સદ્ગુણોથી જીવને સાધુ બનાવવાની રીત - દરેકમાં અવગુણ નહિ પણ ગુણોને જોતા શીખવું
જેનામાં એકાંતિકપણાનો સદ્ગુણ હોય એવા સત્પુરૂષ પાસેથી સેવા ચાકરી વડે પુણ્ય લીધું હોય કે આશીર્વાદ લીધા હોય તો ધાર્યુ ઇચ્છ્યું કોઇપણ પદાર્થ મળે. જીવની ટેવ એવી ઘડાઇ ગઇ છે, મારું અને તારું બાળપણથી બાળકમાં એવા સ્વભાવ પડી જાય છે, મારું - તારું. આંખ સારું ય જોવે છે અને નરસું ય જોવે છે, હવે એનો સ્વભાવ પડી જાય છે સારું અને નરસું બેય જોતાં રેવું. પછી નરસી ચીજો ઉપર ઝાડવામાં કાગડો બેઠો હોય ને જેમ નવું ઝાડ થાય બીજું, એમ આ નરસુ જોનારામાં નવું ઝાડ એટલે નિંદા, બકવાસ, હલકાઇ, તોછડાઇ, દેખી ન ખમે ઇ કાગડાની ચરક જેવા ઝાડવા થાય. ‘પરાંચિખાદીક વ્યતૂનત સ્વયંમભૂસતત્ પરમ પશ્યન્તે નાંતરાત્મન’.
બ્રહ્માને દૂરબીન ઘડતા બેય કોર આવડતું હતું પણ તેણે એક કોર દૂરબીન ઘડીને એક કોર સાદો કાચ રાખ્યો, એટલે આંખોની દૂરબીન બહાર ઘડી. પરાંચિખાદિ, ખ એટલે બખોલ, આંખની બખોલ, કાનની બખોલ, જીભની બખોલ. આ બખોલ્યું બધ્યું. પરાંચિ પર તેને અંચન, પરને ગ્રહણ કરવું. એમ બ્રહ્માએ વિચાર કરીને બધાયને ઘડતર કરી દીધી છે. તેથી તત્ પરાંત પશ્યંતિ માટે પર ના સામું જોયા કરે છે, આ નરસો ને આ નથી સારો ને, આ ખરાબ, આ આવો ને, આ તેવો.
નાંતરાત્મન એટલે અંદર જીવાત્માની માંહિલી કોર ભગવાન બેઠા છે એને જોવાનો દાખડો કરતો નથી. કેમ ? તો કે જીવ કુંભારના ચાકડા જેવો છે, ચાકડા ઉપર ગારાનો પીંડો મેલે ને કુંભાર ડંડીકો લઇને બેસે પછી સરખે હાથે બરાબર ફેરવે વાંકા ત્રાસો ન થાય એમ. અંગુઠો લગાડતો જાય ને કોડિયાં ઉતારતો જાય ને દોરે કાપતો જાય, એટલે ઉપલી ઘડતર પહેલી ઉતારે, ટપલું બપલું ઇ પછી બીજું ઘડાની માલિકોર એક રાખે ને એક બહારથી રાખે ને, સામે સામું ટીપે. સુથાર છે સામો લાગ રાખીને પછી આનીકોરથી હથોડી મારે, એમ આ મનુષ્ય જન્મમાં બાહેર બાહેરનું જોવા શીખ્યો. અંદર અંદરનું પોતામાં જોવાનો ક્યારેય પણ આગ્રહ કરતો નથી કે મારામાં કેમ છે ? એટલે ઇ પરાંપશ્યંતિ, બીજાને જોયા કરે છે. સાત્ત્વિક માણસ છે ઇ પોતાને જોવે છે કે હું જે બીજાને જોઉં છું અને ત્યાં દાખલ તરીકે નિંદાને ગ્રહણ કરું છું એ વસ્તુ મારામાં છે કે નથી ? તો પોતે હુતાસણીના ઘડા જેવો હોય છતાં પણ દિવાળીના માટલાં જેવો દેખાય. હુતાસણીનો ઘડો કાદવ ભરેલો હોય, પછી મારે લાકડી, ઓલ્યો જેણે માથે લીધો હોય ઇવડો ઇ જ ગારો ગારો થઇ જાય એટલે અંદરના ઘડાને જોતો નથી. નાંતરાત્મન એટલે અંતરાત્મામાં પોતાના જીવ તરફ જોતો નથી, જો જીવ તરફ જોવા જાય તો અન્યા વાચ્વ વિગુણથ્વ એટલે હવે બીજાની વાત પડતી મેલને, તને શેનો ફાયદો ? આવું જ્ઞાન થવા માંડે ધીરે ધીરે, હું મારી સાધના તો કરું ? કેટલી કરું ? એમ જો થોડું થોડું અંદર જોવા બેસે છે તો એનામાં સંતના ગુણ આવવા માંડે છે.
આજ તમને સભામાં વિશેષણ આપીને કહ્યું કે, ઓહોહો આ સાધુ જેવા પુરુષો, કેટલા હરિભક્તો ખેંચાઇને આવે છે, એના હૃદય કેટલા સાફ હશે ? એવી એવી વાતો થઇ. સંતમાં જો અવગુણ જોતો હોય તો એ માણસ એટલો ખંચાય નહીં. આ સાધુ અને આશ્ચર્ય ? અરે વાહ દેશ-પરદેશ જાત્રા પરથી આવ્યા છે બધા નવા નવા જોયા. ક્યાંથીન ? ક્યાંથીન ? ક્યાંથીન ? પૂનાના માણસો જોયા, મુંબઇના જોયા, સુરતના જોયા, કાન્દીવલી, કોઇ થાણાનો, કોઇ વડોદરાનો. તો વળી કોઇ દુબઇનો, કોઇ મસ્કતનો કે ક્યાંય નો ક્યાંય વિલાયતનો. ગામડાંનાં, શહેરના. આ બધું ક્યાંથી થાય ? કાઢ્યું ક્યાંથી આ બધુંય ? આ બધુંય આવ્યું ક્યાંથી ? એ હકીકત એવી નીકળી કે, તમારી દૃષ્ટિઓ ચોખ્ખી શુદ્ધ છે. તમે સંતોના ગુણનો દેખો છો, અવગુણને દેખતા જ નથી. માટે અહીંયા આટલા ખેંચાય ને આવો છો, એથી થાય છે કે જરૂર કાંઇક સત્સંગ કરવામાં હવે જોશ છે.
એક વાણિયાણી જૂનાગઢથી બેઠી રેલગાડીમાં. અમે સેકંડમાં બેઠા અને ન્યાં જ સામી આવી. અમે જામનગર ઊતર્યા ત્યાં સુધી ઇ એય બેઠી, જામનગર ઊતરી. હવે કરવું શું ? જવું ક્યાં ? અમારે વહુજી બહુ સારા છે હો, સગડી એવી સળગાવે, કોલસા એવા સળગાવે કે ધૂમાડો જરાય એય ઘરમાં ના થવા દે. એવા સારા. ત્યાં વળી બીજી કેય, અમારે તો કહે એવું નથી કરતી, તાં વળી આવડી આ કેય અરે અમારે તો શાક ને રોટલી ને ભાત ને એવા મજાનાં સારા સારા કરે. તે ઇ રસોઇના વખાણ છેક જામનગર સુધી હાલ્યા. હવે જો એનો જીવાત્મા તન્મય એટલે શરીરને અંગે જે કાંય તન્મય ઘડાઇ ગયું. ત્યારે ભગવાનના ભક્તો હોય એને ભજન ગમે. જીભ તો બોલકણી હોય પણ ઇ બોલકણીને બંધ રાખીને ભજનમાં રહેવું ગમે. જરૂર જેને એમ થાય છે કે મારે ભગવાન પાસે જવું છે કે ક્યાંક મોક્ષમાં જવું છે તો એની જીભ જરૂર સારું બોલે, નરસું ન બોલે. એક દાખલો એવો વ્યાખ્યાનમાં દીધો’તો કે પાસે પાસે તો વાહવાહ ને પછી થોડાક આઘા જાય તો ઉંહ, એ થઇ રહે, ન્યાં મીંડું. એવા સ્વભાવના પણ કેટલાક માણસો હોય છે. વ્યાખ્યાનમાં આજ આવ્યું’તું. હવે ઇ ઉંહ કરે એટલે આગલું ભૂંસાઇ ગયું, એમાં દીધેલું વ્યાખ્યાન ભૂંસાઇ જાય એમ ભૂંસાય ગયું, સાવ ખાલી થઇ ગયું, કારણ કે એનો જીવ ઇ માંયલો છે, ઉપલી દૃષ્ટિ દેખનારો છે. ઉપલી એટલે દોષની.
જ્યારે સારી દૃષ્ટિને દેખનારો જીવાત્મા છે ઇ જરૂર સાધુ થાય છે, સાધુના જેવા ગુણ એનામાં પ્રગટ થાય છે. સમદૃષ્ટિ થાય છે, કે ભાઇ આ આના માટે ને આ આને માટે. બધા સરખા છે, તે દેવા દોને, આને માટે કંઠી રાખું તો ઓને માટેય રાખું ને, ઇ જે આવ્યો ઇ પહેલો લાભ લઇ જાય. કંઠી રાખવી જોઇએ, ગુરુએ દેવી જોઇએ, તાં વળી ચંદનની ગોળીમાં જીવ જાય કે, આ ગોળી ચંદનની બહુ સારી છે, સુખડવાળી છે, સૂંઘવામાં આમ પીળી ધમરખને શું ? આ તો ફલાણા વાસ્તે રાખવી છે, બહુ વાલો ચેલો છે, તો આ ફલાણા આવશે ને એને આપણે આપશું. હવે તારે ફલાણા આવશે ને, ઓલા આવશે, સમદૃષ્ટિ થઇ ત્યાં શું, ફલાણા ને શું બીજા ? આવી ભાવના એવી ઊંચી થઇ જાય છે કે એનામાં નાની મોટી દૃષ્ટિઓના ભેદભાવ છે ઇ શમી જાય છે, પછી સુખ-દુઃખ શમી જાય છે. પછી આ સંસાર સારો ને નરસો એવુંય શમી જાય છે.
મુંબઇના ભિક્ષુક ભિખારી છે, તીર્થોના ભિખારી છે તે જાત્રાળુઓની પાછળ દોડ દોડ જાતા હોય હો, ટોળું મળીને જાતાં હોય કે એય તમે તો ભારત સરકાર છો, તમે તો દાનેશ્વરી છો, તમે તો રાજા છો, તમે તો અન્નદાતા છો, એક પૈસો લાવો. ત્યાં આઠ દસ જણાં એની વાંહે ઘેરો કરીને જાતા હોય. ઓલ્યો જાણે દસ પૈસા ઘોળ્યા. આ પાપ અહીંથી જાય તો. તો એકાદાને એક આપે તો બીજા દસ દોડે, હેય પણે નીકળું, મળ્યું કાંય ? પછી એના દોડ્યા જાવાના અમુક ઠેકાણે સીમાડા હોય છે, એની પાછળ ક્યાં સુધી જાવું, તો સામું ટોળું પાછું એની વાંહે આવતું હોય એ સીમાડામાં સામે ઓલિકોર ન જવું, પાછું વળી જવું. પછી એમ બોલે કે, યે મખ્ખીચુસીયા કયા દેગા, કંજૂસ હૈ. યે તીર્થકા હડાહડ પાપી હૈ, યે પાપી ક્યાં દેગા ? વળી બીજાને એમ કેય, અરે છોડ દો ઉસકે પીછે સે લૌટ આઓ, મત જાઓ ઉધર, ઇસને કભી પુણ્ય નહીં કીયા હૈં, તીર્થ મેં આયા પુણ્ય કહા સે કરેગા ? પાપ હી કરતા હૈ ઔર પાપ હી દેખતા હૈ, એક પૈસા નહીં કાઢતા. હવે બોલો વહી અચ્છા હી થા ઓર વહી બુરા હો ગયા. એમ જીવને સ્વભાવ પડી ગયો છે આગલા ના ઉપર સારું અને નરસાની ટાપટીપ કરવાનો. એટલે પછી મોઢું બહું સારું હોય, ઉજળું હોય, ચંદ્રમા જેવું રૂપાળું હોય પણ ખીલ નીકળવા માંડે, પંદર, સોળ વરસનો થાય ને દેખાઇ છે સારો પણ જ્યાં ફોડકાં નીકળવા માંડે એટલે મોઢું કહી દે કે હવે ખરબચડું થયું. બગાડી નાખે મોઢું ઓલા ખીલ. એમ દૃષ્ટિ, સારો વિચાર, પવિત્રતા, દુર્ગુણ, જેને આપણે ગણ્યા હોય, શીખી લીધું હોય કે આનું નામ દુર્ગુણ અને આનું નામ સદ્ગુણ, તો ઇ દુર્ગુણને વિચારવાનું કામ શું ? એને સંભારવાની જરૂર શી ? બીજામાં છે એને જોવાની જરૂર શી ? પછી ડહાપણ કરવાની જરૂર શી ? વચ્ચે પડીને હેં ? હે શું ! ઓલ્યો કહે, ગ્યા ! વો હમ હી તો હૈ. ઓલ્યો હેં કરે ને આ હમ્મ કરીને બેસી જાય. હેં એ શું કહ્યું ? એ તો આ વાવાઝોડું થયું તે મોતીબાગની કેરીયું પડી ગઇ ! હેં ? હા એ ખરું કેરીઓ પડી ગઇ. તો કહે હા એ મેં જાણ્યું, કોક દિ’તો સાંભળતો હોય એનું કરને, નથી કેરી ખરી આમાં હતું કેનું ? પણ જીભ બોલ્યા વિના રહેતી નથી, બહારના વિચાર કરે છે, અંદરનો વિચાર કરતી નથી, ઘરેથી નીકળીને મંદિરે જાવું છે, દર્શન કરવા જાવું છે, ત્યાંથી એવો નિયમ લીધો હોય કે આ જીભને કોઇને હારે બોલવા દેવી નથી, માલિકોર ભજન કરતી હાલી જાય ને ભજન કરતી હાલી આવે, તો જોઇએ ઇ ભક્ત કેવો ખબરદાર ! બળવાન મુક્ત ! કો’કનું કલ્યાણ કરે, કોકને પાણી પાય તોય એનો મોક્ષ થાય; તો આંખની અડખે પડખે ક્યાંય જોવા દેવું નથી, છેક ભગવાનની મૂર્તિનું દર્શન કરવું છે, બીજું કાંઇ જોવું નથી, એટલે જરૂર અભ્યાસ થઇ જાય છે. પ્રભુની મૂર્તિ દેખાયા કરે ને હાલતો થાય એની વાહે વાહે દોડે.
આવા આવા ભક્તજનો પોતાના શરીરમાં ઇન્દ્રિયો અંતઃકરણ છે તેને કારેલાંના શાક જેવા કડવાં છે તેને ધોઇ ધકોઇને સાફ કરીને કડવું કાઢી નાખીને એને મીઠાશ આપીને, ગોળ થોડોક આપીને, મજાનું શાક વઘારે તો ભોજન કરવા લાયક થઇ જાય છે. થોડું વધારે ખાઇએ તો પેટનો દુઃખાવો મટી જાય છે એવું શાક છે. એમ આ દોષની માલિકોરથી જીણી જીણી જેવી તેવી જે આપણી એને હલકું પાડવાની કે પોતે હલકું થાવાની પોતાને ટેવ છે એ કાઢી નાખે છે તો જરૂર આ જીવ સાધુ થઇ જાય છે. સંત થાય છે ને સંતની ભેગો રહી શકે છે અને સંતના જેવું કાર્ય કરી શકે છે અને સંતના જેવા સદ્ગુણો વાપરીને બીજા જીવને પાવન કરી શકે છે, માટે ભગવાનના ભક્તે બેવડી કંઠી લીધી ત્યારથી એમ જાણવું કે મારે તો પાવન થાવું છે, પવિત્ર થાવું છે, પવિત્ર વિચાર કરવો છે, પવિત્ર સંતોની સાથે રહેવું છે, સંતના હરેક કામકાજ, ક્રિયા, પ્રવૃત્તિ, બોલવું, ચાલવું, રહેવું, ભગવાનના લાડીલા છે, એનામાં ભગવાન વસેલા છે માટે ભગવાનની ક્રિયાની પેઠે નિર્ગુણ થયા એવા સત્પુરુષ છે, એના સ્પર્શ વડે પાપ બળી જાય છે, એના પગને અડવા વડે કરીને તણખલા, ખણખલા, વૃક્ષ-વેલ એ પણ ઉત્તમગતિને પામનારા થાય છે. એવા ભગવાનના સંત પુરુષો છે તે ક્યાંય દૂધની ટબૂડી જમ્યા, તો જેનું દૂધ હતું એવી ગાયો ભેંસો ઇ જીવનું પણ બહું રૂડું થાય છે, અતિ રૂડું થાય છે. ઓહો ! આવા સાધુ ! એટલો સદ્ગુણ આવી ગ્યો તો એ જીવ પરમપદનો અધિકારી થાય છે, કલ્યાણનો અધિકારી થાય છે, માટે હવે બીજું તો શું કહેવું ? પણ આમાં પાંચ પચીસ, પચાસ હજાર, બે હજાર, પાંચ હજાર જેણે મંદિરમાં આપ્યા, સેવા કરીને કમાણીમાંથી આપ્યા, ભલેને સ્વાર્થને માટે કરીને કે મારું પરદેશમાં જવાનું થાય ને કમાવાનું થાય, આશીર્વાદ ફળી જાય તો પહેલો મહિનો પાંચ હજારનો આવે તો પહેલું ભગવાનને આપી પણ દે અને પછી તો કમાવા ગ્યો છે તો ભેગું કરે, કુટુંબ વાસ્તે ગયો હોય છે તો એને આપે, સાચવે, પોતાનું દારિદ્રય ટાળે પણ ભગવાન લેખે કમાણી થોડીક કરી હોય અને ઇ આપ્યું હોય તો સ્વાર્થ, પરાર્થ કે રાજીપા વાસ્તે આપ્યું હોય કે પોતાના વિઘ્ન દૂર કરવા વાસ્તે આપ્યું હોય પણ આપ્યું તો ભગવાનને ને ? માટે પ્રભુ રાજી થઇ જાય છે. રાજીપાનું ફળ, એનું વર્ણન ન થઇ શકે એવું હોય છે, એટલું બધું ફળ એનું મળે, હજારોગણું ફળ મળી જાય.
મેં જામનગરમાં સોનાની લગડિયું દેખી. સોની કહે, આ તિજોરીમાં સોનાની ગિનિયું છે, અહીં હાથ અડાડો, હાથ અડાડો. હવે વય ગઇ બધી. વીસ પચ્ચીસ વરસ થયા પછી બધી વઇ ગઇ, મેં ઊંડો વિચાર કર્યો કે વય કેમ ગઇ ? કમાણીમાં તો જાય; પણ ઝાઝો એનો ઉપયોગ દેવને રાજી કરવા વાસ્તે કરી ચૂક્યા નહીં હોય તો એમ થયું હોવું જોઇએ; એમ બને. એમ તમારી અરબસ્તાની લગડિયો છે ને, એ લગડી જો આ એક એક પણ ભગવાન લેખે વપરાઇ ગઇ હોય તો પછી ઓલી લક્ષ્મી શુદ્ધ થઇ જાય અને નહિ તો એક કોર દાન દે ને એક કોર ગુરુમહારાજને લૂંટી જાય તો હવે બેમાં કેના વખાણ કરવા ? પછી એમે ય બને કે, એક કોર દાન દીધું ને પુણ્ય આવે ને માંડ સરેડે ચડ્યો હોય. એકકોર કોકનું લઇ લીધું હોય એનું આવે પાપ, એટલે ઓલું હાલતું હોય ઇ બધુંય ભાંગી જાય. આવું થાય છે, બને છે, દાખલા ઘણાય છે દુનિયામાં. શાથી ? તો કે જીવ અલ્પજ્ઞ છે; થોડો છે સ્વાર્થી છે, ગણકારતો નથી. ઇશ્વર હવે શું કરશે ? હાલોને દઇ દયોને, વાપરી નાખોને. એટલે ત્યાં પડે ગાબડું મોટું, ગાબડું પડે કે ઉલટી કમાણી સાવ બંધ. આવી કમાણીના દાખલા કેટલાયના હાલ્યા ગયા, વયા ગયા અને દેખાતા નથી માટે એને દેખાય ને આપણને સુખ આપે, એવા રાખવા હોય તો જરૂર એમાંથી દસમો વીસમો ભાગ પણ ભગવાન લેખે કરવો, સેવા કરતી જાવી. આ વાત બરાબર સમજીને પણ ચૂકી ગયો તો દેવામાં બુદ્ધિ ગાબડું પડી જાય અને પછી બાખું પડે. પછી મને પૂછે આ શું ? ફલાણું થયું, ઢીંકણું થયું ! શું કરવું પણ હવે ? આડા હાથ દેવાય જાય ને ખરાબ ફળ આવ્યું એટલે એમ થાય.
માટે પ્રભુની ભક્તિ કરવી એ જીવના ઉત્કર્ષતાને વાસ્તે કરવી, ચોખ્ખાઇ માટે કરવી અને સારા ખજાના માટે કરવી પણ નબળા ખજાના માટે નહીં, નબળા ખજાનામાં ઉતરવા મંડે છે ત્યારે એને ખબર નથી રહેતી કે શું કરવું ? માટે નબળો ખજાનો ના મેળવવો, સારો ખજાનો મેળવવાનો. તો કુટુંબનું કલ્યાણ થાય, સારું થાય, સાજા નરવા રહે, કોઇ રોગ ન આવે અને કમાણીનો પૈસો લેખે ય લાગે. એવું ના હોય તો કમાણીનો પૈસો તો ઠીક આવ્યો હોય પણ પછી દેવાઇ નહીં. વરસ દિવસ થાય ને ત્યાં મંડે પટારાં ખાલી થવા, અને પછી થાય મૂંઝવણ. હવે શું કરશું ? આશીર્વાદ લેવા આવે. બહુ સારું બાપા આ લાવ્યા સાકરનો પડો, ફૂલનો હાર. હું કહી દઉં કે આ ભલે લાવ્યા, બધુંય પડ્યું છે. લે સાકરનો ગાંગડો ને થા વેતો અહીંથી.
એક જણો ઉપડ્યો તે ઠેક સમુદ્રની ખાડીમાં જ્યાં બંદર છે ને ત્યાં હાર ચડાવવા ગ્યો. એ ભાઇ ! પણ ઓલો જણ એવો પાકો ને ! હારે ય લઇ લીધા એને ત્યાં શીરો પૂરી જમી આવ્યા, એક બે દિ રહી આવ્યા, હવે આમાં આટલી આ સેવા કરો ને ! અરે ! સ્વામી, રૂપિયાના ઢગલાં છે ત્યાં તો, તમે કહો એટલી સેવા કરીએ. શું રૂપિયાના ઢગલા છે ત્યાં તમે કહો એટલી સવા કરીએ, આ શિરા પૂરીની. પછી કાંઇ આપ્યું નહીં, કાંઇ ન આપ્યું હો. જીવે છે હજુ ! ક્યાં ગયું બધુંય ? એ તો કોણ જાણે ? મગફળી ચોરાઇ ગઇ એમાં વયું ગયું. એટલે જીવને સાધુ જેવો બનાવવો. સદ્વૃત્તિથી બનાવવો, આપણું તો કલ્યાણ થાય પણ છોકરા, છાબરા, પરિવાર બંનેનું થાય. બધાય પ્રભુને રસ્તે ચડે એવું કરવું.