજી દેવી જોઇએ. મન બહુ ચોર છે, ચોરી કર્યા જ કરે, એને પાંપણો આપી તો પાંપણો બીજી જગ્યાએ માલિકોર ચોરી કરતું હોય, પાપણો ઉઘાડી રાખી તો ચોરી કરે, એને જ્યાં ત્યાં ચોરી કરવાનો સ્વભાવ છે. એટલે દર્શનોમાં ચોરી કર્યા જ કરે છે, જેને તેને દેખ્યા કરે. ત્યારે વ્યાસજીએ લખ્યું કે નેત્રની વૃત્તિ જો ક્યાંય ચોંટે નહીં અને કોઇના ઉપર આ વ્યક્તિ આમ છે કે તેમ છે એમ કરીને તેનું વિવેચન કરવા માટે સ્થિર ન રહે, પાછી વળી જાય તો તેને દિવ્ય ચક્ષુ, અચક્ષુ, નિષ્પાપ ચક્ષુ એવો પુરુષ લખ્યો છે. આંખ ચોરી ન કરે એટલા માટે સવારે ઉઠતાવેંત ઠાકોરજીની મૂર્તિ સામી રાખી હોય ઘરમાં, ભીંત ઉપર, સિંહાસનમાં વાસી મોઢે પણ ત્યાં આશ્રિતોએ દર્શન કરી લેવું એટલે નેત્ર પવિત્ર થઇ ગયું. મેં મારા પરમેશ્વરનું દર્શન કર્યુ હવે આંખ છે ઇ તો કામ કર્યા કરશે, એમ પોતે બોલી અને જીભ વડે કરીને “વાલા રમજમ કરતાં કાન મારે ઘેર આવો રે, પૂર્વના પુણ્ય પ્રગટ થયા જ્યારે સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે, નેણે મોહનવર નીરખ્યા જ્યારે પૂરણ કામ થયું મારું ત્યારે, ત્રિવિધિ તાપ બળ્યા મારા ત્યારે, ચંદન ચર્ચ્યુ છે ભાલે, હસતા સુંદર ખાડા પડે છે ગાલે” આ રીતે કિર્તનો બોલી ભગવાનની મૂર્તિનું ચિંતવન એ વખતે કરી લેવું. જેટલી બે કડી આવડે, ચાર આવડે, આખું આવડે, પણ ઊંઘમાંથી ઊભા થઇને દર્શન કરવા એટલી ઘડી જીભને ભગવાનનું નામ લેવડાવવા. કીર્તન ભક્તિ કરવી. આપણો શબ્દ આપણે સાંભળીએ, એટલે આપણો કાન પણ પાવન થાય.

કેશોદમાં લાલજીબાપા ઠક્કર એ હેમરાજભાઇના બાપ. અમને પંદર દિવસ એમને ઘેર રાખ્યા, પોતે ચાર વાગે ઉઠે, હજુ મને તો ઊંઘ હોય, ટેવ પડેલી ભણવાની મોડો સુવ અને એક ઊંઘે સવાર. ત્યાં સવારમાં બાપા ઉઠી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, એટલે ધીરે ધીરે મારા કાનમાં અવાજ આવે એટલે હું જાગ્યો. આ ભજન વડે કરીને ઊઠીને હું નાહી લઉં. મેં કીધું બાપા આ છોકરા છાબરા સૂતા હશે તે આ તમારા અવાજથી જાગે. તો કહે ઊંઘ તો જમપુરીમાં લઇ જાય એવી છે. અને કાનમાં અવાજ પડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ધીરો ધીરો અવાજ થતાં થતાં બે પાંચ મિનિટે કો’ક ખોંખારો કરતો હોય, કોક છોકરું રોતું હોય એટલે મને એમ થાય કે હવે જાગવા માંડ્યા, પછી હું વધારે ઉંચે સ્વરથી બોલીશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્યાં બધાય જાગશે કે હું આ રીતે ભજન કરું છું અને કરાવું છું. એ ભજન વડે નાયો, ભજન વડે તન પવિત્ર કર્યા, ભજન વડે આત્મા પવિત્ર કર્યા અને ભજન વડે પોતાનું કુટુંબ પવિત્ર કર્યુ. મેં આ નિયમ લીધો છે. એક કલાક ભજન કરી લઉં. ક્યારેક ન બોલું તો છોકરા છાબરા સવારમાં ઊઠીને મને કે બાપા તમે કેમ નથી બોલતા આજ ? તો પડખે બેસીને પરાણે બોલાવે.

આ રીતે શાસ્ત્ર કહે છે, તમે ભગવાનની ભક્તિ કરો, વખત તો વયો જાય છે, દિવસ કપાતા જાય છે, આવરદા ચાલી જાય છે, ઘરડું થાતું જવાય છે. ક્યારે આવીને ચોટલી પકડશે કાળ બાપો ? એની ભેગું ચાલ્યું જાવું પડશે. ઘરમાં કોઇ હાથ આડો નહીં દેય. પકડી રાખશે પણ એય જેને પકડી રાખે એણે આંહિ મેલી દેશે. માલિકોરથી ઉપાડી જશે. માટે મન ચોરી કરે જેવા તેવા સંકલ્પ કરે તેનું નામ ચોરી, કોઇને ન જોવાં જેવું ચિંતવે એનું નામ ચોરી. ભક્તજનોને તો ભગવાન બતાવે છે તમારું મન ચોખ્ખું રાખજો. ચોરીનું કામકાજ ન કરશો. બહારની ચોરી તો ઘણી છે. સૌ જોવે કે આ ખિસ્સાકાતરું શું કામ કરે છે ? ક્યાં શાહુકારીનું કામ કરે છે ? વિના કહે, વિના માંગ્યે, વિના મહેનતે આ હાથમાં આવ્યું. ઓલા પ્રેતની જેમ ઉપરથી થાળી આવતી’તી એમ. આ હાથમાં ટપક દઇને પડે ખીસ્સામાંથી તો લઇને હાલતો થઇ જાય. ચોરી તો ઠેકઠેકાણે રહી છે, પણ જ્યારે આડી આવશે ત્યાશે એનું કોઇ ઠેકાણું નથી, એટલા બધા યમકુંડો અને અહીંનું અહીં પૃથ્વી ઉપર પણ યમપુરીના દંડો તે એને માટે આપેલા છે, કહેલાય છે, લખેલાય છે. ચોરી કરનારાઓના આગળ રાજાઓ હાથ કાપી નાખતા, ખોટું બોલનારનું તેજ ચાલ્યું જતું, જીભ તો કપાઇ નહીં પણ છતાં ય લખે છે એના મોઢામાં સીસું રેડતા. દંડ તો બહુ જબરા હતા. દૈવી દંડ લખ્યા છે. માટે સુખી થાઉં હોય અને જીવાત્માનો મોક્ષ કરવો હોય તો અધર્મના કર્મો ક્યારેય ન કરવા.