પંચઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની રીત - ભગવાનનો પૂર્ણ લાભ લેવા માટે પતિવ્રતાની ભક્તિ કરવી
ભગવાન ભક્તોના મનના, બુદ્ધિના, જીવના ભાવને ખૂબ તારી- તારીને ઓળખે છે અને એની ભાવનાને અનુસારે નેત્રો વડે તેને જોઇને, તેના નેત્રોમાં વસીને, પોતાના દર્શન આપે છે. એવા નેત્રો દિવ્ય કરી દે છે કે, ભગવાનની મૂર્તિ દિવ્ય દેખાય અને દિવ્ય દર્શન વડે કરીને તેનો આત્મા પણ દિવ્ય થઇ જાય અને દિવ્ય ભાવના કાયમ વરતે. નેત્ર વડે આખું જગત દેખાય છે, તેમ ભગવાન દેખાય છે તે તો વિલક્ષણ સ્વરૂપે દેખાય છે, દિવ્ય સ્વરૂપે દેખાય છે, ભગવાનની દિવ્યતા અલૌકિક છે. અનંત સૂર્ય-ચંદ્રો તેની મૂર્તિના, રોમના તેજમાં સમાઇ જાય છે તેવી દિવ્ય મૂર્તિ ભગવાનની ધામમાં રહી થકી, ઘેર આવીને દર્શન દેનારી થાય છે. આવી મૂર્તિ મળવી મુશ્કેલ. જે ધામમાં ચરણમાં રહીને સેવા કરે છે, તે જ અહીંયા પૃથ્વી ઉપર ગામમાં, ઘરમાં, ખોરડામાં, ખેતર-વાડીએ, બંગલા-બગીચામાં ઇ જ ભગવાન સેવા અંગીકાર કરે છે. બગીચામાં જાય ત્યારે ફળફુલ ખાય, કેળાં ખાય, જામફળ ખાય, સારા સારા ફળ ગ્રહણ કરે, સારા સારા પત્ર, સારી સારી તુલસી, સારા સુગંધ પુષ્પના હાર ગ્રહણ કરે તે ગ્રહણ કરી અને ભગવાન સેવા અંગીકાર કરે છે. તે જ ભગવાન બગીચામાં હર્યા-ફર્યા, તે અક્ષરધામના બગીચામાં રહ્યા ઇ બગીચો અહીંયા ઊગી આવે છે, અહીંના બગીચામાં લહેરું કરે છે અને ભક્તોને ભેગા રાખે છે, બગીચામાં બંગલા બનાવે છે અને બગીચામાં ભગવાન ભક્તોને ઘરે રહે છે અને ભક્તને કહે છે કે આ મારું ઘર છે, તારું નથી, તારે તો મારી ભેગું રહેવાનું છે. તું તારે રોટલા પાણી ખાધા કર, લ્હેર કર્યા કર, મારો આનંદ લીધા કર, મારે સુખે સુખિયા થઇ જા. આમ ભક્તને સુખિયા કરે છે.
આંખ વડે ભગવાનને જોયા એટલે આંખ દિવ્ય થઇ ગઇ. પછી એ નેત્ર વડે આ જગતના જીવ માયા, ઇશ્વર કોઇ પણ સંપત્તિ સામું જુવે ત્યારે ભક્તને તો ઇ ભગવાનમય દેખાય છે. ભગવાન સિવાય કંઇ દેખાતું જ નથી. ભગવાનનો બંગલો તે જીવનો બંગલો, ભગવાનનો ખાટલો તે જીવનો, ઢોલિયોય એનો, ગોદડું ય એનું, ગાદલું ય એનું, મચ્છરદાનીય એની. ભગવાનની પટરાણીઓ છે ઇ બધીય એવા ભક્તોને આવકાર આપે છે. તમે ભગવાનના સેવક છો, ઓહોહો આવો આવો બેસો બેસો, થાળ જમો, ભગવાનની પ્રસાદી જમાડીએ, ભગવાનની સેવા કરાવીએ, એમ ભક્તોને બોલાવી બોલાવીને ભગવાનની સેવાઓ કરાવે છે. ભક્તાણિયું બધી એટલી બધી રાજી થઇ જાય છે. ખરો ભક્ત હોય તો રાજી થાય, ચિંટીયા ભરે એવો ભક્ત હોય તો છોકરાને મા છે એ હેત કરતી જાય પણ ઓરમાન મા છે એ ચિંટીયા ભરતી જાય. ને ઓલો રોતો જાય. હા બેટા રો માં, હા બેટા છાનો રહે પણ ઇ ઓરમાન મા, એમ આ ભગવાનને લાડ લડાવવા વાસ્તે આવે ઘણી, પણ ઇ ઓરમાન માયું બધીયું. પછી હેરાન કરે એવીયું. તો એના કરતાં માયા સારી. માયા છે ઇ ભગવાનની ભક્તિ કરવા દે છે, ઓલી તો ભક્તિ ન કરવા દે. માટે બેય જણાએ દીક્ષા લેવી, દીક્ષાનું એક એવું આવું કપડું પહેરવું, ભગવું પહેરવું, એને જોતાં જોતાં એમ કહેવું કે હું અડધો તો સાધુ થઇ ગયો છું, તો અડધી તું સાધ્વી થઇ જા. છોકરા અડધા સાધુ, ઇવડા ઇ ભગવાનની ભક્તિ કરે, ઇ છોકરાને જમાડો, મોટા કરો, જે કાંઇ આપો ઇ બધું તમારું છે, સંતને આપ્યું થકું પુણ્ય આપે છે એમ આ નાના નાના બચ્ચાં છે ને ઇ સંત છે તેને આપ્યું થકું પુણ્ય આપે છે. એને રાજી કરે છે, ઇ ભગવાન હારે હેતવાળા છે, માટે પ્રભુએ નેત્ર વડે પોતાનું બીજું સ્વરૂપ દેખાડ્યું, હૃદયમાં બેઠું, જીવમાં દેખાય અને ભક્તિ થાય.
ભગવાનની વાણી સાંભળે તો કાન સાંભળે, આંખ ન સાંભળે. એટલે કાન દિવ્ય બની ગયો. પછી ભગવાનને રમાડવા, રંગે રમાડવા, ઉત્સવ કરવા, ખેલ કરવા, આનંદ કરવા, બાગ-બગીચે ફરવા જાવા, એ બધું ય જે કાંઇ કીર્તન વંદન બધું થાય છે તે કાન સાંભળે છે અને જેવું સાંભળે છે એવા જ ભગવાનને સંભારે છે, એ ભગવાન રંગે રમ્યા, ગોપ-ગોપીઓના સમુદાયમાં રાસ રમ્યા, ગોલોક-વૈકુંઠમાં ફરવા નીકળ્યા, હજારો હાથી, ઘોડા, પાલખી, રથ, જય જય થતાં હોય ને બંદૂકું ફૂટતી હોય, ભક્તજન છે ઇ ઊંચા-ઊંચા ધજાગરા લઇ લઇને આગળ હાલતા હોય ને કીર્તન બોલતા હોય અને જય જયકાર કરતાં હોય ઇ બધું શબ્દ સંભળાય અને ઇ કાનમાં દિવ્ય થઇ જાય છે, પછી સૂતો સૂતો ઊંઘમાં પણ સાંભળે કે ભગવાનની જય જયકાર બોલાવી બધેય. આવી રીતે પ્રભુનું સ્મરણ કરનારના કાન દિવ્ય થઇ જાય છે. શબ્દ સાંભળનારાના કાન દિવ્ય થઇ જાય છે. જીવ દિવ્ય થઇ જાય છે, મુક્ત થઇ જાય છે, પ્રભુની ભક્તિ કરે છે. એમ ભગવાન જે ચીજ જમ્યા એ ચીજ છે તે દિવ્ય થઇ જાય છે, એની પ્રસાદી જે જમે તે આખાય દિવ્ય થઇ જાય છે, ગાયું, ભેંસુ કોઇ પણ પ્રસાદી જમે, કોઇ પણ પશુ-પક્ષી પ્રસાદી જમે એ બધાં દિવ્ય થઇ જાય છે, ભગવાનના ધામના અધિકારી થાય છે, પ્રભુની મૂર્તિના અધિકારી થાય છે, પ્રભુને સેવવાને માટે યોગ્ય થાય છે.
ભગવાને ઘણાં રૂપ ધારણ કર્યા, કોઇ સિંહનું રૂપ, કોઇ વરાહ ભગવાનનું રૂપ, માછલાંનું રૂપ, કચ્છનું રૂપ, હરિ સ્વરૂપે થયા, ચતુર્ભુજ રૂપ, હજારો ભુજ એવા રૂપ ધારણ કરે છે. ઇ રૂપ જેને ગમે ઇ મુક્ત થઇ જાય છે અને એવા રૂપની પૂજા કરે છે. બલીરાજાને એય આખું આકાશમાં જાતું જાય એવું મોટું રૂપ દેખાડ્યું તું. તો બલીએ દરવાજે માંગ્યા કે, આવા રૂપના દર્શન મને કાયમ હોજો, હું તમારી સેવા ચાકરી કરીશ, આવી રીતે ભગવાનને સેવા કરનારો જેવા હેતથી ઇચ્છે છે તેવા હેતથી દર્શન થાય છે. એવા ભગવાનમાં કાંઇ અધૂરું નથી. ભગવાન તો ભક્તને માટે છે, પણ ભક્તમાં ખામી ન હોવી જોઇએ, તો જ ભગવાન છે એ ભક્તની આગળ આવે છે. ભક્ત પાસે નાચે છે, ભક્તને રમાડે છે, ભક્તને લહેરું કરાવે છે, ભગવાનની આડું ભીંતડા શું કામ જોઇએ, ભક્ત પાસે ? ભીંતડા તો જગતના જીવ માટે છે, ભક્તને માટે ભીંતડા નથી, ભક્તને માટે તો ભગવાન તૈયાર હોય છે, સુખી હોય છે, આનંદિત હોય છે, રમાડે છે, રમે છે, દર્શન થાય છે, સારાવાના હોય છે.
આ રીતે ભગવાનના મુખના દર્શન, હાથ-પગ છાતી બધાંય દર્શનો અને એની વાણી સાંભળવી, એની પ્રસાદીના રસ જમવા, એમાં ભક્ત ગરકાવ છે, લક્ષ્મીજી ભગવાનના તમામ અંગોને ચાંપે છે, દાબે છે, સેવે છે, દર્શન કરે છે, રમાડે છે, તો એને બધાય સુખ મળે છે. એને કાંઇ સાકર શેરડીનો ગાંગડો જુદો નથી ખાવા જાવો પડતો. ઇ તો ભગવાનની મૂર્તિને ગાલે અડે અને જીભથી ચુંબન લ્યે એટલામાં તો કોઇ હજારો જાતની સાકર અને સુગંધ બધા એને મળી જાય છે કારણ કે ભગવાનની મૂર્તિમાં એ બધુંય રહ્યું છે, ભગવાનની મૂર્તિમાં કોઇ ત્યાગ-માગનો ભાગ નથી રહેતો પણ લોકરીતિ પ્રમાણે ખાવું-પીવું, રહેવું-નાવું, કોઇ શરીરના જે ખાધા પીધેલા ભાગ છે, પરસેવો થવો, કોઇ ખારું કોઇ ખાટું, કોઇ દુર્ગધ, એવી અનેક ચીજો એ તો પૃથ્વીના વિકારો છે, માટે વિકૃતિઓ વડે કરીને વિકાર પામેલી ચીજોને તો જેમ માણસો ત્યજી દે એમ ભગવાનેય ત્યજી દે છે માટે માયાના વિકારો ત્યજવા લાયક છે અને અક્ષરધામના વિકારો ગ્રહણ કરવા લાયક છે. ત્યાંની સેવા, ત્યાંના રંગ, ત્યાંના રાસ મંડળ, ત્યાંના હાવભાવ, ત્યાંની મૂર્તિને રસબસ રસિયા સાથે રંગથી ભેટવા.
ભગવાનને પોતાની છાતીનો હાર ગણી લઇ ફૂલડાના હારની પેઠે પોતાની છાતીમાં રાખે, બેસાડે, સુવાડે, ભગવાનની હારે હેત કરે ઇ હેતનો ભાગીદાર ઇ ભક્ત સુખિયો થાય છે, ભગવાનને ત્યાં તો સુખનો આનંદનો સાગર પડ્યો છે, ખૂટતો જ નથી, એવા સાગરવાળા પ્રભુ તે ભક્તને વાસ્તે જેટલું વાપરે એમાં ઓછું થતું નથી. ભક્ત ન હોય અને ભૂલથી એમ ભગતડો થઇ બેસે ને, પછી આવે તો એને થોડુંક ખળ તો થાય પણ ભગવાન જોઇએ એવો આનંદ તેને આપતા નથી, કારણ કે ભક્ત છે તે ઘણી જાતના છે, કોઇ સ્વાર્થી હોય. કોઇ નાણાં માટે ભક્ત હોય, કોઇ રોગ જાવા માટે ભક્ત હોય, કોઇ રક્ષા માટે ભક્ત હોય, કોઇ ભગવાનના બ્રહ્મમહોલ, બંગલા, સંપત્તિ, દિવ્યતા અથવા ઐશ્વર્ય મેળવવા માટે ભક્ત થયા હોય, તો ભક્ત છે એ અનેક પ્રકારના હોય છે, તો ભગવાન છે ઇ ભક્તના પ્રત્યે પણ અનેક પ્રકારે વર્તે છે, રહે છે, રમે છે, સેવે છે અને સુખિયા થાય છે અને સુખિયા કરે છે માટે પ્રભુએ ભક્તને અધૂરો રહેવા દેતા નથી. એમ જ કોઇ વાહનમાં બેઠા, ફરવા ગયા, સારી હવા આવતી હોય છે, ભગવાન કહે છે આજ તો બગીચામાં રહેવું છે, તો ભક્ત કહેશે, બહુ સારું ભલે રહેશું. ભક્ત કહેશે, મારે ઘેરે જાવું છે. તો ભગવાન કહેશે, તારું ઘર વળી બીજે ક્યાં છે ? ઓલો પરણાવ્યો છે ને તો ઇ તો મારા સારું એને પરણાવ્યો છે. કાઇ એના સારું તને નથી પરણાવી. ઇ એવો ભગત હોય તો જ તને આજ્ઞા આપી હોય કે જા પરણ એને, પણ ઇ જો શિશુપાલ જેવો નીકળે અસુર, તો મારો દ્રોહ કરે તો મારે તો આઘુ રહેવું પડે. એમાં બાધવા તૈયાર થાય, તો એવાથી લાભ ન થાય. ભક્તને લાભ મળતો હોય તોય વયો જાય. માટે ભક્તે ભગવાનને માટે તન, મન, ધન, દ્રવ્ય, વસ્તુઓ, પોતે બધું અર્પણ થઇ જવું. પ્રભુને આડું આવરણ ન રાખવું તો ભક્ત છે ઇ બધા સુખનો લાભ લઇ શકે છે. માટે ભક્તિ કરવી તો એવી કરવી સાંભળે તો ય ભગવાનનો શબ્દ સંભળાય, જીભે બોલવા જાય તોય લ્યો કાનુડો કાનુડો લ્યો. દહીં કરતાં કરતાં લ્યો કાનુડો એમ ભગવાન સાંભરે, એમ નેત્રથી જોવા જાય તો જોતાં આગળ તો દેખાતું હોય બીજું પણ એમાં આડો કાનુડો દેખાય, ભગવાન દેખાય. એવી ભક્તિ વધવી જોઇએ.
ભગવાનના ચરણારવિંદ દાબવા મંડ્યો તો અક્ષરધામના સિંહાસનમાં બેઠા બેઠા દાબે છે એટલો બધો કેફ આવી જવો જોઇએ. તો ભગવાન એને આ લોકની જે ખોટી દૃષ્ટિ છે એને મટાડી દે છે અને સાચી દૃષ્ટિને આપે છે એ સારી દૃષ્ટિ વડે ભગવાન છે એ ભક્તોના મનોરથને પૂરવા વાસ્તે પોતે ભક્તના પ્રત્યે આવરણ રાખતા નથી. એટલે આવરણ રહિત થયેલો ભક્ત એ પૂરતી સેવા કરી શકે છે. આવરણવાળો ભક્ત છે તે સેવા કરી શકતો નથી. એટલે ભગવાનના તમામ લાભને લઇ શકતો નથી. માટે ભક્તજને પૂર્ણ લાભ લેવો તો પતિવ્રતાપણું રાખવું, સેવા માટે કોઇ રૂપિયાથી સેવા કરે, કોઇ દાણા-પાણીથી, કોઇ રસોઇ જમાડવાથી, કોઇ દાબવાથી સેવા કરે, કોઇ દર્શનથી સેવા કરે અને કોઇ તદાત્મ્ય ભાવથી એટલે હું ઇ ભગવાન અને ભગવાન ઇ હું, મારામાં ભગવાન છે અને ભગવાનમાં હું છું. આવી રીતની ભાવના વડે કરીને સેવનારો ભક્તજન તે પૂરતા આનંદને મેળવી શકે છે અને દર્શન કરી શકે છે. એમ ભક્તજને પૂરતી રીતે દર્શન કરવા, સેવવા, આનંદ લેવો અને તન્મયપણું, તદાત્મકપણું છે ઇ ભક્તનું પૂરે પૂરું ગ્રહણ કરી લેવું. જરા તરાએ’ય અધૂરું ન રાખ્યું ભગવાન પોતાનું સામર્થ્ય, ચમત્કાર, ઐશ્વર્ય, અંજવાળું, શક્તિ, સ્નેહ, પ્રેમ પૂરેપૂરો આપે છે અને ભક્ત ગ્રહણ કરે છે, ગ્રહણ કરે પછી એની ભક્તને માટે તમામ સંપત્તિ થઇ ગઇ. એટલે ઘરબાર ઓરડા, છોકરા, છાબરા બધું ભગવાન વાસ્તે થઇ ગયું પછી એને કોઇપણ પ્રકારે ખામી રહેતી નથી.
સુદામા ભક્ત હતો, શ્રીકૃષ્ણ રાજી થયા એટલે સોના-રૂપાના બંગલા આપ્યા, પછી સુખ સંપત્તિ આપી, પછી ઘરના બંગલા, બીજું, ત્રીજું, બધું બનાવ્યું અને ગોલોકનો ભક્ત બનાવી દીધો, એ ગોલોકમાં રહેવા માંડ્યો એટલે સુદામા, ઇ ભગવાનનો સેવક, પાર્ષદ ગણાણો. માટે ભગવાનની ભક્તિ કરે તે પ્રભુના ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. ભગવાન તેને બધા ઐશ્વર્યો આપે છે, સુખી થાય છે અને પૂરેપૂરી સંપત્તિ ભગવાન તેને આપે છે, તેને માંગવી પડતી નથી, એટલે પ્રભુ આપે છે, લ્હેર કરે છે, સુખી થાય છે અને ધામને વિષે ભગવાનના ભક્તો ભેગો ખાય પીએ રમે છે. માટે પ્રભુ ભેગું રહેવું, પ્રભુના ધામમાં જવું, પ્રભુની સંપત્તિ વાપરવી, પ્રભુને દિવ્ય દર્શને દેખવા અને પ્રભુમાં જે કાંઇ છે તે મારું છે એમ સમજી અને પ્રભુએ ભગવાનના સામર્થ્ય, ઐશ્વર્યો વાપરવા. દર્શન છે, પ્રસન્ન છે, ભક્તિ છે, માળા છે, કીર્તન છે, એમ ભગવાનના અનેક પ્રકારના ભક્તિના ભેદ છે ઇ એના પ્રેમના પ્રવાહને અનુસારે વિશેષ વિશેષ થયા કરે છે. માટે વધતાં જાય, ઓછું ન થાય, આનંદ થતો રહે અને દિવ્ય ભાવ વડે સેવાય આ રીતે ભગવાનને સેવવા.