ભક્તને સુખી થવાની રીત - ભગવાન લેખે કરે એ સુખિયો, નહિ તો દુઃખિયો
ભગવાનને ઓળખવા, ભગવાનને સેવવા. આ જગત માયામય છે, તેમાં જીવાત્મા પ્રભુનો ભક્ત થઇ અને કલ્યાણને માટે જો તન, મન, ધન વડે સેવા કરનારો થાય તો પૂર્વના કર્મો સમાપ્ત થઇ જાય અને ભગવાન લેખેના નવા બંધાય અને ધામમાં જવાય. એક જન્મે કલ્યાણ થાય, મોક્ષમાં જવાય. આ લોકના બંધન બધા છૂટી જાય, એમ પ્રભુના મહિમા વડે બધું થાય છે. કુટુંબ, સગા-સંબંધી જન્મ દેનારા છે, મોટા કરનારા છે. પણ દેહના સંબંધી છે અને શરીરને અંગે વર્ણ આશ્રમ બાંધવા જોઇએ તો વર્ણમાં એકલું ચાલે એવી રીત આ જગતમાં નથી. જગતની રીત પરમેશ્વરે, બ્રહ્માજીએ, દેવતાઓએ, ઋષિમુનિઓએ, માવતરોએ બેવડી કરી છે એટલે વરવું, પરણવું જોઇએ અને વરવું, પરણવું તે યુવાન અવસ્થાને અંગે છે અને યુવાન અવસ્થા તે કમાણીને માટે છે. પછી યુવાન અવસ્થામાં બળ પણ હોય, કમાણી કરી શકે, સારા વિચારો આવે, પોતાને બળ વડે પોતે પોતાના ટેકા પર ઊભા રહી શકે એવી તાકાત પરમેશ્વરે આપી છે. એની સાથે બાર, પંદર વરસ, વીસ વર્ષ સુધીમાં દેશી ભાષા આવડી જાય, સેવા-ચાકરી આવડી જાય, કામકાજ આવડી જાય, એકલા રહેતા, મજૂરી કરતાં, કોઇ સારા કામકાજમાં આગળ વધી જવાય એ બધું’ય પંદર, વીસ વરસની અવસ્થામાં થાય છે અને તેમાં પોતાના આત્મબળે કરીને જો વર્તનારો હોય તો એ સુખિયો રહે છે.
આત્મબળ વિના સગા-સંબંધી, ભાઇ, માવતર, કુટુંબ-પરિવાર, મિત્ર એનો ટેકો રાખીને જો વર્તવા લાગે તો એ કહે એમ કરવું પડે અને એ અંગે એને બધાં કોઇ કલેશ કરનારા હોય તો એનો કલેશ આ આધાર રાખનારને પણ નડે, માટે આધાર રાખનારે પોતાના પગ ઉપર ઊભું રહેવાય એમ કમાતા થકા પોતાના ઘરબાર નિર્વાહ કરવો અને સુખી રહેવા શીખવું. આમાં ઓચિંતા ઉપડી જાય છે ત્યારે કોણ કેની સાથે જાય છે ? કોઇ જાતા નથી. સૌનું ભલું કરવા વાસ્તે ઇચ્છતા હોય એવો જે જણ તેનું પરમેશ્વર ભલું કરે છે અને પરમેશ્વરની ભક્તિ કરતાં કરતાં એ ઓળખાણને અનુસારે ભગવાનના નામ, ભજન, કીર્તન કરતાં રહેવું અને મન છે ઇ તો મૂંઝવણ આપે, કારણ કે બધુંય પરાધીન છે. દેહ પરાધીન સાજું હોય તો કામ થાય, નકર ન થાય, ઇન્દ્રિયો-અંતઃકરણ પરાધીન, ઠેકાણે હોય તો સારા કામ થાય, ઠેકાણે ન હોય તો મૂંઝવણ ઊભી થાય અને એ વખતે પોતે સંતની પેઠે જ્ઞાનીપણું વાપરવું કે દેહ ભગવાનનો છે, જીવ ભગવાનનો છે, જીવ ભગવાન પાસે જાવાનો છે. દેહ પૃથ્વીમાં ભળી જાવાનો છે અને હું જે કાંઇ સારી કમાણી કરીશ તેણે કરીને પરલોકમાં જાઇશ. એમ ખબરદાર રહેતા રહેવું.
માવતરની ઓળખાણ થઇ, પ્રભુની ઓળખાણ થઇ, ભગવાનની ઓળખાણ થઇ, સારાવાના બધાં’ય છે, માટે પુણ્યનું બળ જબરું છે અને પુણ્ય કરીને સુખી રહેવા શીખવું, દુઃખી ન થાવું, કાંઇ કમાવું એને સારે રસ્તે વાપરવું, પોતાની રીતે વાપરવું નહીં, અને બહુ ઝાઝા જ્યાં ઝઘડા, કલેશ થાતાં હોય તો થોડાં ઘણાં એને માથેથી ઉતારી રાખવા. એવી સ્ફૂર્તિ રાખવી. માટે ટાળવા શીખવું પણ વધારવા ન શીખવું. ઝઘડા વધારાય નહીં, સુખી રહેવાય, દુઃખ જાય અને સંપત્તિ મળે, કમાણી મળે, ઘરબારી થવાય, કુટુંબ- પરિવાર વાળા થવાય, એ બધાયમાં સુખ, સંતોષ, શાંતિ રાખે અને ભગવાન ભજતાં રહેવા, માળા ફેરવવી, ભજન કરવું, એકાદું કીર્તન શીખી રાખવું, કંઇ વાંચવાનું કરવું. એમ ભગવાન લેખેનું કરી રાખે ઇ સુખિયો. નહીં તો સદાને માટે દુઃખિયા થાય. કારણ કે પરાધીન રહે ઇ દુઃખિયો. સ્વાધીન રહે ઇ સુખિયો. માટે સ્વાધીન થાવા શીખવું અને જન્મ પછી અને યુવાન પછી અને વૃદ્ધ પછી સુખ દુઃખની લહેરું બદલે છે.
કેટલાક પરાધીનતાના દુઃખ હોય બાળપણમાં ઇ વયા જાય. સ્વતંત્રતાના સુખ આવે, ઇ ય વળી અમુક થોડાંક વર્ષો સુધી વર્તે પછી વયા જાય, એમાંય પરતંત્રતા તો વાપરવી પડે પણ ભગવાન રાખ્યા હોય તો એને પરતંત્રતા ન આવે. માટે પ્રભુને ભજવા, ઘડીક માળા ફેરવવી, ઘડીક ભજન કરવું, ઘડીક ધ્યાન ભજન કરવું, બધાના વિચાર મગજમાં ન ફેરવવા. મગજમાં વિચાર ફેરવ્યા કરે તો એને વિચાર વડે કરીને અસંતોષ થાય અને કેવળ દુઃખ ઉપજે, માટે ભગવાનનું ભજન કર્યા કરવું.