પ્રેમલક્ષણા ભક્તિનું ફળ - ભગવાનના દિવ્ય સુખનું વર્ણન
જીવાત્મા ભગવાનના ગુણ ગાવામાં ક્યારેક પાછો પડી જાય છે કારણ કે આ લોકનો ડર લાગે એટલે પૂરા ગુણ ગાઇ ન શકે. ઇ ભક્તિની સેવાઓ આઘે રહી રહીને થોડી થોડી થાય છે. પછી વધારે સેવા કરવી હોય તો સારા મિષ્ટાન્ન કરે, કોળિયા ભરી ભરીને મોઢામાં મેલે, જમાડે, ગાલે ચુમ્મા લ્યે, ભગવાનને બહુ વધારે રમાડવા હોય તો બથ ભરી લ્યે ને જે મરડે ને મલ મરડે એમ. એમ પ્રભુને સ્પર્શ વડે કરીને ય પણ સેવે છે, હવે ઇ સેવાય જેમ રંગે રમવા, એકબીજાની છાતીએ ભીડીને મળવા. એમ ઘણા પ્રકારની સેવાઓ ભગવાનને માટે હોય છે. એ બધા સત્કર્મો પ્રભુની દિવ્ય લીલા-ક્રિયા રૂપે થઇ. પછી વ્યાસજી, શુકદેવજી, સનકાદિક, લક્ષ્મીજી, રાધિકાજી વિગેર વગેરે જે જે ભગવાનના એકાંતિક ભક્તો થયા, ઉદ્ધવજી; એ ભગવાનના એકાંતિક ભક્તોએ ભગવાનની પાસે કાંઇ પણ આડપ ના રાખી. પછી શાસ્ત્રો લખે છે કે, નવ પ્રકારની ભક્તિ કરવી અને એ ભક્તિ વડે કરીને ભગવાન રાજી થાય કે આ મારો ખરેખરો ભક્ત છે, લક્ષ્મી જેવો ભક્ત છે, મારી પત્ની જેવો ભક્ત છે. મને ખૂબ વિલાસ, ભોગ, આનંદ, સંભોગ, સ્વાદ, રસ, મીઠાશ વગેરેમાં રમાડે એવો ભક્ત છે. એ ભક્તને મારી મૂર્તિના અનેક સુખ જોઇએ છીએ, તો પછી ભગવાન એની પાસે કોઇ જાતનું આવરણ રાખ્યા વિના બધી રીતે રમે છે, રમાડે છે અને તેને સુખી કરી દે છે કે જે બ્રહ્મલોકને વિષે મુક્તજનો સુખ લ્યે છે તેવા સુખ આપે છે. એ આપવાની કૃપા લેતા આવડવું જોઇએ.
જે ભક્તને સૂગ ચડે, છી છી કરે, ન ગમે, આવા તે શું ભગવાન ચિંટીયા ભરતા હશે ? એવા પ્રકારનો ભક્ત હોય ત્યાં કૃપા પાલવે નહીં, ઓછી થાય. માટે ખરો ભક્ત થતો જાય, તેમ તેમ કૃપા પાલવતી જાય. બધી ક્રિયાઓથી ઉપરવટ થઇને કૃપાળુ ભગવાન થાય ત્યારે ભક્તને કહી દે કે હવે હું કહું એમ કર, તારું કહ્યું હું નહીં કરું. મારું કહ્યું તું કર. આવી રીતની કૃપા થાય અને એ કૃપાને ઝીલતા શીખે તો સ્નેહનો સાગર રેલી દે અને એ સ્નેહ, પ્રેમ, પ્રીતિ ત્યાં પછી પડ આડું રહેતું નથી. એ પ્રીતિ વડે કરીને ગોપીયું શ્રીકૃષ્ણની સેવા કરી ગઇ અને એના ગોલોક ધામમાં પત્નીઓ થઇ ગઇ. એ પ્રીતિ વડે કરીને જયા લલિતાએ ભગવાનને ગઢપુરમાં સેવ્યા અને અક્ષરધામની પત્નીઓ, દાસીઓ, મુક્તાણીઓ થઇ ગઇ અને એ જ રાધા લક્ષ્મીઓ લખાઇ ગઇ અને એવી રીતે મથુરામાં કુબજા દાસી હતી અને કોકની સેવા કરતી’તી પણ ભગવાનને કહે, મહારાજ તમે મારી હારે બથોબથ રમો. હું તો ઘણા હારે આથડી પણ તમારું કામદેવનું સુખ મને આપો. તમે બ્રહ્મચારી છો પણ મારી મરજી પૂરી કરો.
ભગવાન કહે, આવશું. પછી એને ઘેર ગયા, એની ખાટલીમાં ફૂલની માળાઓ, હાર અને સુગંધ અને ચંદનને બધુંય તૈયાર કરી રાખ્યું હતું, ભગવાને કપડાં એક કોર મેલ્યા, કુબડીના કપડાં એક કોર મેલાવ્યા. ઓધવજીને કહી દીધું, તું પંખાનો પવન નાખ અને ભગવાને કુબડીને ભોગવી, સંભોગ કર્યો, આનંદ દીધો અને કુબડી સુખી થઇ ગઇ. પછી કુબડી કહે, મહારાજ આજ તમારો રાજીપો પૂરેપૂરો છે. તો ભગવાન કહે કે પણ તું વાંકળી છો તને પાંહરી કરી દઉં. પછી પગ ઉપર પગ મેલીને દાઢીએ હાથ અડાડીને સરખી કરી દીધી, લાંબી સરસ મજાની, આ રીતે કુબજા ઉપર ભગવાનનો રાજીપો થયો. પછી એના ગોલોક ધામમાં લઇ ગયા. આ જે ભક્તિ એ સ્નેહ વિના નથી થાતી. પ્રીતિ વિના નથી થાતી, રંગ વિના નથી થાતી. સર્વ અર્પણ વિના નથી થાતી. જરીકે’ય આડું પડ રાખે તો ન થાય, પડ નથી રાખતા તે ખાટી જાય છે, પડ રાખે છે તે રહી જાય છે. માટે કૃપા, સ્નેહ, પ્રીતિ, પ્રેમ, હેત એ બેય એકમેક થઇ જાય ત્યારે ભક્તિનો, સેવાનો છેડો ટકી રહ્યો, ઘાટો થઇ ગયો, સ્થિર થઇ ગયો, એથી ઉપર પછી ભગવાનની બીજી કોઇ સેવા કરવાની રહેતી નથી. આવી સેવાઓ જે જે કરી ગયા છે તે શાસ્ત્રોમાંય લખાઇ ગયા અને દુનિયામાં એના કિર્તનો’ય પણ ચાલે છે. મીરાબાઇએ ભગવાનની એવી ભક્તિઓ કરી તો મીરાને ભગવાને ગ્રહણ કરી લીધી. નરસિંહ મહેતાએ એવી ભક્તિ કરી તો નરસિંહ મહેતાની ઘરે ભગવાન આવ્યા. પ્રહલાદ અને ધ્રુવ એણે એવી ભક્તિઓ કરી તો એને ત્યાં આવીને ભગવાન બેઠા. ભીલડી ભગવાનને બોર જમાડવા સારું થઇ મહેનત કરતી’તી ત્યાં ભગવાન એની પાસે ગયા, એના બોર જમ્યા, એને રમાડી, જમાડી, પાણી પાયું, આનંદ કરાવ્યો. એ પણ ખાટી ગઇ. એમ અનંત દેવ-દેવીઓ, એ બધાં પોતાના સ્વરૂપને ભૂલીને હું તમારી દાસી છું, એમ પ્રેમમાં પડીને ભગવાનને છોડે નહીં અને કાયમ પકડી જ રાખે, પછી ભગવાનની મરજી પ્રમાણે વરતે એ છેવટની ભક્તિ છે અને તેને ઊંચા દરજ્જાની ભક્તિ કહી છે.
ગોપિયું ખાટી ગઇ, ગાય માતાઓ ખાટી ગઇ, આકાશના પક્ષીઓ કૃષ્ણને ઓળખનારા ખાટી ગયા, દેવતા ખાટી ગયા, મેઘલાઓ છે એ ભગવાન ભેગાં હરતા-ફરતા ખાટી ગયા, વાંદરાઓ ખાટી ગયા અને ઘણાં ઘણાં છોકરાઓ ભગવાન હારે ગાયુ ચારતા એ બધાઇ ખાટી ગયા, બ્રાહ્મણની બ્રાહ્મણિયું ખાટી ગઇ અને બ્રાહ્મણો રહી ગયા. એ પાણી ઉડાડતા રહી ગયા. ૐ ભૂર્ભુવ સ્વઃ બોલે, ધાબળો ઊંચો કરે, હાથ જોડે, સૂર્યને નમે, પણ આ એનો બાપો આહીં ભેગો બેઠો છે એને કાંઇ ન કરે. એટલે એને સ્નેહ વડે ભજતા ભૂલી ગયા તો કાયમ ભૂલી જ ગયા એમ લખાઇ ગયું અને બ્રાહ્મણિયું તરી ગઇ તે ભગવાનના ધામમાં એની પત્નીઓ, મહારાણીઓ થઇ ગઇ. માટે આ જગતમાં તો બધાય મરી જવાના છે, શરીર મરી જવાનું છે, સારું હોય, રૂપાળું હોય, રાજાનું હોય, રાણીનું હોય, બ્રાહ્મણિનું હોય, બ્રાહ્મણનું હોય, કુમાર હોય, સોળ વરસ હોય, અઢાર હોય, યુવાન હોય, પુષ્ટ હોય. જે કાંઇ છે એ પણ પૃથ્વીના ભોજન કરી કરી અને વિકૃતિ વાળું છે તે મરી જ જવાનું છે, બાળી દેવાનું છે, વયું જવાનું છે. એનાથી જો ભગવાનનો સ્વાદ લઇ લીધો તો ઇ તરી ગયા, એણે ભગવાનને રાજી કરી લીધા.
ભગવાન વિશ્વંભર છે. એને કાંઇ ક્યાંયથી હું સુખિયો થાઉં અને પૂરે પૂરો થાઉં એવું કંઇ ભગવાનને નથી હોતું. ભગવાન તો અખૂટ છે. અખૂટ સાગર છે, અખૂટ રસ ભર્યા છે, એની પાસે ખૂટતું જ નથી તે રસ પાયા જ કરે છે, આપ્યા જ કરે છે. ભોગ આપ્યા જ કરે છે. સંભોગમાંથી એને જ્યાં સુધી તૃપ્તિ ન થાય ત્યાં સુધી તેને નીકળવા દેતા નથી અને ઠેઠ એ બ્રહ્મલોકમાં પહોંચવાના અધિકારી થાય છે. આ મોટામાં મોટી આત્મનિવેદી ભક્તિ, શાસ્ત્રોમાં બધાને માટે ભગવાને કહી છે અને એમ કરનારા છે તે જ બ્રહ્મલોકના વતની થાય છે. છેવટે એવું કર્યા વિના છૂટકો જ નથી, પછી ભગવાન તો એય જેટલી મજૂરી કરી હોય એટલું ફળ આપે. કોઇ દંડવત્ કરે, કોઇ પગે લાગે, કોઇ પ્રદક્ષિણા ફરે, કોઇ જમાડે, કોઇ કપડું ઓઢાડે, કોઇ ઓહોહો ને વાહ વાહ કે ઝાંઝ વગાડે અને કોઇ ચીભડું ધરે, કોઇ ડોડો ખવડાવે, કાંઇનું કાંઇ આપે. એમ બધા સૌ માંડ્યા રહે છે. જીવ પ્રાણી પછી જેટલું કર્યુ હોય એટલું ફળ મેળવે છે.
આ જીવ છે એ લાલચું છે, લોભી છે, લલચાયેલો છે, બંધાયેલો છે એટલે જે જોકમાં બંધાઇ ગયો ત્યાં જાય. બકરું એની જોકમાં જાય. ગાડરડું એની જોકમાં જાય. ગધેડા, ઘોડા એની જોકમાં જાય. ઊંટિયા એની જોકમાં જાય. માણસ માણસની જોકમાં જાય અને બધા સિનેમામાં ભેગા થાય. પણ ભગવાનને ત્યાં જાવાને માટે રસ્તો ખોળે નહીં ને જો ખોળ્યો તો એને પછી આ દુનિયાની જોક પછી ગમતી જ નથી, તેને માયા ટળી જાય છે, અનંત સુખે સુખિયો થઇ જાય છે, દૂરનું દેખતો થઇ જાય, દૂરનું સાંભળતો થઇ જાય, દૂર બોલતો થઇ જાય, વચન સિદ્ધિ થઇ જાય છે. તેની આંખમાં જોનારા ભગવાન, તેના કાનમાં સાંભળનારા ભગવાન, તેની જીભમાં બોલનારા ભગવાન, તેની હથેળીમાં ભગવાન, તેના પગમાં ભગવાન, તેની રેખામાં ભગવાન, આમ ભગવાનનો ભક્ત ભગવાન સાથે એક મેક થાય છે, પોષણ પામે છે, આવી બહુ મોટામાં મોટી છેવટની ભક્તિ છે. પછી ત્યાં આ વિધિ આમ કરો ને તેમ કરોને એ કાંઇ આડું આવતું નથી. નિષેધ આમ ન કરવું ને તેમ ન કરવું. એવું જે છે તે એ ઘડતરું બધીય એ આડી આવતી નથી. મારે ભગવાન હારે બધુંય કરવું છે. તો ભગવાન કહેશે આ ભગત માટે હુંય પણ બધુંય કરું, પછી ભગવાન ભક્તને એકાંતમાં ઉપાડી જાય, કહે છે હવે બોલ, તારે જેમ કરવું હોય એમ કર, તારે કોઇ પડ આડું નહીં આવે. આ રીતે ભગવાને આ દુનિયામાં કરોડો જીવોને પોતાની શરણમાં લીધા છે, લઇ જાય છે, અને હજુ લેતા જાશે. માટે એવા ભક્ત થાવું.